શબ્દસૃષ્ટિ જાન્યુ ’૨૪ થી મે ‘૨૪ અંકોની વાર્તાઓ વિશે નોંધ
(૬૩૨ શબ્દો)
લીંબુ પાણી (દીવાન ઠાકોર)
એક આદમીની દુર્દશાની
વાત. એક સમયે જે માણસ શહેરના નામીચા માણસોને ખાણીપીણીની મહેફિલમાં આમંત્રી શકતો
હતો એ રસ્તે રઝળતો થઈ જાય છે. જે મિત્રો માટે મોંઘામાંનો શરાબ હાજર કરતો હતો એને પોતાને
પાણીના ટીપાં માટે કોઈના ઓશિયાળા બનવું પડે છે.
એની સાથે દગોફટકો
થયો નથી. અહીં કેવળ બદલાતા ભાગ્યચક્રની વાત થાય છે.
આ નિમિત્તે વાર્તાકાર
રસ્તે રઝળતા માણસોની દુનિયામાં ડોકિયું
કરાવે છે. (જાન્યુઆરી ૨૦૨૪)
ડાઘ (જિગીષા પાઠક)
મનોવૈજ્ઞાનિક
વિષય-વસ્તુ. વાર્તાના નાયકના મનમાં રહેલી દોષભાવના એને જંપવા દેતી નથી. યુવાનીમાં
એણે કોઈક પરિણીત સ્ત્રી જોડે અંગત પળો માણેલી પણ અણીના સમયે કોઈક આવી ચડતાં એણે
ભાગવું પડેલું. એ પછી તો નોકરી નિમિત્તે એની બદલી થઈ, લગ્ન સુધ્ધાં થયાં, વર્ષો
વીત્યાં પણ છતાં પેલી દુર્ઘટનાની સ્મૃતિ
એનો પીછો છોડતી નથી. નાયકના મનોભાવોનું સારું આલેખન. (જાન્યુઆરી ૨૦૨૪)
શેક્સપિયરની કહેવત (શ્રધ્ધા ભટ્ટ)
આપણાં ગામડાંમાં એક
સમયે એવી પ્રથા હતી કે કોઈને ત્યાં બાળકો જીવે નહીં એટલે કે ઓછી ઉંમરમાં જ મૃત્યુ
પામે ત્યારે એક ઉપાય તરીકે નવજાત બાળકનું નામ બગાડી મૂકવામાં આવતું. દા. ત. અધિકૃત
નામ જયેશ હોય પણ ઘરનાં જ લોકો એને “કચરો” નામથી બોલાવે. પ્રસ્તુત વાર્તામાં મહેશ
નામના બાળક માટે એની દાદીએ એવી બાધા લીધી કે એ પાંચ વર્ષનો થાય ત્યાં સુધી એણે
બીજાં બાળકોનાં ઉતરેલાં કપડાં પહેરવાનાં.
(જો કે દાદીમાએ એવી બાધા શા માટે લીધી હતી એનું કારણ વાર્તામાં અપાયું
નથી.) આવી બાધાની એક શરત એ હતી કે એનું નામ બદલીને “ભીખલો” રાખવું. (કદાચ ભિક્ષામાં
મળેલાં કપડાં પહેરે એટલે ભીખલો)
હવે આવી યોજના કરનાર
દાદીમાએ પોતાના પુત્રની એટલે કે મહેશના પિતા ચીમનની સંમતિ લીધી નથી. ચીમન કોઈ ઉપાયે પોતાના દીકરાનું નામ ભીખલો
સ્વીકારી શકતો નથી. મહેશ પાંચ વર્ષનો થાય
એ પછી પણ સહુ માટે એ “ભીખલો” જ રહે છે. સમજણા થયા પછી મહેશને પોતાને પણ “ભીખલા”
નામનો વિરોધ નથી. આમ આ વાર્તા ચીમનની મનોવૈજ્ઞાનિક સમસ્યાની બની રહે છે. વાર્તાનો
અંત સૂચક છે. વીતેલા સમયમાંઆપણી સામાજિક પરંપરાની એક ઝલક પણ મળે છે. (માર્ચ ૨૦૨૪)
ચાકડો (ગોરધન ભેસાણિયા)
માટીને પકવીને એનાં જુદાં
જુદાં વાસણો બનાવતા કુંભારને એક સામાજિક કાર્યકર્તા આધુનિક યંત્રોનો ઉપયોગ કરવા
સમજાવે છે. એવું કરવાથી ઉત્પાદન વધશે એટલે નફો વધશે જેને પરિણામે આવક વધશે એવું
સમજાવે છે. સરવાળે જીવનમાં સુખ મળશે એવું કહે છે. કુંભાર જાણે છે કે
ગામડાંમાં એના વાસણોની ખપત કેટલી છે. વળી યંત્રો માટે કરજ કરીને એણે પોતાનાં
ધંધાનું ગણિત બગાડવું નથી. એ સાફ શબ્દોમાં કહી દે છે કે ભાઈ, મને તો હાલમાં જે મળે
છે એમાં જ સુખ છે!
લોનની સગવડની લાલચ
આપીને મફતમાં વાસણ પડાવવા ઈચ્છતા કાર્યકર્તાનો દાવ કુંભાર ઊંધો વાળે છે.
વાસ્તવિક સમસ્યાને
બદલે કૃત્રિમ સમસ્યાઓ ઊભી કરતા કાર્યકર્તાઓ સમાજનું અહિત કરતાં હોય છે એ સત્ય ઉજાગર
થાય છે. (એપ્રિલ ૨૦૨૪)
પગ (પારુલ બારોટ)
સંબંધોમાં અવિશ્વાસ.
નાયિકા ડોક્ટર પાસે
ફરિયાદ કરે છે કે એના પગ એનું કહ્યું કરતાં નથી. હકીકતમાં એના સ્વજનો એની સાથે
ખોટું બોલીને અવળા કામ કરે છે. બેબી માતા પાસે ખોટું બોલીને ફિલ્મ જોવા જાય છે.
પતિ નાયિકાને અંધારામાં રાખી પરસ્ત્રી સાથે સંબંધ રાખે છે. નાયિકાના ધ્વંધ્વનું
સરસ આલેખન. (મે ૨૦૨૪)
લીલા રંગના મંડપ નીચે (કિરણ વી. મહેતા)
નગરજીવનની
યાંત્રિકતામાં માણસ એક યંત્ર બની ગયો છે. વિરંજન પણ એવું રસકસ વિનાનું યાંત્રિક
જીવન જીવી વેંઢારી રહ્યો છે. પ્રેમિકાની
સ્મૃતિઓની એક ફાઈલ બનાવીને વિરંજને પત્નીથી ખાનગી રહે એમ કરીને ઓફિસની ફાઈલો વચ્ચે
સંતાડી રાખી છે. ઓફિસમાં નિયમ પ્રમાણે કામ કરી એણે પોતાની જાતને અન્યોથી વેગળી
રાખી છે. બગીચામાં પ્રેમપત્ર વાંચતા યુવાનમાં એ પોતાને જુએ છે. એટલે જ્યારે એ
યુવાનને એની પ્રિયતમા જોડે ઘોડાગાડીમાં જતો જુએ ત્યારે જાણે પોતે પણ પ્રેમિકા જોડે
હોય એવી લાગણી એ અનુભવે છે પણ બીજી જ ક્ષણે એ પોતાની જ શોકસભા યોજાઈ હોય એવી વાત
કરીને વાસ્તવિકતામાં પાછો ફરે છે.
વ્યાવહારિક જીવનની
યાંત્રિકતાનું અચ્છું આલેખન. (મે ૨૦૨૪)
--કિશોર પટેલ, 04-06-24
10:44
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###








No comments:
Post a Comment