Monday 18 October 2021

શબ્દસર સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

શબ્દસર સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૦૫ શબ્દો)

પારિજાત (પારુલ ખખ્ખર):

રસ્તા વચ્ચે ઘાયલ અવસ્થામાં પડેલા જૂના મિત્ર આરવને મદદ ના કરી શકી એનો રૂપાંદેને અફસોસ છે. એક સમયે આરવે પોતાને દગો આપ્યો હતો એનો બદલો શું આમ લઇ શકાય? જ્યારે પાછળથી રૂપાંદેને જાણવા મળે છે કે એના પતિ રાઘવે અકસ્માતના સ્થળે સમયસર એમ્બ્યુલન્સ પહોંચાડીને આરવનો જીવ બચાવી લીધો છે ત્યારે એના જીવને શાંતિ થાય છે.           

વાર્તાનું શીર્ષક “પારિજાત” સંબંધોના એક પ્રકાર માટેના રૂપક તરીકે આવ્યું છે. પારિજાતના ફૂલોનું આયુષ્ય અલ્પ હોય છે. રાતે ઉગેલું ફૂલ છોડ પરથી સવારે ખરી પડે અને સાંજે તો ધૂળમાં મળી જાય. માણસના જીવનમાં કેટલાંક સંબંધો એવાં અલ્પજીવી હોય છે. રૂપાંદે-આરવનો સંબંધ પારિજાતના ફૂલો જેવો હતો માટે એવા સંબંધ વિષે અફસોસ ના કરવો જોઇએ એવું એક અન્ય પાત્ર રુપાંદેને સમજાવે છે.

જમા પાસું: વાર્તાનો ધ્વનિ સરસ છે અને રજૂઆત પણ સારી થઇ છે.

ઉધાર પાસું: તુમુલના પાત્રની અહીં શું આવશ્યકતા છે? જે તત્વજ્ઞાન એ રુપાંદેને સમજાવે છે એ નાયિકાના પતિ તરફથી એને મળ્યું હોત તો વધુ ઉપર્યુક્ત થયું હોત. આ વાર્તામાં તુમુલ હોય કે ના હોય વાર્તાના મૂળ વિચારમાં ફરક પડતો નથી. ઉલટાનું, એ જે વાત કરે છે તે એની ઉંમર જોતાં “છોટા મુંહ બડી બાત” જેવું લાગે છે. તુમુલના પાત્ર વડે એટલું જ સાબિત થાય છે કે નાયિકાની દીકરીને એક ડાહ્યો અને સમજદાર જીવનસાથી મળ્યો છે. પરંતુ આ વાતથી વાર્તામાં શું ફરક પડે છે? “પારિજાત” વાળું તત્વજ્ઞાન રુપાંદેના પતિ રાઘવ તરફથી મળ્યું હોત તો એ વધુ યોગ્ય લાગત. આટલી વાત કહેવા એક વધારાના પાત્રની જરૂર ન હતી. ઉલટાનું, દીકરી અને પતિની ગેરહાજરીમાં જમાઇ સાસુની સ્નેહભરી સારવાર કરતો હોય એવી વાતથી ગૂંચવાડો થઇ શકે છે.

તુમુલના પાત્રની યથાર્થતા તો જ સાબિત થઇ શકે જો પેલો ઘાયલ આરવ રુપાંદેની દીકરી માટે તુમુલના બદલે જમાઇ તરીકે એક પર્યાય હોત. આરવ પહેલેથી જ જોખમી રીતે મોટરસાઈકલ ચલાવતો હતો. તુમુલના પાત્રની યથાર્થતા તો જ સાબિત થઇ શકે જો રુપાંદેનો પતિ રાઘવ રૂપાંદેની પૂરતી કાળજી લેતો ના હોત. પણ એવું નથી. રાઘવ પોતાની પત્નીની પૂરતી કાળજી લે છે એવું વાર્તામાં પ્રસ્થાપિત થઇ ચૂક્યું છે. તુમુલે પારિજાત વિષે કહેલી વાત રૂપાંદેનો પતિ રાઘવ કહી શક્યો હોત, રુપાંદેની દીકરી કહી શકી હોત, અરે, રુપાંદેને આપમેળે સમજાઈ હોત! સાસુ-જમાઈ વચ્ચે મા-દીકરા જેવો સંબંધ બતાવવાનું સારું લાગે પણ અહીં તેની આવશ્યકતા નથી. જમાઇ જોડેના સંબંધ વિષે એક સ્વતંત્ર વાર્તા બની શકે.

ટૂંકી વાર્તામાં બિનજરૂરી કંઇ જ હોવું ના જોઇએ. આવી બિનજરૂરી વિગતના કારણે વાર્તા અસ્પષ્ટ થઇ જતી હોય છે, મૂળ મુદ્દો ઢંકાઈ જતો હોય છે.    

વિરાટનો હિંડોળો (આરાધના ભટ્ટ):

મા-દીકરાના અને સાસુ-વહુના સંબંધો વિશેની વાર્તા. માતાનું અવસાન થાય એ પછી સંપૂર્ણ વાર્તા ફલેશબેકમાં કહેવાઇ છે. આ વાર્તા એટલે એક વિદેશી પુત્રવધુ દ્વારા પોતાની સાસુ માટે થતો ઉલ્લેખ “યોર મા” થી “અવર મા” સુધીની યાત્રા.

વિદેશ જઇને ડોક્ટર બનેલો ગૌરાંગ વિદેશી કન્યા જોડે લગ્ન કરે એની સામે ગૌરાંગની માતાનો તીવ્ર વિરોધ હતો. વહુનું મોઢું જોવાની પણ માએ ના પાડી દીધી હતી. પણ લગ્નના છ મહિના પછી જયારે ગૌરાંગ નેન્સી જોડે સ્વદેશ જાય છે ત્યારે ઉષ્માભર્યું સ્વાગત કરીને માતા વિદેશી વહુને સ્વીકારી લે છે.   

વાર્તામાં મા-દીકરા વચ્ચેની સંગીતસેતુની વાત ઘણી જ સરસ રીતે કહેવાઇ છે. શીર્ષક  “વિરાટનો હિંડોળો” એટલે ગૌરાંગની માતાનું પ્રિય ગીત જે એ ઘરના હિંડોળા પર બેસીને ગાતી. સરસ વાર્તા.

-કિશોર પટેલ, 19-10-21; 06:05

###          

 

 


Thursday 14 October 2021

બુદ્ધિપ્રકાશ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તા વિષે નોંધ

 

બુદ્ધિપ્રકાશ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તા વિષે નોંધ

 

(૧૫૪ શબ્દો)

જવા દે (કંદર્પ ર. દેસાઇ):

માનવીય સ્વભાવનો તુલનાત્મક અભ્યાસ આ વાર્તામાં થયો છે. 

પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી આ વાર્તામાં કથકને ઓફિસના કામથી વતનની નજીકના ગામમાં જવાનું થાય છે. વિકાસકાર્ય માટે જમીનનો અમુક હિસ્સો સરકારે હસ્તગત કરવાનો છે પણ જમીનમાલિક  સહકાર આપતો નથી. કથક જુએ છે કે જમીનમાલિક બીજું કોઇ નહીં પણ પોતાનો પિતરાઈ ભાઇ છે. એ ભાઇ ક્થકને ઓળખી શકતો નથી! કથક પણ ઓળખાણ બતાવ્યા વિના સરકારી ઔપચારિકતા પૂરી કરે છે. 

બે ભાઈઓના પરિવારની વાત છે. એક ભાઇ ઝાઝું ભણ્યો નથી, ગામમાં જમીન સંભાળે છે, ખેતી કરીને નિર્વાહ કરે છે. બીજો ભાઇ ભણ્યો છે. શહેરમાં વસીને આર્થિક વિકાસ કર્યો છે. ગામમાં રહેનાર ભાઈ પારિવારિક જમીન ખેડતાં ખેડતાં સઘળી જમીનનો માલિક થઇ બેઠો છે, શહેરમાં રહેતાં ભાઈએ “જતું કરવાનો” સ્વભાવ કેળવ્યો છે.

શિક્ષણના કારણે માણસની દ્રષ્ટિના થતાં વિકાસ અંગે અને એના અભાવના કારણે થતી હાનિઓ અંગે વાર્તાકાર એક વિધાન કરે છે. વાર્તામાં ગામડાંનાં જૂનાં સમયની જીવનશૈલીનીઝાંખી મળે છે.       

--કિશોર પટેલ, 15-10-21; 09:41

###


Sunday 10 October 2021

મમતા સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

મમતા સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૯૬ શબ્દો)

ગ્રામચેતના વિશેષાંક, નિમંત્રિત સંપાદક: કલ્પેશ પટેલ  

દલ્લો (શ્યામ તરંગી):  હોસ્પિટલમાં સફાઇકામ કરતી મનીષાને સહકર્મચારીઓ અને દર્દીઓ તરફથી અવારનવાર છેડતીના અનુભવ થયાં છે. લટુડાપટુડા કરતા એક મોટી ઉંમરના દર્દી વિષે એનો અભિપ્રાય સારો નથી પણ એ કાકા તો ભગવાનનું માણસ નીકળ્યો. આમાં મનીષાની કે વાચકની ભૂલ થતી નથી. લેખકે વાર્તામાં કેવળ એવાં સંકેત આપ્યાં છે કે વાચકને કાકાના મનમાં સાપ રમતાં જણાય. આમ આવા અંતને ચમત્કૃતિ ના ગણતાં વાચક જોડે બનાવટ થઇ છે એવું કહેવું પડશે.          

રાંઝણ (કિશનસિંહ પરમાર): ગામડાંમાં દેશી ઓસડિયાં આપતો સોમો જાણી ગયો છે કે કકુની દીકરીને ગામના જ કોઈક બદમાશે અભડાવી છે. કન્યાના મા-બાપને દીકરીની સાચી સ્થિતિ વિષે જાણ થઇ જાય એ પહેલાં કોઈક રીતે વાતને વાળી શકાય કે કેમ એની તજવીજમાં પડેલા સોમો હજી કંઇ કરી શકે એ પહેલાં અસલી ગુનેગારને સજા મળી જાય છે. કોણ એનો ન્યાય કરે છે એ વિષે લેખકે મોઘમ રીતે કહ્યું છે. સરસ રજૂઆત.   

નાળવિચ્છેદ (રામ સોલંકી): કરુણાંતિકા. એક ખેડૂતની પોતાની જમીન સાથેની લાગણીની વાત. દેવું ભરપાઇ કરવા વેચવી પડેલી જમીનની જુદાઇ સ્વીકારી ના શકતાં રઘુના મગજ પર અસર થાય છે. અસરકારક રજૂઆત.  

વસુંધરાને ખોળે ભણતર (નટવર આહલપરા): આ વાર્તા નથી, ગામડાંમાં શિક્ષણકાર્ય કરવા તત્પર એક શહેરી દંપતીનું અને ગામડાના એક આશ્રમના બાપુનું પ્રશસ્તિગાન છે. 

નટુની નટાયણ (ભરત ચકલાસિયા): હાસ્યવાર્તા. ગામની એક કન્યાને પટાવવાનાં પ્રયાસમાં નટુના નટબોલ્ટ ઢીલાં થઇ જાય છે.      

ખોટા રસ્તે (પ્રકાશ દવે): ગામડાંગામમાં સામાજિક રીતિરીવાજનાં નામે કન્યાઓને પર્યાપ્ત શિક્ષણથી વંચિત રાખીને પરણાવી દેવામાં માબાપો ધન્યતા સમજે છે એ વિષે કટાક્ષ. વાર્તાનું સ્વરૂપ સારું છે. વ્યવહારિક કામસર પાડોશી જોડે એની દીકરીને સાસરે જવાનું થાય, ત્યાંનું વાતાવરણ જુએ અને પાછા ફરે એટલી જ ઘટનામાં વાર્તા કહેવાઇ છે. ત્યાં  કથક જુએ છે કે પાડોશની કન્યા જીવતીને અયોગ્ય ઘેર પરણાવવામાં આવી છે. જીવતીના પિતાને હજી ભૂલ સમજાઇ નથી. દીકરીના સાસરેથી પાછાં વળતાં ટૂંકા રસ્તે ગાડી ખોટકાય છે ત્યારે દીકરીના પિતા કહે છે, “ગાડી ખોટા રસ્તે લેવાઇ છે.” કથક કહે છે, “ના, આપણી ગાડી આ રસ્તા માટે ખોટી છે.” કથક આવું કહે તેમાં પોતે એક શિક્ષક તરીકે જીવતીને તોફની બાળકીમાંથી ઠરેલ કન્યા બનાવી એ વાતનો અફસોસ પ્રગટ થાય છે. એકંદરે સારી વાર્તા. 

કૂવા કાંઠે ચંપલ (હીરેન મહેતા): કરુણાંત પ્રેમકથા. મેળામાં મન મળી ગયું. કન્યાના પિતા ખલનાયક. દીકરીના પ્રેમીને ઠંડે કલેજે કૂવામાં ધકેલી દીધો. સત્યની જાણ થતાં કન્યાએ પણ એ જ કૂવો પૂર્યો. જૂનો વિષય, જૂની રજૂઆત. 

સવલાનું બીજ (વિક્રમ સોલંકી):  ફળિયામાં રમતાં એક છ-સાત વર્ષના છોકરાને જોઇને એક મોટી ઉંમરની સ્ત્રી ગામમાં પરણીને આવેલી નવી વહુને સાત-આઠ વર્ષ જૂની વાત કહે છે કે એ છોકરો જેનો હોવાનું કહેવાય છે એનો નથી પણ અસલમાં બીજા કોઈકનો છે. ગામડાની સ્ત્રીઓ આવી ગોસીપ કરે એમાં નવીનતા નથી.   

આ વાર્તામાં બે મુખ્ય ખામીઓ છે: ૧. વાર્તામાં વર્ણન, સંવાદ, પાત્રોના મનમાં ચાલતાં વિચારો વગેરે બધું જ સો ટકા ઉત્તર ગુજરાતના કોઈ એક પ્રદેશની બોલીભાષામાં લખાયું છે જે સમજવું અતિ દુષ્કર છે. બબ્બે વાર વાંચ્યા પછી માંડમાંડ અર્થ સમજાય છે. ૨. જે બીનાનું વર્ણન થાય છે એમાં આ વાત કહેનાર પાત્ર કોઈ હિસાબે સંડોવાયેલું નથી એમ છતાં એવી રીતે વાત કહે છે જાણે ત્યાં સર્વજ્ઞની જેમ હાજર હોય. ઘટના એવી ખાનગી છે કે સંડોવાયેલા પાત્ર સિવાય બહારનું કોઈ ના હોઇ શકે.         

જોગી (જગદીપ ઉપાધ્યાય): બીજા પુરુષ બહુવચન કથનશૈલીમાં કહેવાયેલી જાતીય સુખ માટેના એક સ્ત્રીના વલવલાટની વાર્તા. નાયિકાના સંઘર્ષપ્રચુર મનોભાવોનું સુંદર આલેખન. સંપૂર્ણ વાર્તા દરમિયાન વાચક વિચારતો રહે કે ખુલ્લેઆમ ઇજન આપતી સ્ત્રીથી આ પુરુષ દૂર દૂર શા માટે રહે છે? પહેલાં રાત્રે ઘરનાં આંગણામાં સૂતો હતો અને પછી એક કટોકટીભર્યા પ્રસંગ બાદ મંદિરમાં સૂતો થઇ ગયો! અંતમાં ખુલાસો થાય છે કે નાયિકા તો એના નાના ભાઇની વિધવા હતી. નાયિકાની માતા જોડે ચર્ચા કર્યા બાદ નાયિકાના વિધિવત બીજાં  લગ્ન કરાવીને નાયક એને વિદાય આપે છે.  એક પ્રસંગે નાયકનું મન સંસારમાંથી કેમ ઊઠી ગયું છે એનો ખુલાસો પણ મળે છે. સરસ વાર્તા.

--કિશોર પટેલ, 11-10-21; 09:54

###

    


Thursday 7 October 2021

પરબ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

પરબ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૨૯ શબ્દો)

આ અંકની ત્રણેત્રણ વાર્તાઓ પોતપોતાની રીતે ઉત્તમ બની છે.  

ગામ: બળેલ પીપળિયા (પારુલ ખખ્ખર):

પુરુષપ્રધાન સંસ્કૃતિમાં સ્ત્રી સાથે અન્યાય. લગ્નજીવનમાં જયારે પણ બીજી સ્ત્રીનો પ્રવેશ થાય છે ત્યારે નિર્વિવાદપણે પહેલી સ્ત્રીને  એટલે કે અધિકૃત પત્નીને અન્યાય થાય છે. આ પારંપરિક વાત અહીં વાર્તાની અંદર વાર્તાની પ્રયુક્તિથી કહેવાઇ છે.

નાનકડી જયા જયારે જ્યારે પોતાની માતા જોડે મોસાળમાં જતી ત્યારે ત્યારે નાનીમાના શરીરની બળી ગયેલી ચામડી જોતી. કુમળી વયના કારણે એને સમજાતું નહીં. દરેક વખતે નાનકડી જયા વાર્તાની માંગણી કરતી અને નાનીમા વાર્તાની શરૂઆત કરતાં: “એક હતો રાજા અને એક હતી રાણી. એને બે રાણીઓ હતી, એક માનીતી અને બીજી અણમાનીતી...” ત્યાં તો જયા ઊંઘી જતી. મોટી થઇને જયા પરણીને છેક સાસરે ગઇ પછી આ વાર્તા ભાવકને આખી સાંભળવા મળે છે કે કઇ રીતે રાજાના જીવનમાં બીજી રાણીના આગમન પછી પહેલી રાણી અણમાનીતી થઇ ગઇ હતી. જયાને એ પણ સમજાય છે કે એ વાર્તા નાનીમાની પોતાની છે. એને નાનીમાના શરીર પરની બળી ગયેલી ચામડીનું રહસ્ય પણ સમજાય છે. આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી નાનીમા મૃત્યુ પામી ન હતી, બચી ગઇ હતી.        

સરસ વાર્તા. રસ પડે એવી પ્રવાહી અને પ્રભાવી રજૂઆત. જૂના વિષયની વાર્તા નવી રીતે કહેવાઇ છે. પ્રસંશનીય પ્રયાસ. 

એક દબાયેલ વાતની વાર્તા (અશ્વિની બાપટ):

અંગત જીવનમાં કોને કેટલી હદ સુધી નજીક આવવા દેવા? પ્રસ્તુત વાર્તામાં નાયિકા અત્યંત નાજુક સ્થિતિમાં મૂકાઇ જાય છે. કેવળ મૈત્રીનો દેખાવ કરતાં મનોહરભાઇ જયારે નાયિકાની અંગત જિંદગીમાં અનધિકૃત પ્રવેશ કરી જાય છે ત્યારે સૌજન્ય ખાતર નાયિકા વિરોધ કરી શકતી નથી. મનોહરભાઇ પાસેથી સ્વીકારેલાં સોનાના દાગીના એના માટે એક જવાબદારી બની જાય છે. સબંધોની સીમાઓ અંગે સ્પષ્ટતા થઇ શકે પહેલાં મનોહરભાઈનું મૃત્યુ થઇ જાય છે અને નાયિકા હિસાબ બરાબર કરી શકતી નથી.

ઓફિસનો બોસ નિશાંત,  દીકરો અને બહેનપણી કિન્નરી એમ ત્રણે પાત્રોનો સૂઝબૂઝપૂર્વક ઉપયોગ. ચુસ્ત લેખનનો ઉત્કૃષ્ટ નમૂનો. બેનમૂન વાર્તા.         

પીડાને પાર (કોશા રાવલ):

ફેન્ટેસી વાર્તા. વાર્તામાં એવી ફેન્ટેસી થઇ છે કે એક એવી ચીપ શોધાઈ છે જેને માણસના મગજમાં સ્થાપિત કરવાથી એનું જીવન પીડામુક્ત બનાવી શકાય છે.

આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા આશિષને જયારે જાણ થાય કે એને બ્રેન ટ્યુમર થયું છે ત્યારે એ ભાંગી પડે છે. મગજના ઓપરેશન માટે રૂપિયા સાડા સાત લાખ ક્યાંથી ઊભા કરવા? ડોક્ટર ગુપ્તા એને એક ઓફર આપે છે: એક પ્રયોગ માટે આશિષ તૈયાર થાય તો એનું ઓપરેશન મફતમાં અને ઉપરથી વધારાની કમાણી સુનિશ્ચિત. ચારે તરફથી ફસાયેલો આશિષ હા પાડે છે. ડોક્ટર ગુપ્તા પોતે  સંશોધિત કરેલી ચીપનું આરોપણ આશિષના મગજમાં કરે છે. પરિણામે આશિષ પીડામુક્ત થઇ જાય છે. સંશોધન સફળ થાય છે.

ચીપની પેટન્ટ લેવા ડોક્ટર ગુપ્તા અને આશિષ જીનિવાની કોન્ફરન્સમાં જાય છે ત્યાં ખબર મળે છે કે માર્ગઅકસ્માતમાં આશિષના દીકરા ચિન્ટુનું મૃત્યુ થઇ ગયું છે.  આશિષને પીડા થતી નથી. સ્વદેશ પાછા ફરવાને બદલે ચીપની પેટન્ટ મેળવવા એ જીનિવામાં રોકાય છે. પણ એના મનમાં સંઘર્ષ થાય છે. એક પિતા તરીકે મારે દુઃખી થવું જોઇએ, ચિન્ટુને અંતિમ વિદાય આપવા સ્વદેશ દોડી જવું જોઇએ, કેમ મને કોઈ લાગણી થતી નથી? આવા જીવનનો શું અર્થ છે?

વાર્તાનો અંત સરસ થયો છે. આ અંત વાંચતા ચાર્લી ચેપ્લિનની ફિલ્મ “ધ ગ્રેટ ડિકટેટર” નો અંત યાદ આવે છે. બનાવટી હિટલરના વેશમાં છુપાયેલો ચાર્લી ભીષણ યુદ્ધનાં પરિણામો જોયા પછી યુદ્ધની ભયાનકતા અને માનવીય લાગણીઓ વિષે હ્રદયદ્રાવક ભાષણ આપે છે. એવી જ  કંઇક હ્રદયસ્પર્શી વાતો આ વાર્તામાં આશિષ જીનિવામાં ઉપસ્થિત દુનિયાના ટોચના વૈજ્ઞાનિકો સમક્ષ કરે છે.          

યંત્ર અને માનવીય લાગણીઓ વચ્ચેના સંઘર્ષની સરસ હ્રદયસ્પર્શી વાર્તા.

--કિશોર પટેલ, 08-10-21; 08:31

###


Tuesday 5 October 2021

શબ્દસૃષ્ટિ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

શબ્દસૃષ્ટિ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૦૧ શબ્દો)

હાંફ દીવાલની બંને બાજુ (દેવ પટેલ):

Truth is stranger than fiction ઉક્તિને સમર્થન આપતી વાર્તા. 

વાર્તાની નાયિકા પાર્વતીની દિનચર્યાનો મોટો હિસ્સો પોતાના પતિ પરાગની રહસ્યમય જીવનશૈલી અંગે પાડોશીઓ સમક્ષ ખુલાસા કરવામાં વીતી જાય છે. પરાગ આજીવિકા માટે સ્ત્રીવેશ ધારણ કરે છે. એનું રહસ્ય પાર્વતી સિવાય કોઇ જાણતું નથી. સ્ત્રીરૂપના વસ્ત્રો અને આવશ્યક પ્રસાધનો એક થેલીમાં ભરીને પરાગ ઘરથી નીકળીને બહાર કોઇ સલામત સ્થળે બદલી લે છે. પરાગ ચોક્કસપણે શું કામ કરે છે એ કોઈ જાણતું નથી. એ જે કંઇ કામ કરે છે તે નિશ્ચિતપણે સભ્ય સમાજ અને કાયદાકાનૂન બંને રીતે અસ્વીકાર્ય હોવું જોઇએ કારણ કે પાડોશમાં એક વાર કોઈ તપાસ માટે આવેલી પોલીસને જોઇને પાર્વતી ફફડી ઊઠી હતી. ક્યારેક મોડું થઇ જાય અથવા વસ્ત્રો બદલવાની સુવિધા ના મળે ત્યારે પરાગ સ્ત્રીવેશે જ મોડી રાતે ગૂપચૂપ ઘેર પાછો આવે છે. પણ આમ છતાં પાડોશીઓની નજરે ચડી જતાં પરાગની બહેનની એક બનાવટી ઓળખ આ પતિ-પત્નીએ તૈયાર કરીને પાડોશીઓને ભ્રમણામાં રાખ્યાં છે. વાર્તામાં ઇશારો થયો છે પાર્વતીના લગ્નબાહ્ય સંબંધનો. કદાચ પરાગમાં જાતીય ઓળખની સમસ્યા પણ હોવી જોઇએ. પોતાના મિત્ર મહેશની ઓળખાણ એણે સામે ચાલીને પત્ની જોડે કરાવી છે. આ ઉપરાંત આજનાં જુવાનિયાઓની મુક્ત જીવનશૈલીનો પણ વાર્તામાં ઈશારો થયો છે. પાડોશની તેજલ નામની એક કન્યા લગ્નપૂર્વેના મૈત્રીસંબંધના લીધે ગર્ભવતી થઇ છે. વાર્તામાં કોઈ વિશેષ ઘટના નથી, કેવળ એક ચોંકાવનારી વાસ્તવિક પરિસ્થિતિનું શબ્દચિત્ર છે. પરાગના જીવનમાં એકાદ કટોકટીભરી સ્થિતિ ઊભી કરી હોત જેમ કે પાડોશમાં આવેલી પોલીસ પરાગના ઘેર જ આવી હોત કંઇક વાર્તા જેવું બન્યું હોત. અફસોસ, એવું કંઇ થતું નથી. આમ છતાં, તદ્દન વેગળા પરિવેશની વાત થઇ છે એ માટે થમ્બ્સ અપ.         

દેવતા (રેના સુથાર):

સમાજમાં બદનામીના ભયથી નોતરેલી કરુણાંતિકા.

ચૂલામાં સળગતો દેવતા અહીં શરીરમાં પ્રજવલિત કામાગ્નિનું પ્રતિક બન્યો છે. ઘરથી દૂર શહેરમાં રહીને કામધંધો કરતા બેઉ દીકરાની વહુઓ સજાતીય સંબંધ બાંધીને પોતાના દેહની ભૂખ ઠારે છે. આ સત્ય એમની સાસુ કમુમા જીરવી શકતાં નથી. વહુઓના થયેલા કમોત બદલ કમુમા સીધી યા આડકતરી રીતે જવાબદાર હોઇ શકે. બે શક્યતાઓ છે. ૧. કમુમા કદાચ માનતી હોય કે પોતે યુવાનીમાં અણીશુદ્ધ વૈધવ્ય પાળી બતાવ્યું તો વહુઓ સંયમી જીવન કેમ જીવી ના શકે? એમનાં ધણીઓ તો જીવતા છે, ફક્ત સ્થૂળ રીતે દૂર છે, વારેતહેવારે ગામ-ઘેર આવે તો છે ને? ૨. પોતે દિયર સાથે સંબંધ રાખીને જીવન નભાવી લીધું પણ સજાતીય સંબંધ?  ના ચોલબે!

કાયદાકીય રીતે સ્વીકૃતિ પામેલા સજાતીય સંબંધને આપણો સમાજ એકવીસમી સદીમાં પણ સ્વીકૃતિ આપતો નથી. આવા સંબંધમાં વિકૃતિ છે એવી ગેરસમજ આપણે ત્યાં વ્યાપક છે.      

સારી વાર્તા.

રાજીખુશી (દીવાન ઠાકોર): માનવીય લાગણીઓની વાત. રીનાથી રાજીખુશીથી છૂટાં પડ્યા પછી અતુલને લાગે છે કે ભૂલ થઇ ગઇ. એ રીનાને વોટ્સએપ કરીને ફરીથી એક થવાનો પ્રસ્તાવ મોકલે છે. સંબંધો તોડવાનું એટલું સહેલું નથી હોતું. 

પુનર્જન્મ (અજય પુરોહિત): એક અપરાધીનું હ્રદયપરિવર્તન. જૂનો વિષય, પરંપરાગત રજૂઆત.

કાશ! ત્યારે પણ...(કલ્પના જિતેન્દ્ર): નારીચેતનાની વાર્તા.  પતિ પરસ્ત્રીને ચાહે છે એટલી જાણ થતાં ક્ષમા ગૃહત્યાગ કરવા તૈયાર થઇ છે. સાસુ મંદાબહેન એને સમજાવે છે કે આ રીતે ઘર ના છોડાય. એને જવું હોય તો જાય. તારી ભૂલ નથી, તારે શા માટે જવું જોઇએ? ક્ષમાના ગળે વાત ઉતરે છે. મંદાબહેનને પોતાનો ભૂતકાળ યાદ આવે છે.  વિચારે છે, ત્યારે મને પણ કોઈએ સમજાવી હોત તો? જૂનો વિષય, પરંપરાગત રજૂઆત.

--કિશોર પટેલ, 05-10-21; 05:35   

###


Friday 1 October 2021

નવનીત સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

નવનીત સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૪૮ શબ્દો)

અસ્થિ (હિમાંશી શેલત): સ્વજનને ગુમાવ્યાની પીડાની વાત. કોરોના મહામારીના સમયમાં અગ્નિસંસ્કાર માટે સ્મશાનભૂમિમાં લાગેલી  લાંબી કતારમાં સ્વજન ગુમાવી બેઠેલા બે અજાણ્યા જણ એકબીજા પાસેથી આધાર શોધે છે. એકે પિતા ગુમાવ્યો છે, બીજાએ પુત્ર સમાન જમાઇ. પુત્રને અફસોસ છે કે તક હોવા છતાં છેલ્લાં દિવસોમાં પિતાની સેવા ના કરી શક્યો. પિતાને દુઃખ છે કે વિધવા બનેલી દીકરી સામે પહાડ જેવી જિંદગી ઊભી છે. આ વાર્તામાં ઘટના નથી, બની ગયેલી ઘટના પછીની થીજી ગયેલી ક્ષણોનું શબ્દચિત્ર છે.   

ધુમાડો અને અગ્નિ (સતીશ વૈષ્ણવ): અસ્તવ્યસ્ત વાર્તા! આ રચના એટલે દિશા વિનાનું વહાણ! પાણીનું વહેણ જ્યાં લઇ જાય ત્યાં વહાણે જવાનું! શરૂઆતમાં લાગે છે કે દેખાવડા પતિ (મન્મથ)ની તુલનામાં પોતાના સામાન્ય દેખાવના કારણે અસુરક્ષિતતા અનુભવતી એક પત્નીની (અમોલા)ની વાત છે. પછી ફોકસ બદલાય છે. મન્મથ અને અમોલાના દીકરાઓ મોટા થયા છે.  એક દીકરો સફળ વ્યાવસાયિકોનો સર્વે કરે છે. આવું કામ કરતાં કરતાં એ પોતાના માતા-પિતાના સંબંધોને મૂલવે છે.  ત્યાં એવું લાગે કે દીકરાઓ માતા-પિતા વચ્ચેની ખાઇ પૂરશે. પણ ફરીથી ફોકસ બદલાય છે. મન્મથને  હ્રદયરોગના કારણે હુમલો આવે છે. કંપનીનો ડોક્ટર કામથ મુખ્ય ભૂમિકામાં આવી જાય છે. મન્મથના મૃત્યુ પછી અમોલા કંપનીએ આપેલું ઘર ખાલી કરીને જૂનાં ઘરે જાય છે. સાવ અચાનક એક અજાણી વિધવા પોતાના દીકરા સાથે આવીને જાહેર કરે છે કે સાહેબનો મારા પર ખૂબ ઉપકાર હતો! હવે સાહેબ નથી એટલે હું ફરીથી રસ્તા પર આવી ગઇ છું! વાચકને લાગે કે મન્મથ કોઈ બીજા રસોડે જમી આવ્યો હતો કે શું? ત્યાં વળી મન્મથ-અમોલાનો દીકરો કહે કે પિતા નથી પણ હું છું ને?  એવું લાગે કે નવલકથાની માંડણી થઇ છે! લેખકજી, નક્કી કરો કે ચોક્કસ શું કહેવું છે?        

શોર્ટકટ (વલ્લભ નાંઢા): ચિત્તથરારક થ્રિલર વાર્તા. બદદાનતથી પીછો કરતાં જુવાનિયાઓથી પોતાને સલામત રાખવા માટે એક જુવાન કન્યાનો સંઘર્ષ. એક તરફ ગુંડાઓ, બીજી તરફ રાહ જોતા પિતાનો સંભવિત પ્રકોપ. કોણ સફળ થાય છે? નિર્દોષ છોકરી કે ગુંડાઓ? કન્યાના મનોવ્યાપારનું સરસ આલેખન. અંત સુરેખ.

નિરુત્તર (મોના લિયા વિકમશી):  કુટુંબના વારસાગત વ્યવસાયને  સંભાળવાની વાત. રમણિકભાઇ જૂની ચીજ-વસ્તુઓના વેપારી હતા. લોકો પાસેથી જૂની પણ કિંમતી કારીગરીવાળી વસ્તુઓ સસ્તા ભાવે ખરીદતા અને શોખીન દેશી-વિદેશીઓને મોંઘા ભાવે વેચતા. પોતપોતાની કારકિર્દીમાં વ્યસ્ત પુત્ર અને પુત્રવધુ પિતાની હયાતીમાં કૌટુંબિક વ્યવસાયમાં ધ્યાન આપી શક્યા નહીં. રમણિકભાઈના અવસાન પછી પુત્રવધુ પોતાનું કામકાજ દીકરીને સોંપીને કૌટુંબિક કામમાં ધ્યાન આપે છે. આ વાર્તામાં કોઈ ઘટના નથી. સસરાનું કામકાજ સંભાળી લેતી પુત્રવધુની મનોદશાનું આલેખન છે. વાર્તાનો પ્લસ પોઈન્ટ એ છે કે આ નિમિત્તે જૂની ચીજ-વસ્તુના વ્યવસાયની એક ઝલક મળે છે.      

વેશ (અરવિંદ બારોટ): આ લેખક હમણાંથી આપણી ભૂલાતી જતી લોકકથાઓનું રસપ્રદ શૈલીમાં આલેખન કરતા રહ્યા છે. અહીં પ્રસ્તુત છે એક બહુરુપીના જીવનમાં આવેલા પરિવર્તનની. પાટણના શૂરવીર સેનાપતિ ઉદયન મહેતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા આ બહુરુપીએ થોડીક ક્ષણો પૂરતો જૈન મુનિનો વેશ ભજવ્યો. પોતાના વેશથી ઉદયન મહેતાનું સુધરી ગયેલું મૃત્યુ જોઇને બહુરૂપિયો સંસારનો ત્યાગ કરી દઇ આજીવન સાધુ બની ગયો! (આ વાર્તા જોડેનું ચિત્ર લેખકે પોતે દોરેલું છે.)  

--કિશોર પટેલ, 02-10-21; 10:06

###