Saturday 22 May 2021

પરબ એપ્રિલ અને મે ૨૦૨૧ અંકોની વાર્તાઓ વિષે નોંધ

 


પરબ એપ્રિલ અને મે ૨૦૨૧ અંકોની વાર્તાઓ વિષે નોંધ

 

(૯૬૦ શબ્દો)

એપ્રિલ ૨૦૨૧: એક વાર્તા.

ના – એક પ્રલાપ (ધીરેન્દ્ર મહેતા):

‘પ્રલાપ’ શબ્દનો અર્થ શબ્દકોશમાંથી આવો મળે છે: અસંગત બડબડાટ, આવેશમાં આવી અસંબદ્ધ બોલવું તે. વાર્તામાં નાયકની એકોક્તિ રજૂ થઇ છે. મિલનની એક ક્ષણે સામેનું પાત્ર નકાર ભણે છે. પણ નાયક એનો હકારાત્મક અર્થ કાઢે છે. સ્વની સાથે એકાકાર થવાની, ઐક્યની અનુભૂતિ કથકને થાય છે.

મે ૨૦૨૧: બે વાર્તાઓ.

વિદુષક આટલું હસે છે કેમ? (પ્રવીણ સિંહ ચાવડા):

મૈત્રીસંબંધ વિષયની હ્રદયસ્પર્શી વાર્તા. અનુઆધુનિક યુગના એક પ્રમુખ વાર્તાકાર પાસેથી મળેલી નમૂનેદાર અને જબરદસ્ત વાર્તા.

તાજેતરમાં આ લેખકની અન્ય એક વાર્તા વિષે ટિપ્પણી કરતાં આ લખનારે નોંધ્યું હતું એમ અહીં પણ કથક એક ચિંતકની ભૂમિકામાં માનવજીવન વિષે ઝીણું નિરીક્ષણ કરે છે. પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી આ વાર્તામાં કથક પોતે વાર્તાનું અગત્યનું પાત્ર હોવા છતાં કથકની ભૂમિકા એક ચિંતકની જ રહે છે. હા, એક તફાવત છે, એમની રમૂજવૃતિ આ વાર્તામાં ગાયબ છે. એનું કારણ છે: વાર્તાનો વિષય અને કથકની વિચિત્ર પરિસ્થિતિ.

સ્થૂળ અર્થમાં વાર્તાના અંતે પૃથ્વીસિંહ એટલે કે પિથુ વિકટ પરિસ્થતિમાં જણાય છે પણ હકીકતમાં પિથુ નહીં પણ કથક પોતે વિકટ પરિસ્થિતિમાં મૂકાયેલો છે. કથકની પીડા વિષે વાર્તામાં એક શબ્દ પણ જડતો નથી અને છતાં ભાવક એની પીડા તીવ્રપણે અનુભવી શકે છે. આ કમાલ પ્રવીણસિંહ ચાવડા નામના વાર્તાકારની છે.

સામસામા છેડે ઊભેલા બે મિત્રોને એક વિચિત્ર ક્ષણે ફ્રેમમાં કેદ કરીને લેખકે વાર્તા રચી છે. બેમાંથી એકાદ મિત્ર જો એકાદ ક્ષણ માટે પણ વહેલોમોડો થયો હોત તો કોઇ સમસ્યા ઊભી થવાની ન હતી. સામાન્ય માણસોના જીવનમાં આવું બનતું હોય છે. આ વાર્તામાં જે બે મિત્રોની વાત થઇ છે એમાંથી એક અથવા બીજા પાત્રમાં કોઇ પણ સામાન્ય માણસ પોતાની છબી જોઇ શકશે.

બંને મુખ્ય પાત્રો બાળપણના ભેરુ છે. સારી સામાજિક-આર્થિક સ્થિતિના કથકનો જીવનપ્રવાસ સરળ અને સીધી ગતિનો અને ઉપરની દિશામાં રહ્યો છે. ભણીગણીને એ સરકારી ખાતામાં કલેકટર જેવા હોદ્દે પહોંચ્યો છે. લગભગ સમાન સામાજિક-આર્થિક સ્થિતિમાંથી પિથુનો પણ જીવનપ્રવાસ શરુ થયો હતો પણ એના જીવનમાં એક પછી એક વિઘ્નો આવ્યાં છે. રોમાંચક પ્રેમકથાનું પરિણામ એવા પિથુએ બાળપણમાં માતા-પિતા ગુમાવ્યા. અશિક્ષિત અને મિથ્યાભિમાની દાદા જોડે શિકાર અને અન્ય મોજશોખમાં પ્રવૃત્ત રહેવાના પરિણામે એ અલ્પશિક્ષિત રહ્યો. બસ કંડકટર જેવી નોકરી તો ઠીક, મજૂરની નોકરીમાં પણ એ કાયમી થઇ ના શક્યો.   

જેની જોડે શૈશવની સોનેરી ક્ષણો વીતાવી હતી એવા મિત્ર માટે કથકના હ્રદયમાં કાયમી સ્થાન છે.  ક્યારેય એણે એનાથી મોઢું ફેરવી લીધું નથી. જરૂર પડ્યે  એની ગેરકાયદે પ્રવૃત્તિમાં પણ ક્થકે સાથ આપ્યો છે. આવો પિથુ એક વાર એવી દશામાં સામે આવી જાય છે કે કથક કફોડી સ્થિતિમાં મૂકાઇ જાય છે.  હંમેશની જેમ આગળ વધીને કથક એને ગળે લગાડી શકતો નથી.

ઉપરી અધિકારી સુસ્મિતા ખેર ઉચ્ચ વર્ગના, વળી મહિલા, લગભગ ગાંડા અને જંગલી જેવા પિથુને રસ્તાની કિનારે જોઇને મોઢું મચકોડે એ સ્વાભાવિક છે. ક્થકે તો પિથુને હજી જોયો પણ નથી ત્યારે મેડમ કથકનું ધ્યાન દોરે છે, જુઓ જુઓ, પેલો ગાંડો કેવો ક્લાઉન દેખાય છે! કથકને ઓળખી લીધાં પછી પિથુ હર્ષાવેશમાં હાથ ઊંચા કરીને હસે છે અને મેડમને લાગે છે કે ગાંડો એમની સામે દાંતિયા કરે છે. કથક શું બોલે?

નાળા પાસે ઘેટાંબકરાંનું ટોળું રસ્તો ઓળંગી રહ્યું છે, વાહને  ફરજિયાત થોભવું પડ્યું છે, જોડે ઉપરી  મેડમ છે જેમને આવા ગંદા-ગોબરા  અને ગાંડાની સૂગ આવે છે.  એવા સમયે પિથુની ઓળખાણ કથક એક મિત્ર તરીકે કઇ રીતે જાહેર કરી શકે?

કારુણ્યના શિખરે લઇ જઇને વાર્તાકાર ભાવકને ઘેરા વિષાદમાં ડૂબાડી દે છે.

વાર્તાનું શીર્ષક છે: ‘વિદુષક આટલું હસે છે કેમ?’  ઉપરી મેડમનો આ પ્રશ્ન કથકની સાથે સાથે પિથુ અને ભાવક સહુનું કાળજું ચીરી નાખે છે.

પિથુના માતાપિતાની રોમાંચક પ્રેમકથા કહીને લેખકે પિથુની કહાણીમાં કારુણ્યની માત્રા વધારી દીધી છે.  ગામની બહાર સાધુની ઝૂંપડીમાં જામતી બેઠકમાં ભજનોની સંગાથે ગાંજાની મહેફિલનું ચિત્રણ કરીને લેખક કહે છે કે કથકને તો પિથુની રહેણીકરણીની ઈર્ષા આવતી હતી. પિથુને પહેલેથી જ ખબર હતી કે એની અને કથક વચ્ચે મોટું અંતર છે પણ કથકે હંમેશા માન્યું હતું કે પિથુ એનો પોતાનો જ એક હિસ્સો છે.      

લેખકે સંસ્કાર અને સોબતની અસર વિષે પણ વાર્તામાં મહત્વનું વિધાન કર્યું છે. પિથુ જો મોસાળમાં રહ્યો હોત તો સારા સંસ્કાર પામ્યો હોત. પિથુ જોડે મૈત્રી કરીને પણ કથક વ્યસનોથી દૂર રહી શક્યો છે કારણ કે એના માથે શિક્ષિત પિતાનું છત્ર છે.   

કથકના હાથમાં દર્શનશાસ્ત્રનું પુસ્તક જોઇને સુસ્મિતા ખેર એની જોડે ‘માનવજાતને થયેલી વિસ્મૃતિ’ વિષયની ફિલસૂફીભરી ચર્ચા કરે છે અને વાસ્તવમાં એક માનવીની દયનીય પરિસ્થિતિ જોઇને સૂગ અનુભવે છે. આમ લેખક ઉચ્ચ વર્ગના માણસોના બેવડાં ધોરણ અંગે કટાક્ષ કરે છે.

વાર્તા ખાસી લાંબી છે પણ પ્રવાહી શૈલી અને પ્રભાવી રજૂઆતના કારણે લેશમાત્ર લાંબી લાગતી નથી.

નોંધનીય અભિવ્યક્તિ: // કાયરોમાં હોય એવી હિંમત સાચા મરદોમાં હોતી નથી. // // પ્રવાહ જે ભીતર વહે છે, એને તો ભાષા નથી. // // મને એકે કાંટો વાગ્યો નહોતો. પગે ફોલ્લા પડ્યા નહોતા. મારાં કપડાં ઝાંખરામાં ભરાઇને ફાટ્યા નહોતાં. // // એને માટે ધોરી માર્ગ તો શું, પ્રમાણમાં થોડો સીધો અને સરળ એવો કાચો રસ્તો પણ નહોતો. વગડો, ઝાડી-ઝાંખરા, ખીણો, ટેકરીઓ, ભેખડો, કોતરો. // // રસ્તા પર પહેલો અધિકાર કોનો, મનુષ્યનો કે પશુપક્ષીઓનો, તેની સમજ અભણ ડ્રાઈવર પાસે હશે. //   

કથકની ઉપરી અધિકારીનું નામ સુસ્મિતા છે પણ એક વાર ‘સ્મિતા’ લખાયું છે. ક્થકનો એમની જોડે એવો સંબંધ નથી કે સુસ્મિતાનું ટૂંકું રૂપ ‘સ્મિતા’ કહીને એમનો ઉલ્લેખ કરી શકે. પણ સો ટચના સોના જેવી આ વાર્તામાંની આવી ભૂલ અવગણવા હું તૈયાર છું.   

વસવસો (જગદીપ ઉપાધ્યાય):

કોરોના મહામારી અને ફેન્ટેસી વાર્તા.

મગન ગોટી પોતે મર્યા પછી પોતે કેવી રીતે મર્યો એની કથા પ્રથમ પુરુષ એકવચનમાં હળવી શૈલીમાં કહે છે. નામમાં ગોટાળાના કારણે મનહર ગોટીના બદલે મગન ગોટીને કોરોના પોઝિટીવ જાહેર કરાયો અને કથકને હ્રદયરોગનો હુમલો આવી ગયો.  મગનની પત્નીનો એક તકિયાકલામ “ઘડીક ખમ્યા હોત તો?” મજેદાર છે. સરસ મજાની વાર્તા.

નોંધનીય અભિવ્યક્તિ: // ખરું પૂછો તો બેચાર વસવસાના સરવાળાનું નામ જ જિંદગી છે. // // પાનખરમાં સાવ ખરી ગયેલા ઝાડને પાન ફૂટે ને જેવી રાહત થાય તેવી રાહત //

વિશેષ નોંધ: પરબ મે ૨૦૨૧ ના અંકના મુખપૃષ્ઠ પર હાલમાં અવસાન પામેલાં કેટલાંક સાહિત્યકારોની યાદી મૂકાઇ છે એમાં એક નામ ‘વસવસો’ વાર્તાના લેખક જગદીપ ઉપાધ્યાયનું પણ છે. યોગાનુયોગ અને વક્રતા એ છે કે વાર્તાના વિષય પ્રમાણે લેખક મૃત્યુ પામ્યા પછી આપણે એમની વાર્તા વાંચી અને માણી.

--કિશોર પટેલ; 23-05-21; 06:09

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

###

 

  


Tuesday 18 May 2021

મમતા મે ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

મમતા મે ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૦૮ શબ્દો)

પૃથા (જાગ્રત વ્યાસ): મહાભારતકાળની કુંતીની વ્યથા-કથાનું સાંપ્રત સમયમાં પુનરાવર્તન. કોઇ સુધારો નહીં, કોઇ વળાંક નહીં, જેમની તેમ ડિટ્ટો!   

વાર્તામાં એક ટેકનિકલ ભૂલ છે. સંવાદ અને કથન ભેગાં લખ્યાં છે. સંવાદ દર્શાવવા માટે અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ. દા.ત. // માધવીએ કહ્યું, સારું, હું તને લાલ પરીની વાર્તા કહું. // આ વાક્ય આ રીતે લખાય: માધવીએ કહ્યું, “સારું, હું તને લાલ પરીની વાર્તા કહું.”    

નિર્ણય (ગુણવંત ઠાકોર): લગ્નેતર સંબંધની કરુણાંત વાર્તા. પ્લસ પોઈન્ટ: ગ્રામ્યબોલીનો પ્રયોગ. માઇનસ પોઈન્ટ: વિષય જૂનો,  રજૂઆતમાં જણાઇ આવે છે કે વાર્તાકાર નવોદિત છે.

એક ઉદાહરણ: // “માણસુર હું વિચારઅ સઅ તું? કાઢી લેને કાંટો.” માણસુરને ‘તમે’ કહેતી એ ‘તું’ પર આવી. //

વાક્ય લખ્યા પછી લેખક એનું વિશ્લેષણ કરે છે. વ્હાલા લેખકમિત્ર,  વાચકે તો ઓલરેડી આ નોંધ્યું છે કે નાયિકા માણસુરને અત્યાર સુધી માનવાચક સંબોધન ‘તમે’ કહીને બોલાવતી હતી. દ્રશ્ય રોમાંચક બન્યું એ સાથે જ નાયિકા તુંકારા પર આવી ગઇ દેખીતું છે. આ પ્રકારની ભૂલો વાર્તામાં ઠેર ઠેર છે. વાચકની સમજશક્તિમાં અવિશ્વાસ રાખવો લેખક માટે જોખમી જ નહીં પણ જાનલેવા પણ છે.      

છેલ્લી ખેપ (સરદાર મલેક):  દુર્ઘટનાનો અંદેશો થવો. વિષય જૂનો, રજૂઆત સામાન્ય. ગ્રામ્યબોલીનો બિનજરૂરી અને વિચિત્ર ઉપયોગ. બે માણસ સરળ ગુજરાતી બાષામાં વાત કરતાં હોય ત્યારે એક પાત્ર અચાનક તળપદી બોલીમાં શા માટે બોલે? કોઇ રૂઢિપ્રયોગ કે કહેવત હોય તો હજી સમજ્યા.

નવીનચંદ્રની વહુ (પૂજાબા જાડેજા): ગામડાંમાં સંયુક્ત કુટુંબમાં થતાં નાનામોટા કંકાસ. કાં વિષય નવો જોઈએ, કાં રજૂઆત નવી જોઈએ.   

ઝમકુડી રે ઝમકુડી (નેહા રાવલ): ફેન્ટેસી વાર્તા. ચિત્રગુપ્તના ચોપડામાં ભૂલ થઇ હોવાથી ઝમકુ ડોસી મર્યા પછી એક દિવસ માટે પૃથ્વી પર પાછી આવી એવી જબરી કલ્પના. લોચો એવો થયો કે પૃથ્વી પર આવ્યા પછી વાર્તાનું કેન્દ્ર ઝમકુ ડોસી પરથી ખસીને યમદૂત અને એના પાડા પર ચાલી ગયું. વાર્તા હળવી શૈલીમાં લખાઇ છે એ ખરું પણ પૂર્વધારણા અસ્પષ્ટ હોવાથી ખાયા પીયા કુછ નહીં ગિલાસ તોડા બારા આના એવો ઘાટ થાય છે. હાસ્યરસ પર સારી હથોટી ધરાવતા આ લેખક આલેખન પરત્વે ગંભીર બને એવી અપેક્ષા રહે છે.

પ્રતિગામી (નરેન્દ્રસિંહ રાણા): ફેન્ટેસી વાર્તા. સામાન્ય માણસોની લાગણીઓ પર કાબૂ રાખવા રાજ્ય પોતાના નાગરિકોનું રસીકરણ કરે છે. જેના પર રસીનો પ્રયોગ થયો છે એવા એક પુરુષની પત્ની વૈજ્ઞાનિકોની ટીમની એક સભ્ય હોય એવી નાટ્યાત્મક યોજના લેખકે કરી છે. પ્રયોગાત્મક વાર્તાઓ લખવા તરફ ગંભીર હોય એવા આ લેખકનો આ પ્રયાસ સારો છે.    

કળા કરંતો મોર (ઉર્મિલા વિક્રમ પાલેજા): શરૂઆત સરસ થઇ. ક્રાઈમ સ્ટોરી માટે આદર્શ શરૂઆત. પણ પછી વાર્તામાં એટલી બધી વિગતો, ખુલાસા અને વર્ણન આવ્યાં કે વાચકે કંઈ જ કરવાનું રહેતું નથી. ના, ના, છેક આવું ના ચાલે.

રસો વૈ સ: (સુનીલ મેવાડા): અછાંદસ કવિતા જેવી રચના. અહીં ચાદરમાં ચિતરાયેલા પક્ષીઓ જીવતાં થઇને નાયિકાનો કાન દાંત વડે ચાવી જાય છે, દુકાનો ઓગળીને દીવાલ બની જાય છે, શરીર ઓગળીને મોબાઈલના સ્ક્રીનમાં ભળી જાય છે. ને આવું આવું બીજું પણ ઘણું બધું થાય છે. વાક્યના છેડે “હજી” શબ્દ આવે એવી ત્રણ ત્રણ પંક્તિઓનાં યોજનાબદ્ધ ઝૂમખાં ઠેર ઠેર વેરાયેલાં છે. જે કંઈ લખાણ પ્રસ્તુત થયું છે તેનો ચોક્કસ અર્થ કાઢવો મુશ્કેલ છે. આશરે એવું કહી શકાય કે વિરહિણી અથવા પ્રેમભંગ કન્યાની એકોક્તિ છે. એકાદ નાનકડી ઘટના પણ હોત તો વાર્તા સ્પષ્ટ બની હોત, જીવંત બની હોત. હમણાં આ રચના મોનોટોનસ લાગે છે. અવનવા વિષયની વાર્તાઓ લખતા લેખકની આ રજૂઆતને પ્રયોગાત્મક જરૂર કહી શકાય પણ, છેવટે વાર્તા પાછળ એક ચોક્કસ વિચાર હોવો ઘટે જે અફસોસ, અહીં નથી અથવા હોય તો એ પકડાતો નથી.   

ઓધાન (વાસુદેવ સોઢા): ગેરસમજ. વિષયમાં કે રજૂઆતમાં નવીનતા નથી. બબ્બે ત્રણત્રણ આશ્ચર્યચિહ્નો કે બબ્બે ત્રણત્રણ પ્રશ્નાર્થચિહ્નો કે આશ્ચર્યચિહ્ન અને પ્રશ્નાર્થચિહ્ન સંયુક્તપણે મૂકવા એટલે નકરી બાલિશતા. આ અંગે મમતામંડળીની ટકોર સાથે સહમત.

વિશેષ ટિપ્પણી: પ્રતિષ્ઠિત સામયિકોમાં વાર્તાઓ પ્રસિદ્ધ થવા માંડ્યા પછી પણ મમતા વાર્તામાસિકમાં વાર્તા મોકલવા બદલ સુનીલ મેવાડા, બાદલ પંચાલ, છાયા ઉપાધ્યાય અને સમીરા પાત્રાવાલા જેવા લેખકોનો આભાર અને અભિનંદન. આ એક તંદુરસ્ત અભિગમ છે. આવા અન્ય લેખકો પણ હશે. આ સહુ પ્રસંશાને પાત્ર છે.  

--કિશોર પટેલ; 18-05-21; 16:28

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

###

Saturday 15 May 2021

નવનીત સમર્પણ મે ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

નવનીત સમર્પણ મે ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૭૬૦ શબ્દો)

પુત્ર (પ્રવીણસિંહ ચાવડા):

પિતા-પુત્ર સંબંધની વાર્તા. સામાન્યત: કુટુંબમાં માતા-પુત્રી, માતા-પુત્ર કે પિતા-પુત્રી કરતાં પિતા-પુત્ર સંબંધ થોડોક અલગ હોય છે. પહેલી ત્રણે જોડીમાં સંવાદ મુક્તપણે થતો હોય છે જયારે પિતા-પુત્ર જોડીમાં સંવાદ ભલે ઓછો થતો હોય પણ એકબીજા માટે લાગણી તો અલબત્ત ભારોભાર હોય છે. કંઇક આવા જ લાગણીભીના અને મૌન સંબંધનું આલેખન આ વાર્તાના પિતા-પુત્ર વચ્ચે થયું છે. વિદેશથી આવેલો પુત્ર મહિનો એક રોકાયો છે, અહીંતહીં મિત્રોમાં અને પરિચિતોમાં હળતોભળતો રહે છે પણ પિતા પાસે પગ વાળીને બેસતો નથી. એક મોડી રાત્રે પિતા પાસે આવીને ખુરસીમાં અડધો કલાક બેસી રહે છે. બંને વચ્ચે એક પણ શબ્દની આપ-લે થતી નથી અને છતાં એવું લાગે કે બેઉ વચ્ચે પેટ ભરીને સંવાદ થયો છે!

આ વાર્તાકારની હાલની કેટલીક વાર્તાઓમાંથી એમની શૈલીનાં એક-બે લક્ષણ ધ્યાનમાં આવ્યાં છે: કથક સામાન્યત: કોઇ તટસ્થ ચિંતક હોય. પાત્રોના આપસી સંબધ વિષે એનાં સૂક્ષ્મ નિરીક્ષણ ટપક્યાં કરે. ક્થકનું જીવનદર્શન અને ચિંતન સતત ચાલ્યા કરતું જણાય. આ ચિંતનમાં વળી રમૂજની હળવી છાંટ ભળેલી હોય. બીજું લક્ષણ પાત્રાલેખન વિષે. એવું લાગે કે જાણે કેનવાસ પર નાના મોટા લસરકા કર્યા છે. પાત્રો વિષે થોડીઘણી પરચૂરણ માહિતી આપી હોય, એકાદ પ્રસંગ અરધોપરધો ચીતર્યો હોય. પાત્ર અને પ્રસંગ બંનેને જોડીને બાકી રહેલી વાર્તા ભાવકે રચવાની!

આ વાર્તામાં મધુમતી નામના એક સ્ત્રીપાત્ર જોડે આવું થયું છે. આ મધુમતીનો ઉલ્લેખ વાર્તામાં બે વખત થાય છે. પહેલી વાર એને હરપાલના મિત્રવર્તુળમાંની એક કન્યા કહેવાય છે. હરપાલ એના વિષે કહે છે કે એ અપરિણીત રહીને માતા-પિતાની સેવા કરે છે. બીજી વાર એનો ઉલ્લેખ છેક અંતમાં હરપાલ વિદેશ પાછો જાય પછી આવે છે. અહીં આ મધુમતી દીનુભાઈને પૂછે છે, મને વાર્તામાં કેમ અવગણવામાં આવી? અહીં ખુલાસો થાય છે કે  મધુમતી તો હરપાલના મિત્રવર્તુળમાંના એક ચિંતન નામના મિત્રની લગ્નપૂર્વેની પ્રેમિકા હતી. ટૂંકમાં, સામાન્ય સ્થિતિના ચિંતને એક શ્રીમંત કન્યા જોડે લગ્ન કર્યા અને પોતાનો ભૌતિક વિકાસ કર્યો એની પાછળ આ એક કરુણ કથા. એણે મધુમતીનો દ્રોહ કર્યો હતો! આમ મધુમતી અહીં એવું સક્ષમ પાત્ર જણાય છે જેના પર સંપૂર્ણ વાર્તા બની શકે. ખેર, મુખ્ય વાર્તા પિતા-પુત્ર વચ્ચેની છે જેમની વચ્ચે લેખકે એક પણ સંવાદસભર દ્રશ્ય રચ્યું નથી!  સારી, સક્ષમ વાર્તા.

એક સમજાયું નહીં. દિનુભાઇ અને ભાનુબહેન જેવાં અસલ ગુજરાતી નામો ધરાવતાં દંપતીના પુત્રનું હરપાલજેવું પંજાબી છાંટવાળું નામસરજી, બાત કુછ પલ્લે નહીં પડી!

અહમ (મેઘા ત્રિવેદી):

અહમના ટકરાવ અને છૂટા પડવાની પીડાની વાર્તા.

થોડાક સમય પહેલાં ચાલી ગયેલો યોશુને મળવા આવવાનો છે. યોશુ એને મળવાની, એને આવકારવાની તૈયારી કરે છે. એની જોડેની સ્મૃતિઓ તાજી થાય છે. કઇ રીતે પરિચય થયો, કઇ રીતે બેઉ જણા આગળ વધ્યાં, કઇ રીતે એક થયાં અને કઇ રીતે છૂટા પડ્યા. એ આવે એ પહેલાં યોશુ પોતે લીધેલાં નિર્ણયનો અમલ કરી દે છે.

સંપૂર્ણ વાર્તા નાયિકાના મનોવ્યાપારની છે. હા, કહેવું હોય તો કોઇ આ રચનાને ઘટનાહ્રાસ અથવા ઘટનાના તિરોધાનની વાર્તા ગણાવી શકે. યોશુનો નિર્ણય જાણ્યા પછી કોઇ આ રચનાને નારીચેતનાની વાર્તા પણ કહી શકે. પણ એવી કવાયતમાં ના પડતાં એટલું કહી શકાય કે વાર્તા સરસ છે, વાચનક્ષમ છે.

યોશુના ‘એ’ નું નામકરણ ના કરીને લેખકે એને સરેરાશ પુરુષોનો પ્રતિનિધિ બનાવી દીધો છે. સામાન્ય પુરુષોની માનસિકતા ‘એ’ માં ઠાંસોઠાંસ ભરેલી છે. પોતાનો કક્કો ખરો કરવો, જિદ્દ મૂકવી નહીં, નાનામોટા વાદવિવાદમાં ક્યારેય સમજૂતી કરવી નહીં વગેરે. 

નોંધનીય અભિવ્યક્તિ: // પુસ્તકઘરમાં હારબંધ ગોઠવેલાં પુસ્તકોમાં રહેલાં કેટકેટલાં વિચારો કૂદીને આવી જતાં હતાં દૂધિયા આરસ પર, ખળભળાવી મૂકતાં હતાં બંનેને. //          

જાકારો (રાજેશ અંતાણી):

વરિષ્ઠોની સમસ્યા.

ઢળતી ઉંમરે સ્વજનો તરફથી મળતા જાકારાની પીડા. ઘરમાં રિનોવેશનનું કામ શરુ થાય ત્યારે મમ્મીને તકલીફ પડશે એવું કહીને અઠવાડિયા માટે પુત્ર પોતાની માતાને વૃધ્ધાશ્રમમાં મૂકી ગયો છે. જૂના પરિચિત મિત્ર શેખરને સુષ્મા કહે છે, “અઠવાડિયા પછી તો મારો દીકરો મને લઇ જશે.” શેખર અનુકંપાભરી નજરે સુષ્માને જોઇ રહે છે. એને પોતાને પણ તો એવા જ બહાને અહીં મૂકી દેવાયો હતો!  એની નજરમાં પ્રશ્ન હતો, કોણ પાછું આવે છે લેવા?

છેલ્લે દિવસે પુત્ર લેવા આવશેની આશામાં સુષ્મા બેગ તૈયાર કરે છે ત્યારે જ પુત્રનો ફોન આવે છે અને સુષમાના હાવભાવ પલટાય છે ત્યારે વાર્તા કરુણરસની ટોચે પહોંચે છે.   

સારસંભાળ લેનારું કોઇ ના હોય એ વાત જુદી છે અને કોઇ હોય છતાં પણ વરિષ્ઠ નાગરિકે જયારે વૃધ્ધાશ્રમમાં રહેવું પડે એનું દુઃખ અલગ છે. વરિષ્ઠોની સાંપ્રત સમસ્યાની વાર્તા. અંત ધારી શકાય એવો છતાં સારી વાર્તા.

સામા કાંઠે (અરવિંદ બારોટ):

કરુણાંત પ્રેમકથા. સીધી લીટીમાં ગતિ કરતી સરળ વાર્તા. જૂનો અને જાણીતો વિષય. શ્રીમંત પિતાની દીકરી અને નિર્ધન વિધવા માતાનો દીકરો. ગામડાગામમાં આવા બે પ્રેમીઓ કેમ કરતાં એક થઇ શકે? એમાં વળી કન્યાની માતા ખલનાયિકાનું રૂપ લે. ખેલ ખતમ, પૈસા હજમ.

આ વાર્તા કોઇક જુદી રીતે કહી હોત તો કંઇક વાત બની હોત. જેમ કે જ્યાં અંત આવ્યો ત્યાંથી શરૂઆત થાય. નદીકાંઠે બે જુવાનિયાઓની લાશ મળી આવે. પોલીસતપાસમાં એક પછી એક પાનું ખૂલે. એક  રોચક ક્રાઈમ-કમ-લવ સ્ટોરી! કેટલી સરસ શક્યતા હતી! ખેર.   

--કિશોર પટેલ; 15-05-21; 21:54

###

 


Tuesday 4 May 2021

એતદ જાન્યુ-માર્ચ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

એતદ જાન્યુ-માર્ચ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૧૦ શબ્દો)

રણ (વીનેશ અંતાણી):

કચ્છ અને રણપ્રદેશની સંસ્કૃતિના થઇ રહેલાં વ્યાપારીકરણ વિષે આ વાર્તા મહત્વનાં પ્રશ્નો ઊભાં કરે છે.

આપણી ભાષાના નીવડેલા વાર્તાકારની આ લાંબી ટૂંકી વાર્તામાં કથાનાયક મુસાની સંપૂર્ણ જિંદગીના ઘટનાક્રમ રજૂ કરવાના નિમિત્તે કચ્છની ભાતીગળ સંસ્કૃતિનું આલેખન થયું છે. મુસો અને એની પહેલાંની બે તેમ જ પછીની બે-એમ કુલ પાંચ પેઢીની વાતો અહીં વિસ્તારથી થઇ છે. મુસો ઉપરાંત વાર્તામાં મુસાની પત્ની નૂરાં, પુત્ર સુલેમાન, પૌત્ર ગફુર, મિત્ર જાનમામદ વગેરે મહત્વનાં પાત્રો છે. અહીંના માણસો પાળેલાં પશુઓ જોડે કુટુંબના સભ્ય જેવો સંબંધ રાખે છે. કચ્છના ભરતકામ અને હસ્તકળા દેશ-વિદેશમાં જાણીતાં થયાં છે. વાર્તાની રજૂઆતમાં તળપદી ભાષાનો સુંદર પ્રયોગ થયો છે.

વાર્તાના નાયક મુસાનું પાત્રાલેખન વાર્તાકારે ફુરસદથી કર્યું છે. પિતા અને દાદા જોડેના સંસ્મરણો, રેડિયો કાર્યક્રમ માટે વાદ્ય વગાડવાની વાત, કયા સંજોગોમાં નૂરાંનો પરિચય થયો, નૂરાં જોડેની અંતરંગ ક્ષણો, મિત્ર જાનમામદ જોડેની સ્મૃતિઓ, રણમાં એક વાર દિશા ભૂલીને ભટકી ગયેલો તેની યાદ, પાળેલાં પશુઓ જોડેની વાતચીત વગેરે નાનીમોટી ઘટનાઓના આલેખનથી મુસાનું ત્રિપરિમાણીય પાત્ર ભાવક સમક્ષ હુબહુ ઊભું રહે છે.    

અંતમાં રજૂ થતી રણપ્રદેશની બદલાતી તસ્વીર કેટલાંક પ્રશ્નો ઊભાં કરે છે. મુસો અને એની પેઢીના માલધારીઓ અસહાય થઇને નવી પેઢીના બદલાયેલાં અભિગમને જોઇ રહે છે.

રણપ્રદેશમાં વરસાદ ઓછો પડવો કે એકાદ-બે વર્ષ દુકાળની સ્થિતિ રહેવી નવી વાત નથી. એટલે આ વિસ્તારમાં જયારે વરસાદ મન મૂકીને વરસે ત્યારે તો જાણે ઈશ્વરની મહેર થઇ હોય એમ લોકો રાજી થાય, ઘેલાં થઇ જાય. પણ સહુના આશ્ચર્ય વચ્ચે મુસાનો દીકરો સુલેમાન વરસાદ પડવાથી નારાજ થઇ જાય છે, ફક્ત નારાજ નહીં, એ બેબાકળો થઇ જાય છે, ક્રોધે ભરાય છે! સહુ વડીલોને એ ઠપકો આપે છે, “શેની મુબારકબાદી આપો છો એકબીજાને? અહીંયા મારા ધંધાનું કેટલું નુકસાન થઇ ગયું છે, કંઈ ભાન છે?”

રણપ્રદેશની મુલાકાતે પ્રવાસીઓ આવે એના પર જ સુલેમાનના વ્યવસાયનો આધાર છે. પ્રવાસીઓને રીઝવવા સુલેમાને કરેલી સજાવટ પર ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યું છે. સુલેમાનના બગડેલા મિજાજ સામે કોઇ કંઈ બોલી શકતું નથી.

વ્યથિત થયેલો મુસો પોતાનો ભૂંગો છોડીને, દાદાની અજરખ અને પિતાની ડાંગ જોડે લઇને પોતાના જાનવરો ભેગો રહેવા ચાલી જાય છે તે ઘણું સૂચક છે.    

મુસાના દાદાની શિખામણ: ૧. ક્યારેય કુદરતની સામે થવું નહીં. કુદરત કંઇ ઉધાર રાખતી નથી. ૨. તમે માલધારી છો એ ભૂલજો નહીં. તમારાં પશુઓને દગો ન દેજો.

નોંધનીય અભિવ્યક્તિ: દાદાના કંઠે બન્નીના પશુધનનું વર્ણન સાંભળીને મુસાની આંખ સામે સુંદર ખરી, સુરેખ શિંગડા અને આકર્ષક પૂંછડાવાળી રૂપાળી ભેંસો અને ગાયોનું વિશાળ ધણ દેખાતું. એને લાગતું કે એ પોતે પણ બન્નીનું ઉત્તમ ઘાસ ચરી ધરાયેલાં ચોપાંનો હિસ્સો બની ગયો છે. (ચોપાં=ચોપગાં, પશુઓ)       

માણસની વાત (કંદર્પ ર.દેસાઇ):

વનવાસીઓ માટે સામાજિક કાર્ય કરતા એક સેવાભાવી ડોક્ટરની સંઘર્ષકથા. સ્થાપિત હિતોને ડોક્ટર અમિત આંખના કણાની જેમ ખૂંચે છે કારણ કે એ આદિવાસીઓમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે. આદિવાસીઓના લાભાર્થે આવેલી યોજનાઓનો કાગળ પર જ રહી જાય છે. એ કામ માટે મંજૂર થયેલાં રૂપિયા લાગતાવળગતા અધિકારીઓ ચાઉં કરી જાય છે. અમિતના કારણે એવી લાલિયાવાડીમાં બાધા આવે છે. પરિણામે અમિત અને આદિવાસી કાર્યકર્તાઓ પર બનાવટી આરોપો મૂકાય છે, એમની પ્રતાડના શરુ થાય છે. અમિત પર એક વાર જીવલેણ હુમલો પણ થાય છે. 

નક્સલવાદ કઇ રીતે પેદા થાય છે અને નક્સલી એટલે કોણ એનો ઉત્તર આ રચનામાંથી મળી રહે છે. સરકારી અભિગમ સામે અણિયાળા પ્રશ્નો ઊભા કરતી વાર્તા.

‘ઓમ નમ: શિવાય’ (રવીન્દ્ર પારેખ):

ફેન્ટેસી. આ વાર્તામાં એવી કલ્પના થઇ છે કે રાધા અને મોહન બંને એક થાય છે એટલે કે બંને એક જ દેહ ધારણ કરે છે.

રાધા અને મોહન એકમેકને ગાઢ પ્રેમ કરે છે. રાધાએ તપસ્યા કરી એટલે ભોળા શિવજી પ્રસન્ન થયા અને રાધાએ માંગેલું વરદાન આપ્યું. રાધાએ માંગ્યા પ્રમાણે બેઉના દેહ એક થયા તો ખરા પણ પછી એક જ દેહ હોવાના કારણે પડતી વ્યવહારુ મુશ્કેલીઓથી બંને ત્રાસી ગયા. હળવી શૈલીમાં રજૂઆત થઇ છે. પ્રેમકથાઓમાં કહેવાતું હોય છે કે બે દેહ અને એક આત્મા. લેખક કહે છે કે આ તો એક વિભાવના થઇ; વાસ્તવિકતા કંઇક જુદી જ હોય છે.     

--કિશોર પટેલ; 04-05-21; 20:56

###

 

Sunday 2 May 2021

મમતા એપ્રિલ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે


 

મમતા એપ્રિલ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૬૬૩ શબ્દો)

પૌરાણિક પાત્રોની વાર્તાઓના વિશેષાંક ક્રમાંક ૨ ના અતિથી સંપાદક છે નીલમ દોશી.  

શિખંડી (પ્રફુલ્લ કાનાબાર): મહાભારતમાંના શિખંડી અને આ વાર્તાના નાયક નવેન્દુનાં પાત્રોની વેદના ભલે સરખી હોય, બદલો લેવાની બંનેની રીત જુદી જુદી છે. અંતની ચમત્કૃતિ અપેક્ષિત હતી છતાં સારી લાગે છે. મહાભારતના પાત્રો વિશેની વેબસિરીઝની કલ્પના સારી છે. નવેન્દુની અસલિયત વિષે વાર્તામાં એકાદ-બે સંકેત મોઘમ રીતે મૂક્યાં હોત તો વધુ સારું રહેત.  

મંદોદરી (પ્રજ્ઞા વશી): મંદોદરી જેવી પત્ની હોવાં છતાં રાવણે સીતાનું હરણ કરેલું એમ રસિક શાહ પોતાની પત્ની લજ્જાને બંગલામાં કેદ કરીને રાખે છે અને બજારુ સ્ત્રીઓને બંગલામાં લાવી આંનદપ્રમોદ કરે છે. વાર્તામાં લાગણીઓનો ઓવરડોઝ છે.     

લીલા (દુર્ગેશ ઓઝા): ગામમાં ભજવાતી રામલીલામાં રાવણની ભૂમિકામાં રાઘવ જીવ રેડીને અભિનય કરે છે પણ પ્રેક્ષકો કેવળ રામની ભૂમિકા ભજવતા અક્ષયની પ્રસંશા કરે છે. એ જોઇને રાઘવ રામની ભૂમિકાની માંગણી કરે છે જે માન્ય રખાય છે. રાવણની ભૂમિકા ભજવતી વેળા અક્ષયમાં રહેલો ખરો રાવણ પ્રગટ થઇ જાય છે. એ સીતાની ભૂમિકા ભજવતી સ્ત્રીકલાકારની છેડતી કરે છે. વાર્તાના નાયક રાઘવની ખરી ટ્રેજેડી વાર્તાના અંતમાં થાય છે. રાઘવ જે હવે રામની ભૂમિકા ભજવે છે એનું શું થયું એ વિષે લેખક કંઇ કહેતા નથી! જે રાઘવની અવગણના પહેલાં કેવળ પ્રેક્ષકો દ્વારા થતી હતી તેમાં હવે લેખક પણ જોડાય છે! મુખ્ય પાત્રને લેખક પોતે વીસરી ગયા!          

નારી એક કિન્તુ શતરૂપા (રેના પિયુષ સુથાર): સાંસારિક જીવનમાં દુઃખી થયેલી નાયિકા ભારતના પ્રવાસે આવી છે. એક આદિવાસી કબીલાના સામાજિક રીત-રીવાજો જાણીને અચંબિત થાય છે. એમની પાસેથી જાણે પોતાની સમસ્યાનો હલ એને મળ્યો હોય એવું જણાય છે.   

ચરૈવેતિ ચરૈવેતિ (નગીન વણકર): અશ્વત્થામાની વેદનાનું સરસ આલેખન. અંતે શાંતિની શોધમાં એને રાજઘાટ તરફ એટલે કે ગાંધીજીની શરણમાં જતો બતાવાયો  છે.   

દિલ માંગે મોર (મીનાક્ષી વખારિયા): વાર્તામાં જણાવ્યું છે એટલું વાસ્તવમાં સહેલું હોતું નથી. આવાં આવિષ્કાર કરવા માટે લેબોરેટરી જોઈએ, અનેક મદદનીશ જોઇએ. અનેક નિષ્ફળ પ્રયોગોના અંતે ક્યારેક ક્યાંક સફળતા મળતી હોય છે. વળી કોઇ એક વિધાની વાત હોય તો ઠીક, વાર્તાનો નાયક તો મેકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિકસ, એન્જીનિયરીંગ એમ વિવિધ વિધાઓમાં ચમત્કારો કરી બતાવે છે! શું એની પાસે સુપરનેચરલ પાવર હતો? ખેર, માન્યું કે એણે શોધખોળ કરી. પણ પછી એકદમ ફિલ્મી અંત? આ ભાઈએ આટઆટલા ચમત્કાર કર્યા ત્યારે એના શેઠ શું કરતા હતા? બીજું બધું છોડો, જેણે આખા ગામને કેવળ એક વીજળી બાબતે પણ આત્મનિર્ભર બનાવ્યું હોય એને કોણ ઓળખતું ના હોય? આવો હીરો તો ગામ/તાલુકા/જિલ્લા/રાજ્યમાં પ્રખ્યાત થઇ ગયો હોય! એણે કરેલાં આવિષ્કાર કોઇ પોતાના નામે કેવી રીતે કરી શકવાનું હતું?       

ભવિષ્યજ્ઞાતા (આલોક ચટ્ટ): નાયક પાસે ભવિષ્ય જાણવાની વિદ્યા હતી પણ એ સાથે કોઈને ના કહેવાની શરત પણ હતી. સહદેવની વ્યથા-કથા આધુનિક રૂપમાં.  

જટાયુ (સુષ્મા શેઠ):  પ્લસ પોઈન્ટ: મુંબઈના ટપોરીઓની બોલી સારી પકડી. માઈનસ પોઈન્ટ: ૧. પેટમાં ચાકુ વાગ્યું છે, લોહી વહી ગયું છે એ પછી પત્ની આવે ત્યારે ડોકટરો સાથે એની શું વાત થઇ તેનું સંવાદોસહિત વિગતવાર વર્ણન કથક કરી શકે?  ૨. આખી વાર્તા પ્રથમ પુરુષમાં અને અંત ભાગમાં અચાનક ત્રીજા પુરુષમાં! ૩. લોકલ ટ્રેનમાં ગુંડાઓ સાથે મારામારીના દ્રશ્યનું વર્ણન હજી સારું થઇ શકે જો પુનરાવર્તન પામતી વાતો હઠાવી દેવાય તો. ૪. મુંબઇની લોકલ ટ્રેનમાં મોડી રાતે આવું બની શકે પણ કેવળ સ્ત્રીઓ માટેના અલાયદા ડબ્બામાં, કારણ કે એવે સમયે એ ડબ્બાઓ નિર્જન હોય. પણ પુરુષોના ડબ્બામાં કાયમ મરણતોલ ગરદી હોય એટલે ત્યાં આવું બનવું અસંભવ છે.

જાનકી (ભારતી ગોહિલ): બીજા પુરુષ એકવચન કથનશૈલીમાં લખાયેલી વાર્તા. શીર્ષક “જાનકી” છે પણ વાર્તામાં કોઇ પૌરાણિક સંદર્ભ નથી. રઘુવીરના મૃત્યુ પછી જાનકીના જીવનમાં આહવાનાત્મક સ્થિતિ ઊભી થઇ એ પછી જાનકીએ જીવનમાં શું સંઘર્ષ કર્યો તેનો ઉલ્લેખ વાર્તામાં નથી. સીધું જ ત્રીસ વર્ષ પછી રઘુવીરનું સ્મારક ઊભું થાય છે. જીવનમાં બધું જ સારું હતું તો સમસ્યા ક્યાં હતી?   

શિલ્પા ઉર્ફે શીલા (નિપુલ કારિયા): અહલ્યાની દંતકથા જાણીતી છે. ભાવિ પતિ શિલ્પાનો શીલભંગ કરે છે જેને પરિણામે એનું બાકીનું જીવન પથ્થર સમાન થઇ જાય છે. પાડોશનું એક બાળક એના નિર્જીવ જીવનમાં સંજીવની મંત્ર ફૂંકે છે.  

અજંપો (અર્ચના દીપક પંડયા): દ્રૌપદીનું એક નામ કૃષ્ણા પણ હતું. એ જ દ્રૌપદી અહીં ક્રિષ્ના બનીને આવી છે. દ્રૌપદીના પાંચ પતિઓની જેમ આ ક્રિષ્નાના જીવનમાં આવેલા પાંચ પુરુષોનો પ્રવેશ વાર્તામાં વારાફરતી થાય છે. સ્ત્રી-પુરુષના સંબંધોને તપાસવાનો ઉપક્રમ આ વાર્તામાં થયો છે. 

ચાવી ત્રીજા કુંડમાં (યામિની વ્યાસ): સત્યનો અસ્વીકાર કરીને ભ્રમણામાં જીવતી એક માનસિક અસ્વસ્થ સ્ત્રીની વાર્તા.

-કિશોર પટેલ; 02-05-21; 20:54

###

Saturday 1 May 2021

નવનીત સમર્પણ એપ્રિલ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

નવનીત સમર્પણ એપ્રિલ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૪૦ શબ્દો)

કાળજી નામે કેર (સતીશ વૈષ્ણવ):

વાર્તાકારે શીર્ષકમાં શ્લેષ કર્યો છે. “કેર” શબ્દનો એક અર્થ ભગવદગોમંડલ અનુસાર “જુલમ” થાય છે અને અંગ્રેજી શબ્દ care (કેર) નો અર્થ “કાળજી” થાય છે. કોરોના મહામારીના સમયમાં નાયિકાનો પતિ કાળજીના બહાને પત્નીથી અંતર રાખીને ભાવનાત્મક જુલમ આચરે છે. 

શંકાશીલ સ્વભાવના લોકો કોઇ પણ સ્થિતિમાં શંકા કર્યા કરતાં હોય છે. નાયિકાનો પતિ એમાંનો એક છે.

નાયિકાના મનોભાવોનું આલેખન કરવા લેખકે એક જુદી ડિવાઈસની રચના કરી છે. નાનપણમાં જ ગુજરી ગયેલી નાની બહેન સોહિણીની છબી જોડે નાયિકા સંવાદ કરે છે. મૃત સોહિણીની જોડે કાલ્પનિક નિકટતા કેળવીને નાયિકા નિ:સંતાન હોવાનું દર્દ હળવું કરે છે.       

ઋણ (ગિરીશ ભટ્ટ):

કોઈકે કરેલી મદદનું ઋણ અન્ય કોઇ જરૂરતમંદને મદદ કરીને ફેડી શકાય છે. આવો સંદેશો આ વાર્તા આપે છે. હિન્દી  ફિલ્મોના ઝગમગાટથી આકર્ષાઈને કોલકાતાથી અનુરાધા નામની એક કન્યા મુંબઇ આવી હતી. સ્થાપિત અભિનેત્રી અસ્માએ એને પોતાની પાંખમાં લીધી અને એની લાઈફ બની ગઇ. અનુરાધામાંથી મંદિરા બનીને ફિલ્મોમાં એ નામના કમાઈ છે. એક દિવસે શૂટિંગમાં એક્સ્ટ્રાનું કામ કરતી એક છોકરીને જોઇને મંદિરા ચોંકે છે, “તું તો નિશી છો! મારા મહોલ્લાની!” નિશીને પોતાની પાંખમાં લઇને મંદિરા અસ્માનું ઋણ અદા કરે છે.

મુંબઇની ઝૂંપડપટ્ટી અને એનાં રહેવાસીઓની જીવનચર્યાનું આલેખન પરિવેશને અધિકૃત બનાવે છે.         

આ વાતનું દુઃખ (બાદલ પંચાલ):

વરિષ્ઠોની અવહેલના. પત્નીના મૃત્યુ પછી પ્રિય મિત્રનું મૃત્યુ. જતી ઉંમરે વસંતભાઇ એકલાં પડી ગયા છે. મોબાઇલનો એક સહારો છે પણ એનીયે મર્યાદા છે. વસંતભાઈને વધુ પીડા થાય છે સ્વજનો તરફથી થતી અવહેલનાથી. દુઃખની વાત કોની પાસે કરવી?

-કિશોર પટેલ, 01-05-21; 20:51

###