Wednesday 31 August 2022

નવનીત સમર્પણ ઓગસ્ટ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ ઓગસ્ટ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૫૮ શબ્દો)

જાણ્યે અજાણ્યે યોગાનુયોગ એવો થયો છે કે અંકની પાંચેપાંચ વાર્તાઓ સ્ત્રીલેખકોની છે. નારીચેતના ઝિંદાબાદ!

પક્ષાઘાત (મેધા ત્રિવેદી):

પક્ષાઘાતના હુમલાના કારણે નાયિકા પથારીવશ થયેલી છે. સામેના ઘરમાં રહેતી એક અપરિચિત સ્ત્રીની દિનચર્યાનું રસપૂર્વક નિરીક્ષણ કરતાં રહીને એ પોતાના મન-મગજને સક્રિય રાખે છે. એક સમયે રંગમંચ ગજાવી ચૂકેલી અભિનેત્રી માટે આ સ્થિતિમાં મન અને મગજનું સંતુલન રાખવું સહેલું નથી. બાળકને જન્મ આપવાની તૈયારી કરતી પેલી સ્ત્રી જોડે નાયિકા સમરસ થાય છે. જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવાની વાત. સરસ વાર્તા.       

નાળ (પન્ના ત્રિવેદી):

ઘોડાના પગમાં નાળ બેસાડવામાં આવે છે જેથી કરીને ગાડી ખેંચીને દોડવામાં એને સરળતા રહે, એના પગનાં પહોંચા વહેલાં ઘસાઈ ના જાય અને ઘોડો લાંબો વખત માલિકની સેવા કરી શકે. આ નાળ અહીં રૂપક બનીને આવ્યું છે વાર્તાની નાયિકા નિમ્મી માટે. નિમ્મીની જોડે એની બહેનપણી ધની માટે પણ આ રૂપક લાગુ પડે છે. નિમ્મીએ આખી જિંદગી ઘરનો ભાર વેંઢાર્યો છે, નાની બહેનોને યોગ્ય ઠેકાણે પરણાવ્યાં, નાના ભાઈને ઉછેર્યો, ભાઈના બાળકોને ઉછેર્યા, માંદી રહેતી માને ટેકો કર્યો. આ બધી જવાબદારીઓ સંભાળવા માટે એણે પોતાની અંગત જિંદગીની કુરબાની આપી દીધી છે, એનું પોતાનું લગ્ન ગોઠવાયું નહીં અને કોઈએ એવો રસ પણ લીધો નહીં. આટલું કર્યા પછી પણ ઘરમાં એની કદર થતી નથી. ભત્રીજીના લગ્નપ્રસંગે એની અવગણના થાય છે. કંઇક એવું જ એની બહેનપણી ધની જોડે પણ થાય છે. એના ઘરમાં પણ ભત્રીજાના જન્મદિવસે એની ગેરહાજરીમાં જ કેક કપાઈ જાય છે.

આપણા સમાજમાં આવાં ઉદાહરણ મળી આવશે જેમણે ઘર-પરિવાર માટે જાત ઘસી નાખી હોય પણ એમની કદર ના થઈ હોય. ખૂબ સહેલાઈથી એમને “ભૂલી જવાતા” હોય છે.  સરસ વાર્તા.                                                                  

એવી ને એવી જ (ગિરિમા ઘારેખાન):

માતા-પુત્ર સંબંધ વિશેની એક લઘુકથા. સ્ત્રીસૌંદર્યમાં વાળનું સ્થાન મહત્વનું માનવામાં આવે છે. કેન્સરના ઉપચાર દરમિયાન કેમોથેરેપીની આડઅસરના લીધે સ્ત્રીના માથાના વાળ ખરી પડતાં હોય છે. આમ થાય ત્યારે સ્ત્રીના દર્શનીય રૂપમાં ફરક પડતો હોય છે. કોઈને ફરક જણાય કે નહીં પીડિત વ્યક્તિને પોતાને આ વિષે ગ્રંથિ બંધાઈ જતી હોય છે. નાયિકાનો ચાર વર્ષનો દીકરો માતાના રૂપમાં આવેલા આ પરિવર્તનને સહજતાથી સ્વીકારી લે છે.   

ગૃહસ્થાશ્રમ (ચંદ્રિકા લોડાયા):

પુત્ર અને પુત્રવધુ વચ્ચે પડી ગયેલી ગેરસમજની ગાંઠ માતા-પિતાએ ખોલી આપી. ખાધું પીધું ને રાજ કર્યું. ફીલગુડ વાર્તા. 

બીજી પારી (અલકા ત્રિવેદી):

પાડોશમાં કોલેજિયન યુવાનો-યુવતી ભાડેથી રહેવા આવ્યાં એ પછી એકાકી જીવન ગાળતા જયંતિભાઈની દુનિયા બદલાઈ ગઈ. છોકરાંઓને વડીલ જોઈતા હતા અને જયંતિભાઈને સાથ-સંગાથ જોઈતો હતો. જિંદગીનો બીજો દાવ જયંતિભાઈ હસીખુશીથી રમ્યા. એક વધુ ફીલગુડ વાર્તા.

“બીજી પારી” જેવા શીર્ષકમાં ગુજરાતી-હિન્દી શબ્દનું જોડકું ખૂંચે છે. બીજો દાવ / દૂસરી પારી / સેકન્ડ ઇનિંગ: આ ત્રણ પર્યાયમાંથી એકાદ ઉચિત રહ્યું હોત.  

--કિશોર પટેલ, 01-09-22; 09:43

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

           

Monday 29 August 2022

બાલભારતીમાં વાર્તાપઠન ૨૭ ઓગસ્ટ ૨૦૨૨

 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૭ ઓગસ્ટ ૨૦૨૨  

(૩૮૪ શબ્દો)

કોરોના પ્રતિબંધ હળવા થયાં પછી શનિવાર તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૨ ની સાંજનો બાલભારતી વાર્તાવંતના વાર્તાપઠનનો આ કાર્યક્રમ એ શ્રેણીમાં બારમો મણકો છે એવું આરંભમાં આયોજક હેમંતભાઈ કારિયાએ જણાવ્યું.

ભવાઈની પરંપરાના જાણકાર અને એસએનડીટીના યુવા પ્રાધ્યાપકશ્રી કવિત પંડયાએ કાર્યક્રમના સંચાલનનો પ્રારંભ કરતાં કહ્યું કે બાલભારતીમાં વાર્તાપઠનનો આ કાર્યક્રમ એટલે એક મહાયજ્ઞ. મુંબઈના પશ્ચિમ વિભાગના આ પરામાં આવી સરસ સાંસ્કૃતિક પ્રવૃત્તિ થાય છે તે ઘણી આનંદની વાત છે.   

કાર્યક્રમમાં આ વખતે નાવીન્ય એ કે સાંપ્રત વાર્તાઓને બદલે અર્વાચીન સાહિત્યના પ્રારંભ કાળની વાર્તાઓ જોડે રસિક શ્રોતામિત્રોનું પુન: સંધાન થયું.  

સૌ પ્રથમ નિકિતા પોરિયાએ રજૂ કરી ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા તરીકે જેની ગણના થાય છે તે મલયાનિલ કૃત વાર્તા “ગોવાલણી”. પોતાની પાછળ આસક્ત થયેલા વાર્તાનાયકને ગામડાની એક ગોવાલણી કેવી કુનેહપૂર્વક નિયંત્રણમાં રાખે છે એની હળવી શૈલીમાં મજેદાર રજૂઆત.

બીજા ક્રમે પ્રણવ રૂપારેલિયાએ રજૂ કરી કનૈયાલાલ મુનશી લિખિત વાર્તા “મારી કમલા”. વાર્તામાં આજથી સોએક વર્ષ પહેલાંના સમાજજીવનનું પ્રતિબિંબ મળે છે. પેટની બળી ગામ બાળે એમ કેટલીક દુખિયારી સ્ત્રીઓ અન્યોને ગેરમાર્ગે દોરીને એમનું પણ જીવન દુઃખી કરી મૂકે છે. નાયક પોતાની પત્ની કમલાને ખૂબ ચાહતો હતો પણ પોતાની માતાની ઉશ્કેરણીથી કમલા નાયક જોડે કંકાસ કરવા માંડે છે. કમલા પોતે તો દુઃખી થાય જ છે અને જોડે પતિને પણ એ દુઃખી કરે છે.

કોફીબ્રેક પછી ત્રીજા ક્રમે કૃષ્ણા ઓઝાએ રજૂ કરી સુન્દરમ લિખિત વાર્તા “ખોલકી”.

પરણ્યા પછી પ્રથમ પ્રેમમિલન પ્રસંગે જ એક કોડભરી કન્યાના સ્વપ્નાંઓને ચકનાચૂર કરી નાખે છે એનો મોટી ઉંમરનો બીજવર પતિ. નાયિકા જોડે એ છેક જ રુક્ષ અને અસભ્ય વર્તન કરે છે, પત્ની જાણે પશુ હોય એવું એ વર્તે છે.

ચોથી અને છેલ્લી વાર્તા રજૂ કરી કવિત પંડયાએ રમેશ પારેખ લિખિત વાર્તા “ત્રેપ્પનસિંહ ચાવડા હજી જીવે છે.

આ એક કપોળકલ્પિત વાર્તા છે. એક સ્થાનિક પત્રકાર કાચની ફોટોફ્રેમની અંદર મઢાયેલા લાંબી મૂછોવાળા લાલજી અથવા ભૂરાજીનો ઇન્ટરવ્યુ લે છે. આ લાલજી અથવા ભૂરાજીએ ત્રેપ્પન સિંહોનો શિકાર કરેલો એટલે એમનું નામ ત્રેપ્પનસિંહ ચાવડા પડેલું. ચોપ્પનમા સિંહ વખતે બાજી પલટાઈ ગયેલી એટલે લાલજી અથવા ભૂરાજી ફોટોફ્રેમમાં જડાઈ ગયેલા. આ લાલજી અથવા ભૂરાજી એક મિથ્યાભિમાની પુરુષનું પ્રતિક બની રહે છે. આ પાત્રના માધ્યમથી વાર્તાકારે પુરુષો અને સમાજજીવન અંગે સરસ વ્યંગ કર્યો છે.

સભાનું સમાપન કરતી વેળા કાર્યક્રમના આયોજક અને પુરસ્કર્તા એવા બાલભારતીના ટ્રસ્ટીશ્રી હેમાંગભાઈ તન્નાએ વાર્તાપઠનની સમાંતરે ચાલતી સંસ્થાની અન્ય એક મહત્વની પ્રવૃત્તિ એટલે કે બાલભારતી નાટયશાળાનો ઉલ્લેખ કર્યો અને આગામી નાટયપ્રયોગોની માહિતી આપી.  

એકંદરે ઉપસ્થિત સહુ શ્રોતામિત્રોએ માણી એક મજાની સાંજ!

--કિશોર પટેલ, 30-08-22; 08:05

###

       

   

 

       


Wednesday 24 August 2022

વારેવા જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

વારેવા જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૭૬ શબ્દો)

ફકિંગ ડેથ (અશ્વિની બાપટ):

કૌટુંબિક જીવનમાં સરિયામ નિષ્ફળ ગયેલા એક આદમીની વાત. રજૂઆતમાં ક્થકનું રહસ્ય સરસ જળવાયું છે. એવું લાગે કે પતિ-પત્ની વચ્ચે સંવાદની કોઈ ભૂમિકા રહી નથી. આ વાત બીજી રીતે છેક અંતમાં ખૂલે છે. વાચકને સાદ્યંત જકડી રાખે એવી જડબેસાલક રજૂઆત.  નાયકની નિષ્ફળતા અને હતાશાનું પ્રભાવી આલેખન.    

વાર્તામાં શીર્ષક સહિત અપશબ્દોની હાજરી છે. ગુજરાતી ટૂંકી વાર્તામાં કદાચ પહેલી વાર આ રીતે આ અપશબ્દોનો પ્રયોગ થયો છે. મરાઠી સાહિત્યમાં આવા અપશબ્દોની નવાઈ નથી. આ બદલાતા પ્રવાહની નોંધ લેવી રહી.

આ લખનાર આ અપશબ્દોને ટેકો પણ નથી આપતો અને એનો વિરોધ પણ નથી કરતો. હા, થોડાંક પ્રશ્નો જરૂર ઊભા કરે છે જેથી કરીને આપણે સહુ આ વિષે વધુ સ્પષ્ટ થઈ શકીએ.

પ્રશ્ન એ છે કે શું આ અપશબ્દો અનિવાર્ય હતાં? મુંબઈ અને મહારાષ્ટ્રમાં એક સમયે ખૂબ ગાજેલા વિજય તેન્ડુલકર લિખિત મરાઠી નાટક “ગિધાડે” માં નાયકના પાત્રાલેખન માટે એના સંવાદોમાં અપશબ્દો અનિવાર્ય હતાં, શેખર કપૂરની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત હિન્દી ફિલ્મ “બેન્ડિટ કવિન” માં ચંબલની ખીણનું વાતાવરણ રચવા માટે તેમ જ અન્ય પાત્રો સહિત નાયિકા ફૂલનદેવીના પાત્રાલેખન માટે સહુ દ્વારા બોલાતાં અપશબ્દો અનિવાર્ય હતાં. એ રીતે જોઈએ તો પ્રસ્તુત વાર્તામાં આ અપશબ્દો શું ખરેખર અનિવાર્ય જણાય છે?

સ્પષ્ટ છે કે સાહિત્યનો હેતુ સમાજમાં સંસ્કારસિંચનનો ક્યારેય ન હતો. સાહિત્યકૃતિમાં વાસ્તવિકતાનું નિરૂપણ આવકાર્ય છે. ગામડાંની તળપદી બોલીનું દસ્તાવેજીકરણ જો આપણા સાહિત્યમાં થઈ શકતું હોય તો માણસની ભાષાના ઉદ્ગમ જોડે જ સંકળાયેલી ગાળોનું પણ દસ્તાવેજીકરણ શા માટે નહીં આવો પણ એક પ્રશ્ન ઊભો થાય છે.             

અગ્નિસંસ્કાર (સીમા મહેતા): એક બાળકના પોઈન્ટ ઓફ વ્યુથી મૃત્યુની અનુભૂતિ.  સરસ રજૂઆત.

પ્રસ્તાવ (ઈશાની વ્યાસ): એક નવતર વળાંક સાથેની પ્રેમકથા. અનપેક્ષિત અંત આ વાર્તાનું જમાપાસું છે. પ્રેમ નામની લાગણીને અવનવી શક્યતાઓ સાથે તપાસવાનો પ્રયાસ થયો છે. લગ્નજીવનમાં વફાદારીના નામ પર આજે માણસો એકબીજાના લોહીના તરસ્યા થઈ જાય છે એવી સ્થિતિમાં કોઈ માણસ માલિકીહક તજીને પ્રેમ વહેંચવાની વાત કરતો હોય તો એ નવી વાત છે. સારી વાર્તા.   

લિ. (દક્ષા સંઘવી): પત્નીથી તિરસ્કૃત થયેલા પતિની પત્રસ્વરૂપે કેફિયત. પતિ વિષે ગેરસમજ કરીને પત્ની ગૃહત્યાગ કરી ગઈ છે. સ્વરૂપમાં પ્રયોગ તો ના કહેવાય પણ રજૂઆતમાં વૈવિધ્ય આવ્યું છે એટલું ચોક્કસ.

અનુવાદિત વાર્તાઓ:

એક સાંજ અને બે સ્ત્રીઓ (સ્વકીયા વિભાગ, મૂળ તમિલ વાર્તા અને અંગ્રેજી અનુવાદ: આર. ચૂડામણી; અનુવાદ: કિશોર પટેલ): પતિ જોડે મનભેદ અને મતભેદ થતાં છૂટાછેડા લીધેલી નાયિકાને એક સાંજે એની નણંદ મળી જાય છે. બંને વચ્ચે બદલાયેલા સંબંધની વાત. નાયિકાના સ્વતંત્ર વ્યક્તિત્વના સમાજ દ્વારા થતાં સ્વીકારની વાત.  

ઉ: પરપોટો 476 (પરકીયા વિભાગ, મૂળ અંગ્રેજી વાર્તા, અનુવાદ:વારેવા ટોળી): બહુ નજીકના ભવિષ્ય વિષે એક વૈજ્ઞાનિક કપોળકલ્પિત કથા (સાયફાય). પૃથ્વીની બહાર અન્ય ગ્રહ પર એકબીજાથી ભૌતિક રીતે દૂર રહેલાં બે પ્રેમીઓ વચ્ચે ઈમેઈલ દ્વારા સંવાદ થાય છે.

નિયમિત સ્તંભ

કથાકારિકા વિભાગમાં મનોજ સોલંકીની વાર્તા “બાઈની જાત” + એનો રસાસ્વાદ રજૂ કરે છે કિશોર પટેલ: આજની શિક્ષિત અને આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી સાસુના આધિપત્યમાં રહેવાનો ઇનકાર કરે છે.

લઘુકોણ વિભાગમાં ગિરિમા ઘારેખાનની લઘુકથા ટેક્સ + એનો રસાસ્વાદ રજૂ કરે છે રાજુલ ભાનુશાલી: પુરુષપ્રધાન સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી સ્ત્રીનું શોષણ થતું આવ્યું છે. સમયની સાથે એનું સ્વરૂપ બદલાતું રહ્યું છે પણ શોષણ થતું અટક્યું નથી.  

મુકામ પોસ્ટ વાર્તા સ્તંભમાં રાજુ પટેલ લઘુકથા વિષે નુક્તેચીની કરે છે.

--કિશોર પટેલ, 25-08-22; 10:02

###      

તા.ક. વારેવા સામયિકમાં પ્રગટ થતી વાર્તાઓ વિષે આ લખનારે લખવું ન જોઈએ કારણ કે એ પોતે વારેવા પરિવારનો સક્રિય સભ્ય છે. જે દિવસે અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારની નોંધ લખવાની શરૂઆત કરશે, આ લખનાર વારેવાની વાર્તાઓ વિષે લખવાનું બંધ કરી દેશે.

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Monday 15 August 2022

મમતા જુલાઈ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

મમતા જુલાઈ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૮૭૮ શબ્દો)

પ્રસ્તુત અંક ભારતીય ભાષા વિશેષાંક છે અને એના નિમંત્રિત સંપાદક છે વિરાફ કાપડિયા.

ગુપ્ત વાતો (શૌકત હુસેન શોરો લિખિત મૂળ સિંધી વાર્તા, અનુવાદ: વિરાફ કાપડિયા): પતિ-પત્ની વચ્ચે મીઠી નોંકઝોંક. 

મૂળ વાર્તા સિંધી હોય ત્યારે એના અનુવાદમાં સિંધી બોલીભાષાના અમુક શબ્દો આવે એ હજી સમજાય, પણ આખી વાર્તા પારસી બોલીમાં? મૂળ વાર્તા પારસી બોલીમાં હોય તો તેનું સ્વાગત પણ સિંધી વાર્તા પારસી બોલીમાં? આવું શા માટે? આમ કરવા પાછળનો તર્ક ના સમજાયો.

પાણીનું ઝાડ (કૃષ્ણચંદર લિખિત મૂળ ઉર્દુ વાર્તા, અનુવાદ: વિરાફ કાપડિયા): સંપૂર્ણ વાર્તા વ્યંજનામાં લખાઈ છે. અંગ્રેજો પાસેથી સ્વાતંત્ર્ય મળ્યા બાદ દેશની રાજકીય અને સામાજિક સ્થિતિ અંગે તેમ જ શ્રમિકોની સ્થિતિ અંગે વાર્તામાં મહત્વનું વિધાન થયું છે. લાલ સપનાંની વાત એટલે કમ્યુનિસ્ટ વિચારધારાની વાત થઈ છે.    

બાલક્રીડા (અનુવાદ વિરાફ કાપડિયા): મૂળ હિંદી ભાષાની આ વાર્તાના લેખક કોણ હોઈ શકે એ વિષે અંદાજ લગાવવાનું સામયિકે વાચકોને આહવાન કર્યું છે.):  નદીકિનારે રમતાં બાળકોનું શબ્દચિત્ર.

સહપાઠી (સત્યજીત રાય લિખિત મૂળ બંગાળી વાર્તા, અનુવાદ: વિરાફ કાપડિયા): અવિશ્વાસ. બદલાતા સમયની વાત. આજે માણસજાતમાં એકમેક પ્રત્યેના વિશ્વાસમાં ખોટ આવી છે. સહુ એકબીજાને શંકાથી જુએ છે. શ્રીમંત માણસ ગરીબ જણાતા માણસને શંકાની નજરથી જુએ છે. આ માણસ સાચું કહેતો હશે? એ છળકપટ નહીં કરતો હોય એની શું ખાતરી?

સ્કુલમાં સહપાઠી હોવાનો દાવો કરનારા આગંતુકને વાર્તાનો નાયક મોહિત શંકાથી જુએ છે. ત્રીસ વર્ષ પછી મળેલા માણસમાં પેલા સહપાઠીના કોઈ જ અણસાર એને દેખાતાં નથી. આગંતુક આર્થિક મુશ્કેલીમાં હોવાનું કહીને મદદ માંગવા આવ્યો છે. મોહિત સીધી ના પાડી શકતો નથી એટલે એને ઘરમાં રોકડ નથી એવું બહાનું કરે છે. રવિવારનો વાયદો કરીને એ એને  વિદાય કરી દે છે. પણ પેલો સહપાઠી પીછો છોડતો નથી. નિયત દિવસે મુલાકાત ના થવાથી પછીના દિવસે એને પોતાને મુશ્કેલી હોવાથી એ પોતાના પુત્રને મોકલે છે. સહપાઠીના પુત્રને જોયા પછી મોહિતનું હ્રદયપરિવર્તન થઈ જાય છે.

ટૂંકી વાર્તા માટે એક ઉક્તિ જાણીતી છે: શો, ડોન્ટ ટેલ.

સત્યજીત રાયની આ વાર્તા એટલે સારી વાર્તાનો એક ઉત્તમ નમૂનો. નાયકના મનોભાવોનું આલેખન શબ્દોમાં થયું નથી, એનું આકલન એના સંવાદો પરથી કરી શકાય છે.  સરસ વાર્તા.   

પાંજરામાં લીલા પોપટ (ગોપી ગૌબા લિખિત મૂળ અંગ્રેજી વાર્તા, અનુવાદ: વિરાફ કાપડિયા): ભાગલા પછી દેશમાં વિવિધ ઠેકાણે થયેલાં કોમી રમખાણોની પૃષ્ઠભૂમિમાં રચાયેલી વાર્તા. સહુ સલામત સ્થળે વસવાટ કરવા ઘરબાર છોડીને જઈ રહ્યાં છે. એક શ્રીમંત હિંદુના ઘરમાં મુસ્લિમ નોકરો છે. આ પરિવારના સભ્યો પણ સ્થળાંતર કરવાના છે. મુસ્લિમ બહુમતીવાળું શહેર છોડીને જતાં પહેલાં પિંજરામાંનાં પોપટને મુક્ત કરવાની વાત કરીને લેખક કદાચ કહેવા માંગે છે કે ઘરના મુસ્લિમ નોકરોને મુક્ત કર્યા. સરસ વાર્તા.  

ડાયનાસોરનું બચ્ચુ (ઈ.હરિકુમાર લિખિત મૂળ મલયાલમ વાર્તા, અનુવાદ: હસમુખ કે. રાવલ): એક બાળકના સ્વપ્નાની વાત. એને સ્વપ્નું આવે છે કે ડાયનાસોરનું બચ્ચુ એની જોડે રમવા આવે છે. એના પિતા અનેક સાંસારિક, વ્યવહારિક મુશ્કેલીઓમાં ફસાયેલા હોવા છતાં એના બાળસહજ પ્રશ્નોના ઉત્તરો આપવાના પ્રામાણિક પ્રયાસો કરે છે. સરસ વાર્તા.

નિયમિત સ્તંભ:

૧. રાગ શસ્ય શ્યામલા વિભાગમાં સુનીલ ગંગોપાધ્યાય લિખિત બંગાળી વાર્તા “નિર્માણ-ક્રીડા” (અનુવાદ: સંજય છેલ):

આ એક પ્રયોગાત્મક વાર્તા છે. એક વાર્તાની સામગ્રી અને લખાણની પૂર્વતૈયારીની રજૂઆત થઈ છે. અમલ નામના એક મધ્યમવર્ગીય યુવાનની વાત થાય છે જેના પરિવારજનો જોડેના સંબંધો તંદુરસ્ત નથી.

૨. રાગ ગગનવિહંગા વિભાગમાં આઈઝેક અસીમોવની મૂળ અંગ્રેજી વાર્તા “અબજો વર્ષ બાદ” (અનુવાદ: યશવંત મહેતા):

વાર્તામાં એવી કલ્પના થઈ છે કે અબજો વર્ષો પછી માનવશરીર આજના જેવું રહ્યું નહીં હોય. કદાચ કોઈ આકાર નહીં હોય, હશે કેવળ એક ઊર્જા. એવા સમયે એક જીવને બીજા એક જીવની સ્મૃતિ થાય છે અને એ સ્મૃતિના આધારે એનો આકાર રચવા માંડે છે. આ પ્રક્રિયા દરમિયાન પાત્રને અનુભવ થાય છે કે આંખો જોવા ઉપરાંત વિશેષ કંઈક કરે છે, અને તે છે અશ્રુ દ્વારા લાગણીની અભિવ્યક્તિ.             

ભિન્ન ભાષાઓની વૈવિધ્યપૂર્ણ વાર્તાઓનો રસથાળ પ્રસ્તુત કરવા બદલ મમતા વાર્તામાસિક અને આમંત્રિત સંપાદક વિરાફ કાપડિયા બંને આભાર અને અભિનંદનના અધિકારી છે.

આપણા લેખકોની એક વિશેષ આવડત: ભગિની ભાષાઓની જાણકારી! 

મમતા વાર્તામાસિકના આ અંકમાં કુલ આઠ વાર્તાઓમાં બે અંગ્રેજી અને એક હિન્દી ઉપરાંત અન્ય ચાર ભાષાઓની કુલ પાંચ વાર્તાઓ રજૂ થઈ છે. આ પાંચ વાર્તાઓમાંથી એક ઉર્દુ, એક બંગાળી, અને એક સિંધી એમ ત્રણ ભાષાઓની વાર્તાઓના અનુવાદ વિરાફ કાપડિયાએ કર્યા છે. બંગાળી ભાષાની એક વાર્તાનો અનુવાદ સંજય છેલે કર્યો છે. મલયાલમ ભાષાની એક વાર્તાનો અનુવાદ હસમુખ કે.રાવલે કર્યો છે.

આપણા લેખકોને ઉર્દુ, બંગાળી, સિંધી અને મલયાલમ જેવી ભાષાઓની જાણકારી છે એ જાણીને અત્યંત હર્ષની લાગણી થાય છે! આ ત્રણે લેખકોને વંદન અને હાર્દિક અભિનંદન!   

સામાન્ય રીતે દિલ્હી સ્થિત સાહિત્ય અકાદમી વિવિધ ભારતીય ભાષાઓના પ્રતિષ્ઠિત વાર્તાકારોની વાર્તાઓના અનુવાદ હિન્દી તેમ જ અંગ્રેજી ભાષામાં કરાવીને પ્રગટ કરતાં હોય છે અને એ રીતે એ વાર્તાઓ દેશ-વિદેશમાં પહોંચતી હોય છે. એ પછી સમયાંતરે હિન્દી અથવા અંગ્રેજી અનુવાદોના આધારે એના અનુવાદ અન્ય ભારતીય ભાષાઓમાં થતાં હોય છે. આ સ્થિતિમાં જે ભાષાના અનુવાદની મદદ લેવાઈ હોય એ ભાષા અને અનુવાદકને પણ શ્રેય આપવું જોઈએ.

મમતાના લેખકોને જે તે ભાષા આવડતી હોય તો સારી વાત છે પણ જો એમણે હિન્દી/અંગ્રેજી અનુવાદની મદદ લીધી હોય તો એનો ઉલ્લેખ એમણે કરવો જોઈતો હતો. અફસોસ, અહીં આમ થયું નથી. જો કે આપણા સામયિકોમાં આવું પહેલી વાર થયું નથી. મૂળ લેખકને યશ આપ્યો એટલે ફરજ પૂરી થઈ ગઈ એવી એક માન્યતા આપણે ત્યાં રૂઢ થયેલી છે. વચ્ચે રહેલા અનુવાદકોનું શું?  એમના પ્રદાનની અવગણના શા માટે? શા માટે એમને taken for granted લેવામાં આવે છે? માફ કરજો, પણ આ સદગૃહસ્થોની રીત નથી.    

--કિશોર પટેલ, 16-08-22; 09:36

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

    

Thursday 11 August 2022

નવચેતન જુલાઈ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવચેતન જુલાઈ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૯૧ શબ્દો)

પિતૃતર્પણ (ચંદ્રકાન્ત મહેતા):

સુબહ કા ભૂલા શામ કો ઘર લૌટ આયે. અગમ્યને મોડે મોડે માતા અને બહેન પ્રત્યેની ફરજની યાદ આવે છે. આ વરિષ્ઠ વાર્તાકાર મહદ અંશે સામાજિક મૂલ્યોની પ્રતિષ્ઠા થાય એવી કૌટુંબિક વાર્તાઓની રચના કરવા જાણીતા છે. પ્રસ્તુત વાર્તા પણ આ જ પ્રકારની છે.    

આરોહી (ડો. એમ.પી.નાણાવટી):

ફિલ્મી વાર્તા. આરોહીના પિતાનું કહેવું છે કે આરોહી માટે ભારતમાં કોઈ ભવિષ્ય નથી માટે એણે અમેરિકાના જે ઉમેદવારનું માંગુ આવ્યું છે તેને પરણીને અમેરિકા સેટલ થવું જોઈએ.

દરમિયાન આરોહીની મુલાકાત અવિનાશ જોડે થાય છે. અવિનાશ ડોકટરીનું ભણ્યો છે, એક માર્ગઅકસ્માતમાં પોતે જીવના જોખમે આરોહીને બચાવે છે. આરોહી ફિલ્મી સ્ટાઈલમાં અવિનાશની સારવારમાં લાગી જાય. દરમિયાન અમેરિકાનો ઉમેદવાર તાકીદ કરે કે પંદર લાખ રૂપિયા રેડી રાખજો, અમેરિકામાં ડોકટરી પ્રેક્ટિસ શરુ કરવા માટે જોઇશે. આવા દહેજભૂખ્યા ઉમેદવાર માટે આરોહીને અણગમો ઉપજે છે. વળી અહીં પર્યાયી ઉમેદવાર પણ હાથવગો છે! આરોહી-અવિનાશ લગ્ન કરવાનું નક્કી કરે છે.

જૂનો વિષય, સાધારણ રજૂઆત.   

મા તે મા (જસ્મીન દેસાઈ, દર્પણ):

આ રચના વાર્તા નથી, કેવળ એક ભાવચિત્ર છે, માની મમતાનું નિવેદન છે.

વાસંતીબેન દીકરા ખુશાલનું માથું દિવસમાં એક વાર ખોળે લઈને વહાલ કરે એવો રોજનો ક્રમ છે. એક માર્ગઅકસ્માતમાં ખુશાલ મૃત્યુ પામે છે. ખુશાલની માતા વાસંતીબેનને આઘાત ના લાગે એ માટે ખુશાલની જગ્યાએ એના એક મિત્રને અંધ વાસંતીબેનના ખોળે માથું મૂકવા મોકલવામાં આવે છે પણ વાસંતીબેન જાણી જાય છે કે એમની સાથે છેતરપીંડી થઇ છે.

વાર્તામાં માતાની મમતાનો મહિમા ગવાયો છે.

આમ આ અંકની ત્રણેત્રણ વાર્તાઓનાં વિષયવસ્તુ અને રજૂઆત સાધારણ છે.

--કિશોર પટેલ, 12-08-22; 09:08

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

 

  
 

Tuesday 9 August 2022

પરબ જુલાઈ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


પરબ જુલાઈ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૧૯૦ શબ્દો)

ટોળું (ધર્મેન્દ્રકુમાર પી. પટેલ): કોમી રમખાણ સમયે વિવેકભાન ભૂલીને માણસો એકબીજાના લોહીના તરસ્યા બની જાય છે એનું ચિત્રણ. વાર્તામાં બીભત્સ રસ પ્રધાન છે. ટોળાની માનસિકતા વિષે અગત્યનું વિધાન કરતી વાર્તા. 

કમભાગી (રણછોડ પરમાર): બાળકની ઝંખના.  નિ:સંતાન નાયિકા કોઈક રીતે બાળક પ્રાપ્ત થશે એવા સ્વપ્ના જુએ છે. ગલીના નાકે કોઈ સ્ત્રી નવજાત બાળક મૂકીને જતાં પકડાઈ ગઈ ત્યારે સહુ એ સ્ત્રીને કમભાગી કહેવા લાગ્યાં. નાયિકાને થાય છે કે કમભાગી તો પોતે છે કે આવું ઘેર સુધી આવેલું બાળક પોતાને ના મળ્યું. 

અનુવાદિત વાર્તા:

તાર (આરીફ મોહમ્મદ, અનુવાદ: શરીફા વીજળીવાળા): દેશની રાજકીય અને સામાજિક સ્થિતિ વિષે અગત્યનું વિધાન કરતી વાર્તા. દેશમાં આજના મુસ્લિમ આદમીની સ્થિતિ બયાન કરતી વાર્તા. બે કોમ વચ્ચે ધર્મ આધારિત ભાગલા પાડીને આગને સતત સળગતી રાખવાનું કામ કેટલાંક લોકો કરી રહ્યાં છે. મુસ્લિમોને આટલી શંકાથી ક્યારેય જોવાયા ન હતાં.

--કિશોર પટેલ, 10-08-22; 08:59

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

 

 

 


Monday 8 August 2022

શબ્દસૃષ્ટિ જુલાઈ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

શબ્દસૃષ્ટિ જુલાઈ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૫૦ શબ્દો)

દીકરી તો પંખીની જાત (રણછોડભાઈ પોંકિયા):

બેન-બનેવીના મૃત્યુ પછી હરિ એકની એક ભાણેજ દીપુને પોતાની દીકરી ગણીને ઉછેરે છે. હરિની પત્ની ઝમકુ માટે આ દીપુ વધારાનો બોજ છે. દીપુ ઘરકામમાં મદદરૂપ થાય છે એટલે પછી ઝમકુને એ બોજારૂપ નથી લાગતી. મોટી થઈને દીપુ પરણીને સાસરે જાય પછી ઝમકુને દીપુની યાદ આવે છે.

બબ્બે મૃત્યુ, પંદર-વીસ વર્ષનો મોટો ફલક, પત્નીથી ખાનગીમાં ભાઈનું બહેનને મદદ કરવું, નણંદ માટે ભાભીને ઇર્ષાભાવ, જેઠ-જેઠાણી માટે નાની વહુ પાસે ફરિયાદો હોવી, મામીનો ભાણેજ માટે સગવડિયો હેતભાવ: આ બધી સરેરાશ વાતોનું આલેખન વિસ્તારથી કરવાને બદલે ફક્ત ઈશારામાં કરીને મામી-ભાણેજ સંબંધની વાત પર વાર્તાકારે વધુ ધ્યાન આપવું જોઈતું હતું. દીપુ પરણીને સાસરે જાય પછી ઝમકુને સાલતી એની ખોટ હ્રદયસ્પર્શી બને એવું આલેખન થયું હોત તો કંઇક વાર્તા જેવું બન્યું હોત.

ટૂંકમાં થયું એવું કે સામગ્રી અને મસાલો હતો પણ વાત બની નહીં.    

અનુવાદિત વાર્તા:

સફેદ બગલો (સરાહ આર્ને જવટે લિખિત મૂળ અમેરિકન વાર્તા, અનુવાદ: ડો. બિપિન આશર):

પક્ષીઓને બચાવવા માટે સુખ-સગવડની લાલચને ઠુકરાવી દેતી એક વનવાસી કન્યાનું સુંદર પાત્રાલેખન. પરદેશી યુવાન અને બાલિકાની દાદી બંનેના પાત્રો ઝીણી ઝીણી વિગતો સાથે વાર્તાકારે સરસ ઉપસાવ્યાં. પક્ષીઓને બચાવવા મૂંઝાતી, પરદેશી યુવાનથી ગભરાતી અને પછી હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરતી કન્યાના સંઘર્ષનું સરસ આલેખન.

--કિશોર પટેલ, 08-08-22; 10:23

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###