Friday 13 May 2022

વારેવા માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

વારેવા માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૧૪૬૨ શબ્દો)

વારેવા પરિવારના સભ્ય હોવાથી આત્મપ્રસંશાનો દોષ થતો હોય તો ભલે થાય, પણ મને કહેવા દો કે આ અંક collector’s item બન્યો છે એમાં રજૂ થયેલી જબરદસ્ત વાર્તાઓના કારણે.

ગઈ કાલે મેં વાત કરી આ અંકના રંગ રૂપ અને આકારની. આજે હું વાત કરીશ અંકમાં સામેલ સામગ્રીની.

હ્યુગો, નેબ્યુલા અને વર્લ્ડ ફેન્ટેસી એમ વિદેશી સાહિત્યના ત્રણ ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારી એકમાત્ર વાર્તા જે એક અમેરિકન લેખકની હ્રદયસ્પર્શી અંગ્રેજી વાર્તા છે, એક બંગાળી વાર્તા જે વ્યંજનાપૂર્ણ છે, આપણી ભાષાના એક વીસરાયેલા વાર્તાકારની હળવી શૈલીની મજેદાર વાર્તા, એક નવા લેખકની હળવીફૂલ પ્રયોગાત્મક વાર્તા, એક યુવા વાર્તાકારની સ્વની શોધ કરતી ચિંતનાત્મક વાર્તા, અન્ય એક યુવા વાર્તાકારની સામાજિક મુદ્દો ચર્ચતી વાર્તા, એક શોષિત ગ્રામ્યસમાજની એક વાર્તા! વિષયવૈવિધ્યથી ભરપૂર સાત સાત વાર્તાઓ ઉપરાંત એક ચોટદાર લઘુકથા! આટલું ઓછું હોય એમ આઈસીંગ ઓન ધ કેક તરીકે હાજર છે: આપણા સાહિત્યના પ્રથમ હરોળના વાર્તાકાર-વિવેચક દ્વારા બે અંગ્રેજી લઘુકથાઓનો રસાસ્વાદ!          

અને હવે રજૂઆતના ક્રમમાં વાર્તાઓ વિષે વાત:  

બાજ (નીલેશ મુરાણી):

બાજ નામનું શિકારી પક્ષી આકાશમાં ઊડતું રહે અને તક મળ્યે ધરતી પરથી શિકારને ઝડપી લે. આ વાર્તામાં બાજ પક્ષીની લાક્ષણિકતાઓ ધરાવતાં એક કરતાં વધુ પાત્રો અને એક શિકારની વાત થઇ છે. નાયિકા રઝિયા એક સંબંધમાંથી છૂટી થઇ છે અને બીજા સંબંધમાં જોડાવાની તૈયારીમાં છે. દરમિયાન કેટલાંક શખ્સો નિયમોની અમુક જોગવાઈનો લાભ લઈને પોતાની રોટલી શેકી લેવા તત્પર છે. આ શખ્સો છે રઝિયાના ગામના તેમ જ એના પહેલા પતિના ગામના મૌલવીઓ.

અબ્દુલ નામનું એક પાત્ર વાર્તામાં આવે છે પણ આપણે એને ક્લીન ચીટ આપવી પડશે. અબ્દુલને રઝિયાની  કોઈ વાત સાથે સંકળાવું નથી કારણ કે એને રઝિયા તરફથી એક વાર કડવો અનુભવ થઇ ગયો છે. હકીકતમાં આ વાર્તા થોડીક અસ્પષ્ટ છે. રઝિયાએ પૂર્વપતિ રિયાઝ સાથે ફરીથી નિકાહ કરવા અમુક શરતો મૂકી છે પણ એને સ્પષ્ટ જવાબ મળ્યો નથી. મૌલવીઓ રઝિયાને ઘેર આંટાફેરા મારે છે પણ કોને ચોક્કસ શું કામ છે તે સ્પષ્ટ થતું નથી. વળી મૌલવીઓ પ્રતિ રઝિયાનો અભિગમ નકારાત્મક છે એટલે વાત ખૂલતી નથી. લગ્ન અને છૂટાછેડા પછી એ જ પતિ સાથે પુનર્લગ્ન કરવાં હોય તો આ કોમમાં કંઇક વિચિત્ર નિયમ છે. આ કોમ વિષે આમ પણ ઘણી વાતો રહસ્યના દાબડામાં બંધ છે. આ વાર્તા નિમિત્તે તક હતી કંઇક સ્પષ્ટતા કરવાની. ખેર, આવી સમસ્યા પર ઝાંખો તો ઝાંખો પ્રકાશ ફેંકવાનો એક પ્રયાસ થયો છે એટલું નોંધવું પડશે.    

ઓગળી ગયેલા કિનારા (ધર્મેશ ગાંધી):

સ્વની શોધ. નાયકને જંગલમાં ચમત્કારિક અનુભવો થાય છે. એક અપંગ જણાતો છોકરો અને એક ડોસી નાયકને ગોળ ગોળ ફેરવે છે. અંતમાં નાયકનો પોતાની જાત સાથે ભેટો થાય છે. રસપ્રદ રજૂઆત.

પાર્ટનર (રમેશચંદ્ર લક્ષ્મીબેન ઠાકર ‘વિદ્રોહી’):

હલ્કીફુલ્કી રમતિયાળ શૈલીમાં લખાયેલી મઝાની નાનકડી વાર્તા! બાર બાર વર્ષથી રખડી ગયેલી એક પ્રેમકહાણી એના લોજિકલ એન્ડ પર પહોંચી શકતી નથી કેવળ પાત્રોના અહમના કારણે. આપણી પુરુષપ્રધાન સંસ્કૃતિમાં કામના સ્થળે અને સમાજમાં પોતાના જીવનસાથીને પોતાના કરતાં ઊંચી પાયરીએ સ્વીકારવા પુરુષ હજી તૈયાર નથી. સામે પક્ષે આજની આધુનિક સ્ત્રી નમતું જોખવા તૈયાર નથી. એક રીતે આ વાર્તા આજના સમયની તદ્દન યોગ્ય અને સૂચક વાર્તા છે.

રજૂઆતમાં સરસ પ્રયોગ થયો છે, બંને મુખ્ય પાત્રોના મનોભાવ વ્યક્ત કરવા અલગથી બે પાત્રોનું આયોજન થયું છે. નાયક અને નાયિકા બંનેના મન (પાર્ટનર) પાત્રોની જોડાજોડ ચાલે છે, પોતાના સ્વામીને સલાહસૂચન આપે છે, ક્યારેક સધિયારો આપે છે, ક્યારેક ઠેકડી ઉડાવે છે! સરસ મજેદાર પ્રયોગ! 

વર્ષો પહેલાં આંતરકોલેજ એકાંકી સ્પર્ધામાં ભવન્સ કોલેજ (ચોપાટી) તરફથી રજૂ થયેલા એક એકાંકી “મન, માનવી અને મનામણાં” માં આવો પ્રયોગ થયો હતો. એક લગ્નોત્સુક છોકરો છોકરીને જોવા એને ઘેર આવે છે એટલી જ ઘટના હતી. ઉમેદવાર છોકરો, કન્યા અને એમના માતાપિતા એમ દરેક જણ માટે એમના મનોભાવો વ્યક્ત કરતાં અલગથી પાત્રો પણ હતાં! અર્થાત, જે તે પાત્ર સિવાય કોઈ તેમને જોઈ કે સાંભળી ના શકે. વધુ વિગતમાં એટલું યાદ છે એકાંકીનું દિગ્દર્શન લક્ષ્મીકાંત કર્પે (અન્ના)એ કર્યું હતું અને એને જે તે વર્ષનાં શ્રેષ્ઠ એકાંકીનું ઇનામ મળ્યું હતું. 

એ એકાંકી ક્યાંય છપાઈને ઉપલબ્ધ હોય એવું જોયું-જાણ્યું નથી. ત્યારે એવો ચાલ ન હતો. એકાંકીઓ જે છપાતાં તે કદી ભજવાતાં નહીં અને જે ભજવાતાં તે કદી છપાતાં નહીં!

પ્રસ્તુત વાર્તાના લેખકનો તો એ સમયે જન્મ પણ કદાચ નહીં થયો હોય. એક સર્જનાત્મક વિચાર કેટકેટલી તરંગલંબાઈ પર ક્યાં ક્યાં વિહરતો હોય છે એનો ઉત્તમ નમૂનો!    

અનુવાદિત વાર્તાઓ:

કુસુમપુરનો વૃદ્ધ (લેખક અમર મિત્રાની  મૂળ બંગાળી વાર્તા ‘ગાઓંબુરો’; અનિષ ગુપ્તા દ્વારા  અંગ્રેજીમાં  અનુવાદ ‘ધ ઓલ્ડ મેન ઓફ કુસુમપુર’; ગુજરાતી અનુવાદ: વારેવા ટોળી):

સમસ્યાઓમાં ઘેરાઈ જતાં એક વૃદ્ધ માણસને મોટાભા (ઈશ્વર)ની યાદ આવી છે. એ એને શોધવા નીકળી પડ્યો છે. રસ્તે એને જુદા જુદા કારણોસર દુઃખી થતાં અનેક માણસો  મળે છે. સહુનો સંદેશો જોડે લઈને એ ઈશ્વરની શોધ ચાલુ રાખે છે. એને ઈશ્વર મળ્યો કે નહીં એ પેલાં લોકોમાંથી કોઈ જાણવા પામતું નથી કારણ કે એ પાછો આવતો નથી. ટેક હોમ મેસેજ છે: સામાન્ય માણસને દુઃખમાં જ ઈશ્વરની યાદ ભલે આવે, બાકી એના વિના કોઈનું કંઈ અટકતું નથી. સારી વાર્તા.   

કાગનો વાઘ (લેખક કેન લુની મૂળ અંગ્રેજી વાર્તા ‘ધ પેપર મેનાજરી’; ગુજરાતી અનુવાદ: વારેવા ટોળી):

હ્રદયસ્પર્શી વાર્તા. એક માતાની કરુણાંત કહાણી અને એટલી જ કે એનાથી પણ વધુ દુઃખદ એના પુત્રની કહાણી જે પોતાની માતાને જીવતેજીવત ધિક્કારતો રહ્યો અને તેના મૃત્યુ પછી જ તેની દુઃખભરી જીવનકથા જાણવા પામ્યો. આ કેવી વિડંબના કે પહેલેથી જ દુઃખી એની માતાને વધુ દુઃખ આપવામાં અજાણપણે એ પોતે જ નિમિત્ત બન્યો હતો! 

મૂળિયાંસમેત ઊખડી ગયેલી એક અનાથ ચીની કન્યા સદનસીબે હોંગકોંગમાં એક અમેરિકન પુરુષની પસંદગીમાં પાર ઊતરે છે અને એની જોડે લગ્ન કરીને અમેરિકામાં સંસાર વસાવી શકે છે, એક પુત્રને જન્મ આપી પોતાની જાતને ધન્ય માને છે. પણ એની કમનસીબી એ છે કે ચીની મૂળની એ કન્યાને અંગ્રેજી ભાષા આવડતી નથી. હોંગકોંગમાં એ ગેરકાયદે પ્રવેશી હતી, ત્યાં એને હેતુપૂર્વક અંગ્રેજી ભાષા શીખવા દેવાઈ નથી. અમેરિકાના ઘરમાં કે આસપાસમાં ચીની ભાષા એના સિવાય કોઈ જાણતું નથી એટલે એ ચીની ભાષામાં કોની સાથે બોલે અને દીકરો કેવી રીતે ચીની ભાષા શીખે? માતાને ચીની સિવાય કોઈ ભાષા આવડે નહીં અને દીકરો પિતાની અને આડોશપાડોશ અને સ્કુલની અંગ્રેજી સિવાય કોઈ ભાષા જાણે નહીં! વળી ચીની માતાના કારણે એનો ચહેરો સ્કુલમાં સહુથી જુદો હોવાના કારણે એ મશ્કરીનું પાત્ર બન્યો હોવાથી પોતાની જ માતાને એણે કાયમ ધિક્કારી હતી! અને એ જ કારણથી એણે માતા જોડે વાત કરવાનું બંધ કર્યું હતું! માતા માટે એ ક્ષણો ભારે દુઃખની હતી.       

રીગામી એટલે કે કાગળમાંથી કળાકૃતિ બનાવવાની મૂળે તો જાપાનની પારંપારિક સંસ્કૃતિ. કથકની માતા ચીની મૂળની હતી અને જ્યાં એ જન્મી હતી એ ગામમાં આ વ્યવસાય ખૂબ પ્રચલિત હતો એટલે એ પણ આ કળાની જાણકાર હતી. વાર્તામાં મેજિક રિયાલીઝમ છે, કથકની માતાએ કાગળમાંથી બનાવેલા રમકડાં જીવતાં થઈને હરેફરે છે એવું બતાવ્યું છે. એણે બનાવેલા કાગળના એક વાઘનું નામ “લાઓહુ” પાડવામાં આવેલું. આ લાઓહુ ક્થકનો મિત્ર બની ગયો છે, વાર્તામાં એ લગભગ એક સંપૂર્ણ પાત્રની હેસિયત ધરાવે છે. આ લાઓહુ જે કાગળમાંથી બનેલો એની પાછળના ભાગે કથકની માતાએ પુત્રને ઉદ્દેશીને એક પત્ર ચીની ભાષામાં લખેલો જે પોતાની માતાના મૃત્યુના ઘણાં વર્ષો પછી ક્થકે કોઈની મદદથી વાંચ્યો અને પોતાની માતાની સત્ય કહાણી એને જાણવા મળી. માતાને ગુમાવી દીધા પછી કથક કાગળની ઘડી વાળીને લાઓહુને ફરી એક વાર જીવતો કરે છે અને માતાની સ્મૃતિ રૂપે એને પોતાની જોડે ઘેર પાછો લાવે છે.        

છેલ્લા અંકમાં એટલે કે ફેબ્રુઆરી ૨૦૨૨ અંકમાં પ્રકાશિત થયેલી બે વિદેશી લઘુકથાઓ ‘મકારીઓ’ અને જિંદગીના રસને પીવામાં...’ નો રસાસ્વાદ આ અંકમાં કરાવ્યો છે એ વાર્તાઓના અનુવાદક અને જાણીતા વાર્તાકાર અને વિવેચક કિરીટ દૂધાતે.

નિયમિત વિભાગો

ટૂંકી વાર્તા પ્રાથિમક પરિચય શ્રેણીના છઠ્ઠા ભાગમાં રમેશ ર. દવે વાર્તામાં કથન, વર્ણન અને સંવાદની નિરૂપણ શૈલી વિષે વિગતે વાત કરે છે. આ મુદ્દો સમજાવવા લેખકે ગોવાલણી (મલયાનિલ), કમાઉ દીકરો (ચુનીલાલ મડિયા) અને ખરા બપોર (જયંત ખત્રી) જેવી ક્લાસિક વાર્તાઓના ઉદાહરણ આપ્યાં છે.

કથાકારિકા સ્તંભમાં કિશોર પટેલ રજૂ કરે છે ગોરધન ભેસાણિયાની વાર્તા દાપું અને તેનો રસાસ્વાદ. ગામડામાં પહોંચતાપામતાં માણસો નિર્ધન અકિંચન માણસોનું કેવી કેવી રીતે શોષણ કરતાં હોય છે એનું એક ઉદાહરણ આ વાર્તામાંથી મળે છે. 

લઘુકોણ સ્તંભમાં રાજુલ ભાનુશાલી રજૂ કરે છે હીરલ અભિનય વ્યાસ ‘વાસંતીફૂલ’ લિખીત લઘુકથા ધ્રુવ અને તેનો રસાસ્વાદ. “ધ્રુવ” નામ સાથે સંકળાયેલી નાયિકાની મધુર સ્મૃતિની વાત આ લઘુકથામાં થઇ છે. 

જશ્ને વાર્તા વિભાગમાં સમીરા પત્રાવાલા રજૂ કરે છે ઇતિહાસના પાનામાંથી જડેલા વાર્તાકાર હીરાલાલ ફોફલીઆનો પરિચય અને તેમની એક વાર્તા, ”છેલ્લી પાટલી”:       

લાંબા અંતરની મુસાફરીમાં કથક જુએ છે કે એક નાનકડી બાળકીની માતા બાજુમાં બેઠેલા યુવાનને અડકી ના જવાય એની કંઇક વધારે પડતી સાવચેતી રાખીને બેઠી છે. પેલો યુવાન પણ એવી સાવધાની રાખે છે. એકંદરે એમ જણાય કે બે અજાણ્યા જણ અકસ્માતે બાજુબાજુમાં બેઠાં હશે. રાત્રે બાળકી જોડે ઉપરના પાટિયે ઊંઘી ગયેલી યુવતીના જ પાટિયા પર યુવાન જગ્યા શોધીને ટૂંટિયું વળીને ઊંઘી જાય છે, અહીંયા પણ બંને વચ્ચે સારું એવું અંતર છે. કથક જુએ છે કે નિદ્રાવસ્થામાં સ્ત્રીનો પગ પુરુષના પગને અડી ગયો છે છતાં એ ચેનથી ઊંઘી રહી છે. ક્થકને પ્રશ્ન થાય છે કે બાળકની નાનીનાની હિલચાલથી સભાન રહેતી સ્ત્રી પુરુષના પગને પોતાનો પગ અડી જાય છે તે શું એને નહીં સમજાતું હોય?

એવું બને કે એ બંને પતિ-પત્ની હોય. બંને યુવાન છે, જાહેરમાં દેખાડો ના કરવો એવો કંઇક સંકોચ હોઈ શકે, યાદ રહે કે આ વાર્તા પચાસેક વર્ષ પહેલાંની છે. એવા સંકોચ, એવી મર્યાદાઓ પર જ વાર્તાકારે વ્યંગ કર્યો છે.

હળવી શૈલીમાં મજેદાર વાર્તા! 

મુકામ પોસ્ટ વારતા સ્તંભમાં રાજુ પટેલ રાજુ પટેલ રજૂ કરે છે ફેસબુક ગ્રુપમાં દ્વારા ચાલી ગયેલા નવોદિત લેખકો માટેના આંગણવાડી અભ્યાસક્રમના અંશ.  

એકંદરે વૈવિધ્યપૂર્ણ વાર્તાઓનો રસથાળ રજૂ કરવા બદલ વારેવાને અભિનંદન!

--કિશોર પટેલ, 14-05-22; 09:38

 ###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

  


Wednesday 11 May 2022

કુમાર એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

કુમાર એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૦૯ શબ્દો)

હરિનો મારગ (રાઘવજી માધડ): 

ગામડામાં પશુપાલન કરતા હરિનો પરિચય કથકને એક ભલા માણસ તરીકે થયો છે. અશિક્ષિત હરિ શિક્ષિત વહુનું આણું કરવા પોતાની માલિકીના પશુઓ વેચી દે છે પણ શિક્ષિત પત્ની જોડે સંસારરથ કદાચ સફળતાપૂર્વક ચલાવી શકતો નથી. ભલા માણસ જોડે બધું ભલું જ થાય એવું જરૂરી નથી. વાર્તાકાર ક્યાંય વિગતવાર માહિતી આપતા નથી, પાત્રોના પ્રતિભાવોથી વાર્તાનો પ્રવાહ ઓળખવાનો છે. “હરિનો મારગ છે શૂરાનો...”  કાવ્યનો ભાવ અહીં હરિના દાંપત્યજીવન માટે અભિપ્રેત છે.            

હાલાજી! તારા હાથ વખાણું ? કે પટી તારા પગ વખાણું (લોકકથા, અરવિંદ બારોટ):

શીર્ષક એક જાણીતા લોક્ગીતનું મુખડું છે. કચ્છમાંથી સૌરાષ્ટ્ર પર આક્રમણ કરવા આવેલા જામ રાવળની શૌર્યકથા અહીં રજૂ થઇ છે. પટી નામની ઘોડી પર સવાર જામ રાવળના એક શૂરવીર યોદ્ધાએ ભાગી છૂટેલા દગાબાજ શત્રુ પર ભાલાનો એવો વાર કર્યો કે શત્રુ અને તેનો ઘોડો બંનેને વીંધતો ભાલો ભોંયમાં જડાઈ ગયો! પટી નામની ઘોડીની અજબ દોડ અને યોધ્ધાના હાથની ગજબ કરામતની પ્રસંશા આ ગીતમાં થઇ છે. ગીતના મૂળમાં રહેલી એ ઘટનાને આ જાણીતા લોકકથાકારે શબ્દદેહ આપ્યો છે. 

--કિશોર પટેલ, 12-05-22; 09:17

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

         


Tuesday 10 May 2022

મમતા એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

મમતા એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૬૦ શબ્દો)

ટીન એજ વાર્તાઓના આ વિશેષાંકમાં ખાસું વિષયવૈવિધ્ય છે. વાર્તાઓના ચયન માટે નિમંત્રિત સંપાદક નીલમ દોશી અને વિશેષાંકની પ્રસ્તુતિ માટે મમતાના સંચાલકો અભિનંદનના અધિકારી છે.

ઓળખ (સુષ્મા શેઠ):

જૂની વિચારસરણીનાં માતાપિતાનો શિસ્તપાલનનો આગ્રહ અને બાહ્ય જગતમાં કોલેજિયન સહપાઠીઓની આધુનિક જીવનશૈલી વચ્ચે ભીંસાતી પીસાતી એક તરુણીની પીડાનું આલેખન.     

બારી (શ્રધ્ધા ભટ્ટ):

એક તરુણ કન્યા પિતાની ઉંમરના પરિણીત કથક સમક્ષ પ્રેમનો એકરાર કરે અને શરુ થાય એક હા-ના વચ્ચેની  સંઘર્ષસભર પ્રેમકહાણી. કથકના મનોભાવોનું યથોચિત આલેખન. ઉપરાછાપરી ગ્લાસ ભરી ભરીને આખી બોટલ સ્કોચ પીવા બાબતમાં અતિશયોક્તિ થઇ ગઈ. ખેર, સર્જનાત્મક છૂટ તરીકે આવું ક્યારેક ચલાવી લેવાય.

સોગંદનામું (વંદના શાંતુઇન્દુ):

એક જુદા જ પરિવેશની વાર્તા. કથક અદાલતમાં ન્યાયાધીશ છે. ક્યારેક સામે આવેલા પુરાવા એક વાત કહેતાં હોય છે અને વાસ્તવિકતા કંઇક બીજી જ હોય છે. પિતાની થતી રીબામણી અટકે એ માટે તડપતા તરુણની વાત. રસપ્રદ વાર્તા.   

કોઈક તો સમજાવો! (ગિરા પિનાકીન ભટ્ટ):

તરુણાવસ્થામાંથી યૌવનપ્રવેશ કરતા એક છોકરાની વાત. અસંવેદનશીલ સ્વભાવની માતાને કારણે એની અવ્યક્ત લાગણીઓ ડાયરીના પાને ઠલવાતી રહે છે. એના પ્રશ્નો અને મૂંઝવણોનું સરસ આલેખન.  

સોનેરી ઝાંયવાળી માછલી (રેના સુથાર):

આ વાર્તાના કથનમાં પ્રયોગ થયો છે.  ઘરમાં રખાતાં માછલીઘરની એક માછલીના પોઈન્ટ ઓફ વ્યુથી મિશા નામની તરુણીને ઉદ્દેશીને બીજા પુરુષ એકવચનમાં વાર્તા કહેવાઈ છે. સતત ઝઘડતા માતાપિતાના કારણે આ મિશાને ઘરમાંથી સ્નેહ મળ્યો નથી. પરિણામે એ ડ્રગ્સમાં સુખચેન શોધે છે. કેફી દ્રવ્યોની બંધાણી મિશા આત્મવિનાશના માર્ગે ધસમસતી જઈ રહી છે. સંપૂર્ણ વાર્તા નૈરાશ્યભાવથી લથબથ છે.        

નિર્લજ્જ (રાજુલ કૌશિક):

ભિન્ન જાતીય ઓળખની વાત. પ્રસ્તુત વાર્તામાં પુત્રની પસંદગી જુદી છે એ જાણ્યા પછી આઘાત પામેલા પિતાએ પુત્રને “નિર્લજ્જ” જાહેર કરી દીધો! આપણા દેશમાં એક સમયે જેને ગુનો ગણવામાં આવતો એવા સમલિંગી સંબંધો પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ હવે બદલાયો છે પણ હજી લાંબી મજલ કાપવાની છે.

ત્રીજો પુરુષ એકવચન (લીના વછરાજાની):

એક ટ્રાન્સજેન્ડરની વાત. પુરુષ તરીકે જન્મેલું બાળક તરુણ વયમાં પ્રવેશતાં શરીરમાં પરિવર્તન અનુભવે અને સ્ત્રી બની જાય! એક મનોચિકિત્સક જોડે પાંચ બેઠક કરીને કામ તમામ! કોઈ ઓપરેશન નહીં, કોઈ અન્ય ઉપચાર નહીં! આ કામ આટલું સહેલું હશે એની તો અમને ખબર જ ન હતી! શ્રીમંત માતાપિતાએ સામાજિક સંસ્થા સ્થાપી અને શહેરના બીજા અનેક ટ્રાન્સજેન્ડરોનો ઉધ્ધાર કર્યો! ક્યાંય કોઈ સમસ્યા નહીં, કોઈ સંઘર્ષ નહીં! આ રચના વાર્તા નથી, અહેવાલ છે.   

દયા યાચિકા (બકુલ ડેકાટે):

બળાત્કારનો ગુનો કરનાર સગીર વયનો એક અપરાધી દયાની અરજીમાં દયાને બદલે કડક સજાની માંગણી કરે છે. પોતે આચરેલા ગુના માટે એ પોર્નોગ્રાફીને જવાબદાર ગણાવી તેની ઉપર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરે છે. આવી સુફિયાણી વાતોને બદલે જે ક્ષણોમાં ગુનો આચર્યો તે સમયના અને આગળ પાછળની ઘટના સમયના મનોવ્યાપારનું આલેખન થયું હોત તો અપરાધી માનસ વિષે કંઇક જાણવા મળ્યું હોત. ખેર, એક અછૂતા વિષયને ન્યાય આપવાનો પ્રયાસ થયો છે.    

શોર્ટ ફિલ્મ (મનોજ સોલંકી):

કન્યાઓ/સ્ત્રીઓ માસિક ઋતુચક્રમાંથી પસાર થાય એ કુદરતી પ્રક્રિયા માટે શબ્દ “શોર્ટ ફિલ્મ” પ્રયોજાયો છે. વાર્તાનું શીર્ષક સૂચક છે. પુરુષમિત્રને નાયિકા ગમે છે, એ એને પ્રેમ કરે છે, બધી વાત સાચી પણ એનું આ માસિક ચક્રવાળું આ એક લક્ષણ એને નથી ગમતું. નાયિકા આ વાત જાણે છે ને એટલે જ એ સમયગાળામાં એ પુરુષમિત્રને રૂબરૂ મળવાનું ટાળે છે પણ આ પુરુષ મિત્ર ટિપિકલ ભારતીય પુરુષ છે. એને નાયિકા પર વિશ્વાસ નથી. એને એમ છે કે નાયિકા બહાના કાઢે છે. એ સાબિતીઓ માંગે છે. જ્યાં વિશ્વાસ નથી ત્યાં પ્રેમ નથી! નાયિકાની આ જ પીડા છે. પ્રેમમાં પણ “ટી એન્ડ સી એપ્લાય્ઝ” થવા માંડે તેનો શો અર્થ?

આ લેખકની અગાઉની એક વાર્તા “બાઈની જાત” માં પણ સ્ત્રીઓના માસિક ચક્રની વાત હતી. એમાં આ મુદ્દા પ્રતિ બે પેઢીના ભિન્ન અભિગમ વચ્ચે સંઘર્ષ હતો. અહીં પુરુષમિત્રના સગવડિયા અભિગમના કારણે થતાં સંઘર્ષની વાત છે.

પાત્રોના મનોવ્યાપારને અભિવ્યક્ત કરવા સોશિયલ મીડિયાની પરિભાષાનો વાર્તામાં સુંદર વિનિયોગ થયો છે. સરસ અને મઝેદાર વાર્તા!            

એકંદરે સરસ વાર્તાનુભવ! મઝાનો વિશેષાંક!

--કિશોર પટેલ, 11-05-22; 09:17

તા.ક. મમતા વાર્તામાસિક સાચે જ નવોદિત વાર્તાકારોના લાડ લડાવે છે. વાર્તા જોડે છબી/પરિચય નિયમિતપણે પ્રગટ કરવાં એટલું જ નહીં, મોકો મળ્યો નથી કે મુખપૃષ્ઠ પર વાર્તાકારોની રંગીન છબી ચમકાવી નથી! વાહ! દાદ તો દેની પડેગી!

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

     

Monday 9 May 2022

પરબ એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

પરબ એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૯૩ શબ્દો)

ચિતારો (વંદના શાંતુઇન્દુ):

શું વધુ મહત્વનું? કળા કે જીવન?

પ્રસ્તુત વાર્તામાં જીવન અને વાસ્તવિકતાની સેળભેળ થાય છે. ફેન્ટેસી એવી છે કે ચિત્રકારે દોરેલાં ચિત્રની નાયિકા જીવંત થાય છે. નાયિકા વાવનું પાણી લાવીને ચિત્ર પર છાંટે એટલે ચિત્રમાંની માછલી જીવતી થાય છે. એ જોઇને ચિત્રકારને એની પ્રેમિકાનું સ્મરણ તાજું થાય છે.

તરત જ ચિત્રકાર સાવધ થાય છે. કળા અને જીવન વચ્ચે અંતર રાખવાનું એ સમજે છે. પિતાએ માતાને અન્યાય કર્યો હતો તેવો અન્યાય પોતાની પ્રેમિકા સાથે નહીં થવા દે એવું એ નક્કી કરે  છે.

ચિત્રમાંની નાયિકા સજીવન થાય એ ભાગ રોમાંચક છે. સરસ રજૂઆત.

વાર્તા-કલહ (દીવાન ઠાકોર):

પરિવારમાં સંવાદનો અભાવ. પિતા-પુત્ર, પતિ-પત્ની અને ઈતર સર્વે માનવીય સંબંધોમાં એક ફરિયાદ આપણે ત્યાં સામાન્ય છે કે ‘તમે મને ઓળખ્યો/ઓળખી જ નથી.’ બિલકુલ આ રીતે સામી કબૂલાત પણ એટલી જ સામાન્ય હોય છે કે ‘હું તમને ઓળખી શક્યો/શકી  નથી.’ આ વાર્તામાં નાયકની ફરિયાદ છે કે એ પોતાના પિતાને ઓળખી શક્યો નથી. આ સિલસિલો આગળ ચાલે છે. નાયકની પત્નીની ફરિયાદ કરે છે કે એ પોતાના પતિને ઓળખી શકી નથી. આ સ્થિતિ માટે બહુધા કારણ પણ ઘણું સામાન્ય છે: સંવાદનો અભાવ. વિજ્ઞાનની ઝડપી પ્રગતિના આ સમયમાં દુનિયા જેટલી સાંકડી થઇ ગઈ છે માણસો એટલાં જ એકબીજાથી દૂર થવા માંડ્યા છે. ચોવીસ કલાક જોડે રહેતાં માણસો પણ એકબીજા માટે આવી ફરિયાદ કરતાં હોય છે. એક વૈશ્વિક લાગણીને શબ્દબદ્ધ કરતી સરસ વાર્તા.

જો કે આ વાર્તા અપ્રકાશિત નથી, આ અગાઉ શબ્દસૃષ્ટિના જૂન ૨૦૨૧ અંકમાં આ વાર્તા પ્રસિદ્ધ થઇ ચૂકી છે. ફરક એટલો કે ત્યાં એનું શીર્ષક કેવળ “કલહ” હતું, અહીં “વાર્તા-કલહ” છે.

--કિશોર પટેલ, 10-05-22; 08:58.

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

   

Sunday 8 May 2022

શબ્દસૃષ્ટિ એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

શબ્દસૃષ્ટિ એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૬૦ શબ્દો)

ખારોપાટ (ગોરધન ભેસાણિયા):

દોષભાવના. નાયકને મનના ખૂણે ગુનાહિત ભાવના છે કે પોતે પહેલી પત્ની સંતોકને અન્યાય કર્યો છે. એમાં વળી સંતોકના પિયરના છોકરાએ જે ખબર આપ્યા એનાથી એ ધ્રુજી ઉઠ્યો છે. પોતાના હાથે મોટી ભૂલ થઇ ગઈ છે એની એને ખાતરી થઇ ગઈ છે. પાંચ-છ વર્ષમાં સંતાનપ્રાપ્તિ થઇ નહીં છતાં સવજીએ પોતે તબીબી તપાસ ના કરાવતાં સંતોક પાસે ખોટું બોલીને એનામાં જ ખોટ છે એવું ઠસાવ્યું. છૂટી થયેલી સંતોક બીજે પરણીને વરસમાં જ માતા બની જયારે સવજી જે બીજી પત્ની લાવ્યો છે તેને જન્મેલું સંતાન કદાચ સવજીનું પોતાનું ના પણ હોય એવી શક્યતા ઊભી થઇ છે. સંતોક માટે સવજીની માતાએ કહેલાં કડવા વેણ હવે પોતાને, પોતાની નવી પત્નીને, તેના થયેલાં સંતાનને જ લાગુ પડશે કે શું એવી ભીતિથી સવજી ભયગ્રસ્ત થઇ ગયો છે.  કશું જ સીધું ના કહેતાં સંકેતોમાં કહેવાની કળા આ વાર્તાકારને હસ્તગત છે. શીર્ષક ખારોપાટ સૂચક છે.

પ્રારંભમાં અપાયેલી ખેતીવિષયક માહિતી વાર્તા માટે કેટલે અંશે ઉપકારક છે તે અલગ ચર્ચાનો વિષય છે.  એક વાત માત્ર નોંધવાલાયક છે કે લેખક પોતે ખેતી જોડે સક્રિયપણે સંકળાયેલા હોવાથી આવી અધિકૃત માહિતી આપી શકે છે. ગ્રામસંવેદનની આપણી વાર્તાઓમાંથી ગામડાના વિવિધ વ્યવસાયો અંગે આ રીતે માહિતી મળવી જોઈએ.         

ગુલાબી મોજડી (પરબતકુમાર નાયી):

જે વાત પર નાયકે મનમાંને મનમાં મહેલ બનાવ્યો એ મહેલનો પાયો જ કાચો નીકળ્યો. બસપ્રવાસમાં એક રૂપાળી છોકરીની સેન્ડલ હાથ લાગતાં વાર્તાનો નાયક દલજી મનોરથ ઘડે છે કે આવી સેન્ડલ પહેરનારી લઇ આવું ને જીવનભર મોજ કરું. કન્યાનો ફોટો મોબાઈલમાં જોઇને  દલજી લગ્ન માટે હા પાડે છે. શહેરની આખી બજાર ફરીને નવોઢા માટે એ રૂપાળી સેન્ડલ ખરીદે છે. પણ અફસોસ, લગ્ન પછી દલજીને ખબર પડે છે કે એની સાથે દગો થયો છે, કન્યાનો એક પગ બનાવટી છે. વાંઢા રહી ગયેલા યુવકો જોડે આ પ્રકારે થતી છેતરપીંડી પર આ વાર્તા પ્રકાશ પાડે છે.

બદલો (વિજ્ઞાનકથા, રવીન્દ્ર અંધારિયા):

સાયફાય (સાયન્સ ફિક્શન) વાર્તા. દેશમાં જંગલો આડેધડ કપાઈ રહ્યાં છે, પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે. પ્રકૃતિ ચૂપચાપ કેટલું સહન કરે? ફેન્ટેસી એવી થઇ છે કે સ્વરક્ષણ માટે વૃક્ષો પોતાની અંદર ખાસ પ્રકારનું રસાયણ તૈયાર કરે છે. જે કોઈ વૃક્ષ કાપવા આવે તેની આંખો ઉપર પેલા રસાયણનો સ્ત્રાવ થાય એટલે હુમલાખોરની દ્રષ્ટિ જતી રહે!  

કલ્પના સરસ છે પણ રજૂઆત અહેવાલાત્મક.

એક આડવાત. પ્રકૃતિ આપમેળે સ્વરક્ષણના ઉપાયો કરતી હોય છે એનું એક ઉદાહરણ અહીં ટાંકવાની ઈચ્છા થાય છે. આપણા સિલેબસ બહારની વાત છે પણ જાણવા જેવી છે.  એક સમયે વીરપ્પને હાથીદાંતની દાણચોરી કરવા માટે દક્ષિણ ભારતના જંગલોમાંના હાથીઓની આડેધડ કતલ ચલાવેલી. અંગ્રેજી અખબાર “હિંદુ”માં એક લેખ વાંચ્યાનું યાદ છે જેમાં કહેવાયું હતું કે પ્રકૃતિએ પછી બહાર દેખાતાં હાથીદાંત વિનાના હાથીઓની પ્રજાતિ જન્માવી!  ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરી!

--કિશોર પટેલ, 09-05-22; 09:05

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

       


Tuesday 3 May 2022

શબ્દસૃષ્ટિ માર્ચ ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ


 

શબ્દસૃષ્ટિ માર્ચ ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ

(૧૨૩ શબ્દો)

અવર ગામ (ભરત જોશી, “પાર્થ મહાબાહુ”):

બે કોમ વચ્ચે પડી ગયેલા અંતરની વાત. નાયક લાંબા સમયે વતનના ગામડે આવ્યો છે. એક સમયે બે ભિન્ન ધર્મના લોકો કોઈ ભેદભાવ વિના હળીમળીને રહેતાં એ એકતા હવે નથી રહી એ જોઇને નાયકને ભારે આઘાત લાગે છે. એક જ ગામમાં હિન્દુસ્તાન-પાકિસ્તાન રચાઈ ગયેલાં જોઇને એ હતબુદ્ધ થઇ જાય છે. આ રચના વાર્તા નથી, ગામમાં આવેલા પરિવર્તનનું અહેવાલાત્મક વર્ણન છે. આ નિમિત્તે દેશમાં હાલની સામાજિક-રાજકીય સ્થિતિ વિષે એક વિધાન થયું છે.

--કિશોર પટેલ, 04-05-22; 09:47

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Monday 2 May 2022

એતદ માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

એતદ માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૭૯૧ શબ્દો)

અનારકલી અને સ્કોચ (વિજય સોની):

મૈત્રીસંબંધની વાત. જય, રઘુ અને કથક: ત્રણે એકમેકના જિગરી મિત્રો. રઘુ અને ક્થક બંનેને જયનાં ખરાબે ચડેલાં દાંપત્યજીવનનું ખૂબ દાઝે છે પણ એક સીમાથી આગળ જઈને તેઓ મિત્રની મદદ કરી શકતા નથી. અસહાય થઈને સંજોગોના મૂક સાક્ષી બની રહેવા સિવાય તેમની પાસે કોઈ ઉપાય નથી.  ચરમસીમાના દ્રશ્યનું આલેખન ભાવકને સ્પર્શી જાય એવું થયું છે. મિત્રો વચ્ચે બોલાતી હળવી ભાષાનું દસ્તાવેજીકરણ થયું છે.    

વાર્તાકાર ક્યાંય નથી (બાદલ પંચાલ):

વ્યંજનાસભર વાર્તા. છાપાના પહેલા પાને પ્રગટ થતી એક અજાણ્યા લેખકની વાર્તાથી શહેરમાં ચમત્કાર સર્જાય છે. સર્વત્ર શાંતિ અને સ્થિરતાનું રાજ્ય છવાય છે. રસ્તાની વચ્ચોવચ નદીના વહેણનું સંગીત સાંભળી શકાય છે. શહેરના આબાલવૃદ્ધ દરેક માણસ રોજ છપાતી વાર્તાનો રસિયો બની ગયો છે. એ વાર્તાઓ કોણ લખે છે એ કોઈ જ જાણતું નથી. છાપાના તંત્રીને કોઈક ગેબી રીતે રોજેરોજ અદ્ભુત વાર્તાઓ મળ્યા કરે છે જે વાંચીને સહુ મંત્રમુગ્ધ બનીજાય છે.

આ અદ્રશ્ય વાર્તાકાર એટલે ઈશ્વર સ્વયં. એક યુવાન એ વાર્તાકારની શોધમાં મૃત્યુ વહોરી લે છે અને એ સાથે જ પેલા વાર્તાકારની વાર્તાઓ પણ મળતી બંધ થઇ જાય છે. આ ઈશ્વર મૂર્ત સ્વરૂપે ન હતો પણ અમૂર્ત સ્વરૂપે હતો.   

લગભગપણું (અભિમન્યુ આચાર્ય):

વિદેશ (કેનેડા)ની ભૂમિ પર કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં આકાર લેતી વાર્તા. એક ઘર શેર કરતા બે મિત્રોની વાત. કોરોના વાયરસથી સાવચેત રહેવા અંગે કથક આગ્રહી છે જયારે એનો રૂમમેટ વાંગ બેદરકાર છે. સલામત સામાજિક અંતર રાખવા અંગે કથક વારંવાર ટકોર કરે છે પણ વાંગ ધ્યાન આપતો નથી. છેવટે ક્થકની કટકટથી તંગ આવીને વાંગ ઘર છોડી જાય છે. પણ હવે કથક નિરાંત અનુભવવાના બદલે ખાલીપો અનુભવે છે. ક્થકને ખ્યાલ આવે છે કે વાંગ સામાન્ય સાથીદાર ન હતો, તેની જિંદગીનો એ એક હિસ્સો હતો. વાર્તામાં વારંવાર દેખાતું રઝળતું પ્રાણી રકુન વાંગનું જ એક પ્રતિક છે. સારી વાર્તા.         

કવિતાઓના રસ્તે (અશ્વિની બાપટ):

પિતા-પુત્રી સંબંધની વાત. નાયિકાને પિતા સાથે વાંધો પડ્યો છે. કોઈ કારણથી પિતાની જીવનશૈલી બદલાઈ અને પત્ની-પુત્રી જોડે સંબંધ બગડ્યો. નાયિકાને સાચી કે ખોટી એવી લાગણી થઇ ગઈ છે કે પિતા એને ક્યાંય સ્થિર થવા દેતા નથી. પણ અમુક સંબંધો સહેલાઈથી તૂટતાં નથી. નાયિકાના હ્રદયમાં પિતા માટે લાગણીનો ઝરો જીવંત રહ્યો છે. સારી વાર્તા.

અસ્પર્શ (શ્રધ્ધા ભટ્ટ):

અશરીરી તત્વનું આકર્ષણ. યુવાવસ્થાનો એક અજબ અનુભવ નાયિકાના માનસમાં ઘર કરી ગયો છે. માથાના અસહ્ય દુખાવામાં કોઈ ઔષધ કામ ના આપે ત્યારે પેલું અશરીરી તત્વ નાયિકાને રાહત આપે છે. આ અવ્યક્ત ખેંચાણ, આવો અનામી સંબંધ કોઈ વ્યક્તિ જોડે લાંબો સમય સાબૂત રહે એ સ્વયં આશ્ચર્યજનક ઘટના છે. પણ કેટલીક વાતોના ખુલાસા નથી હોતા.

પ્રસ્તુત વાર્તામાં નાયિકા પોતાના કારણે સ્વજનોને તકલીફ પડે એવું ઈચ્છતી નથી. એ માટે એ ગમે એટલી શારીરિક પીડા વિના ફરિયાદ સહન કરી લે છે. એક વાર એને એક અશરીરી અનુભવ થયો. કોઈ આવ્યું અને એના માથે સ્પર્શ કર્યો, એનું માથું દબાવી આપ્યું. એને સારું થઇ ગયું. એ કોણ હતું? આ પ્રશ્નનો ઉત્તર એને ક્યારેય મળ્યો નથી. પણ આ અનુભવ એની જોડે કાયમનો રહી ગયો છે.

નાયિકાની આ માન્યતા એની ફેન્ટેસી હોઈ શકે છે. માણસ ભ્રમણાઓમાં જીવતો હોય એવું વાસ્તવમાં બનતું હોય છે.

કૂવો (પ્રભુદાસ પટેલ):

પુરુષપ્રધાન સંસ્કૃતિમાં દંપતી નિ:સંતાન હોય ત્યારે સ્ત્રીને જ કારણભૂત ગણવામાં આવતી હોય છે. સ્ત્રી પોતે પણ પોતાનામાં જ એબ છે એવું સ્વીકારી લે છે.

પોતાને સંતાન ના થવાથી લીલી પોતાના પતિ લીંબાને પેમલી જોડે પરણાવે છે. પાંચ વર્ષમાં પેમલીને પણ સંતાન થતું નથી એટલે લીંબામાં જ ખોટ છે એવી પ્રતીતિ થતાં લીલી અન્ય પુરુષનું પડખું સેવીને ગર્ભ ધારણ કરે છે. છેવટે પેમલી પણ એનું અનુકરણ કરે છે.

કૂવો, ખેતરમાં લહેરાતો પાક વગેરે રૂપકોનો ઉપયોગ સરસ થયો છે. પાણી શોધી આપનારને પેમલી કહે છે  કે  "ના, ના નવા નવાણ મારે નોહે જોઈતા.. તમી.. તમી જૂના કૂવાનું સ કૈક કરો.” અહીં વ્યંજનામાં જોઈએ તો સમજાય છે કે પેમલી તો ઈચ્છતી હતી કે એને લીંબા પાસેથી જ સંતાનપ્રાપ્તિ થાય. પણ તેમ ના થાય ત્યારે નાછૂટકે એ લીલીના પગલે દેવલાનો સંગ કરે છે. હવે એને દોષ દઇ શકાય એવું રહેતું નથી.

લીંબો શારીરિક રીતે નબળો પડી રહ્યો છે. બબ્બે સ્ત્રીઓ કર્યા પછી પણ સંતાનપ્રાપ્તિ થતી નથી ત્યારે પોતાની અશક્તિ એ જાણી ગયો છે. પણ જાત સાથે સમાધાન કરી ના શકતો લીંબો નાનીમોટી વાતોમાં પણ પેમલી પ્રતિ અણગમો વ્યક્ત કરે છે અને છૂટી થઇ ગયેલી લીલી પ્રત્યે પણ એના મનમાં રોષ છે. પેમલી અને લીલીનો અરસપરસ સંબંધ પણ એક અલગ અભ્યાસનો વિષય છે.

તળપદી બોલીનો સરસ પ્રયોગ. પાત્રોના માનસિક સંચલનોનું સરસ આલેખન. સારી વાર્તા, સરસ રજૂઆત.

સંધિસમય (કંદર્પ ર. દેસાઈ):

દરિયાઈ સૃષ્ટિની સફરે નીકળેલાં સમૂહમાંથી અન્ય સહુના કરતાં અંકિત કંઇક જુદા જ અનુભવમાંથી પસાર થાય છે. ક્ષણભર એને ભ્રમણા થાય છે કે પોતે દરિયાઈ જીવોને જોવા આવ્યો છે કે દરિયાઈ જીવો એને જોઈ રહ્યાં છે.  કોણ કોની મુલાકાતે આવ્યું છે? એવું પણ બની શકે છે કે મનુષ્યેતર જીવો મનુષ્યને જ અચરજની દ્રષ્ટિએ નિહાળતાં હોય!     

--કિશોર પટેલ, 03-05-22; 09:20

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###