Monday, 10 June 2024

મમતા મે ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ


મમતા મે ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૬૦૩ શબ્દો)

એક તોફાની રાત (ગીતા રમેશ વેદ)

પતિની ગેરહાજરીમાં જૂનો પ્રેમી ભેટી જતાં નાયિકાનું સ્ખલન અને પછી પશ્ચાતાપ. વિગતવાર સમજૂતીઓ સાથે સરળ રજૂઆત.

તમિલ પતંગિયું (મનીષા મહેતા)

ઘરેલુ હિંસાનો શિકાર બનતી એક સ્ત્રીની કરૂણરસથી તરબતર વાર્તા.

એક ઘેલછા (નીલમ રોય)

સંતાનસુખથી વંચિત રહેવું પડશે એવા ભયથી નાયિકા પ્રેમી જોડે લગ્ન કરવાનું નકારે છે. અંતે એના લગ્ન એવા આદમી જોડે થાય છે કે પછી એને જીવનભર પસ્તાવાનું જ બાકી રહે છે.  સરળ રજૂઆત, અપેક્ષિત અંત.

ચેતક (પરબતકુમાર નાઈ)

ઘોડાના વેપારમાં બે પાંદડે થયેલા પરિવારના નબીરા જગમોહનને ઘોડા સાથે લેણાદેણી નહોતી એ જોઈને એના વાલીઓએ ઘોડા વેચી નાખ્યા. એક તોફાની ઘોડાને ફટકાર્યો એટલા કારણથી જગમોહનની રાજકારણમાં પડતી થઈ. હવે એમના કુટુંબના કુળગોરનું કહેવું છે કે સવારમાં જે ઘોડો સામે મળે એને ખરીદીને પાળો, એ ઘોડો જ સારા દિવસો દેખાડશે. વહેલી સવારે રસ્તામાં એ જ ઘોડો સામે મળે છે જેના કારણે જગમોહનની રાજકારણમાં પડતી થઈ. આમ જ્યોતિષ અને  કુળગોરના ભવિષ્યદર્શન પર જગમોહનની રાજકીય કારકિર્દી અવલંબે છે.

ઘટના ઘટના ઘટના. કાગનું બેસવું ડાળનું પડવું. અંધશ્રધ્ધા!

મહેંદીના મોર (રાજુ ઉત્સવ)

નાની ઉંમરમાં કન્યાઓને પરણાવી દેવી, એમના થનારા પતિઓ કોઈ કારણસર મૃત્યુ પામે તો એનો દોષ પેલી અબુધ કન્યાના માથે ઢોળવાનો, જેના લગ્ન પણ થયાં નથી એવી અણસમજુ, નાની ઉંમરની કન્યાઓને વિધવા અને અપશુકનિયાળ જાહેર કરી દેવાની, પછી એવી દીકરીઓ પાછી માબાપને બોજ લાગે એટલે ગમે ત્યાં મોટી ઉંમરના બીજવર જોડે વળગાડી દેવાની! દુનિયાના કોઈ દેશોમાં દીકરીઓ જોડે નહીં થતાં હોય એવા અન્યાયો આપણા દેશમાં, આપણા ગુજરાતમાં થતાં હતાં, હજીય કદાચ કોઈક ખૂણે એવા અન્યાયો થતાં હશે.

વાસ્તવદર્શી રજૂઆત. તળપદી બોલીનો નોંધનીય પ્રયોગ. 

બટકણી સળીઓ (રેના સુથાર)

સાવરણી બનાવીને વેચતા શંકર અને સમુના દીકરા જિગ્નેશને ફિલ્મોમાં હીરો બનવું છે. એનાં સ્વપ્નાં અધૂરાં રહે છે. કોઈ કામધંધો ના કરતા જિગ્નેશને માબાપે પરણાવ્યો. હવે જિગ્નેશ, એની વહુ અને એના દીકરા, એમ ત્રણેને શંકર-સમુ મજૂરી કરીને પાળેપોષે છે. આપણા દેશમાં આવા મંદબુધ્ધિ માણસો પણ હોય છે.  

મારણ (શ્યામ તરંગી)

મણિપુરમાં બની ગયેલી એક સાંપ્રત શરમજનક દુર્ઘટનાને આ વાર્તામાં ઝીલવામાં આવી છે. 

જંગલમાં ફોટોગ્રાફી કરવા ગયેલો એક યુવાન ગભરુ હરણાઓ પર તૂટી પડતા સાવજોને જોઈને ભાગી છૂટે છે.  જે ગામમાં એ પહોંચે છે ત્યાં એ જુએ છે કે ત્રણ અબળા સ્ત્રીઓ પર મવાલીઓ બળાત્કાર કરી રહ્યા છે. અહીંથી પણ એ ભાગવા જાય છે પણ એને રોકવામાં આવે છે. પેલી પીડિત સ્ત્રીઓનું ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું છે એની ફિલ્મ આ યુવાને ઉતારવી પડે છે. પરિણામે એ યુવાનના મગજ પર અસર થઈ જાય છે.  

ઝુંબેશ (કિશોર વ્યાસ)

હાસ્યવાર્તા.

સરકારી ઓફિસમાં કોઈ કામસર ગયેલા એક સામાન્ય માણસે ઓફિસમાં ઉંદર જોયો. હોહા મચી ગઈ. કામ બાજુએ રહ્યું અને સહુ ઉંદર હટાવ ઝુંબેશમાં મચી પડ્યા. સરસ રજૂઆત.

આમંત્રણ (બિમલ મિત્ર લિખિત મૂળ બંગાળી વાર્તા, પ્રસ્તુતિઃ સંજય છેલ)

જૂના શેઠના દીકરાના લગ્નનું જમીને મોડી રાતે ઘેર પહોંચેલા ઈન્દ્રનાથે પત્ની અને પુત્ર સામે પોતે જમેલી વાનગીઓનું એવું રસઝરતું વર્ણન કરે છે કે ના પૂછો વાત.

વાર્તાની ક્લાઈમેક્સ રસપ્રદ છે. અંકની શિરમોર વાર્તા.

ગુડ બાય કહ્યા વિના (દક્ષિણ આફ્રિકાના લેખક એન. મેકેન્ઝી લિખિત મૂળ અંગ્રેજી વાર્તા, પ્રસ્તુતિઃ યામિની પટેલ)

રોમાંચક થ્રિલર. એક છોકરી જેને ગુડબાય કહે એ વ્યક્તિ ભૂતકાળ બની જાય! વાહ! અદ્ભૂત કલ્પના! રોમહર્ષક વાર્તા!

ડો. હાઈડેગેવરનો પ્રયોગ (નાથાનિયેલ હોર્થોન લિખિત મૂળ વિદેશી વાર્તા,પ્રસ્તુતિઃ યશવંત મહેતા)

ડો. હાઈડેગેવરે પ્રયોગ કરીને એવું પીણું બનાવ્યું કે જેને પીવાથી યૌવનની પુનઃપ્રાપ્તિ થાય. આ પીણાનો પ્રયોગ કરવા એ પોતાના ચાર મિત્રોને બોલાવે છે. એક વૃધ્ધા અને ત્રણ વૃધ્ધ પુરુષો. સહુ પીણું પીને યુવાન બની જાય છે. ત્રણે પુરુષો પેલી સ્ત્રીને પામવા ધમાલ મચાવે છે. પણ સમય વીતવાની સાથે પીણાંની અસર કાયમ રહે છે કે ઘટતી છે? સરપ્રદ વાર્તા. 

--કિશોર પટેલ, 11-06-24 08:45

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

No comments: