Sunday 18 July 2021

પરબ જુલાઇ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

 

પરબ જુલાઇ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૨૪૬ શબ્દો)

આ અંકની બંને વાર્તાઓ રસપૂર્ણ છે.

કલ્પતરુ (દીના પંડ્યા):  નિર્ધન અને છતાં નિસ્પૃહી માણસોની વાત. વાર્તામાં એક એવા પરિવારનું આલેખન થયું છે જેની પાસે કશું જ નથી અને છતાં કોઇ વસ્તુનો અભાવ એમને નડતો નથી! આજના સમયમાં ચમત્કારિક લાગે, અકલ્પનીય લાગે પણ દેશના ખૂણેખાંચરે ક્યાંય આવા માણસો હશે ખરાં. મહામારીના સમયમાં લોકડાઉનના પગલે  શહેરમાં કારખાનું બંધ પડ્યું અને એક શ્રમજીવી પરિવારે શહેરમાંથી વતન તરફ હિજરત કરવી પડી. વાહન વિના બે નાનાં બાળકો સાથે કોણ જાણે કેટલાં માઇલો આ પરિવાર પગપાળા ચાલ્યો હશે! પણ ક્યાંય સમાજ, પ્રસાશન કે સરકાર વિષે કટુતા નહીં. મદદ તરીકે મળતી રાહત લેવામાં પણ આ આત્માભિમાની પરિવારને સંકોચ થાય છે! કટોકટીના સમયમાં મીઠી વીરડી જેવી વાર્તા. કંઇક જુદી જ વાત!

ટાઇમપાસ (રાકેશ દેસાઇ): લગભગ ફેન્ટેસી વાર્તા. નાયક લગભગ પોતાના જ બેસણામાં હાજરી આપવા જેવો ચમત્કારિક અનુભવ કરે છે. કંપનીના માલિકે અચાનક ઓફિસ સ્ટાફને વહેલી રજા આપી દીધી. દૂર ગામડેથી અપડાઉન કરતા મૂકેશની બસને હજી અવકાશ હોવાથી સમય પસાર કરવા એ નજીકના એક હોલમાં જાહેર કાર્યક્રમમાં ઘૂસી જાય છે. ત્યાં એ જુએ છે કે કોઈનું બેસણું છે. ધીમે ધીમે એને ખ્યાલ આવે છે કે મરનાર યુવાન તો એની જોડે અદ્ભુત સામ્ય ધરાવતો હતો! પોતાના મૃત્યુની કલ્પનાથી ધ્રુજી ઉઠેલો નાયક ત્યાંથી પોબારા ગણી જાય છે. સરસ કલ્પના. આ કલ્પનામાંથી વ્યવસ્થિત ફેન્ટેસી વાર્તા બનાવી શકાઇ હોત, સ્ટેજ પર એને પોતાનાં શોકાતુર પત્ની-બાળકો દેખાયાં હોત, ત્યાં એને સદેહે હરતો-ફરતો જોઇને અન્ય મહેમાનો ચકિત થયાં હોત વગેરે જેવું આલેખન થયું હોત તો?  લેખક તદ્દન નજીક આવીને અટકી ગયા. આશાસ્પદ વાર્તા.        

--કિશોર પટેલ, 18-07-21; 12:58

###  


Friday 16 July 2021

શબ્દસૃષ્ટિ જૂન-જુલાઇ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે


 

શબ્દસૃષ્ટિ જૂન-જુલાઇ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

 

(૨૪૩ શબ્દો)

કલહ (દીવાન ઠાકોર): પિતા-પુત્ર સંબંધની વાત. માનવીય સંબંધોમાં એક ફરિયાદ સામાન્ય છે કે ‘તમે મને ઓળખ્યો જ નથી.’ બિલકુલ આ રીતે સામી ફરિયાદ પણ એટલી જ સામાન્ય છે કે ‘હું તમને ઓળખી શક્યો નથી.’ આ વાર્તામાં નાયકની ફરિયાદ છે કે એ પોતાના પિતાને ઓળખી શક્યો નથી. આ સિલસિલો આગળ ચાલે છે. નાયકની પત્નીની ફરિયાદ કરે છે કે એ પોતાના પતિને ઓળખી શકી નથી.  એક વૈશ્વિક લાગણીને શબ્દબદ્ધ કરતી સરસ વાર્તા.

સામૈયું (વાસુદેવ સોઢા): વાત આમ તો ટુચકા જેવી છે પણ એની વ્યંજના અનેરી છે. ગામમાં ચમના અને જમનાની જોડી લોકચર્ચાનો વિષય બની છે. બંને આળસુ, કોઈ કામકાજ વિનાના, લગ્નની ઉંમર વટાવીને વાંઢા રહી ગયેલા. લોકોનું મોઢું બંધ કરવા એક જણ બહારગામ જઇને પરણી આવ્યાનું નાટક કરે છે. એની વહુ બીજું કોઈ નહીં, સ્ત્રીવેશમાં એનો જોડીદાર  જ હોય છે. વ્યંજના એવી છે કે આ રીતે લોકનિંદાને પરિણામે ઘણી વાર ઈચ્છા કે અનિચ્છાએ લાકડે માંકડું ગોઠવાઇ જતું હોય છે. અન્યોનો ન્યાય તોળવાની સામાન્ય માણસોની માનસિકતા ક્યારેક પીડિતોના જીવન પર કાયમી અસર કરતી હોય છે.

ચિનારને કૂંપળો ફૂટી રહી છે (નટવર હેડાઉ ‘વનવિહારી’): કાશ્મીરની આજની ચિંતાજનક પરિસ્થિતિનો ચિતાર. કઇ રીતે માણસો પોતાની જન્મભૂમિમાંથી મૂળિયાંસમેત ઉખડી રહ્યાં છે એનું સરસ આલેખન આ વાર્તામાં થયું છે. સરહદની પેલી તરફથી કઇ રીતે આ રાજ્યમાં સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે અને લોકો કઇ રીતે પાયમાલ થઇ રહ્યાં છે એની હ્રદયવિદારક ઝલક આ વાર્તામાંથી મળે છે.

નોંધ: ઉપરની ત્રણે વાર્તાઓ જૂન અંકની છે. જુલાઇ અંકમાં એક પણ વાર્તા પ્રગટ થઇ નથી.

--કિશોર પટેલ, 16-07-21; 20:10

###          

Wednesday 14 July 2021

મમતા જુલાઇ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

 

મમતા જુલાઇ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૬૨૯ શબ્દો)

નારીચેતના વિશેષાંક: સંપાદક ખેવના દેસાઇ

પ્રસ્તુત વિશેષાંકની છ વાર્તાઓમાં વિષયવૈવિધ્ય અને રજૂઆતમાં નોંધપાત્ર પ્રયોગો થયેલાં જણાય છે. 

સ્વમાર્ગે (સ્વાતિ ધ્રુવ નાયક): શ્રીમંત સ્ત્રીઓની કહેવાતી સમાજસેવા અંગે કટાક્ષ. સરોગેસી અને કિન્નરોની સમસ્યા અંગે વાર્તામાં અછડતા ઈશારા થયાં છે.  લગભગ તમામ માનવીય ગુણો ધરાવતાં પાળેલા કૂતરા બ્રુનોનું પાત્રાલેખન ઝીણવટભર્યું થયું છે.  શ્રીમંત માનસી અને અકિંચન રાધા એમ બે સામસામા છેડાના પાત્રો એક મંચ પર લાવીને લેખકે વાર્તામાં નાટ્યતત્વ આણ્યું છે. માનસીનું વ્યક્તિત્વ પોકળ છે જ્યારે રાધાની આંતરિક સમૃદ્ધિ નોંધનીય છે. બસ, એક પ્રશ્ન અનુત્તર રહ્યો: રાધા કોમર્સ ગ્રેજ્યુએટ હતી છતાં એને શ્રીમંતોના ઘરકામ કરવાની જરૂર કેમ પડી? નોંધનીય અભિવ્યક્તિ: ૧. વાદળ ગોરંભાયેલું રહે એનાં કરતાં વરસી જાય એ વધારે સારું. ૨. લગ્ન વિના હું અધૂરી છું એવું હું માનતી નથી. એકંદરે સરાહનીય પ્રયાસ.

ભડભડતી જ્વાળા (સુષ્મા શેઠ): વાર્તા નિ:શંકપણે નારીચેતનાની છે પણ બની છે બોલકી. સ્મશાનમાં મડદાં બાળવાનું કામ  એની મજબૂરી છે, પસંદગીનું નથી. હા, માતાના વિરોધ છતાં એણે હિંમત દાખવી એ વાત પ્રસંશનીય છે. મ્યુનિસિપાલીટી તરફથી મળેલું ઘર ટકાવી રાખવું એના માટે જરૂરી હતું. સ્ત્રી-પુરુષ અસમાનતા દૂર કરવાની સભાનતા વિના આ કામ એ કરતી હોય એ વધુ સુસંગત લાગત. પદ્મશ્રી જેવા ઈલ્કાબ માટે એનું નામ સૂચવાય પછી એને આવા મુદ્દાઓની ખબર પડે એવું બતાવાય તો તે સ્વાભાવિક લાગે. જે કામ માટે સ્પર્ધા જ નથી એવું કામ ગંગા કરે જમના કરે, કોઈ શા માટે એની પર પ્રાણઘાતક હુમલો કરે? અંધશ્રધ્ધાનો ઠેકેદાર કોઈ ભગત-ભૂવો કે કોઈ બની બેઠેલો બાપુ આવું કામ કરે તો હજી સમજાય. આવા મેલોડ્રામેટિક આંચકા વિના વાર્તા વધુ અસરકારક બની હોત. અંતમાં માતાના બદલે બે નાની બહેનો મડદાં બાળવાનું કામ ઉપાડી લે એ વધુ ઉપર્યુક્ત લાગશે. માતાએ તો ત્યારે જાગવું જોઇતું હતું જયારે ગંગાએ શરૂઆત કરી હતી.    

સ્વની શોધમાં (કાલિન્દી પરીખ): દાંપત્યજીવનમાં પતિ-પત્ની વચ્ચે રસરૂચિભેદના કારણે થતી પીડા. કથનમાં ત્રીજો પુરુષ અને પહેલા પુરુષની સેળભેળ થઇ છે.    

માર્ગ શોધે છે મને (સંધ્યા ભટ્ટ): સમાજસેવાનું ભૂત માથે લઇને ફરતી નાયિકાને એક ક્ષણે ભાન થાય છે કે સમાજને સુધારવાની શરૂઆત પોતાના ઘેરથી કરવી પડશે. પેલી કહેવત ઘણી જાણીતી છે: charity begins at home. પપ્પાથી મોટા ભાઇ એટલે શું? આ તો father’s elder brother નું ગુજરાતી ભાષાંતર થયું! આપણે ત્યાં આ સંબંધ માટે ‘મોટા બાપુ’ અથવા ‘મોટા કાકા’ જેવું સંબોધન લગભગ સર્વસ્વીકૃત છે.

સાધન (પૂજા ત્રિવેદી રાવલ ‘સ્મિત’): રજૂઆત અને સામગ્રી બંને બાબતમાં આ વાર્તા જુદી પડે છે. ઘણી જ વિરલ કહેવાય એવી વાત એ છે કે બીજા પુરુષ એકવચનમાં લખાયેલી આ વાર્તામાં કથક પણ હાજર છે. જો કે ઘરના આયના જેવી નિર્જીવ વસ્તુને કથક બનાવ્યો હોવાથી વાર્તાની ઘટનાઓ ઘરના એક ઓરડા પૂરતી મર્યાદિત રહે છે. સામગ્રીની વાત કરીએ તો જાતીય સુખ માટે કૃત્રિમ સાધનના ઉપયોગની વાત થઇ છે.  દાંપત્યજીવનમાં સંબંધો જયારે નિષ્પ્રાણ બની જાય ત્યારે આજની પેઢીની મદદે વિજ્ઞાન આવે છે. એવાં કૃત્રિમ સાધનો બનવા માંડ્યા છે કે સ્ત્રી કે પુરુષ બંનેને એકબીજાની ઉણપ સાલે નહીં. આવા સાધનોની આયાત પર આપણા દેશમાં કાયદાકીય રીતે બંધી હોવાથી દાણચોરી ફૂલીફાલી છે. આમ આ વાર્તા એક સાથે માનવીય સંબંધ, જાતીયતા, સામાજિક સમસ્યા, દાણચોરી જેવા વિવિધ વિષયોને સ્પર્શે છે અને બીજી તરફ રજૂઆતમાં પણ નાવીન્ય લાવે છે. ધ્યાનાકર્ષક વાર્તા!

રાજમહેલ (તન્વી ટંડેલ): નાયિકાનું માનવું છે કે જે ઘરમાં શૌચાલય હોય એ જ રાજમહેલ. લગ્ન કરીને એવા રાજમહેલમાં જઇને રહેવાનું એનું સ્વપ્નું પૂરું થાય છે. પણ અંતમાં લેખક આંચકો આપે છે કે દિલ્હી અભી દૂર હૈ! નાયિકાના મનોવ્યાપારનું આલેખન સરસ. સંપૂર્ણ વાર્તા મુદ્દાને વફાદાર રહી છે એ જમા પાસું. રજૂઆત માફકસરની.     

અછૂતો વિષય. ગામડાંમાં કુદરતી હાજત માટે શૌચાલયની અછત જનસામાન્ય માટે એક મોટી સમસ્યા છે. પુરુષો કરતાં સ્ત્રીઓની સ્થિતિ સ્વાભાવિકપણે વધુ કફોડી થાય છે. હાલમાં એકાદ હિન્દી ફિલ્મ આ વિષય પર આવી ગઇ. વર્ષો પહેલાં શ્યામ બેનેગલની ફિલ્મ મંથનમાં સૌ પ્રથમ આ સમસ્યાનો ઉલ્લેખ હળવી શૈલીમાં થયેલો. આપણી વાર્તાઓમાં આ વિષય પર ઝાઝું કામ થયું નથી. હાલમાં ગયા વર્ષે એકાદ વાર્તા આ વિષય પર આવી હતી. જે પડતર જમીનનો ઉપયોગ ગામના લોકો શૌચક્રિયા માટે કરતાં હતાં એનો સોદો થઇ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાય છે એવી વાત એમાં હતી.

--કિશોર પટેલ, 14-07-21; 11:33

###


Thursday 8 July 2021

નવનીત સમર્પણ જુલાઇ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે


 

નવનીત સમર્પણ જુલાઇ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૭૨૮ શબ્દો)

દરિયો, કિલ્લો અને સ્ત્રી (માવજી મહેશ્વરી):

દરિયો અને કિલ્લો એકમેકથી વિરુદ્ધ પ્રતિકો છે. દરિયો વિશાળ અને ગહન જયારે કિલ્લો બંદિસ્ત, સંકુચિત અને સુરક્ષિત ક્ષેત્ર. આ બંને જોડે સંકળાયેલી એક સ્ત્રી કિલ્લાની સુરક્ષામાંથી નીકળી તોફાની દરિયા તરફ કદમ ઉઠાવે છે તેની વાર્તા. પૃષ્ઠભૂમિમાં દરિયાકાંઠે કિલ્લામાં રહેતાં માછીમારોની જીવનશૈલીની ઝાંખી મળે છે. આ માછીમારોનું જીવન કેટલું અનિશ્ચિત હોય છે! એક માછીમાર પોતાના મછવા સહિત અદ્રશ્ય થઇ ગયો છે! કોઇને ખબર નથી કે દરિયો એને ગળી ગયો કે પાડોશી દેશના નૌસૈનિકોએ એને સરહદ ઓળંગવાના ગુનાસર પકડી લીધો છે? આવાં કેટલાંય નિર્દોષ માછીમારો સરહદની બંને તરફની જેલમાં સબડી રહ્યાં છે. છાપાંમાં આવતાં સમાચારો મુજબ અવારનવાર થોડાંઘણાંને મુક્ત કરવામાં આવે છે પણ હજીય સરહદની બંને તરફ જેલની કાળકોઠડીમાં સબડતાં હોય એવાં માછીમારોની સંખ્યા ખાસી મોટી હોવી જોઇએ. આવા કેટલાંય વિશિષ્ટ સમાજની વાર્તાઓ આપણાં સાહિત્યમાં અવતારવી હજી બાકી છે.  

રોશન સંપૂર્ણ સ્વસ્થ સ્ત્રી છે. એને દરિયાનું પ્રચંડ આકર્ષણ છે. સમાજના અન્ય પુરુષોની જેમ એ પણ માછીમારી કરવા દરિયો ખેડવા ઈચ્છે છે. એનો પતિ મામદ રોશનની અંદર રહેલી બાળસહજ વૃત્તિને સારી રીતે સમજે છે પણ દરિયો ખેડવાની એની ઈચ્છાને એની અંદર રહેલો સરેરાશ પુરુષ મંજૂરી  આપતો નથી. જો કે એની પાછળ પત્નીની સુરક્ષાની પુરુષસહજ ચિંતા છે. મામદ અને રોશન બંને પોતપોતાની રીતે એક એક દરિયો છે. રૂઢ અર્થમાં રોશન નદી નથી પણ દરિયો છે એ ધ્યાનમાં લેવા જેવું છે. બાકીનો સમાજ કિલ્લો છે. કિલ્લાની અંદર રહેતા સમાજની સંકુચિત દ્રષ્ટિએ રોશન અપશુકનિયાળ અને ગાંડી સ્ત્રી છે. રોશનને કોઇની પરવા નથી. ગામનો એક છોકરો વૈયલ એની ભાવના સમજે છે. આખા ગામમાં એકલો એ રોશનને સામાન્ય અને સહજ ગણે છે. રોશન માટે વૈયલ તરફથી મળતો ભાવનાત્મક સહારો પૂરતો છે. જો કે વાર્તામાં સંકેત અપાયો છે કે રોશનને વૈયલ પાસેથી એથી પણ વધુ અપેક્ષા છે. મામદની ગેરહાજરીમાં પિયરીયાંને અવગણીને પણ રોશન પોતાની ઈચ્છા પૂરી કરે છે. નારીચેતનાની વાર્તા.    

વળાંક (અમૃત બારોટ):

સ્ત્રીસ્વાતંત્ર્યની વાત. કેટલાંક પુરુષો વ્યવસાયમાં સફળતા મેળવવા સ્ત્રીનો ઉપયોગ કરતાં અચકાતાં નથી, પછી એ હાથ નીચેની કર્મચારી હોય કે પોતાના ઘરની સ્ત્રી.  

મિતેશથી છૂટી પડેલી મેઘાને ઓફિસના બોસ વિનીત તરફથી સહાનુભૂતિ મળી. એ સંબંધ લગ્નમાં પરિણમ્યો. પછી વિનીતની સ્વાર્થી વૃતિથી કંટાળીને મેઘા ગૃહત્યાગ કરે છે. મેઘાને કલ્પના પણ ન હતી કે દૂર એકાંત સ્થળે આવેલા હિલ સ્ટેશન સુધી વિનીતનો જાસૂસ એનો પીછો કરશે. નિકુંજ નામે ઓળખાયેલો એક આદમી જાસૂસની ભૂમિકા જબરી ચોક્સાઈથી ભજવે છે.

મુખ્ય વાત સ્ત્રી પર માલિકીવૃત્તિ ધરાવતા શોષણખોર વિનીતની છે. વિનીતથી પહેલા મેઘાના મિતેશ જોડેના સંબંધ વિષે વાતો છે પણ મિતેશ મેઘાથી વેગળો શા માટે થયો એનું કારણ જાણવા મળ્યું હોત તો મેઘાના પાત્રને થોડુંક વધુ ઊંડાણ મળત. સંબંધવિચ્છેદ પછી પણ મેઘા-મિતેશના સંબંધ મૈત્રીપૂર્ણ રહ્યાં છે એનો વિનીતને વાંધો પડ્યો છે. સ્ત્રીને શો-પીસ સમજતાં અને માલિકીવૃત્તિ ધરાવતાં પુરુષોની માનસિકતા પર આ વાર્તા એક વિધાન કરે છે. સારી વાર્તા.            

હવે તો તને અડી શકું ને...કે નહીં? (ડો. દ્વિતીયા શુક્લ):

અવ્યક્ત લાગણીઓની વાત. વાર્તાનું જમા પાસું છે પ્રારંભ. શરૂઆતમાં જ વાર્તાકાર સંકેત આપે છે કે ફૂલછોડ પ્રત્યે પ્રીતિ રાખતા નીરવે અરસિક ક્ષેત્રમાં નોકરી કરીને જીવન વેડફી દીધું છે. પણ એ પછી વાર્તાની રજૂઆતમાં અન્ય પાસાંઓ નબળાં રહ્યાં. ટૂંકી વાર્તામાં પાત્રાલેખન વિષે એક બહુ જાણીતી ઉક્તિ છે: show, don’t tell. બંને મુખ્ય પાત્રો નીરવ અને ઇશાન્વીની ખાસિયતોનું વર્ણન કરવાને બદલે લેખકે પાત્રોનાં વાણી-વ્યવહારમાં એ ખાસિયતો વણી લઈને આલેખન કર્યું હોત તો વાર્તા વધુ અસરકારક બની હોત. નીરવના અંતર્મુખી સ્વભાવના મૂળમાં એના પિતાનો એની પ્રત્યેનો અસંવેદનશીલ વ્યવહાર જવાબદાર છે. ઇશાન્વી માટેની નીરવની લાગણીઓની ચર્ચા સાતમા-આઠમા ધોરણમાં ભણતાં સહવિદ્યાર્થીઓ પુખ્તવયની વ્યક્તિઓની ભાષામાં કરે છે ગળે ઉતરતું નથી. વાર્તાનો વિષય સારો છે પણ માવજતમાં કચાશ છે.

મરણનાં ભજન (મોના જોશી):

વરિષ્ઠ નાગરિકોની સમસ્યા. વૃદ્ધ દંપતીનો એકબીજા સાથે જેવી સમજણ હોઇ શકે તેવી સમજણ બે પેઢીઓ વચ્ચે પ્રમાણમાં ઓછી જોવા મળે છે. બેમાંથી એકનું મૃત્યુ થાય એ પછી પાછળ રહી ગયેલાની સ્થિતિ કફોડી થતી હોય છે. મહત્વના કામ માટે ઘરના સભ્યો ડોસાને ગૃહિત ગણી લે છે તે સ્વાભાવિકપણે ડોસાના ગળે ઊતરતું નથી. સ્વભાવથી વિરુદ્ધ જઇને પોતાના વિચાર તે પ્રગટ કરે છે એ હકારાત્મક વાત છે. સાંપ્રત વિષયની વાર્તા.

ખજાનો (ધીરુબેન પટેલ):

માળિયું સાફ કરતાં હાથ લાગેલું જૂનું તોરણ ગૃહિણી ભંગારમાં કાઢી નાખે છે. પાંચ વર્ષની બાળકી જેને ખજાનો કહેતી હતી એ તોરણ તો એના માટે રમકડું હતું પણ તેના પિતા માટે તો એ મૃત માતાની અમૂલ્ય સ્મૃતિઓનો ખજાનો હતો. ખજાનો ખોવાઈ ગયો એમ કહીને બાળકી ઉપદ્રવ મચાવે છે પણ એના પિતાથી તો સામાન્ય પ્રતિક્રિયા પણ આપી શકાતી નથી. જૂનો વિષય, કદમાં નાનકડી વાર્તાની પારંપારિક અને અસરકારક રજૂઆત. ધીરુબેન જેવા વરિષ્ઠ અને નીવડેલા વાર્તાકાર પાસેથી કંઇક જુદી અને વધુ દમદાર વાર્તાની અપેક્ષા રહે છે.             

--કિશોર પટેલ, 08-07-21; 12:47

###