Monday 31 January 2022

કુમાર નવેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

કુમાર નવેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૨૯ શબ્દો)

ચબૂતરો (ચેતન શુક્લ):

એક દુઃખી માણસની ભગ્ન જિંદગીના વેરવિખેર ટુકડાં. જેલમાંથી સજા કાપીને ઘેર આવેલા કાંતિને ભૂતકાળ યાદ આવે છે. પાડોશના મંગુમાસીની અપંગ દીકરી ચકુ પર કોઇ બીજાએ કરેલાં બળાત્કારનો આરોપ કાંતિ પર આવે અને એને સજા થાય. નિર્દોષ કાંતિની જિંદગી રોળાઇ જાય. કાંતિની નૈરાશ્યપૂર્ણ માનસિક સ્થિતિનું વર્ણન. અંધારી રાત, કાંતિને ઓળખતાં રખડતાં કૂતરાં. મૂંગો ચબૂતરો અહીં લગભગ એક પાત્ર બન્યું છે. વાર્તાના નાયકની ભગ્ન જિંદગીના સ્થિરચિત્રનું આ રચનામાં આલેખન થયું છે.

એક પ્રશ્ન થાય કે કાંતિ જો નિર્દોષ હતો તો એણે પોતાનો બચાવ કેમ ના કર્યો? બળાત્કાર જેવી ઘટનામાં મેડિકલ તપાસ થાય કે નહીં? ચકુ ભલે મૂંગીબહેરી હતી પણ ઘટના પછી જો જીવતી હતી તો કંઇક બયાન આપી શકી હોત! મૂળે લેખકે એ બીના એટલી સાંકેતિક પદ્ધતિએ કહી છે કે ભાવક એની વિગતોમાં જઈ શકે એવી શક્યતા નથી. આમ પ્રશ્ન તો અનુત્તરિત રહે જ છે: નિર્દોષ કાંતિ હતો તો પછી પોતાનો બચાવ શા માટે નથી કરતો? એની પત્ની સુધા તો ચાલાક હતી, એણે કેમ માની લીધું કે એનો પતિ દોષિત હોઈ શકે? એના પાત્રાલેખન પ્રમાણે તો એક “પતિ”ની એની જીવનશૈલીમાં ઘણી જરૂરિયાત હતી. પડ્યું પાનું નિભાવી લેવાની કાંતિની પ્રકૃતિ હતી એવો એકાદ સંકેત વાર્તામાં મૂકવો જરૂરી હતો. એમ થયું હોત તો વાર્તા ઉત્તમ બની હોત.               

કેમોન આછે? (મનીષા રાઠોડ):

એકલવાયો વૃદ્ધ અને એકલવાયી જુવાન કન્યા એકબીજાના પાડોશી. એકબીજાનાં ખબરઅંતર પૂછવાથી પરિચય થાય અને સ્નેહસંબંધ વિકસે. આ સ્થિતિથી આગળ વધીને કોઇ વાર્તા બની હોત તો કંઇક નવું થયું હોત. લેખક તો ભૂતકાળમાં જઈ જૂનો ભંગાર ખોદી લાવ્યા. દીકરાના પ્રેમલગ્નના વિરોધમાં માતા ઝેર પીને આત્મહત્યા કરે, દીકરો આજીવન અપરિણીત રહે, વિદેશ જતો રહે, એના પિતા એકલા રહે, દુઃખી રહે, પેલી કન્યા (આપણી નાયિકા) અપરિણીત રહે, પોતાના કુટુંબથી જુદી, એકલી રહે, ટૂંકમાં સહુ દુઃખી દુઃખી થાય. વૃદ્ધના મૃત્યુ નિમિત્તે નાયક-નાયિકાનું પુનર્મિલન થાય! ચીલાચાલુ તાલમેલિયા અકસ્માતો! વાર્તા કે અવાર્તા?

--કિશોર પટેલ, 01-02-22 11:12

###  

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)

Saturday 29 January 2022

પરબ નવેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

પરબ નવેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

(૧૭૬ શબ્દો)

તું હિ તું હિ (ગિરીશ ભટ્ટ):

કરુણાંત પ્રેમકથા. જાતિભેદ અને વર્ગભેદ આ પ્રેમકથામાં મુખ્ય વિઘ્ન છે. પહેલાંના સમયમાં પ્રેમીજનો પાસે સંદેશાની આપલે માટે કેવળ ચિઠ્ઠી કે પત્ર હાથવગાં હતાં. દત્તાત્રેયનો એક પણ પ્રેમપત્ર સરયુ સુધી એની માતા પહોંચવા દેતી નથી. પરિણામે બંને પક્ષે પ્રેમીઓને ગેરસમજ થાય છે. લાંબા સમય પછી દત્તાત્રેય નિર્દોષ હોવાનું જાણીને સરયુને પશ્ચાતાપ થાય છે. વાર્તાની રજૂઆત સારી પરંતુ વિષય-વસ્તુમાં નવીનતા નથી. આ નીવડેલા લેખક પાસેથી કંઇક વધુની અપેક્ષા રહે છે.     

શબ્દ વર્સિસ અક્ષર (ધર્મેન્દ્ર ત્રિવેદી):

ફેન્ટેસી વાર્તા. પચાસ વર્ષ પછીના સમયમાં ભાષાપ્રેમીઓ અને ભાષાશત્રુઓ વચ્ચે એટલે કે સત અને અસત વચ્ચે થનારાં યુદ્ધની કલ્પના. ભાષાના પ્રતિક સમા ‘ક’ અક્ષરની મૂર્તિ, સંદેશવ્યવહારની, વાહનવ્યવહારની અને યુદ્ધની વિકસિત ટેકનોલોજીની કલ્પનાઓ રોમાંચક છે. સરસ પ્રયાસ.    

સ્વપ્નવત (પરીક્ષિત જોશી):

વાર્તાલેખનની શિબિરમાં એક બિનસાહિત્યિક આદમી ભાગ લે તેનો હળવી શૈલીમાં અહેવાલ. અવાર્તા. સામાન્ય રજૂઆત.

--કિશોર પટેલ,30-01-22; 09:42

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)

   

  

 


Wednesday 26 January 2022

નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૧ દીપોત્સવી અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૧ દીપોત્સવી અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૦૯ શબ્દો)

આ પ્રતિષ્ઠિત સામયિકના દીપોત્સવી અંકની વાર્તાઓ એકંદરે નિરાશ કરે છે. કેવળ નીવડેલાં લેખકોની વાર્તાઓ રજૂ કરવાની આ સામયિકની પરંપરા રહી છે. એક-બે સિવાયનાં જાણીતા વાર્તાકારોએ નિરાશ કર્યા છે.

સરખામણીએ થોડીક સારી વાર્તાઓની વાત પહેલાં કરીએ.

રાજધાની (મધુ રાય): લાંબા અંતરની ટ્રેનના એક સ્લીપર વર્ગના એક ડબ્બામાં ચાર સ્ત્રીઓ સમય પસાર કરવા ગપ્પાં મારે છે. એમની વાતોમાં સત્ય ઓછું અને કલ્પના વધારે છે. અનેક પ્રકારનાં પ્રતિબંધો વચ્ચે જીવતી આપણા સમાજની સ્ત્રીઓની પીડા વિષે લેખક એક વિધાન કરે છે. છટકબારી ખૂલી જાય આ સ્ત્રીઓ સ્વજનો વિષે સાચીખોટી ગોસિપ કરીને મન બહેલાવી લે છે. સરસ વાર્તા.  

ટાઢું ટબુકલું (બિપીન પટેલ): મહામારીમાં સલામત અંતર જાળવવાની મોંકાણમાં સહુથી અવળી અસર પડી હોય તો એ નાના બાળકો પર. ખુલ્લામાં રમવા ટેવાયેલાં બાળકોની બંધ ઘરમાં થતી ગૂંગળામણ વિષે વાર્તામાં લેખકે પ્રકાશ પાડ્યો છે. સારી વાર્તા.  

ધીરુબેન પટેલ, પ્રવીણસિંહ ચાવડા, હિમાંશી શેલત, વર્ષા અડાલજા, વીનેશ અંતાણી અને પન્ના ત્રિવેદી. આ સહુ આપણા વાર્તાસાહિત્યનાં મોટાં નામો છે. આ સહુએ પોતપોતાના કમ્ફર્ટ ઝોનમાં રહીને સરેરાશ વાર્તાઓ આપી છે.  

સમયની સરહદને પેલે પાર (ધીરુબેન પટેલ): વર્ષના એક ચોક્કસ દિવસે સાથિયો પૂરવાની પોતાની કળા પ્રદર્શિત કરવાની તક માટે ઝંખના સેવતી એક બાળકીની વાત. કોઇ જુએ કે ના જુએ, કોઇ વખાણે કે ના વખાણે પણ સાથિયો પૂરવો એના પોતાના અસ્તિત્વ માટે મહત્વનો છે. આ રચનાને રેખાચિત્ર કહેવું વધુ યોગ્ય રહેશે.

સાબર ઓઈલ મિલ (પ્રવીણસિંહ ચાવડા): વિશાળ જમીનના માલિક બે ભાઈઓ વચ્ચે હેતભર્યો સંબંધ છે. એક ભાઈ મિલ શરુ કરે પણ પુત્રના અકાળ અવસાન પછી ચિત્તભ્રમ થઇ જતાં મિલનું કામકાજ સંકેલી લે છે. કથક જે બીજા ભાઈનો પુત્ર છે એને ભાગે મિત્રસમાન પિતરાઈ ભાઈના વિરહની વેદના સહેવાની આવે છે. સહુનાં પાત્રાલેખન ઉપરછલ્લાં થયાં છે. આ લેખકની પ્રતિષ્ઠાની સરખામણીએ સામાન્ય રજૂઆત.        

આકાશને અડતી બાલ્કની (હિમાંશી શેલત): વરિષ્ઠ નાગરિકની એકલતા. પત્ની સંતાનો પાસે વિદેશ ગયાં છે. મહામારીના પગલે સંચારબંધીમાં પ્રભાકરભાઈ એકલા પડી ગયા છે. પત્નીએ જેમને પ્રવેશબંધી ફરમાવેલી એ કબૂતરો હવે ઘરની બાલ્કનીમાં છૂટથી આવવાં લાગ્યાં છે. એમનાં આગમનથી પ્રભાકરભાઈ ઘર ભર્યુંભર્યું અનુભવે છે. એકલતા અનુભવતા વરિષ્ઠ નાગરિકની માનસિક સ્થિતિનું આલેખન. આ લેખક પાસેથી પ્રસ્તુત રચનાથી કંઇક વધુની અપેક્ષા રહે છે.        

પલાયન (વર્ષા અડાલજા): પત્નીના મૃત્યુ પછી અનંતરાય એકલતા અનુભવે છે. સ્વાર્થી દીકરી-જમાઇથી નારાજ થઇને નાયક કાયમ માટે બનારસ પહોંચી જાય છે. મૃત્યુનું વાતાવરણ નજીકથી જુએ છે. મોક્ષ મેળવવાની ઈચ્છાથી બનારસમાં અંતિમ શ્વાસ લેવા ઈચ્છતા  લોકોની અહીં વાત થઇ છે.    

અહીં છું, પપ્પા (વીનેશ અંતાણી): માતા-પિતાના સંબંધવિચ્છેદ પછી પિતા પાસે ઉછરેલી દીકરીની વાત. પિતાના મૃત્યુ પછી સગી જનેતાએ દાખવેલી જુદાઈ નાયિકા માટે અસહ્ય થઇ પડે છે.  માનવીય સંબંધોના આટાપાટા આ લેખકનો કમ્ફર્ટ ઝોન છે.      

પડદા (પન્ના ત્રિવેદી): લેખકે આ વાર્તા દ્વારા એક સળગતી સામાજિક સમસ્યા પર પ્રકાશ પાડ્યો છે. નાયિકાની મૂંઝવણ એ છે કે જિંદાદિલ સખી અચાનક જડસુ કેમ બની ગઈ છે? નાયિકાના પિતા દ્વારા જ એ સખી દુરાચારનો શિકાર બની છે એવું જાણતાં નાયિકાને આઘાત લાગે છે. નાયિકાના મનોભાવોનું સરસ આલેખન. પણ આવી વાર્તાઓ આપણે ત્યાં ઘણી આવી ગઈ. આ લેખક પાસેથી વધુ સશક્ત રચનાની અપેક્ષા રહે છે.

--કિશોર પટેલ, 27-01-22; 08:52

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)

Monday 24 January 2022

વારેવા ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

વારેવા ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

(૭૭૬ શબ્દો)

નવા શરુ થયેલા વાર્તામાસિકનો આ પ્રવેશાંક છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે “વારેવા”નું સ્વાગત છે.

માનવ (સંકેત વર્મા):

માણસના જીવનની યાંત્રિકતા અંગે આ વાર્તા એક વિધાન કરે છે.  દીવાલો, સળિયા, સીડી વગેરે પ્રતિકો છે. ચાર દીવાલો વચ્ચે કેદ જિંદગી એટલે આપણે સ્વીકારી લીધેલી સીમિત જિંદગી. રોજેરોજ લોખંડની સીડીઓ ઓગાળવી એટલે જીવનયાપન માટે યાંત્રિકપણે આપણે કરતાં કામ. બારીની બહારની દુનિયા એટલે આપણી બહારની દુનિયા. આકાશ અને પંખીઓ એટલે આપણા સ્વપ્નો. સહકેદી મનુકાકા એટલે જેમણે પડ્યું પાનું નિભાવી લીધું છે એવા આપણાં સ્વજનો. કાપેલાં સળિયા ફરીથી ઊગી નીકળવા એટલે આપણા પૂર્વગ્રહો, આપણી નકારાત્મકતા. સળિયા કાપતાં ઈજા થવી એટલે પ્રગતિ કરવા માટે ચૂકવવી પડતી કિંમત. વાર્તાનો નાયક આવી કેદમાંથી બહાર નીકળવા કૃતનિશ્ચય છે. બહાર નીકળીને એને જાણ થાય છે કે હજી દરિયો ઓળંગવાનો બાકી છે. જેલની બહાર એક બીજી જેલ છે. કદાચ ત્રીજી જેલ પણ હોય. આ વાત સૂચવે છે કે જીવનમાં વિઘ્નો ડગલે ને પગલે આવે છે. સંપૂર્ણપણે વ્યંજનામાં કહેવાયેલી સરસ વાર્તા.            

આદમખોર (નંદિતા મુનિ):

વિખ્યાત પ્રકૃતિપ્રેમી, પ્રાણીવિદ, શિકારી અને લેખક જિમ કોર્બેટની નોંધપોથી પરથી પ્રેરિત માનવભક્ષી દીપડાના શિકારની સ્વતંત્ર રોમાંચક કથા.

માણસનું લોહી ચાખી ગયેલો એક ખૂંખાર દીપડો અને એક અનુભવી શિકારી સામસામા આવી જાય ત્યારે કેવું દ્રશ્ય રચાય અને શિકારીની મન:સ્થિતિ કેવી થઇ જાય એનું શ્વાસ થંભાવી દે સુંદર ચિત્રણ આ વાર્તામાં થયું છે. આપણે ત્યાં શિકારકથાઓ લખાતી નથી ત્યારે આવી વાર્તાનું મૂલ્ય અદકેરું છે.

રમત (નેહા રાવલ):

નાયિકાનો પતિ ઓફિસેથી ઘેર પાછો ફર્યો નથી અને પાડોશીનું કુટુંબ દેશમાં ગયું હોવાથી પુરુષ એકલો જ છે. સ્ત્રી-પુરુષ વચ્ચે રમાતી માનસિક રમતના આટાપાટા. આ લખનારની જ એક વાર્તાનો આ બીજો ભાગ હોવાથી આથી વધુ ટિપ્પણી કરવી અનુચિત ગણાશે.      

માવઠું (વિષ્ણુ ભાલિયા):

દરિયાઇ કથાઓ લખવા માટે જાણીતા આ યુવાલેખક દરિયાની પાર્શ્વભૂમિમાં રચાયેલી એક પ્રેમકથા લઈને આવ્યા છે. ચાલુ સીઝને વરસાદ પડે એટલે માછીમારોને નુકસાન થાય. મનોજના મનમાં જાગેલા ઓરતાં ઉપર માવઠું એવું વરસી જાય છે કે એની પ્રેમકથા શરુ થતાં પહેલાં જ પૂરી થઇ જાય છે. નાયકના મનોવ્યાપારનું સરસ આલેખન. માછીમારોના વ્યવસાયની પરિભાષાનો સરસ પ્રયોગ.   

ડ્રિમલેન્ડ (શ્રદ્ધા ભટ્ટ):

કપોળકલ્પિત કથા. વાર્તામાં એવી ફેન્ટસી થઇ છે કે ભવિષ્યમાં માણસો એમનામાં સંચિત કરેલી માહિતીના જથ્થા જેવા હશે અને કેવળ ઉપરીઓના આદેશ પ્રમાણે કામ કરશે. એમને પોતાની ઈચ્છા જેવું કંઇ નહીં હોય. ટૂંકમાં ચાવી આપેલા રમકડામાં અને એમનામાં ફરક નહીં હોય. એવા એક માણસને સ્વપ્નમાં અજબ અનુભવ થાય છે. સ્વપ્નમાં એને મળવા આવેલો એક વિચિત્ર જીવ પોતાને વૃક્ષ તરીકે ઓળખાવે છે.

વૃક્ષના સ્પર્શ માત્રથી એનામાં ઊંડે ઊંડે દટાયેલી માનવીય સંવેદના જાગૃત થાય છે. એ પોતાના વિશ્વને એક નવી નજરે નિહાળે છે. જીવનમાં પહેલી વાર એ પોતાના ઉપરીના આદેશને અવગણે છે. એટલું જ નહીં એ અન્યોમાં પણ નવી ઉર્જાનો સંચાર કરવાનું શરુ કરે છે.

વાર્તાકાર એક વિધાન કરે છે કે વિજ્ઞાન ભલે ગમે તેટલી પ્રગતિ કરે, માનવીય લાગણીઓ સામે એ ક્યારેય જીતી નહીં શકે. સરસ કલ્પના, સરસ રજૂઆત.

* * *

અનુવાદ:૧ સ્વકીયા (ભગિની ભાષાની વાર્તા)  

અંકલ (અર્ગિયાસિંગારની મૂળ તમિલ વાર્તા, અંગ્રેજી  અનુવાદ: એસ,એન.ચારી, ગુજરાતી અનુવાદ: અશ્વિની બાપટ):

બાળક પ્રત્યે લાગણી હોવાનું મિથ્યાભિમાન. કોઇ કારણસર એક દંપતીએ પોતાનાં દીકરાને થોડાંક સમય માટે એના મોસાળમાં મૂકવો પડે છે. જે સહેલાઈથી પત્નીએ  આમ દીકરાને અળગો કરી દીધો તે જોઇને પતિ તેની પર આરોપ લગાવે છે કે તે પોતાના દીકરાને ચાહતી નથી. બે મહિનાના અંતે તેઓ ફરીથી દીકરા સાથે જોડાય છે ત્યારે દીકરો માને તો ભેટી પડે છે પણ પિતાને ઓળખવાનો ઇનકાર કરી દે છે! પત્ની કરતાં પોતે દીકરાને વધુ ચાહતો હોવાનો એનો ગર્વ ધૂળમાં મળી જાય છે.  

અનુવાદ: ૨ પરકીયા (વિદેશી વાર્તાનો અનુવાદ)

નિલેરા કુત્તાની આંખો (ગ્રેબિયલ ગાર્સિયા માર્ક્વેઝની મૂળ અંગ્રેજી વાર્તા, અનુવાદ: છાયા ઉપાધ્યાય):

આ લેખકે મેજિક રિયાલીઝમમાં લક્ષણીય કામ કર્યું છે. આવી વાર્તાઓને અભિધામાં સમજવી અશક્ય છે. હા, વ્યંજનામાં એકથી વધુ અર્થઘટન થઇ શકે. આ લખનાર આ વાર્તાને આ રીતે જુએ છે:

એક વાર્તાકારને નવી વાર્તાનો વિષય તો મળ્યો છે પણ એનું મુખ્ય પાત્ર લેખકને દાદ નથી આપી રહ્યું. સંપૂર્ણ વાર્તા લેખક અને પાત્ર વચ્ચેના સંઘર્ષની છે. અહીં લેખકની જગ્યાએ ચિત્રકાર, શિલ્પકાર, સંગીતકાર કે નૃત્યકારને મૂકીને પણ કોઇ આ વાર્તા જોઇ-માણી શકે.

આપણા ગુજરાતી સાહિત્યમાં આ પ્રકાર કોઈએ ખેડ્યો છે કે નહીં એની માહિતી આ લખનારને નથી.

* * *

અંકમાં ત્રણ વાર્તાઓના રસાસ્વાદ રજૂ થયાં છે, જયંતિ દલાલની એક ક્લાસિક વાર્તા “આ ઘેર પેલે ઘેર”, ગિરિમા ઘારેખાનની એક સાંપ્રત વાર્તા “આંખથી મોટું આંસુ”, અને મનોહર ત્રિવેદીની એક લઘુકથા: “ઉઝરડો”. નોંધનીય છે કે દરેક વાર્તાના મૂળ પાઠ પણ અહીં રજૂ થયાં છે. ભાવકને વાર્તા+રસાસ્વાદ એકસાથે વાંચવા મળે ત્યારે એને સંપૂર્ણ ચિત્ર સરખાવીને જોવા મળે છે.    

આ ઉપરાંત મુકામ પોસ્ટ વાર્તા વિભાગમાં હોલીવુડની એક અંગ્રેજી ફિલ્મ “સ્ટ્રેન્જર ધેન ફિક્શન” ની વાર્તાના સાહિત્યિક પાસાનો અભ્યાસ રજૂ થયો છે.  વાર્તાલેખન અંગેની પ્રાથમિક સમજૂતી આપતા વરિષ્ઠ લેખક રમેશ ર. દવેના લેખમાંથી નવોદિત વાર્તાલેખકોને આવશ્યક માર્ગદર્શન મળી રહેશે.     

--કિશોર પટેલ, 25-01-22;10:39

###        

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)

 


Sunday 23 January 2022

બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ જાન્યુઆરી ૨૦૨૨

 


બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ જાન્યુઆરી ૨૦૨૨

શનિવાર તા ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ની સાંજે આહ્લાદક ઠંડી વચ્ચે બાલભારતી કાંદીવલી, મુંબઈ ખાતે ટૂંકી વાર્તાઓનું ઉષ્માસભર પઠન યોજાઈ ગયું. કુલ ચાર વાર્તાઓનું પઠન થયું. બે નવા અને બે પ્રતિષ્ઠિત એમ ચાર વાર્તાકારોએ પોતાની વાર્તાઓનું પઠન કર્યું. કાર્યક્રમનું સંચાલન કર્યું ડો. પ્રીતિ જરીવાલાએ.

સંચાલનના પ્રારંભમાં ભૂમિકા માંડતાં પ્રીતિબેને એક સરસ વાત કરી. એમણે કહ્યું કે નવલકથા એટલે સૂર્યનો પ્રકાશ અને ટૂંકી વાર્તા એટલે આગિયાનું અજવાળું.    

ચૂંટાયેલી બે નવી વાર્તાઓમાં પહેલી વાર્તા રજૂ થઇ “ધુમ્મસ.” લેખક: પ્રફુલ આર શાહ. વાર્તામાં ગેરસમજના કારણે માનવસંબંધોમાં ઊભી થતી ગૂંચવણની વાત હતી.  બીજી વાર્તા રજૂ થઇ “ઉછીનું માતૃત્વ.” લેખક: આરતી મર્ચન્ટ. આ વાર્તામાં સરોગેસીનો મુદ્દો કેન્દ્રસ્થાને હતો.

આમંત્રિત પ્રસ્થાપિત વાર્તાકારોમાં જાણીતા પત્રકાર અને લોકપ્રિય કટારલેખક હેન્રી શાસ્ત્રીએ રજૂ કરી વાર્તા “ચમત્કાર.” સત્કર્મનું ફળ માણસને મોડુંવહેલું મળે છે એવો બોધ આ વાર્તામાંથી ફલિત થયો. લેખિની સંસ્થાના અગ્રણી સક્રિય સભ્ય ડો. પ્રીતિ જરીવાલાની વાર્તા “સ્વરૂપા શું કરે?” માં એમ આર્થિક સંકડામણમાં ફસાયેલી મધ્યમવર્ગીય સ્ત્રીની દ્વિધાનું સરસ આલેખન થયું હતું.

નવોદિત વાર્તાકારોને માર્ગદર્શન મળી રહે એવા શુભાશયથી જાહેર મંચ પરથી એમની વાર્તાઓનું વિવેચન રજૂ કરવાનો નવતર ઉપક્રમ બાલભારતીએ હમણાંથી શરુ કર્યો છે. આ પરંપરામાં આ મહિને નવી વાર્તાઓનું વિવેચન કરવા ઉપસ્થિત હતા જાણીતા લેખક-કવિ-નાટ્યકાર-સંપાદક-પ્રકાશક શ્રી. સતીશ વ્યાસ.

Premise (પૂર્વધારણા), characterization (પાત્રાલેખન), અને conflict (સંઘર્ષ) એમ ટૂંકી વાર્તાનાં ત્રણ મૂળભૂત પાસાંને ધ્યાનમાં રાખીને સતીશભાઈએ બંને નવોદિત વાર્તાકારોની “ધુમ્મસ” અને “ઉછીનું માતૃત્વ” વાર્તાઓની સઘન અને તલસ્પર્શી છણાવટ કરી. લગે હાથ સતીશભાઈએ પોતાના વિશદ જ્ઞાન અને સમજણનો લાભ બંને પ્રસ્થાપિત વાર્તાકારોની વાર્તાઓ “ચમત્કાર” અને “સ્વરૂપા શું કરે?” ને પણ આપ્યો. ઉપસ્થિત સહુ વાર્તાપ્રેમીઓને સતીશભાઈએ મોજ કરાવી દીધી.

શ્રોતામંડળમાં મુંબઈના પશ્ચિમ પરાંના એક એકથી ચડિયાતાં સાહિત્યતારલાઓની ઉપસ્થિતિથી સભાગૃહ ઝગમગી ઊઠ્યું હતું.      

કાર્યક્રમના સમાપન પછી બાલભારતીની બહાર ફૂટપાથ પર વાર્તારસિક મિત્રોની રસભરી ગોષ્ટિમાં રસભંગ કર્યો મુંબઈ શહેરના એક ફરજપરસ્ત યુવાન પ્રહરીએ. એણે કહ્યું કે ભાઈઓ, ઓમિક્રોન નામનો એક દુષ્ટ વિજાણું રાક્ષસ અદ્રશ્ય વેશે આપણી આસપાસ મંડરાઈ રહ્યો છે માટે તમે સહુ વિખેરાઈ જાઓ એમાં જ સલામતી છે. “ફરી મળીશું” કે “શુભ રાત્રિ”ની ઔપચારિકતા સિવાય સહુ છૂટાં પડી ગયાં.

--કિશોર પટેલ, સોમવાર, 24 જાન્યુઆરી 2022; 11:41.

###