Monday 29 January 2018



                            ગેમ ચેન્જર 
સોમવારની બપોરે નાશિક-સુરત સ્ટેટ હાઈવે પર વાંસદા અને ચીખલીની મધ્યમાં રહેલા પ્રતાપનગર એસટી સ્ટેન્ડ પર બસ આવી. વઘઈથી બિલીમોરા જતી  એ ભરચક બસમાંથી કોઈ નીચે  ઉતર્યું નહીં. હું બસમાં ચઢ્યો ત્યારે કંડકટર બોલ્યો, ‘કાકા, પછાડી વાંસદાથી ખાલી બસ આવતી છે!’
મેં કહ્યું, ‘માસ્તર, અરજન્ટ કામ છે.’ સોની નોટ લંબાવી હું બોલ્યો, ‘એક બિલીમોરા.’
કંડકટરે ટિકિટ અને ચેન્જ આપ્યું. બસમાં મને જોઈતી હતી એવી જ ગરદી હતી. પગ પહોળા કરી ડ્રાઈવરની કેબિનની જાળીદાર દિવાલને અઢેલી હું ઊભો રહ્યો. સ્માર્ટફોન ચેક કર્યો. મેં જોયું કે પત્નીનો મિસકોલ હતો. હશે, કામ હશે તો કરશે ફોન ફરીથી.
સુરખાઇ ફાટક પાસેથી બે કોલેજકન્યાઓ બસમાં ચઢી. એમને જોતાં જ મન તરબતર થઇ ગયું. કમસેકમ ચીખલી સુધી તો આ હરિયાળી આપણી જોડે જ રહેશે! બેમાંની એક છોકરી ગોરી હતી. એ બટકી હતી એટલે ઉંમર કરતાં નાની લાગતી હતી. તેણે લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. વાળને કસકસાવીને પોની ટેઈલમાં બાંધ્યાં હતાં. બીજી કન્યા શ્યામવર્ણી હતી. એની ઊંચાઈ મિડિયમ હતી. વાળ ટૂંકા બોયકટ હતાં. નાકનકશો મોહક હતો. સ્ટ્રેચેબલ જીન્સ અને ટૂંકી બાંયના સફેદ રંગના ચપોચપ ટીશર્ટમાંથી એનાં સપ્રમાણ પુષ્ટ દેહના ઊભાર અને વળાંક આકર્ષક રીતે પ્રગટ થતાં હતાં.
મેં ગોગલ્સ પહેર્યા પહેર્યાં હતાં. ચહેરો નિર્વિકાર રાખી હું એ શ્યામલીના સૌંદર્યનું રસપાન કરતો રહ્યો.
અચાનક કંઈ સમજાય એ પહેલાં ધડાકાભેર હું એ બેઉ કન્યાઓના દેહ પર ફેંકાયો અને પછી નીચે પડ્યો. માથામાં એક સીટનો લોખંડી હાથો મને વાગ્યો.
બધું ગોળ ગોળ ફરવા લાગ્યું. હું પડ્યો પછી મારી ઉપર શ્યામલી પડી. એ બેઠી મારા ખોળામાં જ પડી! હું ખુશ હતો કે આ પ્રવાસ માટે નક્કી કરેલો “પ્લાન-એ” મારે અમલમાં મૂકવો જ ના પડ્યો.
અચાનક બ્રેક મારવા બદલ ડ્રાઈવરને કંડકટર ગાળો દેવા લાગ્યો. ડ્રાઈવર અજાણ્યા ઢોરમાલિકને ગાળો દેવા લાગ્યો. રાનકુવા નહેર નજીક રસ્તા વચ્ચે ઓચિંતી આવી ગયેલી એક ગાયને બચાવવા એણે બ્રેક મારી હતી.
શ્યામલી તો જાણે ઝૂલા પર બેઠી હોય એમ આરામથી મારા ખોળે બેઠી હતી. મને થયું કે સમય અહીં જ થંભી જાય તો કેવું? ત્યાં એ બોલી,
‘અંકલ, બહુ ગરમ ગરમ લાગે છે!’
હું ગભરાયો. પૂછ્યું, ‘શું?’
‘તમારા શ્વાસ.’ એ બોલી, ‘અંકલ, મારી ગરદન પર તમારા ગરમ ગરમ શ્વાસ ફેંકાય છે!’
મેં કહ્યું, ‘છોકરી, હવે તું ઊઠ નહીં તો થોડી વારમાં મારું ભજિયું થઇ જશે!’ એની સખીએ એને ઊઠવામાં મદદ કરી. પછી એ બંનેએ મને ઊભો કર્યો.
ઊભા થતી વખતે મેં ઘણું નાટક કર્યું. ફાયદો એ થયો કે કોઈકે મને સીટ આપી દીધી. શ્યામલીને પણ સીટ મળી પણ પેસેજની પેલી બાજુ.  એણે એની બહેનપણીને પોતાના ખોળામાં બેસાડી.
‘અંકલ, બહુ વાગ્યું છે?’ વચ્ચે ઊભેલા એક ભાઈને ખસેડી શ્યામલીએ પૂછ્યું.
‘વાગ્યું તો છે પણ ઇટ્સ ઓકે.’ મેં કહ્યું, ‘ઉલટાનું, આપણે બંને ફાયદામાં રહ્યા!’ મેં કહ્યું. ચોંકીને બંને સખીઓ મને જોવા લાગી.
મેં કહ્યું, ‘આપણને સીટ મળી ગઈને!’
બંને હસી પડી. મેં જોયું કે શ્યામલી સતત કિલ્લોલતી હતી. બસમાં બીજી જાણી-અજાણી કન્યાઓ જોડે એ કંઈ કંઈ વાત કર્યા કરતી હતી. એવું લાગ્યું કે જાણે કોઈ વનપંખી ટહુકી રહ્યું છે! મારા મનના રંગીન ઈરાદાઓમાં થોડા રંગ ઉમેરાયા.
બાજુમાં એક ગામડિયણ સ્ત્રી ખોળામાં બચ્ચું લઇને બેઠી હતી. મેં એ બચ્ચા જોડે વાત કરવાની કોશિશ કરી. એ વાતચીતમાં શ્યામલીએ પણ રસ લીધો. વાતવાતમાં મેં થોડાક જોક કર્યા એટલે બચ્ચાની શરમાળ માતા પણ હસી પડી. એકાદ જોક પર શ્યામલીએ હાથ લાંબો કરી તાળી પણ આપી.
વાતવાતમાં મને ખબર પડી કે બટકી છોકરીનું નામ મેઘા હતું અને જેને હું શ્યામલી કહું છું તેનું નામ નેહા હતું. પણ આગળ-ઉપર હું તો એનો ઉલ્લેખ શ્યામલી તરીકે જ કરીશ.
જો એ બંને ચીખલી ઊતરી જાય તો ત્યાં જ એમની પાછળ ઊતરવાની મારી માનસિક તૈયારી થઇ ચૂકી હતી. પણ ચીખલી આવ્યું તોય એ બંને ઊતરી નહીં. કોઈક રીતે એમને વાતમાં પાડવી જોઈએ એવું હું વિચારતો હતો ત્યાં પહેલ મારી શ્યામલીએ જ કરી:
‘અંકલ, ક્યાં બિલીમોરા જવાના?’
શ્યામલીએ સિવિલ એન્જીનીયરીંગ કર્યું હતું. હાલમાં જ એ સુરતની જાણીતી કન્સ્ટ્રકશન કંપનીમાં જોડાઈ હતી. એનું ઘર બિલીમોરામાં હતું. શનિ-રવિની રજામાં સુરખાઇ એની માસીને ત્યાં ગઈ હતી. એની સખી મેઘાને ગામડું જોવું હતું એટલે એને જોડે લીધી હતી. મેઘાએ બીકોમ કર્યું હતું. સુરતમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેઢીમાં નોકરીની સાથે સીએનું ભણતી હતી. મેં કહ્યું કે હું એક રિટાયર્ડ બેન્ક ઓફિસર છું. શ્યામલીએ કહ્યું કે એના પપ્પા પણ બેંકમાં હતા. કઈ બેંક ને કઈ બ્રાંચ એવું બધું મેં કંઈ પૂછ્યું નહીં.  
બસ બિલીમોરા ડેપો પહોંચે એટલે “પ્લાન-બી” અમલમાં મૂકવા માટે હું સજ્જ થઈ ગયો.
બસ ડેપોમાં પહોંચીને ઊભી રહી એટલે તરત જ એ બંને ‘બાય અંકલ!’ કહી ઉતાવળે દરવાજા તરફ ધસી ગઈ. હું એમની પાછળ જ હતો પણ એક અનાડી વચ્ચે આવી ગયો. ઊતરતાવેંત હું સલામત જગ્યા જોઈ નીચે પડી ગયો. ‘ઓ માડી રે!’ એવી ચીસ પાડી મેં આખો ડેપો ગજાવી મૂક્યો કારણ કે મેં જોયું કે શ્યામલી ડેપોની બહાર નીકળી જવાની તૈયારીમાં હતી. 
મારી ચીસ સાંભળી શ્યામલી અટકી ગઈ. એની સખીએ મોં બગાડ્યું. પણ શ્યામલી દોડીને મારી પાસે આવી.
‘અંકલ! શું થયું? કેમ કરતાં પડી ગયાં?’
એક ભાઈની મદદથી એણે મને એક બાંકડે સૂવડાવ્યો. શ્યામલી મારે પડખે બેસી ખૂબ જ ચિંતાથી પૂછવા લાગી,
‘અંકલ, બહુ વાગ્યું છે?’
મેં ચહેરો રડમસ કર્યો એટલે એણે મેઘાને કહ્યું, ‘જો’ની ડેપોમાં ફર્સ્ટ એઇડની પેટી છે કે? નીં તો એમ કર, મેડિકલમાંથી આયોડેક્સનો સ્પ્રે લેઈ આવ, જા’ની દોડની વે’લી!’  પેલીએ શ્યામલીના કાનમાં કંઇક કહ્યું. એના હોઠની મૂવમેન્ટથી મને ખબર પડી કે એ શું કહેતી હતી. પણ શ્યામલીએ એને સ્પ્રે લાવવા ધરાર મોકલી.
હકીકતમાં મને કંઈ ખાસ વાગ્યું નહોતું. બેંકમાં વધતી જતી લૂંટફાટ સંદર્ભે હેડ ઓફિસના સર્ક્યુલર પ્રમાણે એક વાર મેનેજરે સેલ્ફ-ડિફેન્સની વર્કશોપ રાખી હતી. સુરતથી જૂડો-કરાટેના નિષ્ણાંત આવ્યા હતાં. તે દિવસે હું એટલું શીખ્યો હતો કે નીચે પડવાની વેળા આવે તો કઈ રીતે પડવું કે જેથી ઓછામાં ઓછી ઈજા થાય.  
‘અંકલ, બિલીમોરામાં શું કામ છે?’ શ્યામલી મને પૂછતી હતી, ‘ક્યાં જવાનું છે?’
“પ્લાન-બી” પ્રમાણે મારે મેમરી લોસનો અભિનય કરવાનો હતો. હું બાઘાની જેમ એને જોઈ રહ્યો. મેઘા સ્પ્રે લઈને આવી ત્યાં સુધીમાં એણે મને ઘણા સવાલ કર્યા. મારા જવાબ હતા, “મને યાદ નથી.” “હું કોણ છું?” “હું ક્યાં છું?”
મારી ભોળી શ્યામલી! બિચારી એટલી ચિંતાતુર થઇ ગઈ કે ના પૂછો વાત. મેઘાને પાકી શંકા હતી કે હું ઢોંગ કરું છું. શ્યામલી મારા ઘૂંટણ પર સ્પ્રે મારતી હતી ત્યારે મારી સામે જ મેઘાએ એને ચેતવી પણ ખરી, ‘આ અંકલ નાટક કરે છે. તું છોડ એને.’
પણ મારી વહાલી શ્યામલી! મારી ચિંતામાં એ અરધી અરધી થઇ ગઈ હતી. એ મારા સ્માર્ટફોનમાંથી મારી ઓળખાણ શોધવા લાગી. કોલ રજીસ્ટરમાં એણે જોયું કે નથી કોઈ ફોન બહાર ગયો કે નથી બહારથી કોઈ આવ્યો. એણે મિસકોલનું લિસ્ટ જોયું. એક જ મિસકોલ હતો, વેમ્પાયરનો.
‘અંકલ, આ વેમ્પાયર કોણ છે?’ હું ચૂપ રહ્યો એટલે એણે ફોન લગાવી દીધો. મેઘાના કહેવાથી શ્યામલીએ ફોન સ્પીકર પર મૂક્યો. મારી પત્નીએ ફોન ઉપાડ્યો.
‘આન્ટી, હું બિલીમોરા એસટી ડેપોમાંથી બોલું છું. આ ફોન જે અંકલનો છે એમની તબિયત થોડી બગડી ગઈ છે. અહીંયા બિલીમોરામાં એમને શું કામ છે તે પણ યાદ આવતું નથી. એમનું ગામ કયું છે એ કહેશો તો અંકલને એસટીમાં બેસાડી દઈએ.’
મારી પત્ની શું જવાબ આપશે તેની મને ખબર હતી એટલે હું “પ્લાન-સી” અમલમાં મૂકવાની તૈયારીમાં લાગ્યો.
મારી પત્ની બોલી, ‘આ ફોન મારા ધણીનો છે. એની તબિયતને કંઈ થયું નથી. આસપાસમાં કોઈ જુવાન છોકરી હશે એને પટાવવાનો પેંતરો છે આ. વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ મારવાનું ભૂલે નહીં. એની બરાબર ધુલાઇ કરો ને પછી પોલીસમાં આપી દો.’
શ્યામલીએ ફોન કટ કર્યો. મેઘાના ચહેરા પર વિજયી સ્મિત હતું. પણ મારી ભોળી શ્યામલી! એ અપાર કરુણાથી મને જોઈ રહી. ‘અંકલ, કંઈક યાદ કરવાની કોશિશ તો કરો?’
તરત મેં કહ્યું, ‘યાદ આવી ગયું. મારી વાઈફનું ચસકી ગયું છે. ડોક્ટર કહે છે કે એના મગજમાં ગાંઠ છે. કદાચ એનું ઓપરેશન કરવું પડશે. એનો એમઆરઆઈનો રિપોર્ટ મારે શ્રીજી ડાયોગોનીસ્ટિકમાંથી લેવાનો છે.’
‘જા તો મેઘા, દોડતી જા ને એક રિક્ષા લેઈ આવ.’ શ્યામલીએ કહ્યું, ‘હું અંકલને શ્રીજીમાં લેઈ જાઉં છું.’ 
રિક્ષા લાવીને પેલી બડબડ કરતી એના રસ્તે પડી. રિક્ષામાં શ્યામલીએ મારો હાથ આંગળામાં આંગળા ભીડાવી પકડી રાખ્યો હતો. મને અનેરું સ્પંદન થતું રહ્યું. મનમાં થયું કે આ પ્રવાસ કદી પૂરો જ ના થાય!
પણ હાય રે કિસ્મત! માત્ર દસ મિનિટમાં જ અમે શ્રીજી પર પહોંચ્યા. કાઉન્ટર પર એક ફટાકડી કન્યા બેઠી હતી. ચશ્માંની ફ્રેમ બદલાવે તો સુપર-ફટાકડી બને તેવી હતી. મેં કહ્યું,
‘હાય સ્વીટી!’ પેલીએ ચોંકીને મારી સામે જોયું. એ જ ક્ષણે શ્યામલીએ મારી કમરમાં ચીમટો ભર્યો.
તરત જ મેં કહ્યું, સિસ્ટર, પદમાવતીનો રિપોર્ટ આપશો, પ્લીઝ?’
ફટાકડીએ કહ્યું, ‘રસીદ આપો.’
મેં ખીસામાં ખાંખાખોળા કરી જોયા પણ કંઈ મળ્યું નહીં. હોય તો મળેને?
‘રસીદ નથી.’ મેં કહ્યું.
‘અંકલ, નામ બરાબર બોલો.’ પેલી બોલી. મેં કહ્યું, ‘કલાવતી. એમઆરઆઈનો રિપોર્ટ છે.’
શ્યામલી ધીમેથી મારા કાનમાં બોલી, ‘અંકલ, હમણાં તમે પદમાવતી બોલ્યા!’
‘એમ?’ મેં મોટેથી કહ્યું. ‘પણ એનું નામ તો લીલાવતી છે!’
ફટાકડી બોલી, ‘પહેલાં નામ ફાઈનલ કરો. ને તમે રસીદ લાવોને યાર? કેવી રીતે શોધવાનો રિપોર્ટ? તમે બે મિનીટ બેસો. હું જોઉં છું.’ એ બીજા માણસોને એટેન્ડ કરવા લાગી. શ્યામલીએ મને બાંકડે બેસાડ્યો.
‘અંકલ, રસીદ લાવ્યા હતા?’ મેં કહ્યું, ‘લાવ્યો તો હતો, ખબર નહીં ક્યાં પડી ગઈ?’
એટલામાં યુનિફોર્મ પહેરેલો પહોળા નાકવાળો એક છોકરો નજીક આવ્યો.
‘કાકા! ક્યમ છઅ? કંઈ કોમ હતુંઅ?’
મેં કંઈ ઓળખાણ બતાવી નહીં. પણ શ્યામલીથી રહેવાયું નહીં.
‘હા ભાઈ, જુઓને લીલાવતીબેનનો રિપોર્ટ લેવાનો છે. અંકલથી રસીદ ક્યાંક ખોવાઈ ગઈ છે.’ 
‘લીલાવતીબેનનો રિપોર્ટઅ?’ એ બોલ્યો, ‘કાકા, માસીનો રિપોર્ટ તો તમારો દીકરો લઇ ગયોઅ!’
આ દુનિયામાં મારો કોઈ દીકરો પણ હશે એની મને ખબર નહોતી.
શ્યામલીએ પૂછ્યું, ‘કોણ લઇ ગયું?’ યુવાને કહ્યું, ‘કાકા, પેલા ભઈ નહીંઅ? એક કોનમાં કડી નહીં પહેરતાઅ? મેમુમાં વાપી અપડાઉન નહીં કરતાઅ? એ તમારો દીકરો જ છ નહીંઅ?’
હવે મેં કહ્યું, ‘અચ્છા, કાનમાં કડી? એ તો મારો ભત્રીજો. એ લઇ ગયો રિપોર્ટ? ચાલો ઠીક.’
મેં શ્યામલીનો હાથ પકડ્યો. ‘ચાલ, જઈએ.’   
શ્યામલીએ રિક્ષા વેઈટિંગમાં ઊભી રખાવી હતી. રિક્ષામાં બેસતાં એ બોલી,
‘અંકલ, તમારા ભત્રીજાએ તમને ફોન કરીને કહેવું જોઈએને? તમને ધક્કો થયોને?’
મેં કહ્યું, ‘તો પછી શ્યામલી, આપણો મેળાપ કેવી રીતે થાત?’
એ મીઠું હસી પડી. ‘અંકલ, ખરા છો તમે!’
રિક્ષા ચાલુ થઇ એટલે મેં કહ્યું, ‘શ્યામલી, રિક્ષા સોનીની દુકાને લઇ જા.’
‘કેમ?’
મેં કહ્યું, ‘મારે કોનમાં કડી પહેરવી છઅ.’
શ્યામલી હસી હસીને લોટપોટ થઇ ગઈ. ડેપો પર પહોંચ્યા એટલે મને રિક્ષામાં જ બેસાડી મારા ગામની બસનો સમય પૂછવા ગઈ. આવીને એણે કહ્યું,
‘અંકલ, છેક દોઢ કલાક પછી તમારી એસટી મૂકાશે!’
મને તો ખબર જ હતી. છતાં મેં વિચારમાં પડવાનો ઢોંગ કર્યો.
‘અંકલ, શું કરશો દોઢ કલાક? ચાલોને મારે ઘેર?’ શ્યામલી બોલી.
મેં કહ્યું, ‘ના ના, તને કેટલી તકલીફ આપવી? હું અહીયાં બાંકડે આરામ કરીશ, શ્યામલી, તું જા હવે.’
પણ એણે જીદ કરી. ‘અંકલ, કોને ખબર પાછું ક્યારે મળાશે? ચાલોને ઘેર, પ્લીઝ?’ પછી જવાબની રાહ જોયા વિના એ રિક્ષામાં મારી જોડે બેસી ગઈ. ‘હું પાછી તમને ડેપોમાં મૂકી જઈશ.’
રિક્ષામાં મારા વિખરાયેલાં વાળ એણે પોતાના આંગળા ફેરવી સરખાં કર્યાં. ‘નાઈસ શર્ટ!’ મારું ડિઝાયનર શર્ટ  જોઇને એ બોલી. મને ખાત્રી થઇ ગઈ કે આજનો દિવસ ખાસ બની રહેવાનો છે.
બિલીમોરામાં સોમનાથ મંદિર નજીક રિક્ષા થોભી ત્યારે સોસાયટીનું વાતાવરણ જોઈને લાગ્યું કે અહીં એક વાર આવી ગયો છું. ભોંયતળિયે એક ફ્લેટની ઘંટડી શ્યામલીએ વગાડી. દરવાજો ખૂલે તે પહેલાં કયો પ્લાન અમલમાં મૂકવો એ મારાથી નક્કી થયું નહીં. મારા પેટમાં આંતરડા ગૂંચવાઈ ગયા.
શ્યામલી મારું મોઢું જોઈ ગભરાઈ. ‘શું થાય છે અંકલ?’ એણે પૂછ્યું. એટલામાં દરવાજો ખૂલ્યો.
દરવાજો ખોલનાર આદમી મને જોઈ રહ્યો અને હું એને. કાપો તો લોહી ના નીકળે એવી મારી હાલત થઇ ગઈ.
‘પપ્પા, સાઈડ આપો.’ શ્યામલી મને બાવડેથી પકડી અંદર લઇ ગઈ. મને સોફામાં બેસાડ્યો. ‘આ અંકલ એસટીમાંથી ઊતરતી વખતે પડી ગયા. એમની તબિયત સારી નથી.’
એનો પપ્પો મને અકળ મુખભાવથી જોઈ રહ્યો.
‘મમ્મી ક્યાં છે?’
મારા પરથી નજર હઠાવ્યા વિના પપ્પો બોલ્યો,
‘સોમનાથમાં ગઈ છે, તું કંઈ ચા-કોફી બનાવ. સાહેબ, શું લેશો તમે?’
બાઘાની જેમ હું એને જોઈ રહ્યો. શ્યામલી બોલી, ‘પપ્પા, મેં કહ્યુંને, અંકલની તબિયત સારી નથી!’
એ ચા બનાવવા અંદર ગઈ એટલે પપ્પો મારા પડખે બેઠો. ‘ગુરુજી, ચોર પણ સાત ઘર છોડીને ચોરી કરે છે. તમે મારી જ દીકરી પર નજર બગાડી?’
આજનો દિવસ આવી રીતે ખાસ બનશે એવું મેં ધાર્યું નહોતું. મેં “પ્લાન ઝેડ” અમલમાં મૂકી દીધો. હવે હું અલ્ઝાયમરનો દર્દી બની ગયો. કંઈ જ ના સમજાતું હોય એવો અભિનય મેં શરુ કરી દીધો.
એનું નામ રણજીત હતું. ઝેરવાવલા બ્રાન્ચમાં એ દોઢ-બે વર્ષ મારી જોડે હતો. નિતનવી અજાણી કન્યાઓ-સ્ત્રીઓ જોડે સંપર્ક સ્થાપી મૈત્રીસંબંધ બાંધવાની અને વિકસાવવાની મારી હોબીથી એ પ્રભાવિત થયો હતો. મારી મોડસ ઓપરેન્ડી જાણ્યા પછી એ અભિભૂત થઇ ગયો હતો. મને ગુરુપદે સ્થાપી એણે ટ્રેનિંગ લીધી હતી. કેટલાક પ્રોજેક્ટમાં એણે મને આસિસ્ટ કર્યો હતો તો કેટલાક એણે સ્વતંત્રપણે પાર પાડ્યાં હતાં.
શ્યામલી ચા લઈને આવી ત્યારે એનો બબડાટ અટક્યો.
‘પપ્પા, લાગે છે અંકલ સાથે તમારી દોસ્તી થઇ ગઈ છે.’
શ્યામલીએ અમને ચા સર્વ કરી. રણજીત મારા પડખેથી ઊઠી ગયો હતો ત્યાં એ બેસી ગઈ. મારા ગળે હાથ નાખી દઈને લાડ કરતાં એ બોલી,
‘મારા અંકલ છે જ એવા મઝાના!’ ફ્રેશ થઈને આવેલી શ્યામલીના દેહમાંથી સુગંધ આવતી હતી.
હું કંઈ જ બોલતો નહોતો. કોઈ શું વાત કરે મારી જોડે? ચા પીવાઈ ગઈ એટલે રણજીતે શ્યામલીને પૂછ્યું,
‘નેહા, અંકલનું શું કરવાનું છે?’
શ્યામલીએ કહ્યું, ‘અંકલની એસટીને વાર છે.’
રણજીતે કહ્યું, ‘તો એમને આરામ કરવા દે.’ 
શ્યામલીએ મને સોફામાં સૂવડાવી દીધો. અંદર જઈ તકિયો લાવી એણે મારા માથા નીચે સરકાવ્યો.       
હું આંખ મીંચી પડી રહ્યો. મને ખાત્રી હતી કે અનિચ્છાએ પણ રણજીત મારી સામે જ બેસી રહેશે.
શ્યામલીએ રણજીતને થોડીક ડીટેઇલ આપી. શ્રીજીમાં રિપોર્ટ લેવા ગયાં ત્યાં કેવી મઝા પડી એ કહ્યું. “કોનમાં કડી”નો કિસ્સો કહેતાં એ ફરીથી લોટપોટ થઇ ગઈ. થોડીક વારે એની મમ્મી આવી. સાથે સેવ-ખમણીની સુગંધ આવી. શ્યામલીએ મમ્મીને મારી વાર્તા કરી. હું ચૂપચાપ પડી રહ્યો. વાત સાંભળી મમ્મી બોલ્યા, ‘મેં હું કેમ? ભગતને બોલાવીએ?’
“ભગત” શબ્દ સાંભળી ગભરાઈને હું બેઠો થઇ ગયો. બધા મને આશ્ચર્યથી જોવા લાગ્યા. શ્યામલી હસી પડી.
‘અંકલ, ભગત એટલે ડોકટર ભગત, અમારા ફેમિલી ડોક્ટર.’ પછી એની મમ્મીને એણે કહુયું, ‘મને તો જરૂર નથી લાગતી.’
હું ફરીથી સોફામાં લાંબો થઇ ગયો. બિલીમોરાની પ્રસિદ્ધ સેવ-ખમણી મને કોઈએ ઓફર કરી નહીં.   
સમય થયો એટલે શ્યામલીએ મને બેઠો કર્યો. એણે કપડાં બદલ્યાં હતાં. સફેદ સ્કીનટાઈટ લેગીન્સ અને કાળું ઊંડા ગળાનું ટોપ. એની ઉપર બ્લેઝર. કોરાવેલી દર્શનીય નાભિમાં સોનાની રીંગ ઝૂલતી હતી. બિલીમોરા જેવા સેમી-અર્બન શહેર માટે બોલ્ડ કહી શકાય એવો લુક હતો. જે હોય તે, એ સરસ લાગતી હતી. એ સહેજ પણ વાંકી વળતી ત્યારે નયનરમ્ય દ્રશ્ય રચાતું હતું.
શ્યામલીએ સ્કુટરને કિક મારી. એના મમ્મી-પપ્પાએ સ્કુટર પર એની પાછળ બેસવામાં મને મદદ કરી.
‘અંકલ, મને બરાબર પકડીને નજીકથી બેસો.’ શ્યામલી બોલી, ‘રસ્તા કેવા થઇ ગયાં છે? પછી ચાલુ ગાડીએ કંઈ એડજસ્ટમેન્ટ થાય નહીં.’
મેં એને કમરેથી પકડી. હું એને લગભગ ચોંટીને બેઠો. સ્કુટર સ્ટાર્ટ થયું અને તરત જ હવામાં ઉડ્યું. પણ એ પહેલાં મારાથી રણજીત તરફ જોવાઈ ગયું હતું. એનાં આંખ-કાન-નાકમાંથી ધુમાડો નીકળતો મને દેખાયો હતો.
આજનો દિવસ ખાસ બનાવવાના માટે પ્લાન “ક્યુ” પ્રમાણે મેં પૂછ્યું, ‘શ્યામલી, કાલનો તારો શું પ્રોગ્રામ છે?’
‘કાલની કોને ખબર છે?’ શ્યામલીએ કહ્યું, ‘અંકલ, હું તો આજને જીવી લેવામાં માનું છું!’
મારી અંદર દસ-બાર પ્રકારના રસાયણો પ્રવૃત્ત થઇ ગયાં.   
ડેપોમાં ઇન્ક્વાયરી કાઉન્ટર પર જઈ મારા ગામની બસનો નંબર એ જાણી લાવી. પાર્કિંગમાંથી બસ શોધી કાઢી મને બસમાં બેસાડી એ મારા માટે મિનરલ વોટરની બોટલ લઇ આવી. મારી બાજુમાં બેઠી.
‘અંકલ, તમારો ફોન નંબર આપો.’ મને પાણીનો સ્વાદ કંઈ વિચિત્ર લાગ્યો એટલે મારાથી ઝટ બોલાયું નહીં. એણે મારા ફોનથી પોતાના ફોન પર મિસકોલ આપી ફોન પાછો મારા હવાલે કર્યો.
કંડકટર આવી ગયો હતો. બસ સ્ટાર્ટ થઇ અને પ્લેટફોર્મ નંબર એક તરફ જવા લાગી. શ્યામલીનું ખાતું મારી “ડાર્લિંગ બેંક”માં ખૂલી ગયું હતું. હવે હું “પ્લાન સેલેબ્રેશન” અંગે વિચારવા લાગ્યો. ત્યાં એ બોલી, ‘અંકલ, મેં તમારો નંબર ક્યા નામથી સેવ કર્યો છે તે જોવું છે?’
હું કંઈ બોલ્યો નહીં એટલે એણે જ પોતાના મોબાઈલમાં નામ બતાવ્યું, ‘માય ડીયર બિગ બોય.’
બિંગો! બે ઘડી મને થયું કે હું એસટીમાં નહીં પણ જમ્બો જેટમાં બેઠો છું!  
એ બોલી, ‘અંકલ, પપ્પાએ તો મને કહ્યું કે મારે તમારાથી ચેતીને ચાલવાનું છે. પણ યુ નો વ્હોટ? આઈ લાઈક યુ. ટુ બી ઓનેસ્ટ, આઈ લવ યુ. યુ હેવ અ યુનિક સેન્સ ઓફ હ્યુમર. કમનસીબે તમે વહેલા જન્મ્યા અથવા હું મોડી પડી. મન તો થાય છે કે હું તમને ભગાડી જાઉં.’
હું અવાચક થઇ ગયો. બસ પ્લેટફોર્મ પર લાગી ગઈ હતી. લોકો અંદર ઘુસવા પડાપડી કરતાં હતાં. શ્યામલીએ આંગળીઓ વડે મારા હોઠનું ચુંબન લીધું.
‘લવ યુ અંકલ!’ બોલી એ ગરદીમાંથી રસ્તો કરવા લાગી. તરત જ બસ ચાલુ થઇ ગઈ. એનાથી ઉતરાયું કે નહીં તે જોવા મેં માથું ફેરવ્યું ત્યારે ફટ દઈને માથામાં મને સીટનો લોખંડી ખૂણો વાગ્યો. મને ચક્કર આવી ગયાં. છેલ્લી ઘડીએ મેઘા જેવી કોઈ છોકરી બસમાં દેખાઈ. શ્યામલી ક્યાં હતી? કંઈ સમજાય એ પહેલાં હું બેહોશ થઇ ગયો.   
હું હોશમાં આવ્યો ત્યારે ચીખલીની રેફરલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં એક પલંગ પર પડ્યો હતો. હું અહીંયા કેવી રીતે આવી ગયો?
ધીમે ધીમે બની ગયેલી ઘટનાઓ યાદ આવી. ભયમિશ્રિત રોમાંચ થયો. આવું બને ખરું?
રાતના આઠ વાગી ગયા હતા. એક નર્સે કહ્યું કે મને અહીં લવાયાને માત્ર દસ મિનીટ થઇ છે જ્યારે એક વોર્ડબોયે કહ્યું કે હું ત્રણ કલાકથી અહીં પડ્યો છું. એમને એટલી ખબર હતી કે મને ચીખલી ડેપોથી અહીંયા લવાયો છે. હું બિલીમોરા જતી બસમાં હતો કે બિલીમોરાથી આવતી બસમાં એ કોઈ કહી શક્યું નહીં. ઘણી વારે મને ખ્યાલ આવ્યો કે મારી વસ્તુઓ પાકીટ, ઘડિયાળ, સોનાની ચેન, વીંટી તેમ જ સ્માર્ટફોન બધું જ ગાયબ હતું.
શ્યામલી બસમાંથી ઊતરી હતી કે નહીં? છેલ્લી ઘડીએ મેઘા બસમાં ચડી હતી?
મેં ક્યારે ભાન ગુમાવ્યું? બપોરે કોલેજ્ક્ન્યાઓ બસમાં ચડી પછી અચાનક બ્રેક લાગવાથી હું બસમાં પડી ગયો ને માથામાં સીટનો લોખંડી હાથો વાગ્યો ત્યારે? કે પછી સાંજે શ્યામલીથી  બસમાંથી ઉતરાયું કે નહીં તે જોવા પાછળ ફર્યો ને માથામાં સીટનો લોખંડી ખૂણો વાગ્યો ત્યારે? શ્યામલી મારા માટે પાણી લાવી હતી એનો સ્વાદ કેમ અલગ હતો? શું એ પાણીમાં કંઈ ભેળવેલું હતું? રણજીત કેમ ચૂપ રહ્યો? શું મેઘા અને શ્યામલીની ટીમ હતી? જેમ હું રણજીતનો ગુરુ હતો તેમ મેઘા-શ્યામલીનો ગુરુ રણજીત હતો?
પૈસા-સોનું બધું ગયું એ તો જાણે સમજ્યા પણ સ્માર્ટફોનની સાથે સાથે મારી આખેઆખી “ડાર્લિંગ બેંક” લૂંટાઈ ગઈ હતી!
* * *
(વાર્તા સાથેની તસ્વીર નેટ પરથી સંકલિત. તસવીરકાર અજ્ઞાત. વાર્તા પ્રસિદ્ધ થઇ: ચિત્રલેખા, ૨૨ જાન્યુઆરી ૨૦૧૮.)