Thursday, 6 June 2024

પરબ મે ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ




 

પરબ મે ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૫૨૯ શબ્દો)

તું છે મારામાં (પ્રફુલ્લ રાવલ)

લિવ-ઈન સંબંધની વાત.

યુગલમાંના પુરુષનું અવસાન થઈ ગયું છે. એકાદ મહિના પછી એ ફ્લેટ પર નાયિકા પાછી આવી છે જયાં એ બંને રહેતાં હતાં. નાયિકાને આવેલી જાણીને પાડોશમાં રહેતી સખી કૃતિ એને મળવા આવે છે. આ સખી જોડેની વાતચીત દરમિયાન અમુક વિગતો સ્પષ્ટ થાય છે. જેમ કે પરુન (નાયિકાનો સાથી) પરિણીત હતો, બીમાર હતો, એની પત્નીથી થાકેલો-કંટાળેલો હતો. બધી વિગતો એક જ વાત પર વજન આપે છેઃ મરનાર પરુન અને નાયિકા માનસીના લિવ-ઈન સંબંધ તદ્દન યોગ્ય હતા. પરુનના અધિકૃત લગ્નસંબંધ સંધ્યા નામની સ્ત્રી જોડે થયેલાં પણ એ સંબંધમાં પરુન દુઃખી થયેલો વગેરે.

લિવ-ઈન સંબંધ વિષય પર વાર્તાઓ નહીંવત લખાય છે. આ પહેલાં એતદના સપ્ટેમ્બર ૨૦૨૩ અંકમાં કાલિન્દી પરીખની “સિગારેટ” વાર્તા વાંચવામાં આવી હતી. એ પછી આ બીજી વાર્તા. આ વાર્તાનું પણ સ્વાગત છે.

વાર્તામાં એક નવા અને અજાણ્યા શબ્દ “સંવિદ” નો પ્રયોગ જોવા મળ્યો છે. વાક્યરચના અનુસાર એનો અર્થ “ચિત્ત” એવો થાય છે પણ ભગવદગોંડલ શબ્દકોશ અનુસાર “સંવિદ” = સંમતિ, જ્ઞાન, સમજશક્તિ, બુધ્ધિ વગેરે. (જુઓ સંલગ્ન છબી)

ચલણમાં ના હોય એવા શબ્દના ઉપયોગ કરવાનો હેતુ ચર્ચા માંગી લે એવો છે.

તું તો આવીશ ને? (પૂજન જાની)

પ્રેમકથા.

કથક અને અનિતાનો નાનપણનો પરિચય. બંનેના ઘર અને સ્કુલ નજીકમાં. અનિતા પ્રત્યે કથકને પહેલેથી જ આકર્ષણ છે. ઘરની જવાબદારીઓ સંભાળવામાં કથકનો અભ્યાસ અધૂરો રહ્યો અને અનિતાનો સંપર્ક રહ્યો નહીં. ઘેર ઘેર ફરીને શાક વેચવાનો વ્યવસાય કરતા કથકને અનિતા ફરી એક વાર મળી જાય છે શાકની ખરીદી કરતી એક ગ્રાહકના રુપે. જો કે અનિતાના પતિ ચોકસાઈભરી નજરના પરિણામે કથક અને અનિતાનો સંબંધ ફેરિયા અને ગ્રાહક સુધીનો સીમિત રહે છે. અનિતાના પતિના આકસ્મિક મૃત્યુના મહિના પછી કથકને અનિતાનો એક ફોન આવે છે, અગત્યનું કામ છે, મળી જજે.

કથક મનોમન હવામાં મહેલ ચણવા માંડે છે કે અનિતા જોડે નવેસરથી સંબંધ બંધાશે. શુ કથકની મહેચ્છાઓ પૂરી થાય છે? અનિતાએ ખરેખર શા કામે કથકને મળવા બોલાવ્યો હતો?

કથકના મનોવ્યાપારનું સરસ આલેખન. સારી વાર્તા.

વાર્તામાંથી એક નવી જાણકારી મળી. સામાન્ય રીતે આપણા દેશમાં લગભગ સર્વત્ર પારસીઓને આપણે “બાવાજી” તરીકે ઓળખીએ/સંબોધીએ છીએ. ઉત્તર ગુજરાત તરફ ગોસ્વામી કુળના બ્રાહ્મણો પણ “બાવાજી” તરીકે  ઓળખાય/સંબોધાય છે. વાર્તામાં કોણ કોને બાવાજી કહે છે એ જાણવા તો નવી પેઢીના આશાસ્પદ વાર્તાકારની આ વાર્તા વાંચવી પડશે.

બીજું કે વાર્તામાં એક પ્રયોગ થયો છે. વાર્તા નાયકના પોઈંટ ઓફ વ્યૂથી પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી રજૂ થઈ છે. પણ વચ્ચે જ કથનનો એક ટુકડો નાયિકાના મનોવ્યાપારનું આલેખન કરવા માટે કામચલાઉ રીતે ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્રમાં ફેરવાઈ જાય છે.

હાલમાં આપણાં એક પ્રસિધ્ધ અને વરિષ્ઠ વાર્તાકાર સુમન શાહની એક વાર્તા વાંચવામાં આવી. એમાં વાર્તાનું એક પાત્ર પ્રથમ વ્યક્તિના પોંઈટ ઓફ વ્યૂથી કથન કરે છે પણ વચ્ચે વચ્ચે એને લહેર પડે ત્યારે પોતાનો ઉલ્લેખ એ “હું” તરીકે નહીં પણ ત્રીજી વ્યક્તિ તરીકે કરે છે. 

સામાન્ય રીતે આમ કથનકેન્દ્ર બદલાતું નથી. જ્યાં સુધી આ વાર્તાની વાત છે એનો સૂર ધ્યાનમાં લેતાં જે તે સમયે નાયિકાના મનોવ્યાપારનું વર્ણન કરવાની જરુર હતી કે કેમ એ પણ એક પ્રશ્ન છે. ઉલ્ટાનું એના મનોભાવો જેટલાં મોઘમ રહે એટલું વાર્તા માટે સારું રહે એવું આ લખનારને લાગે છે.

--કિશોર પટેલ, 06-06-24 08:32

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: