નવચેતન માર્ચ, એપ્રિલ અને મે ૨૦૨૪ અંકોની વાર્તાઓ વિશે નોંધ
સંતાકૂકડી (જેસંગ જાદવ)
નાનું બાળક નજરથી થોડુંક પણ દૂર થાય ત્યારે કઈ માતા ચેનથી બેસી રહે? ઘડીક પહેલાં નજીકમાં જ રમતો વિઆન અદ્રશ્ય થઈ જાય છે. પારુલ બધે જ તપાસ કરે છે પણ નથી વિઆન મળતો કે નથી મળતી એની કોઈ ભાળ. છોકરો ગયો ક્યાં? પારુલને ના કરવાના વિચારો પણ આવી જાય છે. બાળકની બાબતમાં માતાથી વધુ ચિંતા કોને થાય?
એક માતાની મનોદશાનું સરસ આલેખન. સરસ રજૂઆત. (માર્ચ ૨૦૨૪)
છ જણાનું ફેમિલી (સતીશ વૈષ્ણવ)
મૈત્રીભાવનાની વાત.
ઘરનાં એકાદ સભ્યની માંદગી પ્રસંગે આખા ઘરનું રુટિન અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે. નવીનની પત્નીને હોસ્પિટલાઈઝ્ડ કરી હોય એવા પ્રસંગે ફાજલ પડેલું સ્કુટર નવીનને આપવા માટે ફાલતુ કારણસર મોટો ભાઈ ના પાડી દે છે. એવા સમયે નવીનની મદદે આવે છે એનો મિત્ર કુલીન. કુલીન બધું જ સંભાળી લે છે. નવીનના પુત્રને પોતાને ઘેર લઈ જાય જેથી તેને પોતાના દીકરાની એટલે કે સમવયસ્ક મિત્રની સોબત રહે છે. નવીનની સગવડ માટે એ પોતાની કાર ડ્રાઈવર સહિત ફાળવી દે છે. એ કહે છે, તમે ત્રણ (પતિ-પત્ની-બાળક) અને અમે ત્રણ એમ છ જણાનું એક જ ફેમિલી છે.
પોતાનાં મોં ફેરવી લે છે ત્યારે મિત્ર કામ આવે છે. વિગતવાર સમજૂતીઓ આપતી રજૂઆત. (માર્ચ ૨૦૨૪)
ધણીપણું (સુરેખા બાપટ લિખિત મૂળ મરાઠી વાર્તા,અનુ. આશા વીરેન્દ્ર)
વર્ષો સુધી જીવનસાથી પત્નીની લાગણીઓની ઉપેક્ષા કર્યા પછી એની પાસેથી સ્નેહાળ પ્રતિસાદની અપેક્ષા રાખતા પતિને સરિયામ નિષ્ફળતા મળે છે. નાનકડી પણ મઝાની વાર્તા. (માર્ચ ૨૦૨૪)
ચાર વળની વીંટી (અમી ઠક્કર)
સતત ચેતવણીઓ આપ્યા પછી પણ પતિ શેરબજારમાં રમતો રહે છે. એક દિવસ એ મોટું નુકસાન કરી બેસે છે. ઘર વેચાઈ જાય છે. પત્નીના દાગીના વેચવાની સ્થિતિ આવી જાય છે. નાયિકા પોતાને બહુ જ ગમતી ચાર વળની વીંટી રાખી લે છે પણ છેવટે એ પણ એને આપી દેવી પડે છે.
નાયિકાની કપરી મનોદશાનું સરસ આલેખન. સરસ વાર્તા. (માર્ચ ૨૦૨૪)
પૂર્ણ ચક્ર (અશોક નાયક)
બે કોમના સભ્યો વચ્ચેની મૈત્રી કોમી રમખાણો પછી પણ અકબંધ રહે છે એટલુું જ નહીં બીજી પેઢી સુધી બરકરાર રહે છે. પાત્રોના વર્ણાનુપ્રાસ નામો જેમ કે મજીદ-મનહર, સલમા-સુરેખા, આમિર-અમર વગેરે, ધ્યાનાકર્ષક છે. ધર્મના અનુયાયીઓ માટે બોધપ્રધાન રચના. (માર્ચ ૨૦૨૪)
મહીં તો બધાં ભેગાં ને ભળેલા (સ્વાતિ મેઢ)
વ્યંગકથા.
ઉનાળાના દિવસોમાં ભવાનકાકાના ફાર્મહાઉસમાં ગાયો, ભેંસો, બકરીઓ અને મરઘાંએ હડતાળ પાડી. કેમ તો કે આવા સખત તાપમાં માલિકો એરકંડીશન્ડ બંગલામાં સૂએ અને પોતે ગમાણમાં બંધ બારણે સૂવાનું? પાળેલાં પ્રાણીઓએ દૂધ આપવાનું બંધ કર્યું, મરઘાંએ ઈંડા મૂકવાનું બંધ કર્યું. એક જ નારોઃ હમારી માંગે પૂરી કરો!
મઝાની હાસ્યવાર્તા.
“ડૂબતો શું ન કરે?” વાર્તામાં આવો એક શબ્દપ્રયોગ થયો છે. આ શબ્દપ્રયોગ હિન્દી ભાષાના શબ્દપ્રયોગ “મરતા ક્યા ના કરતા” નો શાબ્દિક અનુવાદ છે. આવી સ્થિતિ માટે આપણી ભાષામાં સમાનાર્થી કહેવત છેઃ ડૂબતો માણસ તરણું ઝાલે.” (એપ્રિલ ૨૦૨૪)
એલી હાઉસ (ગિરા પિનાકિન ભટ્ટ)
એકાદ વર્ષથી પણ વધારે સમયથી ચાલી રહેલાં રશિયા-યુક્રેન યુધ્ધની વિનાશક અસર બાળકો પર પણ પડી છે. એમની દુર્દશા કોઈ પણ સંવેદનશીલ માણસને હચમચાવી દે એવી છે. અસરકારક આલેખન.
સાંપ્રત અને આંતરરાષ્ટ્રીય દુર્ઘટનાની અસર આપણી વાર્તાઓમાં ઝીલાય તે અગત્યનું છે. સારી વાર્તા. (મે ૨૦૨૪)
રસ્તો (ડો. કિશોર પંડ્યા)
નવરાત્રિના દિવસોમાં વરસાદના કારણે ગરબાશોખીનોની હાલત ખરાબ થઈ જાય છે કારણ કે રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. અમર અને સુમિત્રાની બાઈક પાછળ મવાલીઓની બે-ચાર બાઈકસવારો પડે છે પણ તેઓ એમના મલિન ઈરાદાઓમાં સફળ થતાં નથી. કારણ? રસ્તામા ઠેર ઠેર પડી ગયેલાં લાંબા-પહોળા અને ઊંડા ભૂવાઓ.
વાર્તા અધૂરી જણાય છે. મવાલીઓને કાદવ-કીચડમાં પડવા દેવા જોઈતા હતા. રાહદારીઓ એમની સ્થિતિ પર હસે એવું વાતાવરણ સર્જવું જોઈતું હતું અથવા પોલીસના હાથે એમની ધુલાઈ થાય છે એવું કંઈક બતાવવું જોઈતું હતું. (મે ૨૦૨૪)
ચિત્રમાં ખિસકોલી (ધર્મેશ ગાંધી)
લાંબા અંતરના પ્રવાસમાં ટ્રેનમાં અદિતિ વડાપાંઉ ખાતી એક બાળકીને ચિત્રપોથીમાંની ક્વિઝનો ઉકેલ શોધતી જુએ છે, ક્વિઝ છે જંગલમાં છુપાયેલી ખિસકોલીને શોધી કાઢવાની.
ચિત્રમાંની ખિસકોલી સાથે અદિતિ સમાનુભૂતિ અનુભવે છે. જંગલી જાનવરોથી બચવા જેમ ખિસકોલી છૂપાઈ ગઈ છે એમ એક સમયની જાણીતી ગ્લેમરક્વિન અદિતિ પણ સમાજમાં સભ્યતાના અંચળા હેઠળ રહેલાં લોલુપ પુરુષોથી બચવા ફેશનની દુનિયાથી દૂર જઈ રહી છે.
એક તરફ અદિતિની છબીવાળો છાપાંનો કાગળ અદિતિ બહાર ફેંકી દે છે અને બીજી તરફ નાનકડી બાળકી ખિસકોલીના ચિત્રમાં રંગ પૂરવા માંડે છે. અદિતિ પણ એક નવી ઓળખની શોધમાં આગળ વધી રહી છે. હકારાત્મક અંત. સારી વાર્તા. (મે ૨૦૨૪)
–કિશોર પટેલ, ૨૨ જૂન ૨૦૨૪.
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
Posted on Facebook on 22 June 2024, 0905 hrs.
No comments:
Post a Comment