Tuesday 9 October 2012

સુમન રમત રમતી હતી?

મિત્રો,
વિચાર કરો કે એક સાંજે તમે ઘરે એકલા છો અને તમારી મનગમતી પાડોશણ તમને ચા પીવા બોલાવે છે.  પછી ખબર પડે કે એ પણ ઘરમાં એકલી જ છે.  શું થાય છે આવા સંજોગોમાં? વાંચો  પ્રસ્તુત  ટૂંકી વાર્તા 'સુમન રમત રમતી હતી?'


ટૂંકી વાર્તા સુમન રમત રમતી હતી? કિશોર પટેલ

ઓફીસથી પાછો ફર્યો. તાળુ ઉઘાડતો હતો ત્યાં કોઈકનો પ્રશ્ન સંભળાયો:'એકલા જ છો?'
બીજા કોઈએ આ પ્રશ્ન પૂછ્યો હોત તો ચિડાઈને કહેત કે ના, ઘરમાં બધાને બંધ કરીને ગયો હતો! પણ આ પ્રશ્ન સુમને પૂછ્યો હતો. અને સુમન પર હું કેવી રીતે ચિડાઉં?સુમન સ્વભાવની મીઠડી છે.પાતળીઊંચી અને કમનીય દેહલાલિત્ય ધરાવતી પ્રસન્નવદના લાવણ્યમયી સ્ત્રી છે.ભલે મારી પત્નીને એ દીઠી પણ ના ગમતી હોય,મને તો એ ખૂબ જ ગમતી સ્ત્રીઓમાંની એક છે.
'હા, એકલો જ છું,' હસીને મેં કહ્યું, 'સવારે જ સહુ ગયા દેશમાં!'
'તો આવો, ચા પીવા!છાતી પર અદબ વાળી પોતાના ઘરના દરવાજાને અઢેલી એ ઊભી હતી. એવું લાગતું હતું કે એ પણ હજી હમણાં જ ઓફિસેથી આવી હતી.
હું હા-ના કરું એ પહેલા એણે કહ્યું, 'આવો ફ્રેશ થઇને!'
*  *  *
વેકેશન ચાલતું હતું. આજુબાજુના બધા ઘર બંધ હતા. મેં સુમનના ઘરની ડોરબેલ વગાડી. તરત જ દરવાજો ખૂલ્યો. એણે સસ્મિત સ્વાગત કર્યું.
ઘરમાં સુરેશ એટલે કે એનો પતિ દેખાયો નહિ.  'શું કરે છે સુરેશ?'  પૂછતા હું સોફામાં ગોઠવાયો.
'એ હજી આવ્યો જ ક્યાં છે?'  એટલું કહી એ રસોડામાં ગઈ.
પતિ ઘરમાં ના હોય ત્યારે આ રીતે મને એણે ચા પીવા બોલાવવો જોઈતો નહોતો. પણ એક પાડોશી એકલો પડી જાય ત્યારે બીજો પાડોશી એને ચા પીવા બોલાવે એમાં ખોટું શું હતું?
ચાની  જોડે બિસ્કીટ પણ હતા.ચાની એક ચૂસકી લઇ મેં કહ્યું, 'સુંદર.'
'શું?'
'ચા. સરસ બની છે.'
'ઓહ થેન્ક્સ.મને એમ કે-'
એને શું લાગ્યું હતું? મેં એના વખાણ કર્યા હતા? એ તો હતી જ સુંદર. બહારથી આવ્યા પછી મેકઅપ ધોઈ નાખ્યો હતો એટલે  વધુ તાજી, વધુ સુંદર લાગતી હતી.
'થેન્ક્સ ફોર ધ ટી.હું ઊભો થઇ ગયો.
'એમાં થેન્ક્સ શું?' કહેતા મને વળાવવા   એ પણ ઊભી થઇ. 
*  *  *
કપડા બદલી હું સોફામાં પડ્યો.એક અંગ્રેજી સામયિકના પાના ફેરવ્યા.એક એડ પર નજર અટકી. ટોવેલ બનાવતી એક કંપનીની એડ હતી. એક સુંદર તરુણી શરીરે કેવળ ટોવેલ વીંટાળીને  ઊભી હતી. પૂછતી હતી, 'મારાથી ટોવેલ શોભે છે કે ટોવેલથી હું?'
ખાસી વાર તસવીરમાંની એ તરુણીને હું જોઈ રહ્યો. ધીમે ધીમે મને એમાં સુમન દેખાઈ. આ રીતે કેવળ ટોવેલમાં સુમન કેવી લાગતી હશે?

બીજી જ ક્ષણે  હું શરમાયો. ટીવી ચાલુ કર્યું. ચેનલ સર્ફિંગ કરતાં  કરતાં  માંડ સાડાનવ  વગાડ્યા. જમી લેવું જોઈએ એવું વિચારી ઊભો થયો ત્યાં ડોરબેલ વાગી.
જોયું તો સુમન.
'જમવાનું શું કર્યુંનહીં તો ચાલો અમારે ત્યાં!'
'થેન્ક્સ. રસોઈ તૈયાર છે.' મેં ખુલાસો કર્યો. 'એ ઘણી બધી વાનગી બનાવીને ગઈ છે. મારે તો ભૂખ લાગે એટલે ફ્રીજમાંથી જોઈતી ડીશ કાઢી ઓવનમાં ગરમ કરી જમી લેવાનું!' પછી મેં પૂછ્યું, 'આવી ગયો સુરેશ?'
'ના.સાત વાગે આવી જવાનો હતો. હજી પત્તો નથી!એણે જવાબ આપ્યો.
'ટ્રેનના કંઈ લોચા હશે.' મેં કહ્યું, 'આવી જશે.'
એ જતી રહી. મેં જમી લીધું. સુમન એકલી હતી એ વાત હું ભૂલી ગયો. એકલો પડી જાઉં છું ત્યારે મૂશ્કેલીથી ઊંઘ આવે છે. મોડે સુધી ટીવી જોયું.માંડ માંડ આંખ ઘેરાવા માંડી ત્યાં ડોરબેલ વાગી.
રાતના સાડાબાર વાગે કોણ હશે?
મેજિક આઈમાંથી જોયું તો સુમન!
મેં દરવાજો ખોલી નાખ્યો. 'તમે હમણાં?'
'સુરેશ હજી આવ્યો નથી!' એ રડમસ અવાજે બોલી. મારી છેક જ ઊંઘ ઉડી ગઈ. 'આવોને અંદર!' મેં કહ્યું.
ઘરમાં આવી એ સોફામાં બેઠી. મેં અંદર જઈ  મોઢું ધોયું. બહાર આવી મેં જોયું તો એ મુન્નાના રમકડાથી રમતી હતી.ઘડીક પહેલા એ રડવા જેવી થઇ ગઈ હતી એના મો પર ચિંતાના કોઈ લક્ષણ દેખાતા નહોતા.
'શું કરશું?' મેં પૂછ્યું.
એક નજર મારી પર નાખી એ ફરી રમકડાથી રમવામાં વ્યસ્ત થઇ ગઈ.
મેં જોયું કે એ સરસ  મજાની તૈયાર થઇ હતી. એણે વસ્ત્રો બદલ્યા હતા.રંગીન ભાતવાળી નાયલોનની સુંદર સાડી, મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝછૂટા મુકેલા કોરા કેશ, કાનમાં લાંબા લટકણીયા, એક હાથમાં ડઝન બંગડીઓબીજા હાથમાં ઘડિયાળપગમાં સાડી જોડે મેચિંગ સેન્ડલ. 
રાતના સાડાબાર વાગે મારા ઘરની ડોરબેલ વગાડવા એણે આ વસ્ત્રસજ્જા કરી હતી? કે આ રીતે તૈયાર થઈને એ સુરેશની  રાહ જોતી હતી?
એ મારી પાસેથી મદદની આશાએ આવી હતી.મેં કહ્યું, 'હું એક આંટો સ્ટેશન સુધી મારી આવું.'
રમકડું સોફામાં પડતું મૂકી એ ઊભી થઇ ગઈ. 'હું પણ આવું છું.'
*  *  *
રસ્તો સાવ નિર્જન હતો.

'આજે તો શુક્રવાર છેને?' અચાનક મને યાદ આવ્યું.

'હા,કેમ?' સાડીછેડો બંને ખભે વીંટાળી છાતી પર અદબ વાળી  ચાલતી હતી.

'શુક્રવારે તો સુરેશ થાણે જાય ેનેત્યાંજ રોકાય છેને?'  થાણેમાં સુરેશના માતાપિતા રહેતા હતા. દર શુક્રવારે સુરેશ નિયમિતપણે થાણે જતો હતો અને રાત ત્યાંજ રોકાતો હતો. એજ રીતે સુમન પણ એના પિયર ઘાટકોપર જતી અને રાત ત્યાં જ રોકાતી. બેઉ જણ શનિવારે સાંજે ફરી પાછા  અહીં ભેગા  થતા.  નિયમ ભાગ્યે  તૂટતો અને પાડોશી હોવાના નાતે અમે સહુ આ નિયમ  જાણતા  હતા.

'હા, પણ થાણેમાં કોઈ છે નહીં. મારા સાસુસસરા જાત્રાએ ગયા છે.' સુમન બોલી, 'એટલે  સુરેશ  ઓફિસેથી સીધો ઘેર  આવવાનો હતો.'

' ઘાટકોપર તો નહીં ગયો હોય?' મેં પૂછ્યું.

'હોય કંઈ? મને અહી આવવાનું કહી  ત્યાં શું  કામ  જાય?'

હું ચૂપ થઇ ગયો. સ્ટેશન નજીક આવતું હતું.કોણ જાણે કેમ પણ મને સુમને કરેલા ખુલાસા પર શંકા આવતી હતી. સ્ટેશન પરના એક કોઈન બોક્સમાંથી સુરેશની ઓફિસ, થાણે અને ઘાટકોપર એમ ત્રણે જગ્યાએ ફોન કરી જોયા પણ બધેથી "નો રીપ્લાઈ" આવ્યો.
મુંબઈ તરફથી એક લોકલ આવી.મારી ધારણા કરતાં વધુ પ્રવાસી એમાંથી ઉતર્યા.મારી નજર સુરેશને શોધતી હતી.એક વાર સુરેશ દેખાય એટલે ઝંઝટ જાય.
ઝંઝટ? સુમન ઝંઝટ હતી?
પ્લેટફોર્મ ખાલી થઇ ગયું.
'નથી.' મેં કહ્યું.
'કોણ?'
'સુરેશ.' કંઈ તંદ્રામાં હતી એ?
'આપણે પેલા બાંકડે બેસીએ?' એણે પૂછ્યું અને મારા જવાબની રાહ જોયા વિના એ તરફ ચાલવા માંડ્યું. અમે એ બાંકડે ગોઠવાયા.
પરપુરુષ જોડે ઉઠવાબેસવામાં  એક અંતર જાળવવું જોઈએ  નિયમ  પ્રમાણે જોઈએ તો  સુમને એ નિયમનો ભંગ કર્યો હતો. એ મારી અડોઅડ  બેઠી હતી. એની સાડીનો મુલાયમ સ્પર્શ મારા મનને અવળે રવાડે ચડાવી રહ્યો હતો. હું કંઈક પહેલ કરું એ પહેલા એક કુલ્ફીવાળો ભૈયો પ્રગટ થયો.
પરણ્યા પછી પહેલી વાર જુહુ બીચ ફરવા ગયો હતો. ત્યાં આ જ રીતે એક કુલ્ફીવાળો અચાનક પ્રગટ થયો હતો. એને ખટાવ્યો ત્યારે જ ત્યાંથી હટ્યો હતો.સુમને  બે કુલ્ફી લીધી. તરત જ મેં પૈસા ચૂકવી દીધા.
ના,સુમન ઝંઝટ નહોતી. પણ કંઈક  બોજો લાગતો હતો. કંઈક ટેન્શન લાગતું હતું.
'આવું બન્યું છે કોઈ વાર?'  મેં પૂછ્યું,  'કહ્યા વિના એ મોડો આવ્યો હોય?'
'ના,ચાર વર્ષમાં ક્યારેય નહીં.'
દૂરથી બીજી ટ્રેન આવતી દેખાઈ.હું ઊભો થઇ ગયો.
'બેસોને?'  એણે મારો હાથ પકડી લીધો. 'આવશે એટલે દેખાશે!'
એ શું ઈચ્છતી હતી? સુરેશ આવે જ નહીં?
એ ટ્રેનમાં પણ સુરેશ આવ્યો નહીં.
'સવાએક વાગ્યો. હવે રાહ જોવાનો અર્થ નથી.આપણે ઘેર જઈએ.' કહી એ ઊભી થઇ ગઈ.એણે અદબ છોડી દીધી હતી.સાડીછેડો ડાબા ખભે વ્યવસ્થિ ગોઠવાયેલો હતો. બાંય વિનાના  બ્લાઉઝના  કારણે એનો જમણો ખભો અને બાહુ અનાવૃત હતા.

સ્ટેશન પરના સ્ટોલ પરથી સિગારેટનું પાકીટ લેવા હું રોકાયો.  મેં જોયું કે પસાર થતો દરેક  માણસ સુમનને જોતો જોતો જતો હતો. વાતથી બેખબર સુમન પ્લેટફોર્મ પર લાગેલા એક રોમેન્ટિક ફિલ્મના પોસ્ટરને જોતી ઊભી હતી.

'ચાલો.'  મેં કહ્યું.
'તમે જોઈ છે આ ફિલ્મ?'  એણે મને પૂછ્યું. હું હા કે ના કહું એ પહેલા એ બોલી,'કેટલી વાર સુરેશને કહ્યું પણ એ ટીકીટ લાવતો નથી અને ફિલ્મ જોવાતી નથી.'
શું મારે એને ફિલ્મ જોવા લઇ જવાની હતી?  મારા ઘરના સહુ દેશમાં ગયા હતા. આ એક ઉત્તમ તક હતી. પણ કોઈને ખબર પડે તો?
મારાથી ઝટ કંઈ બોલાયું નહીં. એણે પૂછ્યું, 'તમે કર્યું છે આવું કોઈ વાર?'
'કેવું?'  હું ચોંકી ઉઠ્યો.
'આમ, પત્નીને ખૂબ રાહ જોવડાવી હોય?'
મારાથી હસી પડયું.'એમાં એવું છેને સુમન, પુરુષજાત ને હજાર કામ હોય. ક્યારેક થાય મોડું.'
'થેન્કયુ.'  એ બોલી.
મને નવાઈ લાગી.'થેન્કયુ શેના માટે?'
'મને નામથી બોલાવી એ માટે.' એવું લાગતું હતું કે એ મારી અડોઅડ ચાલતી હતી. 'સુરેશ હજી મને નામથી બોલાવતો નથી.'
અમે ઘેર પહોંચ્યા. મેં મારા ઘરનું તાળું ખોલ્યું. એ દાદરના કઠેડાને અઢેલી ઊભી હતી. પોતાનું ઘર ખોલવાની ઈચ્છા કે ઉતાવળ એને હોય એવું લાગ્યું નહીં.
દરવાજો અધખુલ્લો રાખી સહેજ ધીમેથી મેં કહ્યું, 'આવોને?' તરત જ એ મને સહેજ ઘસાઈને અંદર પ્રવેશી ગઈ. પોતાનું જ ઘર હોય એમ આરામથી સોફામાં બેસી ગઈ.
અજાણ્યા કશાક ભયથી હું કંપી ઉઠ્યો. દરવાજો ખુલ્લો રાખવો કે બંધ કરવો   એની દ્વિધામાં હતો ત્યાં એ બોલી, 'દરવાજો બંધ કરી દો, મચ્છર આવી જશે.'
મેં દરવાજો બંધ કર્યો. સ્ટોપર પણ લગાવી. ધક ધક કરવા લાગ્યું મારું હૃદય.
'ચા બને એટલું દૂધ છે?'  એણે પૂછ્યું.
'હા, છે ને!'  હું તત્પરતાથી રસોડામાં જતો રહ્યો. ચકડોળે ચઢેલા મારા મનને કાબૂમાં લેવાની હું ભગીરથ કોશિશ કરી રહ્યો.
ચા પીવાઈ રહી એટલે સુમને ફરમાઈશ કરી, 'આપણે કેરમ રમીએ?'
'હમણા?'  મને નવાઈ લાગી.
'તમને ઊંઘ આવે છે?'
મને શું થતું હતું એને કેવી રીતે કહું? મેં કહ્યું, 'રાતના બે વાગી ગયા છે, મુંબઈ તરફથી હવે કોઈ ટ્રેન નહીં આવે. સુરેશ હવે નહીં આવે.'
'એક જ ગેમ, પ્લીઝ!એણે વિનંતી કરી.
કેરમ બોર્ડ બહાર કાઢી મેં ટીપોય પર ગોઠવ્યું. એણે ફટાફટ કોઇન્સ ગોઠવી. મેં બોરિક પાવડર છાંટ્યો. પહેલું બોર્ડ એ જીતી. બીજું બોર્ડ હું જીત્યો.એ સમય પસાર કરવા નહીં પણ ગંભીરતાથી રમતી હતી.
વેકેશન ચાલતું હતું. સોસાયટીમાં ખૂબ ઓછા ઘરમાં વસ્તી હતી. એનો પતિ ઓફિસથી આવ્યો નહોતો. મારા ઘરમાં બીજું કોઈ નહોતું.
હાથ લાંબો કરું તો સ્પર્શી શકું એટલી નજીક હતી સુમન. લાવણ્યમયી સુમન. સૌન્દર્યવતી સુમન. સુમન કામણગારી.
અમારી રમતમાં સહેજ ફરક હતો. મારા સ્ટ્રેટ શોટ પાવરફુલ હતા જ્યારે એના કટ્સ  અદભૂત  હતા. મારી રમતમાં અનુભવ અને તાકાતનું મિશ્રણ હતું જ્યારે એની રમતમાં હતી નજાકત  અને કળા.
ત્રીજું બોર્ડ જીતી લઇ એ બેસ્ટ ઓફ થ્રીની મેચ જીતી ગઈ.
'અભિનંદન.' કહી મેં હાથ લંબાવ્યો.મારો હાથ ઝાલી લઇ એણે સ્મિત કર્યું.
'હજી એક ગેમ, પ્લીઝ ના નહીં કહેતી, સુમન!' મેં કહ્યું.
'હાર્યો જુગારી બમણું રમે.' ધીમેથી હસી એણે હળવેથી પોતાનો હાથ મારા હાથમાંથી સેરવી લીધો.
'જે માનવું હોય તે માન.' મેં કહ્યું, 'તારી જોડે રમવામાં મઝા પડે છે.'
અમે ફરી કોઇન્સ ગોઠવી. બોર્ડ પર પાવડર છાંટતી વેળા એણે જાણીજોઈને થોડોક પાવડર મારા હાથ પર છાંટ્યો. બનાવટી ગુસ્સો કરી ચપટીક પાવડર મેં એના ગાલે ઘસ્યો.
મીઠો છણકો કરી સાડીછેડાથી એણે ગાલ લૂછી કાઢ્યો.  
'સુમન, તારા ઘરમાં કેરમ બોર્ડ નથી?'
'છેને?' એણે કહ્યું, 'પણ સુરેશને રમતા જ ક્યા આવડે છેએને આ રમતમાં રસ જ નથી.' સ્ટ્રાઈકર મારી તરફ લંબાવતા એણે પૂછ્યું, 'તમે ક્યાંથી શીખ્યા આટલું સરસ રમતાં?'
'રમતા રમતા શીખી ગયો રમવાનું.'
અચાનક મને લાગ્યું કે સુરેશ નથી જ આવવાનો એ વાત એ જાણતી હતી.
કે પછી એ નિર્દોષ હતી?
'તમારું ધ્યાન ક્યા છે?' મારો ખભો પકડી એને મને હલાવી નાખ્યો. સ્ટ્રાઈકર મારા હાથમાં હતું પણ નિર્ધારિત દિશામાં હું સ્ટ્રાઈક કરી શક્યો નહીં.
સુમન શું ચાહતી હતી?  કંઈ ચાહતી હતી ખરી?
એનો ચહેરો સાફ, શાંત અને નિર્મળ હતો.
સ્ત્રી શું માત્ર ભોગવવાની ચીજ છે? એથી વિશેષ કંઈ જ નહીં?
એના ચહેરા પર મોનાલીસા સ્મિત હતું. હોઠ મરડીને એ બોલી, 'ભૈશાબ, બહુ વિચાર કરો છો તમે! ઝટ કરોને સ્ટ્રાઈક! મારો જીવ ગૂંગળાય છે!'
કઈ દિશામાં છોડવાનું હતું મારે સ્ટ્રાઈકર?
સુમન રમત રમતી હતી?
*  *  *
(photograph with story is for representative purpose only. It is taken from net.)