Sunday 27 November 2022

લક્ષ્મીકાંત કર્પે ઉર્ફે અન્નાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે


 

લક્ષ્મીકાંત કર્પે ઉર્ફે અન્નાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે

(૫૯૭ શબ્દો)

કળાની દુનિયા બેરહમ છે. આ દુનિયાનું ગણિત સમજી કે સમજાવી ના શકાય એવું અટપટું છે. અહીં ખોટા સિક્કા ચાલી જતાં હોય છે અને સાચા સિક્કાઓ એકાદ ખૂણે કાટ ખાતાં ખાતાં ઓગળી જતાં હોય છે. સમાચારપત્રોના એકાદ ખૂણે બે લીટીની મૃત્યુનોંધ સાથે એમને ભૂલાવી દેવાય છે.

લક્ષ્મીકાંત કર્પે એક એવા જ કલાકાર હતા જેમની પ્રતિભાનો ઉપયોગ કરવામાં કળાની દુનિયા નિષ્ફળ ગઈ. ગુજરાતી અને મરાઠી રંગભૂમિ તેમ જ હિન્દી ફિલ્મઉધોગ એમ ત્રણ ત્રણ ક્ષેત્રે એમણે કામગીરી બજાવી પણ ક્યાંય તેઓ સફળ થયા એવું કહી નહીં શકાય.

જાણકારો મારા ઉપરોક્ત વિધાનનો કદાચ વિરોધ કરશે, વિરોધ થવો પણ જોઈએ કારણ કે સફળતા એક સાપેક્ષ શબ્દ છે. સફળતા કોને કહીશું? બસો-પાંચસો પ્રયોગ કરીને કે દેશ-વિદેશના પ્રવાસ કરીને એકાદ નાટક બોક્સઓફીસ પર ટંકશાળ પાડે એને સફળ કહીશું? કે પછી રંગભૂમિ ગણ્યાગાંઠ્યા  પ્રયોગો કરીને આધુનિક રંગભૂમિને એક નવી દિશા ચીંધતા પ્રયોગાત્મક નાટકને સફળ ગણીશું?

લક્ષ્મીકાંત કર્પેનો એક જમાનો હતો. આંતરકોલેજ એકાંકી સ્પર્ધાઓમાં એમણે ડંકો વગાડયો હતો. એમણે દિગ્દર્શિત કરેલાં એકાંકીઓ ઇનામવિજેતા યાદીમાં ચોક્કસપણે સ્થાન પામતાં. વિવિધ કોલેજોમાંથી એકથી વધુ પ્રતિભાવંત કલાકારોને એમણે રંગભૂમિ પર પગલાં પાડતાં શીખવ્યું હતું. જેમણે ઓલરેડી પગલાં પાડ્યાં હતાં એમને સારી રીતે દોડતાં શીખવ્યું હતું. એમના વિદ્યાર્થીઓ પ્રેમથી એમને “અન્ના” કહેતા. મરાઠી ભાષામાં “અન્ના” એટલે મોટાભાઈ. આ લખનારને એક સ્પર્ધામાં જે એકાંકી માટે શ્રેષ્ઠ એકાંકીલેખનનું પારિતોષિક મળ્યું હતું એનું દિગ્દર્શન અન્નાએ જ કર્યું હતું. આ લેખમાં હવે પછી એમનો ઉલ્લેખ “અન્ના” તરીકે થશે.

સ્વ. કમલેશ મોટાએ એમની સાથે ઘણાં એકાંકીઓ કર્યા હતાં. બાબુલ ભાવસાર, વિપુલ વિઠલાણી અને રાજેશ સોલંકી ઉપરાંત અનેક કલાકારો એમની પાસેથી અભિનયના પાઠ શીખ્યા છે. શેખર કપૂરની હીટ ફિલ્મ “મિસ્ટર ઇન્ડિયા” માં લુચ્ચા વાણિયાની ભૂમિકા ભજવનાર હરીશ પટેલ એ સમયે હિન્દી ફિલ્મોમાં હાસ્યભૂમિકાઓ કરવા માટે જાણીતા બન્યા હતા. આ હરીશ પટેલની શોધ અન્નાએ કરેલી. લાલા લજપતરાય કોલેજમાંથી એક એકાંકીસ્પર્ધામાં અન્નાએ એકાંકી કરાવેલું એમાં  હરીશ પટેલે મુખ્ય ભૂમિકા ભજવેલી. હરીશ પટેલ હાલમાં ઇંગ્લેન્ડ ખાતે બ્રોડવે પર નાટયકલાકાર તરીકે જાણીતા છે. ખબર મળ્યા છે કે હરીશ પટેલ છેવટ સુધી સતત અન્નાના સંપર્કમાં હતા.

૧૯૭૧-૭૨ દરમિયાન કનૈયાલાલ માણેકલાલ મુનશીની ૭૫ મી જન્મજયંતી નિમિત્તે ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રએ   મુનશીજીના ત્રણ નાટકોનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે એમાંનાં એક નાટક “બ્રહ્મચર્યાશ્રમ” નાટકની બાગડોર અન્નાને સોંપાઈ હતી. વ્યવસાયિક ગુજરાતી રંગભૂમિ પર એ એમનું પહેલું નાટક. એમાં એ સમયનાં પ્રતિભાવંત કોલેજિયન યુવાનો અને યુવતીઓને અભિનય કરવાની તક મળી હતી. ગુજરાતી રંગભૂમિ પર એમણે દિગ્દર્શન કરેલું “સંબંધ” નામનું એક નાટક શતપ્રયોગી નીવડ્યું હતું. અન્ના પોતે એક સારા અભિનેતા પણ હતા. ભદ્રકાન્ત ઝવેરી લિખિત–દિગ્દર્શિત નિર્મિત એક નાટક જે ભાગલપુર જેલના કેદીઓની આંખમાં જેલ અધિકારીઓ દ્વારા એસિડ રેડવાની કરુણાંતિકા પર આધારિત હતું એમાં અન્નાએ પીડિત કેદીની મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનય કર્યો હતો.

એવામાં અન્નાએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં મનમોહન દેસાઈના સહાયક દિગદર્શક તરીકે નવી કારકિર્દી શરુ કરી. લાંબા સમય સુધી હિન્દી ફિલ્મોમાં ચોક્કસપણે એમણે શું કામગીરી બજાવી એ વિષે ખાસ કોઈ માહિતી મળતી નથી. એટલી જાણ છે કે તેઓ રંગભૂમિ પર દસ વર્ષે પાછા ફર્યા હતા.

રંગભૂમિ પર પાછા આવ્યા પછી એમણે ગુજરાતી અને મરાઠી રંગભૂમિ પર છૂટાછવાયાં કેટલાંક નાટકો કર્યા, ટીવી સિરિયલોમાં પણ તેઓ નાની મોટી ભૂમિકાઓમાં અભિનય કરતાં દેખાયા હતા.

ત્રણેક વર્ષ પહેલાં તેઓ બીમાર છે એવા સમાચાર મળ્યા પછી કેટલાક મિત્રો જોડે મીરા રોડ ખાતે એમના નિવાસસ્થાને એમની મુલાકાત લીધી હતી. એ પછી એક દિવસ ખબર મળ્યા કે તેઓ હવે નથી.

અન્ના એ મંઝિલે પહોંચ્યા નહીં જ્યાં પહોંચવાના તેઓ હકદાર હતા. હું નથી જાણતો કે ભૂલ કોની છે. બની શકે એમની પોતાની પણ કોઈ મર્યાદાઓ હોય. એટલું ચોક્કસ કે એમની જોડે અન્યાય થયો છે. પણ ચોક્કસ કોણે અન્યાય કર્યો? રંગભૂમિ કે પછી કોઈ પણ ક્ષેત્રનો એક ચોક્કસ કહેવાય એવો પોતાનો ચહેરો નથી, નામ નથી, તમે કોને જવાબદાર ઠેરવશો? નિયતિ? આ અને આવા પ્રશ્નો જ આપણને ફિલોસોફર બનાવી દેતાં હોય છે.   

--કિશોર પટેલ, 28-11-22; 12:16

###

              

   

      

Sunday 20 November 2022

બાલભારતીમાં વાર્તાપઠન ૧૯ નવેમ્બર ૨૦૨૨


 

બાલભારતીમાં વાર્તાપઠન ૧૯ નવેમ્બર ૨૦૨૨

(૬૯૮ શબ્દો)

શનિવાર તા. ૧૯ નવેમ્બર ૨૦૨૨ ની સાંજે મુંબઈ શહેરના પશ્ચિમના પરાં કાંદિવલી ખાતે બાલભારતીમાં શિયાળાની શરૂઆતની આહ્લાદક ઠંડી વચ્ચે ખાસો ગરમાટો આવી ગયો એક-બે નહીં પણ ચાર ચાર એબ્સર્ડ કહી શકાય વાર્તાઓની રજૂઆતના લીધે.

લોકડાઉનના પ્રતિબંધો હળવા થયાં પછીના બાલભારતી વાર્તાવંતના આ પંદરમા કાર્યક્રમના આરંભમાં સંચાલક કવિ-ચિત્રકાર-વાર્તાકાર સંદીપ ભાટિયાએ ભૂમિકા બાંધતા કહ્યું કે એક જ પ્રકારની કે એક જ જોનરની તમે અનેક કવિતાઓ એક જ બેઠકમાં કદાચ સાંભળી કે માણી શકો, પણ ટૂંકી વાર્તાની બાબતમાં એવું સંભવ નથી. ટૂંકી વાર્તાઓ એકબીજાથી જુદી પડવી અનિવાર્ય છે, વિષય અને રજૂઆતમાં વૈવિધ્ય હોવું આવશ્યક છે. એમણે કહ્યું કે આજે રજૂ થનારી વાર્તાઓમાં શ્રોતામિત્રોને ખાસું વૈવિધ્ય માણવા મળશે.

સૌ પ્રથમ રજૂઆત કરી સમીરા પત્રાવાલાએ એમની ટૂંકી વાર્તા “રોજ રાતે.” 

મુંબઈ જેવા શહેરમાં સતત દોડતાં રહેવાની જિંદગીમાં નીરજ કંટાળી ગયો છે. એક સાંજે ફૂલવાળા પાસેથી એ મોગરાનો ગજરો ખરીદીને એની સુગંધ માણે છે અને એની જિંદગી બદલાઈ જાય છે. એને જિંદગી જીવવા જેવી લાગે છે. પછી તો રોજ મોગરાનો ગજરો ખરીદવાનો અને એની સુગંધ માણતા રહેવાનું એને વળગણ થઈ જાય છે. આપણા સમાજે  સ્ત્રીઓ અને પુરુષો માટે જાહેર જીવનમાં વર્તવાના બનાવી કાઢેલા  જુદાં જુદાં નિયમો પ્રમાણે નીરજનું આ  ગજરા માટેનું વળગણ ચર્ચાસ્પદ બની જાય છે. ચોતરફથી આવેલા દબાણના કારણે નીરજ ગજરો ખરીદવાનું બંધ કરે છે પણ પછી નીરજની જિંદગી ફરીથી પહેલાં હતી એવી થઈ જાય છે, નીરજની જ ભાષામાં કહીએ તો “ગધેડા જેવી.”

બીજી રજૂઆત કરી બાદલ પંચાલે એમની ટૂંકી વાર્તા “હું કંઇક તો ભૂલું છું.”

આ વાર્તાના નાયકને પોતાના કામની ફરી ફરી ચોકસાઈ કરતાં રહેવાનું વળગણ છે. જે કામ કર્યું એ બરાબર તો થયું છે ને? કંઇક ભૂલાઈ તો નથી ગયું ને? આમ ને આમ આ માણસ એક દિવસ જીવન જીવવાનું જ ભૂલી જાય છે! એ પોતે મૃત્યુ પામે છે એનું પણ એને ભાન રહેતું નથી!

કંઇક ભૂલવાના અસંખ્ય ઉદાહરણો વાર્તામાં એક પછી એક આવતાં રહે છે. જો કે આ બધાં જ ઉદાહરણો વાસ્તવિક જીવનના સંભાવ્ય ઉદાહરણો છે એટલે વાર્તામાં  “આવું તો કંઈ બનતું હશે?” જેવો પ્રશ્ન ક્યાંય ઊભો થતો નથી અને એટલે જ વાર્તા રસપ્રદ બને છે.

કોફીબ્રેક પછી યામિની પટેલે રજૂ કરી વાર્તા “વપરાયેલાં.”

આ વાર્તા વિષે ટિપ્પણી કરતાં પહેલાં થોડીક ભૂમિકા સ્પષ્ટ કરવી જરૂરી છે.

વાર્તાવંતના આયોજક ભાઈશ્રી હેમંત કારિયા હમણાં હમણાં એની સઘળી સર્જનાત્મક શક્તિ વાર્તાપઠનના આ કાર્યક્રમની જાહેરાત લખવામાં નીચોવી કાઢતા આવ્યા છે. એમાંય આ કાર્યક્રમની આમંત્રણપત્રિકા તો સ્વયં એક પ્રયોગાત્મક વાર્તા છે. એમાં ચકલીના કદના એક મોરની કલ્પના થઈ છે. બીજા પુરષ બહુવચન કથનશૈલીમાં લખાયેલા આ આમંત્રણમાં નાયકના ખભા પર ચકલીના કદનો એક નાનકડો મોર આવીને બેસે છે. આ મોર નાયકને એક એવી સભામાં દોરી લઇ જાય છે જ્યાં ઉપસ્થિત દરેક સભ્યના ખભે પણ એક એક એવો જ નાનકડો મોર બેઠો છે! નાયકના ખભે બેઠેલો મોર નાયકને એક પીંછુ આપે છે. એ પીંછુ ચમત્કારિક રીતે માનવપ્રાણીમાં બદલાઈ જાય છે! એક પછી એક એમ ચાર પીંછા મોર આપે અને દરેક વખતે એ પીંછામાંથી એક પછી એક આ ચાર વાર્તાકારો પ્રગટ થાય છે: બાદલ પંચાલ, સમીરા પત્રાવાલા, યામિની પટેલ અને સંદીપ ભાટિયા.

આ કાવ્યાત્મક આમંત્રણકથાનો આધાર લઈને યામિની પટેલે રચેલી વાર્તામાં બે વૃક્ષોની કલ્પના થઈ છે જેની પર પેલા મોર જઈને બેસે છે. હકીકતમાં આ એક વ્યંજનામાં કહેવાયેલી વાર્તા છે. આ બે વૃક્ષો એટલે સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી નામની આપણી બે સાહિત્ય સંસ્થાઓ માટેના પ્રતિકો. આપણા સાહિત્યજગતમાં ચાલી રહેલી પ્રવૃત્તિ વિષે એક વિધાન આ વાર્તામાં થયું છે.         

છેલ્લે કાર્યક્રમના સંચાલક સંદીપ ભાટિયાએ  રજૂ કરી એમની ટૂંકી વાર્તા “રંદો.”

આપણા સમાજમાં રૂઢ થઈ ગયેલી પુરુષપ્રધાન સંસ્કૃતિનું એક વરવું ચિત્ર આ વાર્તામાં રજૂ થાય છે. વાર્તાનો નાયક સુથારીકામ કરતો એક કારીગર છે. આ વાર્તા એટલે બે છેડાના વિપરીત ભાવનું એક વિલક્ષણ ઉદાહરણ છે. લાકડાંમાંથી ઉપયોગી ચીજવસ્તુઓનું સર્જન કરતો નાયક માણસ તરીકે અન્યો સાથે વ્યવહારમાં સતત સૂક્ષ્મ હિંસા આચરતો રહે છે, અર્થાત ખંડનાત્મક પ્રવૃત્તિ કરતો રહે છે. પોતાની પત્ની જોડે એ પશુ જેવો વ્યવહાર કરે છે. એની પત્નીને ડર લાગે છે કે એક દિવસ એના પતિએ દીકરી માટે પસંદ કરેલા જમાઈના હાથે દીકરીના પણ પોતાના જેવા જ હાલ થશે.     

ચારે વાર્તાઓ અસરકારક બની ચારે વાર્તાકારોના પ્રવાહી પઠનના કારણે.

કાર્યક્રમનું સમાપન કરતી વેળા બાલભારતીના એક ટ્રસ્ટી અને વાર્તાવંતના મોભી ભાઈશ્રી હેમાંગ તન્નાએ માહિતી આપી કે આવતાં અઠવાડિયે અહીં દસ દિવસ ચાલનારા પુસ્તકમેળાનું આયોજન થયું છે જેનું ઉદઘાટન ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ કવિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્રના હસ્તે થશે. મુંબઈના પ્રમુખ પુસ્તકવિક્રેતાઓ પોતાના પુસ્તકો આ પુસ્તકમેળામાં વેચાણ માટે મૂકશે.

ટૂંકમાં, એક પૈસાવસૂલ સાંજ!

--કિશોર પટેલ, 21-11-22; 09:18

###

 

 

     

         

Friday 18 November 2022

અખંડ આનંદ સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

અખંડ આનંદ સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૫૯ શબ્દો)

બકેટલિસ્ટ (હિના મોદી):

એક શિશુના આગમનથી નાયિકામાં જીવનમાં આવતાં પરિવર્તનની વાત.  

ગર્ભમાં બાળકને ઉછેરવામાં નવ મહિના ખર્ચી નાખવાથી વ્યાવસાયિક કારકિર્દીમાં વ્યવધાન ઊભું થશે એવું વિચારીને નાયિકા સરોગેસી દવારા બાળક પ્રાપ્ત કરે છે. પણ પોતાનું બાળક પ્રાપ્ત કર્યા પછી એના અગ્રતાક્રમ બદલાઈ જાય છે. બાળકના ઉછેર માટે એ નોકરીમાંથી એક વર્ષની રજા લઈ છે.

સૃષ્ટિના જીવનચક્રને જાળવી રાખવાની વાત. આલેખનમાં કસબ અને કારીગીરીનો અભાવ છે. નાયિકાના મનોભાવોની ગેરહાજરીમાં રજૂઆત શુષ્ક અને અહેવાલાત્મક થઈ છે.           

શાસ્વતી (શાંતિલાલ ગઢિયા):

પોતાનો અસાધ્ય રોગ બીજી પેઢીમાં ના ઉતરે એવા કારણથી પ્રેમલગ્ન ટાળતી નાયિકાની કેફિયત. અંદાજે કેવળ ૫૦૦ શબ્દોની આ રચનાને ટૂંકી વાર્તાના બદલે લઘુકથા કહેવી યોગ્ય રહેશે.      

દિગુ દાદા (અર્જુનસિંહ રાઉલજી):

છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ના થાય એ કહેવતને ચરિતાર્થ કરતી વાર્તા. સાસુ-સસરા જોડે લડીઝઘડીને વહુએ પોતાના પતિને એના માબાપથી જુદો કરાવ્યો છતાં વહુની જીવલેણ બીમારી સમયે વડીલોએ વહુ પ્રતિ રીસ ના રાખી, અપકાર પર ઉપકાર કર્યો. જૂનો વિષય, પારંપારિક રજૂઆત. 

વિપર્યય (રેણુકા દવે):

વિપર્યય=ઉલટપુલટ થઈ જવું, હોય તેનાથી ઊંધું સમજવું. (સમજૂતી સંદર્ભ: સાર્થ જોડણીકોશ)

મરાઠી ભાષામાં એક કહેવત છે: “દિસતં તસં નસતં મ્હણુન જગ ફસતં.” અર્થાત દેખાય છે તેવું હોતું નથી એટલે દુનિયા છેતરાય છે. કંઇક આવું જ બને છે આ વાર્તામાં. શાળાના એક પ્રોજેક્ટ માટે ફિલ્ડવર્ક કરતી વખતે નાયિકાને  અનુભવ થાય છે કે ગમાર દેખાતાં માણસો અસલમાં સ્માર્ટ હોય છે અને સ્માર્ટ દેખાતાં માણસો અસલમાં જ્ઞાનમાં, કામમાં અને અભિગમમાં “ઢ” હોય છે. વાર્તાનું શીર્ષક યથાર્થ સાબિત થાય છે. અહીં માનવજીવનનાં વ્યવહારિક પાસાંનો અભ્યાસ થયો છે.           

સોસાયટી (દિનેશ દેસાઈ):

પૂનાના એક કુટુંબે દીકરી માટેના ઉમેદવારનું ઘર જોવાના બહાને અમદાવાદનો ત્રણ દિવસનો સાઈટસીઈંગનો કાર્યક્રમ ઉમેદવારના ખર્ચે માણી લીધો. પૂના પાછાં ફર્યાં પછી ફોન પર ફાલતુ બહાનું કાઢીને લગ્નની ના પાડી દીધી. આવા લેખાગુ મફતિયાઓ પણ સમાજમાં હોય છે. રજૂઆત થોડીક હળવી શૈલીમાં થઈ શકી હોત. ખેર, અંત ધારી લેવાય એવો છે એમ છતાં એકંદરે સારી વાર્તા. 

એડજસ્ટ (પ્રિયદર્શના દીપક ત્રિવેદી):

વરિષ્ઠ નાગરિકની સમસ્યા. પત્નીના નિધન પછી પોતાના ગમા-અણગમાનું ધ્યાન રાખવાનું પુત્રવધૂને વધારાનો બોજો લાગે છે એટલે નાછૂટકે નવીનભાઈ પોતે એની જોડે એડજસ્ટ થાય છે. માંડ ૫૦૦ જેટલાં શબ્દોની આ રચનાને ટૂંકી લઘુકથા કહેવી યોગ્ય રહેશે.

આમ પાછા વળવું (દીના પંડયા): 

વરિષ્ઠ નાગરિકની સમસ્યાની એક ઓર વાર્તા. આની પહેલાં વાત કરી એ “એડજસ્ટ” વાર્તાથી બિલકુલ વિપરીત લક્ષણની વાર્તા છે. અહીં ઘરમાં નવી આવેલી પુત્રવધુ અગાઉથી સસરાની જરૂરિયાતનો અભ્યાસ કરીને એમની સગવડોનું ધ્યાન રાખવા માટે પૂરતી તૈયારી કરીને આવી છે! એટલે  ગૃહત્યાગ કરી જવાનો નિશ્ચય કરી બેઠેલા શાંતિલાલ છેલ્લી ઘડીએ પોતાનો નિર્ણય ફેરવી તોળે છે.  અસરકારક રજૂઆત.

સપાટ રસ્તા (કામિની મહેતા):

કુટુંબમાં સર્વે સ્વજનો સ્નેહાળ હોવા છતાં સંસારનો ત્યાગ  કરીને સંન્યાસ સ્વીકારતી એક વરિષ્ઠ સ્ત્રીની વાત. 

--કિશોર પટેલ, 19-11-22; 09:02

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

Thursday 17 November 2022

જયારે વાડ પોતે ચીભડાં ગળે ત્યારે શું કરવું?

 

જયારે વાડ પોતે ચીભડાં ગળે ત્યારે શું કરવું?

(૧૯૭ શબ્દો)

વાડ જ જ્યારે ચીભડાં ગળવા માંડે ત્યારે શું કરવું? રક્ષક જ જયારે ભક્ષક બને ત્યારે શું કરવું?

આજે આપણી દીકરીઓ પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી!

મહારાષ્ટ્રના પૂના શહેરનો આ કિસ્સો છે. એક સગીરા પર એના કાકા, દાદા અને સ્વયં જન્મદાતા પિતા: ત્રણેએ ચાર ચાર વર્ષ સુધી પોતાની દીકરીનું જાતીય શોષણ કર્યું!

ઘરનો એકાદ પુરુષ વિકૃત માનસ ધરાવતો હોય, ત્રણ ત્રણ પુરુષો આવા નીચ, હલકટ, નરાધમ?

ધિક્કાર, ધિક્કાર, ધિક્કાર!  

ચાર વર્ષ સુધી આ કન્યા કોઈને ફરિયાદ કરી ના શકી? કલ્પના કરો કે કેવી કેવી ધમકીઓ આ નિર્દોષ બાળકીને અપાઈ હશે?

શું કરી શકાય?

૧. આપણે કન્યાઓને નિશાળમાં  "ગુડ ટચ બેડ ટચ" શીખવાડીએ છીએ, આ ઉપક્રમ વધુ જલદ બનાવવો રહ્યો, વધુ ઉગ્રતા ઉમેરવી રહી, વધુ અસરકારકતા લાવવી રહી.            

૨. કિશોરીઓ અને કિશોરોનું દરેકનું વ્યકિતગત કાઉન્સેલિંગ થવું જોઈએ.             

૩. સમયાંતરે દરેક કિશોર/કિશોરીની વ્યક્તિગત પૂછપરછ થવી જોઈએ. આ માટે સંબંધિત શિક્ષકોએ વધુ સંવેદનશીલતા કેળવવી રહી.

૪. સમય આવી ગયો છે કે દીકરીઓને નિશાળમાં જ સ્વરક્ષણના પાઠ શીખવાડવામાં આવે.   

૫. સ્વરક્ષણનું શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ.  આ અંગે બેદરકારી દાખવતી નિશાળો સામે કડક પગલાં લેવાની જોગવાઈ રાખવી ઘટે.

--કિશોર પટેલ, 18-11-22; 09:22

(છબીસૌજન્ય: આજનું, શુક્રવાર તા ૧૮ નવેમ્બર ૨૦૨૨ નું ગુજરાત સમાચાર.)


Sunday 13 November 2022

પરબ ઓક્ટોબર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

પરબ ઓક્ટોબર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૫૬ શબ્દો)

ડગળું (કિશનસિંહ પરમાર):

ડગળું= ફળ, લાકડાં, દીવાલ વગેરેમાંથી છૂટું પડેલું કે પાડેલો ભાગ જે ગોળ પણ હોઈ શકે અથવા ઘાટઘૂટ વિનાનો પણ હોઈ શકે. (સમજૂતી ગુજરાતી લેક્સિકોન પ્રમાણે) 

રજૂ નામની એક ગ્રામ્ય સ્ત્રીના પોઈન્ટ ઓફ વ્યુથી વાર્તા કહેવાઈ છે. એક મોડી રાતથી વહેલી સવારની ઘટનાઓને આવરી લેતી આ વાર્તા રજૂની જિંદગીમાં ભાવકને એક ડોકિયું કરાવે છે. રાત-મધરાત ઝરખના ત્રાસ અંગે ગામમાંથી ફરિયાદો આવી છે એમ છતાં ઘેર રજૂને એકલી મૂકીને રજૂનો પતિ અને જુવાન દીકરો બંને કોઈ કામસર ખેતરમાં ગયા છે.

ફલેશબેકમાં બતાવ્યું છે કે નાયિકા પર ગામના મુખી માલજીની મેલી નજર છે.  આ ઉપરાંત અન્ય એક પ્રસંગે મખલો નામનો એક આદમી નાયિકાની ઈજ્જત પર હાથ નાખે છે. બંને પ્રસંગે નાયિકા બંને દુષ્ટોનો સામનો સફળતાપૂર્વક કરે છે. વહેલી સવારે કોઈની ગાય ચોરાવાની તપાસના બહાને ફળિયામાં જમાદાર આવે છે. ગાયની ચોરીની તપાસના બહાને આ જમાદાર અન્ય એક મોટા ખેલની તપાસ કરવા ફળિયામાં આવ્યો હોય એવું જણાય છે. નાયિકાને શંકા છે કે પોતાનો પતિ મંગળ એ મોટા ખેલમાં સંડોવાયેલો છે.

ગામડામાં વગદાર માણસો નિમ્ન વર્ગની સ્ત્રીઓ પ્રતિ કેવી નજર રાખતાં હોય છે તેનું વાસ્તવવાદી ચિત્રણ. નાયિકા તરીકે રજૂનું એક સશક્ત સ્ત્રી તરીકે પાત્રાલેખન સારું થયું છે.

ખાસ નોંધ: ફક્ત પાંચ મહિના પહેલાં પરબના જ મે ૨૦૨૨ અંકમાં પ્રગટ થયેલી આ જ લેખકની “ઝરખ” શીર્ષક હેઠળ પ્રગટ થયેલી વાર્તા જ નવા શીર્ષક “ડગળું” હેઠળ પુન: પ્રગટ થઈ છે.  હા, અપવાદ ખાતર અહીંતહીં સામાન્ય ફેરફાર થયો છે.

આવું કેમ થયું હશે? સામયિકની સરતચૂક થઈ હશે? પણ સરતચૂકમાં શીર્ષક કેવી રીતે બદલાય? એટલે સભાનતાપૂર્વક આવું થયું છે? લેખકે તંત્રી/સંપાદકને છેતર્યા છે કે એ બેઉએ મળીને વાચકોને છેતર્યા? કે પછી પરબને પ્રસિદ્ધિ યોગ્ય વાર્તાઓ મળતી નથી?

એક વાર્તા એકથી વધુ સામયિકોમાં સમયાંતરે પ્રસિદ્ધ થવાના ઉદાહરણો આપણે જોયા. આ કિસ્સો અલગ છે, એના એ સામયિકમાં ફક્ત પાંચ મહિનામાં વાર્તા પુન:પ્રકાશિત થઈ છે!

જાંગીના (ભગીરથ ચાવડા):

કહેવાતી પછાત કોમનો ધમો વંશપરંપરાગત રીતે ગામડામાં શુભ-અશુભ પ્રસંગે ઢોલ વગાડવાનું કામ કરે છે. એક કુશળ ઢોલી તરીકે એણે નામના મેળવી છે. છેલ્લા કેટલાંક વખતથી ધમાને એના ઘરના આંગણામાં કોઈ અજાણ્યા જણની ફૂંકેલી બીડીના ઠૂંઠા મળી આવ્યાં છે. ધમાને શંકા છે કે એની ગેરહાજરીમાં કોઈ આદમી એની પત્નીને મળવા આવે છે. એક વાર પોતાની જગ્યાએ અન્યને ઢોલ વગાડવા બેસાડીને વહેલો ઘેર આવી જાય છે અને પત્ની તથા એના પ્રેમીને રંગે હાથ પકડી પાડે છે. ક્રોધાવેશમાં પત્નીના પ્રેમીની હત્યા કરી નાખ્યા બાદ લાંબા સમય સુધી એ ઝનૂનપૂર્વક ઢોલ વગાડ્યા કરે છે. ધમાને લાગેલા આઘાત અને પછી એના આક્રોશનું આલેખન સરસ થયું છે.        

ઢોલની બનાવટ અંગેની ઝીણવટભરી વિગતો ઉલ્લેખનીય છે.  લગ્નપ્રસંગે ગવાતા એક ગીતની પંક્તિ પણ અહીં નોંધાઈ છે. આમ વાર્તામાં આપણી ગ્રામ્ય સંસ્કૃતિનું યથાયોગ્ય દસ્તાવેજીકરણ થયું છે.

જો કે આ વાર્તા “જાંગીના” વરસેક પહેલાં “શોપીઝન” નામના ફેસબુક ગ્રુપમાં પ્રગટ થઈ ચૂકેલી ઇનામવિજેતા વાર્તા છે.       

મામોંઈ (પારુલ ભટ્ટ):

માતાનું મૃત્યુ થયું છે. એની અંતિમવિધિ માટે સ્વજનો ઘરમાં ભેગાં થયાં છે. માતાના શબ પાસે બેઠેલી એની દીકરી માતા અંગે જે કંઈ લાગણી અનુભવે છે એની વાર્તા.

ભોળા સ્વભાવની માતાનો પાડોશીઓ સહિત સહુ સ્વજનોએ ગેરલાભ લીધો છે. એ તો સમજયા, દીકરીએ પોતે પણ પોતાની માતાને કાયમ છેતરી છે. હવે જયારે માતાએ કાયમની વિદાય લઇ લીધી છે ત્યારે એ માંગણી કરે છે કે “મા, આવતા જન્મે તું મારી દીકરી થજે.”     

દીકરીના પશ્ચાતાપની સરસ વાર્તા. 

--કિશોર પટેલ, 14-11-22; 09:37

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Friday 11 November 2022

શબ્દસૃષ્ટિ ઓક્ટોબર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

શબ્દસૃષ્ટિ ઓક્ટોબર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૭૨ શબ્દો)

ઊધઈ (સુષ્મા શેઠ):

તાજેતરમાં એક પાડોશી દેશમાં ઊભી થયેલી કટોકટીની પાર્શ્વભૂમિ પર રચાયેલી વાર્તા.

સાચી મરદાનગી શેમાં છે? બાળકો પેદા કરવામાં કે શત્રુઓ સામે પરિવારનું રક્ષણ કરવામાં? અમેરિકન સૈન્યે અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભર્યા એ પછી એ દેશમાં તાલિબાનના કબ્જા હેઠળ દહેશતનું સામ્રાજ્ય છવાઈ ગયું. અનેક અફઘાનીઓ જીવ બચાવવા દેશ છોડીને નાસભાગ કરવા માંડયા ત્યારે અડીખમ ઊભો રહીને આદિલ પરિવાર માટે ઢાલ બનીને શત્રુઓનો સામનો કરે છે. નિ:સંતાન હોવાના કારણે લોકો તરફથી “નામર્દ” જેવી ગાળો સાંભળી ચૂકેલો આદિલ ખરે ટાણે સાચો મરદ સાબિત થાય છે.  આદિલના મનોભાવોનું પ્રતીતિકર આલેખન.   

માણકી (ભરતસિંહ એચ. બારડ):

વ્યસની પતિની મારઝૂડથી ત્રાસીને નાયિકા ઘર છોડી જૂનાં પ્રેમી જોડે પલાયન કરી જાય છે.  અનેક વેળા કહેવાઈ ચૂકેલી વાત. નવીનતા નથી સામગ્રીમાં કે રજૂઆતમાં. (btw, આ વાર્તા પરબના  નવેમ્બર ૨૦૨૨ અંકમાં પણ પ્રગટ થઈ છે.)

મીરાં (ઉમા પરમાર):

આપણા સમાજમાં સ્ત્રીઓ માટે પસંદગીની મર્યાદિત તકો વિષે વિધાન કરતી વાર્તા. માતા-પિતાની એકની એક દીકરી મીરાં પિતાની બીમારીના કારણે સમયસર લગ્ન કરી શકતી નથી. જેની સાથે મનમેળ થયો હતો એ યુવક રાહ જોઈ ના શક્યો. મોડે મોડે અન્ય એક યુવક તૈયાર થયો પણ એને નાયિકાની માતાની જવાબદારી વધારાની લાગી. નાયિકા જે પ્રશ્ન ઊભો કરે છે તે સમાજ સામે છે:

જો લગ્ન પછી સ્ત્રી પોતાનાં સાસરિયાંની જવાબદારી ઉપાડી શકતી હોય તો એવી જવાબદારી પુરુષ શા માટે ઉપાડી ના શકે?

btw, આ વાર્તા આ અગાઉ એતદના ડિસેમ્બર ૨૦૨૧ અંકમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. જો કે વાર્તા જોડે એવી કોઈ નોંધ નથી.

એક જ વાર્તા બબ્બે ઠેકાણે પ્રગટ થવાનું આપણે ત્યાં હવે નિયમિત થઈ પડ્યું એટલે આપણને નવાઈ લાગવી ના જોઈએ. 

અપૈયો (મેહુલ પ્રજાપતિ):

અપૈયો= જ્યાંનું પાણી પણ હરામ કર્યું હોય એ જગ્યા  (ભગવદગોમંડલની સમજૂતી પ્રમાણે)

ગામડામાં જમીનની સરહદ બાબતે પાડોશીઓ વચ્ચે સમસ્યાઓ ઊભી થવી સામાન્ય બાબત છે. પણ એવે સમયે કોઈ નમતું આપે એ અસામાન્ય બાબત છે. અહીં એક ખેડૂત આ અંગે પોતાના વારસદારોને કજિયો ના કરવાનું ફરમાન કરે છે અને પોતાની જ જમીનમાં પગ ના મૂકવાના સોગંદ ખાય છે.

સંગાથ (મૂળ મરાઠી વાર્તા, લેખક:માધુરી શાનભાગ; અનુવાદ:કિશોર પટેલ)

સાયન્સ ફેન્ટેસી. વાર્તાનો નાયક કૃષ્ણા એક તરફ બેન્ગાલુરુ ખાતે મંગળ ગ્રહ પર અવકાશયાન મોકલવાના ઈસરોના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં મહત્વના વૈજ્ઞાનિક તરીકે ગળાડૂબ કામમાં છે અને બીજી તરફ ધારવાડ ખાતે ગામડામાં એની વૃદ્ધ અને બીમાર માતાની છેલ્લી ક્ષણો ગણાય છે. માતા પાસે રહેવું જરૂરી છે પણ અવકાશયાન મોકલવાના મહત્વનાં સમયે ફરજ પર રહેવું પણ એટલું જ જરૂરી છે. રોબોટિક્સમાં નિષ્ણાત કૃષ્ણા એવો ઉપાય કરે છે કે ઇસરોની પ્રયોગશાળામાં એ ફરજ પણ બજાવે છે અને ઘેર માતાની છેલ્લી ક્ષણોમાં એની જોડે રહીને એની સેવા પણ કરે છે.

કૃષ્ણા એવો શું ઉપાય કરે છે?   

આ વાર્તા વિષે વધુ ટિપ્પણી કરવી ઉચિત નહીં ગણાય કારણ કે મૂળ મરાઠી વાર્તાનો અનુવાદ આ લખનારે જ કર્યો છે.

--કિશોર પટેલ, 12-11-22; 08:46

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

         

Wednesday 9 November 2022

નવનીત સમર્પણ ઓક્ટોબર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ ઓક્ટોબર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૯૫ શબ્દો)

સામે (રવીન્દ્ર પારેખ):

ફેન્ટેસી વાર્તા. કલ્પના એવી થઈ છે કે નાયિકા એકલી હોય ત્યારે દર્પણમાં એને પોતાનું પ્રતિબિંબ દેખાતું નથી, પણ જયારે જોડે પતિ હોય ત્યારે અચૂકપણે દેખાય છે. પતિ સિવાય અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ જોડે આ વાતની ખરાઈ થઈ નથી. નાયિકાને મન આ ગંભીર સમસ્યા છે પણ આ વિષે એના પતિને ઝાઝી પડી નથી.

નાયિકાને સ્વની ઓળખ વિષે સમસ્યા હોઈ શકે. જેમ કે એ લઘુતાગ્રંથિથી પીડાતી હોઈ શકે. જો કે વાર્તામાં આ કે અન્ય સમસ્યા અંગે કોઈ સંકેત જણાતાં નથી. પ્રતિબિંબ અદ્રશ્ય થઈ જવાનું રહસ્ય વાર્તામાંથી ઉકેલાતું નથી.      

રોંગ નંબર (મોના જોશી):

રોંગ નંબરથી આવેલા ફોન પર અજાણી સ્ત્રી જોડે વાત કરતાં નાયકને ખ્યાલ આવે છે કે એ એની જૂની પરિચિત છે. વર્ષોથી જેની માફી માંગવી બાકી હતી એ કામ અણધારી રીતે પાર પડી જાય છે. ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં ભૂલાયેલા મિત્રનું નામ દેખાવું, તેને ફોન કરવો, તેની જોડે અન્ય એક કોમન મિત્રની યાદ તાજી કરવી અને અંતમાં પેલા રોંગ નંબર પર એ જ પેલી મિત્ર મળી જવી...બધું આયાસપૂર્વક ગોઠવાયેલું અને અસહજ લાગે છે.       

અકોરા કાબા (વિશાલ ભાદાણી):

રૂપકકથા. પક્ષીઓની સભામાં માણસોની છબીકળાની પ્રવૃત્તિનો તીવ્ર વિરોધ થાય છે. પશુ-પક્ષીઓની અને માણસોની એમ બેઉ ભાષા જાણતા મોગલીને આદેશ અપાય છે કે એણે માણસો પાસે જઈને પક્ષીઓની સમસ્યાની રજૂઆત કરવી. મોગલી એ મિશન સાથે જાય છે ખરો પણ થાય છે વિપરીત. મોગલીની છબીઓ પાડનારા માણસનું બહુમાન થાય છે અને પક્ષીઓની સમસ્યા તો ઠેરની ઠેર રહે છે. વ્યંગકથા.    

ખજાનો (કિરણ વી. મહેતા):

એકપક્ષી પ્રેમકથા. પરિણીત નાયકને પાડોશમાં રહેતી કલ્પના નામની કન્યા પ્રતિ આકર્ષણ થાય છે. યોગ્ય સમયે કન્યા પરણીને સાસરે જાય. એક વરસાદી રાત્રે નાયકને કલ્પના ભેટી જાય. કલ્પના નાયકને ચુંબન કરીને જાણ કરે, “મારાં લગ્ન થઈ ગયાં છે, મને એક બાબો પણ છે, હવે તમારી પ્રેમકહાણી પૂરી!” અણધાર્યા મળેલાં ચુંબનને ખજાનો સમજીને નાયક મમળાવ્યા કરે છે. રજૂઆતમાં આલંકારિક ભાષા પ્રયોજાઈ છે. 

વરસતા વરસાદમાં બિલાડી (અર્નેસ્ટ હેમિંગ્વેની મૂળ અંગ્રેજી વાર્તા, અનુવાદ: હિમાંશી શેલત):

પુરુષોના સ્ત્રીઓ જોડેના વર્તવાના બેવડા ધોરણ અંગે એક વિધાન. એક દંપતી પ્રવાસે નીકળ્યું છે. સ્ત્રી એક અજાણ્યા શહેરમાં એક બિલાડીને વરસાદમાં ભીંજાતી જુએ છે. એને થાય છે કે બિલાડીને વરસાદથી બચાવવી જોઈએ. પણ એ બિલાડી સુધી પહોંચે ત્યાં સુધીમાં બિલાડી અદ્રશ્ય થઈ જાય છે. બિલાડી શોધી કાઢવાની સ્ત્રીની માંગણીને એનો પતિ અવગણે છે જયારે હોટલમાલિક પેલી બિલાડીને શોધી કાઢે છે અને મહેમાન સ્ત્રી સુધી પહોંચાડે છે.

આમ આપણે જોઈ શકીએ છીએ કે પતિ પત્નીની ઝાઝી પરવા કરતો નથી જયારે હોટલમાલિક હોટલની મહેમાન સ્ત્રીની માંગણી પૂરી કરવા શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. બની શકે કે આ જ હોટલમાલિક પોતાની પત્નીની ઝાઝી પરવા કરતો ના હોય અને પેલી સ્ત્રીનો પતિ પોતાના વ્યવસાયમાં સ્ત્રીગ્રાહકની કાળજી રાખતો હોય.        

--કિશોર પટેલ, 10-11-22; 09:03

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###