Sunday 28 February 2021

શબ્દસૃષ્ટિ ફેબ્રુઆરી ૨૦૨૧ ની વાર્તાઓ વિષે નોંધ

શબ્દસૃષ્ટિ ફેબ્રુઆરી ૨૦૨૧ ની વાર્તાઓ વિષે નોંધ

(૧૯૬ શબ્દો)                                                                                                          

ટીંબો (જયંત રાઠોડ):  

કરુણાંતિકા. વીસેક વર્ષ પહેલાં કચ્છની ધરતીને ધમરોળી નાખનારા ભૂકંપની પાર્શ્વભૂમિ પર રચાયેલી વાર્તા. ભૂકંપ પછી પહેલી વાર દિલ્હીથી ધોળાવીરાની ઉત્ખનનની સાઇટ પર આવેલા સિંઘસાહેબ પાસે એક મેલોઘેલો માણસ કરગરે છે: “હજી ખોદાવો સાહેબ, હજી મડદાં નીકળશે!” સિંઘસાહેબ વિચારમાં પડે છે: ઓળખીતો જણાતો આ માણસ છે કોણ?

એ હતો જીવલો. ધોળાવીરા સાઇટનો જાણકાર. જીવલો વાકપટુ હતો. સામાન્ય મજૂર માંથી ટુરિસ્ટ- ગાઈડ બન્યો હતો. એ જીવલો એક તરફ બાપ બન્યો અને બીજી તરફ ભૂકંપમાં એકસાથે પત્ની-નવજાત શિશુ બેઉને ગુમાવી બેઠો. સિંઘસાહેબને એ કહેતો હતો જમીન ખોદાવવાની વાત. જમીનમાંથી મડદાંની સાથે બહાર નીકળવાની રાહ જોતી હતી આવી કંઇકેટલી કરુણ કથાઓ!      

સંબંધ અજાણ્યો (નીલેશ રાણા):

નાટ્યાત્મક વાર્તા. ઘરમાં ઘૂસેલા ચોરને જેર કર્યા પછી નાયિકા ચોરને પોલીસમાં આપવાના બદલે મુદ્દામાલ સાથે ભગાડવામાં મદદ કરે છે! શા માટે?

લેખકે જે નથી કહ્યું એ જ વાર્તા છે! વિદેશની ધરતી પર આકાર લેતી આ વાર્તામાં લેખકે થોડાંક સંકેત આપ્યા છે: નાયિકા માતા-પિતાના પ્રેમથી વંચિતરહી ગઇ છે. કાં તો એની માતા મૃત્યુ પામી છે અથવા પિતાથી છૂટાછેડા લીધાં છે. ગર્લફ્રેન્ડના ચક્કરમાં પિતા પોતાની દીકરીને ગુણવત્તાસભર સમય આપતા નથી!  ઘરના દાઝ્યો ગામ બાળે એ ન્યાયે નાયિકા ચોરને ઘરની કિંમતી માલમત્તા સાથે ભગાડી મૂકે છે!

--કિશોર પટેલ; 28-02-21; 13:07

###

 

Friday 26 February 2021

પરબ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૧ અંકોની વાર્તાઓ વિષે:

 


પરબ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૧ અંકોની વાર્તાઓ વિષે:

(૪૪૩ શબ્દો)

રિવ્યુ બુક (દક્ષા પટેલ):

એક સ્ત્રીને માતૃત્વથી વંચિત રાખવી એટલે શું?

આ વાર્તાની રચનારીતિ નોંધનીય છે. પતિ જાણે છે કે પત્ની ઉદાસ રહે છે. પણ એની પીડાનું સાચું કારણ એ જાણતો નથી. અમોલ બિઝનેસમેન છે અને અમિતા વ્યવસાયી ચિત્રકાર છે. અમિતાના ચિત્રોના એક પ્રદર્શન પછી પાંચમાં દિવસે અમોલ પ્રદર્શનની રિવ્યુ બુક ઘેર લઇ જાય છે અને એમાંની ટીપ્પણીઓ વાંચે છે. પાંચે દિવસની ટીપ્પણીઓ વંચાઇ રહે તે દરમિયાન આખી વાર્તા ભાવક સમક્ષ ઉઘડે છે. અંતમાં અમોલને અમિતાની પીડાનું કારણ જાણવા મળે છે. કરુણતા એ છે કે એની પાસે કોઇ ઈલાજ નથી. આમ વાર્તાનો અંત ભાવકને ઘેરા અવસાદમાં ડૂબાડી દે છે.   

પ્રથમ પત્નીના મૃત્યુ પછી અમોલ ચિત્રકાર અમિતાના પરિચયમાં આવે છે. અમોલના શહેરમાં દરિયો છે અને અમોલના પ્રથમ લગ્નથી બે બાળકો છે. દરિયા પ્રતિ પ્રચંડ આકર્ષણ અને બાળકો પ્રતિ પ્રીતિના કારણે અમિતા અમોલ દ્વારા થયેલો લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લે છે. પણ લગ્ન પછી જયારે અમિતા પોતાના બાળકની ઈચ્છા જાહેર કરે છે ત્યારે અમોલ કહે છે કે એ શક્ય નથી. કદાચ પહેલાં લગ્નસંબંધમાં બે બાળકો પછી એણે વંધ્યીકરણની શસ્ત્રક્રિયા કરાવી લીધી હશે.          

અમિતા સત્યનો સ્વીકાર તો કરી લે છે પણ પછી બાળકથી વંચિત રહેવાની પીડા એના ચિત્રોમાં વ્યકત થવા માંડે છે.

વ્યવહારિકતા એમ કહે છે કે આવા સંબંધોમાં બંને પક્ષે અમુક સ્પષ્ટતાઓ અગાઉથી થઇ જવી જોઈએ. આ કિસ્સામાં અમોલ બીજવર છે જયારે અમિતાનું પ્રથમ લગ્ન છે. અમોલે અગાઉથી સ્પષ્ટતા કરવી જોઈતી હતી કે બે બાળકો પછી પોતે વંધ્યીકરણની શસ્ત્રક્રિયા કરાવી લીધી છે. પણ આપણે જાણીએ છીએ કે જયારે મન મળી જાય ત્યારે વ્યવહારિક બાબતો ભૂલાઈ જતી હોય છે.

આમ આ વાર્તા એક સ્ત્રીની વેદનાને વાચા આપે છે અને સાથે સાથે એક સોશિયલ સ્ટેટમેન્ટ પણ કરે છે. (જાન્યુઆરી ૨૦૨૧)    

ઓરડી (પ્રભુદાસ પટેલ):

કોરોના મહામારીની દહેશત.

દીકરીને ઘેર શહેરમાં મળવા જઇને રામજીભાઇ ગામડે પાછા આવ્યા છે. દીકરીએ આપેલી સલાહ પ્રમાણે ઘરના સહુ સભ્યોથી તેઓ સલામત અંતર જાળવીને દૂર રહ્યા છે. મન પર પથ્થર મૂકીને નાનકડા પૌત્રને પણ એમણે વ્હાલ કર્યું નથી. સહુથી અલગ એક ઓરડીમાં એમણે રહેવાનું રાખ્યું છે. બે-ત્રણ દિવસ પછી અચાનક એમની પર શરદીનો હુમલો થાય છે અને મધરાતે એ છીંકાછીંક કરી મૂકે છે. બસ, આટલી વાતથી ઘરમાં દહેશત ફેલાઇ જાય છે. ઘરના લોકો માટે અચાનક હવે એ “બાપા” માંથી “ડોસો” બની જાય છે. ડોક્ટરને બોલાવાય છે, તપાસ થાય છે, શરદી-ખાંસીના સામાન્ય લક્ષણો છે પણ સાવચેતી ખાતર ડોક્ટર રામજીભાઈને  હોમ-કોરોન્ટાઈન કરે છે.     

કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં ઘરના સભ્યોનો પ્રતિભાવ સમજી શકાય એવો છે. પણ રામજીભાઈને ઘણું આકરું લાગ્યું છે. મૃત પત્ની જોડે કાલ્પનિક સંવાદોમાં એમની પીડા છતી થાય છે. આવા સમયે વ્યવહારુ બનવાને બદલે મોટી વયે માણસો લાગણીશીલ બનીને દુઃખી થતાં હોય છે એનું ઉત્તમ ઉદાહરણ લેખકે રામજીભાઈના પાત્ર વડે આપ્યું છે. નાયકનો મનોવ્યાપાર સરસ ઝીલાયો છે.

ઉત્તર ગુજરાતની ગ્રામ્યબોલીનો સારો પ્રયોગ. સારી વાર્તા. (ફેબ્રુઆરી ૨૦૨૧)

--કિશોર પટેલ; 14-02-21; 06:47

### 



Wednesday 10 February 2021

નવનીત સમર્પણ ફેબ્રુઆરી ૨૦૨૧ ની વાર્તાઓ વિષે

 

નવનીત સમર્પણ ફેબ્રુઆરી ૨૦૨૧ ની વાર્તાઓ વિષે

(૭૫૧ શબ્દો)

આ અંકની ત્રણે વાર્તાઓમાં એક સમાનતા છે. એકે વાર્તામાં સ્થૂળ અર્થમાં ખાસ કંઈ બનતું નથી અને સૂક્ષ્મ રીતે બને છે પણ નહીંવત. પહેલી વાર્તામાં સ્નેહસંબંધથી જોડાયેલાં પાત્રોની વાત છે, બીજી વાર્તામાં એક વિશિષ્ટ પાત્રનું આલેખન છે જયારે ત્રીજી વાર્તામાં એક સ્થળવિશેષનું શબ્દચિત્ર છે.

ઉપપિતા (પ્રવીણસિંહ ચાવડા):  “ઉપ”:  કોઇ નામને આ ઉપસર્ગ લાગે એટલે વધારાનું એવો અર્થ થાય. કથક મિત્રની પુત્રીનો પિતા સમાન છે. મિત્ર બટુકના પરિવાર જોડે કથકનો નિકટનો સંબંધ છે. વાર્તા મૈત્રીસંબંધની છે. વાર્તામાં મિત્રની દીકરીના લગ્નપ્રસંગ નિમિત્તે મિત્રપરિવારના ત્રણે મુખ્ય સભ્યો જોડે કથકના મીઠા સંબંધોનું આલેખન થયું છે. આમ જુઓ તો વાર્તામાં વિશેષ કંઇ બનતું નથી. હા, વિચિત્ર લાગે એવા સ્વભાવના એક પાત્રનું આલેખન થયું છે. સમાજમાં બટુક જેવા માણસો આપણી આસપાસ હોય છે.          

કથક અને બટુક વચ્ચે મૈત્રી કેવી હતી? વાર્તામાંની જ એક અભિવ્યક્તિ દ્વારા આ બેઉનો સંબંધ સ્પષ્ટ થશે. બટુક કથકથી થોડાંક મહિના નાનો હતો, નિશાળમાં પણ એક વર્ષ પાછળ હતો. કથકને તોછડાઈથી એ  “તમે” કહેતો અને કથક એને વિનયપૂર્વક “તું” કહેતો. કોઇ પણ દીકરીના પિતાની જેમ બટુકને પણ પોતાની દીકરી અત્યંત વ્હાલી હતી. કથકને પરિવારમાં એક જ દીકરો હતો એટલે બટુક કાયમ કથકને મહેણું મારતો કે તમને શું ખબર પડે દીકરીના પિતા હોવું તે? બટુકની પત્ની એક સરેરાશ ગૃહિણી, પતિના તામસી સ્વભાવથી પીડિત પણ પતિ સ્નેહીજનોમાંથી ફક્ત એક કથકનો આદર કરે એટલે પ્રસંગોપાત એ કથક પાસે મદદ માટે ધા નાખતી. દીકરી સંસ્કારી, સમજુ અને વડીલોનું માન રાખે. બટુક માંડ માંડ દીકરી માટે આવેલાં માગાંનાં સ્થળો જોવા તૈયાર થાય છે. કેવી રીતે આખો પ્રસંગ ઉકેલાય છે તેનું રોચક આલેખન વાર્તામાં થયું છે.

વાર્તાની રજૂઆત લેખકની હંમેશની રમતિયાળ હળવી શૈલીમાં થઇ છે. અડધા અડધા ટૂંકા વાક્યો, ડગલે ને પગલે ભાષાનું સૌંદર્ય,  પાત્રોની ખાસયિત વર્ણવવા માટે ઉપમા અને રૂપક જેવા અલંકારો. બટુકના દીકરી પ્રત્યેના સ્નેહ માટે કથક કહે છે: “પૃથ્વીના ઇતિહાસમાં તેઓ અભૂતપૂર્વ પિતા છે. આજ સુધી કોઇ દીકરી બાપનું ઘર છોડીને ગઇ નથી.” જયારે બટુક દુઃખી થઇને કથકને પૂછે છે: “મારી દીકરીને કોઇ દિવસ જોઇ છે?” પિતાનો પુત્રી પ્રત્યેનો સ્નેહ જોઇ કથક નિરુત્તર થઇ જાય છે. બટુકની પત્ની દીકરીને કહે છે કે તારા કાકા પાસે કોઇ જવાબ નથી. આ સમયે દીકરી મહેશ્વરી પાસે લેખકે સરસ પ્રતિક્રિયા અપાવી છે: “...કોઇ કોઇ માણસો, વિશિષ્ટ સંજોગોમાં જાણીજોઇને હાર સ્વીકારી લેતાં હોય છે.”

બીજું કંઇ? (ધીરેન્દ્ર મહેતા): અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે: uncertain. આપણે ગુજરાતી ભાષામાં કહીશું: “અચોક્કસ”. વાર્તાનો નાયક પરિમલ કોઇ પણ બાબતે અચોક્કસ છે. ક્યાંય કોઇ વાતનો આગ્રહ નહીં, પોતાનો અભિપ્રાય નહીં, પસંદગી નહીં. ચલાવી લેવાનું, કોઇ પણ પરિસ્થિતિને અનુકૂળ થઇ જવાનું એના સ્વભાવમાં વણાઈ ગયું હતું. લગ્ન પછી પત્ની નોકરી કરશે એવો ખ્યાલ ન હતો, પત્ની નોકરી કરવા માંડી એ વાતનું એને આશ્ચર્ય થયું, પણ એણે સ્વીકારી લીધું. કોઇ વિરોધ નહીં, કોઇ દલીલ નહીં. દીકરીએ જાતે જીવનસાથી પસંદ કર્યો. ભાવિ જમાઈને એ જોવા કે મળવા પણ ગયો નહીં! બધું નક્કી છે પછી શું જોવું? પત્નીને નોકરીમાં બઢતી મળી, ટ્રેનિંગમાં ગઇ, પોતે એકલો પડી ગયો, બધી જ વાતો જોડે એ વિના ફરિયાદે અનુકૂળ થઇ ગયો. દીકરીએ ઘરકામ માટે એક બાઇ રાખીને વ્યવસ્થા કરી આપી, એમાં પણ એનો કોઇ અભિપ્રાય નહીં, કોઇ મત નહીં! આવા ઈચ્છામુક્ત અને દિશાહીન, માણસો આપણા સમાજમાં હોય છે. આપણી કુટુંબવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા એવી છે કે આવા માણસો નભી જાય છે. વાર્તાનું શીર્ષક અને અંત બંને સૂચક છે: “બીજું કંઈ?” જેવા પ્રશ્નનો પણ પરિમલ પાસે જવાબ નથી. એને એવો વિચાર જ આવ્યો નથી કે પોતાને ચોક્કસપણે શું જોઈએ છે!      

થાંભલો (દેવ કનુભાઈ પંડ્યા): શહેરના એક રસ્તા પર બસ સ્ટેન્ડના વિસ્તારનું શબ્દચિત્ર. એ વિસ્તારની કોઇ ઓફિસમાં કોઇ કામથી આવેલી નાયિકા સાંજે ઘેર પાછી ફરવા બસની રાહ જુએ છે.  એ દિવસે એ એક ચોક્કસ બસ ચૂકી ગઇ છે. સમયપત્રક પ્રમાણે દોઢ કલાક પછીની બસની રાહ જોતી એ ઊભી રહે છે. નજીક એક થાંભલો છે. સ્ટેન્ડ પર શ્રમજીવીઓ ઊભાં છે. એક તરફ કૂતરા અને કૂતરીને ગેલ-ગમ્મત કરતાં બતાવીને લેખક માનવ સહિત તમામ જીવસૃષ્ટિની આદિમવૃત્તિ તરફ ઈશારા કરે છે.

સાંજ પડ્યે દેહવ્યવસાય કરતી સ્ત્રીઓ ગ્રાહકની શોધમાં  એ બસ-સ્ટેન્ડ પર ટોળે વળીને ગ્રાહકોની રાહ જોતી ઊભી રહે છે. એમાંની એક ધંધાદારી સ્ત્રી નાયિકાને જોઇને પૂછે છે, “નઈ આઈ હૈ ક્યા?” નાયિકાના ઉત્તર પરથી સમજાય છે કે એ  પ્રશ્નનો મર્મ એ સમજી નથી.

જો નાયિકાને ખબર હોત કે એ ચોક્કસ બસ સ્ટેન્ડ પર અમુક સમયે રૂપજીવિનીઓ ગ્રાહકોની શોધમાં ઊભી રહે છે તો? કમ સે કમ બે મિનીટ પહેલાં ત્યાંથી પસાર થયેલાં એક યુગ્મમાંથી પુરુષે એની જોડેની સ્ત્રીને નાયિકા માટે પૂછ્યું હતું કે આ અહીં નવી આવી છે કે કેમ એ ક્ષણે પણ નાયિકાને ખ્યાલ આવ્યો હોત કે લોકો એને કઇ નજરે જોઇ રહ્યાં છે, તો? તો કદાચ નાયિકાનો મનોવ્યાપાર કંઇક જુદો હોત. તો કદાચ ચોક્કસપણે એક રસપ્રદ વાર્તા બની હોત. નાયિકાની જોડે જોડે કદાચ લેખક પણ બસ ચૂકી ગયા હોય એવું લાગે છે. ખેર.    

--કિશોર પટેલ; 10-02-21; 12:47.

###


Thursday 4 February 2021

શબ્દસૃષ્ટિ જાન્યુઆરી ૨૦૨૧ ની વાર્તાઓ વિષે:


 

શબ્દસૃષ્ટિ જાન્યુઆરી ૨૦૨૧ ની વાર્તાઓ વિષે:

(૩૦૩ શબ્દો)

સંકોચ (જિતેન્દ્ર પટેલ): કેટલાંક માણસો ચાલાકીથી અન્યોની ભલમનસાઇનો ગેરલાભ ઉઠાવતાં હોય છે. “ગરીબ છું, વિધવા છું.” એવું કહીને લખી નામની સ્ત્રી એક ઓફિસમાં સફાઇકામની નોકરી મેળવી લે છે. મોટી મોટી કંપનીઓમાં વિવિધ કાર્યક્રમ હેઠળ કર્મચારીઓના ઘરની મુલાકાત લેવાની રસમ હોય છે. એવા પ્રસંગે લખી વિરોધ કરતી: “મારા જેવી ગરીબના ઘેર તમે મારે ઘેર આવશો તો હું તમને ક્યાં બેસાડીશ? મને સંકોચ થશે.” એવું કહી એ મેનેજરની મુલાકાત ટાળી દેતી હતી. છેવટે એક દિવસ મેનેજર આકસ્મિક રીતે એના ઘેર પહોંચી જાય છે ત્યારે લખીનું ઘર જોઇને એ ચકિત થઇ જાય છે. ઘર ગરીબોની વસ્તીમાં હતું પણ સુખસુવિધાવાળું હતું. લખીના છોકરાં લેટેસ્ટ ગેઝેટથી રમતાં હતાં. લખી મેનેજરને પોતાને ઘેર આવેલા જોઇને ખરેખર ખૂબ સંકોચ પામી;  ગરીબીને લીધે નહીં પણ બનાવટ પકડાઈ ગઇ એટલે. સમાજમાં આવા માણસો પણ હોય છે. પ્રવાહી રજૂઆત.        

બાધા (ગોરધન ભેસાણિયા): આપણા દેશમાં, ખાસ ખરીને ગ્રામ્ય વિસ્તારમાં કેટલાંક માણસો ઈચ્છિત કામ પાર પાડવા બાધા માનતા હોય છે. કામ થઇ જાય એટલે બાધા ઉતારવાની હોય. હવે ઘણી વાર બાધા એવી હોય કે તે પૂરી કરતાં માણસ સલવાઈ જાય. બાધા ઉતારવા જતાં ભાણભાઇની હાલત એટલી ખરાબ થઇ જાય છે કે બીજી વાર બાધા ના લેવાની જ બાધા રાખે છે! 

જુવાન દીકરાના લગ્ન થતાં ન હતાં એટલે ભાણભાઈએ પગપાળા ગિરનાર પર્વત પર જઇને તુલસીશ્યામના દર્શન કરવાની બાધા માની હતી. દીકરાના લગ્ન થઇ ગયાં એટલે બાધા ઉતારવા ભાણભાઇ એકલાં જ પગપાળા નીકળી પડે છે. સાંજે અંધારું થઇ જાય, જંગલમાં ભાણભાઇ ભૂલા પડે, થાક્યા હોય, ભૂખે જીવ જતો હોય; ટૂંકમાં સ્થિતિ એવી થઇ જાય કે જેમની આભડછેટ રાખતાં હોય એવા લોક્વરણનાં ઘેર એમણે રોટલો ખાવો પડે!  

હેરાન-પરેશાન થઇ ગયેલા ભાણભાઇની મનોદશા વાર્તામાં સરસ રીતે ચિત્રિત થઇ છે. “મારે ઓળખાણ મોટી” એવું સતત ગાણું ગાનારા ભાણભાઇ છેવટે “અહીં મને કોણ ઓળખે છે?” એવું મનોમન બોલીને કહેવાતી હલકી વરણના માણસના ઘેર રોટલો ખાઇ લે છે. હળવી શૈલીમાં પ્રવાહી અને પ્રભાવી રજૂઆત.      

--કિશોર પટેલ;  05-02-21; 05:18.  

###