Wednesday 16 September 2020

જલારામદીપ સપ્ટેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 

જલારામદીપ સપ્ટેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૪૬૪ શબ્દો)

આ અંકમાં કુલ નવ વાર્તાઓ છે. નવ વાર્તાઓમાંથી મારી દ્રષ્ટિએ ત્રણ સરસ, ત્રણ સરેરાશ, બે સામાન્ય, અને એક નબળી છે.      

સહુ પ્રથમ ત્રણ સારી વાર્તાઓ વિષે:

જીજાજી (જગદીપ ઉપાધ્યાય) : આપણે ત્યાં જમાઇને સામાન્ય રીતે ઘણાં માનપાન મળતાં હોય છે. પ્રસંગોપાત એમાં ઓગણીસ-વીસ થઇ જાય તો કેટલાક જમાઈઓ નાનાં બાળકની જેમ રીસાઈ પણ જતાં હોય છે. એવા એક જમાઈની વાર્તા. બનેવી અને સાળા બંનેનું પાત્રાલેખન સરસ. બનેવીની ભાષામાં ગ્રામ્યબોલીનો સરસ પ્રયોગ. હળવી શૈલીમાં મજેદાર રજૂઆત. સારી વાર્તા.

ઊભા રે’જો (લતા હિરાણી) : આયખું જેની જોડે કાઢ્યું એ હવે રહ્યાં નથી એટલી જાણ થતાં જ ડોસીએ પણ જીવ કાઢી નાખ્યો. પાડોશી દયાકાકા, દીકરાઓ રમેશ-સુરેશ, વહુનું, નાનકા છોકરાનું સહુનું ઓછાં શબ્દોમાં સરસ પાત્રાલેખન. ઘટનાનું આલેખન સારું. સરસ રજૂઆત. સારી વાર્તા.

રામ તુલસી શ્યામ તુલસી (દીના પંડ્યા) : એક માતા અને બે પત્નીઓ. ત્રણેત્રણ પીડિતાઓ એક થઇ ગઇ અને શોષણખોર પુરુષ એકલો પડી ગયો એટલે સીધો દોર થઇ ગયો. અંત સારો એનું સઘળું સારું. તળપદી ભાષાનો સરસ પ્રયોગ. ગ્રામ્ય વાતાવરણ સરસ ઊભું કર્યું. પ્રારંભમાં અંગમાં માતા આવવાના દ્રશ્યનું સરસ વર્ણન. સારી વાર્તા.   

ત્રણ સરેરાશ વાર્તાઓ:

ટ્રાન્સફર (ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’) : પતિ,પત્ની ઔર વો. પતિનું માનસ શંકાશીલ. રજૂઆત સરેરાશ. દેવી (કિશોર વ્યાસ) : ગામડાની બસમાં નાયિકાને એકલી જોઇને એક મવાલી તેનો વિનયભંગ કરવા ઈચ્છે છે; ડ્રાઈવર-કંડકટર પણ એના મળતિયા હોય એવું લાગે છે. વચ્ચેના સ્ટોપ પરથી બસમાં કિન્નરોની ટોળી પ્રવાસમાં જોડાય છે અને ચિત્ર બદલાઇ જાય છે. નાયિકાના મનોભાવોનું આલેખન સારું. જાહેર જીવનમાં અસભ્ય વર્તન કરતાં પુરુષો વિષે લેખક એક સ્ટેટમેન્ટ કરે છે. સરેરાશ વાર્તા. હાથતાળી (એકતા દોશી) : માણસ હજી પણ તેના કર્મ કે ગુણથી નહીં પણ કયા ધર્મમાં જન્મ્યો છે એના પરથી ઓળખાય છે એ અંગે સ્ટેટમેન્ટ કરતી વાર્તા. વર્ષો પહેલાં છૂટા પડી ગયેલા બે પ્રેમીઓ નાટ્યાત્મક પરિસ્થિતિમાં ફરી મળે છે. રજૂઆત સરેરાશ.

બે સામાન્ય વાર્તાઓ :

પહેલો પ્રેમ (મનહર ઓઝા) : નાના શહેરની છોકરીઓને પ્રેમમાં પાડી વેશ્યાવ્યવસાયમાં ધકેલી દેનારી એટલે કે હ્યુમન ટ્રાફિકિંગ કરનારી ટોળકીની વાત છે. પ્રસંગોનું નાટ્યાત્મક નિરૂપણ થયું છે છતાં આ કૃતિ વાર્તા બનતી નથી. હા, એક નવલકથાનો કાચો મસાલો જરૂર છે. ઉડાઉ દીકરો (રમણ મેકવાન) : “છોરું કછોરું થાય, માવતરથી કમાવતર ના થવાય.” કહેવતના અર્થની બાઈબલમાં કહેવાયેલી એક કથાની સામાન્ય રજૂઆત.

એક નબળી વાર્તા:

તાઝેરાતે હિન્દ (સદાશિવ વ્યાસ) : માનસિક અસ્થિર દર્દીઓની હોસ્પિટલના એક દર્દીની વાત છે. આ રહી વાર્તાની મોટી ભૂલો: ૧.  પ્રથમ પુરુષ એકવચન કથનશૈલીમાં શરુ થયેલી વાર્તા અંત સુધી જતાં જતાં ત્રીજા પુરુષ એકવચનમાં બદલાઇ જાય છે. ૨. અહીં દાખલ થયેલાં દર્દીઓનો ઉલ્લેખ કથક “પાગલ” તરીકે કરે છે. વાર્તાનો કથક ડોક્ટર છે. કમસે કમ એક ડોક્ટર તો એમને પાગલ ના કહે. ડોક્ટર સામાન્યપણે એમનો ઉલ્લેખ “દર્દી” તરીકે કરતાં હોય છે. ૩. જે વિશેષ દર્દીની વાત થાય છે એને માટે કથક કહે છે કે “તે ન્યાયાલયમાં  માનનીય જ્યુરીના પદે હતા.” જ્યુરી નામનો કોઈ હોદ્દો હોતો નથી. જ્યુરી નીમવામાં આવતી હોય છે; જ્યુરી એક કરતાં વધુ સભ્યોની બનેલી હોય છે. નબળી વાર્તા.

--કિશોર પટેલ; બુધવાર, 16 સપ્ટેમ્બર 2020;13:13

###


Tuesday 15 September 2020

મમતા સપ્ટેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે (૪૦૦ શબ્દો)

 

મમતા સપ્ટેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે (૪૦૦ શબ્દો)

આ વિશેષાંક collector’s item  બન્યો છે!

મમતા વાર્તામાસિકના નવ વર્ષનાં ઇતિહાસમાં પહેલી વાર એવો સુભગ સંયોગ થયો છે કે અંકની બધી જ વાર્તાઓ સરસ મઝાની છે! હા, હાસ્યવાર્તાઓનો આ વિશેષાંક ખરેખર સાચવવાલાયક એટલે કે collector’s item  બન્યો છે!  

હા, હું બાબુ સુથાર (બાબુ સુથાર) : મઝાની ફેન્ટેસી વાર્તા. ફેન્ટેસી વાર્તામાં ઘણી વાર તર્ક શોધવાનો હોતો નથી પણ આ વાર્તામાં જરા વિચાર કરતાં એવું લાગે કે વાર્તાના નાયક ઉપર આગંતુક કોઇક વાતનો બદલો લે છે. આવી રીતે વારંવાર નામ પૂછીને ભાગી જઇને એ નાયકને ટોર્ચર કરે છે. માણસ વિચારતો થઇ જાય: શું હશે? શું કામ આવું કરતો હશે?  સબક (રવીન્દ્ર પારેખ) : મઝાની વ્યંગકથા. મફતલાલ (વલ્લભ નાંઢા) : જોખમથી હંમેશા પોતાને સલામત અંતરે રાખતાં કથકને મફતલાલ કેવી રીતે ઉલ્લુ બનાવી જાય છે તેની સરસ વિનોદી રજૂઆત. 

ભગવાનની વાંસળી: સુરભી (રાહુલ શુક્લ) : ઈશ્વર નથી એવા એક પાત્રની દીર્ઘ ચર્ચાનો અંત બીજું પાત્ર શૃંગારિક પદ્ધતિએ આણે છે અને પહેલાં પાત્રને ઈશ્વરનું દર્શન થઇ જાય છે. સરસ વાર્તા! એકસો ને એક ટકા શાંતિ (સુષ્મા કે.શેઠ) : સરસ વાર્તા. પરફેક્ટ પ્લોટ, બહેતરીન પ્રસ્તુતિ! ક્યા બાત! રહસ્ય પણ છે, રમૂજ પણ છે! બે મુખ્ય પાત્રોમાંથી એકને  બંગાળીભાષી રાખીને લેખકે મોટું જોખમ લીધું, પણ એની ભાષા-એની બોલી, સંપૂર્ણ રજૂઆત બધું જ લેખકે સરસ નિભાવ્યું. એકસો એક ટકા મઝેની વાર્તા. રવજીની તોપ (કિશોર વ્યાસ) : વાહ! રવજીની તોપે જે ફટાકડા ફોડ્યા છે! મઝા આવી ગઇ. સરસ વાર્તા!

ઓથર એપ (અર્જુનસિંહ રાઉલજી) : ઓથર એપની કલ્પના સરસ. એક જ સમસ્યા છે: અંત અચાનક આવી ગયો. ચંપલચોર (મહેન્દ્ર ચંદુલાલ ભટ્ટ) : ચંપલની એક જોડ પણ કોઈને માટે કિંમતી વસ્તુ હોઈ શકે. સુખલાલની એવી કિંમતી વસ્તુ ચોરાઇ જાય છે. વાર્તાની રજૂઆત સરસ છે. પ્રારંભ, મધ્ય અને અંત ત્રણે ભાગ સરસ. અંતની ચોટ પણ જબરી.  ફરી દ્વારકા (હસમુખ રાવલ) : શ્રીકૃષ્ણની મદદ માંગવા ગયેલા આજના સુદામાને કૃષ્ણના બદલે બળરામ મળે છે. ખાલી હાથે આવેલા સુદામાને બળરામ જબરી રીટર્ન ગિફ્ટ આપે છે. સરસ વાર્તા. ગળપણ (જગદીશચંદ્ર ત્રિવેદી) : ડાયાબિટીસના પગલે કથકે પત્નીને કદી જીવતેજીવ ગળ્યું ખાવા દીધું નહીં, હવે પોતાને એ જ બીમારી વળગી એટલે સ્થિતિપાત્ર હોવાં છતાં એ ગળ્યું ખાઇ શકતો નથી. હળવી શૈલીમાં સારી રજૂઆત.

આ ઉપરાંત હરિશંકર પરસાઇની ત્રણ વ્યંગ-લઘુકથાઓ (મૂળ હિન્દી, બે લઘુકથાઓની રજૂઆત સંજય છેલ દ્વારા અને એકની રજૂઆત દિલીપ ગણાત્રા દ્વારા); લીઓ ટોલ્સટોયની એક વાર્તા (મૂળ રશિયન; અનુ: દિલીપ ગણાત્રા) ; જ્યોર્જ માલપાસની એક વિજ્ઞાન-કમ-હાસ્યકથા (મૂળ ભાષાની માહિતી નથી; રજૂઆત યશવંત મહેતા); જેરોસ્લાવ હાઝેકની મૂળ ચેક વાર્તા (અનુ:બાબુ સુથાર)   પણ આ અંકના નિયમિત વિભાગોમાં છે.   

--કિશોર પટેલ; શનિવાર, 12 સપ્ટેમ્બર 2020; 20:05

###  

 

   


Monday 14 September 2020

પરબ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૦ અંકોની વાર્તાઓ વિષે:



 

પરબ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૦ અંકોની વાર્તાઓ વિષે:

(૨૫૬ શબ્દો)

બંને અંકમાં એક એક વાર્તા છે, બંને સરસ, વાચનક્ષમ વાર્તાઓ છે.

વેલ્યુ (સંજય ચૌધરી) :

માનવમન એટલું તો સંકુલ છે કે ક્યારે કોના મનને કેવી રીતે ઠેસ લાગી જશે કંઇ કહેવાય નહીં. એમાં પણ શૈક્ષણિક, સામજિક કે આર્થિક સ્તર જેટલું નીચું એટલો જેનો તેનો અહં મોટો. પ્રસ્તુત વાર્તામાં બે અલગ અલગ વર્ગના પાત્રોનો અલગ અલગ સ્થિતિમાં અહં ઘવાય છે. સાતમી ચોપડી પાસ પણ ગ્રેજ્યુએટના સ્તરનું કામ કરતાં શંભુને સામાન્ય વાતમાં મંડળીના પ્રમુખ એક લાફો મારી દે છે અને શંભુને ખોટું લાગી જાય છે. “આપણી કોઇ વેલ્યુ જ નહીં?”  આ જ પ્રશ્ન એના મિત્ર અને એનાથી વધુ શિક્ષિત અને વધુ જવાબદારીનું કામ કરતાં કોન્ટ્રકટર ચેતનને થાય છે. ચેતનનો અહં ક્યારે અને શું કામ ઘવાય છે? વેલ, આ રજૂઆતની કમાલ છે કે ક્યાંય સીધું કહ્યું નથી અને છતાં એ વાત સ્પષ્ટ થાય છે. સરસ વાર્તા! (ઓગસ્ટ ૨૦૨૦)

માછલી (વીનેશ અંતાણી) :

ગરીબીમાં સબડતી એક કન્યાની કરુણતાની વાત. પિતા છે પણ કામકાજ કંઇ કરતા નથી. માતા શ્રીમંતોને ત્યાં ઘરકામ કરીને કુટુંબનું પાલનપોષણ કરે છે. ક્યારેક માને સારું ના હોય ત્યારે દીકરી કામ કરવા જાય છે. એવે કોઈક પ્રસંગે જુવાન છોકરી જોડે ના બનવાનું બન્યું હશે અને ગર્ભ રહી ગયો હશે. કન્યાની એ અવસ્થાનો શ્રીમંતો જે ઈલાજ કરી શકે તે કરાવ્યો છે.

આ વાર્તાની રચનારીતિ જુઓ, ગર્ભપાત પછીની સ્થિતિના વર્ણનથી વાર્તાનો ઉપાડ થાય છે અને હોસ્પિટલની અસહ્ય પરિસ્થિતિમાંથી ભાગી છૂટીને એ છોકરી નદીના પાણીમાં ઊતરીને એક માછલીને પોતાની છાતીએ વળગાડે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. સંપૂર્ણ વાર્તામાં વિષાદ છવાયેલો છે. નીવડેલા વાર્તાકાર તરફથી મળેલી વાર્તામાં સરસ વાર્તાનુભૂતિ. (સપ્ટેમ્બર ૨૦૨૦)

--કિશોર પટેલ, ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020;17:15

તા.ક. પરબનાં આ બંને અંકો વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો:

www.gujaratisahityaparishad.org

###             

Sunday 13 September 2020

શબ્દસૃષ્ટિ માર્ચથી ઓગસ્ટ ૨૦૨૦ અંકોની વાર્તાઓ વિષે:

 




શબ્દસૃષ્ટિ માર્ચથી ઓગસ્ટ ૨૦૨૦ અંકોની વાર્તાઓ વિષે:

(૬૮૧ શબ્દો)

ચાલુ વર્ષનાં માર્ચથી ઓગસ્ટ છ મહિનાના સમયગાળામાં શબ્દસૃષ્ટિ સામયિકના કુલ ચાર અંકો પ્રસિદ્ધ થયાં છે. માર્ચ અંકમાં એક, એપ્રિલ-મે-જુન સંયુક્ત અંકમાં ચાર, જુલાઇ અંકમાં બે અને ઓગસ્ટ  અંકમાં બે એમ બધું મળીને કુલ નવ વાર્તાઓ પ્રગટ થઇ છે.

આ નવ વાર્તાઓમાંથી મારી દ્રષ્ટિએ એક સરસ વાર્તા, પાંચ સારી વાર્તાઓ, બે સામાન્ય વાર્તાઓ અને એક અ-વાર્તા છે.

સહુ પ્રથમ સરસ વાર્તાની વાત.

તરસ્યા કુવાને કાંઠે (ગુણવંત વ્યાસ) : સંપૂર્ણ વાર્તા વ્યંજનામાં ચાલે છે. નાની બાળકી જીવીને સમજાતું નથી કે રોજ રાતે ગામના લોકો કૂવો ખોદવા કેમ આવે છે, રોજ કેમ એણે બાપની આંગળી ઝાલીને બીડીની દુકાને જઇને બેસી રહેવું પડે છે, રાત્રે ઊંઘ ઊડી જાય ત્યારે પડખે મા કેમ નથી હોતી. ગામ આખું કૂવામાં કચરો નાખે છે, એક દિવસ કૂવો કોહવાઇને ગંધાઈ ઊઠે છે! માણસજાતના ઈતિહાસ જેટલાં જ જૂનાં વેશ્યાવ્યવસાયની વાત લેખકે કેવા સરસ રૂપક વડે કહી છે! સરસ વાર્તા! (જુલાઇ ૨૦૨૦)

પાંચ સારી વાર્તાઓ:

૧. શરત (ધરમાભાઇ શ્રીમાળી) : સ્ત્રી સશક્તિકરણની વાત. ગામડામાં એક સ્ત્રી પર બળાત્કાર થયો છે. ફરિયાદ થઇ છે અને આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. આરોપી ગામના આગેવાનનો દીકરો છે. ફરિયાદ પાછી ખેંચી લેવા માટે નાયિકા પર ચારે તરફથી દબાણ થાય છે. નાયિકાને એક વાર તો એમ થાય છે કે ભરી સભામાં આરોપીની પત્નીને પોતાનો પતિ કસકસીને એક ચીમટો ભારે ભરે તો થઇ જાય સમાધાન.   પણ આવી શરતની અર્થહીનતા નાયિકાને સમજાય છે. નાયિકાના મનોમંથનનું આલેખન સારું થયું છે. પતિ, સાસુ અને ગામ આખાના દબાણ સામે ના ઝૂકવાની મક્કમતા અને એક નિર્દોષ સ્ત્રીને અન્યાય ના થવા દેવાની ભાવના વડે ગૌરીના પાત્રનું કદ મુઠી ઊંચેરું સાબિત થાય છે. સારી વાર્તા. (માર્ચ ૨૦૨૦) 

૨. ગજું (કેશુભાઇ દેસાઇ) : અંધશ્રદ્ધા અને અતૃપ્ત ઈચ્છાઓને લીધે પાકટ વયના મનોહરલાલ એક બાવાના હાથે ઠગાઇ જાય છે. એ જ બાવા પાસે ઠગાઇ થયાની રાવ ખાવા એ જાય ત્યારે બાવો હજી એને ઊંધા રવાડે ચડાવે છે: “હાલીમુવાલીનું એ ગજું નહીં!” સામાન્ય માણસની નબળાઇ પર જબરો કટાક્ષ. સારી વાર્તા. (એપ્રિલ-મે-જૂન ૨૦૨૦) 

૩. ખરે ટાણે (ગોરધન ભેસાણિયા) : વિધિની વક્રતા. એક દંપતી છે જેને ત્યાં શેર માટીની ખોટ છે. બીજું એક દંપતી છે જે કહે છે કે આવો નપાવટ દીકરો આપ્યો એના કરતાં ભગવાને અમને વાંઝિયા રાખ્યાં હોત તો સારું હતું. બસમાં એક કલાકાર કાકાનું પાકીટ તફડાવી જાય છે. અણીના સમયે એક યુવાન કાકાને રોકડા રૂપિયાની મદદ કરે છે. મદદ કરનારની અસલિયત કાકાને પાછળથી જાણવા મળે છે. જો કે આ વાતની જાણ કાકાને ન થતાં ફક્ત વાચકને-ભાવકને થઇ હોત તો વાર્તા વધુ સારી બની હોત. સારી વાર્તા. (એપ્રિલ-મે-જૂન ૨૦૨૦)

૪. ટનલ (કિશનસિંહ પરમાર) : સાયન્સ ફિક્શન વાર્તા. અજાયબ કણની શોધ કરતાં કરતાં ડો. કેયુર જોશી પ્રયોગશાળામાં કોઇ ભૂલના કારણે ટાઈમ ટ્રાવેલ કરીને  પંદર વર્ષ પહેલાંના સમયમાં પહોંચી જાય છે. સારી વાર્તા. (જુલાઇ ૨૦૨૦)

૫. પથરો (લતા હિરાણી) : ઘરમાં સાસુનું વર્ચસ્વ એવું છે કે નથી સસરા કંઇ બોલી શકતા કે નથી પતિનું કંઇ ઉપજતું. એવા ઘરમાં દુઃખી થયેલી નાયિકા ફારગતી ઈચ્છે છે, સગાં-સ્નેહી પણ સત્ય સમજે છે એટલે ફારગતી માટે સહુ એકમત થાય છે પણ છેલ્લી ઘડીએ પાડોશનો એક નાનો છોકરો હકદાવો રજૂ કરે છે કે “ભાભી અમારા છે! એને તમે લઇ જઇ નહીં શકો!” નાયિકાને જાણે બહાનું મળી ગયું હોય એમ નિર્ણય ફેરવી તોળે છે.  માનવીય લાગણીઓનું સારું આલેખન. સારી વાર્તા. (ઓગસ્ટ ૨૦૨૦)

બે સામાન્ય વાર્તાઓ:

૧. ઉડાન (રેખા જોશી) : પુરુષપ્રધાન માનસિકતાથી પીડિત નાયિકા નથી અન્યાય સહન કરી શકતી કે નથી વિદ્રોહ કરી શકતી. સામાન્ય વાર્તા. (ઓગસ્ટ ૨૦૨૦)

૨. નમાલો (અન્નપૂર્ણા મેકવાન) : ‘નમાલો’ કહીને આખું ગામ જે આદમીને ચીડવતું હતું  એ આદમી યુક્તિપૂર્વક પોતાની દીકરીને અયોગ્ય ઠેકાણે પરણતી અટકાવે છે. અહેવાલાત્મક સામાન્ય વાર્તા. (એપ્રિલ-મે-જૂન ૨૦૨૦) 

એક -વાર્તા:

એન્ટિક પીસ (રાજેન્દ્ર પાટણવાડિયા) :  આ વાર્તા નથી.

જૂનું ઘર પાડીને વેચી નખાયું છે. મૃત માતાની યાદગીરી રૂપે જૂની બે પૈડાવાળી ઘંટી નાનો ભાઈ માંગી લે છે.

આ વાર્તાની રજૂઆત ભારે આંચકાજનક છે. લાગે છે કોઇ તદ્દન નવા નિશાળિયાની આ પહેલી વાર્તા છે.  શબ્દસૃષ્ટિ જેવા પ્રતિષ્ઠિત સામયિકમાં આટલી પ્રાથમિક કક્ષાની વાર્તા કઇ રીતે પ્રસિદ્ધ થઇ શકે એ સમજાતું નથી. વાર્તાનું કથન નરેન્દ્ર નામનું એક પાત્ર પહેલા પુરુષ એકવચનમાં કરે છે પણ જ્યાં જ્યાં એનો પોતાનો ઉલ્લેખ આવે ત્યાં એટલું વાક્ય ત્રીજા પુરુષ એકવચનમાં લખાયું છે. વળી ‘નરેન્દ્ર’ એવું લખીને કૌંસમાં ‘હું’ લખાયું છે. આવું “નરેન્દ્ર એટલે કે હું” આખી વાર્તામાં કુલ દસ વખત આવે છે!  વાર્તાનું કથન  પહેલા પુરુષમાંથી ત્રીજા પુરુષમાં સતત બદલાતું રહે છે. (એપ્રિલ-મે-જૂન ૨૦૨૦)   

--કિશોર પટેલ; બુધવાર, 09 સપ્ટેમ્બર 2020;19:41.

###

 

 

 

  


Saturday 12 September 2020

નવનીત-સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 


નવનીત-સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૨૯૩ શબ્દો)

આ અંકમાં એક સરસ વાર્તા અને બે સારી વાર્તાઓ છે. આ ઉપરાંત એક ચમત્કારની વાર્તા છે.

સહુ પ્રથમ સરસ વાર્તા વિષે:

સાવિત્રીનો સંસાર (જયંત રાઠોડ) : સ્વજનો માટે જાત ઘસી નાખતી એક સ્ત્રીની જિંદગીનો ચિતાર આપતી વાર્તા.  પતિ-પત્ની બંનેના અંગમાં ખોડ છે પણ છતાં પતિમાં પુરુષ હોવાનું મિથ્યાભિમાન છે. એવા સંવેદનાશૂન્ય પતિ પાછળ આખી જિંદગી ઘસી નાખીને પણ પતિ તરફથી સાવિત્રીને આદર મળ્યો નથી.  એકના એક પુત્રમાં પણ પુરુષ હોવાના મિથ્યાભિમાનના લક્ષણો સાવિત્રીને દેખાય છે. થોડો ઘણો આદર મળ્યો છે, એના વ્યક્તિત્વનો સ્વીકાર થયો છે તો એ નિશાળનાં સ્ટાફ જેવા બહારનાં  માણસો દ્વારા. પુત્રવધુનો હાથ પકડીને સાવિત્રી ઘરમાં લઇ જાય છે એવો અંત સૂચક છે. સરસ વાર્તા.     

નોંધનીય અભિવ્યક્તિ : // જાતને ભૂંસીને ટેકો આપેલું ઘર આ આંચકો ખમી શકશે કે કેમ? // બહુ પાછળથી સમજાયું કે શરીરની કોઇ ગ્રંથિ પોતાના કરતાં એના પતિમાં ઓછી સક્રિય હતી. // જાણે એ એકલી એકલી ધર્મનો એક માત્ર ફેરો  ફરતી રહી. //   

બે સારી વાર્તાઓ:

ભૂખ (મેઘા ત્રિવેદી) : પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લા દેશ) અને ભારતનાં યુદ્ધગ્રસ્ત સરહદી વિસ્તારમાંથી કોલકાતા શહેરમાં આવી ચઢેલા એક તરુણની વાત. જીવનમાં ટકી રહેવાનો સંઘર્ષ માણસને કેવો સ્થિતિસ્થાપક બનાવી દે છે એની વાત. વાર્તામાં ઠેર ઠેર કારુણ્યસભર શબ્દચિત્રો નજરે પડે છે. સારી વાર્તા.  

રોગ (અશ્વિની બાપટ) : બેકારી, નિષ્ક્રિયતા અને ઉદ્દેશહીન જીવન માણસના મનને કેવી રીતે નબળું પાડી દઇ શકે છે એનું ઉત્તમ  ઉદાહરણ એટલે આ વાર્તામાં અકુનું પાત્ર. સારી વાર્તા.  

ચમત્કારની વાર્તા:

વામની... (અરવિંદ બારોટ) : સાચા હ્રદયથી ભક્તિ કરનારા ભક્તને ઈશ્વર સાક્ષાત દર્શન આપે છે એવી ચમત્કારિક કથા.

ગમી ગયેલી વાર્તા (શરીફા વીજળીવાળા) : સ્ટેફાન ત્સ્વાઈકની જાણીતી વાર્તા a letter from an unknown woman નો પરિચય શરીફાબેને કરાવ્યો છે. એકપક્ષી પ્રેમનું એકરારનામું. આ વાર્તા પરથી બે વાર ફિલ્મ પણ બની છે.

# આ અંકની વાર્તાઓ વાંચવા માટે ક્લિક કરો: http://www.navneetsamarpan.com

--કિશોર પટેલ ; લખ્યા તારીખ: શનિવાર, 05 સપ્ટેમ્બર 2020; 18:01

###