Tuesday 21 July 2020

એતદ જૂન ૨૦૨૦ (પૂર્વાર્ધ) અંકની વાર્તાઓ વિષે



એતદ જૂન ૨૦૨૦ (પૂર્વાર્ધ) અંકની વાર્તાઓ વિષે:

(૩૫૪ શબ્દો)

કોરોના વિશેષાંકની આ બંને વાર્તાઓનો વિષય સ્વાભાવિકપણે “કોરોના” છે. એક વાર્તા ખતરનાક વાયરસના પરિણામ અંગેની છે જયારે બીજી વાર્તા લોકડાઉનની અસર અંગેની છે. બંને વાર્તાઓ રસ પડે એવી બની છે.   

નિષ્ક્રમણ (હર્ષદ ત્રિવેદી) :

નિષ્ક્રમ શબ્દ પરથી નિષ્ક્રમણ શબ્દ બન્યો છે. આ શબ્દનો અર્થ ભગવદગોમંડલ અનુસાર સંન્યાસ, ગૃહત્યાગ, ઉપાધિ છોડી સંસારમાંથી નીકળી જવું તે વગેરે થાય છે. આમ શીર્ષક સંકેત કરે છે સિદ્ધાર્થના નિષ્ક્રમણ તરફ. વાર્તામાં પણ વાત એ જ છે, પત્ની અને પરિવારને ઊંઘતા મૂકીને ગૃહત્યાગ કરી જતા નાયકની. હેતુ પણ લગભગ એક જ છે: સિદ્ધાર્થનું નિષ્ક્રમણ હતું સત્યની શોધ માટેનું અને આ વાર્તાના નાયકનું નિષ્ક્રમણ છે સત્યની (મૃત્યુની) સન્મુખ થવાનું.

નાયકને હજી રોગ લાગુ પડ્યો નથી. હજી થોડાંક ચિહ્નો વર્તાય છે, ટેસ્ટ કરવાનો બાકી છે, ફેમિલી ડોક્ટર તો ના પાડે છે કે એવું કશું નથી. પણ પરિવારની સલામતી માટે નાયક ગૃહત્યાગ કરવા ઉતાવળો બન્યો છે.

નાયકની મનોદશા તો એવી છે જાણે અંતિમ યાત્રાએ નીકળવાનું હોય! બે વખત બહાર નીકળીને બે વખત એ ઘરમાં પાછો આવે છે. ના, મૃત્યુથી ડરીને નહીં પણ પરિવારની ચિંતામાં. આપણી પાછળ કોઈને તકલીફ પડવી ના જોઈએ.

નોંધનીય અભિવ્યક્તિ: // આખી જિંદગી બધાં ને પોઝિટિવ બનો, પોઝિટિવ બની રહો-નો ઉપદેશ આપનારો આજે નેગેટિવ રિપોર્ટ ઈચ્છે છે!  //  

અનુભવી કલમ પાસેથી મળેલી સારી વાર્તા.  

લોકડાઉન (કોશા રાવલ) :

આપણે જોયું અને જાણ્યું છે કે માત્ર ચાર કલાકની નોટિસમાં દેશની જનતા પર લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. સંચારબંધી લાગુ થઇ ગઇ એટલે જે જ્યાં હતાં ત્યાં સ્ટેચ્યુ થઇ ગયાં!

હરિતા જોડે ફક્ત એક રાત ગાળવા માટે રોકાયેલા સુજોયને એની જોડે ફરજિયાત એકવીસ દિવસ રોકાવું પડે છે. સોશિયલ મીડિયા પર ફુરસદે ચેટિંગ કરવું એક વાત છે અને ફરજિયાત ચોવીસ કલાક જોડે રહેવું અલગ વાત છે. ફરજિયાતપણે જોડે રહેવું પડે તો જુદી જુદી પાર્શ્વભૂમિના બે પાત્રો વચ્ચેના સંબંધો કેવો આકાર લઇ શકે એનો સરસ અભ્યાસ આ વાર્તામાં થયો છે.

રસપ્રદ પરિસ્થિતિ ઊભી કર્યા પછી વિષય-વસ્તુને લેખકે સારી બહેલાવી છે. ડાયરીનાં પાનાં લખાતાં હોય એમ બંને પાત્રોનાં મનોભાવ વારાફરતી રજૂઆત પામે છે અને વાર્તા આકાર લે છે.

નોંધનીય અભિવ્યક્તિ: // પ્રેમ સાચી માની લીધેલી કોઈ દંતકથા લાગે છે અને ઉન્માદ શરીરની રાસાયણિક પ્રક્રિયાનો કોઈ પ્રત્યુત્તર લાગે છે. //

પ્રતિભાશાળી અને આશાસ્પદ કલમ પાસેથી મળેલી રસપૂર્ણ વાર્તા.      

---કિશોર પટેલ, રવિવાર, 19 જુલાઈ 2020; 6:02 ઉત્તર મધ્યાહ્ન.  

###   

Monday 20 July 2020

જલારામદીપ જુલાઇ ૨૦૨૦ વાર્ષિક વિશેષાંકની વાર્તાઓ વિષે



જલારામદીપ જુલાઇ ૨૦૨૦ વાર્ષિક વિશેષાંકની વાર્તાઓ વિષે :

(૯૫૫ શબ્દો)

આ વાર્તામાસિકની પરંપરા પ્રમાણે જુલાઇ મહિનાનો અંક વિશેષાંક હોય છે, એમાં એક ચોક્કસ વિષય પરની વાર્તાઓ રજૂ થતી હોય છે. પણ તંત્રીલેખમાં શ્રી સતીશભાઈ ડણાકસાહેબે નોંધ્યું છે તે પ્રમાણે આ વર્ષે મહામારીના પ્રતાપે ચોક્કસ વિષય પર વિશેષાંક તૈયાર થઇ શક્યો નથી.  એમણે ટહેલ નાખી એ પ્રમાણે આમંત્રિત લેખકોએ એમની તાજી રચના મોકલી આપી છે.
પ્રસ્તુત સંપુટમાં વિષય-વસ્તુ અને રજૂઆતની દ્રષ્ટિએ સારી, સરેરાશ અને સામાન્ય વાર્તાઓ છે.     

સારી વાર્તાઓ:

કોઇનું ચાલ્યું જવું (માવજી મહેશ્વરી) : કરુણતા એ છે કે એક મોભાદાર અને પ્રતિષ્ઠિત કુટુંબને દુઃખ એક સ્વજન ખોવાયાનું નથી પણ કુટુંબની પ્રતિષ્ઠાને થતી હાનિનું છે. આ વાર્તામાં રચનારીતિ ધ્યાનાકર્ષક છે. સમસ્યા શું થઇ છે એનું રહસ્ય સાદ્યંત જળવાયું છે અને ધીમે ધીમે વાર્તાના એક એક પડ ખૂલતાં જાય છે. આરંભમાં ટાવરમાં તિરાડ પડવાની વાત સૂચક. સરસ અને પઠનીય વાર્તા.    

તદ્દન (રજનીકુમાર પંડ્યા) : ઓફિસમાં હેડક્લાર્ક જેવી બઢતી મળતાં એક સામાન્ય માણસની માનસિકતામાં કેવો ફેરફાર આવે છે એનું સરસ આલેખન.

વાંક (રવીન્દ્ર પારેખ) : કરુણાંતિકા. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી એક ડોક્ટર દર્દીને મોતના મોંમાંથી તો બચાવે છે પણ દીકરીનું બલિદાન આપીને. ફરજ્પરસ્તીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. સારવારની ચોક્કસ તાંત્રિક વિગતોનું વર્ણન વાર્તાને અધિકૃતતા બક્ષે છે.       

ભગવાનનો દીકરો (પારુલ ખખ્ખર) : પોતાની મહેચ્છાઓનું સંતાનોમાં આરોપણ કરીને માતાપિતા તેમનો સ્વાભાવિક વિકાસ રૂંધે છે. આ વાર્તાનો નાયક શીખેલું ભૂલવાની યાત્રા શરુ કરે છે. સારી વાર્તા. માઇનસ પોઈન્ટ: ૧. નાયકની ચાલ માટે  પ્રયોજાયેલી ઉપમા “ફિલ્મી હીરો જેવી ચાલ” બેહુદી લાગે છે.  ૨. મનોચિકિત્સકના અવાજ માટે “હુંફાળો અવાજ” એકાદ વાર ઠીક લાગે, પણ ચાર ચાર વાર?  

યે તેરા ઘર, યે મેરા ઘર (ડો. પ્રફુલ દેસાઈ) : વિદેશમાં સ્થળાંતરિત થયેલાં કુટુંબોની ત્યાં જ જન્મેલી-ઊછરેલી બીજી પેઢીના વિદેશી રંગઢંગને કારણે લાગતાં સાંસ્કૃતિક આઘાતોની વાત. સુરેખ રજૂઆત.  

પેકેજ ટુર (વિપુલ વ્યાસ) : સરસ ફેન્ટેસી વાર્તા. અજાણ્યા મિશન પર રોમાંચક અનુભવો માણવા ગયેલા સાહસિકો આપસમાં થયેલા વિખવાદને કારણે છૂટા પડી જઇને સહુ સ્વતંત્રપણે એકલાં એકલાં અવકાશમાં વિહરી રહ્યાં છે એવી ભયાવહ કલ્પના આ વાર્તામાં થઇ છે.  જો કે મુખ્ય વિષય પર આવતાં ઘણું ફૂટેજ ખાધું.   

સરેરાશ વાર્તાઓ:  

નિરુત્તર (અજય સોની) : માવજત સારી પણ બલિદાન અને અધૂરી પ્રેમકહાણી જેવું જૂનું વિષય-વસ્તુ.  ભૂખ (હસમુખ કે.રાવલ) : રજૂઆતમાં નવું એટલું કે મૂર્તિમાં સજીવારોપણ થયું. પોતાની ભૂખ ભાંગવા ગાયને ભૂખી રાખતા માણસ સામે ભગવાન આંખ લાલ કરે છે.  બે પેઢીની વચ્ચે (દલપત ચૌહાણ) : વૃદ્ધાવસ્થામાં સંતાનો તરફથી થતી અવહેલનાની વાત. રાક્ષસો (દિવાન ઠાકોર) : સ્વર્ગ-નર્કની કલ્પના અને કોરોના મહામારીની વાસ્તવિકતાનું સંયોજન કરીને લખાયેલી આ ફેન્ટેસી વાર્તા કર્મ પ્રમાણે ફળ મળશે એવો સંદેશો આપતી સામાન્ય બોધકથા છે.  

સામાન્ય વાર્તાઓ:

કલપ (કલ્પેશ પટેલ) : લોકડાઉનની સ્થિતિમાં ગુજરાતમાં પરપ્રાંતીય શ્રમિકોની સ્થિતિ વિષે સ્ટેટમેન્ટ. શીર્ષક “તલપ”ને વાર્તા જોડે સંબંધ નથી.   કાલો હિ  દુરતિક્રમ (સતીશ વૈષ્ણવ) : નોકરી-વ્યવસાય નિમિત્તે વિદેશ ગયેલાં સંતાનોનો ઝૂરાપો અનુભવતાં માવતરોની વાત.   સંજયરંગ (નીતિન ત્રિવેદી) : ટુચકા જેવી વાર્તા. પરિવારમાં સહુની લાગણી દુભાવીને પણ ફલર્ટ કર્યા કરતા નાયકની સાન સહુ મળીને ઠેકાણે લાવે છે. એક છબરડો: નાયકના પુત્રનું નામ નીરજ છે પણ એક ઠેકાણે નિહાર લખાયું છે. શીર્ષક ‘સંજયરંગ’  અયોગ્ય છે કારણ કે ‘સંજય’ એક પૌરાણિક પાત્રનું નામ છે; એ નામના અર્થો ઘણાં જ વેગળાં છે. આવું શીર્ષક ખોટા સંકેત આપે છે. અધૂરી જિંદગી (યોસેફ મેકવાન) : પતિના લગ્નબાહ્ય સંબંધના કારણે તૂટેલાં લગ્નજીવનની કરુણાંતિકા. અંત અચાનક આટોપી લેવાયો. સામાન્ય રજૂઆત.       

પુનશ્ચ (દશરથ પરમાર) : બે પ્રેમીઓ સંજોગવશાત પરણી શક્યા નહીં પણ વરસે એક વાર ચોક્કસ તારીખે ચોક્કસ સ્થળે મળવાનું નક્કી કરી દર વરસે મળતાં રહે છે. ત્રીજા પુરુષ એકવચનમાં શરુ થયેલી વાર્તા વચ્ચે જ એક પાત્રના મનોભાવ દર્શાવવા માટે પ્રથમ પુરુષમાં કહેવાવા માંડે; એ લાંબુ ચાલે; વળી પાછું યાદ આવે એટલે અચાનક ત્રીજા પુરુષમાં! આ ટાળી શકાયું હોત.
નોંધ: આ વિષય-વસ્તુ નવું નથી.  “સેમ ટાઇમ નેક્સ્ટ ઇયર” નામનું અંગ્રેજી નાટક (૧૯૭૫, લેખક: બર્નાડ સ્લેડ); એ જ નામની જાણીતી અંગ્રેજી ફિલ્મ (૧૯૭૮) અને “મોસમ છલકે” નામનું ગુજરાતી નાટક (૧૯૮૦, લેખક: તારક મહેતા, દિગ્દ: પ્રવીણ જોશી). આ બધી જ પ્રસ્તુતિઓમાં આ જ વિષય-વસ્તુ હતાં.          

વાર્તા નહીં પણ રેખાચિત્ર / સ્મૃતિલેખ / આત્મવૃતાંત    

એ માણસ (નીતા જોશી) : આ વાર્તા નથી પણ એક પાત્રનું રેખાચિત્ર છે. આપણે જેમને નાનાં અને સામાન્ય માણસ કહીએ છીએ એવા લોકોમાં પણ ક્યારેક ઊંચી કિસમના માણસ ભટકાય જાય છે ને એટલે જ ક્થકને પેલા કાકાનું નામ પણ ના પૂછ્યાનો અફસોસ થાય છે. સરસ, હ્રદયસ્પર્શી રેખાચિત્ર. 

અમરતવેલ (ડો. ભરત સોલંકી) : આ વાર્તા નથી; એક રેખાચિત્ર છે. અન્યો માટે પોતાની જાતને ઘસી નાખી અંતિમ દિવસોમાં છેક જ એકલવાયું જીવન વીતાવતી એક સ્ત્રીના જીવનનો આલેખ અત્યંત હ્દયસ્પર્શી બન્યો છે.
માઇનસ પોઈન્ટ:  ૧.  આ વાક્ય વાંચો: “...કહી હું તેમના પગે સ્પર્શ કરી બે હાથ જોડી પગે લાગ્યો...”   શું  ‘પગે સ્પર્શ કરવો’ અને ‘પગે લાગવું’ એ બંને જુદી જુદી ક્રિયાઓ છે? ૨. આ એક વાક્ય વાંચો:  “...મારો અવાજ સાંભળીને ઘેલીભાભુ  લઘરવઘર ગોદડી પાથરેલી ખાટલીમાંથી પરાણે બેઠાં થવા જતાં આંખો ઉપર હાથનું નેજવું ને આંખો ઝીણી કરી રૂની પૂણી જેવા અસ્તવ્યસ્ત વાળ સરખા કરતાં બોલ્યા: “કુણ ભૈ...?”

આ એક વાક્યમાં લેખક કેટલી વાત કહેવા માંગે છે? : (૧) ઘેલીભાભુએ કથકનો અવાજ સાંભળ્યો. (૨) ખાટલીમાં ગોદડી પાથરેલી હતી. (૩) એ ગોદડી લઘરવઘર હતી. (૪) ભાભુ પરાણે બેઠાં થવા લાગ્યાં. (૫) ભાભુએ આંખો પર નેજવું કર્યું. (૬) ભાભુએ આંખો ઝીણી કરી. (૭) ભાભુના વાળ રૂની પૂણી જેવા હતાં. (૮) ભાભુના વાળ અસ્તવ્યસ્ત હતાં. (૯) ભાભુએ કથકને પ્રશ્ન કર્યો. (૧૦) પ્રશ્ન:  “કુણ ભૈ...?”. એક વાક્યમાં પાંચ ક્રિયા, ત્રણ વિગત, એક ઉપમા અને એક પ્રશ્ન. 
આ એક વાક્યમાં આટલું બધું! ત્રીસ શબ્દોના આ વાક્યના થોડાંક સરળ ટુકડાઓ બની શક્યા હોત કે નહીં?        

વનવાસ (ડો. હાસ્યદા પંડ્યા) : આ વાર્તા નથી, એક સરેરાશ ભારતીય સ્ત્રીનું આત્મવૃતાંત છે જેણે ભાતભાતની સામાજિક મર્યાદાઓ વચ્ચે આયખું વીતાવી દીધું છે. સંકોચાતો પડછાયો (રાજેશ અંતાણી) : વાર્તા નથી, સ્મૃતિલેખ છે. ધીંગામસ્તી (મહેશ ધીમર) : આ વાર્તાની પૂર્વધારણા સ્પષ્ટ નથી. આરંભમાં મહિલાઓની એક કલબની વાત થાય છે જ્યાં સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો અને પ્રવૃત્તિ થાય છે. આગળ ઉપર વાર્તા રહસ્યમય વળાંક લે છે.  પોલીસ કે ન્યાયવ્યવસ્થા સમાજના ગુનેગારો પર કાબૂ કરી શકતી નથી ત્યારે અજાણ્યાઓ એવા ગુનેગારોને મોતને ઘાટ ઉતારવા માંડે છે.  

--કિશોર પટેલ; રવિવાર, 19 જુલાઈ 2020; 1:09 ઉત્તર મધ્યાહ્ન

તા.ક. અંકમાં આ લખનારની પણ એક વાર્તા “આજની તારીખ” છે; એના વિષે તમે કંઇક લખોને? નીચે ટીપ્પણીના ખાનામાં?

###

Sunday 19 July 2020

મમતા જુલાઇ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે



મમતા જુલાઇ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૪૪૬ શબ્દો)

આ અંકમાં વાર્તા સ્પર્ધા ૨૦૧૯ ની એક સન્માનિત વાર્તા અફલાતૂન બનતાં બનતાં જરાકમાં રહી ગઈ. સૌથી પહેલાં એની વાત:

સૂકી ધરતી ભીનું આકાશ (પ્રવીણ સરવૈયા) : માનસિક વિકલાંગ તરુણની આ વાર્તા સર્વાંગસુંદર અફલાતૂન બનતાં બનતાં રહી ગઇ. નાજુક ઉંમરે ટીચર પ્રત્યે માનસિક અક્ષમ સંદીપને આકર્ષણ જાગ્યું હતું, પણ જ્યારે એ ટીચર “સંદીપને જોઇને મને મારો મૃત ભાઇ યાદ આવ્યો.” બોલી કે તરત જ સંદીપ ટીચરને માતા તરીકે જોવા લાગ્યો! અહીં જ વાર્તા માર ખાઇ ગઈ. સંદીપને હતાશ થતો બતાવ્યો હોત, એણે પ્રેમના સાચા ભાવ પ્રગટ કર્યા હોત, વખતે હિંસક બનીને ટીચર પર કે કોઈ અન્ય પર હુમલો પણ કર્યો હોત અથવા કંઇ પણ અણછાજતું વર્તન કર્યું હોત તો વાર્તા સારી બની હોત. નૈતિકતાના ચક્કરમાં વાર્તા માર ખાઇ ગઇ.  “...ટીચરની ઓઢણીની સુગંધને નાનકડી દાબડીમાં ભરીને ખોપરીની ગુફામાં ઊંડે સંતાડીને મૂકી છે...” કેટલી સુંદર અભિવ્યક્તિ!

આ અંકમાં રંગ રાખ્યો છે દિલીપ ગણાત્રા અને યશવંત મહેતાના યોગદાને.   

જોસેફનો દીકરો (સુધીર નાઓરોઇબામની મૂળ મણિપુરી વાર્તા ; પ્રસ્તુતિ: દિલીપ ગણાત્રા ) : જુવાન દીકરાના અકસ્માત મૃત્યુની વાત. મૃત દીકરાનો પિતા એક ત્રાહિત માણસને આ વાત કહી સંભળાવે એ રીતે વેગળી અને પ્રભાવી રજૂઆત થઇ છે. જાદુ (વિક્ટર કોમારોવની મૂળ રશિયન વાર્તા; પ્રસ્તુતિ યશવંત મહેતા) : એક કાલ્પનિક ગ્રહની મુલાકાતની રોમાંચક વિજ્ઞાન-કલ્પના કથા છે.

આ અંકમાં મમતા વાર્તાસ્પર્ધા ૨૦૧૯ની કેટલીક “સન્માનિત” વાર્તાઓ પ્રસિદ્ધ થઇ છે. સ્પર્ધાની એક શરત મુજબ સમાવવાના વાક્યો કમનસીબે એક પણ વાર્તામાં સ્વાભાવિક લાગતાં નથી.

સ્પર્ધાની એક ઠીકઠાક વાર્તા:

અંદર બહાર (સોનિયા ઠકકર) : પૂર-હોનારત પ્રસંગે ઘર જોડે સ્વજનોની સ્મૃતિને સાંકળીને એક વૃધ્ધા જીવ બચાવવાની તક નકારી કાઢે છે. લાગણીઓના આરોહ-અવરોહથી રજૂઆત ઠીકઠાક થઇ છે.  

આ સિવાય અન્ય સર્વે વાર્તાઓમાં લઘુતમ સાધારણ અવયવ છે એમનું સામાન્યપણું.

ટ્રેન ટુ કબ્રસ્તાન (ધર્મેશ ગાંધી) : મોબાઇલ પર થતાં ચેટિંગના સ્વરૂપમાં રજૂ થયેલી  પ્રયોગાત્મક વાર્તા. વિષય સામાન્ય, રજૂઆતમાં નાવીન્ય. લગન (જગદીપ ઉપાધ્યાય) : રજૂઆતની પદ્ધતિ ખોટી છે. લગ્નમાં કન્યા બદલાય જાય એવી કરુણ-રમૂજી વાત સંસ્મરણરૂપે કહેવાય છે એ સ્વયં મોટી કરુણતા છે. ડામરેજ (સુરેશ કટકિયા) : વધુ એક અતાર્કિક વાર્તા. પતિ અને દીકરીના સાસરિયાં સાથે બનાવટ કરવાની હિંમત કરતી હોય એવી નાયિકા પતિની સામે ખુલ્લો વિદ્રોહ કેમ કરી ના શકે? ગ્રામ્યબોલી પાત્રોના સંવાદમાં ચાલે,  ત્રીજા પુરુષ એકવચન શૈલીમાં વાર્તા કહેવાઇ હોય ત્યારે કથનમાં ના ચાલે. ટૂંકમાં, વાર્તા જોડે મૂકાયેલી મમતા મંડળીની ટીપ્પણી જોડે શત પ્રતિશત સહમત.

સ્પર્ધા સિવાયની વાર્તાઓ:

ઝંખના (નીલેશ રાણા) : વાર્તાનું વસ્તુ સરસ છે પણ સ્વરૂપ તાર્કિક નથી. એક સ્ત્રીએ ગર્ભપાત કરાવ્યો હોય એનો અપરાધબોધ એના જન્મી ચૂકેલા સંતાનમાં શા માટે હોવો જોઈએ? આ નહીં જન્મી શકેલો જીવ જન્મેલા જીવને મદદ કરતો અથવા હાનિ પહોંચાડતો હોય તો વાર્તા કંઇક તાર્કિક બને. વડવાગોળ (સપન પાઠક) : નિર્દોષ કન્યા પર સમૂહબળાત્કારની વાત. સામાન્ય રજૂઆત વાર્તા. ડાયવર્ઝન (જાનકી શાહ) : પ્રેમમાં ધોખો ખાધેલા આદમીની વાત. આલંકારિક ભાષા વાર્તાનો મોટો માઇનસ પોઈન્ટ છે. સામાન્ય વાર્તા.

--કિશોર પટેલ; શનિવાર, 11 જુલાઈ 2020; 8:58 ઉત્તર મધ્યાહ્ન

### 

Sunday 5 July 2020

પરબ જુલાઇ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે



પરબ જુલાઇ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૨૩૭ શબ્દો)

જદુનાથનો ઉંદર (બિપીન પટેલ) : સરકારી તંત્રની કામ કરવાની રીત વિષે એક સરસ કટાક્ષિકા. લાગતાવળગતા પ્રધાન અથવા કોઇ અમલદારને એવું લાગ્યું કે જદુનાથ ઉંદરની પ્રજાતિ નામશેષ થઇ રહી છે. એટલે એને બચાવવાની ઝુંબેશ શરુ થાય છે. બધી સરકારી કચેરીઓમાં અને સંપૂર્ણ રાજ્યમાં ગામેગામ શાખાઓમાં પરિપત્ર પહોંચી જાય છે કે જદુનાથના ઉંદરની પ્રજાતિને સંરક્ષણ આપવાનું છે માટે એને હાનિ પહોંચાડનારાને કડક શિક્ષા થશે. આ લાંબુ ચાલે છે. શહેરમાં અને ગામડાઓમાં લોકો ભાતભાતનું નુકસાન વેઠીને પણ કાયદાની બીકે ઉંદરને મારતાં નથી. લોકો ઉંદર જોડે સહઅસ્તિત્વની કળા શીખી લે છે. માનવસ્વભાવનું સરસ નિરીક્ષણ. સરસ રીતે વિકાસ પામેલી કલ્પના. મજેદાર વાર્તા.

એકાદ તુક્કાને કાયદાનું રૂપ આપી સરકારી તંત્ર સત્તાના જોરે સામાન્ય જનતાને કેવી રીતે નચાવી શકે છે એ વિષે લેખકે જબરો વ્યંગ કર્યો છે.

જદુનાથ ઉંદર એટલે ઉંદરની એક કાલ્પનિક પ્રજાતિ. અત્રે નોંધનીય છે કે વાર્તાનું શીર્ષક સ્વ. કવિ લાભશંકર ઠાકર અને સુભાષ શાહ લિખિત નાટક “એક ઉંદર અને જદુનાથ”થી પ્રેરિત થયેલું છે.           

શિબિર (જગદીશચંદ્ર ત્રિવેદી) : ટૂંકી વાર્તામાં ગ્રામ્યબોલી એટલે કે તળપદી ભાષાનો પ્રયોગ એક વધારાનું લક્ષણ ગણાય છે. આ તળપદી બોલીને વિષય બનાવીને લખાયેલી વાર્તા. ગામડાનો એક છોકરો શહેરની એક યુનિવર્સીટીમાં આયોજિત વાર્તાલેખન શિબિરમાં ભાગ લે છે. એની પાસેથી ગ્રામ્યબોલી શીખવા માટે શિબિરનાં શહેરી વિદ્યાર્થીઓ એને ઘેરી વળે છે. તકનો લાભ લઈને કથક અવનવી કાલ્પનિક પ્રેમકથાઓ કહીને ગામડાની પ્રેમિકાને પામવાનું પોતાનું સ્વપ્નું પૂરું કરે છે.

હા, નોંધનીય છે કે આ વાર્તામાં તળપદી બોલીનો સરસ પ્રયોગ થયો છે. સરસ વાર્તા.  

--કિશોર પટેલ, રવિવાર, 05 જુલાઈ 2020; 12:19 ઉત્તર મધ્યાહ્ન.

###

Thursday 2 July 2020

નવનીત સમર્પણ જુલાઈ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે



નવનીત સમર્પણ જુલાઈ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે :

(૩૫૨ શબ્દો)

આ અંકની ઉપલબ્ધિ છે છાયા ઉપાધ્યાય લિખિત એક ફેન્ટેસી વાર્તા.

કલ્પદ્રશ્ય (છાયા ઉપાધ્યાય) : વીસ-બાવીસ વર્ષ પછીના સમયની ફેન્ટેસીની ફેન્ટાસ્ટિક વાર્તા. કોરોના વાયરસના આક્રમણ પછી હાલમાં પ્રચલિત સોશિયલ ડિસ્ટન્સિંગવાળી જીવનપદ્ધતિ પછીથી નિયમ બની જશે એવી ધારણા આ વાર્તામાં થઇ છે. અવનવાં ગેઝેટ્સ, સ્માર્ટ દીવાલો, શરીર અને મનની ભીતરમાં થતાં સંચલનો પકડી પાડતાં સાધનો...આવનારા સમયમાં જીવનપધ્ધતિ કેટલી બદલાઈ ગઈ હશે એની રોચક કલ્પના થઇ છે. આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ થકી ચૌદ-પંદર વર્ષનાં ટાબરિયાં ચતુર-ચાલાક બની ગયાં હશે.  નાયકનું નામ યયાતિ હોવું સૂચક છે. પૌરાણિક કથા પ્રમાણે યૌવનનો આનંદ માણવા યયાતિ પોતાના પુત્ર પાસેથી યુવાની માંગી લે છે. આ વાર્તામાં યયાતિ નામનો પંદર વર્ષનો કિશોર યૌવનાવસ્થામાં પ્રવેશતાં થતાં શારીરિક પરિવર્તન અંગે જાણવા ઉત્સુક છે.  દરેક ત્રીજી પેઢીને પોતાના દાદા-દાદી કે નાના–નાની જોડે સારું ફાવે એ શિરસ્તો ભવિષ્યમાં પણ રહેશે એવું અહીં દર્શાવાયું છે. રજૂઆતમાં અંગ્રેજી ભાષાનાં શબ્દો અને વાક્યો છૂટથી વપરાયાં છે. ‘યયાતિમોજી’ અને ‘ગેઝેટોપ્લબ્ધ’ જેવાં નવા મજેદાર શબ્દો મળ્યા છે. આ વાતાવરણમાં  ‘ચોકન્ના’ શબ્દ ખૂંચ્યો.

પઠનીય, મનનીય અને સરસ વાર્તા.   

ગમી ગયેલી વાર્તા (શરીફાબેન વીજળીવાળા) :

જોનાર બાળક હોય પણ કથક વયસ્ક હોય એવી ફ્રેન્ક ઓ’કોનરની એક “હટ કે” વાર્તા The drunkard નો પરિચય ‘ગમી ગયેલી વાર્તા’ વિભાગમાં શરીફાબેન વીજળીવાળાએ કરાવ્યો છે. આ વાર્તામાં પાત્રોની ભૂમિકાની અદલાબદલી થઇ ગઈ છે. બાપ દારુ પીને છાકટો થઇ ગયો હોય ત્યારે એનો દીકરો રોજ એને સંભાળીને પીઠામાંથી ઘેર સુધી લઇ આવતો હોય છે. એક દિવસ એવું થાય છે કે દીકરો દારુ પીને છાકટો થઇ જાય છે અને બાપ એને સંભાળીને ઘેર લઇ આવે છે. મજેદાર વાર્તા.

આ ઉપરાંત આ અંકમાં પારંપારિક સ્વરૂપમાં બે સરેરાશ વાર્તાઓ છે:

૧. ધોળી ધૂળ (જયંત રાઠોડ) : પ્રાણીઓ માટે અભયારણ્ય બને એ સારી વાત છે પણ એ જમીન પર વરસોથી મીઠું પકવતા અગરિયાઓને કેમ વિશ્વાસમાં લેવામાં આવતાં નથી?  અગરિયાઓના જીવનનિર્વાહની સમસ્યા પર પ્રકાશ પાડતી વાર્તા.

૨. રમકડાની બસનું પૈડું (કિરણ વી. મહેતા) : ચીજ-વસ્તુ જોડે માણસો ભૂતકાળની કે સ્વજનોની સ્મૃતિ સાંકળી લેતાં હોય ત્યારે એવી વસ્તુઓ જે તે માણસ માટે કિંમતી હોવાની. પણ એ જ વસ્તુ અન્ય કોઈ માટે નજીવી કે કિંમત વિનાની હોઈ શકે. પ્રસ્તુત વાર્તામાં નાયકની જૂના ઘરની સ્મૃતિની વાત છે.    

--કિશોર પટેલ; ગુરુવાર, 02 જુલાઈ 2020; 12:57 ઉત્તર મધ્યાહ્ન  

-------------------------------------------------------------------