Sunday 28 November 2021

બાલભારતીમાં વાર્તાવંતનું વાર્તાપઠન ૨૭ નવેમ્બર ૨૦૨૧

 


બાલભારતીમાં વાર્તાવંતનું વાર્તાપઠન ૨૭ નવેમ્બર ૨૦૨૧

(૪૫૦ શબ્દો)    

વર્ષ ૨૦૨૧ ના વાર્તાપઠનનાં આ ત્રીજા કાર્યક્રમમાં આ વખતે નવીનતા એ હતી કે જાહેર આમંત્રણથી નવોદિતો પાસે વાર્તાઓ મંગાવાઇ હતી.  સંસ્થાના આહ્વાનને માન આપીને આવેલી લગભગ દસેક જેટલી વાર્તાઓમાંથી પસંદગી પામેલી બે વાર્તાઓ રજૂ થઇ. આ બંને વાર્તાઓના લેખકોમાંથી એક છે વર્ષા તન્ના. તેઓ નિયમિતપણે ગદ્યલેખન કરતાં આવેલાં અને લેખિની સંસ્થા સાથે સંકળાયેલા છે. બીજા લેખક છે પ્રતિભાશાળી યુવાલેખક બાદલ પંચાલ. એમની વાર્તાઓ આજકાલ પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રસિદ્ધ થઇ રહી છે. આ બંને લેખકોની વાર્તાઓ વિષે આમંત્રિત વિવેચકે વિશેષ ટિપ્પણીઓ રજૂ કરી એ કાર્યક્રમની બીજી નવીનતા.  

બે જાણીતા વાર્તાકારોમાં એક હતાં મર્ડરમિસ્ટ્રી વાર્તાઓ પર હથોટી ધરાવતાં નાટ્યકાર યામિની પટેલ અને બીજા હતા વ્યંગકાર અને ચિત્રલેખાના કટારલેખક રાજુ પટેલ. યામિનીબેનની એક નવલકથા “આલંભ” હાલમાં જ પ્રકાશિત થઇ છે. રાજુ પટેલ વારતા રે વારતા ફેસબુક ગ્રુપના સંસ્થાપક છે હાલમાં શરુ થયેલા નવા વારેવા સામયિકના સૂત્રધાર છે. 

યામિની પટેલની વાર્તા “ભૂત” માં ફાંસીની સજા પામેલા એક ખૂનીની વાત હતી. મોતની સજામાંથી ઊગરી જવા છેલ્લી ઘડીએ કેટલાંક ગુનેગારો અવનવી તરકીબ અજમાવતા હોય છે એનું ઉત્તમ ઉદાહરણ આ વાર્તામાંથી મળ્યું. રજૂઆતની વિશેષતા હતી યામિની પટેલનું નાટ્યાત્મક પઠન. શ્રોતાઓને લાગ્યું કે જાણે ઘટનાસ્થળે પોતે હાજર છે.

રાજુ પટેલની વાર્તા “એક રમ્ય મુલાકાત” વાર્તાના નાયકને મૃત્યુની ક્ષણો પહેલાં એક કન્યા જોડે પ્રેમ થઇ જાય છે. આ વાર્તાની વિશેષતા હતી પાત્રોના અજબગજબ સંવાદો. એક નમૂનો:

યુવતી: કેમ છો?

યુવક: કેમ ના હોઉં?

ચયન પામેલી પહેલી વાર્તા હતી બાદલ પંચાલની  “બેડ નંબર ૧૫”. આ વાર્તામાં હોસ્પિટલનો પરિવેશ તાદશ થયો. બેડ નંબર ૧૫ પર આવતો દરેક દર્દી મોડોવહેલો મરણ પામે છે એવી કરુણાંત વાર્તા. 

ચયન પામેલી બીજી વાર્તા હતી વર્ષા તન્નાની “જેલ”. વાર્તામાં ગામડાંમાં એક અપંગ સ્ત્રી જોડે પરિવાર દ્વારા થતાં દુર્વ્યવહારની વાત હતી. ઘરની જેલમાં ફસાયેલી નાયિકા સરકારી જેલમાં સબડતા એક ગુનેગારને જેલ તોડીને ભાગી જવામાં મદદ કરે છે. વિષાદપૂર્ણ વાર્તા.

અંતમાં “બેડ નંબર ૧૫” અને “જેલ” એમ બે વાર્તાઓ વિષે લિખિતંગ આપના સેવકે પોતાનાં નિરીક્ષણ રજૂ કર્યા.

યામિની પટેલના સંચાલનમાં કાર્યક્રમ સુંદર રીતે પાર પડ્યો.

કાર્યક્રમનો આભારવિધિ કરતાં બાલભારતીના ટ્રસ્ટી શ્રી હેમાંગભાઈએ ડિસેમ્બર મહિનામાં રજૂ થનારાં નાટ્યપ્રયોગો વિષે જાણકારી આપી.  ડિસેમ્બર મહિનામાં લગભગ દરેક રવિવારે બાલભારતીમાં નાટકોની રજૂઆત થશે એની રસિકોએ નોંધ લેવી.     

આ વખતે પઠનનો કાર્યક્રમ સમયસર શરુ થઇ શક્યો એનું કારણ હતું સમયપૂર્વે જ શ્રોતાઓની સંતોષકારક સંખ્યા. એનું રહસ્ય પછીથી સમજાયું: કાર્યક્રમની બંને મહિલા વાર્તાકારોનું લેખિની સંસ્થાનાં સક્રિય રીતે સંકળાયેલાં હોવું. શ્રોતાઓમાં લેખિની સંસ્થાની મહિલા સભ્યોની સંખ્યા ઊડીને આંખે વળગે એવી હતી.

કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયાં આ મહાનુભવોની ઉપસ્થિતિથી: વરિષ્ઠ લેખક સુશ્રી મીનાક્ષીબહેન દીક્ષિત, રંગભૂમિના પ્રતિભાશાળી અભિનેત્રી સુશ્રી મીનળ પટેલ, જાણીતા નવલકથાકાર સુશ્રી દેવાંગી ભટ્ટ, યુવાવાર્તાકાર અને ચિત્રકાર સમીરા પત્રાવાલા, નાટ્યકાર અને ટેલીવિઝન સિરીયલોના લેખક શ્રી નીલેશ રૂપાપરા અને લેખક, સંપાદક અને પ્રકાશક શ્રી સતીશ વ્યાસ.  

મુંબઈ શહેરમાં કળાક્ષેત્રે અનન્ય યોગદાન આપવાની આગેવાની લેવા માટે કવિ-વાર્તાકારશ્રી હેમંત કારિયા અને બાલભારતી સંસ્થાના ટ્રસ્ટીશ્રી હેમાંગ તન્ના આભાર અને અભિનંદનના અધિકારી છે.

--કિશોર પટેલ, 29-11-21;11:41

###

  

 

    


Monday 22 November 2021

બે વાર્તાઓમાં આશ્ચર્યજનક સામ્યતા

 


બે વાર્તાઓમાં આશ્ચર્યજનક સામ્યતા

પેટા-શીર્ષક:  મેં તમને ક્યાંક જોયા છે!

 

(૭૨૯ શબ્દો)

વર્ષ ૨૦૧૯ માં પ્રસિદ્ધ થયેલી બે વાર્તાઓમાં ગજબનાક સામ્ય જોવા મળ્યું છે. વાર્તાનો વિષય, કથાનક, પાત્રો અને અંત બધાં જ અંગોમાં સામ્ય! અરે, શીર્ષકમાં પણ સામ્ય!  બંને વાર્તાઓ કરુણાંત છે. બંને વાર્તાઓમાં કથકની દીકરીની સખી વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલી છે. ફરક એટલો છે કે એક વાર્તામાં કથકની દીકરી સુખરૂપ છે, જયારે બીજી વાર્તામાં ઘેરથી ભાગી ગયેલી કથકની દીકરીની કોઈ ખબર નથી.

આ વાર્તાઓ છે ગિરીશ ભટ્ટ લિખિત “અંત વિનાની ગલી” (‘પરબ’, મે ૨૦૧૯) અને ધર્મેશ ગાંધી લિખિત “ઘાટ વિનાની ગલી” (જલારામદીપ, નવેમ્બર ૨૦૧૯, દીપોત્સવી વિશેષાંક-૨).

“અંત વિનાની ગલી” માં કથકની દીકરી પરણીને વિદેશમાં સુખી છે. કથક જયારે બનારસ ફરવા જાય ત્યારે ત્યાંની એક ગલીમાં દીકરીની એક સહેલી મળી જાય છે. એ સહેલી એની દીકરી જોડે સંગીત શીખતી હતી. પોતાના ઘરનાં બારણામાં ઊભી ઊભી એ કથકના ચરણસ્પર્શ તો કરે છે પણ પોતાના ઘરમાં આવવાનું કહેતી નથી! જે ગલીમાં એનું ઘર છે એ ગલી બદનામ હોય એવો સંકેત વાર્તામાં અપાયો છે. શક્ય છે કે એ બદનામ  વ્યવસાયમાં પ્રવૃત્ત હોય અથવા તો અન્ય કોઇ કારણે એને સંકોચ થતો હોય.

“ઘાટ વિનાની ગલી” માં નાયકની દીકરી અને એની એક સખી બંને અમુક વર્ષો પહેલાં જોડે જ ઘેરથી ભાગી ગઈ હતી. થોડાંક સમય પછી સહેલીના પિતા નાયકને ખબર આપે છે કે એની દીકરી તો વિદેશમાં સ્થિર થઇ છે, સારી નોકરી કરે છે અને નિયમિતરૂપે ઘેર સારા પૈસા મોકલે છે. જયારે નાયકની ખોવાયેલી દીકરી બનારસમાં સાધ્વીના રૂપમાં એક ઓળખીતાને દેખાઈ આવે છે. દીકરીની શોધમાં નાયક બનારસ જાય છે. ત્યાં એને એક ગલીમાં દીકરીની સખી મળી જાય છે. એ જુએ છે કે વિદેશ ગયેલી કહેવાતી સખી તો બનારસમાં વેશ્યાવ્યવસાય કરે છે! ત્યાંના એક બાવાને નાયક પોતાની દીકરીની છબી બતાવે છે પણ છબી જોઇને બાવો મૌન ધારણ કરી લે છે. નાયક ડરી જાય છે. ભાવક વિમાસણમાં પડે: શું એની દીકરી પણ આસપાસ કોઇ ગલીમાં આવા બદનામ ધંધામાં પડી હશે?

સામ્યતાઓ અને તફાવત:

૧. વાર્તાનો વિષય અને એના દ્વારા થતું વિધાન:  આપણા સમાજમાં દીકરીઓ જોડે દુર્વ્યવહાર પર પ્રકાશ.  

૨. શીર્ષકમાં સામ્ય: “અંત વિનાની ગલી” અને “ઘાટ વિનાની ગલી”.

૩. પહેલી વાર્તામાં દીકરી અને એની સખી જોડે સંગીત શીખતી હતી. બીજી વાર્તામાં બંને સખીઓ નિશાળમાં જોડે ભણતી હતી.

૪. બંને વાર્તામાં દીકરી/સખી ગાયબ થવા અને પત્તો લાગવામાં પાંચ-સાત વર્ષનો ગાળો છે.

૫. બંને વાર્તાઓમાં નાયક બનારસ જાય છે. એક વાર્તામાં ફરવા, બીજીમાં હેતુપૂર્વક.

૬. બંને વાર્તાઓમાં નાયકને દીકરીની સખી બનારસની બદનામ ગલીમાં અનાયાસ મળી જાય છે.

૭. દીકરીની સખીઓ બદનામ વ્યવસાયમાં અથવા તો શંકાસ્પદ સ્થિતિમાં પ્રવૃત્ત હોય એવા સંકેત મળે છે.

૮. પહેલી વાર્તામાં કથકની દીકરી પરણીને વિદેશમાં સ્થાયી થઇ છે અને તેની સખી બનારસમાં બદનામ વ્યવસાયમાં છે એવા ચોક્કસ સંકેત વાર્તામાં છે. બીજી વાર્તામાં કથકની દીકરીનો પત્તો લાગ્યો નથી અને એની સહેલી બનારસમાં છે પણ ચોક્કસ કયા વ્યવસાયમાં પડી છે કે કેવી સ્થિતિમાં છે એના સ્પષ્ટ કે અસ્પષ્ટ કોઇ સંકેત નથી.

૯. બંને વાર્તાઓ કરુણાંત છે. નાયક વિષાદમય સ્થિતિમાં પાછો ફરે છે.

આવું કેમ થયું હશે? આટલું બધું સામ્ય કેવી રીતે ઉદ્ભવ્યું હશે?

શક્યતાઓ:

૧. બંને વાર્તાકારોને સ્વતંત્રપણે આવો વિષય સૂઝ્યો હોય.

૨. પહેલી વાર્તા મે ૨૦૧૯ માં જાહેરમાં પ્રસિદ્ધ થઇ છે. બીજી વાર્તા નવેમ્બર ૨૦૧૯ માં પ્રસિદ્ધ થઇ છે. એવું બની શકે કે બીજી વાર્તાના લેખકે પહેલી વાર્તા વાંચીને પ્રેરણા મેળવી હોય.

૩. એવું પણ બની શકે કે બીજી વાર્તાના લેખકે પહેલી વાર્તા વાંચી હોય અને એ વિગત મગજમાં સચવાઈ હોય અને પછી લખતી વેળા અસંપ્રજ્ઞાતપણે પ્રેરણા મેળવી હોય. એવી સ્થિતિમાં લખનારને સભાનપણે ખ્યાલ ન હોય કે વાર્તા માટેની સામગ્રી પોતાને કયા સ્ત્રોતથી મળી રહી છે.

 

૪. એવું બની શકે કે બંને વાર્તાકારોને દેશ-વિદેશની કોઇ કૃતિ (વાર્તા/નાટક/ફિલ્મ/ટેલીવિઝન સિરિયલ) માંથી પ્રેરણા મળી હોય.

 

શ્રી ગિરીશ ભટ્ટ આપણી  ભાષાના નીવડેલા વાર્તાકાર છે. વળી એમની વાર્તા પહેલાં પ્રસિદ્ધ થઇ છે. ભાઈ ધર્મેશ ગાંધી એક યુવા અને આશાસ્પદ પ્રતિભાશાળી વાર્તાકાર છે,  પ્રયોગાત્મક વાર્તાઓ લખવા માટે જાણીતા છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં અગ્રણી સામયિકોમાં પ્રગટ થયેલી એમની વાર્તાઓમાંથી પસાર થતાં જોવામાં આવ્યું છે કે વાર્તાઓના વિષય અને રજૂઆતમાં નાવીન્ય લાવવાની તેઓ સતત મથામણ કરતા રહે છે.  તેઓ કોઇ વાર્તાની નકલ/ઊઠાંતરી કરી શકે એવું માનવું મુશ્કેલ છે.      

ઉપસંહાર: દેશ-વિદેશનાં કથા-સાહિત્યમાં આવા ચોંકાવનારા દ્રષ્ટાંત આ પહેલાં પણ એકથી વધુ મળી આવ્યા છે જ્યાં બે લેખકોએ સ્વતંત્રપણે એકસમાન જણાતી કૃતિઓને આકાર આપ્યો હોય.

પેટા-ઉપસંહાર: એક સરખી દેખાતી બે વ્યક્તિ જોડકામાં જ જન્મી હોય એ જરૂરી નથી. એમ પણ બને કે બન્ને વ્યક્તિ સંયોગથી એક સમાન દેખાતી હોય અથવા એવું પણ બને કે ચોક્કસ કારણ હોય તેથી સરખી દેખાતી હોય. વળી એવું પણ બને કે મૂળે એ એક જ વ્યક્તિ હોય જે બે જુદી જુદી જગ્યાએ દેખાય અને એક દ્રષ્ટિભ્રમ થાય કે આ બે વ્યક્તિઓ છે!

 

--કિશોર પટેલ, 23-11-21 06:10

###


Friday 19 November 2021

કુમાર ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

કુમાર ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

(૨૪૦ શબ્દો)

જીવનસંગી (રમેશ ર. દવે):  

સ્ત્રી-પુરુષ સહજીવનમાં એક નવી વાત. એક પુરુષ જોડે એક સ્ત્રી એવી પારંપારિક લગ્નવ્યવસ્થાને પડકાર આપતી વાત. એક લગ્નવિષયક જાહેરખબરના પ્રતિસાદમાં ત્રણ સખીઓ લગ્નોત્સુક પુરુષને મળવા એક સાથે જાય છે. પુરષ નક્કી કરી શકતો નથી કે પોતાને કઇ ઉમેદવાર પસંદ પડી છે. ત્રણે સખીઓ પ્રસ્તાવ મૂકે છે કે થોડો સમય સહુ ભેગાં રહીએ એટલે નિર્ણય લેવામાં સરળતા રહે. પરિણામે એક પુરુષ અને ત્રણ સ્ત્રીઓ પ્રયોગાત્મક રીતે એક જ ઘરમાં જોડે રહે છે.

માતાપિતા અવસાન પામ્યા પછી ભાઈભાંડુ કે અન્ય કોઇ સંબંધી ના હોવાથી નંદકિશોર લાંબો સમય એકલો જ રહ્યો છે. પચાસની વયે નોકરીમાંથી સ્વેચ્છાનિવૃત્તિ લઈને ઈચ્છા મુજબ લહેરથી જીવે છે. ત્રણે સખીઓ પણ એક યા બીજા કારણથી અપરિણીત રહી છે. નંદકિશોરના મુક્ત વિચારોથી ત્રણે સખીઓ એના પ્રત્યે આકર્ષાઈ છે. નંદકિશોર પણ એમની ભાવનાઓની કદર કરે છે.     

આ રીતે આ લોકો કેટલો સમય રહેશે એ કોઇ જાણતું નથી. ત્રણે સ્ત્રીઓ વચ્ચેની મૈત્રી જોતાં એવું પણ બને કે એ સહુ કાયમી ધોરણે સમૂહમાં રહે. સમાજમાં એક નવી શરૂઆતની ક્રાંતિકારી વાત.    

શોધ (સંજય ચૌધરી): કોલેજમાં ભણતી એક કન્યા ગૂમ થઇ છે. કન્યાના પિતા રાજકારણી નેતા છે. પોલીસ, કોલેજના સત્તાવાળાઓ કે રાજકારણી નેતાના માણસો શિવાનીને શોધી શકતાં નથી. શિવાનીનું અપહરણ થયું છે? કે પછી સ્વેચ્છાએ અદ્રશ્ય થઇ ગઈ છે?

વાર્તા કેટલાંક મુદ્દા ઊભાં કરે છે. આજે બે પેઢી વચ્ચે સુસંવાદ કેમ નથી?  શિક્ષણ આપવાં ઉપરાંત કોલેજની અન્ય કોઇ જવાબદારીઓ છે? સામાન્ય નાગરિકના હક્કોને અવગણવાની મંજૂરી રાજકારણીઓને કોણ આપે છે? સારી વાર્તા.

--કિશોર પટેલ, 20-11-21; 09:52

###    

 

Wednesday 17 November 2021

બુદ્ધિપ્રકાશ ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તા વિષે નોંધ

 

બુદ્ધિપ્રકાશ ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તા વિષે નોંધ

 

(૨૫૬ શબ્દો)

મમ્મી (પ્રિયંકા જોશી):

મા-દીકરી સંબંધની વાત. દીકરીને માતાના અવસાનના ખબર મળે છે ત્યાંથી વાર્તાનો પ્રારંભ થાય છે. માતાની અંતિમયાત્રા નીકળે એની સાથે વાર્તાનો અંત આવે છે. દરમિયાન ફલેશબેકમાં માતા જોડેના થોડાંક પ્રસંગોની સ્મૃતિઓથી બંને વચ્ચેના સંકુલ સંબંધોનું આલેખન થયું છે.

વાર્તામાં લેખકે એકમેકથી વિરુદ્ધ લક્ષણો ધરાવતાં બે પાત્રોને ભાવક સમક્ષ મૂકી આપ્યાં છે. બંને પાત્રોની વિલક્ષણતાઓનું આલેખન અહીં થયું છે. માતા સુંદર છે, દીકરી સહેજ કદરૂપી છે. દીકરીને ખબર પડે કે પોતે માતાની સગી દીકરી નહીં પણ દત્તક લેવાયેલી છે એ પછી એના વ્યવહારમાં ફરક આવે છે. દીકરીની અસ્થિર થયેલી માનસિક સ્થિતિની સારવાર કરાવવાને બદલે એને હોસ્ટેલમાં મોકલી આપીને પરિવારથી દૂર કરવામાં આવે છે. પરિણામે ભાવનાત્મક રીતે નાયિકા પાલક માતા-પિતાથી દૂર થતી જાય છે.

પાલક માતાપિતાનો દીકરી પ્રત્યેનો અભિગમ ગુલાબના છોડના પ્રતિક દ્વારા વ્યક્ત થયો છે. પિતા એને નિયમિત ખાતર-પાણી આપતાં પરંતુ તેની ડાળીઓ લંબાવવા મથે ત્યારે તેને કાપીને ટૂંકી કરી નાખતા. ફૂલોની સુગંધને ચાર આંખોની ચોકીમાં રહેવાનું! આમ પિતા દીકરીના સ્વાભાવિક વિકાસને નિયંત્રિત કરતા હતા.

જેમ દીકરી માતા સાથે જોડાઈ શકી નથી એમ માતા પણ દીકરી સાથે જોડાઈ શકી નથી. સાસુ અને પતિના મૃત્યુ પછી એકમાત્ર સ્વજન એવી દીકરી પાસે આવીને રહેવાને બદલે એ ફરીથી પરણવાનો વિચાર કરે છે. અહીં સ્પષ્ટ થાય છે કે બેઉ વચ્ચે કેવળ ઔપચારિકતા બચી છે.  એ સમયે નાયિકા માતા જોડેની વોટ્સએપ ચેટ ભૂંસી નાખીને સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યાનો સંકેત આપે છે.

મૃત્યુ જેવી મોટી ઘટના છે. સૂક્ષ્મ સ્તરે સંઘર્ષ પણ છે. વાર્તા સાદ્યંત વાચનક્ષમ છે. નાયિકા સંબંધને ક્યાં સુધી લઇ જાય છે એ જાણવાની ઉત્સુકતા રહે છે. આ લક્ષણને વાર્તાનું જમાપાસું કહી શકાય.

-કિશોર પટેલ, 18-11-21 10:55

###        


Sunday 14 November 2021

મમતા ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

મમતા ઓક્ટોબર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

(૪૪૮ શબ્દો)

આ અંકમાં વાર્તાસ્પર્ધા ૨૦૧૯ ની થોડીક સન્માનિત વાર્તાઓ પ્રસિદ્ધ થઇ છે.

વરધી પ્રમાણે (ગિરીશ દાણી): વૈજ્ઞાનિક કપોળકલ્પિત કથા. બગડેલાં માનવઅંગોને સર્જરી વડે દૂર કરીને એની જગ્યાએ અન્ય માનવજીવના સાજાંસમાં અંગો બેસાડી આપવા (ટ્રાન્સપ્લાન્ટ) ની વાત.  આમાં નવું કશું નથી. નવું એ છે કે સાજાં અંગો જેમણે દાનમાં આપ્યાં એ લોકોનું શું થાય છે? અહીં ખેલાય એક ખતરનાક ખેલ. જો કે વાર્તામાં આ વિચારને યોગ્ય રીતે બહેલાવી શકાયો નથી. વાર્તામાં સંઘર્ષ નથી; છે કેવળ ખુલાસાઓ.     

દુર્ગા (નરેન્દ્ર જોશી): સ્ત્રીસશક્તીકરણની વાત.  અગિયારમા ધોરણમાં ભણતી એટલે કે સત્તર-અઢાર વર્ષની નિ:શસ્ત્ર છોકરી એક પોલીસ ઓફિસરની હત્યા કરી શકે? અપવાદાત્મક સ્થિતિમાં એવું થઇ શકે. હત્યાના એ દ્રશ્યનું વર્ણન જો વાર્તાકારે વિગતવાર રજૂ કર્યું હોત તો માનવામાં આવત.  ખેર, આ છોકરીનું નામ એક વાર “દેવિકા” (દેવુ) અને પછી “દુર્ગા” કહેવાય છે.  વાર્તાનું શીર્ષક આ પાત્રના નામ પરથી પાડ્યું છે. આમ છતાં  લેખકે વાર્તા લખ્યા પછી બીજી વાર વાંચીને મઠારવાની તસ્દી લીધી નથી. બહુ ખરાબ કહેવાય.   

જીવતરનો ઉજાસ (સંગીતા તળાવિયા): ગામના પાદરે વૃક્ષની ડાળીએ બાંધેલાં હીંચકામાં બાળક મૂકીને અજાણી સ્ત્રી મૃત્યુ પામી. અનાથ બાળકને ગામના સરપંચે દત્તક લીધું. ખાધુંપીધું ને મોજ કરી. કોઇ શંકા નહીં, સંઘર્ષ નહીં. આવી જમાના જૂની વાર્તા એટલે આજે તો અવાર્તા.

કુળદીપક (રિદ્ધિ અનંતકુમાર મહેતા): લિંગભેદની વાત. રીક્ષાડ્રાઈવર જેવા પુરુષોના આધિપત્યવાળા ધંધામાં પગપેસારો કરીને જીવી એક રીતે વિદ્રોહની મશાલચી બની હતી. દીકરાની આશામાં વારંવાર ગર્ભ ધારણ કરતી એક સ્ત્રી પાસે એ બળવો કરાવી શકતી નથી. તળપદી બોલીનો પ્રયોગ સારો.

લેડી ગોદાઈવા (અરવિંદ રાય): પ્રજા પરના કરવેરા ઓછાં થાય એ માટે નિર્વસ્ત્ર સ્થિતિમાં નગરચર્યા કરવાની શરત સ્વીકારતી એક કાઉન્ટેસની દિલેર કહાણી. જૂની શૈલીની ભાષાનો પ્રયોગ થયો છે. રજૂઆત સામાન્ય.

વસિયત (નિકુંજ રમેશચંદ્ર દેસાઈ): સંતાનો તરફથી ઉપેક્ષિત વડીલ એવું વસિયતનામુ કરી જાય છે કે રહીસહી મિલકત સંતાનોના હાથમાં ના જતાં દાનપુણ્યમાં વપરાય.  રજૂઆત સામાન્ય.

પહેલો પુરુષ એકવચન (જગદીશચંદ્ર ત્રિવેદી): કોઇ માણસ જીવલેણ અકસ્માતમાંથી જાય પણ એના ચહેરાનો આખો નકશો જ બદલાઇ જાય તો? વાર્તાનો વિષય સારો છે પણ એનો વિસ્તાર થયો નથી. 

પ્રતીક્ષા (અમિત પુરોહિત): ભવોભવની પ્રીત જેવો જૂનો વિષય, સામાન્ય રજૂઆત. 

દોઢસો વીઘાનો ખાતેદાર (ભરત ચક્લાસિયા): પુત્રને કેળવણી આપવા પિતાનો સંઘર્ષ. રહસ્ય સારું જળવાયું છે.

માસ્ક (નીલા ભરત સંઘવી): પતિની ઉપેક્ષાના કારણે કંટાળેલી નાયિકા એક ગ્રુપમાં જોડાય છે. અંતની ચમત્કૃતિ અનપેક્ષિત છે. સરસ રચના.

પરેશની પરુ (તરલા રાજેશ જોશી): સામાન્ય અપરાધકથા.

ખાલી ચણો (લતા હર્ષદકુમાર ભટ્ટ): એક લેખક પોતાના જ લખાણોના વખાણ કરે એવી સામાન્ય વાર્તા. સ્પર્ધાના નિયમો જોડે મેળ બેસાડવા શીર્ષક જબરદસ્તી ઠોકી બેસાડ્યું છે, વાર્તાના વિષયવસ્તુ જોડે એનો સંબંધ નથી. 

તેડું (મૌલિક દિલીપકુમાર પરમાર): સામાન્ય ભૂતકથા.

ઉપસંહાર: સ્પર્ધાના નિયમો પ્રમાણે “હા, હવે.” અને “તમે જુઓ તો મોઢાં પરથી માખ ના ઊડે.” જેવા અમુક વાક્યો વાર્તામાં હોવા જરૂરી હતાં. આ અંકની એક પણ વાર્તામાં એવા વાક્યોની ઉપસ્થિતિ સ્વાભાવિક જણાઈ નથી. લગભગ બધી જ વાર્તાઓમાં આ વાક્યો વસ્ત્રો પર થીંગડાં માર્યાં હોય એવાં જણાય છે.

--કિશોર પટેલ, 15-11-21; 10:10

###   


Wednesday 10 November 2021

એતદ જુલાઇ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 


એતદ જુલાઇ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

(૭૨૭ શબ્દો)

એતદના આ અંકની વાર્તાઓમાં વિષય અને રજૂઆતમાં ખાસું વૈવિધ્ય છે.

પહાડ (વીનેશ અંતાણી):

વિરહવેદનાની વાત. સ્વજન ગુમાવ્યાની પીડાની વાર્તા.

નજીકના ભૂતકાળમાં આ જ સામયિકમાં આ જ લેખકની એક દીર્ધકથા “રણ” આપણે વાંચી. એ પછી આ બીજી દીર્ઘકથા. આ લેખકને મોટા કેનવાસ પર ચિત્રો દોરવાનું જેટલું ગમે અને ફાવે છે એટલું જ એ ચિત્રો માણવાનું એમના ચાહકોને પણ ગમે અને ફાવે છે. “રણ”માં વ્યાપારીકરણ તરફ ઝૂકતી સંસ્કૃતિની વાત હતી, અહીં આ વાર્તામાં  લેખક હોમ પીચ પર રમ્યા છે, એમના પ્રિય વિષય એટલે કે માનવીય સંબંધોનું આલેખનનું થયું છે.

વડોદરાની પૃષ્ઠભૂમિમાં રહેલો કથક કામસર સિમલા-કુલુ-મનાલીનાં પહાડોમાં આવે અને અહીંની એક સ્થાનિક કન્યા તવલીન જોડે દિલના પેચ લડાવી દે છે. છેતરામણા પ્રેમસંબંધના પરિણામે જન્મેલી તવલીન પહાડોમાં ઉછરી છે અને પ્રકૃતિપ્રેમી છે. ડોક્ટર થયેલી તવલીન પોતે કેન્સર જેવા જીવલેણ દર્દની શિકાર બનીને મૃત્યુ પામે છે. પણ જતાં પહેલાં એ કથકના અને એનાં બે સંતાનોના જીવનમાં ભરપૂર પ્રેમની દોલત મૂકતી જાય છે.

પૌત્રની જિદ પર તવલીન એને જે વાર્તા સંભળાવે છે એ હ્રદયસ્પર્શી છે. વાર્તામાં વીનેશ-સ્પર્શ એકથી વધુ જગ્યાએ અનુભવવા મળે છે. વાર્તામાં આવતાં વળાંકો પણ સરસ છે. આ લેખકની વાર્તા પહેલી જ વાર વાંચતા હોય એમના માટે મિજબાની છે પણ એમના ચાહકોને નિરાશા સાંપડશે. આ પ્રકારની એક કરતાં વધુ વાર્તાઓ આ નીવડેલા લેખક પાસેથી મળી ચૂકી છે.             

ટાઈમપાસ (સુમન શાહ):

ભાઇ-બહેનના સંબંધની વાર્તા. નોકરી-વ્યવસાય નિમિત્તે વિદેશ (અમેરિકા)માં સ્થાયી થયેલાં આ ભાઈ-બહેનની જીવનશૈલી પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઇ છે. બંનેનો ભૂતકાળ પીડાદાયી રહ્યો છે. બંનેના જીવનસાથીનું મૃત્યુ કરુણ સંજોગોમાં થયું હતું. એ પછી એમના સ્વતંત્ર પ્રેમસબંધો બનતાં-તૂટતાં રહ્યાં છે. કરુણતા એ છે કે આ બંનેનું ઈચ્છિત સુખ ઝાંઝવાના જળની જેમ દૂર દૂર ખસતું  રહે છે. આ ભાઈ-બહેનનો આપસી સંબંધ પ્રેમ અને ધિક્કારનો છે. વાર્તામાં પાશ્ચાત્ય જીવનશૈલીનું બેનમૂન દસ્તાવેજીકરણ થયું છે. આમ વિષય-વસ્તુ તથા આલેખનની દ્રષ્ટિએ આ વરિષ્ઠ લેખકની આ વાર્તા નોંધનીય બની છે.

એકાવન કટિંગ (નીલેશ મુરાણી):

દાંપત્યજીવનમાં વિખવાદની વાર્તા. આવા પ્રશ્નોનાં ઉકેલ સમાજના ભિન્ન ભિન્ન સ્તરોએ ભિન્ન ભિન્ન પધ્ધતિએ શોધાતાં હોય છે. આપણે ત્યાં એક સમયે જ્ઞાતિપંચોની બોલબાલા હતી. આજે સભ્ય સમાજ અદાલતના દરવાજા ખખડાવે છે પણ ગુજરાતના અને દેશના કેટલાંક અન્ય ભાગોમાં હજી પણ જ્ઞાતિપંચની પરંપરા સક્રિય છે. આ વાર્તામાં બે જુદાં જુદાં સમાજના પીડિતોનાં પ્રયાસોનો તુલનાત્મક અભ્યાસ થયો છે. વાર્તાના અંતમાં પ્રશ્ન થાય છે કે સભ્યતાની દિશામાં પ્રગતિ કરતો સમાજ કૌટુંબિક વિખવાદોના ઉકેલ લાવી શકે છે કે વધુ ગૂંચવી મારે છે? નવી કલમ પાસેથી મળેલી સારી વાર્તા.    

એક મિનીટ (નીલેશ રાણા):

ફેન્ટેસી વાર્તા. લેખક અને પાત્ર વચ્ચે સંવાદ. લેખક એક પરફેક્ટ મર્ડર સ્ટોરી લખી રહ્યો છે. વાર્તાની નાયિકા પોતાની હત્યા નાનકડી પણ ભૂલ વિના કેવી રીતે કરી શકાય એનાં સૂચનો આપવાની સાથે સાથે પોતાની હત્યા ના કરવાની વિનંતીઓ કરીને લેખકને ગૂંચવી રહી છે. અંતનો વળાંક છેક જ અણધાર્યો છે. વિદેશસ્થિત આ લેખકની પ્રયોગાત્મક સરસ વાર્તા.     

ચીસ (પ્રિયંકા જોશી):

સ્વની શોધ કરતી નાયિકા. ઘટના એવી છે કે નાયિકાને જે સ્ત્રી મળવા આવી છે તે જાણીતી પણ છે અને અજાણી પણ છે. બંને વચ્ચે સંવાદ થાય છે, ચિઠ્ઠીની આપ-લે થાય છે. જીવનમાં એક ક્ષણ એવી આવે છે જયારે માણસે પોતાની જાતનો જ સામનો કરવો પડતો હોય છે. પોતાનું એ રૂપ પોતાનાથી કેટલું અજાણ્યું હોય છે! સ્વના સાક્ષાત્કારની વાર્તા. યુવા લેખકની વાર્તામાં આલેખન સરસ.

અલ-ગો-રિધમ (છાયા ઉપાધ્યાય):

સ્ત્રી-પુરુષના સંબંધની ગણિતિક ભાષામાં અનોખી રજૂઆત. એક નર અને એક માદા કેવળ વિશુદ્ધ પ્રેમના કારણે એકમેકના સંગીસાથી બને છે પણ પછી સમાજે ઘડી કાઢેલાં ધારાધોરણમાં અટવાઇ પડે છે. એકાદ સામાન્ય કારણને લીધે મતભેદ થતાં વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. વાર્તામાં સામાજિક નીતિનિયમો અંગે કટાક્ષ થયો છે. વાર્તામાં આવતાં વળાંકો માટે ગણિતની સંજ્ઞાઓનો ખૂબીપૂર્વક ઉપયોગ થયો છે. ઓછા જાણીતા આ લેખકની વાર્તાઓની શૈલી થોડી હટ કે છે.

તે સાંજ (મનોહર ત્રિવેદી):

માનવીય સંબંધની વાત. કેટલાંક સંબંધ નામ વિનાનાં હોય છે. કથક અને આકાંક્ષાના સ્નેહસંબંધને ચોક્કસ નામ આપી શકાય એવું નથી. દરેક વખતે નામ આપવાં જરૂરી પણ નથી. વિશ્વમાં જ્યાં સુધી લાગણીઓનું અસ્તિત્વ છે ત્યાં સુધી આવાં અનામી સંબંધો બનતાં-તૂટતાં રહેવાનાં છે.

વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની કરપીણ હત્યા પછી હિંદુ-શીખ સમુદાય વચ્ચે ફાટી નીકળેલી હિંસાના પરિણામે આવા અનેક શીખ કુટુંબો વતન છોડીને દેશના અન્યત્ર ભાગોમાં સ્થાળાંતર કરી ગયાં હતાં. એ રીતે કબીરસિંહ અને એની પત્ની આકાંક્ષા પણ દિલ્હી-પંજાબથી ગુજરાતના અંતરિયાળ ગામડે આવીને વસ્યાં છે.  કથકના પાડોશમાં તેઓ દૂધમાં સાકર ભળે એમ ભળી ગયાં છે. કથકની દીકરીનું નામ પણ આકાંક્ષા છે. કબીરસિંહની આકાંક્ષા લજામણીના છોડ જેવી શરમાળ અને સૌમ્ય સ્વભાવની છે. આગળ ઉપર એની ગંભીર માંદગી પછી એક સાંજે બેઉ જણ આકસ્મિક રીતે અંતરંગ ક્ષણોના સાક્ષી બન્યાં છે. દરેક વખતે ફ્રોઈડની થિયરી સાચી પડે એવું જરૂરી નથી. ક્યારેક જાતીયતા પર માનવીય લાગણીઓનો વિજય પણ થતો હોય છે. સરસ વાર્તા.

--કિશોર પટેલ; 11-11-21 11:32

###     


Tuesday 9 November 2021

સરતચૂક કે ઊઠાંતરી?

 



સરતચૂક કે ઊઠાંતરી?

ગુજરાતી સાહિત્યમાં આઘાતજનક બીના બની છે. આસામી ભાષાની એક વાર્તા “પરબ” માં એક ગુજરાતી લેખકના નામ સાથે પ્રસિદ્ધ થઇ છે!

પરબ સામયિકમાં ઓક્ટોબર ૨૦૨૧ અંકમાં પ્રસિદ્ધ થયેલી વાર્તા “ઓછાયો” ના લેખક તરીકે શ્રી નટવર હેડાઉનું નામ પ્રગટ થયું છે. આ વાર્તા આ લેખકની મૌલિક કૃતિ ના હોઇ ઊઠાંતરી હોઇ શકે એવું તથ્ય સામે આવ્યું છે.

પરબ સામયિકના ફેબ્રુઆરી ૨૦૧૯ અંકમાં “ભારતીય સાહિત્ય” મથાળા હેઠળ એક આસામી વાર્તા “ડોસાએ કહ્યું” નો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો છે. મૂળ આસામી વાર્તાના  લેખક છે મણિકાદેવી.  આ વાર્તાનો ગુજરાતી અનુવાદ કર્યો છે હસમુખ કે.રાવલે.

ચર્ચાના કેન્દ્રસ્થાને રહેલી વાર્તા “ઓછાયો” આ આસામી વાર્તાની બેઠી નકલ છે.

“ઓછાયો” વાર્તા કેવળ પરબના ઓક્ટોબર ૨૦૨૧ અંકમાં જ નહીં, મમતા વાર્તામાસિકના જૂન ૨૦૨૧ અંકમાં પણ આ જ શીર્ષકથી આ જ લેખકના નામે પ્રસિદ્ધ થઇ છે.

પરબ ના ફેબ્રુઆરી ૨૦૧૯ અંકમાં પ્રસિદ્ધ થયેલી વાર્તા બે વર્ષ પછી સરતચૂકથી પરબમાં જ પુન:પ્રકાશિત થઇ શકે પણ જેમની તેમ અનુવાદ તરીકે. પણ અહીં તો લેખક તરીકે એક ગુજરાતી લેખકનું નામ પ્રગટ થયું છે. આ તાંત્રિક અકસ્માત કે સરતચૂક કે યોગાનુયોગ હોઈ ના શકે. ચાલો, એક વાર માની લઈએ કે પરબમાં લેખકનું નામ કોઇ અકળ કારણસર બદલાઇ ગયું, મમતામાં કેવી રીતે અન્ય લેખકના નામે પ્રસિદ્ધ થઇ શકે? આ લેખકે મમતામાં પોતાના નામે કૃતિ મોકલી હોય તો જ એવું બનવું સંભવ છે.

આ વાર્તા વિષે તા.૦૫/૧૧/૨૦૨૧ ના રોજ ફેસબુક પર મૂકેલી મારી નોંધમાં જ મેં શંકા વ્યક્ત કરી હતી કે “એવું લાગે છે કે કોઇ પરભાષાની વાર્તા વાંચી રહ્યો છું.” કમનસીબે એ શંકા સાચી પડી. (તા.૦૫/૧૧/૨૦૨૧ ના રોજ મૂકેલી મારી એ પોસ્ટની લિંક નીચે  ટિપ્પણી ના પહેલાં ખાનામાં આપી છે.) 

આ લેખકની અન્ય એક વાર્તા “ચિનારને કુંપળ ફૂટી રહી છે” (શબ્દસૃષ્ટિ, જૂન ૨૦૨૧) પણ શંકાના ઘેરાવામાં છે. ગાંધીનગરમાં રહેતા લેખક કાશ્મીરના એક મુસ્લિમ પરિવારની પીડા કઇ રીતે આત્મસાત કરીને આવી વાર્તા લખી શક્યા હશે? એ વાર્તા જો એમની મૌલિક હોય તો એમને અભિનંદન.

પરબના અને મમતા વાર્તામાસિકના તંત્રી/સંપાદક કોઇ મિત્રની સૂચિમાં હોય તો એમને ટેગ કરવા વિનંતી.

--કિશોર પટેલ, 07-11-21 14:52