Friday 29 January 2021

એતદ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

 

એતદ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૧૦૧૯ શબ્દો)

૧. દરવાજે કોઇક આવ્યું હતું, કોણ એ ખબર નહીં (સમીરા પાત્રાવાલા):

દેશમાં ફેલાઇ રહેલી સાંપ્રદાયિકતા અંગે એક સ્ટેટમેન્ટ. દરેક ફકરાના આરંભે મૂકાયેલી ધુવપંક્તિ “દરવાજે કોઇક આવ્યું હતું, કોણ એ ખબર નહીં.” એક દહેશત નિર્માણ કરે છે. ભૂત-પ્રેતના વહેમવાળી જગ્યામાં થોડી થોડી વારે ઝાંઝરના રણકાર સંભળાય અને ભીતિ બેવડાતી જાય એવું કંઇક. ચોક્કસ ધર્મના લોકો આજે કેવી દહેશતમાં જીવે છે એની ઝલક મળે છે. માંડ ‘હાશ!’ કરીને તમે બેઠા હો અને બારણે ટકોરા થાય. આવનાર વ્યક્તિ નામ પૂછે, ઓળખનો પુરાવો માંગે!  અથવા, પહેલાં ક્યાં રહેતાં હતાં? ત્યાંથી કેમ નીકળવું પડ્યું? આવા અનેક અણગમતા અણિયાળા પ્રશ્નો પૂછાય.

એક પરિવાર નવા રહેઠાણમાં હજી માંડ સેટલ થયો છે અને એક અતિથી આવ્યો છે. “ખબર તો પડી જ જાય, કાંઈ તને એકલી પડી જવા દઉં?” એકલદોકલ વ્યક્તિ નહીં, ચોક્કસ ધર્મનો સંપૂર્ણ સમાજ એક દહેશતમાં જીવે છે! એ સમાજના સભ્યો એકબીજાને ટેકો આપવા માટે તત્પર છે. આ ટેકો આપવો એટલે જયારે પોતાના પર સંકટ આવે ત્યારે મદદ મળી રહે એ માટેનું આગોતરા રોકાણ!

બે પેઢીથી પરિચિત હોવાં છતાં અતિથીનું યજમાનના ઘરનું પાણી ના પીવું શું સૂચવે છે? અસ્પૃશ્યતા? આપણા દેશમાં એક ધર્મમાં પણ અનેક ફિરકા હોય છે, એમાં પણ ઊંચ-નીચ, આભડછેટ પળાતી હોય છે!   

“બે જ રંગની ઘરવખરી” સૂચક છે. મદિરા પીધેલાં ધર્માંધ મર્કટોનાં સંભવિત આક્રમણની સામે એક ઢાલ, એક બચાવાત્મક ચાલ: ઓળખ જાહેર થઇ જાય એવી વસ્તુઓ, એવા રંગો ટાળો!

આ વાર્તા એટલે કહેવાતા ધર્મનિરપેક્ષ દેશને પૂછાયેલો એક પ્રશ્ન: અમારા ઘરના દરવાજે આવીને પ્રશ્નો પૂછનારા તમે કોણ છો?  શું આ દેશ અમારા માટે નથી?      

આદમી (બિપિન પટેલ):

જાતીય સંબંધોની વાર્તાઓ આપણા  ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ લખાતી નથી અથવા ભાગ્યે જ લખાય છે. પાકટ વયના મંગળદાની સમસ્યા એ છે કે જાતીય સુખની એમની ઈચ્છાઓ જીવંત છે પણ એમની પત્નીની ઈચ્છાઓ મૃતપાય થઇ ગઇ છે. લંગોટિયા મિત્ર બેચરની જેમ એ વૈરાગ્યભાવ કેળવી શકતા નથી. પુત્ર પરેશના કબાટમાંથી અનાયાસ હાથ લાગેલી અનાવૃત સ્ત્રીદેહની છબીઓ જોઇને કે વડ નીચે ઓટલા પર બેસીને આવતી-જતી સ્ત્રીઓને જોયા કરવાથી એમની ઈચ્છાઓનું સમાધાન થતું નથી.

બેચર એવો મિત્ર છે કે જેની પાસે મંગળદા મનની વાતો કરીને હૈયું હળવું કરી શકે છે. ઋતુમાં આવેલા પાડાને ભેંસ યોગ્ય પ્રતિસાદ આપતી નથી એ જોઇને મંગળદા બેચરને કહે છે, “ભેંસ તો ખદલપુરની છે, તારી ભાભી રઈના ગામની, એના જેવી જ ટાઢી હિમ!”

અચાનક ગોઠવાયેલી લગ્નગાંઠની પાર્ટીની રાતે પણ પત્ની તરફથી એમને નિરાશા જ હાથ લાગે છે. એ રાતે અચાનક મોસમ બદલાય છે અને ગમાણમાં બાંધેલી ભેંસ ગોમતી તોફાને ચડે છે ત્યારે મંગળદા પોતાનામાં અને ભેંસમાં સામ્યતા જુએ છે. વક્રતા એ છે કે પોતે અશાંત છે પણ ઉલટાના ભેંસને થાબડીને કહે છે, “શાંતિથી ઊંઘી જજે પાછી.”

હકીકતમાં તોફાન વાતાવરણમાં નહીં, એમના પોતાનામાં આવ્યું હતું. મંગળદા ગોમતીને નહીં પણ પોતાને જ કહે છે, “શાંતિથી ઊંઘી જજો પાછા.” એટલે કે આડુંઅવળું કંઈ કામ કરતાં નહીં!

અંતની ચમત્કૃતિ જબરી છે. વગડામાં કૂતરાંને ગેલ-ગમ્મત કરતાં જોઇને ઘેર ભણી દોટ મૂકતા પહેલાં મંગળદા બેચરને ભલામણ કરતા જાય છે, “પેલ્લાં કૂતરાંને રમવા દેજે, બહેચર.” મંગળદા ખરેખર કોની ભલામણ કરે છે?

ત્રીજું બટન (વિજય સોની):

હુલ્લડગ્રસ્ત પરિસરની વાત.

હુલ્લડ કેવળ એક સરહદી શહેરમાં થયું નથી, હુલ્લડ આ વાર્તાના એકેએક પાત્રોના માનસમાં પણ થયું છે. કથક, જેક અને અન્ય ગૌણ પાત્રો, જીતુ લીટી અને એની પત્ની. સહુ હુલ્લડગ્રસ્ત છે. જીતુ, એની પત્ની અને જીતુની બહેન જેક: આ ત્રણે માટે તો હુલ્લડ રોજનું થયું. સામાન્ય આર્થિક સ્થિતિના કુટુંબોમાં સભ્યો વચ્ચે શાબ્દિક હુલ્લડ રોજ થતું હોય છે. સ્ત્રી જેવી નહીં જણાતી મોટી બહેન જેક જીતુ માટે  માથાનો દુખાવો બની ગઇ છે. જીતુની પત્ની અને જેક વચ્ચે કંકાસ રોજની વાત છે.

ખરું હુલ્લડ તો કથકના મનમાં જામ્યું છે જેકના કારણે.

જીતુ જેકને કથક સાથે પોતાની દુકાનેથી જોખમ ઘેર લઇ આવવા મોકલે છે. પોતાની દુકાન પર કથક જેક સાથે કામના બહાને અંતરંગ ક્ષણો માણવાનો પ્રયાસ કરે છે પણ જેક એનો સજ્જડ પ્રતિકાર કરે છે. કથકના બેઉ પગ વચ્ચે એ જોરદાર લાત મારી દે છે. ઘેર પાછા ફરતી વખતે જેક અધવચ્ચે જ છૂટી પડી જાય છે.

જેક થોડીક જુદી છે પણ એની અંદર એક સ્ત્રી જીવંત છે. કથકના સ્પર્શમાં કારણે એની અંદર પણ એક હુલ્લડ મચ્યું છે. ઘેર ન જતાં એ હુલ્લડગ્રસ્ત વિસ્તારમાં સામે ચાલીને જાય છે. તોફાનમાં જખમી થયેલાં એક બાળકને ઉગારી લઇને એને છાતીસરસો ચાંપી દઇને એ પોતાની અંદરનું હુલ્લડ શાંત કરવાનો પ્રયાસ કરે છે.

વાર્તામાં સોનીકામના કેટલાંક પારિભાષિક શબ્દો જાણવા મળે છે. આવા શબ્દોનું દસ્તાવેજીકરણ થાય એ મહત્વનું કામ છે. આપણે ત્યાં સ્ત્રીની હાજરીમાં પણ અમુક લોકો કેટલી અશિષ્ટ ભાષા બોલતાં હોય છે એનું ઉદાહરણ અહીં ગૌણ પાત્રો લાલો અને જગોની વાતચીતમાં જોવા મળે છે.                  

નોંધનીય અભિવ્યક્તિ: // માણસો તપેલીમાંથી ચોખા ઊભરાઈને બહાર પડે એમ રસ્તા પર ઢોળાવા લાગ્યા. //

દેહરાગ – ત્રણ અનુભૂતિ (છાયા ઉપાધ્યાય):

આ એક પ્રયોગાત્મક વાર્તા છે. એક જ લાગણી, એક જ અનુભૂતિનું ઊર્ધ્વીકરણ ત્રણ જુદાં જુદાં પાત્રોમાં કઇ રીતે જુદું જુદું થાય છે એનો તુલનાત્મક અભ્યાસ થયો છે. શારીરિક લાગણી એક સરખી છે; એની અસર પણ ત્રણે પાત્રો પર એકસરખી થાય છે પણ ત્રણે પાત્રો જુદી જુદી રીતે એની પ્રતિક્રિયા આપે છે. આવું શા માટે થયું?

વાર્તામાં ત્રણે પાત્રોની પાર્શ્વભૂમિ કે શિક્ષણ-સંસ્કાર અંગે કોઇ જ વિગત કે સંકેત અપાયાં નથી. નિશ્ચિતપણે ત્રણે પાત્રોની ભૂમિકા જુદી જુદી હોવાની. ત્રણેની જુદી જુદી પ્રતિક્રિયાની ચાવી કદાચ એ જ વિગતોમાં સમાયેલી છે.

મીતા નવીનક્કોર અનુભૂતિને શારીરિક રીતે પૂર્ણપણે માણી લે છે; એટલું જ નહીં, ના-ના કરતાં પતિને પણ એ પોતાની જોડે ઘસડે છે. નીતા પલાયનવાદી અભિગમ સ્વીકારે છે; પ્રજ્જવલિત થયેલી વૃત્તિઓનું દમન કરવા એ સ્નાન કરીને શરીરને ઠંડુ પાડે છે. જયારે ગીતા સાવધ થાય છે. નવી અનુભૂતિનો ઉપયોગ એ ધ્યાનક્રિયાને વધુ સઘન બનાવવામાં કરે છે.    

હા, હા, આ પ્રયોગનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્યમાં આ એક નવી અને સુખદ વાર્તાનુભૂતિ છે! આપણે તો આ અનુભૂતિ પૂર્ણપણે માણવાની છે!

બે પિંજર (કિરણ વી.મહેતા):

પિતા-પુત્ર સંબંધની વાત. પ્રારંભથી છેક અંત સુધી એક જ સૂરમાં વાર્તા વહે છે: “બાપ નઠારો હતો.” અંતમાં પિતાનું મૃત્યુ થાય છે ત્યારે પિતા અને પુત્ર બંને પિંજરમાંથી મુક્ત થાય છે.

સંપૂર્ણ વાર્તા મોનોટોનસ બની ગઇ છે. અંતમાં ચમત્કૃતિ રચીને કંઇક જુદું કરી શકાયું હોત. વાચકને આશ્ચર્યમાં નાખી શકાયો હોત. પિતાનું એક નહીં જાણેલું, નહીં જોયેલું એકાદ આશ્ચર્યજનક પાસું ખુલ્લું કરી શકાયું હોત. દાખલા તરીકે પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે એણે કોઇક ગોઠવણ કરી રાખી હોત જેની એના મૃત્યુ પછી પુત્રને ખબર પડે, કંઇક એવું જે પુત્ર માટે સ્વપ્નવત હોય, કંઇક અણધાર્યું. તો પિતાના મૃત્યુ માટે પુત્રને કદાચ દુઃખ થયું હોત, રહી રહીને પિતાને ચાહવા માટેનું નિમિત્ત મળ્યું હોત, તો કંઇક વાત બની હોત, વાતમાં કંઈ વળાંક આવ્યો હોત. ખેર.   

--કિશોર પટેલ;  29-01-21; 13:26.

###     


Monday 25 January 2021

મમતા ડિસેમ્બર ૨૦૨૦ જાન્યુઆરી ૨૦૨૧ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે:

 

મમતા ડિસેમ્બર ૨૦૨૦ જાન્યુઆરી ૨૦૨૧ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે:

(૫૧૦ શબ્દો)

૧. પીએચડી (ડંકેશ ઓઝા): વિદ્યાર્થીનીને મહાનિબંધ માટે “લગ્નેતર સંબંધ” જેવો વિષય સૂચવનારા પ્રોફેસરસાહેબ પોતે વિદ્યાર્થીની જોડે લગ્નેતર સંબંધ બાંધીને ડેમો આપવા આતુર હતા! આટલા સારા અને કલ્પનાશીલ શિક્ષક ક્યાં મળે! વિષય સારો પણ માવજતમાં રાયતું ફેલાઇ ગયું. વાર્તામાં બધું વિગતવાર સમજાવવાનું ના હોય. વાચકને કલ્પના કરવા માટે કંઇ જ બાકી ના રાખો તો વાંચવાની મઝા ક્યાંથી આવે?    

૨. સહારો (અર્જુન સિંહ રાઉલજી): જયેષ્ઠ નાગરિકની અવહેલના જેવો વિષય બહુ ચવાઈ ગયો. કલમ અનુભવી, રજૂઆત પ્રવાહી પણ એકંદરે...   

૩. આત્મનિર્ભર (સુષ્મા શેઠ): બંધ કબાટનું તાળું ખોલવામાં થતો ફિયાસ્કો. હાસ્યપ્રધાન વાર્તા. જો કે વાર્તામાંથી નીપજતું હાસ્ય સહજ નથી, આયાસપૂર્વકનું ભાસે છે. ગ્રામ્યબોલીનો સફળ પ્રયોગ થયો છે.   

૪. પ્રીત (દીપિકા પરમાર): સાસરિયાના જુવાનને પત્નીનો પૂર્વપ્રેમી સમજી લેવા જેવો વિષય એકસોઅગિયાર વર્ષ સાત મહિના અઠાવીસ દિવસ જૂનો થઇ ગયો.  

૫. સોપટ (યોગેશ ન. જોશી):  ચોક્કસ શું કહેવું છે એ વિષે લેખક ગંભીર નથી. બાકી એક વાર્તામાં બે વાર્તા હોય ખરી?  પ્રસ્તુત વાર્તામાં બે ભાગ છે. પહેલા ભાગમાં સાડીના સેલ્સમેનની વાર્તા છે. કોઇ માલ ખરીદતું નથી એ જોઇને મરણિયો બનેલો સેલ્સમેન કડવા વેણ ઉચ્ચારે છે અને ધંધો કરવામાં સફળ થાય છે. બીજા ભાગમાં એક ગૃહિણીની દાસ્તાન છે. સાચવવા આપેલી સંકટ સમયની મૂડીને ફૂંકી મારનારી પત્નીને એનો પતિ યથાયોગ્ય “ઇનામ” આપે છે.

આ રચનાને વાર્તા નહીં, ટુચકો કહેવાય. વાર્તા ક્યારે બને? એક ચોક્કસ વિષય હોય. મુખ્ય પાત્રનો કોઇક સંઘર્ષ હોય. કથક કોઇ એક પાત્રને વફાદાર રહેવો જોઇએ. કાં તો સેલ્સમેનની વાર્તા કહો અથવા ગૃહિણી સુધાની કહો. પ્રસ્તુત રચનામાં સુધાની વાર્તા કહેવી જોઈએ. કથકે શરૂઆતથી જ સુધા જોડે રહેવું જોઈએ. દા.ત. સુધા પાડોશણોને ભાષણ આપતી હોય કે કેવી રીતે વાતોડિયા સેલ્સમેનની જાળમાં ફસાવું જોઇએ નહીં. પછી વાર્તામાં બને છે એમ એ પોતે સેલ્સમેનની વાતમાં ફસાય, નહીં કરવાની ખરીદી કરે, પતિ પાસે એનો ફિયાસ્કો થાય.

ગ્રામ્યબોલીનો સારો પ્રયોગ થયો છે. શીર્ષક માટે વપરાયેલો શબ્દ “સોપટ” પહેલી વાર સાંભળ્યો. આ શબ્દનો અર્થ ભગવદગોમંડલ કોશ પ્રમાણે: ૧. પાધરું, સીધેસીધું ૨. જલ્દી, તુરત. લાંબો વિચાર કરતાં લાગે છે કે શીર્ષકને યોગ્ય સાબિત કરવા બે ભાગમાં વાર્તા લખાઇ છે. પહેલા ભાગમાં સુધા સેલ્સમેનને જલ્દી, તરત જવાબ આપે છે. બીજા ભાગમાં સુધાનો પતિ સુધાને જલ્દી, તુરત શિરપાવ આપે છે.  

૬. અનસંગ હીરો (આરાધના ભટ્ટ):  ગૃહિણીની કદર આપણે ત્યાં જ નહીં, વિશ્વમાં પણ અન્યત્ર ક્યાંય થતી નથી. કલ્યાણીનું પૂર્ણ આયુષ્ય ઘર સંભાળવામાં ગયું. દીકરી-દીકરો માન આપે છે, વિવેકથી વર્તે છે પણ પેલી કદર નહીં થયાની લાગણી કલ્યાણીને સતત પીડા આપતી રહે છે. અંતમાં ચમત્કૃતિ જબરી છે. જો કે વાર્તામાં લેખકે યોગ્ય સ્થળે સંકેતો મૂકેલાં છે.

વાર્તા વિદેશની સંસ્કૃતિમાં આકાર લે છે. વૃધ્ધાશ્રમ જેવી સંસ્થાને આપણે ત્યાં યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવતી નથી. વિદેશમાં વૃધ્ધાશ્રમ પ્રતિ અભિગમ તંદુરસ્ત છે.

કેરટેકર, દીકરી અવનિ, દીકરો દિગંત સહુ ગૌણ પાત્રોના પાત્રલેખન ઓછા શબ્દોમાં સારાં ચિતરાયા છે. પણ ઉપર એક જગ્યાએ કહ્યું છે એમ વાર્તામાં બધું સમજાવીને કહેવાનું ના હોય. વાચકોને બીટવીન ધ લાઈન્સ વાંચવાની તક ન  મળે ત્યારે તે નારાજ થઇ જતો હોય છે. આજનો વાચક ખાસો હોંશિયાર થઇ ગયો છે!  ભાઈલોગ ઔર બહેનજીલોગ બો’ત સુધર ગયેલે હય!    

૭. સુખ (રામ જાસપુરા): પતિના અપમૃત્યુ પછી જ કોઇ સ્ત્રીને સાચું સુખ મળે એ કેટલી મોટી વક્રતા! આપણી સામાજિક સિસ્ટીમ પર કેટલો મોટો કટાક્ષ! રજૂઆત પ્રવાહી. ગ્રામ્યબોલીનો સરસ પ્રયોગ.    

--કિશોર પટેલ; 25-01-21; 22:01

###

   


Friday 22 January 2021

નવનીત સમર્પણ જાન્યુઆરી ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

 

નવનીત સમર્પણ જાન્યુઆરી ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૭૯૪ શબ્દો)

આ અંકમાં બે સારી વાર્તાઓ છે. એક વાર્તા સારી બનતાં બનતાં રહી ગઇ છે.

એક્ઝિટ (બિપીન પટેલ):

માનવસ્વભાવની એક ખાસિયત છે કે પરિચિત પરિસરમાં, પોતાના માણસોની વચ્ચે, પોતાના જેવા માણસો વચ્ચે એ સલામતી અનુભવે છે.  જરાક જુદા પડતા માણસને બાજુએ મૂકવામાં આવે છે. એને “એક્ઝીટ” નો દરવાજો દેખાડવામાં આવે છે, એવું થઇ ના શકે ત્યારે બાકીના સહુ એક્ઝીટ થઇને, પેલાને એકલો પાડી દઇને, નવું ગુલિસ્તાન બનાવી લે છે.

બાળપણના ભેરુ વિષ્ણુ તેમ જ મોસાળના કુટુંબના આશ્રિત બોથા જોડે કથક સામ્યતા અનુભવે છે. જે રીતે બાળપણમાં સહુ એક થઇને વિષ્ણુને અલગ પાડી દેતાં હતાં, જે રીતે બોથાનો ઉપયોગ એક રમત તરીકે થતો હતો એ જ રીતે વયસ્ક થયા પછી મિત્રવર્તુળમાં પોતાની સાથે અન્યાય થયાનું કથક અનુભવે છે.

સારી ટૂંકી વાર્તામાં કશું પણ નિર્હેતુક હોતું નથી. કથક જયારે પણ મોસાળમાં જાય છે ત્યારે ઘરના વાડામાંનાં વૃક્ષો જોડે સંવાદ કરે છે. આ સામાન્ય બાબત નથી. એમ કહી શકાય કે એ પ્રકૃતિપ્રેમી હતો. આ તો ઉપરછલ્લો અભિપ્રાય થયો. એવું બની શકે કે માણસો જોડે એ comfortable ન હતો.  જે રીતે પત્ની જોડે એ સ્પષ્ટ સંવાદ કરી શકતો નથી, કદાચ મિત્રવર્તુળમાં પણ એ પોતાની જાતને સ્પષ્ટપણે વ્યક્ત કરી શકતો ન હતો. અને કદાચ એટલે જ એ odd man out હતો. એને વોટ્સએપ ગ્રુપમાંથી સીધો જાકારો આપી શકાય એમ ન હતું એટલે બાકીનાઓ એક પછી એક એક્ઝીટ થઇ ગયા!

કથક ડાયરી લખતો હતો. વાર્તાની રચનારીતિમાં આ ડાયરી એક તરફ ફલેશબેકમાં જવાની સુવિધા પૂરી પાડે છે અને બીજી તરફ કથકના સ્વભાવની ઝાંખી કરાવે છે. ડાયરી તમને સામા પ્રશ્નો પૂછતી નથી. ડાયરી તમને આહવાન આપતી નથી. ડાયરી એક એવું માધ્યમ છે જ્યાં તમે પોતાની જાતને વિના રોકટોક વ્યક્ત કરી શકો છો. આગળ કહ્યું તેમ અન્યો જોડે સ્પષ્ટપણે વ્યક્ત થવામાં કથકને સમસ્યા હતી. બીજાનો મોબાઈલ ચેક કરવો અશિષ્ટ કહેવાય એટલું પણ એ પોતાની પત્નીને સોય ઝાટકીને કહી શકતો નથી.

નાગોલચું રમવાની અને કાલાં ફોલવાની વિગતવાર રજૂઆત વડે તેમ જ ગામડાનાં પાત્રોની બોલીભાષા દ્વારા ગ્રામ્ય વાતાવરણનું વાર્તામાં દસ્તાવેજીકરણ થયું છે. વિષ્ણુને લીધાં વિના ગાડી ચાલવા માંડે પછી રીઅર વ્યુના કાચમાં ઉદાસ વિષ્ણુનો ચહેરો દેખાયા કરવો એ દ્રશ્ય ભારે હ્રદયસ્પર્શી બન્યું છે.      

નોંધનીય અભિવ્યક્તિ: // દરેક ઘર, કુટુંબ, મહોલ્લો, મંડળી, ગામ, શહેર, દેશ, દુનિયામાં એક ‘બીજો’ જણ હોય છે. ના હોય તો ઊભો કરીએ છીએ. કોકને ઠરાવી દઇએ છીએ. // આ ઉક્તિ વાર્તાનું હાર્દ છે.   

વાવ (ગિરીશ ભટ્ટ): એક સંવેદનશીલ સ્ત્રીની વાર્તા. કેટલાંક માણસોનાં મન એટલાં ઋજુ હોય છે કે ક્યારે અન્યોનું દુઃખ ઉધાર લઇને પોતે દુઃખી થવા માંડે એનો કોઇ ભરોસો નહીં. બેન્કમાં નોકરી કરતા મનોહરની બદલી એવા ગામડામાં થઇ છે જ્યાં ઘરની નજીક એક ઐતિહાસિક વાવ છે. ગામને પાણી મળે એ માટે કોઇક સમયે એક સ્ત્રીએ આત્મબલિદાન આપ્યું હતું એવી એક દંતકથા છે. કહે છે કે એની એક ધાવણી દીકરી હતી. મનોહરની પત્ની વત્સલા આ દંતકથા સાંભળીને અસ્વસ્થ થઇ જાય છે. એની પોતાની પણ એક નાનકડી દીકરી છે. એ પેલી સ્ત્રી જોડે આત્મીયતા અનુભવવા માંડે છે. એને એવી ભ્રાન્તિ થાય છે કે પેલી સ્ત્રીની બાળકીએ પોતાના પેટે પુનર્જન્મ લીધો છે. દીકરી તન્વી જયારે વાવ ભણી જોયા કરે છે ત્યારે વત્સલાને થાય છે કે એ એના ગયા જન્મની માતાની રાહ જુએ છે. જયારે દીકરીને ધાવણ છોડાવવાનો સમય આવે છે ત્યારે વત્સલા ગુનાહિત લાગણી અનુભવે છે. દંતકથામાં પેલી સ્ત્રીએ બલિદાન આપ્યું ત્યારે એની પાછળ એ ધાવણી દીકરીને રડતી મૂકી ગઇ હતી. હવે ફરી વાર એ જ ગુનો કરવાનો? કંટાળીને મનોહર બદલી માટે અરજી કરે છે. મનોહરને બદલી માંગવાનું ઘણું આકરું લાગે છે કારણ કે પાડોશ સારો હતો, બીજી બધી જ રીતે એ ગામમાં એમને ફાવી ગયું હતું.

ઉજાસભર્યું આકાશ (કિરણ વી મહેતા):

સંસ્કાર અને નીતિમત્તાના ભાર હેઠળ આપણી વાર્તાઓ અલગ સ્તર પર જઇને ખીલતી નથી. આ વાર્તા તેનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં તક હતી એક સરળમાર્ગી સંસ્કારી પુરુષ / સંસ્કારી સ્ત્રીની જગ્યાએ તોફાની સ્ત્રી અથવા પુરુષની એક હટ કે વાર્તા બનાવવાની.

એક યુવાન શરદ અને એક યુવાન વિધવા મૃદુલા પાડોશી. બબ્બે અનુભવોથી દાઝેલી મૃદુલા હિંમત કરીને પાડોશીઓને જમવા બોલાવે છે. એ જાણતી હતી કે શરદને મોડું થશે. શરદ જોડે એકાંતની તક એણે પોતે ઊભી કરેલી હતી. પણ ખરે ટાણે એને ભૂતકાળનાં કડવા અનુભવો યાદ આવ્યાં અને એણે જાતને કોચલામાં પૂરી દીધી. નિખાલસપણે જયારે એ શરદને ટપારે છે કે, “હવે બેસો છાનાંમાનાં ખાઓ છો ઓછું અને બોલો છો વધુ.” ત્યારે શરદ એ વાતને પોતાની બહેન જોડે સાંકળીને વાર્તાનો વીંટો વાળી દે છે. જો કે વચ્ચે એક વાર ગામમાં રહેતાં પત્ની-બાળકો જોડે મૃદુલાનો પરિચય કરાવવાનું એ વિચારે છે ત્યારે જ એનું પાત્ર સ્પષ્ટ થઇ ગયું હતું અને અંત પણ નક્કી થઇ ગયો હતો.

લેખકને વાર્તામાં એક શુદ્ધ ચારિત્ર્યના, સંવેદનશીલ નાયક અને તેવી જ સુશીલ નાયિકાનું નિરૂપણ કરવું હતું અને એમાં તેઓ સફળ રહ્યા છે. બંને પાત્રોમાં તફાવત જ નથી પછી સંઘર્ષ ક્યાંથી આવે? આવી ઘણી વાર્તાઓ આપણે સ્ત્રીવિષયક સામયિકોમાં અને સંસ્કારનું સિંચન કરતાં સામયિકોમાં વાંચી છે, નહીં? વાર્તાકારનું લક્ષ્ય કહેવાતાં અને બંધિયાર સામાજિક મૂલ્યોને પડકારવાનું હોવું જોઈએ. આ વાર્તામાં કંઇક જૂદું, કંઇક અવનવું રચવાની શક્યતાઓ હતી.

નોંધનીય અભિવ્યક્તિ:  // ખરેલાં પર્ણોને પવન રમાડે એમ રમવાનું હોય છે! //

--કિશોર પટેલ; 22/01/2021;20:15.