Wednesday, 19 June 2024

એતદ માર્ચ ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ





 એતદ માર્ચ ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ


એનિથિન્ગ એવરીથિન્ગ (સુમન શાહ)

ફેન્ટેસી.

પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર પધ્ધતિએ રજૂ થયેલી વાર્તામાં એક નવા વૈચિત્ર્યસભર શહેરની કલ્પના થઈ છે.

ડબ્બુ નામના એક મિત્રના આમંત્રણથી કથક એનિથિન્ગ એવરીથિન્ગ નામના શહેરમાં ગયો છે. અહીંના લોકો સંતાનને જન્મ આપવામાં માનતા નથી. સ્ત્રી-પુરુષ જોડે રહે છે ખરાં, એકાદ પ્રાણી પાળે છે. ત્રણ ચોક્કસ વાક્યો સિવાય વધારાનું તેઓ કંઈ બોલતાં નથી. જરુર પડ્યે ઈશારામાં કે સ્પર્શની ભાષામાં વાત કરે છે કારણ કે તેઓ ભાષા બોલવાનું જ ભૂલી ગયાં છે. 

કહે છે કે આપણી આવતી કાલને કવિ આજે જોઈ શકે છે. 

રસપ્રદ રજૂઆત. 

પચાસ ટકા…પચાસ ટકા (રજનીકુમાર પંડ્યા)


મનોવૈજ્ઞાનિક વાર્તા.


દીકરી પોતાની છે કે પત્નીના પૂર્વપતિની એ વિશે નાયકને શંકા છે. પત્ની ખાતરી આપે છે કે એની જ છે પણ નાયકને એમ છે કે એ તો એવું જ કહેવાની. એક તરફ એને એમ થાય કે પત્ની સાચી પણ હોય. બીજી તરફ એને થાય કે એને સારું લગાડવા માટે એ ખોટું પણ બોલતી હોય. આમ નાયકને  પત્ની ઉપર કાયમ પચાસ ટકા વહેમ રહે અને પચાસ ટકા વિશ્વાસ રહે છે. આ વહેમ એના મનમાં એવો સજ્જડ રીતે ઘર ઘાલી ગયો છે કે માનસિક રોગોના નિષ્ણાત પણ નાયકના મનમાંની આ ગ્રંથિ દૂર કરવામાં નિષ્ફળ રહે છે. યોગાનુયોગે  જે પીડાનો ઈલાજ એ કોઈ પ્રકારે કરી શકતો નથી એ પીડાને કોઈકની જોડે વહેચી લેવાનો રસ્તો મળી જાય છે. 


કેવી રીતે? એ માટે તો મિત્રો આ વાર્તા તમારે વાંચવી પડે.


વરિષ્ઠ વાર્તાકાર પાસેથી મળેલી નમૂનેદાર વાર્તા.


ખડગપુરનો છોકરો (વિજય સોની) 


ખડગપુરના એક શ્રમજીવી માતાપિતા પોતાના કિશોરવયના દીકરાને એક પરિચીત બંગાળી કારખાનેદાર જોડે નોકરી કરવા અમદાવાદ મોકલે છે. અમદાવાદમાં કારખાનેદારની યુવાન પત્ની આ કિશોરનું જાતીય શોષણ કરે છે. કિશોર માટે સ્થિતિ ના કહેવાય ના સહેવાય એવી થઈ પડે છે. 


ઘરેણાં ઘડવાના કારખાનાનો પરિવેશ આબાદ ઊભો થયો છે. ત્યાં એના જોડીદારોનાં અને એમની રહેણીકરણીનું વાસ્તવિક આલેખન. મુખ્ય વાત તો એ કે  કિશોરવયના નાયકનું ભાવવિશ્વ સરસ ઊભું થયું છે. એની મૂંઝવણ, એની સમસ્યા ઈત્યાદિનું સરસ આલેખન. પ્રતિભાશાળી  વાર્તાકાર પાસેથી મળેલી સરસ વાર્તા.


ભીનાં પગલાં (નીલેશ મુરાની)


સ્થૂળ દ્રષ્ટિએ આદર્શ ગૃહિણી કહી શકાય એવી સંગીતા સામેના મકાનમાં રહેતા એક નવરાધૂપ રોમિયોથી પરેશાન હોય એવું ચિત્ર ઊભું થાય છે. હકીકતમાં વાત કંઈક જુદી જ છે. કોણ કોની જોડે દિવસભર આંખમિંચોલીનો ખેલ ખેલે છે.એ જાણવા તો આ વાર્તા વાંચવી રહી.  રસપ્રદ આલેખન, યુવા વાર્તાકારની મઝાની નાનકડી વાર્તા.


રોબર્ટ સ્કોટ સચિવાલય આવ્યો હતો? (જિગર સાગર)


દક્ષિણ ધ્રુવ સર કરવાની હોડમાં રોબર્ટ સ્કોટને હરાવીને રાલ્ડ એન્ડરસન વિજયી નીવડેલો. માત્ર થોડીક સેકન્ડના તફાવતથી પરાજિત થયેલો રોબર્ટ સ્કોટ હતોત્સાહ થઈને એની સંપૂર્ણ ટીમ જોડે બરફના તોફાનમાં સપડાઈને મૃત્યુ પામે છે.


વાર્તા રોબર્ટ સ્કોટની નથી. એની કહાણી એક રુપક બને છે સાહિલ માટે. સાહિલ પદાર્થવિજ્ઞાનનો મેઘાવી વિધાર્થી છે પણ કૌટુંબિક પરિસ્થિતિના કારણે અભ્યાસ અધૂરો મૂકી એણે સરકારી નોકરી પકડી લેવી પડે છે. નોકરીમાં એનું શોષણ થાય છે પણ એ સહન કરવા સિવાય એની પાસે કોઈ પર્યાય નથી.


વાર્તાની રજૂઆત રસપ્રદ છે.  ઠેર ઠેર રંગોની વિગતવાર વાત થઈ છે. ચીજવસ્તુઓની ગણતરી અને આંકડાવાર માહિતી વગેરે વિગતો સાહિલના પાત્રાલેખન જોડે મેળ ખાય છે. ઉપરી અધિકારી દ્વારા દોસ્ત દોસ્ત કહીને સાહિલનું શોષણ કરવું વગેરે ધ્યાનાકર્ષક છે.


બે શબ્દો (ઈસાબેલ આલ્યનડે, અનુવાદ મહેન્દ્ર દક્ષિણી)


કવિયત્રી અને જુલ્મી લૂંટારા સરદારની પ્રેમકથા.


અહીં નાયિકાને એક યુનિક કહી શકાય એવો વ્યવસાય કરતી બતાવાઈ છે. એ શબ્દોનો વેપાર કરે છે. આપણે એવું ધારી શકીએ કે એ સર્જક હતી, લેખક, કવિ, નિબંધકાર હતી, ટૂંકમાં લેખનકળામાં પારંગત હતી. 


પ્રેમની શક્તિ ભલભલા પાષાણહ્રદયીને પણ પુષ્પ સમાન ઋજુ બનાવી શકે છે એની પ્રતિતી આ વા્ર્તામાંથી મળે છે.


બર્ડ વોચિંગ (કામિની સંઘવી)


આ  રચના વાર્તા, નિબંધ, પ્રવાસવર્ણન, ડાયરીલેખન વગેરેમાંથી એકાદ પ્રકારની છે અથવા એકસાથે આ બધું જ છે. શીર્ષક “બર્ડ વોચિંગ”  છે. અહીં ગણીને સોળ પક્ષીઓના નામ-વર્ણન છે. ટૂંકમાં, શીર્ષક સાર્થક થાય છે.


હા, વાર્તા પણ છે. જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષીનો હવાલો આપીને પતિ પત્નીને કહે છે કે ઘેર જતાં પહેલાં ગાડી બેંક તરફ લઈ લે, તને વિધવા બનતાં શીખવવું છે. પણ પત્ની ગાડી ધરાર ઘર તરફ જ હંકારી જાય છે. એ કહે છે, તમે પહેલાં વિધુર બનતાં શીખો.     


…પછેં દલજી દલમેં રિયેં (દિક્પાલસિંહ જાડેજા)


દૂધાળા પશુપ્રાણીઓ જોડે વિહરતા રહેતા એક માલધારી પાસે વાર્તાઓનો ખજાનો છે. એક વાર કથકને એ પોતાની જ કથા કહે છે કે શા માટે એની ન્યાતે એને બાર વર્ષ માટે ન્યાત બહાર કરી દીધો હતો. જે તે પ્રદેશની બોલીનો સરળ અને સહજ પ્રયોગ નોંધનીય.


—કિશોર પટેલ, ૨૦ જૂન ૨૦૨૪.


###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 


No comments: