Saturday 30 July 2022

એતદ જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

એતદ જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૯૯ શબ્દો)

ઘર (ગિરિમા ઘારેખાન):

ઘર માટેની માયા. જે ઘરમાં માણસ ઉછર્યો હોય એ ઝટ ભૂલાતું નથી. એ ઘર ભલે એણે છોડી દીધું હોય પણ ઘર એને છોડતું નથી.

નાયિકા સાથે અહીં આવું જ કંઇક બને છે. મેધાના પિતાના મૃત્યુ પછી પિયરનું ઘર ખાલી પડયું છે. મેધાનો પતિ ખાલી પડેલા ઘરનો ટેક્સ જરૂર ભરે છે પણ એને કે એના દીકરાને એ ઘરમાં રસ નથી. એમને રસ હોય પણ ક્યાંથી? એ ઘરમાં તો મેધા મોટી થઈ છે. મેધાને તો ડગલે ને પગલે ઘર જોડે સંકળાયેલી અસંખ્ય યાદો જીવતી થાય છે. જૂના ઘેર એ આવી તો છે એક ઘરાકને ઘર દેખાડવા માટે પણ એનો એકંદર અભિગમ જાણે ઘર વેચવું જ ના હોય એવો જણાય છે. પેલા ઘરાકને ઘર પસંદ પડી ગયું છે ને એણે મનોમન ઘર ખરીદવાનું નક્કી કરી લીધું છે એ જાણ્યા પછી મેધા એને ઘરની કિંમત કદાચ કંઇક વિચિત્ર લાગે એવી વધારે કહે છે જે કદાચ પેલા ઘરાકના બજેટની બહાર છે. ટૂંકમાં,  મેધા ઈચ્છે છે કે ઘરાક ઘર ખરીદવાની ના પાડી દે.

વાર્તાનું સ્વરૂપ ફાંકડું છે. પિયરનું જૂનું બંધ પડેલું ઘર વેચવાનું નક્કી થઈ ગયું છે. ઘરાક જોડે નક્કી થયેલા સમયે મેધા શહેરમાંથી જૂનાં ઘેર આવે છે અને ઘરાકને ઘર બતાવે છે. ઘરની કિંમત જાણ્યા પછી “ફોન કરીને જણાવું છું” કહીને ઘરાક જતો રહે છે અને મેધા પણ શહેર તરફ પાછી ફરે છે. બસ, આટલી જ ઘટના છે પણ દરમિયાન ભાવક સતત અનુભવતો રહે છે કે મેધા એ ઘર જોડે કેટલી તીવ્રપણે જોડાયેલી છે. વાર્તાકારની કમાલ એ છે કે મેધાની મન:સ્થિતિ વિષે ક્યાંય શબ્દોમાં કશું કહ્યું નથી, એના એકંદર આવિર્ભાવ પરથી, ગ્રાહક જોડેની વાતચીત દરમિયાન એના પ્રતિભાવો અને શારીરિક હલનચલનથી જ બધું કહેવાઈ જાય છે.

વાર્તાકારની કુશળ કારીગીરીના નમૂનારૂપ, સરસ અને હ્રદયસ્પર્શી વાર્તા.

નાયિકાનું ન પહોંચવું (વીનેશ અંતાણી):

સંબંધવિચ્છેદની વાત.

એક સમયે નિકટ આવેલાં સ્ત્રી-પુરુષ નોકરી-વ્યવસાય નિમિત્તે વિખૂટાં પડે. પત્રો-ઈમેઈલ-ફોન દ્વારા સંપર્ક જળવાઈ રહે. છતાં ભૌગોલિક અંતરના અને/અથવા અન્ય કોઈ કારણે બંને વચ્ચેના સંબંધમાં કંઇક અંતર તો પડે જ છે. અચાનક એક વાર પુરુષનો ફોન આવે પછી એને મળવા જવા માટે નાયિકા ટ્રેનનું રિઝર્વેશન તો કરાવે છે પણ જતી નથી.

શારીરિક રીતે પુરુષને મળવા નહીં ગયેલી નાયિકા માનસિક રીતે એ જ ટ્રેન દ્વારા, એની એ જ આરક્ષિત બેઠકમાં/બર્થમાં પુરુષના શહેર સુધીનો પ્રવાસ કરે છે. એ ગંતવ્ય સ્થાને પહોંચે પણ છે, પુરુષને મળે છે અને નથી મળતી.

ઘરની બારીમાંથી દેખાયેલો પુલ હવે બંને છેડેથી તૂટેલો દેખાય છે. પુલ પર અવળી ઊભેલી વ્યક્તિ એની સામે ફરીને જુએ ત્યારે નાયિકા એને ઓળખી જાય છે, બીજું કોણ? એ સ્વયં!

પોલેન્ડની નોબેલવિજેતા કવિયત્રી વિસ્લાવા શિમ્બોર્સકાના એક કાવ્ય પરથી પ્રેરિત આ વાર્તા એક સફળ પ્રયોગ કહી શકાય એવી રસપૂર્ણ બની છે.       

સૂર્યવતી, એ અને હું (સાગર શાહ):

વિજાતીય આકર્ષણની વાત.

સૃષ્ટિના માનવ સહિત દરેક પ્રાણીમાં કુદરતે વિજાતીય આકર્ષણ મૂકેલું છે. રાજસ્થાનના કિલ્લાઓ અને મહેલો જેવા સ્થળે પ્રવાસે ગયેલો નાયક ફાજલ સમયમાં ઐતિહાસિક નવલકથા વાંચે છે જેમાં એક સિપાહી અને એક રાજપૂત રાણીની પ્રેમકથા વણાયેલી છે. આવી પૃષ્ઠભૂમિમાં રિસોર્ટના સ્વિમિંગ પુલમાં એને એક નવયૌવનાનું દર્શન થાય છે. એની મુગ્ધતા અને એના સૌંદર્યથી આકર્ષાયેલો નાયક એનું ધ્યાન કરતાં કરતાં મનોમન એની જોડે દૈહિક નિકટતા પણ અનુભવે છે.

નાયક સભ્યતાની હદ વટાવી ના જાય એ માટે વાર્તાકારે એની પત્ની ઉપરાંત એક મિત્રદંપતીને પણ જોડે રાખવાની યોજના કરી છે. બંને દંપતી ઉચ્ચશિક્ષિત છે. મિત્ર વૈભવ વ્યવસાયે આર્કિટેક્ટ છે જે સહુને રાજસ્થાનના મહેલના સ્થાપત્યની બારીકીઓ સમજાવે છે. મિત્રો વચ્ચે રાજમહેલની રાણીઓ વિષે મસાલેદાર ચર્ચાઓ થાય છે. નાયકને નોકરીના ભાગરૂપે ઐતિહાસિક નવલકથાનો અભ્યાસ કરવાનો છે. આ બધાં પરિબળોની ઉપસ્થિતિમાં પેલી નવયૌવનાનું નજરે પડવું  નાયકની વિચારપ્રક્રિયાને દિશા અને આકાર આપે છે.      

એક પુરુષના મનોવ્યાપારની પઠનીય વાર્તા.

*  *  *          

આ અંકમાં પ્રગટ થયેલી બે અનુવાદિત વાર્તાઓના વિષયમાં અજબ યોગાનુયોગ+વિરોધાભાસ છે. એક વાર્તામાં સ્ત્રી વિનાના પુરુષોની કથા છે અને બીજી વાર્તામાં પુરુષ વિનાની સ્ત્રીઓના વિશ્વની કલ્પના થઈ છે.  

સ્ત્રી વિનાના પુરુષો (હારુકિ મુરકામી, અંગ્રેજી અનુ: ફિલિપ ગેબ્રિયલ, ગુજરાતી અનુવાદ: પ્રિયંકા જોશી): સ્ત્રીપ્રેમિકાથી વિખૂટા પડી ગયેલા પુરુષની દાસ્તાન.

અનંતનું હું એક ભૂલભર્યું પગલું (માનસી હોળેહુન્નુર લિખિત મૂળ મરાઠી વાર્તા, અનુવાદ: કિશોર પટેલ): આ વાર્તાની નાયિકા એવી દિશામાં જઈ રહી છે જ્યાં પુરુષોની જરૂર જ ના હોય.  

--કિશોર પટેલ, 31-07-22 09:46        

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

 


Thursday 28 July 2022

વારેવા મે ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

વારેવા મે ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૦૪ શબ્દો)

વારેવાનો આ અંક લાંબી ટૂંકી વાર્તા વિશેષાંક છે. ઉદય પ્રકાશ નામના હિન્દી ભાષામાં સાહિત્ય સર્જન કરતા લેખકની બે લાંબી વાર્તાઓના વારેવા ટોળી દ્વારા થયેલા અનુવાદ આ અંકમાં રજૂ થયા છે.

વોરન હેસ્ટિંગ્સનો સાંઢ: બ્રિટીશ શાસનના સમયના ભારતના ઇતિહાસમાં કલ્પનાના રંગો ઉમેરીને લખાયેલી અદભુત લાંબી ટૂંકી વાર્તા.

રામ સજીવનની પ્રેમકથા:  એકપક્ષી પ્રેમની મજેદાર લાંબી ટૂંકી વાર્તા.

નિયમિત સ્તંભ:

મુકામ પોસ્ટ વાર્તા (રાજુ પટેલ):

ફેસબુક પર ચાલતા વારતા રે વારતા ગ્રુપમાં વચ્ચે આંગણવાડી અભ્યાસક્રમ ચલાવવામાં આવ્યો હતો. એ ઉપક્રમ દરમિયાન જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ અને ગ્રુપના સૂત્રધાર રાજુ પટેલ વચ્ચે થયેલી પ્રશ્નોત્તરીનો અંશ રજૂ થયો છે. પ્રસ્તુત અંકમાં એક સભ્ય આરતી રાજપોપટ દ્વારા પૂછાયેલો પ્રશ્ન છે: વાર્તાની રજૂઆત કઈ રીતે કરવી?      

કથાકારિકા (કિશોર પટેલ):

ધરમાભાઈ શ્રીમાળીની વાર્તા “શરત” અને એનો રસાસ્વાદ રજૂ થયો છે. ગામડામાં એક સ્ત્રીમજૂર જમીનમાલિક વિરુદ્ધ દુર્વ્યવહારની પોલીસમાં ફરિયાદ કરે છે ત્યારે એ પીડિતા સ્ત્રી પર ફરિયાદ પાછી ખેંચવાનું ચારે તરફથી ભારે દબાણ આવે છે. પીડિતા શું કરે છે?    

લઘુકોણ (રાજુલ ભાનુશાલી):

રાજુ ઉત્સવની લઘુકથા “ફોટો” અને એનો રસાસ્વાદ રજૂ થયો છે. એક વિદેશી પ્રવાસી રસ્તામાં શ્રમજીવીને ઊભો રાખીને એની છબી પાડીને કહે છે: “તમે બહુ સરસ લાગો છો.” થોડી વાર પછી એ જ શ્રમજીવીનો એક્સ-રે લઈને ડોક્ટર કહે છે: “તમારી સ્થિતિ બહુ ખરાબ છે.” જીવનમાં સમાંતરે ચાલતાં વિરોધાભાસ પર એ શ્રમજીવી હસી પડે છે.

--કિશોર પટેલ, 29-07-22; 10:13

તા.ક. વારેવા સામયિકમાં પ્રગટ થતી વાર્તાઓ વિષે આ લખનારે લખવું ન જોઈએ કારણ કે એ સ્વયં વારેવા પરિવારનો સક્રિય સભ્ય છે. જે દિવસે અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારની નોંધ લેવાનું શરુ કરશે, આ લખનાર વારેવાની વાર્તાઓ વિષે લખવાનું અટકાવી દેશે.

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

###

 

 

Monday 25 July 2022

બાલભારતીમાં વાર્તાપઠન ૨૩ જુલાઈ ૨૦૨૨

 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૩ જુલાઈ ૨૦૨૨

(૬૨૨ શબ્દો)

“મુંબઈમાં અનેક શિક્ષણસંસ્થાઓની સ્કુલ/કોલેજ છે, દરેકની પાસે મકાન છે, જગ્યા છે, સાહિત્યિક પ્રવૃત્તિ કરવાની સગવડ આ દરેક સ્કુલ/કોલેજ પાસે છે, પણ કોઈને આવી પ્રવૃત્તિ કરવામાં રસ નથી, સિવાય કે બાલભારતી.”

શનિવાર તા.૨૩ જુલાઈ ૨૦૨૨ ની સાંજે જાણીતા સાહિત્યકાર/પ્રકાશક ભાઈશ્રી સતીશ વ્યાસે ઉપરોક્ત શબ્દોથી “બાલભારતી વાર્તાવંત”ના ઉપક્રમે વાર્તાપઠનના કાર્યક્રમની શરૂઆત કરી. બાલભારતી શિક્ષણસંસ્થાના ટ્રસ્ટી શ્રી હેમાંગભાઈ તન્નાસાહેબને એમણે અભિનંદન આપ્યા અને આભાર માન્યો.       

સૌ પ્રથમ વાર્તા “કાળુ” ની રજૂઆત કરી જાણીતી યુવા વાર્તાકાર કુસુમ પટેલે.                  

નોકરી કરતી વાર્તાની નાયિકાના દૈનિક જીવનમાં એક અજાણ્યો માણસ પ્રવેશ કરે છે.  મુંબઈ શહેરમાં જાહેર પરિવહનના અનેક સાધનો ઉપલબ્ધ છે પરંતુ ધસારાના સમયે માંગની સામે પૂરવઠો ખૂટી પડતો હોય છે.  આમ છતાં નાયિકાને રોજ સવાર-સાંજ કોઈક રીતે રીક્ષા મળી રહેતી હોય છે. વરસાદ હોય, ભીડભાડ હોય પણ એક રીક્ષા એને જરૂર મળી જાય છે. થોડાક દિવસો પછી એના ધ્યાનમાં આવે છે કે રોજેરોજ એક ચોક્કસ રીક્ષા જ એને મળે છે! જાણે એની જ માલિકીની રીક્ષા હોય અને એની જ રાહ જોતી ઊભી હોય! શરૂઆતમાં ભય અને પછી કુતૂહલની લાગણીથી નાયિકા રીક્ષાડ્રાઈવર જોડે વાતચીત શરુ કરે છે. કાળુ નામનો એ રીક્ષાવાળો આખરે છે કોણ? જેમ વાર્તા આગળ વધે એમ કાળુનું રહસ્ય ઘેરાતું જાય છે. છેક અંતમાં રહસ્યસ્ફોટ થાય છે. સાદ્યંત જકડી રાખતી સરસ વાર્તા!

બીજી રજૂઆત કરી કિશોર પટેલે એમની વાર્તા “ભદ્રંભદ્રની મેટ્રોસવારી” ની.

ગાંધીયુગના સાહિત્યકાર રમણભાઈ નીલકંઠની નવલકથા “ભદ્રંભદ્ર”  ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ હાસ્યનવલકથા ગણાય છે. પ્રસ્તુત વાર્તામાં એવી કલ્પના થઈ છે કે ભદ્રંભદ્ર અને એનો સાથીદાર અંબારામ આજના સમયમાં મુંબઈમાં આવ્યા છે. એમનો કામચલાઉ ઉતારો વર્સોવામાં છે અને એક ધર્મસભાનું આયોજન થયું છે ઘાટકોપરમાં. વરસોવાથી ઘાટકોપર જવા તેઓ મેટ્રો ટ્રેનમાં સફર કરે છે. ભદ્રંભદ્રની આ સફરમાં એટલી ધમાચકડી થાય છે કે જાહેર સ્થળે આતંક ફેલાવવાનો આરોપ મૂકી રેલ્વે પોલીસ એમની ધરપકડ કરીને લોકઅપમાં નાખી દે છે.

હળવી શૈલીની આ રજૂઆતને શ્રોતામિત્રોનો સરસ પ્રતિસાદ મળ્યો.

કોફી બ્રેક પછી ત્રીજી રજૂઆત કરી અમદાવાદથી પધારેલા જાણીતા વરિષ્ઠ વ્યંગકાર સ્વાતિબેન મેઢે. એમની વાર્તાનું શીર્ષક હતું: “ટપાક ટપાક ટપાક ટપ.”

વાર્તાની રજૂઆત પહેલાં પ્રસ્તાવના કરતાં સ્વાતિબેને કહ્યું કે તેમની વાર્તાના કેન્દ્રમાં મુખ્યત્વે સ્ત્રીઓ જ રહે છે પણ ક્યારેય તેઓ સ્ત્રીઓની સમસ્યા કે દુઃખ/પીડાની વાતો કરતાં નથી. સ્ત્રીઓની હળવી બાજુને પ્રકાશમાં લાવવાનું એમને ગમે છે.

પ્રસ્તુત વાર્તામાં વિષય હતો સ્ત્રીઓની કેટલીક ખાસિયત. આ વાત કહેવા વાર્તાકારે આલંબન લીધું છે રાંધણકળાનું.

નાયિકા અને એની ભાભી વચ્ચેના મૈત્રીસભર સંવાદોથી વાર્તા શરુ થાય છે. નાયિકા અને એની ભાભીમાંથી એક ચોક્કસ પ્રકારની ચટણી અને બીજી એક ચોક્કસ પ્રકારનો સોસ બનવવામાં પારંગત છે. નાયિકા જેમાં પારંગત છે એ ચટણી ભાભી બનાવવા માંગે છે અને ભાભી જેમાં પારંગત છે એ સોસ નાયિકા બનાવવા માંગે છે. અત્યંત સહજ અને સરળ લાગતી આ બાબત માનવીય સ્વભાવની આંટીઘૂંટી રજૂ કરવામાં સફળ રહે છે. સંપૂર્ણ વાર્તા હળવી શૈલીમાં સરસ રીતે રજૂ થઈ.

ચોથી અને છેલ્લી રજૂઆત હતી સભાના સંચાલકશ્રી સતીશ વ્યાસની વાર્તા “પણ પહેલાં મારી વાત સાંભળો” ની.

આ એક કપોળકલ્પિત (ફેન્ટસી) વાર્તા હતી. એક સ્ત્રીને એના સાસરિયાંએ સળગાવી મારી છે. મર્યા પછી એનો આત્મા પોતાને ન્યાય અપાવવા આપ્તજનોને વિનંતી કરે છે પણ કોઈ એનું સાંભળતું નથી.

એક ગંભીર સમસ્યાની અહીં હળવી શૈલીમાં સરસ રજૂઆત થઈ. સ્વજનના મૃત્યુ પછી માણસો કેટલી સહજતાથી પોતપોતાના દૈનંદિન જીવનમાં વ્યસ્ત થઈ જાય છે એ અંગે વાર્તાકારે કટાક્ષ કર્યો છે.

આમ વિષય અને રજૂઆતમાં ચારે વાર્તાઓ વૈવિધ્યપૂર્ણ હતી!

કાર્યક્રમના પ્રારંભમાં પ્રાસ્તાવિક ઉદબોધન કર્યા બાદ બાલભારતીના મુખિયા હેમાંગભાઈએ સતીશભાઈને મંચ સોંપ્યો ત્યારે સતીશભાઈએ એમની ઝોળીમાંથી આઠ-દસ દળદાર પુસ્તકોનો ઢગલો ટેબલ પર કર્યો. આ લખનારના મનમાં દહેશત વ્યાપી ગઈ કે એસએનડીટીના આ પૂર્વપ્રાધ્યાપક સહુ શ્રોતાઓનો ક્લાસ લેશે કે શું? પણ એમણે તો ટૂંકી વાર્તા વિષે મઝેદાર વાતો કરી. સંચાલન દરમિયાન બે વાર્તાઓની વચ્ચે સતીશભાઈએ સામગ્રી અને રજૂઆતની દ્રષ્ટિએ વિશિષ્ઠ કહી શકાય એવી બે વાર્તાઓ અને એક એકાંકીની ચર્ચા કરી.

આ વાર્તાઓ હતી: ધૂમકેતુની “એક ટૂંકી મુસાફરી”, ઉમાશંકર જોશીની “મારી ચંપાનો વર”  અને વિદેશના એક લેખક પોલ ગેલિકો લિખિત મૂળ અંગેજી ભાષાનું એકાંકી “The Witness” (સાક્ષી).

ટૂંકમાં, એક અવિસ્મરણીય સાંજ!

--કિશોર પટેલ, 26-07-22; 10:05

###

             

 

              

 


Monday 18 July 2022

નવચેતન જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવચેતન જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૨૯ શબ્દો)

લીલા તોરણે (અર્જુનસિંહ કે. રાઉલજી):

વર્ણભેદ, દીકરા-દીકરી વચ્ચે ભેદ અને દહેજની સમસ્યા. આમ ત્રણ મુદ્દાઓ સાંકળી, અત્યંત નાટકીય ઘટનાનો પાયો રચીને સંદેશપ્રધાન વાર્તા કહેવાઈ છે. દહેજ ઓછું પડવાથી જે કન્યાને શ્યામ વર્ણની કહીને નકારી એ કન્યા પછીથી ડોક્ટર બનીને એ જ યુવકને જીવલેણ માર્ગ અકસ્માતમાંથી બચાવીને જીવતદાન આપે છે. હવે પેલો યુવક જયારે લગ્નનો પ્રસ્તાવ મૂકે ત્યારે તેને નકારી કાઢીને નાયિકા નારીચેતનાનો પરચો આપે છે.

શા માટે દર બીજા વાક્યના છેડે ત્રણ ટપકાં? શા માટે દર ત્રીજા વાક્યના છેડે આશ્ચર્યચિહ્ન? આવી પ્રાથમિક કક્ષાની રજૂઆત, ત્રણ મુદ્દાની ભેળ અને નાટકીય ઘટનાનું નિરૂપણ: આ લક્ષણોને કારણે વાર્તા સાધારણ બની રહે છે.    

વિનીંગ ટ્રોફી (નિર્ઝરી મહેતા):

કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં ઉજાગર થતી એકપક્ષી પ્રેમની વાર્તા. કોરોના સામેનો જંગ જીતીને ઘેર પાછી આવેલી મમ્મીને એનાં બેઉ બાળકો વિનીંગ ટ્રોફી ગણાવે છે. હોસ્પિટલમાં કામ કરતી નિકિતાએ રાતોના ઉજાગરા કરીને દીપાની સારવારમાં મૂક ફાળો આપ્યો છે. કોલેજમાં જોડે ભણતી નિકિતા મયંક પર એટલી ઓળઘોળ હતી કે મયંક દીપાને પરણ્યો એટલે એ અપરિણીત રહી હતી. આ વાર્તામાં પણ લેખકે છૂટથી આશ્ચર્યચિહનોનો ઉપયોગ કર્યો છે.

અભાગી છોકરી (ચંદ્રકાન્ત પટેલ ‘સરલ’):

બીજા પુરુષ બહુવચન કથનશૈલીમાં કહેવાયેલી ગૂઢકથા. 

શહેરમાં એક મકાનની માલિકણ ચાંદબાઈ નવા આવેલા ભાડૂતને ચેતવે છે કે ધમની નામની જે સ્ત્રી જોડે એણે પરણવાનું નક્કી કર્યું છે તે અભાગી છે. એના ત્રણ વાર લગ્ન થયાં છે અને ત્રણે પતિઓ લગ્ન પછી ટૂંક સમયમાં મૃત્યુ પામ્યા છે. પેલો ભાડૂત મકાનમાલિકણની ચેતવણીને અવગણીને ધમનીને પરણે છે. આ વખતે ધમની પોતે મૃત્યુ પામે છે. ધમનીના મૃત્યુના સમાચાર મળતાં જ ચાંદબાઈ પોતે ઘર બદલીને દૂર જવાની તૈયારી કરે છે.

ચાંદબાઈ પાસે કદાચ કોઈએ લગ્નનો પ્રસ્તાવ  મૂક્યો ન હતો અને ધમનીને પરણવા એક પછી એક ચાર ચાર પુરુષોએ લાઈન લગાવેલી એટલે ચાંદબાઈ કદાચ ધમનીને ધિક્કારવાનું કામ ફૂલટાઈમ કરતી હતી. એ ધમની જ દુનિયામાં ના રહી એટલે ચાંદબાઈને એ વિસ્તારમાં રહેવાનું કોઈ પ્રયોજન જ રહ્યું નહીં! એ ઘર ખાલી કરીને બીજે રહેવા જતી રહે છે.   

આપણે ત્યાં ગૂઢકથાઓ ખાસ લખાતી નથી એવી સ્થિતિમાં પ્રસ્તુત થયેલી આ વાર્તાનું સ્વાગત છે.

વાં...(અશ્વિન જોશી): 

નારીચેતનાની વાર્તા.

લાંબા સમયના લગ્નજીવન પછી પણ સંતાનપ્રાપ્તિ ના થાય ત્યારે આપણા સમાજમાં પુરુષ બીજા લગ્ન કરે છે. પણ આવી સ્થિતિમાં સ્ત્રી બીજા લગ્ન કરે એવા ઉદાહરણો કેટલાં?

આ વાર્તાની નાયિકા પગ પછાડીને સમાજને કહે છે કે સંતાનપ્રાપ્તિ માટે જો પુરુષ બીજા લગ્ન કરી શકતો હોય તો એ જ હેતુ માટે સ્ત્રી પણ બીજા લગ્ન કરી શકે છે!

કાશ્મીરા અને ભરતના સંસારમાં અગિયાર વર્ષ પછી પણ સંતાનનું આગમન થયું નથી. ભરતની માતાને દીકરો-વહુ સરોગસીથી બાળક મેળવે એની સામે વાંધો છે. એ કાશ્મીરાને અંધારામાં રાખી ભરતના બીજા લગ્ન કરાવે છે. કાશ્મીરા વિરોધ નથી કરતી. દોઢ-બે વર્ષ પછી પણ ભરતની બીજી પત્ની શુભ સમાચાર નથી આપતી પણ કાશ્મીરાને સારા દિવસ રહે છે ત્યારે સાસુને આશ્ચર્ય થાય છે. કાશ્મીરા સાસુને જાણ કરે છે કે પોતે ગર્ભવતી છે પણ ભરતથી નહીં. કાશ્મીરાએ સંપૂર્ણ તૈયારી કરીને એવું પગલું લીધું હતું. ઘરમાં જાણ કરતાં પહેલાં જ પોતાના લગ્નબાહ્ય સંબંધનું કારણ આપી એણે ફેમીલી કોર્ટમાં છૂટાછેડાની અરજી આપી દીધી છે. 

કલ્પના નવતર અને ક્રાંતિકારી છે પણ એક દોષ વાર્તામાં રહી જાય છે. જો સરોગેસી જેવા મુદ્દા પર વિચાર થયો હોય તો આ લોકો ભરત-કાશ્મીરાની તબીબી તપાસ કરાવવાની વાત કેમ ભૂલી જઈ શકે? લેખકને આ તપાસવાળી વાતમાં કદાચ સમસ્યા એ લાગી હોય કે ભરતમાં ખામી છે એવું જો જાહેર થઈ જાય તો વાર્તા ધારેલી દિશામાં આગળ ના વધે. પણ આ સમસ્યાનો ઈલાજ છે. તબીબી તપાસમાં ભરતની ખામી પકડાય એ સાચું પણ એવું બતાવી શકાય કે ભરત એ વાત સહુથી દબાવી રાખે છે! આમ પણ પુરુષપ્રધાન સંસ્કૃતિમાં પુરુષ પોતાનો દોષ સહેલાઈથી કબૂલતો નથી. આટલો સુધારો કરી લેવાય તો વાર્તા જડબેસાલક બની જશે.             

--કિશોર પટેલ, 19-07-22; 09:27

### 

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

###

Friday 15 July 2022

શબ્દસર જૂન ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ


 

શબ્દસર જૂન ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ           

(૪૦૧ શબ્દો)

કાચની આરપાર ઝરમરિયાં (દ્રષ્ટિ સોની):

નિષ્ફળતાની વાત.  તૂટેલાં સ્વપ્નાંની વાત. રાત્રે જમ્યા પછી ચાલવા જતાં રોજના જોડીદાર દયારામ પાસે કથક સમય પસાર કરવા એક માણસની વાર્તા કહે છે. એ માણસને જે ટયુશન ક્લાસમાં નોકરી જોઈતી હતી ત્યાં નોકરી મેળવવામાં એ નિષ્ફળ ગયો એવી વાર્તા એ કહે છે.

વાર્તાની અંદર વાર્તાની પ્રયુક્તિનો સુંદર ઉપયોગ થયો છે. અંત સરસ કર્યો છે. વાર્તા શરુ થતાં પહેલાં એનું વાતાવરણ સારું જમાવ્યું છે. કથકના બંને જોડીદાર પાત્રોનું ઓછા શબ્દોમાં ત્રિપરીમાણીય પાત્રાલેખન કરવામાં આવ્યું છે.

વાર્તાકારે ઓછા શબ્દોમાં સંકેતો દ્વારા મહત્વની વાતો કરી છે.  પ્રારંભમાં કહેવાયું છે કે કથક વન બીએચકે માંથી ટુ બીએચકેમાં રહેવા ગયો છે. એનો અર્થ એવો થાય કે એણે જીવનમાં ભૌતિક પ્રગતિ કરી છે. અંતમાં કથક કહે છે કે “...મારી સામે અંનત કાળું આકાશ પથરાયેલું છે.” આનો અર્થ એવો થઇ શકે કે ભૌતિક પ્રગતિ કર્યા પછી પણ કથક પોતાના જીવનમાં કદાચ સુખી નથી. દયારામને એણે જે વાર્તા કહી એ એની પોતાની જીવનકથા હતી. એણે જે સ્વપ્ન જોયું હતું એ સાકાર થયું નથી. એને કદાચ ભૌતિક સફળતા જોઈતી ન હતી. એ જે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતો હતો એમાં એ સફળ થઈ શક્યો નહીં એનો અફસોસ એને હંમેશા રહેશે.

“ઝરમરિયું” શબ્દનો અર્થ= ૧. આછા વણાટનું, ૨. આછા વણાટવાળું વસ્ત્ર. (સંદર્ભ: ગુજરાતી લેક્સિકોન)

ઝરમરિયુંનું બહુવચન ઝરમરિયાં. વાર્તાના ક્થકને ટયુશન ક્લાસની ઓફિસના કાચની આરપાર ઝરમરિયાં દેખાય છે, માણસોના ઓળા દેખાય છે. એમાંનો એક તો એના જેવો જ દેખાય છે! એ ઓફિસમાં એને ટયુશન ટીચરની નોકરી મળી નથી, એને ઇન્ટરવ્યુમાં નાપાસ કરવામાં આવ્યો છે, છતાં એનો જીવ ત્યાં અટકી રહ્યો છે! એને એ નોકરી જોઈતી હતી! એણે ટયુશન ટીચર બનવાનું સ્વપ્નું જોયું હતું!

અંતમાં દયારામ ક્થકને પૂછે છે: “તું પણ ટયુશન કરાવે છે ને?” અહીં દયારામ આડકતરી રીતે કન્ફર્મ કરે છે કે જે વાર્તા ક્થકે કરી એ કથકની પોતાની જ જીવનકથા હતી. કથક હા પાડે ત્યારે એ ચૂપચાપ પોતાને ઘેર જતો રહે છે, ક્થકનું આત્મસન્માન જાળવવા એ નથી એને કંઈ વધારે પૂછતો કે નથી એને કોઈ દિલાસો આપતો.    

વાર્તામાં એની ગર્લફ્રેન્ડના પાત્રની જરૂરિયાત શું છે? માર્ગઅકસ્માત પછી ગર્લફ્રેન્ડની મદદથી જ એ તૂટેલા સ્વપ્નામાંથી બહાર આવી શકે છે અને પછી જ પોતાના પર કાબૂ મેળવે છે.       

સરસ, પઠનીય અને નોંધનીય વાર્તા!

--કિશોર પટેલ, 16-07-22; 09:01  

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

###        

Tuesday 12 July 2022

બુદ્ધિપ્રકાશ જૂન ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ


 

બુદ્ધિપ્રકાશ જૂન ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ

(૨૯૭ શબ્દો)

કૃતિ (ધર્મેશ ગાંધી):

એક અધૂરી પ્રેમકહાણી. સત્તર વર્ષની વયે કેનેડા જઈ મામાના સ્થાપિત મોટલ વ્યવસાયમાં જોડાઈ ગયેલો સૃજન દસ-બાર વર્ષે સ્વદેશ પાછો ફર્યો છે. એના માતાપિતા હવે રહ્યાં નથી, એના મોટાભાઈએ ગામનું ઘર બંધ કરીને શહેરમાં મોટું ઘર વસાવ્યું છે. વિદેશથી આવીને સૃજન સીધો બંધ પડેલાં જૂના ઘેર જાય છે. અહીં એ પુસ્તકો, ડાયરીઓ અને પ્રેમિકા કૃતિની થોડીક સ્મૃતિ મૂકી ગયો હતો. પુસ્તકો અને ડાયરીઓને એના ભત્રીજાએ ડિજિટલ રૂપ આપી દીધું છે પણ કેટલીક ખાસ ડાયરીઓનું પોટલું કૃતિએ માળિયા પર મૂકેલું તે બધું લગભગ નાશ પામ્યું છે. છેલ્લા સમાચાર પ્રમાણે કૃતિ પોતે પણ ગંભીર બીમાર હતી અને હમણાં એ હયાત છે કે નહીં એની કોઈને જાણ નથી.

વહી ગયેલા સમય દરમિયાન અહીંના એકંદર વિશ્વમાં આવેલા પરિવર્તનની નોંધ લેવાઈ છે.   

વાર્તામાં સૃજનની સ્મૃતિઓનું આલેખન થયું છે પણ એ સ્મૃતિઓ પુસ્તકો અને ડાયરીઓની છે. સૃજનની કૃતિ જોડેની સ્મૃતિ ક્યાંય જડતી નથી. કૃતિ વિષે સૃજનનો ભત્રીજો થોડી વાતો જરૂર કરે છે પણ સૃજન અને કૃતિની પ્રેમકથા જોડે ભાવક સમરસ થઈ શકતો નથી. પુસ્તકો અને ડાયરીઓ માટે સૃજનને જે લાગણી છે તેને ઘરમાં કોઈ સમજતું નથી એ અંગેની સૃજનની પીડા ભાવક અનુભવી શકે છે પણ કૃતિ જોડેના એના તાદાત્મ્યનું નિરૂપણ થયું નથી એટલે કૃતિ વિષે એની અંતરંગ લાગણીઓ ભાવક સુધી પહોંચતી નથી. પરિણામસ્વરૂપ વાર્તા ભાવકના હ્રદયને સ્પર્શવામાં નિષ્ફળ જાય છે.

વાર્તાનું સ્વરૂપ નોંધનીય છે; નાયક વિદેશથી આવીને સીધો એ જગ્યાએ જાય જ્યાં એનું ચિત્ત ચોંટેલું છે, એ મુલાકાતમાં જ આખી વાર્તા કહેવાઈ જાય છે, એ સારું છે પણ કહેવાય છે શું?  

--કિશોર પટેલ, 13-07-22; 10:36

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

###

Saturday 9 July 2022

શબ્દસૃષ્ટિ જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

શબ્દસૃષ્ટિ જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૧૨ શબ્દો)

પીડાનું પ્રતિબિંબ (વાસુદેવ સોઢા):

માતાના દુઃખમાં ભાગ પડાવતું બાળક.  

એક સ્ત્રીને ઘરનાં કામકાજ દરમિયાન સાધારણ ઈજા થઈ હશે, સામાન્ય પાટાપીંડી કરવી પડી હશે. માની પીડા વહેંચી લેવા એનું બાળક પોતાના હાથે-પગે પાટાપીંડી કરાવડાવે છે!  માતાપિતાના દુઃખદર્દ બાળકો કઈ રીતે વહેંચી લેતાં હોય છે એનું સુંદર ઉદાહરણ આ નાનકડી વાર્તામાંથી મળે છે. આવા સમયે આમંત્રણ હોવા છતાં મિત્રને ઘેર જવાનું ટાળીને મૈત્રીસંબંધનું પણ સરસ ઉદાહરણ એ બાળકના માતાપિતાના મિત્રો આપે છે. મિત્રને ક્યારે તકલીફ આપવી અને ક્યારે નહીં એ તેઓ સમજે છે.    

ટૂંકી વાર્તા વિભાગમાં રજૂ થયેલી આ કૃતિ કદમાં એટલી નાની છે કે લઘુકથા તરીકે પણ ચાલી જાય.

અનુવાદિત વાર્તા:

સુઘડ કૌર (ભાઈ મોહનસિંહ વૈદ લિખિત મૂળ પંજાબી વાર્તા, અંગ્રેજી અનુવાદ:પરવેશ શર્મા, ગુજરાતી અનુવાદ: કેશુભાઈ દેસાઈ):

પ્રસ્તુત વાર્તા પંજાબી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા ગણાય છે.

સ્ત્રીશિક્ષણનો મુદ્દો આ વાર્તામાં ચર્ચાયો છે. યાદ રહે દેશ હજી ગુલામીમાં હતો એ સમયની આ વાર્તા છે.

સુઘડ કૌરના પિતા કન્યાકેળવણીના પ્રખર વિરોધી છે. સુઘડના લગ્ન એક ડોક્ટર જોડે થાય છે. ડોકટરના વાલી પણ કન્યાશિક્ષણના વિરોધી છે. લગ્નપ્રસંગે સુઘડની સખીઓ શિક્ષિત પતિ અને અશિક્ષિત પત્નીના કજોડા વિષે મજાક કરે છે. એ સમયે સુઘડ સહુને રોકડો જવાબ આપે છે કે હું મારા પતિને અનુરૂપ બનીને દેખાડી દઈશ. સુઘડના સદનસીબે સાસરે એની જેઠાણી ભણેલી છે જે દેરાણીને ઘેર બેઠાં ભણાવે છે. સુઘડ ટૂંક સમયમાં ભણીને તૈયાર થઈ જાય છે, એટલું જ નહીં, ડોક્ટર પતિના દવાખાનામાં તાલીમબદ્ધ પરિચારિકાની ફરજ પણ નિભાવતી થઈ જાય છે.      

આ વાર્તા ક્યારે ક્યાં પ્રસિદ્ધ થઈ તેની માહિતી વાર્તા જોડે અપાયેલા લેખમાંથી મળતી નથી. વાર્તાના લેખક ભાઈ મોહનસિંહ વૈદ (૧૮૮૧-૧૯૩૬) વિષે વિસ્તારપૂર્વક માહિતી આ લેખમાં છે.

--કિશોર પટેલ, 10-07-22; 10:23

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

###