Thursday 28 September 2023

એતદ જૂન ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

એતદ જૂન ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૬૮૪ શબ્દો)

પ્રસ્તુત અંકની પાંચે વાર્તાઓ રસપ્રદ અને પઠનીય છે. ખાસ વાત એ કે એકને બાદ કરતાં અન્ય સર્વે વાર્તાકારો અલ્પખ્યાત છે. 

નિઃશેષ વીનેશ (અંતાણી)

સ્વને પામવાની મથામણ.

રસપ્રદ રજૂઆત. કથક એક વ્યક્તિના અજાણી દિશામાં પ્રવાસનો આંખે દેખ્યો અહેવાલ આપે છે. વાર્તામાં એકથી વધુ સંકેતો અપાયાં છે કે કથક બીજા કોઈની નહીં પણ પોતાની જ વાત કરે છે.

કથકના એ પ્રવાસ અથવા પ્રયાસનો હેતુ પોતાને જ પામવાનો છે. એક ક્ષણ એવી આવે છે કે એ અશરીરી બની જાય છે. જીવનનો હેતુ એને સાંપડી ગયો હોય એવું બને.

આવી રચનાનાં એકથી વધુ અર્થઘટન થઈ શકે. અહીં એક દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે, ભાવક પોતપોતાની રીતે આ વાર્તાને જોઈ-સમજી શકે છે.

વરિષ્ઠ અને નીવડેલા વાર્તાકારની એક નોંધનીય વાર્તા.

સાથ આપીશ ને મને? (દીના રાયચુરા)

અપરાધબોધની વાત.

નાયિકાના પતિ જીતેશને પેટનું કેન્સર થયું છે. એ મરણપથારીએ પડ્યો પડ્યો બેહોશીમાં જે વ્યક્તિનું નામ લે છે તે સાંભળીને નાયિકાનો ભ્રમ ભાંગી જાય છે. એને તો એમ હતું કે પોતાનાં લગ્નબાહ્ય સંબંધ વિશે જીતેશ અજાણ છે. પતિ દ્વારા અભાનપણે બોલાયેલી વાતથી નાયિકા હચમચી જાય છે. એને ખ્યાલ આવે છે કે પતિ તો ઝેર પચાવીને બેઠો છે. કદાચ એ ઝેર જ આજે એનું મારણ બન્યું છે.

વાર્તાનું સ્વરુપ ફાંકડુ છે. હોસ્પિટલમાં બીમાર પતિની પાસે નાયિકા બેઠી છે ને પતિની એક વાત સાંભળ્યા પછી શરૂ થયેલી વાર્તા ગણતરીનાં સમયમાં પૂરી પણ થઈ જાય છે. આમ રજૂઆત લક્ષણીય બની છે. નાયિકાના લગ્નબાહ્ય સંબંધના આરંભ અને અંત બંને માટે અપાયેલાં કારણો તાર્કિક છે. નાયિકાના મનોવ્યાપારનું આલેખન પ્રતીતિજનક થયું છે. બંને મુખ્ય પાત્રો સિવાય અન્ય ચાર-પાંચ ગૌણ પાત્રોનો ઉલ્લેખ વાર્તામાં થયો છે પણ એક પણ સંદર્ભ બિનજરુરી લાગતો નથી. આમ સંપૂર્ણ વાર્તા સંઘેડાઉતાર બની છે. લેખકે ક્યાંય કોઈ છેડો ઢીલો મૂક્યો નથી. સ્તુત્ય પ્રયાસ. પ્રમાણમાં ઓછા જાણીતા વાર્તાકાર પાસેથી મળેલી એક નમૂનેદાર પુખ્ત વાર્તા.

વરાપ (નેહા અનિષ ગાંધી)

સ્ત્રીના મનનાં અંતરદ્વંદ્વની વાત.

સંસારમાં સર્વ વાતે સુખી નાયિકાનાં સુષુપ્ત મનમાં કશોક અસંતોષ છે. ચોક્કસ કઈ વાતનો અસંતોષ છે એની એને જાણ નથી. યોગ શીખતી વેળા અક્સમાતપણે યોગશિક્ષકનું કસાયેલું સ્નાયુબધ્ધ શરીર નજરે પડતાં નાયિકા અભાનપણે પોતાના પતિના બેડોળ જણાતા શરીર સાથે એની સરખામણી કરીને હતાશા અનુભવે છે. અસંતોષનું કારણ જડ્યા પછી નાયિકા શું કરે છે? અન્ય સર્વ રીતે એની ભાવનાઓની કદર કરતા પતિ સાથે એ કેવો વ્યવહાર કરે છે? શું એ કોઈ જોખમી સાહસ કરે છે? વાર્તાનો વિકાસ બેનમૂન થયો છે.

આ વાર્તાકાર પણ ઓછાં જાણીતા છે, આ એક પુખ્ત વાર્તા આ વાર્તાકારને એમની લેખનસફરમાં અધિકારપૂર્વક ઉપલા ધોરણમાં બઢતી મેળવી આપે છે.

(સાર્થ જોડણીકોશ અનુસાર “વરાપ”=તલપ, આતુરતા (૨) વરસાદ આવી ગયા પછી થોડા દિવસ ઉઘાડ નીકળતા પાણી ચૂસાઈ અને જમીન વાવણીલાયક થાય તેવી સ્થિતિ (૩) ફુરસદ, નવરાશ)

રાસ (છાયા ઉપાધ્યાય)

પ્રયોગાત્મક વાર્તા.

પૃથ્વી ગ્રહ પર માનવસંસ્કૃતિનો ઉદય થયો તે જ ક્ષણથી વિજ્ઞાનનો પણ ઉદય થયો. આજે વિજ્ઞાનની સફર આર્ટિફિસિયલ ઈન્ટેલિજેન્સ સુધી પહોંચી છે, આવતી કાલે કોણ જાણે ક્યાં સુધી પહોંચશે.

વાર્તાની નાયિકા માયા અતિવિકસિત યંત્રો સાથે એક રમત રમી રહી છે. એમાં ચિત્રકળાનું, રંગોનું, ગાણિતિક સંજ્ઞાઓનું, સંગીતનું, ભાષાનું વગેરે વગેરે અનેક કળાપ્રકારોનું સંયોજન કરીને એ નવી રમત બનાવી રહી છે. આ રમત જોનારા પ્રેક્ષકો પણ છે. એમનો પણ ભાવક તરીકે એ રમતમાં સહભાગ છે.  માયાની અવનવી અટપટી ચાલો સહુને ચોંકાવી રહી છે. માયા પોતાની રમત ક્લાઈમેક્સ પરથી એન્ટીક્લાઈમેકસ સુધી લઈ જાય છે. રમતનાં નિર્ણાયકો દ્વારા એને વધુ પડતા પ્રયોગો કરવા વિરુધ્ધ ચેતવણી સુધ્ધાં આપે છે, પણ એ પોતાની મસ્તીથી રમતને નવી રીતે રમવા કટિબધ્ધ છે.

માયાની આ રમતને કોઈ પણ ક્ષેત્રમાં પરપંરાગત રજૂઆત સામેના વિદ્રોહ તરીકે જોઈ શકાય. આ વાર્તા બહુઆયામી છે. હા, વાર્તાનું કદ સ્હેજ મોટું જણાય છે, એને ઘટાડીને વધુ પ્રેઝેન્ટેબલ બનાવી શકાયું હોત. પણ એકંદરે નવી વાત, નવી રજૂઆત. આ વાર્તાકાર તરફથી  આ અગાઉ પણ સારી વાર્તાઓ મળી છે.  પ્રસ્તુત પ્રયાસ અપવાદાત્મક અને નાવીન્યપૂર્ણ છે.    

મહાનલ (નરેન્દ્રસિંહ રાણા)

સ્મશાન જેવા એક અસામાન્ય પરિવેશની વાર્તા. માણસોનાં મૃતદેહ આરોગીને જીવતાં પ્રાણીની વાત.

માણસોનાં મૃતદેહ જ જેનો ખોરાક છે એને પીડે છે પોતાની અંદર સતત સળગતો અગ્નિ. એ અગન ઠારવાની એને એક તક મળે છે. શું અંદરની આગ બુઝાવીને એ મોક્ષ મેળવવામાં સફળ થાય છે ખરો?

આજના સમયનાં એક આશાસ્પદ વાર્તાકાર તરફથી મળેલી એક “હટ કે” વાર્તા. પ્રસંશનીય પ્રયાસ.

(સાર્થ જોડણીકોશ અનુસાર “મહાનલ”= મહાન મોટો અનલ-અગ્નિ, પરમાત્મા.)

*

અંકમાં એકથી એક ચડિયાતી વાર્તાઓ રજૂ થઈ છે. આવું બનવું વિરલ છે. સામયિકનાં તંત્રી/સંપાદક અભિનંદનના અધિકારી છે.

--કિશોર પટેલ, 29-09-23 09:06

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

Friday 22 September 2023

પરબ ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

પરબ ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૧૫૭ શબ્દો)

આ અંકમાંની બંને વાર્તાઓ આપણા પ્રતિષ્ઠિત વાર્તાકારોની છે. બેઉ વાર્તાઓનાં વિષય અને રજૂઆત ઉલ્લેખનીય છે. 

સુખી જીવ (હિમાંશી શેલત)

દેશના વિભાજન સમયની કડવી સ્મૃતિઓ સાથે કેટલાંક લોકો જીવી રહ્યાં છે. આપણાં સત્તાધીશો દ્વારા ચોક્કસ હેતુસર એ ઈતિહાસ પાઠ્યપુસ્તકોમાંથી રદ્દ કરવામાં આવ્યો છે એ વિશે વિધાન કરતી વાર્તા.

રજૂઆત પ્રવાહી અને અસરકારક. આ વિષય પર હિન્દી ભાષાની સરખામણીએ સંખ્યામાં આપણી ભાષામાં ઓછી વાર્તાઓ લખાઈ છે એ સ્થિતિમાં આ વાર્તાનું સ્વાગત છે.

એક અ-શીર્ષક જિંદગી (દીવાન ઠાકોર)

આજે સમય એવો આવ્યો છે કે મૃત્યુ પામેલા માણસની સહુ ફિકર કરે છે પણ મૃતપ્રાય સ્થિતિમાં જીવતા માણસની કોઈને પડી નથી. આપણી માનસિકતા વિશે વિધાન કરતી સાંપ્રત વાર્તા. વાર્તાનું સ્વરૂપ રસપ્રદ. આલેખન નોંધનીય. વાચનક્ષમ વાર્તા.

--કિશોર પટેલ, 23-09-23 12:04

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

 

Tuesday 19 September 2023

કુમાર ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

કુમાર ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૪૭૪ શબ્દો)

કેન્વાસ પરના સૂરજમુખી (દીના પંડ્યા)

વરિષ્ઠ નાગરિકોએ આનંદમય જીવન કેમ જીવવું એની સમજણ આપતી શિબિરની વાત.

હળવી શૈલીમાં કાવ્યમય ભાષામાં રજૂ થયેલી આ રચના અહેવાલ વધુ અને વાર્તા ઓછી છે. પાત્રોનાં સંવાદોમાં અરાજકતા છે, કોણ કોને ઉદ્દેશીને બોલે છે એની સ્પષ્ટતા થતી નથી. એકાદ વાર તો બે પાત્રોનાં સંવાદ એક જ ફકરામાં સાથે જ લખાયાં છે. આમ આ રચના ક્લિષ્ટ છે.

તેનું સુખ (ગિરીશ ભટ્ટ)

પરિણીત સખીઓની વાતો સાંભળી દેવકી પોતાનાં ભાવિ લગ્નજીવનનાં મધુરાં સ્વપ્નાં જોતી થઈ જાય છે. એવામાં કોઈ કન્યા પર ગેંગરેપની ખબર આવ્યા પછી શહેરમાં આક્રોશ ફાટી નીકળે છે. આ ઘટના સામે વિરોધ દર્શાવતા સરઘસમાં દેવકી સામેલ થવા ઈચ્છે છે પરંતુ એની એક પણ સખી એની સાથે જોડાવા તૈયાર નથી.   સખીઓનાં પતિઓ પોતપોતાની પત્નીઓને એવા સરઘસમાં જોડાવાની મંજૂરી આપતાં નથી. દેવકી ગભરાય છે, શું એનો ભાવિ પતિ પણ એવો અસંવેદનશીલ હશે?

સરસ પઠનીય વાર્તા, નીવડેલી કલમ પાસેથી મળેલી આસ્વાધ્ય વાર્તા.  

સ્ટ્રેસ (કેશુભાઈ દેસાઈ)

નાયકની એકની એક દીકરી વિધવા થઈ પિતાને ઘેર પાછી આવી છે. દોહિત્ર વિદેશ જઈ ત્યાંની કન્યાને પરણી ત્યાં જ સ્થિર થઈ ગયો છે. પત્ની મૃત્યુ પામી છે. હવે ઘરમાં કેવળ નાયક અને એની વિધવા દીકરી એમ ફક્ત બે જણાં છે. મોટી ઉંમરે એકલતા અનુભવતા નાયકને હવે કદાચ આત્મરતિમાં સુખ મળવા લાગ્યું છે. પણ હવે નાયકને દોષભાવના સતત સતાવે છે. એ દોષભાવનાનાં સ્ટ્રેસના કારણે નાયક કાયમ ચિંતિત રહે છે.

નાયકની સમસ્યાનું નામ પાડ્યા વિના ઈંગિતો દ્વારા અસરકારક આલેખન. સંપૂર્ણ વાર્તા નાયકનાં મનોવ્યાપારની છે. એક ઓર વરિષ્ઠ વાર્તાકાર પાસેથી મળેલી વાચનક્ષમ વાર્તા.    

લઘુકથાઓ

ઢગી (મનુભાઈ પરમાર)

જમનીની માતાને જ્યારે ખબર મળે છે કે સગાંમાંની એક કન્યા કોઈક છોકરા જોડે ભાગી ગઈ છે ત્યારે પાણી પહેલાં પાળ બાંધવા એ પોતાની દીકરીનાં લગ્ન મોટી ઉંમરના એક એવા મૂરતિયા જોડે ગોઠવી કાઢે છે જે જમનીને બિલકુલ પસંદ પડ્યો નથી. વિદ્રોહરુપે જમની શું કરે છે?

ચોટદાર લઘુકથા. તદ્દન ઓછાં શબ્દોમાં સરસ પાત્રાલેખન, કથાની સરસ માંડણી, ઉપર્યુક્ત અલંકારો, નાટ્યાત્મક પ્રસંગયોજના અને અસરકારક પરાકાષ્ઠા.

સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી એક સરતચૂકઃ

જે છોકરી કોઈ છોકરા જોડે ભાગી ગઈ એના માટે વાર્તામાં એમ કહેવાય છે કે એ હરખા (જમનીની માતા) ની “મોટી બેનની ભાણી” થતી હતી. હવે આ “મોટી બેનની ભાણી” એટલે શું? હરખાની મોટી બેનની ભાણી હરખાની પણ ભાણી જ થાય કે નહીં?  

રજ (દિવ્યા જાદવ)

અફવાઓના પરિણામે નાયિકાને શંકા થાય છે કે ક્યાંક એના પતિનાં લગ્નબાહ્ય સંબંધ બંધાયા તો નહીં હોય ને? ઘરની નજીક ચાલતાં બાંધકામને લીધે ઊડતી રજ આંખોમાં જતાં નાયિકાને થતી તકલીફને પતિ અંગેની અફવાઓ સાથે સાંકળી લેવામાં આવી છે.

સરસ, ચોટદાર લઘુકથા.

ચહેરો (ગિરિમા ઘારેખાન)

મણિપુરની ઘટનામાંની સ્ત્રીઓ જોડેના દુષ્કર્મ કરનાર ગુનેગાર પુરુષોમાં અને પોતાનામાં કશીક સમાનતા જોઈને નાયક અપરાધભાવ અનુભવે છે. એવું જણાય છે કે એનાં હાથ પણ ક્યાંક ખરડાયેલાં હોવા જોઈએ. અર્થપૂર્ણ લઘુકથા.

--કિશોર પટેલ, 20-09-23 10:46

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

Thursday 14 September 2023

અખંડ આનંદ ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

અખંડ આનંદ ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૫૮૩ શબ્દો)

બાણશય્યા (પદ્મજા વસાવડા)

રુપિયાદાગીના ગૂમ થાય ત્યારે પોતાનાં ઘરમાં પૂરતી તપાસ કર્યા વિના બીજા પર ચોરીનું આળ મૂકવું ના જોઈએ એવો સંદેશો આપવા વાર્તાકારે બે પરિવારનાં કુલ છ સભ્યો, એક દુકાનદાર, એક પોલીસ અધિકારી એમ આઠ પાત્રોને કામે લગાડ્યાં અને એમાંનાં બબ્બે જણનું હાર્ટએટેકથી મૃત્યુ નીપજાવ્યું, આવું કરવામાં  પાત્રોનો એકંદરે પચીસ-ત્રીસ વર્ષનો સમયગાળો ખર્ચી નાખ્યો. શીર્ષક “બાણશય્યા” આ વાર્તા માટે અયોગ્ય છે. આ શબ્દનાં સંકેતો જુદાં છે. એના બદલે “વસવસો” જેવું શીર્ષક ઠીક રહેશે.

વારુ, સાદાં સરળ વિધાનોમાં આશ્ચર્યચિહ્નો, એક વાક્યના છેડે એકસાથે બબ્બે પ્રશ્નાર્થચિહ્નો મૂકવાથી વાર્તાને શું ફાયદો થાય? જવાબઃ કોઈ ફાયદો ના થાય. ઉલ્ટાનું લેખક શિખાઉ છે એવું જાહેર થઈ જાય! વાચક પર કેવી અસર પડે? જવાબઃ વાચકને ત્રાસ થાય.

વણમાગી સલાહઃ આમ વ્યાકરણની હત્યા કરશો નહીં. આપણી ભાષાનાં સૌંદર્યને જાણતાં અને માણતાં શીખો. શબ્દોમાં ઘણી શક્તિ છે, વાચકોની સમજ અસીમિત છે. વાચકોની સમજણનો આપણે આદર કરવો રહ્યો.

બારી (મોના જોશી)

પ્રસ્તુત રચના અવાર્તા છે. અહીં સ્થૂળ રીતે કશું જ બનતું નથી. મહેમાનોની સરભરા જેવા મુદ્દા પર બે પેઢીનાં પ્રતિનિધીઓ વચ્ચે ડિબેટ છે જેમાં પોતાને સ્માર્ટ સમજતી નવી પેઢીને પોતાનો વ્યવહારુ દ્રષ્ટિકોણ સમજાવવામાં જૂની પેઢી સફળ થાય છે. રજૂઆત સંવાદપ્રધાન.   

મેં વિચાર બદલ્યો છે (એમ. ડી. સોલંકી)

આ વાર્તાનું સ્વરુપ રસ પડે એવું છે. ગામડાની બસ તાલુકા મથકે જવા ઉપડે ત્યાંથી શરૂ થયેલી વાર્તા બસ તાલુકે પહોંચે એટલે પૂરી થઈ જાય છે. પ્રવાસ દરમિયાન ત્રણ ત્રાહિત સ્ત્રીઓ વચ્ચેની વાતચીત સાંભળીને પત્ની અંગે નાયકના મનમાં થયેલી ગેરસમજ દૂર થઈ જાય છે.

વાર્તામાં મહદ અંશે નાયકનાં મનોભાવોનું આલેખન થયું છે એ જોતાં રજૂઆત બીજા પુરુષમાં થઈ છે તેનાં બદલે પહેલા પુરુષમાં નાયકના દ્રષ્ટિબિંદુથી થઈ હોત તો વધુ યોગ્ય થાત.

આ માણસથી તો તોબા (રેના સુથાર)

બાળવાર્તાના સ્વરુપમાં બોધકથા.

માણસ પોતાના સ્વાર્થ માટે ગમે તે પ્રાણીનો ભોગ લઈ શકે છે. અંધવિશ્વાસનાં કારણે માણસ મૂંગા પ્રાણીઓનું જીવન દુષ્કર બનાવી દે છે. એક શેઠિયો પોતાનું આયુષ્ય વધારવા કાચબાનાં બચ્ચાંનું અપહરણ કરે છે. એ બચ્ચાંને છોડાવી લાવવા  જંગલનાં પ્રાણીઓ શું કરે છે?

રસપ્રદ વાર્તા. મજેદાર નાટ્યાત્મક રજૂઆત.

મામાનું ઘર (રેણુકા દવે)

ઘરમાં દીકરાનાં લગ્ન પછી પુત્રવધુરુપે એક નવો સભ્ય ઉમેરાતો હોય છે. આવનાર વહુ સાસરે દૂધમાં સાકરની જેમ ભળી જાય તો ઠીક અન્યથા સમસ્યાઓ સર્જાતી હોય છે. મામાનાં ઘરમાં હીના પરણીને આવ્યા પછી ઘરમાં ભળી જવાના બદલે પોતાનો રંગ સહુ પર ચઢાવવા માંડે છે. પરિણામે મોસાળનું સ્નેહભર્યું વાતાવરણ ડહોળાઈ જાય છે, મામા-ફોઈનાં સંતાનો વચ્ચે અંતર પડી જાય છે. બહેનના પિયરનો રસ્તો બંધ થઈ જાય છે. આવી સ્થિતીમાં મામાના મોટા દીકરાની વહુ અમૃતા વિદેશથી પાછી આવીને ઘરનાં સૂત્રો સંભાળી લઈ સ્થિતિ પૂર્વવત બનાવે છે.

આ બોધપ્રધાન વાર્તાની રજૂઆત વર્ણનાત્મક છે. પાર વિનાની સમજૂતીઓ રસક્ષતિ કરે છે. ક્યાંય કોઈ ઘટના લાઈવ થતી જ નથી. વર્ણન, વર્ણન, વર્ણન! ભારે કંટાળાજનક રજૂઆત. આ વાર્તા નહીં વંચાય તો પણ કંઈ ગુમાવવાનું નથી, ઉલ્ટાનું, સંભવિત ત્રાસદાયક અનુભવમાંથી બચી જશો.

લઘુકથાઓ

ગામની આબરુ (રણછોડભાઈ પોંકિયા)

વાવણીની ઋતુમાં પોતપોતાની જમીનમાં સહુ બીજનાં દાણાં રોપતાં હોય ત્યારે શક્તિના અભાવે કોઈ પોતાનાં ખેતરમાં રોપણી કરી ના શકે તો ગામની આબરુ જાય એવી ભાવનાથી કરસનકાકા ગામલોકો પાસે દાણાનો ફાળો એકઠો કરીને એક નિસહાય સ્ત્રીનું ખેતર રોપી આપે છે.

કેન્દ્રવર્તી વિચાર સારો છે પણ લેખક બોધ આપવાનો મોહ જતો કરી શક્યા નથી જે આ લઘુકથાની નબળી બાજુ છે.

પ્રામાણિકતા (અમૃત બાન્ટાઈવાળા)

ભ્રષ્ટાચાર કરનારો ભલે ટૂંક સમયમાં ધન એકઠું કરતો હોય પણ અંતમાં એને સજા જરુર મળે છે અને પ્રામાણિકતાથી ફરજ બજાવનારનું સન્માન થાય છે એવી બોધકથા. સામાન્ય કથા, તદ્દન સાધારણ રજૂઆત.

--કિશોર પટેલ, 14-09-23, 09:03

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###