Tuesday 24 November 2020

ગુજરાત દીપોત્સવી અંક ૨૦૨૦ ની વાર્તાઓ વિષે નોંધ

 

ગુજરાત દીપોત્સવી અંક ૨૦૨૦ ની વાર્તાઓ વિષે નોંધ :    

(૨૬૩૫ શબ્દો)

પાછલાં થોડાંક વર્ષોની સરખામણીએ આ વર્ષે ગુજરાતના આ દીપોત્સવી અંકમાં ગુણવત્તાની દ્રષ્ટિએ થોડીક સારી વાર્તાઓ આવી છે.

ખાસ નોંધ: ૧. કુલ પાંત્રીસ વાર્તાઓ છે માટે લેખ લાંબો થયો છે. ધીરજ રાખીને વાંચવો. ૨. માત્ર કોરોનાકથાઓ વિષેની નોંધ  અલગ કરીને અંત ભાગમાં આપી છે; બાકીની વાર્તાઓ  વિષે અંકમાં વાર્તાઓની રજૂઆતના ક્રમમાં જ નોંધ લખી છે; કોઇ પેટા-શીર્ષક આપ્યું નથી.  

એમ?! (મોહમ્મદ માંકડ) : અમુક માણસો મોટા હોવાનો ફક્ત દેખાવ કરતાં હોય છે. મનસુખલાલ એવા માણસ છે જે બીજાએ કરેલી મદદ ભૂલી જાય છે, ઉપકારનો બદલો અપકારથી વાળે છે. સોયનું દાન કરીને હાથીનું દાન કર્યું હોય એવો લાભ મનસુખલાલે ખાટવો છે. વીસ વર્ષે ગામડે પાછા ફરેલા મનસુખલાલ જુએ છે કે બીજાઓની સરખામણીએ પોતે ઘણાં જ પાછળ રહી ગયા છે. દંભી માણસો પર સરસ કટાક્ષ. વરિષ્ઠ વાર્તાકાર પાસેથી મળેલી સારી વાર્તા.   

આ આખી દુનિયા ખરાબ છે! (ડો.દિનકર જોશી) : ઉષાબેનને એવી ગ્રંથિ થઇ ગઇ છે કે એક પોતાના સિવાય સહુ કોઇ સ્વાર્થી અને મતલબી છે. દુનિયાના દરેક માણસની વૃત્તિ અને કૃતિમાં એમને જેનો તેનો સ્વાર્થ દેખાતો હોય છે. આવી ગ્રંથિના કારણે સારું-ખરાબ એમને સમજાતું નથી. વરિષ્ઠ વાર્તાકારની આ રચનાને વાર્તા કહેવી મુશ્કેલ છે, એક રેખાચિત્ર જરૂર કહી શકાય. સમાજમાં આવા માણસો હોય છે.  

પીળી પેટી! (રજનીકુમાર પંડ્યા) : સમજફેરને લીધે કેવો મોટો ગોટાળો થઇ શકે એનું સરસ ઉદાહરણ આ વાર્તામાં અપાયું છે. બે નંબરી માલના વેપારીનું પાત્રાલેખન સરસ થયું છે. વરિષ્ઠ વાર્તાકારની કલમે પ્રવાહી શૈલીમાં સરસ રજૂઆત.

સત્યજીત (ડો.ચંદ્રકાંત મહેતા) : ગામનો માથાભારે માણસ મજબૂતસિંહ ધન અને વગના જોરે ગામના લોકો પર વર્ચસ્વ ધરાવે છે. એના જોર-જુલમ અને દહેશતના સામ્રાજ્યની વાત. વાર્તાનો હેતુ સમાજની બૂરાઈ પર પ્રકાશ પાડવાનો છે. તદ્દન જૂનો વિષય. અસંખ્ય વાર્તાઓ લખાઇ ગઇ આ વિષય પર. આ વરિષ્ઠ લેખકની બધી વાર્તાઓમાં બધાં પાત્રો એક જ પ્રકારની ભાષા બોલે છે. પ્રસ્તુત વાર્તામાં બળાત્કારનો પ્રયાસ, અદાલતમાં જુબાની, બનાવટી અકસ્માત વગેરે મોટી મોટી ઘટનાઓ છે. એક પણ પાત્રનો સમ ખાવા પૂરતો પણ માનસિક સંઘર્ષ નથી. સંપૂર્ણ વાર્તા અહેવાલાત્મક.

મન તો થાય પણ... (રમેશ ર.દવે) : ટૂંકી વાર્તા ક્ષેત્રે વિરલ પ્રયોગ!  સુંદર પત્રવાર્તા. નાયકને ઉદ્દેશીને નાયિકા દ્વારા લખાયેલો પણ નહીં પાઠવેલો પત્ર. સંજોગવશાત એક નહીં થઇ શકેલાં પ્રેમીઓની વાત છે. સંપૂર્ણ પ્રસ્તુતિ કાવ્યાત્મક. નાયિકાની લાગણીઓનું સુંદર આલેખન. નોંધનીય અભિવ્યક્તિ: // તે દિવસે તમે ન હતાં પણ તમારી ગેરહાજરી મારી સાથે હતી. //  

વારસ (રાઘવજી માધડ) : એકલવાયા વૃદ્ધ દંપતીના ઘેર એક યુવાન આવે અને કહે કે હું તો તમારા દીકરાનો દીકરો એટલે કે પૌત્ર છું! ડોસા-ડોસી ખૂબ હરખાય; મૂડી પરના વ્યાજની જબરી આગતા-સ્વાગતા કરે. અંતમાં ચમત્કૃતિ છે. જો કે યુવાનનો વહેવાર જોઇને વાચકને આરંભથી જ શંકા રહે કે કંઇક ગરબડ છે. વાર્તાની રજૂઆત સારી થઇ છે, માનવીય સંવેદનાઓનું આલેખન સરસ થયું છે. બધું બરાબર છે; તો ગરબડ ક્યાં છે?

ગરબડ છે. સાહેબાન, મહેરબાન, કદરદાન! આ પ્લોટ ઘણો જૂનો છે, ગુજરાતી રંગભૂમિ પર લગભગ ત્રીસ વર્ષ પહેલાં આ જ વિષય-વસ્તુ પર એક નાટક આવેલું: “અફલાતૂન”. મૂળ મરાઠી નાટક પરથી બનેલા આ ગુજરાતી નાટકના નિર્માતા હતા મનોજ જોશી, લેખક મિહિર ભૂતા અને દિગ્દર્શક: સ્વ.નીરજ વોરા. અભિનયમાં હેમંત ઝા, મહેશ્વરી અને સ્વ. નીરજ વોરા સ્વયં.  પછીથી આ જ વિષય-વસ્તુ પરથી રોહિત શેટ્ટીએ ફિલ્મ “ગોલમાલ” બનાવી જેમાં અજય દેવગન, તુષાર કપૂર, શર્મન જોશી, મનોજ જોશી, પરેશ રાવળ, સુષ્મિતા મુખર્જી વગેરે હતાં.     

ઉચ્છૃંખલ (નસીર ઈસમાઈલી ‘ઝુબિન’) : પોતાની બીમારીના કારણે ઘરનાં લોકો હેરાન ના થાય એમ કરીને આત્મઘાતી પગલું ભરતા માણસની વાત. વાર્તા માટે આ વિષયની પસંદગી વિવાદાસ્પદ છે. એક કિડની સ્વજનને દાન કર્યા પછી બીજી એક કિડનીથી માણસ તંદુરસ્તીપૂર્વક જીવી શકે છે એવું આધુનિક વિજ્ઞાન કહે છે. એવા સંજોગોમાં “કિડની માફક ના આવી તો?”  “કિડનીદાતાની બીજી કિડની ખરાબ થઇ ગઇ તો?” “માબાપ-ભાઇ તો ગરીબ છે!” આવા નકારાત્મક વિચારો કરનાર માણસને આત્મત્યાગી કે શહીદ કે ઉચ્ચ આત્માનો ચીતરીને કારુણ્ય ઉપજાવવાનો પ્રયાસ યોગ્ય નથી. એ ભલે ઉચ્છૃંખલ ન હતો, ટૂંકી બુદ્ધિનો જરૂર હતો.        

નોંધનીય અભિવ્યક્તિ: // નિવૃત્તિના આરે ઊભેલા બાપુજીએ કેટકેટલી આશાઓના મિનારા ચણ્યા હતા અને આ જયંત એની એક એક ઈંટ રોજ ઉખાડીને અમારા લમણામાં મારતો હતો. //

ઢોરાં (રમેશ ત્રિવેદી) : એક સદી જૂનો વિષય, જો કે આપણા દેશમાં હજીય સાંપ્રત કહેવાય પણ એમ છતાં; ઘણી વાર્તાઓ આવી ગઇ; ઘણું બધું લખાઇ ગયું આ વિષય પર. ગામડાગામમાં ખેતી પર નભતાં કુટુંબોમાં ભેંસ કે ગાય એક વાર વસૂકી જાય પછી એની કિંમત કોડીની થઇ જાય છે.  એ જ રીતે ગામડામાં નિરક્ષર અને નિર્ધન પ્રજામાં સ્ત્રી જો નિ:સંતાન હોય તો એની કિંમત પણ કોડીની.  

આપદા (ભી.ન. વણકર) : પત્રના સ્વરૂપમાં બીજી એક વાર્તા.  દલિત કોમની એક શિક્ષિત કન્યા પોતાના વાગ્દત્તને પત્ર લખે છે. આ રચનામાં ગામડાગામમાં પ્રવર્તતી જાતિભેદની સમસ્યા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વાર્તા નહીં પણ આત્મવૃતાંત વધુ જણાય છે.    

વિનિયાના એમઓયુ (નીતિન ત્રિવેદી) : કાયમ ખુશમિજાજ રહેતા એક આદમીનું અકાળે અવસાન.

મયુરી V/S જડીબા (નટવર પટેલ) : નવી પેઢી સાથે અનુકૂળ થઇને રહેતી દાદીમાની વાત. એક સરળ સુખાંત વાર્તા.

ઇન્વેસ્ટીગેશન (દશરથ પરમાર) : સરકારી નિયમ વિરુદ્ધ અંગત લાગણીઓ વચ્ચે સંઘર્ષ. વીમા કંપની પાસે આવેલા ડેથ કલેઈમની ખરાઈ કરતી વેળા કંપનીનો અધિકારી નાટ્યાત્મક પરિસ્થિતિમાં મૂકાય છે. પ્રસ્તુત કલેઈમ તાંત્રિક ખામીના કારણે ખોટો ઠરે એમ છે પણ નાયક મૃતકને ઓળખી જાય છે. એની શાળાના એ શિક્ષકે અણીના સમયે એની મદદ કરેલી.  એકંદરે સારી વાર્તા. (આ વાર્તા જલારામદીપના ઓકટોબર ૨૦૨૦ દીપોત્સવી અંક ભાગ ૧ માં પ્રસિદ્ધ થઇ ચૂકી છે.)

દીકરા, તમે કઇ કક્ષાના? (અલતાફ પટેલ) : માતા-પિતાએ તકલીફો વેઠીને દીકરાઓને મોટાં કર્યા. વિદેશ જઇને સમૃદ્ધ થયેલાં દીકરાઓએ માતા-પિતાને વિદેશમાં બોલાવીને પ્રેમથી રાખ્યા. સુખાંત વાર્તા. કોઇ સમસ્યા નથી, કોઇ સંઘર્ષ નથી; ટૂંકમાં, આ રચના વાર્તા પણ નથી! 

વન મોર ચાન્સ ડેડી!...(અતુલ કુમાર વ્યાસ) : અંગત જીવનમાં ઉપરાછાપરી કારમા આઘાતજનક ઘટનાઓ બન્યા પછી દુઃખી અને હતાશ બની ગયેલા નાયકને ભ્રમણા થાય છે કે મૃત દીકરી એને સલાહ આપે છે કે જીવનમાં બીજાને સુખ આપો એટલે તમે સુખી થશો.

ચપટીક આકાશ (નીલમ દોશી) : લગ્નજીવનમાં પતિ-પત્નીએ એકબીજાને અંગત અવકાશ આપવો જોઈએ એવી વિચારધારાની હિમાયત કરતી વાર્તા. ઓફિસના કામસર માલવને એક વરસ વિદેશ રહેવાનું થાય છે. એ દરમિયાન માલવની પત્ની જાનકી કોલેજકાળના પોતાના જૂનાં મિત્ર દેવાયુના સંપર્કમાં આવે છે. બંને હળેમળે છે પણ એક હદમાં રહે છે. માલવ વિદેશથી પાછો આવી જાય એટલે જાનકી દેવાયુને કહે છે કે હવે આપણે નહીં મળીએ. જાનકીને કદાચ શંકા હતી કે માલવ આ મુલાકાતોની વાત કદાચ સરળતાથી ના પણ લે. ખેર, એમની આ મુલાકાતો વિષે માલવને પોતાના મિત્ર ચિરાગ થકી જાણ થઇ જાય છે પણ એ પોતાની પત્ની પર શંકા કરતો નથી. પત્નીને કંઈ પૂછ્યા વિના કે એના મિત્ર દેવાયુને મળ્યા વિના એ બંનેને ચારિત્ર્યનું સર્ટિફિકેટ આપી દે છે. એ કહે છે કે પતિ-પત્નીએ એકબીજા પર વિશ્વાસ કરવો જોઈએ. ક્યાંક કોઇ સંઘર્ષ નથી. બધાં પાત્રો એકસમાન આદર્શવાદી છે. માલવનો મિત્ર ચિરાગ માલવને પૂછે છે કે તને તારી પત્ની પર શંકા નથી આવતી? માલવ એને પણ એક વાક્યનો ઉપદેશ આપીને ડાહ્યો બનાવી દે છે. સીધી સપાટ ફિલસૂફીભરી અને વાર્તારસ વિનાની રચના.       

નજરબંધી (નટવર ગોહેલ) : તીર્થ અને ભક્તિ સાથે ભણ્યા. તીર્થને ભક્તિ પસંદ હતી એટલે એણે એની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ભક્તિએ એનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને દેખાવડા અક્ષયને પરણી. એક જ અઠવાડિયામાં અક્ષય ભક્તિને પડતી મૂકી વિદેશ ભાગી ગયો. પંદર વર્ષે અકસ્માતપણે તીર્થ-ભક્તિની મુલાકાત થાય છે. તીર્થ પરણ્યો નથી એટલું જાણીને ભક્તિ એની મરજી જાણ્યા કે પૂછ્યા વિના સીધું જ કહે છે કે હું તારા ઘેર ઉંબરામાં પગલાં પાડીશ! તીર્થને પણ આ વાત સ્વીકાર્ય છે! એક અજબ પ્રકારની પ્રેમકહાણી.

ફાંસ (માવજી મહેશ્વરી) : મોટા સરકારી કામકાજમાં કોન્ટ્રાકટર-મુકાદમ-મજૂરોની સાંકળ અનિવાર્યપણે કાર્યરત હોય છે. મજૂરોનું અનેક રીતે શોષણ થતું રહે છે. વધુ કામ લઇને ઓછું વેતન આપવું, ચોપડે નોંધાય એનાથી ઓછું વેતન આપવું, કામના નિયત કલાકો કરતાં વધુ  કામ લેવું, વધારાના કામની મજૂરી ના ચૂકવવી અથવા ઓછી ચૂકવવી વગેરે અનેક પ્રકારે શોષણ થતું હોય છે. આમાં વળી મજૂરોમાં સ્ત્રી-મજૂરો હોય તો એમાંની જુવાન મજૂરણોનું શારીરિક શોષણ પણ થતું હોય છે.  વાર્તાનો નાયક રમચન્ના વિદ્રોહી સ્વભાવનો યુવાન છે. નાનપણથી એ આવું બધું જોતો આવ્યો છે. પોતાની મા અને બહેન જેવી દુર્દશા થઇ હતી એવી દુર્દશા પોતાના હાથ નીચેની મજૂરણોની ના થાય એ અંગે એ સચેત અને સાવધાન રહે છે. એટલે જ કોન્ટ્રાકટરની વ્યવસ્થામાં રમચન્ના એક ફાંસ બની જાય છે. યથાર્થ શીર્ષક. શ્રમિકોની જિંદગીમાં લેખકે ડોકિયું કરાવ્યું છે. દરિયાકાંઠાના નિર્ધનો કેવા હાલમાં જીવતાં હોય છે એની ઝલક મળે છે. સળી ભાંગીને ટુકડા ના કરતો હોય અને સ્ત્રીની કમાણી પર હક્ક કરીને વ્યસન પાળતો હોય એવો પુરુષ પાછો કુટુંબનો ચોકીદાર પણ હોય! આ પાત્ર વડે લેખક એક સોશિયલ સ્ટેટમેન્ટ કરે છે. સારી વાર્તા.      

આકાર (સુરમ્યા જોશી) : સાવ અનોખી વાર્તા. આ વાર્તામાં એક એવું પાત્ર સર્જાયું છે સામાન્ય માણસોથી તદ્દન અલગ છે. જીવન માણવાની એની તરાહ દુનિયાથી તદ્દન નિરાળી છે. ઘરના વરંડામાં રોજ સાંજના સમયે ચોક્કસ જગ્યાએ બેસીને એ ત્યાંથી વહેતો પવન માણે છે. વરસો વીતી જાય છે પણ એને એની રીતે જીવન માણતું અન્ય કોઇ ક્યારેય મળ્યું નહીં. થોડોક સમય સામેના મકાનમાં એવા બે માણસો એને દેખાયાં જે એની રીતે પવન માણતાં હતા પણ એમની જોડે ક્યારેય કોઇ સંપર્ક એ સ્થાપિત કરી શક્યો નહીં. આગળ ચાલીને વાર્તાના નાયકના લગ્ન થાય છે. એનું સાત-આઠ મહિનાનું બાળક એની જેમ જ પેલી જગ્યામાં વહેતો પવન માણે છે. એ જુએ છે કે સામેના મકાનમાં પેલા બે જણમાંથી હવે એક જ બચ્યો છે! એને જોઇને બાળક આનંદમાં આવી જાય છે! કદાચ પેલા બેમાંથી જે મૃત્યુ પામ્યો હોય એણે જ નાયકના પુત્રરૂપે પુનર્જન્મ લીધો હોય એવો સંકેત વાર્તામાંથી મળે છે. અલગ વાર્તા, મઝાની વાર્તા! 

આ પાર, પેલે પાર (ડો. સ્વાતી નાયક) : લગ્નબાહ્ય સંબંધ વિષયની વાર્તા. માધવી લેખક છે. વાચકોને એની વાર્તાઓ પસંદ પડે છે. માધવી પોતાની અસલિયત છુપાવીને “મોહક” તખલ્લુસથી  લખાણ પ્રસિદ્ધ કરાવે છે. ધૈવત નામનો એક અલગારી કલાકાર આ મોહકની વાર્તાઓ અને પછીથી લેખક મોહકના પ્રેમમાં પડે છે. પરિણીત માધવી પણ મોહકને ચાહવા લાગી છે. માધવીની એક વાર્તામાં જયારે નાયિકા લગ્નસંસ્થા સામે બળવો કરે છે ત્યારે ધૈવત અંત બદલવાનું કહે છે. એ પછી ધૈવત પણ પોતાની અને માધવીની મર્યાદાઓ સમજે છે અને એ માધવીના જીવનમાંથી ખસી જાય છે. આમ વાર્તામાં નહીં તો અસલ જીવનમાં આદર્શ ભારતીય નારીનું રૂપ હેમખેમ રહે છે. વિષય જૂનો પણ રજૂઆત સરસ. ત્રણે મુખ્ય પાત્રોનું સરસ આલેખન. તમામ નાજુક ક્ષણોનું આલેખન સુરુચિપૂર્ણ. માધવીનું મનોમંથન વાર્તામાં અનેક પ્રકારે પ્રગટ થતું રહે છે; જેમ કે હીંચકાની ઠેસ લાગવી, રાધાકૃષ્ણની મૂર્તિનું  તૂટતાં બચી જવું વગેરે.  સારી વાર્તા.

કસુંબીનો રંગ (રેખાબા સરવૈયા) :  પ્રેમકથા. સમાન વિષયમાં રસ હોવાના કારણે ભારતીય કન્યા સંપત અને વિદેશી યુવક સ્ટીવ સ્થૂળ રીતે એકબીજાંથી દૂર હોવાં છતાં ઈન્ટરનેટના માધ્યમથી નજીક આવ્યા. સ્ટીવ ભારતની મુલાકાતે આવે છે એમ જાણીને સંપત ખુશ થવાના બદલે ઉદાસ છે. કારણ છે સંપતના શરીર પરના કાબરચીતરા ડાઘ. રજૂઆત સારી થઇ છે. સંપતની લઘુતાગ્રંથિ અને એની અવઢવનું ચિત્રણ સરસ થયું છે. બાય ધ વે, સ્ત્રીપાત્ર માટે આ “સંપત” નામ છેક જ અસામાન્ય જણાય છે. પુરુષોમાં આ નામ સાંભળ્યું છે પણ સ્ત્રી માટે આ નામ પહેલી વાર સાંભળ્યું. એકંદરે સારી વાર્તા.

૩- ડેડ બોડીઝ (દર્શનાબેન ભગલાણી) :  કોઈના શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસમાં ફરિયાદ થાય તો સરકારી કામકાજ કઇ રીતે થાય છે એની વાત આ વાર્તામાં થઇ છે. જમીનમાંથી એકના બદલે ત્રણ ડેડી બોડી નીકળે છે. ખરી કમાલ વાર્તાની રજુઆતમાં થઇ છે. Protagonist નું નામ કુંદન જોશી છે. આ કુંદન જોશી એ વિસ્તારમાં નવા નીમાયેલા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ છે. આરંભથી જ કથક તેનો ઉલ્લેખ માનાર્થે બહુવચનમાં કરે છે. જેમ કે કુંદન જોશી આવ્યાં, ગયાં, બેઠાં વગેરે. સામાન્ય વાતચીતમાં હાથ નીચેનો સ્ટાફ કુંદન જોશીને “સર” કહીને સંબોધે છે. છેક અંતમાં protagonistની જેન્ડર અંગે સ્પષ્ટતા થાય છે કે તે પુરુષ છે કે સ્ત્રી. એક વાત ખૂંચી: હાલતાં-ચાલતાં પાંચ પાંચ છ છ પ્રશ્નાર્થચિહ્ન કે આશ્ચર્યચિહ્ન શા માટે? એનાથી શું સિદ્ધ થાય? આવો પ્રયોગ છેક જ બાલિશ લાગે છે.

મારી સધીને ગમ્યું તે ખરું (ડો.પિનાકિન દવે) : નાનકડી કરુણાંત વાર્તા. જયારે પણ કોઇ દુઃખદ બનાવ બને ત્યારે વાર્તાનું એક પાત્ર શમુડી બોલે: મારી સધીને ગમ્યું તે ખરું. એક પછી એક સ્વજનો ગુમાવી બેઠેલો નાયક છેવટે દેવળના મહારાજને પૂછે કે સધીને  આવું કેમ ગમે? ટૂંકમાં, નાયકનો પ્રશ્ન ઈશ્વરના અસ્તિત્વ સામે છે.

એક શબ્દપ્રયોગમાં ભૂલ છે. આ વાક્ય વાંચો: // શેઠનું જ એંધાણ શમુડીને રહેલું. //  અહીં “એંધાણ” નહીં પણ “ઓધાન” જોઇએ. એંધાણ=નિશાન, ચિહ્ન; ઓધાન=સ્ત્રીને ગર્ભ રહેવો તે (સ્ત્રોત: ભગવદગોમંડલ)    

યુ ટર્ન (પ્રફુલ કાનાબાર) : ટ્રાફિક સિગ્નલ પર થોભતી કારના કાચ લૂછી આપનારો અકિંચન માણસ નાયકને નીતિમત્તાનો પાઠ શીખવી જાય છે.  સારી વાર્તા.

આ નંબર અસ્તિત્વમાં નથી! (સંજય થોરાત ‘સ્વજન’) : મોલ જેવી જગ્યામાં બોમ્બ મૂકાયો હોય એવી ખબર મળે ત્યારે શું થાય? કટોકટીની ક્ષણોમાં ઇન્સ્પેકટરની કક્ષાની એક મહિલા અધિકારી ત્વરિત પગલાં લઇને હજારોના જીવ બચાવે પણ મીડિયા સમક્ષ એનો યશ ઉપરી અધિકારી લઇ જાય છે. સોમાંથી નવ્વાણું ઠેકાણે આવું બનતું હોય છે. ઇન્સ્પેકટરને ખબર કોણ આપે છે એ રહસ્ય લેખકે વણઉકેલ્યું રાખ્યું છે. રજૂઆત સારી.   

શેષ પરિચય (ગિરીશ ભટ્ટ) : દીકરીના શિક્ષક વિશાલસરને કેન્સર છે. એમનું ઓપરેશન કરવાનું છે. ઓપરેશનનો સંપૂર્ણ ખર્ચ દીકરીના પિતા પરાશર ઉપાડી લે છે. પરાશરને પછી ખબર પડે છે કે વિશાલ એટલે વિદુલાનો પતિ. વિદુલા એટલે પરાશરની પૂર્વપ્રેમિકા. વિદુલા લગ્નની પહેલાં હા પાડીને પછી કંઈ કહ્યા વિના અદ્રશ્ય થઇ ગયેલી. વિદુલા ખુલાસો કરે છે કે પોતાના પર બળાત્કાર થયો હતો. શું એવી સ્થિતિમાં પરાશરે એને સ્વીકારી હોત? પરાશર ચૂપ થઇ જાય છે. વાર્તાનું છેલ્લું વાક્ય ઘણું સૂચક છે: પરાશરને શેષ પરિચય મળી ગયો: વિદુલાનો અને પોતાનો.

આપણી માનસિકતા પર આ વાર્તા એક મોટું સ્ટેટમેન્ટ કરે છે.  રૂઢ થઇ ગયેલી કેટલીક ગેરમાન્યતાઓ: ૧. પોતાના પર બળાત્કાર થયો એના માટે પીડિતા સ્ત્રી પોતાને જ દોષી ગણે છે. ૨. બળાત્કાર જેવું દુષ્કર્મ થાય એ પછી એ સ્ત્રી પુરુષ માટે અપવિત્ર બની જાય છે! 

અધિકારપત્ર (પ્રવીણ ગઢવી) : સહસ્ત્રલિંગી તળાવમાં પાણી આવી શકે એ માટે બલિદાન આપવા તૈયાર થયેલા વીર માયાની દંતકથા. આ વાર્તામાં કહેવાય છે કે બલિદાનની અવેજીમાં વીર માયાએ શુદ્રો પ્રતિ અસ્પૃશ્યતા દૂર કરવાની શરત મૂકી હતી અને સિદ્ધરાજ જયસિંહે સ્વીકારી હતી. વાર્તાની રજૂઆતમાં ધ્યાનાકર્ષક છે ભાષા.

પટારો (રાજ ભાસ્કર) : બોધકથા. પટારામાં સંઘરેલી માયાની લાલચમાં ચાર દીકરા-વહુ ડોસીની સેવા કરે છે. ડોસીના મૃત્યુ પછી સહુ જુએ છે પટારામાં તો  કેવળ ભગવદગીતાની એક નકલ અને એક ચિઠ્ઠી છે. ચિઠ્ઠીમાં ઉપદેશ છે: “ફળની આશા વિના કર્મ કરો.” ટુચકા જેવી વાત.

મોક્ષ અથવા પ્રેમનું પારિતોષિક (પરીક્ષિત આર. જોશી) : લેખક અને એના ચાહકની મુલાકાત. સામાન્યપણે ચાહકના મનમાં પોતાના પ્રિય કલાકારની એક છબી હોય છે જે મહદ અંશે કાલ્પનિક હોય છે. વાસ્તવ કંઇક ઓર જ હોય છે. અહીં પણ એવું જ થાય છે. બંને પક્ષેથી ભ્રમણાઓ દૂર થાય છે. સારી વાર્તા.  

નસીબદાર (પ્રેમજી પટેલ) : વાર્તા નથી, ટુચકો છે, એ પણ નબળો.

છતાં!!! (અન્નપૂર્ણા મેકવાન) : છાપાંમાં પ્રસંગોપાત એકાદ કુટુંબની સામૂહિક આત્મહત્યા વિષે વાંચીને આપણને અરેરાટી ઉપજે છે. આવી દુઃખદ ઘટનામાં મૂળમાં આ વાર્તા જાય છે. પતિ અને સાસરિયાંનાં ત્રાસથી કંટાળીને બબ્બે દીકરીઓ જોડે ગૃહત્યાગ કરીને સ્વબળે સ્વમાનભેર જીવતી નાયિકાને પેટના કેન્સરની અસાધ્ય બીમારી લાગુ પડે છે. પોતાનાં મૃત્યુ પછી દીકરીઓનું શું એ વિચારે એની ઊંઘ હરામ થઇ ગઇ છે. વ્યવસાયે શિક્ષિકા નિશાળમાં વિજ્ઞાન વિષય શીખવતાં સાપણની ખાસિયત જણાવે છે કે સાપણ પોતાના ઈંડા ખાય જાય છે. એક નબળી ક્ષણે એ સાપણ પાસેથી પ્રેરણા લે છે. કરુણાંત વાર્તા.

બફારો (આશિષ આચાર્ય) : બફારો વધી જાય પછી વરસાદ પડે છે. કંઇક એવું જ વાઘજીના જીવનમાં બને છે. છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા વાઘજીને એક દિવસ બિલકુલ કામ મળ્યું નથી. જયારે મળે છે ત્યારે ભારે વરસાદ જેવું મળે છે. સરસ લઘુકથા.

કોરોનાકથાઓ :

અનલોકડ (વર્ષા અડાલજા) : મુંબઇ જેવા  શહેરમાં રહીને નોકરી કરતા યુવાનને લોકડાઉનને કારણે લાંબો સમય ફરજિયાત ગામડે રહેવું પડે, એ પણ અભણ અને ગામઠી જીવનશૈલીમાં જીવતાં માણસો વચ્ચે ત્યારે એને જીવન અકારું થઇ પડે એ સ્વાભાવિક છે. પણ વાર્તાનો નાયક આકાશ જયારે જાણવા પામે છે કે એના માટે એના ગરીબ માતાપિતાએ કેવો સંઘર્ષ અને કેવો ત્યાગ કર્યો છે ત્યારે એની દ્રષ્ટિ બદલાય જાય છે. વરિષ્ઠ વાર્તાકાર પાસેથી મળેલી લાગણીસભર વાર્તા.    

તક (કેશુભાઇ દેસાઇ) : નાથુકાકા ઈચ્છતા નથી કે એમના ગયા પછી એમની કરોડોની માલ-મિલકત એમના દીકરાને કે કોઇ કુટુંબીને મળે. નાથુકાકા પોતાની સેવા કરનારી કામવાળી બાઈના નામે વીલ બનાવવા ઈચ્છે છે પણ લોકડાઉનના પગલે એ કામ અધૂરું રહી જાય છે અને નાથુકાકા લાંબી યાત્રાએ નીકળી જાય છે.

વરિષ્ઠ વાર્તાકારની આ વાર્તા વાંચતાં બે પ્રશ્ન ઊભા થાય છે. ૧. નાથુકાકાને  તાવ આવ્યો ને માંદા પડ્યા એટલે વકીલ પાસે જઇ ના શક્યા એ બરાબર; નાથુકાકા ફોન વાપરતા નથી એ પણ સમજાયું પણ કોઇકને મોકલીને વકીલને પોતાને ઘેર બોલાવી શકાયો હોત! ૨. ચાલો, નાથુકાકાને ના સૂઝ્યું, વકીલને તો સૂઝવું જોઈએ! એણે એક આંટો નાથુકાકાને ઘેર મારવો જોઇતો હતો. એને અગિયાર લાખ મળવાના હતા!  આવી રકમ ચોક્કસપણે પ્રેરણાત્મક કહેવાય!

હું-એક ટાઈપીસ્ટ (સુમંત રાવલ) : કોરોનાનો  ચેપ લાગ્યાના પગલે પરિવાર દ્વારા તરછોડી દેવાયેલા એક વૃદ્ધની કરુણાંતિકા.  

આ વાક્ય વાંચો: // એક અંગ્રેજ કંપનીમાં ટાઈપરાઈટર તરીકે ગોઠવાઇ ગયો. // કદાચ આ મુદ્રણદોષ હશે. “ટાઈપીસ્ટ”ના બદલે  “ટાઈપરાઈટર” છપાઇ ગયું હશે.

કોરોનાકાળ (અવિનાશ પરીખ) : કોરોના વાયરસ સક્રિય હોય ત્યારે એક ઘરના એક વડીલની સામાન્ય ખાંસીથી  ઘરમાં કેવી દહેશત ફેલાઇ જાય છે તેનું સરસ આલેખન. સારી વાર્તા. 

--કિશોર પટેલ; (૨૬૩૫ શબ્દો; લખ્યા તારીખ: મંગળવાર, 24 નવેમ્બર 2020; 11:12)   

 ###


Monday 23 November 2020

ચિત્રલેખા દીપોત્સવી અંક ૨૦૨૦ ની વાર્તાઓ વિષે:

 

ચિત્રલેખા દીપોત્સવી અંક ૨૦૨૦ ની વાર્તાઓ વિષે:

(૭૩૦ શબ્દો)

અંકની કુલ અગિયાર ટૂંકી વાર્તાઓમાં વિષયવૈવિધ્ય છે. કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં ત્રણ વાર્તાઓ, ત્રણ હાસ્યવાર્તાઓ, એક ફેન્ટેસી વાર્તા અને એક થ્રિલર વાર્તા છે.  

મામાની શીખ (રજનીકુમાર પંડ્યા) : મામાની શિખામણ છે કે દિવાળીના ગીત હોળીએ ના ગવાય અને હોળીની ચિતા દિવાળીએ ના પ્રગટાવાય. જજ સુજ્ઞપ્રકાશ સામે એક એવો કેસ આવે છે જેમાં આરોપી સામે કેસ બનતો નથી. દસ-બાર વર્ષ પહેલાં પોતાના જ ઘરમાં બનેલી એક દુર્ઘટનામાં એ માણસ અપરાધી હતો. જે તે સમયે પરિવારની ઈજ્જત બચાવવા એ માણસને પોલીસમાં સોંપવાના બદલે ઠમઠોરીને છોડી મૂકેલો. હવે પ્રશ્ન એ છે કે શું પેલી ઘટનાનો બદલો આટલા વર્ષે લેવો? મામાની શિખામણ યાદ કરીને, પ્રસ્તુત પુરાવાઓ ધ્યાનમાં લઇને જજ સુજ્ઞપ્રકાશ આરોપીને નિર્દોષ છોડી મૂકે છે. આ કેસ અંગે ઘરમાં પત્ની જોડે ન્યાયાધીશને ચર્ચા કરતાં બતાવીને લેખક ન્યાયાધીશનું માનવીય રૂપ બતાવે છે. સારી વાર્તા.     

અંધારું-અજવાળું (માવજી મહેશ્વરી) : મહેનતનું ફળ મોડે મોડે પણ અવશ્ય મળે છે એવો સંદેશો લેખક આ વાર્તા વડે આપે છે. કાનજીને લાગ્યા કરે છે કે ઉપરવાળો એની સાથે હંમેશા અન્યાય કરે છે. એક નબળી ક્ષણે એને હેરાફેરી કરવાનો વિચાર આવે છે પણ અણીના સમયે જમીનમાલિક બુધિયો આવી જતાં એ ખોટું કામ કરતાં અટકી જાય છે. બુધિયાની વાત સાંભળ્યા પછી આખી વાર્તા ૩૬૦ અંશે ફરી જાય છે.  કાનજી અને બુધિયો બંનેનાં પાત્રાલેખન સરસ. વાર્તામાંથી ખેતીવિષયક થોડીક જાણકારી મળે છે એ વધારાનો લાભ. સારી વાર્તા.     

મોઢું બંધ રાખજે (સુષ્મા શેઠ) : બદલા વિષય પરની ઘટનાપ્રધાન વાર્તા. સમાજના કેટલાક કહેવાતા આગેવાન શ્રેષ્ઠીઓનાં બે ચહેરા હોય છે. આવા એક નેતાના કાળા કર્મોની ચિઠ્ઠી ફાડતી વાર્તા. પ્રસંગગૂંથણી નાટ્યાત્મક. વિષય જૂનો પણ વાર્તાની રજૂઆત પ્રવાહી અને પ્રભાવી.    

વેલેન્ટાઇન્સ ડે (ગિરીમા ઘારેખાન) : મજેદાર ફેન્ટેસી વાર્તા. વાર્તાના નાયકને એક એવી ચમત્કારિક વીંટી મળે છે જે પહેરવાથી ઓળખીતી દરેક છોકરી એનામાં પોતાનો પ્રેમી જુએ! ક્યા બાત! વાર્તાની પરાકાષ્ઠા મજેદાર છે. વાર્તા કરુણાંત પણ રજૂઆત અને આલેખન પ્રવાહી અને મનોરંજક! સારી વાર્તા.

રિમઝિમ (મયુર પટેલ) : સસ્પેન્સ-થ્રિલર વાર્તા. ગામમાં બુલેટ ટ્રેન કોઇને જોઈતી નથી કારણ કે એના લીધે આખા ગામની જમીન ખાલસા થાય એવી શક્યતા છે. બુલેટ ટ્રેનને પાટા પરથી ઉતારી મૂકવા ગામના સરપંચ શ્રદ્ધાનું કાર્ડ રમે છે. અંતમાં જબરી ચમત્કૃતિ. દક્ષિણ ગુજરાતની ગ્રામ્ય બોલીનો સરસ પ્રયોગ. સારી રોમાંચક વાર્તા. 

કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં ત્રણ વાર્તાઓ :  

 

વ્હાલનું વેક્સિન (એકતા નીરવ દોશી) : સ્વજનો અને પાડોશીઓથી અળગા અને અતડા રહેતા નાયકને એક ચકલી વ્હાલ એટલે શું તે સમજાવી દે છે. સરસ વાર્તા. એક વિગતદોષ છે: લોકડાઉન માટે એક આખા દિવસની નહીં પણ માત્ર ચાર કલાકની નોટીસ મળી હતી.   

સુખનું સરોવર (રાઘવજી માધડ) : સંજોગો માણસોને કેવી કફોડી સ્થિતિ મૂકી દેતાં હોય છે એનું સરસ ઉદાહરણ એટલે આ વાર્તા. જરૂરતમંદ લોકોમાં ફૂડપેકેટનું વિતરણ કરતાં નાયકનું પહેલી પ્રેમિકા ઉમા જોડે પુનર્મિલન થાય છે. કોરોના પોઝિટીવ આવતાં આ ઉમાને એકાંતવાસમાં જવું પડે છે. નાયકના સુખદ આશ્ચર્ય વચ્ચે ઉમાની નિરાધાર બની ગયેલી દીકરીને એની પત્ની હૂંફ આપે છે.        

પખવાડિયાનો પરિતાપ (સુમંત રાવલ) : કહે છે કે સ્ત્રીની સેવાથી પાષાણહ્રદયી પુરુષ પણ પ્રસન્ન થઇ જાય છે. ફાટેલા હોઠવાળી અને એક આંખે ફાંગી વાગ્દત્તા કમુ કેશાને દીઠે ગમતી નથી. અઢી-ત્રણ દિવસ પગપાળા ચાલીને ગામ પહોંચેલા કેશાને નિયમ પ્રમાણે ઘરથી દૂર ગામની નિશાળમાં ચૌદ દિવસના એકાંતવાસમાં (કોરોન્ટાઈન) રહેવું પડે છે. આ એકાંતવાસ દરમિયાન કમુ ભાવતાં ભોજન ખવડાવીને કેશાના હૃદયમાં સ્થાન જમાવી દે છે. સામુહિક હિજરત દરમિયાન શ્રમિકોની થયેલી બેહાલી પર લેખકે સ્ટેટમેન્ટ કર્યું છે. સારી વાર્તા.    

અંકમાં ત્રણ હાસ્યવાર્તાઓ છે :  

બોચિયો કાસાનોવા (રાજુ પટેલ) : તદ્દન અરસિક સ્વભાવના જણાતા તિમિર નામના યુવાનનું નામ બોચિયો પડી ગયું છે. આ બોચિયો સોસાયટીની સ્ત્રીઓ અને કન્યાઓ જોડે એક પછી એક એવા સંજોગોમાં સંડોવાય છે કે સહુને એ સો ટકા લફરાંબાજ લાગે છે. પણ યેનકેન પ્રકારે દરેક વખતે તિમિર પોતાને નિર્દોષ સાબિત કરે છે. સોસાયટીના મુખિયાઓ એનો વાળ પણ વાંકો કરી શકતા નથી. પરાકાષ્ઠામાં બને છે એવું કે બોચિયો એક મેળામાં જાયન્ટ વ્હીલમાં કથકની પત્ની જોડે રાઈડ કરી આવે છે અને છતાં કથક એની વિરુદ્ધ કંઈ કરી શકતો નથી! વાર્તાનાં પ્લસ પોઈન્ટ છે ચુસ્ત પ્લોટ, સોસાયટીના મુખિયાઓના ઓછા શબ્દોમાં સરસ પાત્રાલેખન, રહસ્યમય સ્ત્રીપાત્રો અને સરસ રજૂઆત. એકંદરે મજેદાર હાસ્યવાર્તા!      

અશ્વદાન (જોરાવરસિંહ જાદવ) : ગામના ભોળા માણસોને ઊઠાં ભણાવીને ગોર મનુ મહારાજ પોતાનું કામ કાઢી લેતા આવ્યા છે. એક દિવસ એમને શેરના માથે સવાશેર ભટકાઇ જાય છે એ પછી એમના બધાં ઊંધા ધંધા સીધા થઇ જાય છે. જાણીતા લોકકથાકાર પાસેથી હળવી શૈલીની વાર્તા.  

લવ ટેક્નિક (મનુ શેખચલ્લી) : વિદેશથી આવેલા મૂરતિયાને પટાવવા શહેરની હાઇ સોસાયટીની છોકરીઓ એકબીજીની સ્પર્ધા કરે છે. પણ મૂરતિયાને પટાવી જાય છે એક સામાન્ય દેખાવની કૃષ્ણા નામની છોકરી. કારણ કે એ જાણી ગઇ હતી કે પેલા મૂરતિયાને કેવી કન્યા જોઈતી હતી. હળવી શૈલીની મઝેદાર વાર્તા.   

--કિશોર પટેલ; સોમવાર, 16 નવેમ્બર 2020;13:25          


Monday 9 November 2020

મમતા નવેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે મારી નોંધ :

 

મમતા નવેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે મારી નોંધ :

(૪૫૫ શબ્દો)

આ અંકમાં કુલ નવ વાર્તાઓ છે.

સહુ પ્રથમ અંકની વાંચવાલાયક ચાર વાર્તાઓ વિષે: 

જાકાતો (દિલીપ ગણાત્રા) : બીજાનાં મનમાંની વાતો જાણી લેતો હોય એવો એક માણસ, પૈસાનો લોભિયો એક બીજો માણસ અને અતૃપ્ત જાતીય ઈચ્છાઓથી પીડાતી એક સ્ત્રી: આ ત્રણ પાત્રોની મજેદાર ભેળ આ વાર્તામાં થઇ છે. અનુભવી અને વરિષ્ઠ વાર્તાકારની કલમે હળવી શૈલીમાં માણવાલાયક સરસ વાર્તા. 

એબોરિજીનલ (સ્પર્શ હાર્દિક) : ફેન્ટેસી વાર્તા. યુદ્ધનું વાતાવરણ ત્યજીને એક પરિવાર શાંતિની ખોજમાં અજાણ્યા નિર્જન પ્રદેશમાં નવી દુનિયા વસાવે છે. જૂની દુનિયાના માણસો એને શોધતાં આવે છે ત્યારે બંને મંડળી વચ્ચે પ્રત્યાયનની કોઇ ભાષા જ રહેતી નથી! નવતર કલ્પના! સરસ પ્રયાસ!

કમનસીબ (હસમુખ અબોટી ‘ચંદન’) : આ લેખક દરિયાઇ વાર્તાઓ લખવા માટે જાણીતા છે. પ્રસ્તુત રચનામાં “અલીમદદ” નામના વહાણની કારકિર્દીના કટોકટીભર્યા બે પ્રસંગોનું રોમાંચક આલેખન થયું છે. ના, આ રચનાને વાર્તા તો નહીં પણ અનુભવકથા અવશ્ય કહી શકાય. આવી કથાઓ દ્વારા દરિયાખેડુઓની બોલીનું અને એમના વ્યવસાયના પારિભાષિક શબ્દોનું દસ્તાવેજીકરણ થાય છે. આ એક અત્યંત મહત્વનું કામ થાય છે એ નોંધવું રહ્યું.  

ઉલ્લાલા (લતા હિરાણી) : હળવી શૈલીમાં ગામડાંની વાતો અને એક કન્યાનું સાહસ. અંતમાં ચમત્કૃતિ.

અન્ય સામાન્ય પાંચ વાર્તાઓ વિષે :

અંજામ (નરેન્દ્ર ત્રિવેદી) : સારું કે ખરાબ, કોઇ પણ કામ કરતી ટોળી નવા સભ્યને પોતાની જોડે સામેલ કરતાં પહેલાં એની પૂછપરછ ના કરે? એની પ્રાથમિક તપાસ ના કરે? એમાંય અપરાધની દુનિયામાં પ્રવૃત્ત હોય એ લોકો તો વધારે સાવધાની રાખે. અહીં પૂછપરછ તો બાજુએ રહી, આવી એક ટોળકીના બધાં જ બોર્ડ ઓફ ડાયરેક્ટર પહેલાં પોતાના અપરાધોની કબૂલાત કરી નાખે અને પછી પેલાને કહે કે હવે તારો પરિચય આપ! શું આ બાળકોની રમત હતી? છેક જ તર્કહીન રચના.    

રેસ (ભૂષણ પંકજ ઠાકર) : કારરેસિંગના શોખીન યુવાનનો એક રેસમાં અકસ્માત થાય છે. એમાંથી બચી ગયા પછી હવે પછી પોતે ક્યારેય ડ્રાઈવિંગ નહીં કરે એવું એ નક્કી કરે છે. પણ એ ફરીથી ડ્રાઈવિંગ કરે છે! શા માટે? અંતમાં રહસ્ય ખૂલ્યા પછી ભાવકને છેતરાયાની લાગણી થાય છે. આ વાર્તા નથી, સામાન્ય ટુચકા જેવી વાત છે.     

એ સ્ત્રી (નિયતિ કાપડિયા) : લાંબા સમય પછી મા-દીકરી એકબીજાને મળે છે. બંને વચ્ચે લાગણીનો અભાવ હોવાથી ઔપચારિક વાતચીત થાય છે. એક-બે વાત ખૂંચે છે: ૧.પતિ જબરદસ્તીથી દેહવ્યવસાય કરાવતો હોય તેવી સ્થિતિને એક સ્ત્રી “આ જે છે એ સારું છે.” એવું કઇ રીતે કહી શકે? ૨. ગૃહત્યાગ કર્યા પછી પોતે ઉલમાંથી ચૂલમાં પડી છે એવું કમસેકમ પોતાની જાત સાથે પણ એ કેમ કબૂલ કરતી નથી? એક સરસ કલ્પના વેડફાઇ ગઇ.

જૂગટું (મનોજ જોશી) : પત્ની પર થયેલા બળાત્કારનો બદલો વાર્તાનો નાયક એક રીઢા ગુનેગારની સફાઇથી લે છે. આ રચનામાં કોઇ સંઘર્ષ નથી, એક પણ પાત્રનું માનસિક આંદોલન નથી. ટૂંકમાં આ રચના વાર્તા નથી, બની ગયેલી બીનાનો અહેવાલ છે. વાર્તાનો વિષય સારો પણ એને ન્યાય થયો નથી.    

પણ (અરવિંદ રાય) : બીજા પુરુષ એકવચન કથનશૈલીમાં વાર્તા કહેવાઇ છે. તર્કને તડકે મૂકીને કહેવાયેલી લાગણીથી લથબથ ફિલ્મી કહાણી.

--કિશોર પટેલ; સોમવાર, 09 નવેમ્બર 2020; 20:42

###

 

  


Saturday 7 November 2020

પરબ નવેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:


 

પરબ નવેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૧૮૭ શબ્દો)

આ અંકની પરંપરાગત સ્વરૂપમાં કહેવાયેલી બંને વાર્તાઓ સીધી, સાદી અને સરળ છે.   

સેનેટોરિયમ (ગિરીશ ભટ્ટ) :

વાર્તાનો વિષય છે: વહેમ. ટીબી જેવો રોગ થયો હોય તેનો ઉપાય થઇ શકે પણ વહેમ શું ઉપાય? જયારે સ્વજનો જ આરોપ મૂકતાં હોય ત્યારે ક્યાં જવું?

મોટીબહેનને ટીબી થયો છે, હવાફેર માટે પહાડની સૂકી જગ્યામાં સેનેટોરિયમમાં દાખલ કરી છે, તેની સારવાર માટે જોડે નાની બહેન રહે છે.  શનિ-રવિની રજાઓમાં બનેવી ખબર લેવા આવે છે. બે રાત રોકાઇને સોમવારે પાછો જાય છે. 

ટીબીના દર્દીનો શારીરિક ઉપચાર તો થાય છે પણ એને માનસિક રોગ લાગુ પડે છે. એને વહેમ છે કે પોતાનો પતિ નાની બહેન જોડે ચક્કર ચલાવે છે. બીજી તરફ દૂર રહ્યે રહ્યે નાની બહેનના પ્રેમીને વહેમ નહીં, ખાતરી છે: “તારો તારા બનેવી જોડે અફેર થઇ ગયો છે!”

પરંપરાગત સ્વરૂપમાં સરળ વાર્તા.  

નિરાંતનો એક શ્વાસ (કંદર્પ ર. દેસાઇ) :

એક સ્વાભિમાની સ્ત્રીની સંઘર્ષકથા; દીકરીના કથનમાં માતાની કહાણી. સીધી લીટીએ ચાલનારી એક સ્વાભિમાની સ્ત્રી પોતાના ચારિત્ર્ય પર આરોપ કઇ રીતે સહી લે? પતિથી છેડો ફાડીને સ્વબળે એકલે હાથે સંતાનો ઉછેરીને ભણાવે છે. માતાની યાદો તાજી કરતાં કરતાં વાર્તા કહેવાય છે. પરંપરાગત સ્વરૂપમાં વધુ એક સરળ વાર્તા.      

--કિશોર પટેલ; શનિવાર, 07 નવેમ્બર 2020; 12:53.

###