નવચેતન જાન્યુ. ૨૦૨૪ અને ફેબ્રુ. ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ
નિહારિકા (વંદના શાંતુ-ઈન્દુ)
રેવા નામની એક યુવતીનું પાત્ર નિહારિકાએ પોતાની એક વાર્તામાં સાકાર કર્યું છે. એ રેવા એનાં સ્વપ્નામાં આવે અને ગામડે બોલાવે. પતિ અને ઘર છોડીને નિહારિકા અજાણી દિશામાં ચાલી નીકળે અને વેરાન રેલ્વે સ્ટેશનના ભેંકાર વિસ્તારમાં કોઈ ગેબી શક્તિના સહારે એકલી રહે. આસપાસનાં ગ્રામ્યજનોનો સાથ-સહકાર મેળવીને એ ગામના વિકાસ માટે કામ કરે. દરમિયાન અદ્રશ્ય રહીને રેવા નિહારિકાને પ્રેરણા આપતી રહે. પ્રત્યક્ષમાં બંધ પડેલાં જે તે રેેલ્વે સ્ટેશનનો સાંધાવાળો અને તેની પત્ની નિહારિકાની સગવડ સાચવે. જમીની હકીકતો સાથે સંકળાઈને નિહારિકા કામ કરે એટલે ગ્રામજનોનો પ્રેમ અને આદર મળે. નિહારિકાની સફળતાની ખબર ચારેકોર ફેલાતાં એના સમાજકાર્ય વિશે દસ્તાવેજી ફિલ્મ પણ બને.
વાર્તામાં વાસ્તવિકતા અને અતિવાસ્તવનું મિ઼શ્રણ છે. નાયિકાએ લેખક તરીકે સર્જેલું પાત્ર એને દેખાય પણ અન્ય કોઈને ના દેખાય એટલો હિસ્સો ચમત્કારનો ગણીએ તો બાકીનું બધું વાસ્તવિકતામાં ઘટે છે.
નિહારિકાએ સમય અને શક્તિ ફાળવીને કરેલુ કાર્ય જેટલું સમાજ માટે જેટલું ઉપયોગી હતું એના કરતાં કંઈકેટલા ગણું એના પોતાના માટે પણ હતું. એની સમજ અને શક્તિ ના ઓળખી શકનાર પતિ માટે એ કેવળ ઈચ્છાપૂર્તિનું સાધન હતી. નિહારિકાએ સમાજકાર્ય કરીને પોતાની જાતને રીડિસ્કવર કરી, સાબિત કરી,સ્થાપિત કરી.
નારીશક્તિની વાર્તા, ફિલગુડ વાર્તા. (જાન્યુઆરી ૨૦૨૪)
વાવાઝોડું ફંટાઈ ગયું (પ્રસિધ્ધ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ લિખિત મૂળ બંગાળી વાર્તા,અનુ. ડો. કિશોર પંડ્યા)
બંગાળના અખાત પર ત્રાટકનારું વાવાઝોડું કોઈ ગેબી રીતે ફંટાઈને કોઈ નુકસાન કર્યા વિના ચાલી ગયું. વિશ્વના મોટા મોટા વૈજ્ઞાનિકો જેનું રહસ્ય સમજી શકયા નહીં એ ઘટનાનું રહસ્ય આ વાર્તાનો કથક સમજાવે છે. ડોકટરની સલાહ મુજબ હવાફેર માટે નીકળેલા કથકે જહાજમાંથી દરિયાની સપાટી પર કેશવર્ધક તેલ રેડ્યું અને વાવાઝોડું ફંટાઈને ચાલ્યું ગયું. મામલો ખતમ.
કથક વિજ્ઞાનનો એક નિયમ સમજાવે છેઃ “પાણીની ખળભળતી સપાટી તેલને લીધે શાંત થઈ જાય છે.” (જાન્યુઆરી ૨૦૨૪)
નભાઈ (અનંતરાય મારુ)
પિયરમાં ભાઈ વિનાની કન્યાને પુત્રવધુ તરીકે પસંદ કરવામાં અચકાતાં સ્મિતાબેન અને બકુલભાઈને વનિતાના પિતા વામનરાય સંભળાવી દે છે કે “દીકરા-દીકરીમાં ભેદ કરનારાંઓનાં ઘરમાં અમારે જ દીકરી આપવી નથી.”
પોતાની દીકરીને “નભાઈ” કહીને અપમાનિત કરનારાં માણસોને ગાલે તમાચો પડે એવી રીતે સંભળાવી દેનારા પિતા શાબાશીને પાત્ર છે. આવા વલણથી સમાજમાં જાગૃતિ આવવાની આશા રાખી શકાય.
નાનકડી પણ ચોટદાર વાર્તા.
ગંભીર ભૂલઃ
એક ઠેકાણે કન્યાના માતાપિતા તરીકે “બકુલભાઈ અને શારદાબહેન” એવાં નામ લખાયાં છે તે સરતચૂક છે. ત્યાં “વામનરાય અને શારદાબેન” હોવું જોઈએ. બકુલભાઈ તો ઉમેદવાર વિનયના પિતાનું નામ છે. આ ભૂલ લેખકના ધ્યાનમાં ના આવી, સંપાદકના ધ્યાનમાં ના આવી, પરામર્શકના પણ ધ્યાનમાં ના આવી! પ્રુફરીડરનો તો આમાં વાંક છે જ નહીં. (પૃષ્ઠ ૨૯, પહેલી કોલમ, નીચેથી દસમી લાઈનમાં આ ભૂલ થઈ છે.) (જાન્યુઆરી ૨૦૨૪)
બંસીલાલનો બાંકડો (દીના પંડ્યા)
બંસીલાલની સ્મૃતિમાં સોસાયટીના કોમન પ્લોટમાં એક બાંકડો મૂકાયો છે. નવરાશના સમયે એ બાંકડા પર બેસીને શારદાબેન પતિની યાદોને વાગોળતાં રહે છે. એક દિવસ પતિની પૂર્વપ્રેમિકા રમીલા ત્યાં આવી ચડે ત્યારે શારદાબેન બાંકડા પર પહોળાં થઈને બેસે છે. શારદાબેનનાં મનમાં રહેલો પતિ પ્રત્યેનો માલિકીભાવ રમીલાને એ બાંકડે બેસવા દેતો નથી. માણસના મનની આ ગરીબી એક તરફ રમૂજ અને બીજી તરફ દયાભાવ પેદા કરે છે. રસપ્રદ વાર્તા. (ફેબ્રુઆરી ૨૦૨૪)
આઈનો (નિધિ મહેતા)
ઉચ્ચ હોદ્દા પર રહેલા માણસનો રોફ એ હોદ્દા પર હોય ત્યાં સુધી જ રહે છે. એક વાર એ હોદ્દો છૂટી ગયો કે એની સાથે જ એનો રુવાબ પણ જતો રહે છે. એક કહેવત છેઃ ઉતર્યો અમલદાર કોડીનો.
બોધપ્રધાન વાર્તા. સમજૂતી આપતી અત્યંત સરળ રજૂઆત. (ફેબ્રુઆરી ૨૦૨૪)
ભરોસો (જયેશ સુથાર)
રાતના અંધકારમાં ઘર સુધીના લાંબા રસ્તે ગામના જ પરિચીત જતીનનો સંગાથ હતો એટલે જોખમ સાથે પ્રવાસ કરતા સુમનને નિરાંત હતી. પણ રસ્તે કોઈ ઓળખીતાનું વાહન મળી જતાં જતીન સુમનને છોડીને જતો રહે છે. આમ સુમનનો જતીન પરનો ભરોસો તૂટી જાય છે.
આજના સમયમાં માણસ સ્વાર્થી બનતો જાય છે એનું એક ઉદાહરણ. સરળ રજૂઆત. (ફેબ્રુઆરી ૨૦૨૪)
સરોવરની ચાંદની (ગંગાધર ગોપાળ ગાડગીલ લિખિત મૂળ મરાઠી વાર્તા, અનુ.આરતી સંતોષ)
પત્ની જોડેના પ્રસન્ન દાંપત્યજીવનની સ્મૃતિઓ. કથકની પત્નીનું અવસાન કદાચ યુવાન વયે જ થયું હોય એવું જણાય છે. કથકનું સંવેદનશીલ માનસ સરસ રીતે પ્રગટ થાય છે. (ફેબ્રુઆરી ૨૦૨૪)
–કિશોર પટેલ, ૨૧ જૂન ૨૦૨૪.
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment