Thursday 31 March 2022

કુમાર ફેબ્રુઆરી ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ


 

કુમાર ફેબ્રુઆરી ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ

(૨૯૩ શબ્દો)

નિરસન (અશ્વિની બાપટ):                                                                        

ભગવદગોમંડળ ‘નિરસન’ શબ્દના કુલ ૧૯ અર્થ આપે છે. એમાંથી થોડાંક આ વાર્તાના સૂચિતાર્થનો ખ્યાલ આવે છે. સમાધાન, નિરાકરણ, શાંત કરવું, રદ્દ કરવું, થૂંકી કાઢવું, ખંડન કરવું, આપેલાં સમીકરણમાંથી (ગણિતમાં) નવું સમીકરણ બનાવવું, તિરસ્કારવું તે, થૂંકી કાઢવું તે વગેરે એક કરતાં વધુ અર્થ અહીં લાગુ પડી શકે એમ છે.

કામના સ્થળે કર્મચારી જોડે થતાં અન્યાય અને તે નિમિત્તે ઉઘાડાં પડી જતાં કહેવાતા નિ:સ્વાર્થ યુનિયન લીડરના ચહેરાની વાત. એક શિક્ષણસંસ્થામાં દેવાંશી સહાયક લાયબ્રેરિયનના હોદ્દે કામ કરતી હતી. ઉપરી લાયબ્રેરિયન કરતાં દેવાંશી પાસે વધુ મોટી ડીગ્રી હતી, વધુ કાર્યકુશળ હતી પણ ઉંમરમાં નાની હતી, નવી હતી એટલે નાના હોદ્દે હતી. આમ છતાં એ તો પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરતી હતી. પણ હાથ નીચેની કર્મચારી વધુ શિક્ષિત હોવાથી અસૂયા અને ઈર્ષાથી પીડાતો મુખ્ય લાયબ્રેરિયન દેવાંશી જોડે વિવિધ પ્રકારે ગેરવર્તન કરે છે, તેની સતામણી કરે છે. એટલેથી ના અટકતાં એક દિવસ ખોટી ફરિયાદ કરીને તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દે છે. કથકની સહાનુભૂતિ સિવાય અન્ય કોઈની મદદ દેવાંશીને મળતી નથી. યુનિયન લીડર લડી લેવાનું જોશ બતાવે છે પણ એક દિવસ થાકી હારીને દેવાંશી આત્મહત્યા કરી લે છે.  કથકનું ભ્રમનિરસન તો ત્યારે થાય છે જયારે કહેવાતા પ્રમાણિક કર્મચારી યુનિયન નેતાનો સાચો ચહેરો ખુલ્લો પડી જાય છે.

આ વાર્તાનું સ્વાગત છે કારણ કે એક નવા જ પરિવેશની વાત અહીં થઇ છે. કોલેજ કહ્યું એટલે શિક્ષક, પ્રોફેસર, વિદ્યાર્થીઓ વગેરેની વાતો હોય, કોલેજના લાયબ્રેરિયનની વાત પહેલી વાર આપણી વાર્તામાં આવી. આવા કંઈકેટલાં વ્યવસાય અને ક્ષેત્ર આપણી વાર્તાઓમાં હજી સુધી વણસ્પર્શ્યા રહ્યાં છે. કેવળ એટલું જ નહીં, વાર્તાની રજૂઆત પણ પ્રવાહી અને પ્રભાવી છે.    

--કિશોર પટેલ, 01-04-22; 10:31

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

Tuesday 29 March 2022

એક વાર્તા બબ્બે સામયિકમાં


 

એક વાર્તા બબ્બે સામયિકમાં

(૧૨૪૫ શબ્દો)

લગભગ બધાં સામયિકો આગ્રહ રાખે છે કે અપ્રકાશિત વાર્તાઓ જ પ્રગટ કરીશું. આમ છતાં એક જ વાર્તા બબ્બે સામયિકમાં પ્રગટ થવાના કિસ્સાઓ બનતાં રહે છે. થોડાંક મહિનાઓ પહેલાં ચાર-પાંચ ઉદાહરણો સાથેની એક પોસ્ટ મેં ફેસબુક પર મૂકી હતી. હાલમાં ફરીથી એક નહીં પણ આવા બે કિસ્સાઓ ધ્યાનમાં આવ્યાં છે:

તાજેતરમાં નાની વયે અવસાન પામેલા લેખક હરીશ મહુવાકરની એક વાર્તા “રીત” સૌપ્રથમ પ્રગટ થઇ એતદના જૂન ૨૦૨૧ અંકમાં  અને બીજી વાર પ્રગટ થઇ શબ્દસૃષ્ટિના જાન્યુઆરી ૨૦૨૨ અંકમાં; ફક્ત સાત મહિનાના ગાળામાં. અન્ય એક યુવા વાર્તાકાર મીરા જોશીની વાર્તા “મોંસૂંઝણું” સૌપ્રથમ પ્રગટ થઇ પરબ, જાન્યુ ૨૦૨૨ અંકમાં અને બીજી વાર પ્રગટ થઇ મમતા, ફેબ્રુઆરી ૨૦૨૨ અંકમાં; ફક્ત એક જ મહિનાના ગાળામાં.

આવું કેમ થતું હશે? આ વિષય પર આ પહેલાં મૂકાયેલી પોસ્ટ પર આવેલી ટિપ્પણીઓ પરથી ખ્યાલ આવ્યો હતો કે એક કરતાં વધુ કારણો છે. આજે એ કારણોને વિસ્તૃતપણે ચર્ચવાનો ઈરાદો છે.

મુખ્ય કારણ એ છે કે સામયિકો લેખકોને એમની વાર્તાઓ અંગે સ્વીકાર-અસ્વીકારનો ઉત્તર સમયસર આપતાં નથી. રાહ જોઈ જોઇને લેખક બીજે ઠેકાણે વાર્તા મોકલે પછી થાય એવું કે બંને જગ્યાએ વાર્તા પ્રસિદ્ધ થઇ જાય! બિલ ફાટે લેખકના નામે!

લાખ રૂપિયાનો સવાલ એ છે કે તંત્રી/સંપાદકો લેખકોને વાર્તાના સ્વીકાર/અસ્વીકારનો જવાબ કેમ આપતાં નથી? ગયા વર્ષની પોસ્ટ પર આવેલી ટિપ્પણીઓમાં મોટા ભાગના લેખકોએ કહ્યું હતું કે “નવનીત સમર્પણ” અને “એતદ” સામયિક તરફથી ઉત્તર મળી જાય છે પણ અન્ય સામયિકો તરફથી જવાબ મળતાં નથી. આ લખનારનો અંગત અનુભવ છે કે “પરબ” અને “શબ્દસૃષ્ટિ”માંથી જવાબ મળતો નથી. વાર્તાની હાર્ડ કોપી કઢાવીને, બંધ કવરમાં જવાબી પોસ્ટકાર્ડ સાથે વાર્તા મોકલ્યા પછી પણ ક્યારેય જવાબ મળતો નથી. ફોન કરીએ તો જવાબ મળે છે કે ઘણી વાર્તાઓ પડી છે, તમારા એકલાની થોડી છે?  અલબત્ત, આ અનુભવ બે-અઢી વર્ષ પહેલાંનો છે, હાલમાં કંઈ ફેર પડ્યો હોય તો જાણ નથી. 

જો નવનીત સમર્પણના તંત્રી દીપકભાઈ દોશીસાહેબ અને એતદના તંત્રી કિરીટભાઈ દૂધાતસાહેબ લેખકોને સમયસર ઉત્તર આપી શકતા હોય તો અન્ય સામયિકોના તંત્રી/સંપાદકોને કોણ રોકે છે? શું તેઓ પર કામનો પ્રચંડ બોજો છે? શું તેમના કાર્યાલયના કર્મચારીઓ અસહકારી વલણ રાખે છે? શું આ તંત્રી/સંપાદકોને એમનું અભિમાન નડે છે? અમે શું કામ જવાબ આપીએ? શું અમારે કંઈ કામધંધો નથી? એવું?

એટલે એનો અર્થ એવો કરવાનો કે દીપકભાઈ અને કિરીટભાઈને કોઈ કામધંધો છે જ નહીં?    

અને સાહેબો, તમને શેનું અભિમાન નડે છે? તંત્રી/સંપાદક એટલે રાજા ભોજ અને લેખક એટલે ગંગુ તેલી, એવું?

કામનો બોજો કોના માથે નથી હોતો? લેખકોને જવાબ આપવો એ તમારી ફરજનો ભાગ નથી? માત્ર હા કે ના કહેવાનું છે! ભલા માણસ, કોઈ તમારી જોડે ચર્ચામાં નથી ઉતરવાનું! લેખકના ભોગ લાગ્યા છે કે તંત્રી જોડે ઝઘડો કરે? લેખકને તંત્રીની ગુડ બુકમાં રહેવું હોય કે નહીં? અને ધારો કે અપવાદાત્મક કિસ્સામાં ચર્ચામાં ઊતરવું પડે. એટલી સજ્જતા તો તંત્રીમાં હોવી જોઈએ કે નહીં?

જવાબ આપતાં કોઈ વાર મોડું થાય એ સમજી શકાય. એવે વખતે લેખકને એક ફોન કરીને પૂછી ના શકાય કે ભાઈ, તમારી ફલાણી વાર્તા ઘણા દિવસથી અમારી પાસે પડી છે, બીજે ક્યાંક મોકલી તો નથી ને? કે બીજે ક્યાંક છપાઈ તો નથી ગઈને? આટલો એક ફોન કરવાથી ક્યા તંત્રીની પાઘડી પડી જવાની છે?  ચિત્રલેખા જેવા ફક્ત ગુજરાત રાજ્યના નહીં, દેશના નંબર વન કહેવાય એવાં સામયિકના તંત્રી વિભાગમાંથી આ લખનારને એક વાર ફોન આવ્યો હતો. ચાર વર્ષ પહેલાંની વાત છે. બે ધારાવાહિક નવલકથાઓ વચ્ચે પડેલાં અંતરાલનો લાભ લેવા મેં એક વાર્તા ચિત્રલેખામાં મોકલી હતી. એમનો જવાબ ઝટ આવ્યો નહીં અને હું પણ ભૂલી ગયો. છેક ચાર-પાંચ મહિને મને ચિત્રલેખામાંથી ફોન આવ્યો હતો કે “કિશોરભાઈ, તમારી વાર્તા અમે ચિત્રલેખામાં પ્રગટ કરવા માટે પસંદ કરી છે, લાંબો વખત થઈ ગયો, બીજે ક્યાંક મોકલી તો નથી ને?” જો ચિત્રલેખા જેવા માતબર સામયિકને લેખકને સામેથી ફોન કરવામાં કોઈ ઈગો નડતો ના હોય તો અન્ય સામયિકોને શા માટે નડવો જોઈએ?

આમાં તમારે કરવાનું શું છે? એક સાદું રજીસ્ટર બનાવવાનું છે. તારીખવાર રેકોર્ડ રાખવાનો છે કે કઈ વાર્તા કઈ તારીખે મળી. એક નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરો કે એક/બે મહિનામાં જવાબ આપવાનો છે. આટલું કર્યા પછી શું વેદ ભણવાના છે?

હા, ક્યારેક એવી વાર્તા આવી જાય કે સમયસર નિર્ણય લઇ ના શકાય. એવી સ્થિતિમાં તમે લેખકને રાહ જોવાનું કહી શકો. જો લેખકમાં ધીરજ ના હોય તો એને વાર્તા પાછી ખેંચી લેવાનો પર્યાય આપી શકાય!

બીજી વાત:

એક દલીલ એવી થાય છે કે દરેક સામયિકનો વાચકવર્ગ સીમિત છે માટે વાર્તાઓ અન્ય સામયિકમાં પણ પ્રગટ થાય તો કંઈ ખાટુંમોળું થઇ નથી જતું.  

હા, આ સાચું છે. એવું કરી શકાય. પણ એવું કરવા માટે ચોક્કસ નીતિમર્યાદા નક્કી કરવી રહી. જેમ કે અમુક સમય વીત્યા પછી જ (જેમ કે ત્રણ અથવા પાંચ વર્ષ પછી જ)  પુન:પ્રકાશિત કરી શકાય. જોડે ફરજિયાત નોંધ મૂકવી રહી કે અમુક વાર્તા આ અગાઉ અમુક સામયિકના અમુક અંકમાં પ્રગટ થઇ હતી. જેથી કરીને કોઈ વાચકને છેતરાયાની લાગણી ના થાય.

ત્રીજી વાત:

એક દલીલ એવી છે કે સામયિકો વાર્તાનો પુરસ્કાર સાવ નજીવો આપે છે, એટલે જો વાર્તા બે જગ્યાએ પ્રસિદ્ધ થાય તો લેખકને બે પૈસાની આવક વધુ થાય. આમ જો કોઈને ફાયદો થતો હોય તો ખોટું શું છે?

આ દલીલના બે પાસાં છે. લેખકને ફાયદો થાય એ ખરું પણ વાચકને તો છપાયેલી વાર્તા ફરી વાંચવી પડે! તાજી વાર્તા વાંચવાના એના હક્કનું શું?

પુરસ્કારની રકમ: વર્ષો પહેલાં સંદેશ પ્રકાશનનું એક સામયિક “સરવાણી” નીકળતું હતું. તેઓ જાહેરનામામાં સ્પષ્ટ લખતાં હતા કે “લેખક જાણીતો કે અજાણ્યો કોઈ પણ હોય, દરેકને સમાન પુરસ્કાર મળશે: રૂપિયા ૧૨૫.” નેવુંના દાયકામાં એ રકમ સારી કહેવાય એવી હતી. જો કે સંદેશ એક સ્થાપિત સંસ્થા હતી.

મેં સાંભળ્યું છે કે આજે ઘણાં સામયિકો લેખકના દરજ્જા પ્રમાણે પુરસ્કાર ચૂકવે છે. કેટલાંક વળી સ્ત્રી લેખકોને પુરષ લેખક કરતાં ઓછો પુરસ્કાર આપે છે! 

સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ સામયિક તેમની આવક પ્રમાણે જ પુરસ્કાર આપી શકે. આપણા સામયિકોનો ફેલાવો કેટલો? લવાજમની આવક કેટલી? જાહેરખબરની આવક કેટલી? આપણા સામયિકો વિશેની આવી આંકડાકીય માહિતી ઉપલબ્ધ નથી એટલે આ વિષે ઝાઝી ચર્ચા કરી શકાય એવું નથી. એટલું નક્કી છે કે કોઈ પણ પ્રકાશન સંસ્થા આવકના પ્રમાણમાં જ ખર્ચ કરી શકે. આઈપીએલ રમતાં ક્રિકેટરોને લાખો-કરોડોની આવક થાય છે કારણ કે એ લોકો ટીમના માલિકોને કરોડો રૂપિયા રળી આપે છે. હિન્દી ફિલ્મસ્ટારોને લખલૂટ આવક થાય છે કારણ કે એ લોકો એવી આવક નિર્માતાઓને ઉત્પન્ન કરી આપે છે. આપણા સામયિકોમાં કોઈ સ્ટાર લેખકની વાર્તા પ્રસિદ્ધ થાય એટલે કંઈ જે તે સામયિકની છૂટક કિંમત વધારી શકાતી નથી.

સાંભળ્યું છે કે ઓ. હેન્રી કારાવાસમાં હતા ત્યારે દીકરીના ઉછેરનો ખર્ચ  કાઢવા ટૂંકી વાર્તાઓ લખતા. પણ એ વાત અમેરિકાની હતી. આજે આપણા દેશમાં ફક્ત ફિક્શન લખીને કેટલાં લેખકો જીવનનિર્વાહ કરી શકે છે? મનોરંજન કે વિજ્ઞાપન ક્ષેત્ર સિવાયના લેખકોએ તો સરકારી/બિનસરકારી નોકરી કે કોઈ વ્યવસાયને આશરે જીવવું પડે.   

લગભગ દરેક સામયિક કહે છે કે ઇમેઇલથી વાર્તા મોકલી શકો છો. “મમતા”, “એતદ” અને “નવનીત સમર્પણ”ના તંત્રી/સંપાદકો સિવાય મને નથી લાગતું કે કોઈ સામયિકના તંત્રી/સંપાદકો ઈમેઈલ ખોલીને વાંચતા હોય!

લગે હાથ સામયિકોના જાહેરનામાં જોઈ લો:

૧. પરબ: સ્વીકૃત કૃતિની જાણ કરાશે, ટપાલ-ટિકિટ સાથેનું પરબીડિયું હશે તો અસ્વીકૃત કૃતિ પરત કરવામાં આવશે. અન્યથા કૃતિ અસ્વીકૃત ગણવી. પોસ્ટકાર્ડ હશે તો અસ્વીકૃત કૃતિની જાણ કરાશે.

૨. શબ્દસૃષ્ટિ: જવાબના પોસ્ટકાર્ડ મોકલ્યા હશે તો સ્વીકૃતિ કે અસ્વીકૃતિનો જવાબ એક મહિનામાં આપવા પ્રયત્ન કરાશે.

૩. મમતા: વાર્તા ટાઇપ કરીને મેઈલથી મોકલી હશે તો કૃતિની પહોંચ અને નિર્ણય ઇમેઇલથી જણાવાશે.

૪. કુમાર: સામાન્ય રીતે સ્વીકૃત કૃતિનો જવાબ એકાદ માસમાં અપાય છે, અન્યથા કૃતિ અસ્વીકૃત સમજવી.

૫. બુદ્ધિપ્રકાશ: એક માસની અંદર જવાબ ના મળે તો કૃતિ અસ્વીકૃત છે તેમ સમજવા વિનંતી.

૬. શબ્દસર: સ્વીકૃત કે અસ્વીકૃતનો જવાબ બે મહિના સુધીમાં આપવામાં આવે છે.

૭. વારેવા: ફક્ત વાર્તા મોકલવા માટેનું ઈમેઈલ એડ્રેસ છે, સ્વીકૃતિ/અસ્વીકૃતિ વિષે કશો ઉલ્લેખ નથી.

૮. નવનીત સમર્પણ અને ૯. એતદ: આ બંને સામયિકો વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી માટે એમની વિગત અહીં મૂકી નથી. 

આ થઇ એમની જાહેરાતો, પણ વાસ્તવિકતા શું છે?  મિત્રો પોતાના અનુભવો શેર કરી શકે છે.  

લેખક અને તંત્રી/સંપાદકનો સંબંધ એટલે સંસારરથના બે પૈડા. એકના સિવાય બીજાનું અસ્તિત્વ નહીં સંભવે. કલ્પના કરો કે આ એક પૈડું જે દિવસે આડું ફાટશે ત્યારે શું થશે?

--કિશોર પટેલ, 30-03-22; 09:04

###

તા.ક. સંલગ્ન તસ્વીર સૌજન્ય: ગૂગલ.  

Monday 28 March 2022

મમતા ફેબ્રુઆરી ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

મમતા ફેબ્રુઆરી ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૩૩ શબ્દો)

વોટ ડુ યુ થિંક (વલ્લભ નાંઢા): પ્રયોગાત્મક વાર્તા. એક કરતાં વધુ કથક પાસે વાર્તા કહેવડાવવાનો પ્રયોગ નવો નથી તો ખાસ પ્રચલિત પણ નથી. એક જ ઘટનાનું વર્ણન છ કથક પાસે કરાવાય ત્યારે સ્થૂળ વિગતોનું પુનરાવર્તન ટાળીને દરેક કથકના સ્વતંત્ર દ્રષ્ટિકોણ પર વિશેષ ધ્યાન અપાવું જોઈતું હતું. અંત અણધાર્યો અને આંચકાજનક છે, છેક છેલ્લે ખબર પડે છે કે આ તો રહસ્યકથા હતી! આખી વાર્તા નવેસરથી વાંચવી પડે એવો સરસ અંત!      

ગોરંભાયેલું આકાશ (નિકેતા વ્યાસ કુંચાલા): પ્રેમકથા. વાર્તાની શરૂઆત સારી કર્યા પછી દિશાહીન થઈને વાર્તાકારે દીર્ઘ નવલકથાનો સારાંશ લખી ઇતિશ્રી કર્યું.

ચતુષ્કોણના ત્રણ છેડા (પરીક્ષિત જોશી): એબ્સર્ડ વાર્તા. આ રચનાને સ્વ સાથેનો સંવાદ કહી શકાય. કેટલીક વાર એક માણસની અંદર એક કરતાં વધુ માણસો રહેતાં હોય છે, એવું કંઇક. જો કે આ વાર્તાનું ચોક્કસ અર્થઘટન કરવું મુશ્કેલ છે.  

તેરમું (ગોપાલકુમાર ધકાણ): નમાઈ દીકરીની માતા પણ બની રહેવાના ભગીરથ પ્રયત્નો કરતા પિતાની વાત. કન્યાઓના યૌવનપ્રવેશની સમસ્યાઓ વિષે હાલમાં થોડી વાર્તાઓ આવી છે. વાર્તાનો ઉત્તરાર્ધ કાપકૂપ કરીને ફાંકડો બનાવી શકાય એમ છે. એકંદરે સારો પ્રયાસ.

રાહ (રાજેશ ચૌહાણ): દીર્ઘ નવલકથાનો વ્યાપ ધરાવતી સામાન્ય બોધકથા.

મોંસૂઝણું (મીરા જોશી): કેન્સરના કારણે નાયિકાના એક સ્તનને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે. આના પરિણામે નાયિકાના મનમાં એક ખાલીપો સર્જાયો છે. માનસિક રીતે પડી ભાંગેલી નાયિકાને પતિ તરફથી આધાર મળતો નથી. મા વિના કણસતા એક ગલુડિયાને છાતીએ વળગાડીને નાયિકા કંઇક રાહત મેળવે છે. નાયિકાની પીડાનું આલેખન અહીં વિગતે થયું છે. જો કે કંઇક વધારે જ સમજૂતીઓ અપાય છે. કાપકૂપ કરીને વાર્તાને રૂપકડી બનાવી શકાય એવી શક્યતા છે. ટૂંકમાં, વિષય સારો પણ માવજત સાધારણ. (આ વાર્તા પરબના જાન્યુઆરી ૨૦૨૨ અંકમાં પણ પ્રકાશિત થઈ ચૂકી છે. આ વિષે એક પોસ્ટ ટૂંક સમયમાં મૂકાશે.)

આખરી નિર્ણય (ફિરોઝ હસ્તાણી): સામાન્ય બોધકથા.

બેદરકાર (હસમુખ બોરાણિયા): ટુચકા જેવી સામાન્ય હાસ્યવાર્તા.

બિઝનેસમેન (પ્રફુલ્લ આર. શાહ): બિઝનેસમાં સફળતા માટે શોર્ટકટ ના હોય એવી સંદેશપ્રધાન વાર્તા. 

--કિશોર પટેલ, 29-03-22; 08:57   

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

Sunday 27 March 2022

બાલભારતીમાં વાર્તાપઠન ૨૬ માર્ચ ૨૦૨૨

 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૬ માર્ચ ૨૦૨૨

(૭૬૧ શબ્દો)

પેટાશીર્ષક: ફીલ ગુડ વાતાવરણ

બે વર્ષ સુધી કોરોના માર્ગદર્શિકાનું કડક પાલન કર્યા પછી શ્રોતાઓની સંખ્યા બાબતે નિયંત્રણો હળવા થતાં શનિવાર તા.૨૬ માર્ચ ૨૦૨૨ ની સાંજે બહોળી સંખ્યામાં હાજરી આપી શ્રોતાઓએ બાલભારતીનો સભાખંડ છલકાવી દીધો હતો.

વાતાવરણમાં જે “ફીલ ગુડ” લાગણી પ્રસરેલી હતી એને વધુ ગાઢ બનાવી રજૂ થયેલી ચારે વાર્તાઓએ. બધી વાર્તાઓ સુખાંત હતી એટલું જ નહીં, આલેખનમાં પણ એકાદ અપવાદને બાદ કરતાં સંઘર્ષ નહીંવત હતો.          

બાજુની ખાલી સીટ (શૈલા શાહ):

સ્વજનની ખોટ. સુખી અને દીર્ઘ દાંપત્યજીવન પછી એક દંપતીના જીવનમાં અચાનક કટોકટીના વાદળાં ઘેરાંય છે. નાયિકાની નાદુરસ્ત તબિયતની સારવાર માટે પતિ-પુત્ર એને વિદેશ લઇ જાય છે. પતિ-પુત્ર જાણે છે કે કેન્સરનું નામ પડતાં નાયિકા નાહિંમત થઇ જશે એટલે એને સાચી બીમારીની જાણ ના કરતાં સતત એની જોડે ને જોડે રહે છે.  નાયિકાના મૃત્યુ પછી એની ચિઠ્ઠી વાંચીને પિતા-પુત્રને જાણ થાય છે કે વિદેશની પ્રથા પ્રમાણે ત્યાંના ડોકટરે તો દર્દીને કેન્સર વિષે જાણ કરી દીધી હતી. પણ પોતે કંઈ જાણતી નથી એવો ભ્રમ જાળવી રાખીને છેક સુધી હસતા મોંએ જીવીને નાયિકાએ પતિ-પુત્રને દુઃખી થવા દીધાં ન હતા!

સ્વદેશ પાછાં વળતાં પ્લેનમાં બાજુની ખાલી સીટ જોઇને બેઉને સ્વજનની ખોટ સાલે છે.     

નામ (મમતા પટેલ):

નામ માટે માણસનાં હવાતિયાં. ટ્રાફિક સિગ્નલ પર મેલાંઘેલાં એક ચરસીને જોઇને નાયક વિમાસણમાં પડે છે. એને થાય છે કે એ ચરસી એટલે  વર્ષો પહેલાં ઘરમાંથી કાઢી મૂકેલો પોતાનો દીકરો અભિષેક જ હતો કે શું? દીકરાની ભિન્ન જાતીય ઓળખ સ્પષ્ટ થતાં આઘાત પામીને નાયકે દીકરાને ઘરમાંથી કાઢી મૂકેલો હોય છે. સિગ્નલ પર એક વાર દેખાયા પછી એ ચરસીને શોધવા ખૂબ ફાંફા મારે છે. છેવટે સરકારી હોસ્પિટલના શબઘરમાં એ ચરસીની લાશ મળી આવે છે ત્યારે પણ એ એને બરોબર ઓળખી શકતો નથી. એને થાય છે કે પત્નીને લઇ આવું, એ પોતાના દીકરાને ઓળખવામાં ભૂલ નહીં કરે. જો એ પોતાના જ પુત્રની જ લાશ હોય તો એ લાવારિસ નહીં મરે, એનો વિધિવત અંતિમ સંસ્કાર થશે. આમ એક તરફ પુત્રને બેઘર કરવાની દોષભાવના અને બીજી તરફ એના અપમૃત્યુના આઘાતની મિશ્ર લાગણીઓ સાથે એ ઘેર પહોંચે ત્યારે પત્નીને ફોન પર કોઈકની જોડે હસતાં હસતાં વાતો કરતાં સાંભળે. નાયકને જાણ થાય કે સામે છેડે તો એમનો પુત્ર અભિષેક જ હતો!   એટલે? પેલો ચરસી એમનો પુત્ર ન હતો! પોતાનો પુત્ર તો જીવે છે!

હવે નાયકને એવું વિચારીને રાજી થાય છે કે પોતાનું નામ જીવતું રહેશે!

કોફીબ્રેક પછીની વાર્તાઓ:

જીવનલાલ (અનિલ રાવલ):

એક સ્વાભિમાની વરિષ્ઠ નાગરિકની વાત. મુંબઈની લોકલ ટ્રેન એટલે શહેરની લાઈફલાઈન. આ પરિવેશને કેન્દ્રમાં રાખી ટીવી સિરીયલો બની છે, ફિલ્મો બની છે અને વિવિધ ભાષાઓમાં ટૂંકી વાર્તાઓ પણ લખાઈ છે. એવી જ આ એક વાર્તા છે. લોકલ ટ્રેનમાં નિયમિત પ્રવાસ કરતાં ક્થકને એક સ્વાભિમાની વરિષ્ઠ નાગરિકનો પરિચય થાય છે. એવું બનતું હોય છે કે રોજ મળતાં સહપ્રવાસીનું સરનામું આપણે પૂછ્યું ના હોય કે ઘરનો-ઓફિસનો-મોબાઈલ ફોન નંબર પણ નોંધ્યો ના હોય! એનો ખ્યાલ પણ ત્યારે જ આવે કે જયારે અચાનક પેલો સહપ્રવાસી દેખાતો બંધ થઇ જાય!

કથકના મનોભાવોનું સુંદર આલેખન.   

ચિયર્સ (કેતન મિસ્ત્રી):

પોતાનામાંથી બહાર નીકળીને નાના માણસ માટેની સદભાવના. ગુજરાતના અંતરિયાળ ગામડાંમાં આદિવાસીઓ વચ્ચે રહીને એક પ્રોજેક્ટ કરીને શહેરમાં પાછી ફરેલી નાયિકા માંદી પડે છે. મેડિકલ રિપોર્ટ કહે છે કે દર્દીને એઈડ્ઝના લક્ષણો છે. ગામડે નાયિકા એક આદિવાસી યુવક બુધિયાના સંબંધમાં આવેલી. પહેલી શંકા તો એવી થાય છે કે એ બુધિયાના કારણે એને ચેપ લાગ્યો હશે. પણ પછી નાયિકાને ખ્યાલ આવે છે કે એઈડ્ઝના લક્ષણો માત્ર પંદર દિવસમાં પ્રગટ થતાં નથી. એ સાથે જ નાયિકાને સમજાય છે કે થોડાંક મહિનાઓ પહેલાં એ શહેરના એક યુવાન અને શ્રીમંત હોટલમાલિકના સંપર્કમાં આવી હતી. નાયિકાને એ પણ ખ્યાલ આવે છે કે પોતાનાં કારણે પેલો નિર્દોષ આદિવાસી યુવક કદાચ રોગગ્રસ્ત થઇ જશે! નાયિકા પિતા પાસે વચન લે છે કે તેઓ પેલા બુધિયાની પણ સારવાર કરાવશે!

નોંધવાનું એ છે કે અહીં પિતા-પુત્રી વચ્ચે કોઈ ઈમોશનલ ફિલ્મી ડ્રામો થતો નથી. કુટુંબની ઈજ્જત/માબાપના સંસ્કાર વગેરેની ચટણી કે સાંભાર બનતો નથી. સમયના બદલાતાં પ્રવાહોથી જાણકાર પિતા સ્વસ્થપણે દીકરીને વચન આપે છે કે તેઓ બુધિયાની સંભાળ અવશ્ય લેશે.

Feel good. You know now what I mean by the term “feel good.”

* * *

કાર્યક્રમનું સુઆયોજિત સંચાલન કર્યું “સૌરાષ્ટ ક્રાંતિ” વર્તમાનપત્રના લોકપ્રિય કટારલેખક અને વાર્તા “નામ” ના લેખક મમતા પટેલે. શૈલા શાહ અને મમતા પટેલની વાર્તાઓની ઝીણવટભરી સમીક્ષા રજૂ કરી “કપોળ સમાજદર્પણ” ના તંત્રી અને જાણીતાં લેખક નીલા સંઘવીએ.

આ કાર્યક્રમમાં “ફીલ ગુડ” ની લાગણી ઘેરી બની ગઈ એક જુદા જ યોગાનુયોગના કારણે. મંચ પર અને શ્રોતાગણમાં પત્રકારોની બહુમતી હતી! કાર્યક્રમના એક આયોજક બાલભારતીના ટ્રસ્ટી હેમાંગ તન્ના પોતે ભૂતપૂર્વ પત્રકાર છે એટલે વિનીત શુક્લ, અનિલ રાવલ અને કેતન મિસ્ત્રી જેવા જૂનાં પત્રકારમિત્રોને લાંબા સમય પછી મળીને તેઓ આનંદવિભોર થઇ ગયા હતા. વળી નીરજ કંસારા જેવા હાલના પત્રકાર અને રાજુ પટેલ જેવા ભૂતપૂર્વ પત્રકાર તેમ જ પાર્ટટાઈમ પત્રકાર રહી ચૂકેલા સતીશ વ્યાસ અને આ લખનાર તો હંમેશની જેમ હાજર હતાં જ!            

--કિશોર પટેલ, 28-03-22; 08:56

 ###  


Friday 25 March 2022

બે વાર્તાઓમાં સામ્ય કે નકલ સીઝન ૩

 




બે વાર્તાઓમાં સામ્ય કે નકલ સીઝન ૩

(૧૦૦૧ શબ્દો)

પેટા શીર્ષક: નકલ કરવાથી શકલ બગડી જાય છે.

આ વખતે કેન્દ્રસ્થાને છે એક હિન્દી વાર્તા અને એક યશસ્વી ગુજરાતી વાર્તા.

“વારેવા” ના જાન્યુઆરી ૨૦૨૨ અનુવાદ વિશેષાંકમાં હિન્દીભાષી લેખક માનવ કૌલની એક વાર્તા “સપના” નો અનુવાદ રજૂ થયો છે. આ વિશેની મારી પોસ્ટ હાલમાં ફેસબુક પર મૂકાયા પછી એક ભાવકમિત્રએ મને અક્ષરનાદ વેબસાઈટ પર મૂકાયેલી એક ગુજરાતી વાર્તાની લિંક મોકલી. એ વાર્તા છે પ્રિયંકા જોશી લિખિત વાર્તા “પાંખો”. મિત્રની વિનંતી હતી કે આ બંને વાર્તાઓ મારે સરખાવી જોવી.

હા, બંને વાર્તાઓમાં આશ્ચર્યજનક સામ્ય જોવા મળ્યું. વિષય બંનેનો એકસમાન, પાત્રો બંનેમાં એક યુવતી અને એક યુવક, આરંભ, મધ્ય અને અંત ત્રણે પણ સમાન! અરે, ઠેર ઠેર અભિવ્યક્તિ પણ એકસરખી!

બંનેમાં પ્રથમ પુરુષ એકવચન કથનશૈલીમાં વાર્તા કહેવાય છે. બંનેમાં કથક યુવક છે. એક અધૂરી પ્રેમકથા છે, યુવતી પંખી સમાન ચંચળ છે, ઊંડા આકાશમાં સ્વતંત્રપણે ગગનવિહાર કરવાની ઈચ્છા રાખે છે, યુવક એને પોતાની સાથે, પોતાની પાસે રાખવા ઈચ્છે છે, ને એક દિવસ બંને છૂટા પડી જાય છે. 

બંને વાર્તાઓ વચ્ચેનું સામ્ય:

માનવ કૌલની વાર્તા માટે (અ) અને પ્રિયંકા જોશીની વાર્તા માટે (બ) સંજ્ઞા વાપરી છે.

૧. (અ) ચકલીનો માળો (બ) ચકલીનો માળો

૨. (અ) પછી? પછીનો જવાબ મળ્યો નહીં. (બ) પછી? પછીનો જવાબ મળ્યો નહીં.

૩. (અ) એનાં સપનાં અધવચ્ચે જ પૂરાં થઇ જતાં (બ) નાયિકા વાત અધૂરી મૂકી દેતી.

૪. (અ)  મારાં સપનાં પોતાનો અંત લઈને આવતાં. (બ) મારા વિચારોની યાત્રાનો નકશો મારા હાથમાં રહ્યો.  

૫. (અ) એ અડધેથી જ પાછી વળી ગઈ હતી જયારે હું ચાલતો રહ્યો હતો. મને લાગ્યું કે આગળ જતાં ક્યાંક ભેટો થશે. (બ) અચાનક એક દિવસ એ અધવચ્ચે જ ઊભી રહી ગઈ ને હું આગળ ચાલતો રહ્યો. મને લાગ્યું કે આગળના વળાંકે એ જરૂર મને મળી જશે.

૬. (અ) આપણે બંને સાથે શું કરી રહ્યાં છીએ? એ: આપણે બંને સાથે નથી.  (બ) મારું આશ્ચર્ય પૂછતું: આપણે સાથે કેવી રીતે? તેની આંખોનું: આપણે સાથે ક્યાં છીએ?

૭. (અ) મને દુકાને દુકાને ફરવું ગમતું, પરદા, ફર્નિચર...(બ) મારા આગ્રહો એને પરાણે દુકાન પર લઇ જઈને શોકેસમાં સજાવેલું ‘પછી’ બતાવતા.

૮. (અ)  મને એનું હસવું ગમતું.  (બ) મને એનું આમ હસવું ખૂબ ગમતું. 

૯. (અ) મારું સ્વપ્નું કહે છે કે આપણા લગ્ન થઇ ગયા છે ને તું મારી સાથે પહાડો પર ફરવા આવી છે. (બ) મને સ્વપ્નું આવ્યું હતું કે આપણે હાથોમાં હાથ નાખી પહાડોમાં ફરતાં હતાં.

૧૦. (અ) મારા સ્વપ્નામાં મેં એને મારી કરી લીધી હતી, ઘર શણગાર્યું હતું, પડદાઓ, ફર્નિચર..(બ) બીજા દિવસે હું બજારમાંથી પડદા લાવ્યો, ફર્નિચર ગોઠવ્યું...

૧૧. (અ)  મને એમ કે એ ખૂબ રાજી રહેશે, હસશે..પણ એ ક્રમશ: ચૂપ થતી ગઈ. (બ) મને લાગ્યું કે એ ખૂબ હસશે પણ એવું બન્યું કે એ ધીરે ધીરે ચૂપ થતી ગઈ.

૧૨. (અ) એક દિવસ એ મને ધક્કો મારીને જતી રહી.  (બ) એક દિવસ મને ધક્કો મારીને એ જતી રહી.

૧૩. (અ)  બહુ જૂની વાત છે. એનું નામ દઈને બોલાવવા જાઉં છું પણ એ તો ઊડી ગઈ છે. (બ)  હા, હું પહેલેથી જાણતો હતો એને, ઊડી જવાના સપનાને.

###

ઉપલબ્ધ માહિતી પ્રમાણે માનવ કૌલની હિન્દી વાર્તા “સપને” ૨૦૧૬ માં પ્રગટ થયેલાં એમનાં એક હિન્દી વાર્તાસંગ્રહ “ठीक तुम्हारे पीछे” માં સંકલિત થઇ છે.  (આ પોસ્ટ સાથે પુસ્તકના મુખપૃષ્ઠની, અનુક્રમણિકાની અને વાર્તાના પ્રથમ પાનાની છબીઓ મૂકી છે.) આખી વાર્તા સારી રીતે વાંચી શકાય એ માટે ૨૦૨૧ માં એક વેબસાઈટ (જ્યાં આ વાર્તા મૂકાઈ છે)ની લિંક નીચે ટીપ્પણીના ખાનામાં આપી છે. 

પ્રિયંકા જોશીની વાર્તા “પાંખો” અરસપરસ સામયિકની વર્ષ ૨૦૧૮ ની સ્પર્ધામાં તૃતીય સ્થાને વિજેતા નીવડી છે અને ત્યાર બાદ  સ્મિતા પારેખ વાર્તાસ્પર્ધા ૨૦૨૦ માં પ્રથમ સ્થાને વિજેતા નીવડી છે. આ વાર્તા અક્ષરનાદ વેબસાઈટ પર વાંચવા માટે મૂકાયેલી તેની લિંક નીચે ટીપ્પણીના ખાનામાં આપી છે, એ ઉપરાંત એકતા નીરવ દોશીએ આ વાર્તાનું વિચેચન અક્ષરનાદ માટે જ કર્યું હતું એની લિંક પણ નીચે ટીપ્પણીના ખાનામાં આપી છે.  આ વાર્તા શબ્દસૃષ્ટિના એપ્રિલ ૨૦૨૧ અંકમાં પણ પ્રસિદ્ધ થઇ છે.  

###

બંને વાર્તાઓમાં દેખાયેલાં સામ્ય નોંધ્યા પછી મેં વાર્તા “પાંખો” ના લેખક સુશ્રી પ્રિયંકા જોશીને માનવ કૌલની વાર્તા વાંચવા માટે મોકલી અને પછી ફોન પર વાત કરી.

વાતચીત દરમિયાન પ્રિયંકા જોશીએ કહ્યું કે “હા, બંને વાર્તાઓમાં સામ્ય જરૂર છે પણ હું જાણતી નથી કે આવું કેવી રીતે બન્યું. માનવ કૌલનું નામ એક અભિનેતા તરીકે સાંભળ્યું છે પણ તેઓ લેખક પણ છે એ હું જાણતી ન હતી. એમની આ કે બીજી કોઈ વાર્તા મેં ક્યારેય વાંચી નથી. હા, એ દિવસોમાં નિર્મલ વર્મા, સુરેશ જોશી અને કિશોર જાદવ વગેરે લેખકોની વાર્તાઓનું વાંચન કર્યું છે. એમનાં લખાણની અસર હોઈ શકે. પણ ઈટ ડઝન્ટ મીન કે હું કોઈની કોપી કરું. હું તો હજી લખતાં શીખું છું. કોઈની નકલ કરવાનું હું ક્યારેય વિચારી ના શકું. હવે મને ડર લાગે છે કે મારાં અન્ય લખાણોને પણ શંકાની નજરે જોવામાં આવશે.”

###

શું સમજવું? બે સર્જકોની ચેતના એક જ તરંગલંબાઈ પર સક્રિય થઇ હતી, એવું કંઇક? એમ રાખીએ.

વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન પ્રિયંકા જોશીની પ્રગટ થયેલી કુલ પાંચ વાર્તાઓ (૨૦૨૦ માં એક, ૨૦૨૧ માં ૪) માંથી પસાર થતાં જણાયું છે કે એમની રજૂઆતમાં હિન્દી શબ્દો સહજતાથી પ્રવેશી જાય છે. સરળ ગુજરાતી શબ્દોને બદલે તેઓ હિન્દી શબ્દોનો પ્રયોગ કરતાં આવ્યાં છે. આજની ચર્ચામાં કેન્દ્રસ્થાને રહેલી વાર્તા  “પાંખો” શબ્દસૃષ્ટિનાં એપ્રિલ ૨૦૨૧ અંકમાં પ્રગટ થઇ પછી ફેસબુક પર મૂકાયેલી મારી નોંધમાં મેં ટીપ્પણી કરી હતી:...પાંખો (પ્રિયંકા જોશી): છૂટાં પડવાની પીડા. વાસ્તવિક વિશ્વથી જોજનો દૂર કાલ્પનિક સૃષ્ટિમાં વિહરતાં હોય એવા નાયક અને નાયિકા. રજૂઆતમાં ‘ઇન્તેજારી’, ‘ખોજવા લાગ્યો’, ‘એક અરસા બાદ’, ‘જૂઠ’ જેવાં હિન્દીભાષી પ્રયોગો ટાળી શકાયાં હોત.” એવું લાગે છે કે ગુજરાતી સાહિત્યના બદલે હિન્દી સાહિત્ય વાંચવાનો મહાવરો એમને કદાચ વધુ હોવો જોઈએ. 

અન્ય ભાષાની કોઈ વાર્તા આપણને ગમી જાય, હૃદયને સ્પર્શી જાય તો અન્યો જોડે વહેંચવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. પણ એટલે શું એનો તરજૂમો કરીને આપણા નામે ફરતી કરી દઈશું? પાડોશીનું બાળક રૂડુંરૂપાળું હોય એટલે શું એને આપણા ખોળે બેસાડીને “બેસ્ટ મધર” નો ખિતાબ જીતી લાવીશું? એનો શો અર્થ? ક્ષણિક આનંદ! પછી ઘેરી વળનારા ખાલીપાનું શું?

આવી વાર્તા વહેંચવા માટે, ગમતાનો ગુલાલ કરવા માટેની સભ્ય અને સ્વીકૃત રીત આ છે: લેખકની મંજૂરી મેળવીને આપણી ભાષામાં અનુવાદ કરવો.   

વાંચન જરૂરી છે. વાંચો, જ્ઞાન અને સમજણને સમૃદ્ધ કરવા માટે વાંચો. વધુ ને વધુ વાંચો, પણ નકલ કરવા માટે નહીં. નકલ ના કરશો. નકલ કરવાથી શકલ બગડી જાય છે.

હું પોતે પણ ઈચ્છું છું કે આવી પોસ્ટ મારે ફરી ફરી મૂકવી ના પડે. અસ્તુ.     

--કિશોર પટેલ, 26-03-22; 09:00

###

પાંખો (પ્રિયંકા જોશી) ની લિંક :   https://www.aksharnaad.com/2021/03/27/story-by-priyanka-joshi/

એકતા દોશીએ કરેલાં વિવેચનની લિંક:  https://www.aksharnaad.com/2021/03/27/priyanka-story-review-by-ekta-doshi/

માનવ કૌલની વાર્તાની લિંક: https://www.addastories.org/can-you-recall-your-dreams-hindi/ 


Thursday 24 March 2022

એતદ ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

એતદ  ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૭૨ શબ્દો)

ચકલીનું બચ્ચું (વર્ષા અડાલજા):

કુમળી કન્યા જોડે દુરાચાર. આપણા દેશમાં કન્યાઓ/સ્ત્રીઓ જોડે છાસવારે અત્યાચાર થતો આવ્યો છે. એવી એક ઘટના વિષેની વાત. ખોવાયેલી દીકરીને શોધીને ઘેર લાવવાના બદલે “ગામમાં ઢંઢેરો પીટાશે” એવાં બહાને કન્યાનો પિતા ઘરમાં બેસી રહે છે!  દીકરી કરતાં ઈજ્જત વહાલી! કુટુંબની પ્રતિષ્ઠા બાબતે આપણા સમાજમાં કેવા ભ્રામક ખ્યાલો પ્રવર્તે છે એનું આ એક પ્રચલિત લક્ષણ છે. 

ઘરની ઉંમરલાયક દીકરીને દાદી ચકલીનું બચ્ચું કહે છે. રેવા નામની આ કન્યા શહેરમાંથી આવેલો સુગંધી સાબુ લઈને નદીએ એકલી જ સ્નાન કરવા જાય ત્યાં એની જોડે ના બનવાનું બને છે. આંકડાઓ કહે છે કે સ્ત્રીઓ/બાળકીઓ પર થતાં દુરાચારમાં ગુનેગારો મહદ અંશે પરિચિત અને ઘરનાં/કુટુંબના જ હોય છે. રેવાના વસ્ત્રો સાથે આવેલા કંતાનમાં ભેરવાયેલાં ફાળિયાને ઓળખીને દાદીમાને ખ્યાલ આવી ગયો છે કે રેવા જોડે કાળુ કામ કોણે કર્યું છે.

વાર્તાનો વિષય જૂનો પણ માવજત પ્રવાહી. ઉમંગભરી રેવાનું પાત્રાલેખન સરસ. કન્યાની માતાનું નામ ‘જશુમતી’ છે પણ એક ઠેકાણે ‘જશવંતી’ કહેવાયું છે.      

ગંતવ્ય (અમૃત બારોટ):         

ગંભીર અકસ્માતના પરિણામે માણસ ઘણી વાર બેહોશ થઇ જતો હોય છે. માણસ શુદ્ધિમાં ના હોય પણ એની શારીરિક ક્રિયાઓ આપમેળે થયા કરતી હોય. તબીબી ભાષામાં આ સ્થિતિને માટે “દર્દી કોમામાં ચાલી ગયો” એવું કહેવાય છે. આ કોમા એટલે શું? કોઈ કોમામાં જાય એટલે ચોક્કસ ક્યાં જાય?

વાર્તાકારે કલ્પના કરી છે કે અકસ્માતના પરિણામે કોમામાં ગયેલો દર્શન નામનો યુવક એક સમાંતર દુનિયામાં ગયો છે. આ નવી દુનિયામાં કુદરતી સૌંદર્ય છૂટા હાથે વેરાયેલું છે. એના જેવા અન્ય માનવી જીવો પણ અહીં છે. સહુ ભલાં અને સહ્રદયી મિત્રો જેવું સૌજન્યપૂર્ણ વર્તન કરે છે. સહુની ઉપર ગ્રુપના એડમિન જેવો એક કેપ્ટન પણ છે જે તમામ વ્યવસ્થા પર નજર રાખે છે. અહીં કોઈએ કશું કામ કરવાનું નથી, બધું આપમેળે થયા કરે છે. નવતર કલ્પનાવાળી મજાની ફેન્ટેસી વાર્તા.

એ નહીં આવે (પૂજન જાની):

નીચલા મધ્યમવર્ગના માણસોના ટકી રહેવાના સંઘર્ષની વાત. ભાડે રીક્ષા ફેરવીને કુટુંબનું ગુજરાન ચલાવતા જીતુનો કામ કરવા સરખો છોકરો મફતના રોટલા તોડે છે. એક દિવસ એ છોકરો પિતાનું બેન્કનું ડેબિટ કાર્ડ ઉપાડીને છૂ થઇ જાય છે.   

સમાજના હાંસિયામાં રહેતાં લોકોની વાત. એમની જીવનશૈલી, એમનાં નાનામોટા સુખ. એમની નાનીમોટી સમસ્યાઓ.

મીરા (ઉમા પરમાર):

બબ્બે વાર લગ્નસંબંધમાં જોડાવામાં નિષ્ફળ ગયેલી મીરાનું મન હવે સંસારમાંથી ઊઠી ગયું છે. પહેલી વાર નીરજ જોડે નક્કી હતું પણ અકસ્માત નડતાં મીરાના પપ્પા કોમામાં ગયા. નીરજ રાહ જોઈ ના શક્યો. બીજી વાર વિનોદ તૈયાર હતો પણ હ્રદયરોગના હુમલામાં મીરાના પિતાનું અવસાન થઇ જતાં લગ્ન પછી આવી પડનારી ભાવિ સાસુની જવાબદારી ઉપાડવા વિનોદ તૈયાર ના થયો. મધ્યમ વર્ગની સંઘર્ષરત એક મહિલાની કહાણી.    

આજ જાને કી જીદ ના કરો (મનોજ સોલંકી):

દાંપત્યજીવનમાં પ્રારંભમાં દંપતી વચ્ચે જે રોમાંચ હોય છે તે મોટા ભાગના કિસ્સાઓમાં કાળક્રમે ઘટતો જાય છે. યશ અને રાશિના દાંપત્યજીવનમાં કંઇક એવું જ થયું છે. દંપતી વચ્ચે પડી જતાં અંતરને વાર્તામાં વિગતવાર આકાર મળ્યો છે. સારી વાર્તા.

તલબ (નરેન્દ્રસિંહ રાણા):

પોર્ન વિડીયો જોવા-માણવાના વ્યસની માણસની વાત. વિકૃતિમાં રમમાણ રહેનારાઓની દ્રષ્ટિએ સ્ત્રી માત્ર એક ચીજ હોય છે. આ વાર્તાનું સ્વાગત કરવાનાં બે કારણો છે: ૧. આપણે ત્યાં આ વિષય પર ઘણી ઓછી વાર્તાઓ લખાય છે. ૨. પ્રવાહી અને પ્રભાવી રજૂઆત. પરિણામ: સારી વાર્તા.       

ફરીથી, ફરીથી, ફરીથી- (કિરણ વી. મહેતા):

બબ્બે વાર લગ્નજીવનમાં પછડાટ ખાધેલા આદમીની વાત. પહેલી પત્નીએ નાયકને આર્થિક રીતે પાયમાલ કર્યો અને બીજી પત્નીને એના વ્યાવસાયિક સંબંધોનો લાભ લઈ લીધા પછી પડતો મૂક્યો. વાર્તામાં વણાયેલાં પ્રાકૃતિક દ્રશ્યોના વર્ણનો નાયકની માનસિક સ્થિતિ પ્રતિ મોઘમ ઈશારાઓ કરે છે.

--કિશોર પટેલ, 25-03-22; 11:03

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###