Friday, 31 May 2024

નવનીત સમર્પણ મે ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ





નવનીત સમર્પણ મે ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૩૨૫ શબ્દો)

નોંધનીય વાત એ છે કે અંકની ચારમાંની ત્રણ વાર્તાઓ સાંપ્રત સમસ્યા અંગેની છે.

કિલકિલાટ (કિરણ વી. મહેતા)

વિશ્વના કોઈ એક યુધ્ધગ્રસ્ત દેશની વિભિષિકા. રહેઠાણ વિસ્તાર પર થયેલી બોમ્બવર્ષામાં અનેક કમનસીબ લોકો માર્યાં જાય છે. એમાંથી બચી ગયેલાં એક પિતા-પુત્રની સલામતી શોધવા માટેની રઝળપાટની વાત. બંનેના સંઘર્ષનું અસરકારક આલેખન. સરસ વાર્તા.

સાંપ્રત વિષયની વાર્તા. વિશ્વમાં ક્યાંક ને ક્યાંક યુધ્ધ ચાલ્યા કરતું હોય છે. એકાદ વર્ષથી પણ વધુ સમયથી યુક્રેન- રશિયા યુધ્ધ ચાલુ છે.      

કેમ, કંઈ થતું નથી? (ગીતા માણેક)

પતિ-પત્ની અને એક તરૂણ વયનો દીકરો એમ ત્રણ સભ્યોનું નાનકડું કુટુંબ. એક ઘરમાં જોડે રહેવા છતાં દરેક જણ જાણે અલગ અલગ ટાપુ પર રહેતાં હોય એવી સ્થિતિ છે. કંટાળી ગયેલી નાયિકા એવું ઈચ્છવા માંડે કે કોઈ અકસ્માત થઈ જાય, નજીકના કોઈ સ્નેહીનું મૃત્યુ થઈ જાય તો સ્થિતિમાં કંઈ ફેર પડે. જો કે એવું વિચાર્યા પછી નાયિકાને દોષભાવના થાય છે. નાયિકાની મનઃસ્થિતિનું સરસ ચિત્રણ. આજની સાંપ્રત સમસ્યા.  સારી વાર્તા. 

ટાઈમ મશીન (માવજી મહેશ્વરી)

ફેન્ટેસી વાર્તા.

ટાઈમ ટ્રાવેલ કરીને નાયક ૩૦૦ વર્ષ પાછળ જાય છે, ૧૭૨૪ ના વર્ષમાં. જો કે ગમ્મત એ વાતની છે કે એને પોતાને ખબર નથી કે એણે ટાઈમ ટ્રાવેલ કરી છે. મઝાની કપોળકલ્પિત વાર્તા.

મોકળાશ (મોના જોશી)

વરિષ્ઠ નાગરિકોની સમસ્યા.

સમાજમાં એક એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે મોટી ઉંમરનાં દંપતીઓને પ્રાયવસીની જરુર ના હોય. હકીકતમાં પ્રાયવસીની જેટલી જરુર યુવાન દંપતીને હોય એટલી જ વરિષ્ઠ દંપતીને પણ હોય છે. વાત ફક્ત જાતીય સંબંધ અંગેની નથી, એમને પણ એકબીજા સાથે અનેક વાતો વહેંચવાની હોય છે જે સામાન્ય રીતે જાહેરમાં કે ઘરનાં અન્ય સભ્યોની હાજરીમાં ના થઈ શકે.

પ્રસ્તુત વાર્તામાં નવા ઘરના વાસ્તુ પ્રસંગે આપ્તજનોની ગોસીપ દરમિયાન નાયિકાને કાને અમુક વાતો પડે છે અને એ પતિ જોડે ચર્ચા કરીને પોતાનાં સાસુ-સસરાના લાભાર્થે યોગ્ય નિર્ણય લે છે. સાંપ્રત સમસ્યાની સરસ વાર્તા.

--કિશોર પટેલ, 01-06-24 08:57

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત ર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 

 

No comments: