Saturday 30 April 2022

નવનીત સમર્પણ એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૧૬ શબ્દો)

હરકાન્ત જોશી (વીનેશ અંતાણી):

એક ગુમનામ લેખકની વાત. કેટલાંક માણસોની નિયતિ એવી હોય છે કે એમનાં કામની નોંધ લેવાતી નથી. કામ કેવું થયું, સારું કે ખરાબ, ટીકા ખમી શકે એવું કે નહીં એની વાત પછી પણ સાવ નોંધ જ લેવાય નહીં એવું પણ બનતું હોય છે. આ વાત માત્ર લેખનકળાને નહીં પણ અન્ય તમામ કળાને તેમ જ અન્ય ક્ષેત્રોને પણ લાગુ પડે છે. જેમ કે કોઈ એક રેલ્વે સ્ટેશન પણ નવો સ્ટેશન માસ્તર આવ્યો હોય અને ત્યાં એ કંઇક નવું કરે, પ્રવાસીઓની સુવિધા માટે કશુંક નવું કરે કે પછી સ્ટાફના કલ્યાણ માટે કાર્યક્ષેત્રની સીમાની અંદર રહીને અથવા બહાર જઈને કશુંક નવું કરે. એવું બને કે આવા માણસો સંબંધિત બે-ચાર જણા સિવાય બહારની દુનિયા માટે અજાણ્યા જ રહી જાય.  અહીં હરકાન્ત જોશી નામના એક લેખકની વાત છે. કથક પીએચડીનો વિદ્યાર્થી છે અને એને સંશોધન માટે એના ગાઈડે વિષય આપ્યો છે “અવગણાયેલા વાર્તાકારના પ્રદાનની નોંધ.”  ગાઈડે હરકાન્ત જોશી નામના વાર્તાકારનું નામ સૂચવ્યું છે જે ત્રણેક વાર્તાસંગ્રહ આપ્યા પછી અદ્રશ્ય થઇ ગયા છે.

કથક આ હરકાન્ત જોશીને શોધી કાઢે છે. જો કે હરકાન્ત પોતે કબૂલ થતો જ નથી કે એ પોતે હરકાન્ત જોશી છે. કદાચ એમનું એવું વિચારવું હોઈ શકે કે હવે જીવનસંધ્યાએ પોતાના કામની નોંધ લેવાય કે ના લેવાય, શું ફરક પડે છે? આવી વ્યક્તિઓ કાં તો ફિલસૂફ બની જાય છે અથવા તો એમનાં જીવનમાં  બાહ્ય જગત માટે કટુતા પ્રવેશી જાય છે.

નવો વિષય, સરસ રજૂઆત.

થઇ જા મુક્ત (પારુલ કંદર્પ દેસાઈ):

નહીં બનેલા સંબંધની વાત. નાયિકા એક આભાસી પ્રેમસંબંધમાંથી મુક્ત થઇ ગઈ છે જયારે નાયક એ સાકાર નહીં થયેલાં પ્રેમસંબંધમાં અટવાયેલો છે. નાયિકા બીજા નવા સંબંધમાં સ્થિર થઇ ગઈ છે અને ખુશ છે. નાયક બીજા સંબંધમાં હજી પણ અસ્થિર છે કારણ કે પ્રેમની એની વ્યાખ્યા સ્વાર્થી છે. પ્રેમ એટલે જતું કરવું એ વાત એને સમજાઈ નથી. જતું કરીને નાયિકા જીવનમાં મુક્ત થઇ ગઈ છે, જયારે નવો સંબંધ બાંધ્યા પછી પણ નાયક પહેલાં સંબંધને વળગી રહ્યો છે એટલે એ મુક્ત નથી, પોતાની જ બનાવેલી જાળમાં કેદ છે. જૂનો, પારંપારિક વિષય પણ સરસ રજૂઆત.    

સ્લેટપેન (મોના જોશી):

બોધકથા. “આપણું મન આ સ્લેટ પેન જેવું હોવું જોઈએ. બીજું કંઈ પણ લખવા માટે આગળનું ભૂંસવું જ પડે.” સસરાના કડવા શબ્દો યાદ રાખીને મનીષે સાસરિયાં જોડેનો સંબંધ કાપી નાખ્યો હતો. દાદીમા પાસેથી શિખામણ મળ્યા પછી મનીષ પત્ની જોડે બીમાર સસરાની ખબર લેવા જવા તૈયાર થાય છે. જૂનો વિષય, પારંપારિક રજૂઆત.  

બાણશૈયા (નિર્ઝરી મહેતા):

મૃત બહેનનાં બાળકોને ખાતર અંગત લાગણીઓનું બલિદાન આપતી સ્ત્રીની વાત.  આપણા સમાજમાં નાનાં બાળકોને મૂકીને સ્ત્રી મૃત્યુ પામે ત્યારે જો બાળકો માસી જોડે હળીમળી ગયાં હોય તો એમાંના ઘણાં કિસ્સાઓમાં બાળકોનો પિતા મૃત પત્નીની નાની બહેન જોડે પુનર્લગ્ન કરીને બાળકો માટે રેડીમેડ માતા લાવતો હોય છે. આવા પ્રસંગે પેલી નવયુવાન કન્યાની અંગત લાગણીઓ વિષે ભાગ્યે જ કોઈ વિચાર કરતું હોય છે. પ્રસ્તુત વાર્તામાં પુરુષ દ્વારા નવી પત્ની જોડે થતાં અન્યાયની વાત થઇ  છે. આ વાર્તા આપણા સામાજિક રીત-રીવાજ, રૂઢિઓ અંગે એક અગત્યનું વિધાન કરે છે. જૂનો વિષય, પારંપારિક રજૂઆત.

--કિશોર પટેલ, 01-05-22; 09:08

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Wednesday 27 April 2022

વારેવા ફેબ્રુઆરી ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

વારેવા ફેબ્રુઆરી ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૫૬ શબ્દો)

બિન્ના (નંદિતા મુનિ):

વિપરીત પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધતી એક સ્ત્રીની વાત. નદીવાળા ગામમાં ઊછરેલી બિન્ના પરણીને નદી વિનાના ગામમાં, રણપ્રદેશમાં જઈ સંસાર વસાવે છે. રાતદિવસ ઘરમાં ઘૂસી આવતી રણની રેતી સાથેના બિન્નાના રોજના સંઘર્ષને જોઇને ગામવાસીઓ એની પર હસે છે. પણ નાહિંમત થયા વિના બિન્ના એનો સંઘર્ષ ચાલુ રાખે છે. આ સંઘર્ષ એટલે બાહ્ય પરિબળોથી વિચલિત થયા વિના પોતાની નિર્દોષતા અકબંધ રાખવાનો નાયિકાનો સંઘર્ષ. બહોળા અર્થમાં આ ફક્ત એક સ્ત્રીની નહીં પણ ભારતીય સમાજની સર્વે સ્ત્રીઓની પ્રતિનિધિ કથા બની રહે છે જેઓ લગ્ન પછી પિતૃગૃહનો તજીને પતિગૃહનો સ્વીકાર કરે છે. આપણે જોઈએ છીએ કે પ્રકૃતિમાં મૂળસોતાં ઉખડી ગયેલાં વૃક્ષો નવેસરથી નવી ધરતીમાં મૂળિયાં પ્રસરાવે છે. નિર્દોષ બિન્નાનું પાત્રાલેખન સરસ. પ્રકૃતિવર્ણન ઉલ્લેખનીય. સારી વાર્તા.    

છૂટકારો (ભરત મારુ):

કોરોના મહામારીની પૃષ્ઠભૂમિમાં પરસ્પર વિરોધી માનસિકતાવાળા બે પાત્રો વચ્ચે સંવાદકથા. એકની જિજીવિષા પ્રબળ છે અને બીજાની મૃતપ્રાય છે. એકને મહામારીના પ્રતિબંધોથી છૂટકારો જોઈએ છે જયારે બીજાને જીવનથી. આમ શીર્ષક ‘છૂટકારો’ અહીં સાર્થક થાય છે.      

એ હું જ (સુષ્મા શેઠ):

પિતાના પડછાયામાંથી બહાર આવી પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવા સંઘર્ષ કરતા અભિનેતાની વાત. મહાન વ્યક્તિઓના સંતાનોની સરખામણી એમનાં માતા-પિતા જોડે સ્વાભાવિકપણે થતી હોય છે. કેટલીક વાર આવી સરખામણી કોઈને શ્રેષ્ઠ કામ કરવા પ્રેરે તો કોઈકને માનસિક રીતે ભાંગી નાખે. નાટ્યાત્મક કથા-વસ્તુ. પ્રભાવી રજૂઆત.  બાય ધ વે, ૧૯૭૮ માં રજૂ થયેલી જર્મન-ફ્રેંચ ફિલ્મ “ફેડોરા” ના કથાનક સાથે આ વાર્તા અદ્ભુત સામ્ય ધરાવે છે. એ ફિલ્મની વાર્તા ફેડોરા નામની અભિનેત્રીની આસપાસ ગૂંથવામાં આવી છે જેની ચિરયૌવના તરીકે ખ્યાતિ છે. ફેડોરાના  મૃત્યુ પછી ભેદ ખૂલે છે કે જે મરી ગઈ એ તો ફેડોરાની દીકરી હતી જે માતાથી પણ વધુ પ્રતિભાવંત અભિનેત્રી હતી. (પૂરક માહિતી: વીકીપીડીયા)    

સંજુ દોડ્યો (નીલમ હરીશ દોશી):

આશ્રમના સંચાલકના કડવા અનુભવો પછી સંજુ આશ્રમના બારણે એક નિર્દોષ નવજાત બાળકીને ત્યજાયેલી અવસ્થામાં જોઇને આતંકિત થઇ જાય છે. ક્યાંક એ બાળકીને પણ એવાં કડવા અનુભવ થયાં તો? સંજુ બાળકીનું મૃત્યુ નીપજાવવા જેવું આત્યંકિત પગલું લે છે. વાર્તાનાયક જોડે ભાવક સહમત થાય કે નહીં, એટલું ખરું કે આ વાર્તા સત્તાશાળી પુરુષોની માનસિકતા વિષે એક જલદ વિધાન જરૂર કરે છે.    

અનુવાદિત વાર્તાઓ:

ઘૂમરી (મૂળ લેખક ગીતાંજલિશ્રી; અનુવાદ વારેવા ટોળી): એક સ્ત્રી વાર્તાકારની સ્વગતોક્તિ અને મહેન્દ્ર ચોટલિયા દ્વારા એનો સરસ રસાસ્વાદ. 

મકારિયો (જુઆન રુલ્ફોની મૂળ મેક્સિકન વાર્તા, અનુવાદ: કિરીટ દૂધાત): અસ્થિર મગજના માણસની વાત. એની સંભાળ લેતાં લેતાં એનાં સ્વજનો પણ થોડાં થોડાં એની જેમ જ અસ્થિર મગજના થઇ ગયાં છે. દેડકાં અને વંદાઓ જોડે રમમાણ રહેતો નાયક પોતે જ એક જંતુ બની ગયો છે.

જિંદગીના રસને પીવામાં...(રોબર્ટ લોવેલ કુવરની મૂળ અંગ્રેજી વાર્તા, અનુવાદ: કિરીટ દૂધાત): અમુક માણસો સમાજના નિયમો તડકે મૂકીને પોતાની રીતે બેફિકર જિંદગી જીવી જતાં હોય છે. પેઢીઓ બદલાય પણ માણસો બદલાતાં નથી.   

જ્યારે હું આઈનસ્ટાઇનને મળ્યો (જેરોમ વેઈડમેન): પુલિત્ઝર ઇનામ વિજેતા લેખકની આ કેફિયતમાં આઈનસ્ટાઇન જોડેનો એક ચમત્કારિક પ્રસંગ છે. 

નિયમિત સ્તંભ:

મુકામ પોસ્ટ વાર્તા (રાજુ પટેલ): બોલચાલની ભાષામાં “વાર્તા” શબ્દ કેવા જુદા જુદા અર્થોમાં પ્રચલિત છે એ વિષે રસપૂર્ણ લેખ.

કથાકારિકા (કિશોર પટેલ): એક રાજાની બે રાણી; એક માનીતી ને બીજી અણમાનીતી. એમાંની અણમાનીતી રાણીની કહાણી પારુલ ખખ્ખરની વાર્તા “ગામ બળેલ પીપળિયા” અને એનો રસાસ્વાદ.   

લઘુકોણ (રાજુલ ભાનુશાળી): સમાજમાં સ્ત્રીઓનું શોષણ વિધવિધ પ્રકારે થતું આવ્યું છે. કેટલીક વાર સ્વજનો પોતે જ શોષકની ભૂમિકામાં હોય છે. પ્રજ્ઞાબેન ધારૈયા લિખિત લઘુકથા “કિંમત” અને એનો રસાસ્વાદ.

--કિશોર પટેલ, 28-04-22; 09:08      

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

      


Thursday 14 April 2022

એક શીર્ષક, બે ભિન્ન વાર્તાઓ, એક ભાવસ્થિતિ



 

એક શીર્ષક, બે ભિન્ન વાર્તાઓ, એક ભાવસ્થિતિ

(૮૭૨ શબ્દો)

વર્ષ ૨૦૨૧ ના ગુજરાત દીપોત્સવી અંકની એક વાર્તા વાંચતાં છેક ૬૦-૬૫ જૂની એક વાર્તા સાથે એનાં છેડા અડી જતાં જણાયા.   

ગુજરાતી સાહિત્યના યુગપ્રવર્તક સાહિત્યકાર સુરેશ જોશીની એક જાણીતી વાર્તા છે: “ગૃહપ્રવેશ. આ જ શીર્ષકનો વાર્તાસંગ્રહ છેક ૧૯૫૭ માં પ્રગટ થયો હતો. પ્રસ્તુત લેખના કેન્દ્રમાં રહેલી બીજી વાર્તાનું શીર્ષક પણ “ગૃહપ્રવેશ” છે, આ બીજી વાર્તાના લેખક છે આપણા અન્ય એક નીવડેલા સાહિત્યકાર ગિરીશ ભટ્ટ. આ વાર્તા પ્રગટ થઇ છે ગુજરાત દીપોત્સવી ૨૦૨૧ અંકમાં.

બંને વાર્તાઓના શીર્ષક સમાન છે એટલું જ નહીં પણ અંતમાં બંને વાર્તાઓના protagonist એક સમાન ભાવસ્થિતિમાં મૂકાઈ જાય છે.  હા, બંને વાર્તાઓના રૂપ અને આકાર સ્વતંત્ર એટલે કે જુદાં જુદાં છે. પાત્રો અને ઘટના બંનેમાં ભિન્ન છે.

અંત:

સુરેશ જોશીની વાર્તાના અંતમાં નાયક જયારે પોતાના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે-

“...એ અંદર ગયો ત્યારે એને લાગ્યું કે એ બહાર રહી ગયો હતો ને એનો પડછાયો અંદર પ્રવેશ્યો હતો.”

ગિરીશ ભટ્ટની વાર્તાના અંતમાં નાયિકા જ્યારે પોતાના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે-

“...અંદર ગઈ હતી એ તો બીજી સ્ત્રી હતી.”

કથાનક:  

સુરેશ જોશીની વાર્તા “ગૃહપ્રવેશ”નું કથાનક કંઇક આવું છે: વાર્તાના નાયકનું નામ પ્રફુલ છે. એક રાતે પ્રફુલને પોતાને ઘેર જતાં પહેલાં દૂરથી જ પોતાના ઘરમાં બે છાયાઓ દેખાતાં ઘેર ના જતાં એ બહાર જ થોભી જાય છે. ઘર તરફથી એ પોતાની આંખો વાળી લે છે. એની પત્ની માયાના કદાચ અન્ય કોઈ પુરુષ જોડે લગ્નબાહ્ય સંબંધ હતા.  સ્વાભાવિકપણે પ્રફુલ ભારે પીડાદાયક સ્થિતિમાં છે. એ જે ઘેર જાય છે એ ઘરની ગૃહિણી કહે છે કે એનો પતિ તો બે દિવસથી બહારગામ ગયો છે. પ્રફુલને કદાચ એ પુરુષ પર શંકા હતી જે હવે દઢ થાય છે. પેલી સ્ત્રી વળી કહે છે કે “મને ડર લાગે છે, તમે માયાબહેનને અહીં લઇ આવો.” અહીં એવો તર્ક થઇ શકે કે પેલી સ્ત્રીને શંકા છે કે એના પતિને પ્રફૂલની પત્ની માયા જોડે આડો સંબંધ હોઈ શકે. પ્રફુલની સ્થિતિ વધુ બગડે છે. આ ક્ષણે એને એટલો આઘાત લાગે છે કે “...એનો પડછાયો જાણે આગળ નીકળી જાય છે અને એ પાછળ રહી જાય છે.”  એને રસ્તામાં એનો એક મિત્ર સુહાસ મળી જાય છે. સુહાસ અને એની પત્ની કાન્તા જોડે હાસ્યવિનોદ કરીને એ હળવો થવાનો પ્રયાસ કરે છે.  છેવટે સુહાસ પ્રફુલને એના ઘેર મૂકવા જાય ત્યારે એ બંને ગંભીર થઇ જાય છે. કદાચ સુહાસને પ્રફૂલની સ્થિતિની પૂર્ણ જાણકારી છે. એટલે બેઉ ઘેર પહોંચે છે ત્યારે પ્રફુલના ઘરમાં પહેલાં સુહાસ પ્રવેશે છે. હવે-

“...ઘરમાં બે પડછાયાના બદલે ત્રણ પડછાયા દેખાયા. એક પડછાયાએ બીજાને બોચીમાંથી ઝાલ્યો ને ભોંય પર પછાડ્યો. કોઈની ચીસ સંભળાઈ..”

કદાચ સુહાસે માયાના પુરુષમિત્રને પકડીને ભોંય પર પછાડયો હતો. પેલી ચીસ કદાચ માયાની હતી. “...એ ચીસ એને જાણે બહારથી અંદર તેડી ગઈ.” ચીસ સાંભળીને પ્રફુલ ઘરમાં ગયો. હવે-

“... એ અંદર ગયો ત્યારે એને લાગ્યું કે એ બહાર રહી ગયો હતો ને એનો પડછાયો અંદર પ્રવેશ્યો હતો.”

પત્ની તરફથી પ્રફુલને વિશ્વાસઘાત થયાનો આઘાત લાગ્યો છે. ઘરમાં જાણે પોતે નહીં પણ એનો પડછાયો અંદર ગયો હતો. એટલે કે માનસિક રીતે એ ક્ષત-વિક્ષત થઇ ગયો હતો, એ એ રહ્યો ન હતો.

હવે આપણે ગિરીશ ભટ્ટની વાર્તા “ગૃહપ્રવેશ” નું કથાનક જોઈએ.

શ્યામ વર્ણના કારણે સોનલનું ક્યાંય ગોઠવાતું નથી. બે જણા આવી ગયા પણ સોનલના ઘરનાંએ જ એમને નાપાસ કર્યા છે. એવામાં કેવળ એની છબી જોઇને એના પ્રતિ આકર્ષિત થયેલો આર્થિક રીતે સુખી સ્થિતિના ઘરનો સુકેતુ નામનો યુવક સામે ચાલીને એને જોવા આવે છે. બેત્રણ ખૂણેથી એને જોઇને એના ફોટા પાડીને પસંદ કરીને ઉતાવળે જતો પણ રહે છે. વળી કહેતો જાય છે કે મારું નક્કી છે, ના નહીં કહેતી. લગ્ન પહેલાં એ સોનલને કહે છે કે હું તને જુદા નામથી બોલાવીશ. એ વાતનું રહસ્ય સોનલને તો લગ્ન પછી ખબર પડે છે કે સુકેતુ તો કોઈ આયેશા નામની ખ્રિસ્તી યુવતીના પ્રેમમાં હતો. સોનલને આઘાત લાગે છે કે એ આયેશા જેવી  દેખાય છે એટલે એની પસંદગી થઇ છે!

સોનલને થાય છે કે એનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી? પોતે કોઈની અવેજીમાં? સાસુને તો એ મૂળે પસંદ પડી જ ન હતી! એ જયારે ત્યારે અડધો ડઝન છોકરીઓના નામ ગણાવે છે: આ હતી, પેલી હતી, સુકેતુને તું જ ગમી! સસરાને તો પાળેલી કૂતરી અને પુત્રવધુ બંનેમાં ઝાઝો ફરક જણાતો નથી! સખી સ્વાતિ કહે છે કે એમાં શું? તારે પણ કોઈ અન્ય પુરુષની કલ્પના કરવાની! શું આ વાત એટલી સહેલી હતી? સોનલની ભાભી સાસરિયાંની સમૃદ્ધિ ગણાવીને એમાં એને રાજી રહેવાની સલાહ આપે છે. પણ શું આવું શક્ય છે? એક માણસને માણસ તરીકે કોઈ ગણતું ના હોય ત્યાં સુખ-સમૃદ્ધિનું શું કરવાનું?

એટલે જ સોનલને થાય છે કે “જે અંદર ગઈ એ તો કોઈ બીજી જ હતી.”  એટલે કે પોતે તો હજી બહાર જ ઊભી છે!

બંને વાર્તાઓ પોતપોતાની રીતે સરસ છે, બંને નીવડેલી કલમ છે. સુજોની વાર્તામાં બે વાક્યો વચ્ચે ઘણો અવકાશ છે, ગિરીશ ભટ્ટની વાર્તામાં નાયિકાની પીડાનું આલેખન સુપેરે થયું છે.

એવું બની શકે કે ગિરીશ ભટ્ટે સ્વતંત્રપણે પોતાની વાર્તાની રચના કરી હોય.

પણ સુજો લિખિત “ગૃહપ્રવેશ” વાર્તાથી ગિરીશ ભટ્ટ જેવા સજ્જ વાર્તાકાર અજાણ હોય એ શક્ય નથી. એવું પણ બની શકે કે “ગૃહપ્રવેશ”ના કેન્દ્રીય વિચાર ધ્યાનમાં રાખી ગિરીશભાઈએ એક પ્રયોગ તરીકે જુદાં પાત્રો, જુદો પરિવેશ અને જૂદું કથાનક રચીને આ વાર્તાની રચના કરી હોય. એમ હોય તો આ પ્રયોગ ચોક્કસપણે સફળ થયો છે અને તેઓ અભિનંદનના અધિકારી છે એવું આ લખનારનું માનવું છે.                   

એક જ વિચાર પર એકબીજાથી સાવ ભિન્ન વાર્તાઓ લખાઈ હોય એવાં કેટલાં ઉદાહરણ આપણા સાહિત્યમાં મળી આવશે? કોઈની પાસે આવી જાણકારી હોય તો જરૂર આપણી વચ્ચે વહેંચે. આવા વધુ પ્રયોગ થવાં જોઈએ અને આવા પ્રયોગોનો તુલનાત્મક અભ્યાસ પણ થવો જોઈએ.

--કિશોર પટેલ, 15-04-22; 08:58  

###

    

        

Monday 11 April 2022

શબ્દસર માર્ચ ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ


 

શબ્દસર માર્ચ ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ

(૨૪૩ શબ્દો)

ટ્રોફી (ગિરિમા ઘારેખાન):

આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણીબધી બાબતોમાં ગૃહિત ગણી લેવામાં આવે છે.  જાણે એનો પોતાનો સ્વતંત્ર મત હોય જ નહીં. કન્યાઓના શિક્ષણક્ષેત્રે પણ માધ્યમિક શિક્ષણથી વધુ અભ્યાસ અંગે સીમાઓ બાંધી દેવામાં આવે છે. શિક્ષણમાં જ આ સ્થિતિ હોય ત્યાં ઈતર પ્રવૃત્તિઓની તો વાત જ શું કરવી?

સુધાએ કરેલાં સંઘર્ષના પરિણામે એની દીકરી એકતાને શિક્ષણેત્તર પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન મળી શક્યું છે. સુધાને પોતાને નૃત્યમાં આગળ વધવું હતું પણ લગ્નના બંધનમાં બંધાઈ જતાં એની ઈચ્છાઓ રૂંધાઇ ગઈ હતી. દીકરી જોડે એવું ના થાય એ માટે સુધાએ પોતાના પતિ સહિત સર્વે સાસરિયાં સામે લડત આપી છે. પણ દીકરી જ જયારે એને ગૃહિત ગણી લે છે ત્યારે સુધા નક્કી કરે છે કે બસ, બહુ થયું. એક જાહેર મેળાવડામાં જયારે એ હઠપૂર્વક માઈક ખેંચી લઈને દીકરીની માતા તરીકે પોતે કરેલાં સંઘર્ષની વાતો કરે છે. એ બોલવા માંડે છે ત્યારે એ ફક્ત પોતાના વતી નહીં પણ ઉપસ્થિત અન્ય સર્વે માતાઓ વતી બોલતી હોય છે. અને એટલે જ એના ભાષણના અંતે એને સ્ટેન્ડિંગ ઓવેશન મળે છે.   

વાર્તા કંઇક બોલકી અને પ્રચારાત્મક બની છે, પણ વિષયની જરૂરિયાત જોતાં એ અપરિહાર્ય બની જાય છે.

આ નિમિત્તે કેવળ સામાજિક સમસ્યાની દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રીઓએ આ રીતે પગ પછાડીને બોલવાનો સમય પાકી ગયો છે.

--કિશોર પટેલ, 12-04-22; 09:36

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###    

Sunday 10 April 2022

બુદ્ધિપ્રકાશ માર્ચ ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ:


 

બુદ્ધિપ્રકાશ માર્ચ ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ:

(૨૭૭ શબ્દો)

ત્રણ જણ (વીનેશ અંતાણી):

પારંપારિક વાર્તાઓથી જુદી પડતી એક વાર્તા.

એક આદમીની જીવનયાત્રાના ત્રણ તબક્કાઓની વાત. શૈશવ, યુવાની અને વૃદ્ધત્વ. વાર્તામાં એક પ્રકારે ચિંતન થયું છે, જીવનદર્શન થયું છે. નાયક નીકળી પડ્યો છે એ જાણવા કે માણસના જીવનનો અર્થ શો છે? શું નાયકને ઉત્તર મળે છે?

વાર્તાનું સ્વરૂપ રસ પડે એવું છે. એક યુવાન ચાલતો ચાલતો શહેરથી દૂર નીકળી આવ્યો છે. ધૂળિયા રસ્તે ઊંચાઈ પર નિર્જન, અવાવરુ જગ્યા પર એ આવી ગયો છે. અહીંથી નીચે ફેલાયેલા શહેરની ઝલક જોઈ શકે છે. આ ઘટનાનો અર્થ એવો કરવાનો કે પોતે પોતાનામાંથી બહાર નીકળીને યુવાન આત્મદર્શન કરે છે, પોતાની અંદર જુએ છે.

અહીં એક બગીચામાં ત્રણ બાંકડાઓમાંથી એક પર બેસવાનું. અહીં એને એવી લાગણી થાય છે કે આ જગ્યાએ પોતે ક્યારેક આવી ગયો છે.

બીજા ભાગમાં આ જ રીતે એક વૃદ્ધ આદમી બિલકુલ આ જ જગ્યાએ, એ જ રીતે આવે છે જેમ પેલો યુવાન આવ્યો હતો. હકીકતમાં પેલો યુવાન જ મોટી ઉંમરે આવ્યો હોય છે. અહીં પેલા ત્રણ બાંકડા પર પેલો યુવાન બેઠો છે. આ વળી નાયકનું પોતાનું જ એક રૂપ.  બંને ત્યાં બેઠાં હોય ત્યાં એક છોકરો આવે. આ છોકરો એટલે એ બંને આદમીઓનો ભૂતકાળ!

છોકરો પૂછે, મારી બકરીને જોઈ?

યુવાને અને વૃદ્ધે બંનેએ બકરીની લીંડીઓ જોઈ હતી, એ ઘટનાનું અનુસંધાન. બકરી એટલે જીવનનિર્વાહનું પ્રતિક. છોકરો, યુવાન અને વૃદ્ધ ત્રણ જુદા જુદા બતાવ્યા છે પણ છે એક જ આદમીના વિવિધ વયના રૂપ.

જીવનનો ઉદ્દેશ અને તેનું રહસ્ય તાગવાનો પ્રયાસ. પઠનીય વાર્તા.      

--કિશોર પટેલ, 11-04-22; 09:48

તા.ક. નવેમ્બર ૨૦૨૧, ડિસેમ્બર ૨૦૨૧  અને ફેબ્રુઆરી ૨૦૨૨ અંકમાં એક પણ વાર્તા પ્રગટ થઇ ન હતી. આ ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૨ અંક મળ્યો નથી.  માટે ઓક્ટો ૨૦૨૧ અંકની વાર્તા વિશેની તા. ૧૮/૧૧/૨૦૨૧ ના રોજ મૂકાયેલી નોંધ પછી સીધી આ નોંધ.

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

પોસ્ટ કર્યું: ફેસબુક અને બ્લોગ પર:11-04-22; 09:48   

Saturday 9 April 2022

મમતા માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

મમતા માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૩૦ શબ્દો)

આ લોકકથા વિશેષાંકના નિમંત્રિત સંપાદક છે શ્રી બળવંત જાની. અંકમાં કુલ બાર લોકકથાઓ રજૂ થઇ છે. અન્ય ભાષાઓમાંથી અનુવાદિત થયેલી બે લોકકથાઓને બાદ કરતાં બાકીની આપણી ભાષાની દસ વાર્તાઓ વિષેની નોંધ અહીં પ્રસ્તુત છે.

ઊજળાં ખોરડાં (બાબુ પટેલ):  રૈયતની દીકરી પર નવાબના સૂબાની નજર બગડે અને ખેલાય લોહિયાળ ધીંગાણું. નાયિકાના આત્મબલિદાનની વાત.       

થાવાકાળ વિદ્યા ભણતર (જોરાવરસિંહ જાદવ): ભવિષ્ય જાણવાની એક માણસની ઘેલછાની હળવી શૈલીમાં મજેદાર વાર્તા. 

વીર ઓરસિયો મેઘવાળ (કાનજી મહેશ્વરી): કચ્છના અબડાસા તાલુકાના વીર ઓરસિયા મેઘવાળની અહેવાલાત્મક અતિ દીર્ઘ શૌર્યગાથા. 

રાણક (પ્રવીણ ગઢવી): રા’ખેંગારના મૃત્યુ પછી જયસિંહની રાણી બનવાને બદલે રાણક સતી થવાનું પસંદ કરે છે તેની કથા.   

ભગત (અરવિંદ બારોટ): ભક્તિમાર્ગે વળી ગયેલા આદમીને સંસારની માયા કેમ કરીને લાગે?          

શૂરવીરની શહાદત (રાઘવજી માધડ): હાથે મીંઢળ બાંધેલો વરરાજા ધીંગાણું ખેલીને શહીદ થાય અને તેની પાછળ તેની વાગ્દત્તા સતી થાય છે.    

રંગ મોતીચંદ (વાસુદેવ સોઢા): વણિક કોમના મોતીચંદે કેવી શૂરવીરતાથી એક નવપરિણીત યુગલ અને આખી જાનનું ધાડપાડુઓથી રક્ષણ કર્યું તેની શૌર્યકથા.

વેણુનો નાદ (રમણ માધવ): શેતરંજની રમતમાં પ્રાવીણ્ય અને વાંસળીવાદન એમ બે કળાઓથી દિલ્હીના બાદશાહને ખુશ કરીને બાર ગાઉની પટલાઈ બક્ષિસમાં મેળવનાર એક યુવાન કોમના અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહે છે.  

ગગાભાની ઝીણી નજરે પકડયો કોથળાચોર  (પુલકેશ જાની): ગગાભાએ કેવી ચતુરાઈથી ચોર પકડયો એની મજેદાર કથા હળવી અને નાટ્યાત્મક શૈલીમાં.

વિસરશા જદ વાઘને (અંબાદાન રોહડિયા): દુહાઓથી ભરપૂર મિત્રપ્રેમની અનન્ય કથા. 

આ તમામ લોક્કથાઓની રજૂઆત સ્વાભાવિકપણે ઓછેવત્તે અંશે એકસમાન છે. આદિ-મધ્ય-અંતના પારંપારિક માળખાને વફાદાર રહીને કથાઓ રજૂ થઇ છે. આનું કારણ એ છે કે આ કથાઓ “વાંચવાની” નહીં પણ “સાંભળવાની” છે. લેખકોનો પરિચય વાંચતાં સમજાય છે કે લગભગ દરેક લેખકે લોકકથા ક્ષેત્રે ગહન અભ્યાસ કર્યો છે અને મહત્વનું યોગદાન આપ્યું છે. સંપૂર્ણ અંક નિશ્ચિંતપણે collector’s item બન્યો છે.  અંક તૈયાર કરનારા સંપાદક બળવંત જાની અને તેમના સહાયક વલ્લભ નાંઢા બંનેને અભિનંદન!

--કિશોર પટેલ, 10-04-22; 09:45

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 

     

 

Friday 8 April 2022

કુમાર માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

કુમાર માર્ચ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૯૫ શબ્દો)

કોળું (ધરમસિંહ પરમાર):

ગ્રામસંવેદનની વાર્તા. બે પાડોશી ખેડૂતકુટુંબો વચ્ચેના મીઠા સંબંધોમાં શંકાના કારણે ઝેર ઘોળાય છે. છેવટે  પાડોશી જોડેની દોસ્તીમાં એક સીમારેખા નક્કી કરીને ચમન વાતનો નિવેડો લાવે છે. મુખ્ય પાત્રો ચમન-ચંદા, સવો-શાંતાનાં પાત્રાલેખન સરસ, રજૂઆતમાં તળપદી બોલીનો પ્રયોગ ધ્યાનાકર્ષક.    

અનુબંધ (સ્વાતિ મહેતા):

અધૂરી પ્રેમકથા. આશ્રમના સંચાલિકા મધુબહેને તનુજા અને માધવને એમનાં નાનપણથી જોડાજોડ ઉછરતાં જોયાં છે. એમની જોડી બની શકે એવા ખ્યાલોમાં રાચતાં મધુબેનને જ્યારે જાણ થાય કે એવું શક્ય નથી ત્યારે એમને આઘાત લાગે છે.

મૂળ વાત આટલી જ છે પણ વાર્તાકારને પોતાને એ વાતની સ્પષ્ટતા હોય એવું લાગતું નથી. ૧. તનુજાની બે બહેનપણીઓને વાર્તામાં લાવવાની અને એમની જોડેના પ્રસંગના વર્ણનની જરૂર જ ન હતી. ૨. તનુજાએ આશ્રમમાંથી નીકળ્યા પછી બીજા શહેરમાં પોતે વસાવેલા ઘરની આસપાસ આશ્રમ જેવો જ બગીચો બનાવી ત્યાંના વાતાવરણની સ્મૃતિ કાયમ રહે એની વ્યવસ્થા કરી છે એવું બબ્બે વાર વિગતવાર કહેવાની જરૂર ન હતી.

તનુજા તો જાણે જ છે કે માધવે પોતાના જીવનની જે દિશા નક્કી કરી છે એમાં પોતે ક્યાંય નથી. એટલે જયારે મધુબેન એ વિષય કાઢે છે ત્યારે એ તરત માધવનો સંદેશો મધુબેનને વંચાવે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે વાર્તા તનુજાની નથી પણ મધુબેનને લાગેલા આઘાતની છે. પણ પ્રારંભથી જ વાર્તા તનુજાના પોઈન્ટ ઓફ વ્યુથી કહેવાઈ છે;  જાણે કે મધુબેનના આગમન પછી તનુજાના જીવનમાં કંઇક નવું બનવાનું છે. હકીકતમાં વાર્તા મધુબેનના પોઈન્ટ ઓફ વ્યુથી કહેવાવી જોઈએ. આશ્રમમાં માધવ મધુબેનને કોઠું આપતો ના હોય ત્યાંથી શરૂઆત કરી શકાય.  માધવ અને તનુજાની જોડી બનતી જોવા મધુબેન તનુજાને આશ્રમમાં બોલાવે અથવા પોતે માધવને લઈને તનુજા પાસે આવે એવું કંઇક.             

--કિશોર પટેલ, 09-04-22; 08:48

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###