Wednesday 13 November 2019


સાવ અચાનક (અનિલ વ્યાસ) : મારી નોંધ (૯૧૦ શબ્દો)
પ્રસ્તાવનામાં મેં કહ્યું છે એમ આ એક કહેવાતા નિષિદ્ધ પ્રેમસંબંધની વાર્તા છે.
વાર્તાનો વિષય હટ કે, વિલક્ષણ અને આઘાતજનક છે.
સંયુક્ત પરિવારમાં સાથે રહેતાં સગાં ભાઈ-બહેન કે પિતરાઈ કે મોસાળ પક્ષના ભાઈ-બહેન વચ્ચે મુગ્ધાવસ્થામાં ઉત્પન્ન થતું પરસ્પર આકર્ષણ કે પ્રેમ તદ્દન અસ્વાભાવિક છે એવું નથી. આમ થવું નૈસર્ગિક છે. વિકસિત સમાજમાં આવા સંબંધોને માન્યતા નથી મળતી. “ગાંડા, એ તારી બહેન થાય!” એવી ટકોર, ચેતવણી કે ધમકી આપીને પણ આવા સંબંધો પર કુટુંબીજનો અને સમાજ અંકુશ રાખે છે. અનિલ વ્યાસની પ્રસ્તુત વાર્તા “સાવ અચાનક” માં એક મસિયાઈ ભાઈ-બહેન વચ્ચે પ્રગટેલા આવા એક વિશિષ્ટ પ્રેમસંબંધની વાત છે.
// વાર્તાની રચનારીતિ //
વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાઈ છે.
કથકને ફોન પર કહેવાય છે કે એક પૂજા નામની સ્ત્રીનું માર્ગ-અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું છે અને લાશની ઓળખવિધિ કરવા એણે હોસ્પિટલમાં પહોંચવાનું છે. 
કથક હોસ્પિટલ પર પહોંચે અને લાશની ઓળખવિધિ પતાવ્યા પછી એના અંતિમસંસ્કાર માટે લાશને ભઠ્ઠીમાં ધકેલવામાં આવે એટલી ઘટના દરમિયાન વચ્ચે ચાલતાં કથકના મનોવ્યાપારથી વાર્તાનું ચણતર થયું છે. આ ક્થકનો મૃત પૂજા જોડે કેવો પ્રેમસંબંધ હતો એની વાત થાય છે. 
// પાત્રાલેખન //
કથકે  (અભયે) પૂજાને “હું તને પ્રેમ કરું છું.” કે “હું તને પ્રાણથી અધિક ચાહું છું.” એવું ક્યાંય ક્યારેય કહ્યું નથી. પણ એમ છતાં વાચક આ સત્ય જાણી શકે છે, સમજી શકે છે એમાં લેખકની કમાલ છે. સામે પક્ષે પૂજા જાહેર રીતે સ્વીકાર કરતી નથી પણ અભય એને ચાહે છે એ વાત જાણે છે, સમજે છે અને પોતે પણ એક અનન્ય લાગણી અભય માટે રાખે છે એ સત્ય પણ વાચક અનુભવે છે.
અભય અને પૂજા બંનેના વ્યક્તિત્વનું  વેગવેગળું આલેખન સુપેરે થયું છે. અભય અંતર્મુખી છે, શાંત અને ડાહ્યો છે. પૂજાનું વિપુલ જોડેનું ચક્કર પરિવારમાં જાહેર ના થઇ જાય એ માટે પોતે મહેન્દ્રમામાનો માર પણ ચૂપચાપ ખાઈ લે છે. પૂજા બહિર્મુખી છે, ચંચળ અને નટખટ છે. અભયના લગ્નપ્રસંગે પણ એ અભય જોડેની પોતાની નિકટતાનું પ્રદર્શન કરવા જેટલી સાહસી અને હિંમતવાન છે. એક તરફ અભયને અડીને ઊભા રહીને એના વાળમાં હાથ ફેરવે છે અને બીજી તરફ પૂર્વપ્રેમી વિપુલને યાદ કરી અભયના મનપ્રાણમાં આગ પણ લગાડી દે એવી તોફાની છે.  
આવા સંબંધનો નિષેધ કરવા માટે જરૂરી એવા અન્ય પાત્રો વાર્તામાં ઊભાં કરવા આવશ્યક હતાં. લેખકે એ માટે અન્ય પાત્રોની ફોજ ઊભી કરી છે. એ બધાં પાત્રો એકમેકથી જુદાં પડે છે. કોઈ પાત્રનું લેખકે વર્ણન કર્યું નથી કે અમુક આવો હતો અને અમુક તેવો હતો. નાનાં નાનાં સંવાદો કે સંદર્ભોથી જ આ બધાં પાત્રો ઊભાં થાય છે. 
૧. સુનીલ (પૂજાનો પતિ):
ફોન પર પૂજા અભયને પોતાના પતિ સુનીલ વિષે કહે છે: “સારું છે કે એ લોહી દેખી શકતાં નથી; બપોરે ઘેર આવ્યા હોય તો પણ મને બેડરૂમમાં ઘસડી જાય! આપણી વચ્ચે લાગણી છે પણ ક્યારેય આપણે એવું કર્યું નથી, તક હતી તો પણ.”
આટલા એક સંવાદમાં લેખકે બે વાત સ્થાપિત કરી દીધી:  ૧.પૂજાના પતિનું પાત્રાલેખન એક જ વાક્યમાં થઇ ગયું: એની જાતીય ભૂખ વિષે વાત થઇ અને લોહી ના જોઈ શકવાની નબળાઈનો ઉલ્લેખ પણ આવી ગયો.  અને ૨. અભય જોડેના પ્રેમસંબંધનો  પૂજા દ્વારા એકરાર પણ થઇ ગયો.
૨. સોનલ (અભયની પત્ની):
પૂજા જોડે ફોન પર વાતો થયા પછી અભય હતાશામાં દીવાલ સાથે હાથ અફાળે છે.  અવાજ સાંભળી બહાર દોડી આવેલી સોનલ દીવાલ પર લોહીના ડાઘા અને અભયના હાથ પરના ઉઝરડા  જોઇને પૂછે છે: “પાછો અમેરિકાથી ફોન આવ્યો હતો?” આટલા નાનાં સંવાદથી સોનલનું પાત્ર ખડું થાય છે. પૂજા પ્રત્યેની પતિની અંતરંગ લાગણીનો એણે સ્વીકાર કર્યો છે, પતિને એણે એની નબળાઈ જોડે સ્વીકારી લીધો છે. સમાજમાં આવી ઘણી સ્ત્રીઓ મળી આવશે જેમણે પોતાના પતિના ભૂતકાળને તંદુરસ્ત અભિગમથી જોયો છે.
૩. બેબીમાસી : અભય અને પૂજા વચ્ચેના સંબંધને સાચી રીતે સમજનાર એક પાત્ર. કથકને મહેન્દ્રમામાના મારમાંથી એ જ બચાવે છે.
વડીલોમાં મહેન્દ્રમામા અને માસા ગિરીશચંદ્ર (પૂજાના પપ્પા) એમ બે પાત્રો વચ્ચે પણ નોંધનીય તફાવત લેખકે રાખ્યો છે. ગિરીશચંદ્ર સ્વભાવે એકદમ ઋજુ અને સાવ ઓછાબોલા છે જયારે મહેન્દ્રમામા ગુસ્સાવાળા છે. ઉંમરલાયક ભાણેજને મેથીપાક આપવામાં એ ખંચકાટ અનુભવતા નથી. ચંદ્રિકામાસી, શરદમાસા, હેમામામી અને મામાનો દીકરો ધીરેન: આ ચાર જણા માનતાં કે અભય-પૂજા વચ્ચે છીનાળું હતું કે રાસલીલા હતી. ધીરેન તોછડો અને આખાબોલો છે. પૂજા બાબતમાં કથક પર આક્ષેપો કરવામાં એ ઘણો જ બોલકો છે. કથકની તરફેણ કરનારાઓને એ રોષપૂર્વક પૂછે છે: “એ કાનુડો અને હું કાગડો?” લાશની ઓળખવિધિ સમયે તો એને ખુંપરા જેવી દાઢી અને લાલ આંખોવાળો બતાવીને લેખકે બીભત્સ રસ નિર્માણ કર્યો છે.

યાદગાર પ્રસંગો: ૧. અભય પૂજાને સ્વપ્નમાં જુએ છે ને પછી દિવસે નદીકિનારે દોડતી આવતી પૂજાને બાંહોમાં ભરી લેવા એ હાથો ફેલાવી ઊભો રહે છે. વર્ષો પછી ટાઈટેનિક ફિલ્મમાં અદ્દલ એવું દ્રશ્ય જોઈ એની આંખોમાં પાણી આવી જાય છે. ૨. પૂજાને ગુસ્સામાં લાફો માર્યા પછી અભયને પશ્ચાતાપ થાય છે. બસસ્ટેન્ડ પર એક અજાણ્યા માણસ પાસે પૂજાને લાફો માર્યાની કબૂલાત કરી એ પોતાના હૈયા પરનો ભાર હળવો કરવા ઈચ્છે છે.      
નોંધનીય અભિવ્યક્તિ:   //...વાક્ય અધૂરું મૂકી મને વળગી પડતી. સૂકી ધરતી પર પડતાં વરસાદી ફોરાં જેવું લાગતું. // એની સાથે સૂક્ષ્મ સ્તરે જોડાયેલો સ્નેહ એ પછીના વર્ષોમાં મારી અંદર કોઈ બંધ દાબડીમાં સાચવી રાખી હું જિંદગીની ગલીકુંચીઓ ફરતો રહ્યો.// મારા વાળમાં આંગળીઓ ફેરવતાં એણે પૂછ્યું, કેમ છે તું? વચ્ચેના વર્ષો સાવ ઓગળી ગયાં.// ‘કેમ છે તું?’ એ સવાલ સાંભળતાં ઈશ્વરના આશિષ જેવું અનુભવાયું.// પૂજા, તારે પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. એ હું કરીશ.// 
માઈનસ પોઈન્ટ:
૧. વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાઈ છે પણ પહેલા જ ફકરામાં સરતચૂકથી ત્રીજા પુરુષનો ઉપયોગ થયો છે.
“પૂજા મારાં સગાં માસીની દીકરી એટલે મારા હેં! ક્યાં? એક્સિડેન્ટ કઈ રીતે થયો? એ બધા પ્રશ્નો લબડી પડેલા કરોળિયાના જાળાની જેમ એના ગળામાં ચીકણા થઈને ચોંટી ગયેલા.” (“એના” ને બદલે “મારા” જોઈએ.)
૨. બીજાં અનેક મિત્રોએ નોંધ્યું છે એમ મામા-મોસાળ પક્ષના સગાંવ્હાલાંઓનાં લશ્કરમાં “ઈલાફોઈ” ક્યાંથી ટપકી પડ્યાં? એક વાર નહીં, બે વાર એમનો ઉલ્લેખ થાય છે.      
એકંદરે નોખી, નોંધનીય અને નમૂનેદાર તેમ જ સરળ, સ્પષ્ટ અને સશક્ત વાર્તા. 
-કિશોર પટેલ.
###
સોમવાર, 05 ઑગસ્ટ 2019; 12:07 ઉત્તર મધ્યાહ્ન    

ડે-નાઈટ ગ્લાસીસ (અજય સોની):
એક સરસ વાંચનક્ષમ વાર્તા. આ વાર્તામાં ઘટના નથી; એક પરિસ્થિતિ જે ખરાબ છે અને બદથી બદતર બનતી જાય છે એનું ચિત્રણ છે. વાર્તાનું શીર્ષક છે ડે-નાઈટ ગ્લાસીસ. વાર્તાની શરૂઆતમાં કહેવાય છે કે મુખ્ય પાત્ર ઘરની બહાર જાય ત્યારે કાળા કાચના ચશ્મા એટલા માટે પહેરે છે કે કોઈ એની આંખો જોઈ ના શકે.  વાર્તાનો અંત આવે છે ત્યાં સુધીમાં એ પુરુષની માનસિક સ્થિતિ એવી થઇ જાય છે કે કાળા ચશ્માની પેલી તરફનું કશું એ પોતે જ જોઈ શકતો નથી.
કુલ ચાર પાત્રો છે વાર્તામાં. એક પુરુષ અને ત્રણ બાળકો છે. ચાર વર્ષનો બિટ્ટુ નામનો છોકરો, એનાથી મોટી  એક બીના નામની છોકરી જેને નાની કહેવાય છે અને એ બંનેથી મોટી બીજી એક છોકરી જેને મોટી કહેવાય છે.  
પુરુષ રોજ ઘરની બહાર જાય છે ખરો પણ કોઈ કામધંધો કરતો હોય એવું જણાતું નથી. ઘરથી નીકળે ત્યારે ખાલી થેલી લઈને નીકળે છે; પાછો આવે ત્યારે એ થેલી ભરેલી હોય છે.  
મોટી છોકરી કામ પર જાય છે ત્યાં વાસ્તવમાં શું થાય છે એ અધ્યાહાર રાખવામાં આવ્યું છે. એ અંગે પુરુષ ચિંતિત રહે છે; એને થાય છે કે લોકો એ જ વિષે શંકાશીલ નજરે એને જોયા કરે છે ને એટલે જ એ કાળા ચશ્મા પહેરીને બહાર નીકળે છે.  મોટી ન્હાવા જય છે ત્યારે અડધો કલાક લગાડે છે, ન્હાઈને બહાર આવે છે ત્યારે એના ચહેરા પર અપરાધભાવ હોય છે. બાપ દીકરીને કંઈ જ પૂછી શકતો નથી. કેમ? કદાચ દીકરી જ ઘર ચલાવે છે.     
સમસ્યાનું નામ પાડ્યા વિના વાત થઇ છે એટલે વાંચક કોઈ પણ એવી સમસ્યા ધારી લઇ શકે જેના કારણે લોકોપવાદ ઉત્પન્ન થઇ શકે;  ઘરના મોભીને લોકો જોડે નજર મેળવતાં સંકોચ થાય. અહીં આપણા સમાજના અભિગમ વિષે લેખકનું એક સ્ટેટમેન્ટ છે કે કઈ રીતે કોઈ વ્યક્તિનું જીવન સામાજિક દબાણથી ભીંસમાં આવે છે. 
પુરુષની સમસ્યાનો પાર નથી.  કેટલીક નોંધનીય અભિવ્યક્તિ: “ઘણી વાર બિટ્ટુ  એવું કશું પૂછતો  કે કોઈ પાસે જવાબ ના રહેતો.” “એક તરફ બિટ્ટુમોટો થતો જતો હતો અને અને નાની નાની જ રહેતી હતી.”
પુરુષની પત્ની હતી જે હવે દીવાલ પરની તસ્વીર બનીને રહી ગઈ છે. એ વિષે નોંધનીય અભિવ્યક્તિ: “...દીવાલના ધાબા સાથે તસ્વીર ભળી ગઈ હતી. તસ્વીરમાં સમાઈને પણ એને ભળી જતાં આવડ્યું હતું.”
મહેમાનો કે બીજું કોઈ જ ઘેર આવતું બંધ થઇ ગયું છે. ઘરના આંગણામાં ચકલીઓના ટહુકાથી પુરુષ રાજી થઇ ઊઠે છે. એ બતાવે છે કે એ સમાજથી કેટલો વિખૂટો પડી ગયો છે.
સુંદર અભિવ્યક્તિ: “અંધારું ઢોળાઈને રેલાઈ જતું પછી રોડલાઈટ ઢોળાયેલા અંધારાને એકઠું કરવા આવતી.”
સરસ વાર્તા.   (૩ જૂન ૨૦૧૯)

વાયક (મોહન પરમાર) : મારી નોંધ (૩૯૦ શબ્દો)
આધ્યાત્મિક ઉન્નતિ અર્થે સંસારનો ત્યાગ કરી ચૂકેલી એક યુવાન સ્ત્રીને પ્રવાસમાં પ્રકૃતિના વિષમ સંજોગોનો સામનો કરવો પડે છે. ઘોડી પરથી હેઠે ઊતરતી વેળા સંતુલન જાળવવા, એને હેઠે પડતી બચાવવા એક યુવાન પસાયતો દુધાજી એને પોતાના હાથો વડે ઊંચકી લઈને જમીન પર મૂકે છે અને પછી એના શરીરની ધ્રુજારીને શાંત કરવા એના ખભે હાથ મૂકે છે. બસ, આટલી ઘટના છે. એ યુવાનના સ્પર્શથી વિચલિત થઇ ગયેલી નાયિકાના માનસિક આવેગોનું અદ્ભુત આલેખન મોહન પરમાર આ વાર્તામાં કરે છે.
આ વાર્તાને આપણે રજૂઆતની દ્રષ્ટિએ જોઈએ.
લેખકે પરિસ્થિતિ કેવી જડબેસલાક ઊભી કરી છે તે જોવા જેવું છે. બાજુના ગામડે અમરગઢમાં રૂપાંદેના ગુરુમહારાજનો આશ્રમ છે. ત્યાંથી રામદેપીરના અગિયારસની પાટના પ્રસંગનું આમંત્રણ છે. બીજા ઘણાં સંતોને મળવાની અને ગુરુમહારાજની ચરણરજ લેવાનો મોકો મળવાનો હોવાથી નાયિકાને (રૂપાંદેને) ત્યાં જવાની તાલાવેલી છે. ઋતુ પ્રતિકૂળ છે. વરસાદ ઘેરાયેલો છે. અન્ય એક શિષ્ય સારંગદેવની સંગાથે ત્યાં જવાનું હતું પણ કોઈ કારણથી સારંગદેવ બહાર ગયા હતા ને એમને પાછા આવતાં મોડું થયું હોઈ કેવી રીતે જવું  એ સમસ્યા ઊભી થઇ છે. છેવટે જવું તો છે જ એવું નક્કી કરીને નાયિકા ઘોડી પર સવાર થઈને આશ્રમના પસાયતાઓ જોડે જવા નીકળે છે.
પ્રવાસમાં પ્રાકૃતિક પરિવેશના બાહ્ય સંચલનો અને સમાંતરે નાયિકાના અંતરના માનસિક સંચલનો ચાલે છે અને જબરદસ્ત વાર્તાનુભવ કરાવે છે. કોઈનો કશો વાંક નથી છતાંય રૂપાંદે નિર્મળ મનથી દોહો લલકારતા દુધાજી પર ગુસ્સે થઈને “બંધ કરો આ બધું!” એવી ત્રાડ પાડે છે. ત્યારે ખરેખર એ કોના પર ક્રોધે ભરાઈ છે?
અમરગઢના આશ્રમે પહોંચ્યા પછી ગુરુજીને તો કંઈ ખબર નથી પણ રુપાંદેના મનની અવસ્થા એવી છે કે એને સતત એવી લાગણી થયા કરે છે કે બધું બરાબર નથી. ને એટલે જ ભજન ગાવાની ભાગ્યે જ મળતી તક મળે ત્યારે એ ગાઈ શકતી નથી. આ વિષે ગુરુજી એને ટકોર કરે છે.  નાયિકાની માનસિક અવસ્થા અને પ્રાકૃતિક સંજોગોનું લેખક સરસ એકીકરણ કરે છે. ખંડમાં બફારો છે, બહાર આકાશમાં વાદળાં ઘેરાયેલાં છે પણ વરસાદ વરસતો નથી, ગુરુજી પૂછે છે, વરસાદને કોણે બાંધ્યો છે?
નાયિકાને યાદ આવે છે કે પ્રવાસમાં પોતે વરસાદને ખમી જવા વિનંતી કરેલી. ત્યારે તો બધું સમુસૂતરું પાર પડ્યું, હવે કેમ વરસાદ પડતો નથી?
ટૂંકમાં બફારો માત્ર ખંડમાં નહીં પણ નાયિકાના મનમાં પણ છે. 
અંતમાં લેખક કહે છે: “એમણે એકતારો હાથમાં લીધો. તાર પર આંગળી અડાડીને જ્યાં એકધ્યાન થવાં ગયાં ત્યાં તારના કટકે કટકા થઈને એમની આજુબાજુ વેરાઈ ગયા.”
વાર્તાની રચનારીતિનો અભ્યાસ કરવા માટે મોહન પરમારની આ વાર્તા “વાયક” એક ઉત્તમ ઉદાહરણ છે.
કિશોર પટેલ. સોમવાર, 06 મે 2019.    



ટૂંકી વાર્તા “વાડો” (મોહન પરમાર) એક નોંધ: કિશોર પટેલ
ગુજરાતી ટૂંકી વાર્તાક્ષેત્રે અનુઆધુનિક લેખકોમાં મોહન પરમાર (જન્મ:૧૯૪૮) એક અગ્રગણ્ય વાર્તાકાર છે.  ૧૯૮૦માં પ્રસિદ્ધ થયેલાં એમના પહેલાં જ વાર્તાસંગ્રહ “કોલાહલ” થી તેઓ પ્રકાશમાં આવ્યા. ઘણાં વિવેચકોએ નોંધ લીધી કે ગુજરાતી સાહિત્યમાં બદલાવ આવી રહ્યો છે. એ પછી ‘નકલંક’(૧૯૯૧), ‘કુંભી’(૧૯૯૬) અને ‘પોઠ’ (૨૦૦૧) એમ એમના કુલ ચાર વાર્તાસંગ્રહો આવ્યાં છે. પ્રસ્તુત વાર્તા “વાડો” એમના નકલંક સંગ્રહમાં પ્રકાશિત થઇ એ પછી એક કરતાં વધુ સંપાદકોએ પોતપોતાના સંગ્રહોમાં એને સ્થાન આપ્યું છે.
આ ‘વાડો’ વાર્તામાં એક જ નાનકડી ઘટના છે, વાડામાં છીંડું પાડીને ઘુસવા માંગતા નોળિયાને રોકવાની મથામણ ખેમો કર્યા કરે છે ને એમાં એને સરિયામ નિષ્ફળતા મળે છે. આ સમગ્ર ઘટના દરમિયાન એની બગડતી મન:સ્થિતિનું આલેખન કરવામાં લેખક સફળ રહ્યા છે.
# વાર્તામાં વાડો અને નોળિયો એમ બે પ્રતીકોનું આયોજન લેખકે કર્યું છે.  વાડો એટલે ઘર (ખેમાનો સંસાર) અને નોળિયો એટલે એક બહારનો માણસ (ખલ-પાત્ર) જે ખેમાની પત્ની પુની જોડે નિકટતા સાધવા ઈચ્છે છે. વાર્તામાં નોળિયાના વાડામાંથી ઘરમાં ઘૂસવાના પેંતરા અને એને રોકવાના ખેમાનાં હવાતિયાં એવી વાત રસપ્રદ રીતે કહેવાઈ છે.
# ગ્રામ્ય પરિવેશની આ વાર્તામાં લેખકે પ્રકૃતિવર્ણન સ્વાભાવિક રીતે વણી લીધું છે એટલું જ નહીં પણ કથાનાયક ખેમાની માનસિક અવસ્થાનું ચિત્રણ કરવા માટે પણ પ્રકૃતિવર્ણનનો કુનેહપૂર્વક ઉપયોગ કર્યો છે.
ઉદાહરણ: ખેમાને ગુંદા બહુ ભાવતાં પણ આજે ગુંદાનાં ઝૂમખાં એને ગૂંચવાડાભર્યાં લાગ્યાં. 
# નોળિયાનું પ્રતિક અને પુનીનું મનસ્વી વર્તન: ખેમો જાણે છે કે  નોળિયાને ઘરમાં પ્રવેશવાના ઘણાં રસ્તા છે. પછીતેથી ચઢીને નળિયાની નીચેથી ઘરમાં ઘુસી શકે, ઘરની આગળના ભાગમાં થઈને ઓસરી વાટે ઘરમાં આવી શકે, અથવા ભીંતમાં દર પાડે, ફૂંકી ફૂંકીને પોપડાં ખોતરે: ટૂંકમાં પુની પર પોતાનો કોઈ કાબુ નથી અને બહારનો માણસ ગમે ત્યારે, કોઈ પણ રસ્તે પુની સુધી પહોંચી શકે છે.
# પુની પર કાબુ રાખવાના ખેમાના હવાતિયાં જુઓ:
પુની ખડખડાટ હસી પડી. 
“ઈમાં હહવાનું શું હતું રાંડ! આ વાડમાં ભરાયો છ અ ત્યાં સુધી હારું છે. ઘરમાં પેહશે ને તો હહવાનું નેકળી જાહઅ...”
પુનીએ બે હોઠ ભીડીને હસવાનું ખાળી લીધું.
આમ કહીને ખેમો પુનીને ચેતવણી આપે છે કે મર્યાદામાં રહે. પુની પણ ઈશારો સમજી જાય છે.
# પણ ખેમો પરાજિત થયો છે. જુઓ પ્રસંગ:
“તીં તો ભારે કરી હોં! એક નાનો અમથો વાડો વાળવામાં તો જાણી એક યુગ પૂરો કર્યો હેં!”
આમ કહ્યા પછીની ખેમાની સ્થિતિનું જે વર્ણન લેખકે કર્યું છે તેનાથી એની વિષમ માનસિક પરિસ્થિતિનો ખ્યાલ ભાવકને આવે છે. 
# માનવીય વિગતો અને પ્રકૃતિવર્ણન વડે ખેમાની માનસિકતાનું ચિત્રણ લેખકે કેવી રીતે કર્યું છે તે જુઓ:
ખેમો હવે રઘવાયો થયો હતો. કેટલાક સમયથી મા બીમાર પડી હતી ને ઢાળિયામાં તેની ખાંસી ખખડતી હતી. ખેમાને તે જેમ ગુંદીનાં  ડાળાં એક બીજા સાથે અથડાય અને જેવો અવાજ થાય, તેવા અવાજની જેમ સંભળાતી હતી. ખેમો લીંબુડીના મૂરઝાયેલા છોડની જેમ મૂરઝાતો જતો હતો. એણે અણગમાથી બારી તરફ જોયું. પુનીનું ડોકું ન દેખાયું એટલે એ વીફર્યો, “જોન અ આ બૈરું! છ અ નોળિયા નો જરાય ભો! નોળિયો ઇનમઅ ધેમઅ ધેમઅ ફૂંક મારી ન અ ફોલી ના ખાય તો મન અ ફટ કેજે!”      
# વાર્તામાં એક પાત્ર છે, પડોશણનું, ભલાની વહુનું. આ પાત્ર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.
એક વાર એ કહે છે, “મી જાણ્યું કઅ તમારા અ ઘરમાં નોળિયો પેઠો’તો, પણ જાળવજો ભૈ!
અને બીજી વાર છેલ્લે એ ખેમાને કહે છે, “પુની ટોપલી લઇ ન અ કચરો નાખવા જતી’તી, તાણ અ ઈની પાછળ પાછળ જતાં ની ઇન અ ભાળ્યો’તો,”
આમ આવા બનાવોમાં લાગતાં-વળગતાંને ખબર આપવાનું, ચાડી ખાવાનું, આગ લગાવવાનું, સાચી-ખોટી સલાહ આપવાનું અને કફોડી સ્થિતિમાં મૂકાયેલાં લોકોનો ઉપહાસ કરવાનું એમ બધાં જ કામ આ ભલાની વહુ અહીં કરે છે. આ પ્રકારના માણસો આપણા ગામડાઓમાં જ્યાં ત્યાં ભટકાતાં હોય છે; આપણા ગામડાંની ટાળી ના શકાય એવી લાક્ષણિકતાઓમાંની આ એક છે.
# વાર્તામાં ખેમાની માનું પાત્ર ખેમાની માનસિકતા ઠેકાણે રાખવાની ભૂમિકા ભજવે છે. પોતાના સંસારમાં આગ લાગ્યાની દહેશતથી ધ્રુજી ઉઠેલો ખેમો સધિયારો શોધતો મા પાસે જાય છે. પણ મા તો ઢળતી ઉંમરે છેક જ અક્ષમ છે, નથી એ ખેમાની સ્થિતિ સમજી શકતી, ઉલટાનું ખેમાને પૂછે છે, “તું અત્યાર સુધી ક્યાં હતો?”  આવો પ્રશ્ન પૂછીને મા એક તરફ પોતાની ફરિયાદ રજૂ કરે છે કે ખેમો પોતાના સંસારમાં રચ્યો-પચ્યો રહે છે ને મા તરફ ધ્યાન નથી આપતો. આ પ્રશ્નનો બીજો અર્થ એવો થાય છે કે તારી બેદરકારીને લીધે જ તારા સંસારમાં લૂણો લાગ્યો છે. 
છેવટે લેખકે નોંધ્યું છે: એક પદાર્થ તરફથી મોં ફેરવીને બીજા પદાર્થ સાથે સહમતિ સાધવામાં જાણે કશો ભલીવાર પડ્યો નહોતો.
કેટલાંક વિવેચકોનો આરોપ છે કે મોહન પરમારની વાર્તાઓમાં રૂપકો અને પ્રતિકોની ભરમાર હોય છે તો અન્ય કેટલાક વિવેચકો આ જ વાતને એમની લાક્ષણિકતા ગણાવે છે.
ટૂંકમાં વાડો એટલે મોહન પરમાર જેવા એક સશક્ત લેખકની ગ્રામ્ય પરિવેશની એક નોંધનીય બળકટ વાર્તા.
###
(724 શબ્દો, લખ્યા તારીખ: શનિવાર, 22 સપ્ટેમ્બર 2018; 07:34 Hrs.)  

    


  


તું આવજે ને (કિરીટ દુધાત) : મારી નોંધ
એક નિષ્ફળ પ્રેમકથાની પાર્શ્વભૂમિમાં સરેરાશ પુરુષની માનસિકતાનું સશક્ત આલેખન.
આ વાર્તાને આપણે રચનારીતિની દ્રષ્ટિએ જોઈએ.
પાત્રાલેખન / પરિવેશ / પ્રસંગયોજના / ચરમસીમા / શીર્ષક  
નાયક:
વાર્તા પહેલો પુરુષ એકવચનમાં કહેવાઈ હોવાથી અને નાયક ઓફિસમાં બોસ હોવાથી એના નામોલ્લેખ વિના ચાલી ગયું છે. લેખકે નાયકનું નામ આપ્યું નથી પણ એ સવર્ણ, ઉજળિયાત કોમનો હોય એવું જણાય છે. નાયિકાના નામ પરથી (સુમી ગામીત) એ આદિવાસી કોમની હોવી જોઈએ એવું કહી શકાય. આમ નાયક અને નાયિકા વચ્ચે લેખકે ઉજળિયાત-આદિવાસી જેવો વર્ણભેદ અને ઓફિસમાં અધિકારી અને કર્મચારી એવો વર્ગભેદ રાખ્યો છે.
જ્ઞાતિબાધનું કારણ આપી નાયક લગ્ન નહીં થઇ શકે એવું શરૂઆતમાં જ સ્પષ્ટ કરે છે. એ એવું પણ કહે છે કે “અહીં ના આવીશ, કોઈ સારો છોકરો જોઇને પરણી જા, બદલી કરાવી લે,” વગેરે. આ વાતો એના ચારિત્ર્યની શુધ્ધતા સાબિત કરે છે.
નાયક લગ્નની દિશામાં વિચારતો નથી. એ દિશામાં એણે કોઈ પ્રયત્ન કર્યો હોય એવું પણ જણાતું નથી. એક પણ વાર “બાને કે બાપુજીને વાત કરીશ.”;  કે “એમને વાત કરી છે પણ તેઓ માનતા નથી.” જેવો ઉલ્લેખ પણ નથી. ઊતરતી કોમની કન્યા જોડે લગ્ન કરવા નથી એ બાબતે નાયક કદાચ પહેલેથી જ સ્પષ્ટ હશે એવું લાગે છે.
રવિવારે જીપ લઈને દૂર દૂર ફરવાનો ક્રમ એમણે રાખ્યો હતો એની પાછળ “એક ગણતરી એવી પણ ખરી કે પરિચિત લોકો અમને જુએ નહીં.” કહીને લેખક  એક સ્ટેટમેન્ટ કરે છે સ્ત્રી-પુરુષના સંબધોને જોવાની આપણી સામાજિક દ્રષ્ટિ વિષે.  
નાયિકા:
પહેલાંના અધિકારીના કડવા અનુભવ પછી એક સજ્જન અધિકારીથી નાયિકા પ્રભાવિત થઇ હોય કે નાયક એલિજિબલ બેચલર હોવાથી આકર્ષિત થઇ હોય એ સ્વાભાવિક જણાય છે. નાયકના ક્વાર્ટર પર સુમી સાથી કર્મચારી મહિલાએ ના પાડી હોવા છતાં સ્વેચ્છાએ જાય છે એ વાત આજની યુવતીની હિંમત અને આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવે છે.  “મને હલકી તો નથી ધારી લીધી ને?” આવું નાયિકા પૂછે છે ત્યારે લેખક એક સ્ટેટમેન્ટ કરે છે સ્ત્રીઓની રીતભાતને મૂલવવાની આપણી સામાજિક દ્રષ્ટિ વિષે.  
નાયકના ક્વાર્ટર પર સાફસફાઈ કરવી કે ઘરવખરી પસંદ કરવી વગેરે નાયિકાના સ્ત્રીસહજ ગુણો છે, જેનાથી નાયક પ્રત્યેની એની નિકટતા અને આત્મીયતા પ્રગટ થાય છે.
પ્રસંગરચના:
૧. પહેલી મુલાકાતમાં નાયકની ઓફિસમાં સુમીનું બેસવાની ના પડીને પાડીને અદબ વાળીને ઊભા રહેવામાં એની અક્કડતા અને પહેલાંના અનુભવોની ઝલક મળે છે. છેલ્લી મુલાકાતમાં સુમી વિદાય લેવા જ આવી છે. એ સારી રીતે જાણી ગઈ છે કે નાયક જોડે એનું ભવિષ્ય નથી, એ જાણી ગઈ છે કે પ્રેમની રમતમાં એ દાવ હારી ગઈ છે.  
૨. ઝૂંપડીવાળો પ્રસંગ વાર્તાની હાઈલાઈટ છે; આ પ્રસંગ શૃંગારપ્રધાન છે. પાર્શ્વભૂમિમાં ડોસી કોઈ લોકગીત ગાય છે. નાયક નાયિકાના માથામાં તેલ નાખી વાળ ચોળી આપે છે; આ દ્રશ્ય અજબગજબનું  સુંદર છે.           
૩. અંતમાં “લે, ભોગવી લે, ખાતરી કરી લે!” પ્રસંગથી લેખક કહેવા માંગે છે કે આ પ્રેમ પ્રકરણમાં, વીતેલા સમયમાં બંને વચ્ચે શારીરિક સંબંધો થયાં નહોતાં; જો કે ફરવા ગયા તે પ્રસંગે ડોસીના ઝૂંપડીમાં નાયિકાના માથે નાયક તેલ ચોળી આપે છે એ પ્રસંગ બંને વચ્ચેની સ્વાભાવિક નિકટતા દર્શાવે છે. એ પછી અંતમાં “ભોગવી લે” વાળી વાત મૂકીને લેખક (ક): સાબિત કરવા ઈચ્છે છે કે બંને શારીરિક રીતે અણીશુધ્ધ રહ્યાં હતાં; જે સ્પષ્ટ કરવું કદાચ જરૂરી નહોતું; અથવા (ખ): કદાચ ફરી એક વાર લેખક અહીં સ્ટેટમેન્ટ કરે છે પુરુષોની હલકી માનસિકતા વિષે કે લગ્ન પહેલાં કોઈ છોકરી પુરુષ જોડે સંબંધ બનાવે એટલે એ હલકા ચારિત્ર્યની.  અથવા (ગ): સ્ત્રી સેક્સ કરે છે પ્રેમ મેળવવા અને પુરુષ પ્રેમ કરે છે સેક્સ મેળવવા માટે.
ચરમસીમા:
વાર્તાના અંતમાં લેખકે ભારે જુગુપ્સાપ્રેરક પ્રસંગ રચ્યો છે.  પાંચ વર્ષે પાછા ફરેલા નાયકની સ્મૃતિમાં ક્વાર્ટરનું જે રમણીય દ્રશ્ય હોય એના લેખક ભાંગીને ભુક્કા કરી નાખે છે અને બીભત્સ રસ ઉપજે એવું શબ્દચિત્ર દોર્યું છે નાયકની જગ્યાએ આવેલા નવા અધિકારીનું, એના રહેણીકરણીનું, એના આચરણનું. નાયક જોડે કદાચ અહીં કવિન્યાય થયો છે; નિર્દોષ અને પ્રેમાળ સુમીના પ્રેમને તરછોડીને ગયો હોય એની સાથે બીજું શું થાય? અંત સુધી પહોંચતાં વાંચક થથરી ઊઠે કે સુમી કદાચ બીજે પરણી ગઈ હોય કે સુમી બીજે સુખી હોય એવો અંત આવે પણ લેખકે જે અંત આપ્યો છે તે અનપેક્ષિત, આંચકાજનક અને આઘાતજનક છે. 
શીર્ષક:
શીર્ષક “તું આવજે ને?” યથાયોગ્ય છે. “તું આવજે ને?” એવો સાદ નાયકને બોઝિલ વાતાવરણમાં હુંફાળો લાગે છે પણ મારા મતે એ સાદ નાયકને સતત પીડનારો બની રહેવો જોઈએ; શું જોવા આવ્યો હતો? સુમીનો પ્રેમ સાચો હતો કે બનાવટી? લે, લેતો જા!
###
(૬૬૭ શબ્દો; લખ્યા તારીખ: બુધવાર, 19 જૂન 2019; 8:56 પૂર્વ મધ્યાહ્ન)