Monday 29 August 2016

શું થાય જ્યારે એક રવિવારની સવારે તમે ઘરમાં છો અને તમારી પત્નીનો જૂનો બોયફ્રેન્ડ આવી ચઢે?
મિત્રો, લાંબા સમયની ગેરહાજરી પછી ફરી હાજર થયો છું. આજે વાંચો મારી એક વાર્તા "સંશય"

ટૂંકી વાર્તા સંશય કિશોર પટેલ  
રવિવારની સવારે નિનાદ મોડેથી  જાગ્યો. 'નિશી! મારી ચા!'

'એટ યોર સર્વિસ!' નિશી ચાની ટ્રે સાથે  શયનખંડમાં આવી. ‘ગુડ મોર્નિંગ,પ્રોફેસર!' ટહુકી.  નિનાદે  જોયું કે એનું સ્નાનાદિ પતી ગયું હતું.  કાળા  ટીશર્ટ અને   બ્લ્યુ શોર્ટ્સમાં નિશી તાજગીસભર લાગતી હતી. 'વેરી ગુડ મોર્નિંગ  સેક્સી ટીચર!' કહી એણે પત્નીને નજીક ખેંચી  વ્હાલ  કર્યું.

વિલે પાર્લા શિક્ષણ પ્રચારક સંઘની  ધનાબા આર્ટસ કૉલેજમાં નિશી અંગ્રેજી  ભણાવતી  હતી અને    સંસ્થાની લલ્લુભાઈ કોમર્સ  કૉલેજમાં નિનાદ ઇકોનોમિકસનો  શિક્ષક હતો

'સાંજનો શું પ્રોગ્રામ છે?' ચા પીવાઈ ગઈ એટલે નિશીએ પૂછ્યું.

'તું કહે.' નિનાદની નજર છાપામાં હતી.

'જુહુ બીચ પર ફરવા જઈએ અથવા ભાઈદાસમાં નાટક જોવા જઈએ!' નિશી ઉત્સાહથી બોલી.

'ઘાટકોપર બા-બાપુજીને મળવા જવું જોઈએ.' નિનાદે કહ્યું અને નિશી ઠંડી પડી ગઈ.

થોડી વારે નિનાદે ઉમેર્યું. 'ઘણા દિવસ થઇ ગયા છે.’ છતાંય નિશીને ચૂપ જોઈ એણે પૂછ્યું, ' હં?’

નિશી બોલી, 'જુહુ.'

'ઘાટકોપર.'

જુહુ-ઘાટકોપર, જુહુ-ઘાટકોપર કરતાં કરતાં બંનેએ એકબીજા પર તકિયા ફેંક્યા.

ત્યાં ડૉરબેલ  વાગી

નિનાદ ઉઠીને સ્નાનગૃહ તરફ ભાગ્યો. નિશી મુખ્ય દરવાજા તરફ વળી. 'કોણ હશે? નિનાદ, તારો કોઈ વિદ્યાર્થી હોય તો શું કહું?'

નિનાદે કહ્યું, 'કહેવાનું કે હું ઘરમાં નથી!'

'અને મારો કોઈ  વિદ્યાર્થી હોય તો?' નિશીએ પૂછ્યું.

સ્નાનગૃહના દરવાજામાંથી ડોકિયું કરી એણે કહ્યું, 'તો કહેવાનું કે હું ઘરમાં છું!'

નિશીએ  દરવાજો ખોલ્યો. પુષ્પગુચ્છ સાથે વી-બાવીસ વર્ષનો એક સોહામણો યુવક ઉભો હતો. નિશીના ભવાં ઊંચા થયાં. એક નજર  ઝડપથી  અંદર નાખી  લઇ  સહેજ  મોટેથી બોલી, 'કોણતમે? કોનું  કામ છે?'   

પેલો પહેલાં તો થોથવાઈ ગયો પણ પછી ગોઠવીને બોલ્યો, 'મેડમ નમસ્તે, હું તરુણ.' 

'ના ભાઈ, તું તો યુવાન છે, તરુણ હવે તો બિલકુલ નથી!'  નિશીએ ગમ્મત કરી

'મેડમ, મને ઓળખ્યો નહીં? હું તરુણ મનચંદા! બિલીમોરાની મોરાર ખાલપ સ્કૂલમાં  તમારો  વિદ્યાર્થી હતો!'
  
બિલીમોરાની મોરાર ખાલપ સ્કૂલ! નિશીની પહેલી  નોકરીબે  વર્ષ એણે  એ સ્કૂલમાં એસએસસીના વિદ્યાર્થીઓને અંગ્રેજી અને હિન્દીના વિષય ભણાવ્યા હતા.  મુંબઈ તો   નિનાદ જોડે  લગ્ન થયા પછી આવી હતી.

તરુણ  મનચંદા. વિદ્યાર્થી તો સામાન્ય પણ એક ઉત્તમ ક્રિકેટર! દક્ષિણ  ગુજરાત આંતરશાલેય ક્રિકેટ ટુર્નામેન્ટની રસાકસીભરી ફાઈનલમાં મોરાર ખાલપના ભવ્ય  વિજયનો  શિલ્પકાર!

'ઓહ માય ગોડ! તરુણ, તું? કેટલો મોટો થઈ ગયો છે તું!’

તરુણ મંદ મંદ સ્મિત કરતો હતો. નિશી એનો હાથ પકડી અંદર લઈ આવી

તરુણે પુષ્પગુચ્છ લંબાવ્યો. 'મેડમ ફૂલો આપના માટે!'

'હાઉ સ્વીટ ઑફ યુ!'  નિશીએ સેન્ટર ટેબલ પર ગુચ્છ મૂક્યો. 'હવે તો બેસ?'

તરુણ સોફાચેરમાં બેઠો. નિશી એની સામેના થ્રી-સીટર સોફામાં બેઠી. તરત તરુણની નજર નિશીના  લાંબા સુડોળ પગ પર પડી. ક્ષણાર્ધ માટે   સમજાય એવો આનંદ નિશીને થયોબીજી    ક્ષણે એને થયું કે અંદર જઈ  વસ્ત્રો  બદલી  આવે. સોફામાં બેસવાથી એની શોર્ટ્સ સહેજ ઉપર ખેંચાઈ  હતી. અનાવૃત  થયેલા   સાથળ  ઢાંકવા  સોફા  પર પડેલો ગોળ તકિયો એણે ખોળામાં  મૂક્યો. 'અહિંયા  શું  કરે છે  તું? મુંબઈ ક્યારે  આવ્યો?'

' મહિના થઈ ગયા. જોબ કરું છું.' તરુણે કહ્યું કે  ગ્રેજ્યુએશન થઈ ગયું કે તરત  મુંબઈ આવી ગયો હતોમલાડમાં એના બેન-બનેવી જોડે રહે છે.

નિશીએ નોંધ્યું કે વારંવાર તરુણની નજર એના ખુલ્લા પગ પર જતી હતી. ઉભી થઈ ગઈ. 'શું લઇશ, ચાકોફી કે કંઈ ઠંડુ?'

પણ તરુણ તરત ઉભો થઈ ગયો.

'અરે, બેસહમણાં લઈ આવું છું કંઈક!' એને લાગ્યું કે તરુણને કદાચ ઉતાવળ હશે. પણ કંઈ  સમજે  વિચારે  પહેલાં    તરુણ એક ઘૂંટણ નમાવી એના પગ પાસે  ઝૂક્યો.   ખૂબ  અદાપૂર્વક ક્યાંકથી  ગુલાબનું  ફૂલ પ્રગટ કરી  એ બોલ્યો, 'નિશીમેડમહું તમને ખૂબ ખૂબ પ્રેમ કરું છુંતમે મારી જોડે લગ્ન  કરશો?’

નિશી ડઘાઈ ગઈ. બરાબર   ક્ષણે  'ડાર્લિંગ, કોણ આવ્યું છે?' પૂછતો   નિનાદ  સ્નાનગૃહની  બહાર   આવ્યો.   ટુવાલથી ભીના વાળ લૂછતો હતો. લિવિંગ રૂમમા એણે  અજબ  દ્રશ્ય  જોયુંએક યુવાન  ઘૂંટણિયે  પડી  એની પત્નીને ગુલાબનું ફૂલ ધરીને કંઇક અરજ કરી રહ્યો હતો!   

પેલા બંને જાણે કે કોઈકે સ્ટેચ્યુ કહ્યું હોય એમ સ્થિર થઈ ગયા હતાઅકળાયેલો  નિનાદ  મોટેથી  બોલ્યો,   'નિશી,  બધું શું છે?'

નિનાદ સામે એક સ્મિત કરી, તરુણના હાથમાંથી ફૂલ લઈ નિશી બોલી, 'સોરી  યંગ મેનઆઈ  એમ  ઓલરેડી મેરીડ!'

ફુગ્ગામાથી હવા નીકળી ગઈ હોય એમ તરુણ ફર્શ પર બેસી પડ્યો. નિશીએ એનો હાથ  પકડી  એને  ઉભો કર્યો.

'તરુણમીટ માય ડીયર હસબંડ, પ્રોફેસર નિનાદ  પુરુષોત્તમ  નાણાવટી!’   પછી  એણે  પતિને  કહ્યું, 'નિનાદ, તરુણ છેબિલીમોરાની  મોરાર ખાલપ સ્કૂલમાં  મારો  વિદ્યાર્થી  હતોતમે  બંને  ગપ્પાં  મારોહું  ચા બનાવી લાવું.'

'હલ્લો તરુણ!' નિનાદ સ્વસ્થ હતો.

'હલ્લો સર!' તરુણ જેમતેમ બોલ્યો.

'મને એક વાત કહેતમારી સ્કૂલમાં આટલી એક  ટીચર હતી?' 

'ના ના સર,એવું નથીપણ-' તરુણ  ગેં ગેં ફેં ફેં થઈ ગયો.

'રિલેક્સ યાર,' નિનાદે એના બરડે ધબ્બો માર્યો. 'જસ્ટ જોકિંગ!'    

ટીપોય પર પડેલું છાપું ઊંચકી નિનાદ પાના ફેરવવા માંડ્યો. તરુણ ભારે વિચિત્ર પરિસ્થિતિમાં  ફસાઈ  પડ્યો હતો હવે અહીંથી કેવી રીતે નીકળી છૂટવું   વિષે  એ વિચારવા લાગ્યો. નિનાદે પૂછ્યું, 'શું કરે છે  તુંહજી  ભણે છે?'

'ના સર,  બીકોમ થઈ ગયું, આજ વર્ષે હમણાં જોબ કરું છું. માર્કેટિંગમાં છુંનરીમાન પોઈન્ટ  પર  ઑફિસ  છે.' તરુણે  જવાબ આપ્યો.

'આજે સન્ડેરજા છે?'

'હા સર, આજે રજા છે.'

'રજામાં શું કરે છે તું? એટલે, આમ જનરલી?'

કફોડી હાલતમાં મૂકાયેલા તરુણનો  નિનાદના પ્રશ્નોના  ઉત્તર  આપ્યા વિના છૂટકો  નહોતો
     
'રજામાં? દોસ્તોને મળવાનુંપિક્ચર જોવા જવાનું !' એણે જવાબ આપ્યો.

'આજે સાંજે શું કરે છે તું?' નિનાદે પૂછ્યું.

'સાંજે?' તરુણ વિચારમાં પડ્યોએને ખબર નહોતી કે એના માટે શું  તખ્તો ગોઠવાઈ રહ્યો હતો.

'શું વાતો ચાલે છે?'  નિશી ચા-બિસ્કીટની ટ્રે જોડે બહાર આવીહવે  પૂર્ણ કદના ટ્રેકસ્યુટમાં હતી

'તારું સાંજનું ગોઠવું છું.' નિનાદે કહ્યું. 'તરુણ, આજે સાંજે તું  મેડમને  કંપની આપ.'

નિશી ચોંકી. તરુણ બાઘાની જેમ જોઈ રહ્યો. નિનાદે આગળ કહ્યું, 'વાત જાણે એમ છે કે સાંજે મેડમને  ફરવા  જવું  છે અને મને ટાઇમ નથી તું બહુ  સારા સમયે આવી  ચઢ્યો છે. મારું આટલું કામ કર, મેડમને કંપની આપ, એમની જોડે ફરવા જા.'

નિશીએ ઉતાવળે તરુણને કહ્યું, 'હી ઈઝ જોકિંગ!'

ના, આ મજાક નથી.' નિનાદે ગંભીરતાથી કહ્યું, 'નિશી, છે તારી આજની ડેટ!  છોકરો  કેટલે  દૂરથી  માત્ર તને મળવા આવ્યો છે! જાઆજે તું એનો સન્ડે  બનાવી દે!  

નિશીએ તરુણને  પૂછ્યું, 'શું કહે છે, તરુણ?'

તરુણ બાઘાની જેમ બંનેને વારાફરતી જોઈ રહ્યો

નિશીએ  પૂછ્યું,ક્યાં જઈશુંમૂવી જોવા કે  પછી દરિયાકિનારેમને તો નાટક જોવાનું  બહુ  મન છે. તરુણ, તને નાટકનો શોખ છે કે નહી?

અચાનક નિનાદના હાથમાંથી છાપું નીચે પડી ગયું.

તરુણથી તરત કંઇ બોલાયું નહીં એટલે નિશીએ પૂછ્યું, 'બોલને તરુણશું કરીએએમ કરીએઓન્ટોઝમાં ક એક બીયર  લગાવીએ   અને પછી  બીચ  પર  રેતીમાં ચાલવા જઈએ?'

નિનાદને સમજાયું નહીં કે કેવી રીતે એ હોલમાંથી બાલ્કનીમાં પહોંચી ગયો.  અંદર નિશી જે ઉત્સાહથી  તરુણ  જોડે વાત કરતી હતી તે જોઈ એને થયું કે ક્યાંક કંઈ કાચું કપાયું છે.

એ ઝડપથી હોલમાં પાછો ફર્યો.

તરુણ ગભરાઈને બોલ્યો, 'મેડમઆઈ એમ સોરી-પણ-'

'ઓકે!' નિશી બોલી, 'ડન! એમ કર તરુણ, સાંજે વાગે તું અહીંયા પાછો આવ. હું પ્રોગ્રામ બનાવી રાખું છું! આવીશ કે પછી  ગાપચી મારી દઈશ? એમ કર, તું એડ્રેસ આપ. હું આવીશ તને પિક-અપ કરવા!'

તરુણે પ્રોમિસ કર્યું કે  પોતે પાછો આવશે. ગયો અને પતિ-પત્ની એકબીજાને જોઈ રહ્યા.

' છોકરાને હું બરાબર ઓળખતી પણ નથીઇટ્સ  બ્લાઇન્ડ ડેટ!' નિશી બોલી.

નિનાદને ખ્યાલ આવી ગયો કે બંદુકમાંથી છૂટી ગયેલી ગોળી હવે પાછી વાળવી અશક્ય છે. એ બોલ્યો, 'હેવ ફન ડાર્લિંગ!'

'નિનાદયુ આર અમેઝિંગ!' કહેતાં નિશી નિનાદને વળગી પડી. નિનાદના દેહ-પ્રાણમાં પત્નીના  આલિંગનથી ઉષ્માને બદલે દાહ પ્રગટ્યો.  નિશીને સમજાયું  નહીં કે નિનાદે કરેલું ચુંબન  યાંત્રિક  હતું.

  ۩


નિનાદ  નીકળી ગયો પછી  પલંગમાં પડીને નિશી વિચારે ચડી. કેટલો  વિશ્વાસ હતો  નિનાદને એની પર! સમજણી થઈ ત્યારથી કંઈ  કેટલા  છોકરાઓ જોડે પનારો પાડ્યો છે  એણેભણતી  હતી  ત્યારે  પણ  અને  ભણાવતી થઈ  પછી  પણ સ્કૂલ-કૉલેજમાં ભણતી હતી ત્યારે દર  બીજો  છોકરો  એની  પાછળ લટ્ટુ થઈ જતો  હતોબિલીમોરાની  હાઈસ્કૂલમાં ભણાવતી હતી ત્યારે ત્યાંના મોટા છોકરાઓ  તો ગુલાબી કાગળમાં પ્રેમપત્રો લખતા અને  હવે અહી  મુંબઈના કૉલેજિયન છોકરાઓ  તો  ફેસબુક  પર  રીતસર  લખે છે, 'ટીચર,  આઈ લવ યુ!’  

લગ્નની દરખાસ્તો તો હજી પણ એને મળ્યા કરે છે. એક છોકરાએ તો ફેસબુક પર ચોખ્ખું  લખ્યું હતું, 'તમે છૂટાછેડા લો તો સૌથી પહેલાં મારો વિચાર કરજો!'

અને છતાંય નિશી આવા  છોકરાઓમાંથી સાચા મિત્રો શોધી કાઢે છે.   

۩

થોડોક વાર ઊંઘી જવા માગતી નિશી ફાવી નહીં. એના મન:ચક્ષુ સમક્ષ  તરુણ  મનચંદા  આવીને ઉભો રહ્યો.

આટલા વર્ષે એનો એક વિદ્યાર્થી એને શોધતો મુંબઈ સુધી  આવી ગયો હતો!

વલસાડના સરદાર પટેલ ગ્રાઉન્ડ પર દક્ષિણ ગુજરાત આંતર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટની  ફાઈનલ  મેચ  રમાઈ રહી હતી.  વાપીની દેસાઈ સ્કૂલની  સામે જીતવા માટે  ચાલીસ બોલમાં  પાંસઠ  રન કરવાના હતા. સામે  છેડે  ટપોટપ વિકેટો પડતી હતી ત્યારે  એક છેડો પકડી રાખી તરુણ મનચંદાએ ચોક્કા-છક્કાની  ઝડી  વરસાવી  અશક્ય લાગતો ટાર્ગેટ પૂરો કર્યો હતોમોરાર ખાલપને એણે એકલે  હાથે જીતાડી  હતીસ્કૂલનો    હીરો બની ગયો હતોસાથી ખેલાડીઓ એને ખભે  ઊંચકી ખૂબ નાચ્યા હતા સ્પર્ધાની ફાઈનલમાં પહોંચેલી ટીમનો ઉત્સાહ વધારવા સ્કુલના પ્રિન્સીપાલ સહિત કેટલાક શિક્ષકો હાજર હતાં. શિક્ષકોના ટોળા વચ્ચેથી નિશીએ ત્યાં પહોંચી તરુણને આલિંગન આપ્યું હતું. 'તરુણ, આઈ  એમ પ્રાઉડ ઓફ યુ!' એટલું  કહી એના  ગાલે  ચુંબન કર્યું હતુંએટલું જ નહીંએણે ઉમેર્યું  'માય  ચેમ્પિયન બોય, આઈ લવ યુ!'

શું આ જ ઘટના હશે જેનાથી તરુણના કુમળા મનમાં નિશી માટે પ્રેમના બીજ વવાયાં હશે શું એ જ પ્રેમ એને ખેંચી લાવ્યો હતો અહીં સુધી એની  શોધમાં? 

તરુણ જોડે એક સાંજ?

વેલ, વ્હાય નોટ?

۩


નિનાદ ઘાટકોપર ગયો પહોંચ્યો ત્યાં સુધીમાં એનું મન ચકડોળની ટોચે પહોંચી ગયું હતું.  નિશી ખરેખર ગઈ હશે પેલા જુવાનિયા જોડે? ગઈ જ હશે. પોતે જરાક કહ્યું કે આ છોકરાને લઈને ફરવા જા તો કેવી તૈયાર થઇ ગઈ? કેવું તરત જ બધું સેટિંગ કરવા માંડીકેટલા વાગે મળશે, ક્યાં મળશે, આવશે કે હું લેવા આવું? ઓહોહો! આટલું બધું? કોણ હતો આ છોકરો? શું સંબંધ છે એ બંનેનો?

દિવસે દિવસે વૃદ્ધ થતા બાપુજીની ખબર એણે સાવ ઔપચારિક રીતે પૂછી.  કોઈ સગા ઘણા  બીમાર  છે  તેમને  જોઈ આવજે  એવી બાની સૂચનાના જવાબમાં એણે હેં? હા-હા-કહ્યું હતું. 'નિનાદ, તને સંભળાય છે હું શું હું છું?' બાએ ચિડાઈને પૂછ્યું હતું. સાંભળે ક્યાંથી નિનાદએના  ચિત્તમાં  તો  કોલાહલ   મચ્યો હતો.

નિશીએ શું પહેર્યું હશેએ પણ ક્યાં ઓછી માયા છે? જરૂર એણે સ્કીન ટાઈટ ટીશર્ટ અને જીન્સ  ચઢાવ્યા હશે. છોકરાને ગાંડો કરી મૂકવામાં એ કંઈ બાકી નહીં રાખે. કયા કાળ ચોઘડિયામાં પોતે કહ્યું હશે કે જા આ છોકરા જોડે ફરવા?
             
કંઈક વિચિત્ર લાગે એવી રીતે ઓચિંતો જ  નિનાદ જમવાની થાળી પરથી ઉઠી ગયો હતો. 'અરજન્ટ કામ યાદ આવી ગયું. હું જાઉં છુંકહી  ત્યાંથી નીકળી નાઠો હતો. પણ ગલીના નાકે પાનના   ગલ્લા પર  બાળપણના   ગોઠિયાઓ ભેટી ગયા. 

'કેમ પ્રોફેસર? આજે એકલો? ભાભ્ભી ક્યાં?'

આમ પૂછનારો મિત્ર કાયમ ભાભીને બદલે ભાભ્ભી બોલતો એનું ક્યારેય ખોટું ન લગાડતો નિનાદ એકદમ તપી ગયો. 'સરખું બોલતા શીખ સાલા ડફોળ!એનો મિજાજ જોઈ સહુ બાઘા થઇ ગયા.  

નિનાદ તરત જ સાવધ થઇ ગયો. એ બોલ્યો, 'એવું જરૂરી નથી કે પરણ્યા  એટલે  સજોડે    ફરવાનું.'     એણે પૂછ્યું, 'સુખી લગ્નજીવનની  ચાવી ક્યાં હોય છે?' એકે કહ્યું, 'ટીવીના  રીમોટમાં.બીજાએ  કહ્યું 'કામવાળી બાઈ  નિયમિત આવે  એમાં.બધા આવું ભળતુંસળતું બોલી રહ્યા એટલે નિનાદ બોલ્યો, 'પતિ-પત્ની  બંને એકબીજાને સ્પેસ આપે તો લગ્નજીવન સુખી અને સફળ થાય છે. એક રવિવારે મારે  સમાજના મેળાવડામાં જવું હોય ને એણે સલ્લુની ફિલમ જોવી હોય તો મારે  એને શા માટે રોકવી જોઈએ?' 

એ ક્ષણે નિનાદ માટે આધુનિક, પ્રગતિશીલ અને ઉદારમતવાદી પુરુષની છબી હેમખેમ રાખવી ખૂબ  જરૂરી હતી. જે બહાને બા-બાપુજી પાસેથી છટક્યો હતો   બહાને મિત્રો પાસેથી પણ  છટકી શક્યો હોત. પણ  પોતે ઘેર વહેલો પહોંચી જાય અને નહીં જોવાનું  નજરે પડ્યું તોમિત્રો સાથે સારો એવો સમય પસાર કરી નિનાદ ઘેર ઘણો  મોડો પહોંચ્યો. 

નિશી ઊંઘી ગઈ હતી. ફ્રેશ થતાં અને  કપડાં  બદલતાં  દરવાજા અફાળી એણે ઘણો  ઘોંઘાટ  કર્યો.   નિશી જાગી ગઈ.

'હટ સાલાકેટલું સરસ સપનું જોતી હતી હું!' નિશીએ મોં બગાડ્યું.  

'આજે શું ડેટ છે?'

'છવ્વીસ ઓગસ્ટ.પડખું ફરી સૂઈ ગયેલી નિશી બે ક્ષણમાં જ ચોંકી.  'મારી આજની ડેટ વિષે પૂછે છે?'


'ના નાહું ક્યારે એવું બધું પૂછું છું?' નિશીને શાંત થઇ ગયેલી જોઈ એનાથી રહેવાયું નહીં.   બોલ્યો,  'બાય    વે , કેવી રહી તારી ડેટ?' નિનાદે પૂછ્યું.

નિશી બેઠી થઇ ગઈ. અમે ખૂબ એન્જોય કર્યું! તરુણ હવે કેટલો ચાર્મિંગ બની  ગયો છેઆખી  સાંજ  ક્યાં  વીતી ગઈ કંઈ ખબર  ના પડી!  અમે જુહુ બીચ ગયા. પાણીમાં ખૂબ ચાલ્યા. જૂની યાદો તાજી કરી. ઉનાઈની પિકનીકમાં કેવી મઝા આવેલી તે યાદ કરી.  સ્કુલના  બીજા  ઘણા વિદ્યાર્થીઓને  પણ એણે  યાદ કર્યા.   નિશીના ધ્યાનમાં આવ્યું કે નિનાદ કંઈ   બોલતો   નહોતો.  'શું થયું નિનાદ? કેમ છે ઘાટકોપરમાં બધાં?'   એણે પૂછ્યું

'હેંહા , હાબધા ઠીક છે.' નિનાદે કહ્યું.

નિશી થોડી ક્ષણો નિનાદને જોઈ રહી. 'લાગે છે કે હું ડેટ  પર ગઈ  તને  ગમ્યું  નથી!'

'ગમ્યું નથી?' નિનાદે કહ્યું, 'આઈ એમ વેરી મચ અપસેટ વીથ યુ નિશીએક અજાણ્યા છોકરા જોડે તું ગઈ   શા માટે  રીતે?' 

પતિ-પત્ની ઝગડી પડ્યાંનિનાદનું કહેવું હતું કે એણે તો  અમસ્તું જ કહ્યું હતું, નિશીએ રીતે છોકરા જોડે જવું જોઈતું નહોતું!

નિશીનું કહેવું હતું કે એણે રીતે ફરવા જઈને કંઈ  ખોટું  કર્યું નહોતુંવળી તરુણ  અજાણ્યો  નહી  પણ  ઓળખીતો હતો!   

નિનાદે "ઓળખીતો" શબ્દ પકડી લીધો. 'ઓળખીતો? એવી કેવી તમારી ઓળખાણ છે કે રીતે તમે એમની જોડે ડેટ પર ગયા મેડમ?'

રીતે દાઢમાં બોલતા નિનાદને  જોઈ નિશીએ સ્મિત કર્યું.  બોલી, 'નિનાદ, ઓળખાણ તો બહુ જૂની છે.  સાચું કહું? તરુણ તો મારો પહેલો બોયફ્રેન્ડ છે! તું  જાણવા માગે છે ને કે  અમે  આજે  ક્યાં  ક્યાં  ગયા  અને  શું શું કર્યું? તો સાંભળ નિનાદદરિયા કિનારે જ્યારે અમે પાણીમાં ચાલતા હતા ત્યારે એક  મોટું  મોજું  આવ્યું  અને હું પાણીમાં પડી ગઈતરુણે મને હાથ આપી ઉભી કરી. હું પૂરેપૂરી ભીંજાઈ ગઈ હતી. મારાં તમામ વસ્ત્રો  મારા દેહ સાથે ચોંટી ગયા હતા.  શરમની મારી હું એની સામે જોઈ શકતી નહોતી. '

નિનાદ બોલ્યો, 'એણે ફટાફટ પોતાના મોબાઈલમાં તારા ફોટા પાડી લીધા હશે, નહી?'

નિશીએ કહ્યું, 'ના , બિચારો તો શરમાઈને આડું જોઈ ગયો હતો! મેં એને મારો મોબાઈલ આપ્યો ને કહ્યું કે મારા ફોટા પાડ! લે, જો એણે પાડેલા મારા ફોટા!'

'નથી જોવા ફોટા.' કહી નિનાદ પડખું ફરી સૂઇ ગયો.

۩


જ્યારે નિનાદને ખાતરી થઇ ગઈ કે નિશી ઊંઘી ગઈ છે ત્યારે એણે નિશીના  મોબાઈલમાં  પડેલા  લેટેસ્ટ ફોટા જોવા માંડ્યા.

એની ધારણાઓથી વિપરીત છબીઓ અને વિડીઓ ક્લિપ્સ જોઈ એ આશ્ચર્યચકિત થઇ ગયોએણે જોયું કે   દરિયાકિનારા પરની ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોથી તરુણ ઘેરાયેલો હતો.  બાળકોને  અક્ષરજ્ઞાન  આપતો   હતોનિશી બાળકોમાં ચોકલેટ વહેંચતી હતી. એમને  ફુગ્ગાઓ   લઇ આપતી  હતીબાળકો સાથે નૃત્ય કરતી હતી.

નિનાદે જોયું કે નિશી જાગતી હતી અને એને જોઈ રહી હતી.

 નિશીએ કહ્યું, 'અમે ફિલ્મ જોવા ગયેલા પણ તરુણનું ધ્યાન ફિલ્મમાં નહોતું. જ્યારે મેં કારણ પૂછ્યું ત્યારે  બોલ્યો કે દર રવિવારે જેમને ભણાવવા જાય છે બાળકો એની રાહ જોતા હશેતરત  અમે ફિલ્મ  અધૂરી મૂકી જુહુની  ઝૂંપડપટ્ટીમાં ગયા.'

પતિ-પત્ની અર્ધી રાત્રે ઝગડવા માંડ્યા. નિશીની દલીલ હતી: મારી પર શંકા? અવિશ્વાસ? તારી કોઈ સ્ટુડન્ટ તારી પાછળ  ગાંડી થતી નથી એટલે તું જલે છેસાલા જલકુકડા! નિનાદનું કહેવું હતું: તું ખોટું શા માટે બોલી? તેં મારાથી છુપાવ્યું જ શા માટે? સાલી ખોટાબોલી!

બંને વચ્ચે તકિયાની ફેંકાફેંક શરુ થઇ. આમ ને આમ રાત વહેતી રહી અને મીઠા પ્રણયકલહનો રંગ જામતો ગયો. છેવટે થાકીને બંને એકબીજાના બાહુપાશમાં ઊંઘી ગયા.

મળસ્કે નિનાદ જાગી ગયો. સમય જોવા એણે મોબાઈલ શોધ્યો.  નિશીનો  ફોન હાથમાં  આવ્યો.  એમાં  રાત્રે જોયેલા ફોટાઓ હજી ખુલ્લા હતા.  રાતની મસ્તી યાદ આવી.  એક સ્મિત  સાથે સમય  જોવાનું  ભૂલી    આંખ  મીંચી ગયો.

અચાનક  બેઠો થઇ ગયો. એણે ફરીથી એ ફોટાઓ ધ્યાનથી જોયા. નિશીએ આ કયો ડ્રેસ પહેર્યો હતો બે વર્ષ પહેલા  નિશીની બર્થડે પર એણે ગિફ્ટ કરેલો  ડ્રેસ  તો નહોતો? એણે ડ્રેસ ટ્રાય કર્યો  ત્યારે મને  જરા  વધારે પડતો બોલ્ડ લાગ્યો હતો એટલે  નિશીને પોતાને ગમતો હોવા છતાં એણે  કદી  એ પહેર્યો  નહોતો.    મહિના  પહેલા એની કોઈ સ્ટુડન્ટને  કદાચ આ જ ડ્રેસ એણે  આપી દીધો હતો!  તો પછી    બધા  ફોટા  ક્યારના   છે?   (શબ્દ સંખ્યા:૨૫૦૮)