Tuesday 28 March 2023

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ માર્ચ ૨૦૨૩











 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ માર્ચ ૨૦૨૩

(૫૮૮ શબ્દો)

શનિવાર તા. ૨૫ માર્ચ ૨૦૨૩ ની સાંજે બેન્ક અને અન્ય આર્થિક વ્યવસાય જોડે સંકળાયેલા સહુ મુંબઈગરાઓ કલોઝિંગના કામમાં વ્યસ્ત હતાં ત્યારે બાલભારતી ખાતે રસિક વાર્તાપ્રેમીઓ રસભરી ટૂંકી વાર્તાઓનું ઓપનીંગ કરવામાં મસ્ત હતાં.

આ વખતે બાલભારતીના મચં પર એક કૌતુક દીઠું. એક ષટકોણીય મેજ! માણસનું મગજ ખતરનાક યંત્ર છે. વિચાર તો એવા આવવા માંડયા કે મેજની ફરતે ચાર-પાંચ ખુરસીઓમાં ગોઠવાઈને મિત્રો શું શું કરી  શકે!

ખેર, બાલભારતીના મુખિયા હેમાંગભાઈ તન્નાએ કહ્યું કે આજના વાર્તાકારો એક સાથે અહીં બિરાજશે અને એમની વાર્તાઓનું પઠન અહીંથી જ કરશે. વાર્તાવંતના મુખિયા હેમંતભાઈ કારિયાના પ્રાથમિક ઉદબોધન પછી ચારે વાર્તાકારો મેજની આસપાસ ગોઠવાયા અને કાર્યક્રમનું સંચાલન સાંભળ્યું ચાર વાર્તાકારોમાંના એક લેખક-પત્રકાર સુશ્રી મમતાબેન પટેલે.

મમતાબેને શ્રીગણેશ કરતાં કહ્યું કે જાણ્યેઅજાણ્યે આપણી સહુની અંદર એક વાર્તાકાર છુપાયેલો છે. ને એટલે જ વાર્તાવિશ્વમાં વિહરવાનું આપણને સહુને ગમતું હોય છે.

સૌપ્રથમ રાજીવ શાહે પન્નાલાલ પટેલ લિખિત ક્લાસિક વાર્તા “સાચી ગાજિયાણીનું કાપડું” નું પઠન કર્યું.  ગામની એક દીકરીના લગ્નમાં ભેટ આપવા માટે એક સામાન્ય સ્થિતિનો શ્રમિક કાપડું લેવા શિવલાલની દુકાને આવ્યો છે. એની હેસિયત તો નથી અને છતાં મોંઘામાંનું સાચી ગાજિયાણીના કાપડું ખરીદવાનો એ આગ્રહ રાખે છે, એ પણ ઉધારીમાં. દુકાનદાર શિવલાલ એક નંબરનો કંજૂસ મખ્ખીચૂસ માણસ છે પણ એ પણ દિલદાર થઈને અલગ પેટીમાં સાચવીને રાખેલાં માલમાંથી પેલાને એનું મનપસંદ કાપડું કાઢી આપે છે. આ બેઉની દિલદારી અને દુનિયાદારીનું કારણ એક જ છે: જેનું લગ્ન થવાનું છે એ કન્યા. કોઈ કાળે એ કન્યાની માતા જોડે શિવલાલના સંબંધ હતા. એવું જ કંઇક કાપડું ખરીદવા આવેલા શ્રમિકનું પણ છે. ગ્રાહક અને દુકાનદાર બંને એકબીજાને નાણે-પરખે છે, વણકહ્યે એકબીજાની આંખોમાં આંખોમાં અનેક વાતોની આપલે થઈ જાય છે.            

બીજા ક્રમે હાર્દિક ભટ્ટે પઠન કર્યું રમણલાલ વસંતલાલ દેસાઈ લિખિત એક યાદગાર વાર્તા “ખરી મા”નું. કઈ રીતે એક સાવકી મા એક નાનાં બાળકની ખરી માતા બને છે તે પ્રક્રિયા અત્યંત રસપૂર્ણ, રોમાંચક અને હ્રદયસ્પર્શી છે. આજે આટલાં વર્ષો પછી પણ ભાવકની આંખોના ખૂણા ભીના કરી દે એવી શક્તિ ર.વ.દેસાઈની આ વાર્તામાં નિ:શંકપણે છે.

કોફીબ્રેક પછી ગાંધીયુગની વાર્તાઓમાંથી રસિક શ્રોતામિત્રોને આજની વાર્તાઓની દુનિયામાં લઈ આવ્યાં મમતા પટેલ પોતાની વાર્તા   “હું કોણ?” નું પઠન કરીને.

પુરુષપ્રધાન સંસ્કૃતિમાં સ્ત્રીને હંમેશા દુય્યમ સ્થાને રાખવામાં આવી છે, પરણ્યા પછી ઉચ્ચશિક્ષિત સ્ત્રીને પણ સ્વતંત્ર કારકિર્દી ઘડવાની તક મળતી નથી અને ઘરની ચાર દીવાલોમાં એની દુનિયાને સીમિત કરી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં સ્ત્રી ગૂંગળાયા કરે છે અને પોતાની જાતને જ પૂછયા કરે છે કે હું કોણ?

ચોથી અને છેલ્લી વાર્તાનું પઠન કર્યું સુરતથી પધારેલાં વાર્તાકાર દીનાબહેન રાયચૂરાએ. એમણે પોતાની વાર્તા વાંચી જેનું શીર્ષક હતું: “તેથી શું?”

કથકની પાડોશમાં રેવતી નામની એક યુવતી કામચલાઉ ધોરણે ભાડેથી રહેવા આવી છે. કથક ઓછાબોલી છે અને પાડોશણ બોલકણી છે. બંને વચ્ચે ધીમે ધીમે પરિચય વિકસે છે. રેવતી એક સમયે આરજે હતી, હજી પણ એ મીડિયામાં ચમકતી રહે છે. ક્થકને ખ્યાલ આવે છે કે રેવતી મીડિયાના જ રાજીવ નામના એક જાણીતા પણ પરિણીત પુરુષ જોડે સંબંધમાં છે. “આવું તો આજકાલ ચાલ્યા કરે.” કથક વિચારે છે.

એક દિવસ રેવતી થોડીક વધુ વાતો કરે છે, કોઈ પાર્ટીમાં કોઈએ એનો પરિચય “રાજીવની મિસ્ટ્રેસ” તરીકે કરાવ્યો એવી વાત કરી. પછી એક વાર એણે વાત કરી કે કોઈક પ્રસંગે રાજીવની પત્ની અને એ (રેવતી) સામસામા થઈ ગયાં. ત્યાં રાજીવની પત્નીએ હુંકાર કર્યો કે “રેવતી, તારા અને રાજીવના સંબંધ જે હોય તે પણ એની પત્ની તો હું છું!”

જવાબમાં રેવતીએ કહ્યું: “તેથી શું?”

એ પ્રસંગે રાજીવની પત્નીની બોલતી બંધ થઈ હતી કે નહીં તે આપણે જાણતા નથી પણ અહીં વાર્તામાં કથકની બોલતી બંધ થઈ જાય છે. એને યાદ આવી જાય છે એની પોતાની સાથે શું બનેલું તે. એના પતિ મકરંદની પણ એક ગર્લફ્રેન્ડ હોય છે, કાવ્યા, એક પ્રસંગે એ કાવ્યાએ પણ અદ્દલ આ જ શબ્દો ક્થકને સંભળાવ્યા હતાં: “તેથી શું?”

--કિશોર પટેલ, 28-03-23; 12:33

###

            

    

Friday 24 March 2023

અખંડ આનંદ ફેબ્રુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

અખંડ આનંદ ફેબ્રુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૮૮ શબ્દો)

રહેઠાણ (રેણુકા દવે):

વરિષ્ઠ નાગરિકની સમસ્યા. બે દીકરા અને એક દીકરીના પિતા મોટા દીકરા જોડે રહે છે. પત્નીના મૃત્યુ પછી આ વડીલ એકલતા અનુભવે છે. મોટી વહુના કર્કશ સ્વભાવના કારણે નાના દીકરા-વહુ  અને દીકરી સહુએ પિતાને મળવા આવવાનું ઓછું કરી નાખ્યું છે. છેવટે વડીલ સામે ચાલીને વૃધ્ધાશ્રમમાં દાખલ થઈ જાય છે.

વાર્તાની સામગ્રી અને રજૂઆત બંને સામાન્ય. 

બંજરમાં બોયેલું બીજ... (યોગેશ પંડયા):

એક શિક્ષકે અભણ શ્રમજીવીના પુત્ર રઘલાને નિશાળમાં દાખલ કરીને ભણાવવાની પહેલ કરી અને પરિણામે એ રઘલાએ શિક્ષિત બની આર્થિક-સામાજિક રીતે પ્રગતિ કરી. મોટા થયા પછી રઘલો પોતાને ભણતો કરનાર શિક્ષકનું ઋણસ્વીકાર કરે છે.

સાધારણ રજૂઆત.  

અમારા મગનકાકા (વસુધા ઈનામદાર):

માંદા પડેલા કાકાને હોસ્પિટલમાં વિદાય કરતી વેળા કાકી બોલ્યા, “સાજા થઈને આવજો, ના આવો તો જય શ્રીકૃષ્ણ!” કાકા પાછા ના આવ્યા!

“સત્ય કડવું લાગતું હોય છે અને અસત્ય મીઠું લાગતું હોય છે.” જેવી ઉક્તિ અધોરેખિત થાય છે. સામગ્રી અને રજૂઆત બંને સામાન્ય.  

નાનુ (પ્રિયદર્શના દિપક ત્રિવેદી):

સમાજસેવાની વાત.

“નાનાં બાળકો પાસે મજૂરી કરાવીને તમે બાળમજૂરી પ્રતિબંધ કાયદાનો ભંગ કરો છો.” એવું કહીને એક સમાજસેવિકા એક હોટલમાલિકને દબડાવે છે. હકીકતમાં એ હોટલમાલિક અનાથ બાળકોને સ્વનિર્ભર બનવામાં મદદ કરતો હોય છે અને એમનાં ભણતરની પણ વ્યવસ્થા કરતો હોય છે. સત્યની જાણ થતાં સમાજસેવિકા હોટલમાલિકની માફી માંગે છે.

વાર્તા તરીકે આ રચના નાની અને લઘુકથા તરીકે મોટી છે. ટૂંકાવીને સરસ લઘુકથા બનાવી શકાય.     

કઠણાઈ કરમની (લિયાકતહુસેન ધારાણી):

ગામલોકોએ પકડેલા ચોરને નિશાળના ઓરડામાં પૂરી દેવામાં આવે છે. એની ચોકી કરતા શિક્ષકને જાણ થાય છે કે એ બિચારાએ તો વખાના માર્યે દુકાનેથી લોટની ચોરી કરી છે. શિક્ષક એને ભાગી જવા દે છે. 

આ રચના પણ વાર્તાને બદલે લઘુકથા તરીકે યોગ્ય છે, ટૂંકાવીને રજૂ કરી શકાય.  

સમદુખિયા (ડો.નવીન વિભાકર):

વિમાન અકસ્માતમાં યુવાન પુત્રને ગુમાવી બેઠેલ વરિષ્ઠ નાગરિક રસ્તા પર નાળિયેરપાણી વેચતી એક અનાથ બાળકીને આશરો આપે છે. એકબીજાના સ્વજનની ગરજ સારતાં આ બે જણની વાત માટે “સમદુખિયા” શીર્ષક સાર્થક થાય છે.      

“શિવાંગીને સારાં દિવસો જાય છે.”  એવું અંગ્રેજીમાં કહેવા માટે શિવાંગી ઈઝ “એક્સ્પેકટિંગ.” કહેવું જોઈએ અને  નહીં કે “એકસેપ્ટિન્ગ”. આ કદાચ છાપભૂલ હોઈ શકે અથવા પ્રૂફરીડીંગમાં સુધારવાનું રહી ગયું હોય એવું બને.   

લઘુકથાઓ

ખોટું તો થતું હશે! (તુલસીભાઈ પટેલ): વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં સુધારા કરીને નબળા વિદ્યાર્થીને પાસ કરી દેતાં શિક્ષિકા સીધાં જ વધારે ગુણ આપતાં નથી, એ “ખોટું” કહેવાય! કટાક્ષ.

ફોટો (હરિવદન જોશી): જ્ઞાતિની બહાર લગ્ન કરવા ઘર છોડીને ભાગી ગયેલો પુત્ર પિતાને ભૂલ્યો નથી, એમની છબી સામે રોજ પ્રણામ કરે છે, સંતાનોને પણ એવા સંસ્કાર આપ્યાં છે.  સંસ્કાર.

ઈડિપસ (પ્રેમજી પટેલ): વિદ્યાર્થી પોતાનું નુકસાન કરીને પણ માબાપની સેવા કરે છે એ જોઇને શિક્ષકને પોતાના પિતાને તરછોડયા હોવાનો પશ્ચાતાપ થાય છે. દોષભાવના.

રોબોટની કિંમત (પ્રકાશ કુબાવત): સ્ત્રીને ગુલામ સમજતાં પુરુષો પ્રતિ કટાક્ષ.

ધારણા (મહેબુબ અ. સૈયદ): ચૂંટણી જીતેલા નેતા જનતાની સુવિધા માટેનાં કામ માટે મળતી લાંચની રકમ ઠુકરાવી દઈને સેવાભાવનાનો પોતાનો હેતુ સ્પષ્ટ કરે છે.        

-કિશોર પટેલ, 25-03-23; 09:38

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

Sunday 19 March 2023

નવનીત સમર્પણ ફેબ્રુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ





નવનીત સમર્પણ ફેબ્રુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૨૬ શબ્દો)

ગુલાબી હવા (પન્ના ત્રિવેદી):

નારીચેતનાની વાર્તા.

સંબંધોમાં સ્પષ્ટતા. માનસી અને સંજીવ એકબીજાનાં પ્રેમમાં છે પણ વિચારભેદના કારણે તેઓ લગ્ન અંગે કોઈ નિર્ણય પર આવી શકતાં નથી. માનસીનું વલણ સ્ત્રીસ્વાતંત્ર્ય પ્રતિ ઢળેલું છે જેની સામે સંજીવને વાંધો છે. આ પરિસ્થિતિમાં માનસી સમાધાન કરવાનું વિચારે છે કારણ કે એને સંજીવ જોડેનો સંબંધ ટકાવી રાખવો છે. પણ કંઇક એવું બને છે કે માનસીને ચોક્કસ નિર્ણય લેવાની ફરજ પડે છે. એને સમજાય છે કે સમાધાન કરવાની પણ એક હદ હોય છે.

પ્રભાવી રજૂઆત, સારી વાર્તા.  

ધુમ્મસ (જયંત રાઠોડ):

અતિ વાસ્તવવાદની વાર્તા. પહાડી વિસ્તારમાં ટેક્સી ચલાવતા રામસિંઘને એના કાકાએ કહેલું કે સવારમાં જો કાળો કૂકડો દેખાય તો પહાડ ઊતરવો નહીં. એક સવારે કાળો કૂકડો જોયા પછી પણ રામસિંઘ કાકાની શિખામણને અવગણે છે. એ દિવસે એક પ્રવાસી જોડે એને ભારે અજબગજબ અનુભવો થાય છે.

રોમાંચક રજૂઆત. આપણે ત્યાં અતિ વાસ્તવવાદની વાર્તાઓ ખાસ લખાતી નથી એ સ્થિતિમાં આ વાર્તાનું સ્વાગત છે.     

નોકરી (હિરેન દેસાઈ):

દાંપત્યજીવનમાં પતિ દ્વારા વિશ્વાસઘાત.

માતાપિતાના વિરોધને અવગણીને રોશનીએ સામાન્ય સ્થિતિના રઘુવીર જોડે પ્રેમલગ્ન કર્યા હતાં. આખો દિવસ ઘરમાં રહીને કંટાળતી રોશનીને રઘુવીર નોકરી કરવાની મંજૂરી આપતો નથી. અમદાવાદની કોઈ કન્યા જોડે બીજા લગ્ન કરવા પૂર્વસૂચના આપ્યા વિના એ રોશનીને છૂટાછેડા આપવાનો હતો. પણ એવું આત્યંતિક પગલું એ લઈ શકે એ પહેલાં અકસ્માતમાં એનું મૃત્યુ થઈ જાય છે. અમદાવાદમાં રહેતી રઘુવીરની પ્રેયસીના પત્ર દ્વારા રોશનીને આ સમાચાર રઘુવીરના મૃત્યુ પશ્ચાત મળે છે. પતિની દગલબાજીની રોશની પર માનસિક અસર થાય છે.  

પ્રવાહી અને રસાળ રજૂઆત.   

તણખા હેઠળની ટાઢાશ (ચંદ્રિકા લોડાયા):

દાંપત્યજીવનની ખાટીમીઠી વાતો.

એક વરિષ્ઠ દંપતીની વાત. વાર્તા બે ભાગમાં રજૂ થઈ છે. પહેલા ભાગમાં કથક પતિ છે અને બીજા ભાગમાં પતિના અવસાન બાદ પત્ની કથક છે. બંનેની વાતોમાં એકબીજા પ્રત્યેની લાગણી અને ફરિયાદોની રજૂઆત થઈ છે.

સામગ્રીમાં કે રજૂઆતમાં વિશેષ નવીનતા નથી.

--કિશોર પટેલ, 20-03-23; 10:41   

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Thursday 16 March 2023

પરબ જાન્યુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

પરબ જાન્યુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૮૬ શબ્દો)

ચકરાવો (ગોરધન ભેસાણિયા):

દામો જુએ છે કે ખેતીમાં કાળી મજૂરી કરીને માંડ રોટલા ભેગાં થવાય છે જયારે બાવાઓને મફતમાં મળી રહે છે. લાલચમાં આવીને દામો ઘર-બાર, માબાપ અને પત્નીને છોડીને બાવાઓની જમાતમાં દાખલ થઈ જાય છે. મોટા બાવાઓની ચાકરી કરવાનાં કામથી માંડીને છેવટે બીજા એક ગામમાં એણે ખેતરમાં પંખી ઉડાડવા પડ્યાં, જે કામ એ પોતાનાં ખેતરમાં પહેલાં પણ કરતો હતો. એણે જે ઘરવાળીએ એણે છોડેલી તે બીજી વાર પરણીને એ ગામમાં હતી, એ દામાને સંભળાવે છે કે અલ્યા, આ જ કામ કરવું હતું તો ઘેરથી ભાગ્યો હતો શું કામ? જે હતું એ શું ખોટું હતું? મા-બાપને રખડાવ્યાં ને બૈરીને બે ભવ કરાવ્યાં, ફાયદો શું થયો?

દામાનો “ચકરાવો” પૂરો થાય છે. આમ વાર્તાનું શીર્ષક અહીં સાર્થક થાય છે.  વાર્તામાં સંદેશ એ છે કે પૂરતો વિચાર કર્યા વિના સાહસ ના કરવું, માણસ નથી રહેતો ઘરનો કે ના ઘાટનો!

સમય, તું થોભી જા! (મૂળ મરાઠી વાર્તા: માધુરી શાનભાગ, અનુવાદ: કિશોર પટેલ):

સાયન્સ ફેન્ટેસી વાર્તા.

માણસનું યૌવન લાંબો સમય ટકાવી રાખવાના પ્રયોગોમાં પ્રો. પટવર્ધન લગભગ સફળતા પ્રાપ્ત કરી લે છે. એમની પત્ની સીમાબહેનને લાગે છે કે આવી શોધ તો માનવજાત માટે હાનિકારક છે. કોઈ માણસ લાંબુ જીવે તો એના પછીની પેઢીને તક ક્યારે મળે? વળી આવી શોધ કોઈ લેભાગુ નેતા/વૈજ્ઞાનિકના હાથમાં આવી જાય તો એનો દુરુપયોગ થઈ શકે. સંપૂર્ણ માનવજાતના ભલા માટે સીમાબહેન એક જોખમી પગલું ઉપાડે છે જે પતિદ્રોહ કહી શકાય એવો અપરાધ પણ છે.

આ વાર્તા વિષે વધુ કંઈ કહેવું અનુચિત છે કારણ કે આ અનુવાદ આ લખનારે જ કર્યો છે.

--કિશોર પટેલ, 17-03-23; 10:10

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

Wednesday 15 March 2023

અખંડ આનંદ જાન્યુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

 


અખંડ આનંદ જાન્યુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૫૫ શબ્દો)

રોલ રિવર્સલ (સ્વાતિ મેઢ):

પુરુષપ્રધાન સંસ્કૃતિમાં એક સ્ત્રીની સંઘર્ષગાથા. શિક્ષિત કુંદનબહેને પરણ્યા પછી જાતને ભૂલાવી દઈને પતિ અને સાસરિયાંની સેવામાં જાતને હોમી દીધી પણ કુટુંબમાં એમની કદર થઈ નહીં. કોલેજમાં શિક્ષક એવા શિક્ષિત પતિએ કુંદનબહેનનું હંમેશા માનસિક અને શારીરિક શોષણ કર્યું. પોતાની હયાતીમાં જ પતિએ અન્ય એક સ્ત્રીને પરણી લાવીને પોતાને માથે બેસાડી એટલે નાની દીકરીને જોડે લઈ કુંદનબહેને પતિગૃહનો ત્યાગ કર્યો. કાયદાના આશરે ના જતાં આત્મનિર્ભર બની પોતાનું જીવન સંભાળ્યું અને દીકરીને ઉછેરી. મોટી ઉંમરે વિસ્મૃતિની બીમારી લાગુ પડી. પ્રસ્તુત વાર્તામાં તેઓ ઘરથી દૂર પોતાની જાતને ભૂલીને નાનાં બાળકો સાથે રમતાં હોય એવી વાર્તાક્ષણ લેખકે પકડી છે.

જમાપાસું: અંતમાં દીકરી પોતાની માતાની સંભાળ લેતી હોય એવું ઊભું થયેલું દ્રશ્ય વાર્તાના શીર્ષક “રોલરિવર્સલ” ને સાર્થક કરે છે.

ઉધારપાસું: કુંદનબહેન માટે લેખક ક્યારેક માનાર્થે સંબોધન કરે છે અને ક્યારેક તુંકારો કરે છે. આવું ના ચાલે, સંબોધનમાં એકસૂત્રતા જળવાવી જોઈએ.

ચેતના (અરુણા અરુણ ઠક્કર):

ફેન્ટેસી. નાયિકા સ્વપ્નજગતમાં વિહરે છે. એ એક એવી કલ્પનામાં રત છે કે જાણે પોતે એવી દુકાનમાં હોય જ્યાંથી એને પસંદ પડેલી વસ્તુઓ જોઈએ એટલી માત્રામાં એ ઉપાડી શકે છે. મોંઘામાંના વસ્ત્રો અને સોનાચાંદીનાં ઘરેણાં એ એક બેગમાં ભેગાં કરે છે, બેગ પણ એવી મળી છે કે ભરાતી જ નથી! છેવટે બધું એમ જ મૂકીને નાયિકા બહાર નીકળી જાય છે, ખુલ્લી હવામાં ડુંગરા પર વિવિધરંગી ફૂલોના બગીચામાં પતંગિયાઓ સાથે અને પંખીઓના ટહુકાઓની વચ્ચે એ રમણ-ભ્રમણ કર્યા કરે છે.  છેવટે નાયિકા એવી સ્થિતિએ પહોંચે છે કે એને કોઈ વસ્તુનો મોહ રહેતો નથી અને એટલે એ દિવ્ય ચેતના પ્રાપ્ત કરે છે.    

આવો ને ગિરધારી (ચંદ્રિકા લોડાયા):

સંઘર્ષ વાર્તાનો પ્રાણ કહેવાય છે. આ વાર્તામાં સંઘર્ષ ગેરહાજર છે. વાર્તામાં જ્યાં તક હતી ત્યાં પણ લેખક ચૂકી ગયાં છે. દીકરો માતા-પિતાને અન્યાય કરે છે પણ એમને એનો કોઈ રંજ નથી. આમ લેખક વાર્તા બનાવતાં ચૂકી ગયાં છે.    

જીવનની તડકીછાંયડી વેઠીને માબાપ દીકરાને ભણાવે છે, વિદેશ મોકલે છે, પરણાવે છે અને અને એના સંસારમાં સ્થિર કરે છે. દીકરો અમેરિકામાં સહકુટુંબ સુખચેનથી રહે છે પણ માતાપિતા દેશમાં હજી ભાડાના ઘરોમાં દર અગિયાર મહિને અહીંથી ત્યાં ટીચાય છે. માતાપિતાને ઘર ખરીદી આપવાનું દીકરા પાસે બજેટ નથી! આમ દીકરા પ્રત્યે અભાવ થાય એવા કારણો હોવા છતાં માતા-પિતાને કોઈ ફરિયાદ નથી! વાર્તા કેમ બનતી નથી એનું આ એક અગત્યનું કારણ.

દીકરાને તો નહીં પણ લેખકને પ્રકાશભાઈ માટે સહાનુભૂતિ છે. વડીલોએ ભૂતકાળમાં ક્યારેક વસાવેલી જમીનના કાગળિયાં લેખક પ્રકાશભાઈના હાથમાં મૂકાવે છે જેનાં કરોડો રૂપિયા ઉપજે છે. પ્રકાશભાઈ સારી સોસાયટીમાં મોટો ફ્લેટ ખરીદે છે અને દીકરાને વિડીયો કોલ કરીને ફ્લેટનું દર્શન કરાવીને વધામણી ખાય છે કે એમણે યુરોપ ફરવા જવાનું આયોજન પણ કર્યું છે!

નવું ફ્રોક (કિશોર વ્યાસ):

શ્રમજીવી અને નિર્ધન માધુ મા વિનાની દીકરી માટે નવું ફ્રોક ખરીદી શકતો નથી. દીકરીને ખુશ રાખવા માધુના મનમાં ચોરી કરવાનો વિચાર આવે છે. મુખીને બકરી ચોરીછૂપીથી વેચવા જતાં એ પકડાઈ જાય છે ને મુખીના હાથે ઢોરમાર ખાય છે. મુખીની પત્ની વચ્ચે પડીને માધુને માર ખાતો બચાવે છે. ચોરી પાછળનું સાચું કારણ જાણીને મુખીની પત્ની પોતાની મૃત દીકરીના નવા નવા ફ્રોકની આખી પેટી માધુને હવાલે કરી દે છે.

વાર્તામાં ગરીબી, લાચારી, લાલચ,  કરુણા અને માનવતા જેવી માનવીય લાગણીઓનું આલેખન થયું છે.  

ખલેલ (ગોરધન ભેસાણિયા):

ગામની ભાગોળે મળી આવેલા એક નિરાધાર નવજાત બાળકને ગામનું કોઈ માણસ કાયદાની બીકે હાથ લગાવવા તૈયાર ન હતું ત્યારે મંદિરના ઓટલે પડયા રહેતા સાધુએ એ બાળકની સુશ્રુષા કરી અને તેને જીવતદાન આપ્યું.  એ પછી ગામલોકોમાં એ સાધુ પ્રતિ ભક્તિભાવ જનમ્યો. ગામલોકો સાધુ માટે પાકી ઓરડી બનાવી આપવાનું આયોજન કરે છે, સામાનની ખરીદીની આગલી રાતે સાધુ ગામ છોડીને અદ્રશ્ય થઈ જાય છે. પ્રભુભક્તિમાં એને આવી સંસારિક મોહમાયારૂપી “ખલેલ” જોઈતી ન હતી.

અવસ્થા (મોના જોશી):

રજૂઆત રસપ્રદ છે પણ આ વાર્તામાં કહેવાયેલી વાત વિવાદાસ્પદ છે. સભાનતાપૂર્વક એક અવસ્થા પ્રાપ્ત કરવી એક વાત છે અને શારીરિક/માનસિક રીતે વિસ્મૃતિના શિકાર બનવું બીજી વાત છે.

લઘુકથા:  

વાતનો વિસામો (પ્રજ્ઞા પટેલ):

ગામનાં રખડતાં મૂંગા જીવોને આશરો આપતાં મધુબા નામનાં એક વરિષ્ઠ મહિલાની વાત.

--કિશોર પટેલ, 16-03-23; 10:02

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

     


કાલીનામાં શરીફાબેન વીજળીવાળાનાં વ્યાખ્યાનો ૯-૧૦ માર્ચ ૨૦૨૩


કાલીનામાં શરીફાબેન વીજળીવાળાનાં વ્યાખ્યાનો ૯-૧૦ માર્ચ ૨૦૨૩

(૬૦૩ શબ્દો)

ગુરુવાર ૯ માર્ચ ના રોજ સંજોગવશાત હું હાજરી આપી શક્યો નહીં. શુક્રવારે તા. ૧૦ માર્ચ ૨૦૨૩ ના દિવસે બપોરે હું કાલીના ખાતે મુંબઈ વિદ્યાપીઠના વૃક્ષાચ્છાદિત વિશાળ કેમ્પસમાં રાનડે ભવનમાં શરીફાબેનના વ્યાખ્યાનનો વિષય હતો:

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં સ્ત્રીની છબી.

સુનીતા દેશપાંડે કૃત આત્મકથા “આહે મનોહર તરી...” નો અછડતો ઉલ્લેખ કર્યા પછી (કદાચ આગલા દિવસે એ આત્મકથા વિષે તેઓ વિગતે બોલ્યાં હશે) તરત શરીફાબેન ઈસ્મત ચુગતાઈની આત્મકથા “કાગજી હૈ પેહરન” તરફ વળી ગયાં.

શરીફાબેને કહ્યું કે પોતાની આત્મકથામાં ઈસ્મત ક્યાંય રોદણાં રડ્યાં નથી. ઘરમાં દસ ભાઈઓ-બહેનો વચ્ચે પોતાના હક્કનું એમણે લડી-ઝઘડીને મેળવ્યું.    

પોતાનાં બાળપણનો એક કિસ્સો નોંધતાં ઈસ્મત કહે છે કે પાડોશનાં એક ગરીબ હિંદુ પરિવારની દીકરી પરણીને સાસરે ગઈ.  ત્યાં સાસરિયાં એને ખૂબ ત્રાસ આપતાં હતાં. થોડાંક સમય પછી ખબર મળ્યા કે એ ધૂણવા લાગી છે. એના અંગમાં માતાજી આવવા લાગ્યાં છે. એક વાર એ પિયરમાં આવેલી ત્યારે ઇસ્મતે એને માતાજી વિષે પૂછયું. પેલીએ કહ્યું, “કંઈ નહીં, એ તો હું એવો ઢોંગ કરું છું, માતાજીના બહાને મારી સાસુને ગડદાપાટુનો માર મારી લઉં છું!” ઈસ્મત કહે છે કે “આ વાતમાં મને ઘણી મઝા પડી. સ્ત્રીએ આવા હોવું જોઈએ, એક યા બીજા પ્રકારે પ્રતિકાર કરવો જોઈએ, બદલો લેવો જોઈએ, પોતાની પર થતાં જુલ્મો ચૂપચાપ સહન કરવાં જોઈએ નહીં.”

ઈસ્મત નોંધે છે કે એ સમયે એવું કહેવાતું કે સ્ત્રીઓનો વેપાર કરવો ખરાબ વાત છે પણ સ્ત્રીઓને ભણાવવી એટલે વધારે ખરાબ વાત કહેવાય! સ્ત્રીઓને ભણાવવી એટલે બગાડી મૂકવી એવું કહેવાતું. ઈસ્મત ભણવા ઈચ્છતા હતાં પણ ઘરનાં સહુ તેઓ શિક્ષણ મેળવે એ વાતનાં વિરોધી હતાં! એવા વાતાવરણમાં ઇસ્મતે લડી ઝઘડીને ભણવાનો હક્ક મેળવ્યો હતો.

ઈસ્મતથી દોઢેક વર્ષ મોટોભાઈ (જેનું નામ શમીમ હતું) આવારાગર્દી કરતો પણ ઘરમાં કોઈ એને કંઈ કહેતું નહીં. ઈસ્મત દલીલ કરતી કે શમીમને આવારાગર્દી કરીને પોતાની જિંદગી બગાડવાનો હક્ક છે અને પોતાને ભણીગણીને જિંદગી બનાવવાનો હક્ક કેમ નથી?

#

મન્નુ ભંડારી અને રાજેન્દ્ર યાદવ હિન્દી ભાષાનાં અતિશય જાણીતા સાહિત્યકાર દંપતી હતાં. મન્નુ ભંડારીની આત્મકથાનું શીર્ષક છે: “એક કહાની યહ ભી.”

સુવિદિત છે કે રાજેન્દ્ર યાદવ હંમેશા સ્ત્રી સ્વાતંત્ર્યનો ઝંડો લઈને ફર્યા છે. એ એમનો જાહેર ચહેરો હતો. પણ આચરણમાં, અંદરખાને,  ઘરની અંદર તેઓ પરંપરાગત પુરુષપ્રધાન સંસ્કૃતિના પુરસ્કર્તા હતા. ઘરની કોઈ જવાબદારી તેઓ ઉપાડતા નહીં, બધું મન્નુ જોતાં. ઘર/દીકરીનો ઉછેર બધું જ. રાજેન્દ્ર યાદવના લગ્નબાહ્ય સંબંધ હતા. કોઈક મિત્રે એમને પૂછયું હતું, તમારો પ્રેમ “મિસ ક્ષ” જોડે છે તો પછી તમે મન્નુને પરણ્યા જ શું કામ? સીધું “મિસ ક્ષ” ને જ પરણવું હતું ને? રાજેન્દ્ર યાદવે કબૂલ કર્યું હતું કે “હા, મારો પ્રેમ “મિસ ક્ષ” પ્રતિ છે, પણ શું છે કે ગૃહિણી તરીકે “મિસ ક્ષ” તદ્દન ઠોઠ છે, એ જવાબદારી તો મન્નુ જ સારી રીતે નિભાવે છે.”

આ ઉપરાંત શરીફાબેન મન્નુ ભંડારીના એક શિષ્યા પ્રભા ખેતાનની આત્મકથા “અન્યાયે અનન્યા”, મરાઠી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી હંસા વાડકરની આત્મકથા “સાંગતે ઐકા” (જેનાં પરથી શ્યામ બેનેગલે સ્મિતા પાટીલ અભિનીત હિન્દી ફિલ્મ “ભૂમિકા” બનાવેલી), જાણીતી ઓડીસી નૃત્યાંગના અને ફિલ્મ અભિનેત્રી પ્રોતિમા બેદીની આત્મકથા વિષે પણ બોલ્યાં.

શરીફાબેને જણાવ્યું કે વામા નામની દક્ષિણ ભારતની એક લેખિકાએ એમની આત્મકથા “કર્ણફૂલ” માં અસ્પૃશ્યતાના ભયાનક અનુભવો લખ્યાં છે.     

#

સમાજકેન્દ્રી નવલકથાઓ વિષે વાત કરતાં શરીફાબેને નીચે જણાવેલી કૃતિઓની ચર્ચા કરી હતી:

૧. તારાશંકર બંદોપાધ્યાયની “ગણદેવતા”: બંગાળના ગામડાંઓમાં સ્ત્રીઓની સ્થિતિ વિષે.  

૨. રાહી માસુમ રઝાની “આધા ગાંવ”: આઝાદી પછીના પહેલા દાયકામાં જમીનદારી વ્યવસ્થામાં સ્ત્રીઓની સ્થિતિ વિષે.

૩. ફણીશ્વરનાથ રેણુની “મૈલા આંચલ”: “ભારત છોડો” આંદોલનની પાર્શ્વભૂમિમાં ઉત્તર-પૂર્વના ગામડાઓમાં ભૂમિહીનો અને સ્ત્રીઓની સમસ્યાઓ વિષે.

૪. કૃષ્ણા સોબતીની “જિંદગીનામા”: વીસમી સદીના પૂર્વાર્ધમાં ભાગલા પૂર્વેના પંજાબમાં સ્ત્રીઓની સ્થિતિ વિષે.

#

બે દિવસની વ્યાખ્યાનમાળાનું સમાપન કરતાં શરીફાબેને અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું આ ચર્ચાઓમાં ગુજરાતી સાહિત્યનાં બે–ત્રણ અપવાદ સિવાય ખાસ કોઈ પુસ્તકની ચર્ચા હું કરી શકી નથી કારણ કે આપણે ત્યાં આ દિશામાં ખાસ લખાયું નથી.  અલબત્ત,  રાજકીય પૃષ્ઠભૂમિની નવલકથા માટે રઘુવીર ચૌધરીના પ્રદાનની એમણે નોંધ લીધી હતી.

 --કિશોર પટેલ, 15-03-23; 12:20         

###