Thursday 27 October 2022

એક મૂંઝવણ

 

એક મૂંઝવણ

(૧૨૫૮ શબ્દો) 

સામયિકમાં પ્રસિદ્ધ થતી સામગ્રી માટે જે તે લેખકોને પુરસ્કાર મળવો જોઈએ કે નહીં?

મિત્રો, આપ સહુ જાણો છો એમ આપણા સામયિકોમાં પ્રસિદ્ધ થતી ટૂંકી વાર્તાઓ વિષે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી હું ફેસબુક પર નોંધ મૂકતો આવ્યો છું. પ્રવૃત્તિ પર અસર થાય એવી એક મૂંઝવણ મારી સામે ઊભી થઈ છે

ભૂતકાળમાં ગામડે ગામડે ફરતાં કથાકારોને કથા કરવા બદલ ગ્રામજનો દ્વારા અનાજ/વસ્ત્રો/રોકડ રકમ રૂપે પુરસ્કાર/બક્ષિસ/મહેનતાણું મળતું. રાજારજવાડાના સમયમાં રાજા દ્વારા રાજકોષમાંથી પુરસ્કાર/બક્ષિસ/વર્ષાસન અપાતું. હવે લોકશાહીમાં મુક્ત વ્યાપાર પધ્ધતિમાં સામયિક ક્ષેત્રે સામયિકના પ્રકાશક/માલિક અને પુસ્તકપ્રકાશન ક્ષેત્રે પ્રકાશક દ્વારા રોકડ રકમ રૂપે પુરસ્કારની ચૂકવણી થાય છે. લેખક પોતે પ્રકાશન કરતો હોય ત્યારે પુસ્તકનાં વેચાણની રકમ એ સીધી મેળવતો હોય છે.

એક મરાઠી વાર્તાના અનુવાદની મને મંજૂરી આપતાં એ મરાઠીભાષી લેખકે ઈચ્છા વ્યક્ત કરી કે અનુવાદના પુરસ્કારમાંથી અડધી રકમ મારે એમને આપવી. અનુવાદિત વાર્તા સાથે એ મંજૂરીપત્ર બીડીને એક સામયિક પર પ્રસિદ્ધિ અર્થે મોકલી ત્યારે તંત્રી/સંપાદકે મૂળ લેખકનો મંજૂરી-પત્ર જોયો/વાંચ્યો હશે. એમને ખ્યાલ આવ્યો હશે કે મૂળ લેખકે પુરસ્કારમાંથી અડધી હિસ્સાની માંગણી કરી છે. વાર્તા વાંચતા પહેલાં જ એ તંત્રી/સંપાદકે મને ફોન કરીને મને પૂછ્યું કે લેખક જોડે પૈસા બાબતે કોઈ વાત તો થઈ નથીને? એમણે ચોખવટ કરી કે તેઓ કોઈ લેખકને પુરસ્કાર આપતા નથી. એમના સામયિકની એવી નીતિ નથી.

મને આઘાત લાગ્યો. પ્રમાણમાં મારી વાર્તાઓ ઓછી પ્રસિદ્ધ થઈ છે પણ આજ સુધી આવું કોઈ તંત્રી/સંપાદકે મને કહ્યું ન હતું. આ વાત જ મારા માટે નવી હતી. મને આ વાત ઘણી જ અકારી લાગી. મેં એમને કહ્યું કે પુરસ્કાર ના આપવાના હો તો મેં મોકલેલ અનુવાદ  પ્રસિદ્ધ ન કરશો.

પુરસ્કાર ના આપવાની વાતનો મને એવો ઝટકો લાગ્યો કે એના પ્રત્યાઘાતરૂપે એક પોસ્ટ મેં ફેસબુક પર મૂકી. એમાં મેં લખ્યું કે હું આ સામયિકનો બહિષ્કાર કરીશ અને એમાં પ્રગટ થતી વાર્તાઓની નોંધ હું નહીં લઉં.

આ પોસ્ટને સારો પ્રતિસાદ મળ્યો. ઘણા મિત્રોએ ટિપ્પણી કરી કે લેખકોના પક્ષે ઊભા રહેવું સરાહનીય બાબત છે. તો વળી કેટલાક લેખકોએ ટિપ્પણી અને ઇનબોક્સમાં જણાવ્યું કે ભાગ્યે જ કોઈ સામયિક વાર્તા માટે પુરસ્કાર આપે છે!

એક વરિષ્ઠ લેખકે મને ફોન પર કહ્યું કે કિશોરભાઈ, તમે આવો અભિગમ રાખશો તો સાંપ્રત ટૂંકી વાર્તાઓની નોંધ લેવાની વાત તમારે ભૂલી જવી પડશે. કારણ કે આપણે ત્યાં મોટાભાગના સામયિકો પુરસ્કાર આપતાં નથી.

મિત્રો, હું દુવિધામાં પડ્યો છું. મારે શું કરવું જોઈએ?

પુરસ્કાર ના આપતા સામયિકોનો મારે બહિષ્કાર કરવો જોઈએ કે નહીં?

આમ તો આ એક જ પ્રશ્ન લાગે છે

પણ આ પ્રશ્ન પોતાનામાં અનેક પેટાપ્રશ્ન ધરાવે છે

) સાહિત્યનું સર્જન (વાર્તા/કવિતા/સમીક્ષા/નિબંધ/રસાસ્વાદ કોઈ પણ વિધા) કરતા લેખકોને પુરસ્કાર મળવો જોઈએ કે નહીં?

અહીં પુરસ્કાર સંજ્ઞા ગેરમાર્ગે દોરે છે. પુરસ્કારનો અર્થ ઈનામ કે ઉત્તેજન આપવું એમ થાય છે. સાહિત્ય કર્મ કરનારને ઇનામ કે ઉત્તેજન આપવાની વાત પછી પહેલા તેના કામ બદલ તેને મહેનતાણુ મળવું જોઈએ. ઈનામ કે ઉત્તેજન માટે થતી પ્રવૃત્તિ અને મહેનતાણા યોગ્ય થતી પ્રવૃત્તિ એક સમાન નથી હોતી. પહેલાં એ સમજી લઈએ કે સાહિત્યસર્જન એ મહેનતનું કામ છે કે નહીં? અને જો મહેનતનુ કામ હોય તો એ કામ બદ્દલ મહેનતાણુ મળવું જોઈએ કે નહીં

પુરસ્કાર એ નસીબની વાત છે. ઉત્તેજન આપવામાં કોઈ પ્રતિબદ્ધતા નથી. કોઈ માણસ કશુંક કામ કરે અને તે ઈનામને યોગ્ય હોય તો એને ઈનામ મળે અને ઈનામને યોગ્ય ન લાગે તો ઇનામ ન પણ મળે. કોઈ માણસ કોઈ કામ કરે અને તે ઉત્તેજન આપવા યોગ્ય લાગે તો લોકો તેને ઉત્તેજન આપે અને એવું ન લાગે તો ઉત્તેજન ન પણ આપે. આમ થાય ત્યારે કામ કરનાર માણસ સ્પષ્ટ હોય છે કે તેને ઈનામ/ઉત્તેજન મળી પણ શકે અને ન પણ મળી શકે. કશું પણ સંભવ છે.  

પણ જ્યારે કોઈ માણસ મહેનત કરે ત્યારે એમાં એના વળતરની સ્થિતિ ‘સંભાવના’ તરીકે નથી હોતી. એક કઠિયારો જ્યારે લાકડા કાપે ત્યારે તેની પાસે લાકડા કપાવનાર મજૂરી ચૂકવતી વખતે તેણે કાપેલા લાકડાની ડિઝાઇન જોઈ તેને પૈસા ચૂકવવા જોઈએ અથવા ના ચૂકવવા જોઈએ એવો ફેંસલો લેતો નથી. એને લાકડા કાપવાનો પુરસ્કાર નથી અપાતો, મહેનતાણું ચૂકવાય છે. અથવા ઘરે રસોઈ કરવા આવનારની પાકકળાના આધારે તેના કાર્ય/શ્રમનું મૂલ્ય અંકાતું નથી

પણ સાહિત્ય કે કળાને  આપણે આમ કૌશલ (સ્કિલ્ડ) સંબંધિત કામ સાથે સરખાવી શકીએ નહીં. કળાકારને એની કળાના દર્જા અનુસાર આર્થિક વળતર મળે છે અને કૌશલ કાર્ય કરનારની મજૂરી કરતાં તે અનેકગણું વધુ હોય છે. માન્ય. તેમ છતાં અહીં સંદર્ભ લેવાનું કારણ છે. કળાકારની કળાક્ષમતા સિદ્ધ થયા બાદ જ તેને મ્હોં માગ્યા દામ મળે છે. એની કળાક્ષમતા સિદ્ધ થાય ત્યાં સુધી એને મજૂરી જેટલા પણ પૈસા નથી મળતા! અહીં સંતુલન ખોરવાય છે. કળાકાર જ્યારે કોઈ કળાકૃતિ સર્જે છે ત્યારે એની કળાકીય ગુણવત્તા સાબિત થાય ત્યારે જ તેનું મૂલ્ય થઇ શકે એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે કલાકાર કળાકૃતિ  સર્જે છે ત્યારે એની કળાક્ષમતા ઉપરાંત એનો સમય અને શારીરિક શ્રમ પણ એમાં ખર્ચાય છે. માટે કળાકારની કૃતિની કળાકીય ગુણવત્તા સાબિત થાય ત્યારે ભલે એને કળાની  દ્રષ્ટિએ ઉચિત માનધન મળે પણ એ સાબિત થાય ત્યાં સુધી એના સમય અને શ્રમનું તો મૂલ્ય ચૂકવાવું જોઈએ. અન્યથા એ આ વિશ્વમાં ટકશે કઈ રીતે? ટકવા માટે જો એણે કળા સિવાયની પ્રવૃત્તિ કરવી પડશે તો એની કળા માટે એ સમય અને શક્તિ કઈ રીતે બચાવશે? કેટલી બચાવશે? માટે કળાકારને મહેનતાણું (પુરસ્કાર નહીં, મહેનતાણું) મળે એ આવશ્યક છે.  

આપણા વિષય સાથે આ વાતનું અનુસંધાન કરતાં: જો નવોદિત લેખકને સામયિક કે જે કોઈ પણ તેમની કૃતિ પ્રકાશિત કરે તેણે  મહેનતાણું ચૂકવવું જોઈએ. ખરેખર તો જ્યારે કોઈ લેખકની વાર્તા કોઈ પ્રકાશન છાપવાનું નક્કી કરે છે ત્યારે જ જે તે વાર્તાનું કળામૂલ્ય સ્વીકારીને એવો નિર્ણય લે છે. તો જે લેખકની કૃતિ કળાના ધોરણે ઉત્તીર્ણ થાય છે તે રચનારને કળાનું મૂલ્ય તો ઠીક પણ તેના સમય કે શ્રમનું મૂલ્ય પણ ચૂકવાતું નથી! વક્રતા અને અસંતુલન નથી

બીજો પ્રશ્ન : લેખક કે કવિને તેની કૃતિનું મહેનતાણું ન ચૂકવવાનો નિર્ણય કઈ ભૂમિકાએ લઇ શકાય

કોઈ પણ પ્રકાશનના મુખ્ય પાસાં બે હોય છે : ૧. પ્રકાશનનું તાંત્રિક પાસું અને ૨. સર્જનાત્મક પાસું. તાંત્રિક પાસું એટલે પ્રકાશનના મુદ્રણ અને વિતરણ-વેચાણને લગતી તાંત્રિક વ્યવસ્થા. અને સર્જનાત્મક પાસું એટલે એ પ્રકાશનમાં જે કંઈ મુદ્રિત થાય તે સામગ્રી ( કન્ટેન્ટ). 

હવે તાંત્રિક પાસાને લગતા ખર્ચ દરેક સામયિક કરે જ છે. જેમ કે છપાઈ અને વિતરણ. સર્જનાત્મક પાસા બાબત સામયિક એવી અપેક્ષા શા માટે રાખે કે એના માટે કોઈ ખર્ચ ન કરવો જોઈએ

જવાબ છે : તાંત્રિક પાસા (પ્રિન્ટર અને વિતરક) મફતમાં સેવા આપવા ‘ના’ પાડી શકે છે અને ના જ પાડે. પરંતુ સર્જનાત્મક પાસાની પૂરવણી કરનારા એટલે કે લેખકો અને કવિઓ ‘ના’ પાડવાની સ્થિતિમાં નથી હોતા કેમ કે એમને એમની કૃતિ છપાય એની આવશ્યકતા છે માટે ‘વગર મહેનતાણે તો વગર મહેનતાણે છપાય તો છે!’ જેવા આશ્વાસન સાથે તેઓ પોતાની કૃતિ મફતમાં છપાવા દેતા હોય એમ બને. પણ એ થઈ  લેખક/ કવિઓની બાજુ. આ બાબતમાં પ્રકાશકોનું વલણ શું છે? શું હોવું જોઈએ? કોઈ કઠિયારો પોતાની અંગત વિવશતાને કારણે મફતમાં લાકડા કાપી આપવા તૈયાર થાય કે કોઈ રસોઈયો રસોઈ બનાવવાના મજૂરીના પૈસા કોઈક કારણોસર માંગવાની સ્થિતિમાં ન હોય તો શું આપણે એમની સેવા મફતમાં લઈશું? લેવી જોઈએ? કોઈ વિવશ વ્યક્તિનું એ શોષણ ન કહેવાય? અને કળાપ્રવૃત્તિ શોષક નીતિથી ચાલવી જોઈએ

ત્રીજો પ્રશ્ન : લેખક /કવિને આપણે ‘મફતિયા’ તરીકે મૂલવશું, એમના કળાકર્મને કોડીના મૂલ્યને લાયક પણ નહીં ગણીશું તો તેઓ જે કૃતિઓ આપશે તે કેવી હશે! અને એ ગુણવત્તા માટે જવાબદાર કોણ ગણાવું જોઈએ

મૂળ પ્રશ્ન મારો અંગત પ્રશ્ન લાગે છે પણ સંકળાયેલા પેટા પ્રશ્નો સહુ લેખકો અને વાચકોને સ્પર્શે છે. માટે અંગત લાગતો આ પ્રશ્ન મેં જાહેરમાં મૂક્યો છે. ખરેખર તો મૂળ પ્રશ્નમાંથી ઉદ્ભવેલા આ પેટા પ્રશ્નો વધુ અગત્યના છે. મારે કોઈ વાર્તાની નોંધ લખવી કે નહીં લખવી એ મુદ્દો સાવ નગણ્ય છે. પણ એ નિમિત્તે પ્રકાશમાં આવેલા આ પેટાપ્રશ્નો અતિ મહત્વનાં છે, તમને, મને, આપણા સમાજને અને ગુજરાતી સાહિત્યને એમ સહુને સ્પર્શે છે

માટે મિત્રો, મારી વિનંતી છે કે આપ સહુ આપનું મંતવ્ય જણાવો. અહીં આ પોસ્ટ નીચે ટિપ્પણીના ખાનામાં અથવા ઇનબોક્સમાં (મેસેન્જરમાં).

ક્યા સામયિકો પુરસ્કાર નથી આપતા એની માહિતી પણ તમે મને ઇનબોક્સમાં (મેસેન્જરમાં) જણાવી શકો છો.

મંતવ્ય/માહિતી આપનાર મિત્રો પોતાના નામ ગુપ્ત રાખવા ઇચ્છે તો તે અર્થાત ગુપ્ત રહેશે.

--કિશોર પટેલ, 28-10-2022; 09:05

###

(સંલગ્ન ચિત્રસૌજન્ય: Google Images)


Monday 24 October 2022

બુદ્ધિપ્રકાશ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ




 

બુદ્ધિપ્રકાશ  જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૨૭ શબ્દો)

ત્રણ જુદાં જુદાં અંકોની ત્રણે વાર્તાઓ સ્ત્રીકેન્દ્રી છે. ત્રણે વાર્તાઓમાં સ્ત્રીનું અલગ અલગ રૂપ જોવા મળે છે.

ઘર (લતા હિરાણી): પરણ્યા પછી ખાસો સમય શારીરિક અને માનસિક બંને રીતે સ્ત્રી-પુરુષ એકબીજાંથી દૂર રહે છે. પુરુષના સૂચનથી સ્ત્રી પિયરને ગામડે જાય છે. અર્થહીન લગ્નજીવનથી કંટાળીને સ્ત્રી કાયમ માટે ગામ રહેવાનું વિચારે છે ત્યાં એને ફોન પર વોઈસ મેસેજમાં પુરુષનો એકરાર સાંભળવા મળે છે. એબ છુપાવીને એની જોડે લગ્ન કરી એણે જે છેતરપીંડી કરી એ માટે એ માફી માંગે છે. સ્ત્રી ઉદાર દિલે એને માફ કરી દે છે, એની પાસે શહેર પાછા જવાનું નક્કી કરે છે પણ ત્યાં પુરુષ પોતે જ એના પિયરના ગામ પહોંચી જાય છે.  સ્વચ્છ મનનાં નિર્મળ માણસોની વાત. પ્રવાહી અને પ્રભાવી રજૂઆત.  (જુલાઈ ૨૦૨૨)

કાપો (પારુલ ખખ્ખર): સ્ત્રીને દ્વિતીય નાગરિક ગણી કાઢવાની પુરુષપ્રધાન માનસિકતા સામે વિદ્રોહ કરતી નારીની વાત. વર્ષોથી સૂક્ષ્મ ઘરેલુ હિંસાનો શિકાર બનેલી નાયિકા એક અસહાય બાળકીની મદદે મક્કમપણે ઊભી રહે છે. નારીચેતનાની વાર્તા. (ઓગસ્ટ ૨૦૨૨)

એંધાણી (કંદર્પ ર. દેસાઈ): બીજા પુરુષ બહુવચન કથનશૈલીમાં એક સ્ત્રીના પોઈન્ટ ઓફ વ્યુથી કહેવાયેલી એક પ્રેમકથા. કથક નાયકના એકપક્ષી પ્રેમમાં છે. નાયક સ્ત્રીમાત્રને બીજા દરજ્જાની ગણે છે. આમ છતાં એની એક અમીનજર માટે કથક આખું જીવન તલસે છે. નાયકના મનમાં શું છે તે કળાતું નથી. છેવટે એ કથક સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે ખરો પણ એ ચોક્કસ હેતુથી મૂકાયેલો પ્રસ્તાવ છે. જેમનાં માટે સામાજિક કાર્ય કરવું છે એ સ્ત્રીઓ નાયક અપરિણીત હોવાથી એની ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકતી નથી. ખેર, કથક મનોમન આશ્વાસન લે છે કે એ અન્ય કોઈને પણ પસંદ કરી શક્યો હોત, સહુને છોડીને એની પાસે આવ્યો એ શું ઓછું છે?

અંતમાં ક્થકે નાયક્ના પ્રસ્તાવને ફગાવી દીધો હોત તો કંઇક જૂદું, કંઇક અણધાર્યું બન્યું હોત.

નારીચેતનાની ના બનતાં સ્ત્રીસમસ્યાની બની રહેલી એક સક્ષમ વાર્તા. (સપ્ટેમ્બર ૨૦૨૨)

--કિશોર પટેલ, 25-10-22; 09:45

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Saturday 22 October 2022

શબ્દસર જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ




 

શબ્દસર જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૯૫ શબ્દો)

જુલાઈ અંકમાં એક સરસ વાર્તા રજૂ થઈ છે.

સળિયા (વંદના શાન્તુઈંદુ):

મધુબેન નામનાં વયસ્ક મહિલાએ આખી જિંદગી સાસુનો તાપ સહન કર્યો છે. પાછલી જિંદગીએ એમનાં મગજ પર અસર થઈ ગઈ છે. સળિયા કે સળિયા જેવું કંઈ દેખાય તેની ગણતરી કરવા માંડે છે. મધુબહેનના દીકરો-વહુ અમેરિકા રહે છે. એમણે મધુબહેનની દેખરેખ માટે ચોવીસ કલાકની એક કેરટેકર રાખી છે.

એક નિયમિત મુલાકાતમાં મધુબહેનના ડોક્ટર કહે છે કે મધુબહેનને હવે સારું છે અને કેરટેકરે એમની જોડે રહેવાની હવે જરૂર નથી.

ડોક્ટરને એ ખબર નથી કે મધુબહેનને કેરટેકરની જરૂર ભલે ના હોય, કેરટેકર બહેનને મધુબહેનની જરૂર વધારે છે.  

વાર્તામાં રહસ્ય સરસ ગૂંથાયું છે, છેવટે તો પ્રશ્ન એ ઊભો થાય છે કે કોણ કોનું કેરટેકર હતું? શીર્ષક સૂચક છે. સળિયા એટલે માણસોને કોઈ એક ચોકઠામાં મૂકી દેવાની આપણી માનસિકતા. સરસ રીતે કહેવાયેલી રસપ્રદ વાર્તા.

#

ઓગસ્ટ ૨૦૨૨ અંકમાં ત્રણ લઘુકથાઓ રજૂ થઈ છે:

૧. અહોભાવ (ગિરા પિનાકિન ભટ્ટ): પોતાનું માણસ કહીને બસમાં ઓળખીતાં પ્રવાસીની ટિકિટ કઢાવીને વળતા પ્રવાસમાં એની પાસેથી બમણી વસૂલી કરવાની જાળમાં સપડાવતી એક સ્ત્રીની લુચ્ચાઈની વાત.

૨. બે રૂપિયા (નસીમ મહુવાકર): સમય સાથે ચલણી નાણાના બદલાતાં મૂલ્યોની વાત. 

૩. જીર્ણોધ્ધાર (રેખાબા સરવૈયા): જૂનાં મકાનોની જેમ શું જૂના સંબંધોનો પણ જીર્ણોધ્ધાર થઈ શકે?   

#

સપ્ટેમ્બર ૨૦૨૨ માં પ્રગટ થયેલી વાર્તા અન્યત્ર પ્રગટ થઈ ચૂકી છે જેની કદાચ શબ્દસર સામયિકને જાણ નથી.

એક અધરાતે (નગીન દવે):  એક બહારવટિયાની ગેરહાજરીમાં એની પત્નીની અવદશા જોઇને શિવુભાને પોતાનાં પત્ની-બાળકો યાદ આવે છે જેમને કહ્યાકારવ્યા વિના છોડીને પોતે પરદેશ નાસી આવ્યો હતો. એ ભૂલનું પ્રાયશ્ચિત કરવા હવે એ કૃતનિશ્ચયી બને છે. સરસ, હ્રદયસ્પર્શી વાર્તા. આ વાર્તા આ અગાઉ મમતા ઓગસ્ટ ૨૦૨૨ માં પ્રગટ થઈ ચૂકી છે.

એક જ વાર્તા બબ્બે સામયિકમાં?

વાર્તા એક સામયિકને મોકલ્યા પછી વાજબી સમયમાં સ્વીકાર-અસ્વીકારનો ઉત્તર ના મળે ત્યારે લેખકો પોતાની એ વાર્તા અન્ય સામયિકમાં મોકલતા હોય છે. પછી ઘણી વાર થાય છે એવું કે બંને ઠેકાણે વાર્તા પ્રગટ થઈ જાય છે.

તંત્રી/સંપાદકો લેખકોને વાર્તાના સ્વીકાર/અસ્વીકારનો ઉત્તર વાજબી સમયમાં આપી દેતા હોય તો આવા ગોસમોટાળા ના થાય. કોઈ વાર નિર્ણય લેતાં મોડું થાય તો લેખકને ફોન કરીને પૂછી લેવાય કે વાર્તા બીજે ક્યાંય મોકલી તો નથી ને? પણ આપણા મોટા ભાગના તંત્રીઓ/સંપાદકો પાસેથી આવા સૌજન્યની આશા રાખવી આકાશકુસુમવત છે. 

--કિશોર પટેલ, 23-10-22; 09:32

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Thursday 13 October 2022

નવચેતન સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

નવચેતન સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૧૩૭ શબ્દો)

પ્રસ્તુત અંક હાસ્યાંક છે.

એક દિવસ માટે (નિકેતા વ્યાસ કુંચાલા):

યજમાનની ફરજ નિભાવવા ક્થકે પત્નીની બહેનપણી જોડે શોપિંગમાં જવું પડે છે. જોડે હરતાંફરતાં, શોપિંગ કરતાં, નાસ્તોપાણી કરતાં કથકને પત્નીની બહેનપણી જોડે નિકટતા અનુભવાય છે. મનોમન હરખાયેલા ક્થકને અંતમાં ખબર પડે છે કે પેલી તો પોતાના પતિને જલાવવા માટે એની જોડે સેલ્ફીઓ પાડતી હતી. પોતાનો ઉપયોગ થઈ ગયો એ જાણીને કથકને આઘાત લાગે છે. હળવી શૈલીમાં મજેદાર રજૂઆત.

બેટાના પરાક્રમે (પ્રથમ પી.પરમાર):

કોઈ પણ કામમાં અણઆવડત માટે પંકાયેલા કથકને મોટરસાઇકલ શીખવવા જતાં એના પિતાને એક મહિનાનો ખાટલો થાય છે. હાસ્યપ્રચુર રજૂઆત.

--કિશોર પટેલ, 14-10-22; 08:44   

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###