Saturday 29 April 2023

મમતા માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

મમતા માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૭૨ શબ્દો)

ઇંજિન (દીવાન ઠાકોર):

ગરીબોનું લોહી ચૂસતા શ્રીમંતોની વાત. એક નિર્ધન માણસ બે ટંકનું ભોજન મેળવવાની કવાયતમાં જ થાકી જાય છે. એક દુકાનમાં કામ કરતા આ નોકરનું દુકાનમાં અને માલિકના ઘેર એમ બેઉ ઠેકાણે શોષણ થાય છે. એની બેજીવી પત્નીની સારવાર કરાવવાના પૈસા એની પાસે નથી, શેઠ કે શેઠાણી કોઈ એને ઉચક પૈસા આપતું નથી. આગગાડીનો બોજો ખેંચીને એંજીન હાંફી જાય એમ એ પણ હાંફતો ઊભો રહી જાય છે.

આપણા દેશની કે વિશ્વના કોઈ એક કાલ્પનિક પ્રદેશની અને ભૂતકાળના કોઈ સમયખંડની આ કથા છે. આ એક એવા વિસ્તારની વાત છે જ્યાં ગામડું અને શહેર નજીક નજીક છે. અહીં ગામડેથી શહેરની વચ્ચે લોકો રોજ કોલસાથી ચાલતી આગગાડીમાં આવ-જા કરે છે. સવારસાંજ લોકોને સહેલાઈથી આગગાડીમાં બારી પાસે બેસવાની જગ્યા મળે છે. શહેરમાં રિક્ષાઓ દોડે છે. શહેરમાં શ્રીમંતો બંગલાઓમાં રહે છે.  વાર્તાકારનું કહેવું કદાચ એવું છે કે સહિતો દ્વારા રહિતોનું થતું શોષણ એ સાર્વત્રિક અને સર્વકાલીન  ઘટના છે.   

આરજુ (હર્ષદ રાઠોડ):

પ્રેમકથા. ફેન્ટેસી વાર્તા. અહીં એવા નાયકની કલ્પના થઈ છે જે માત્ર નવલકથાઓ લખીને આજીવિકા મેળવે છે. એની લાગણીઓની કદર કર્યા વિના અન્ય કોઈને પરણીને વિદેશમાં સ્થાયી થઈ ગયેલી એની ભૂતપૂર્વ પ્રેમિકા વિધવા થઈ જતાં સ્વદેશ પાછી આવે છે અને હવે એની જોડે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. સામાન્ય વાતની લાંબી કંટાળાજનક રજૂઆત.  

ભૂતનો ભેટો (સ્વાતિ રાજીવ શાહ):

અપરાધકથા. સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવીને પેટિયું રળતું ગામડાનું એક દંપતી. બસસ્ટેન્ડ પર ફળ વેચવાના ધંધામાં મગનને ખાસ કમાણી થતી નથી. એની સ્ત્રી જમની હોંશિયાર ખરી પણ કોઈ કામધંધો કરતી નથી, છતાંય એ બેઉનું ઘર સરસ ચાલે છે! હકીકતમાં આ બંને રાત્રે ભૂતનો વેશ ધારણ કરી લોકોને ડરાવી ધમકાવીને લૂંટી લઈને પોતાની આજીવિકા મેળવતાં હતાં. રસપ્રદ રજૂઆત.

વાઢ (કિશનસિંહ પરમાર):

દાંપત્યજીવનમાં શંકાથી મોટું વિઘ્ન કોઈ નથી. છેક પાંચ વરસે પરબતની પત્ની બાળકને જન્મ આપે છે પણ પરબતને શંકા છે કે બાળક એનું નથી. આજના સમયમાં આવી શંકાનું નિવારણ થઈ શકે છે પણ ગામડાના અશિક્ષિત માણસોને કોણ સમજાવે? ગ્રામ્ય વાતાવરણ અને તળપદી બોલીનું સારું આલેખન.

પી આર (દિના રાયચુરા):

સ્ત્રીસમસ્યા. માતાપિતાની ઈચ્છાવિરુદ્ધ પુત્રના પ્રેમલગ્ન થયાં હશે એટલે પુત્રના અકાળ  અવસાન પછી પુત્રવધુ કે એના પેટમાં રહેલા પોતાના જ વંશજની નાયિકાના સાસરિયાંને પરવા નથી. યુવાનીમાં પેટમાં બાળક સહિત વિધવા થયેલી નાયિકા પિતાને ઘેર બંગલાની અગાસીમાં એક સ્વતંત્ર નાનકડી ઓરડીમાં રહે છે, એ બ્યુટીપાર્લરનું શીખીને પોતાનો અને બાળકનો ખર્ચ કાઢે છે પણ નાનાં બાળકને માતા સાચવે એની સામે ભાભીઓની એણે અનેક પ્રકારે વેઠ કરવી પડે છે. દીકરો મોટો થઈને કમાતોધમાતો થાય છે એ પછી પણ નાયિકાને પિયરનાં આશ્રયથી મુક્તિ મળતી નથી. શ્રીમંત કુટુંબની દીકરીને પરણીને કેનેડામાં સ્થિર થયેલો દીકરો ઈચ્છે છે કે માતાને મળેલી ઓરડી કોઈક રીતે મોટી બનાવી શકાય તો એ સુખસગવડમાં રહે, પણ દેશમાં જ રહે! માતાને કેનેડા લઇ જઈને પોતાની જોડે રાખવાનું એના મનમાં નથી. પુત્રને કેનેડાના પીઆર મળી ગયા, નાયિકા રાહ જુએ છે, પોતાને પીઆર ક્યારે મળે? (પીઆર=પરમેનેન્ટ રેસિડેન્સી વિઝા)

ક્યાંય વર્ણન નથી, કોઈ ખુલાસા નથી. રજૂઆતમાં એક પછી એક વિગત ખૂલતી જાય છે. નોંધનીય પ્રસ્તુતિ. સારી વાર્તા.    

મંદાર મંજરીનું વિવેચન (નગીન દવે):

હાસ્યવાર્તા. લાગે છે કે શીર્ષકમાં ભૂલ થઈ છે, વાર્તામાં એક પુસ્તકના વિમોચનની વાત છે, વિવેચનની નહીં.

જેનો સાહિત્ય સાથે દૂર દૂરનો પણ સંબંધ નથી એવી વ્યક્તિ કેવળ પોતાને સાહિત્યકાર ગણાવવા જે આયોજન કરે છે એની હળવી શૈલીમાં રજૂઆત.     

મમ્મી કેમ છે? મઝામાં? (માર્જરી એલિંગહામ, અનુવાદ: યામિની પટેલ): મઝાની રહસ્યકથા. વાર્તાના નાયક પર આરોપ મૂકાય છે કે એણે પોતાની માતાની હત્યા કરી છે જે હકીકતમાં ક્યારેય હતી નહીં. તપાસના અંતે એ નિર્દોષ છૂટી જાય છે ત્યારે ખરેખર એની માતા પ્રગટ થાય છે જે ક્યારેય હતી જ નહીં! રસપ્રદ વાર્તા. રહસ્ય સરસ જળવાયું છે. મજેદાર વાર્તા! 

મંગળ ગ્રહનો અંતિમ આદમી (ફ્રેડરિક બ્રાઉન, અનુવાદ: યશવંત મહેતા): સાયન્સ ફિક્શન. અદભુત કલ્પના! છાપાંની ઓફિસની સામે જ આવેલા એક બારમાં એક આદમી દાવો કરે છે કે એ મંગળ ગ્રહનો વાસી છે! એ પણ છેલ્લો! એના સિવાયના તમામ મંગળવાસીઓ મૃત્યુ પામ્યા છે!  છાપાનો તંત્રી એક રિપોર્ટરને તપાસ કરવા મોકલે છે, એ વળી જે માહિતી લાવે છે એ તો ઓર અફલાતુન છે! મજેદાર વાર્તા!

--કિશોર પટેલ, 30-04-23; 09:17   

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Wednesday 26 April 2023

શબ્દસૃષ્ટિ ફેબ્રુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

શબ્દસૃષ્ટિ ફેબ્રુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૯૦૫ શબ્દો)

મોહમ્મદ માંકડ (૧૩ ફેબ્રુઆરી ૧૯૨૮-પ નવેમ્બર ૨૦૨૨) આપણી ભાષાના વરિષ્ઠ અને નીવડેલા સાહિત્યકાર હતા. તેઓ નવલકથાકાર, વાર્તાકાર, કટારલેખક અને અનુવાદક હતા.

શબ્દસૃષ્ટિનો ફેબ્રુઆરી ૨૦૨૩ અંક “શ્રી મોહમ્મદ માંકડ વિશેષાંક” તરીકે પ્રગટ થયો છે. આ વિશેષાંકમાં લેખકના જીવન અને કાર્ય વિશેના સંખ્યાબંધ લેખોની સાથે સાથે એમની ત્રણ ટૂંકી વાર્તાઓ પણ પ્રગટ થઈ છે.  આ ત્રણે વાર્તાઓ સૌપ્રથમ ક્યા સામયિકમાં કયારે પ્રસિદ્ધ થઈ હતી તેમ જ/ અથવા ક્યા વાર્તાસંગ્રહમાં સંકલિત થઈ છે એ માહિતી પણ જણાવી હોત તો સારું થાત.

૧. ડાઈનિંગ ટેબલ

કેવળ સ્થૂળ ધનદૌલત કમાવામાં જીવન સાર્થક સમજતા એક માણસની કથા.

નરેન્દ્ર મહેતા શ્રીમંત માણસ છે. રાતદિવસ ધંધાની આંટીઘૂંટીમાં વ્યસ્ત રહે છે. પરિવાર માટે એ સમય ફાળવતો નથી. ઘરમાં કોણ શું કરે છે, છોકરાં શું ભણે છે એની કશાની પડી નથી. પત્નીની શું જરૂરરિયાત છે એ કંઈ જાણતો નથી. એના મનથી એમ છે કે ઘરમાં જરૂરિયાત જેટલાં કે વધારે પૈસા આપી દીધાં ત્યાં વાત પૂરી. ઘરનાં માણસો પણ સાવ એવા છે કે ખર્ચ કરવા પૈસા મળ્યા એટલે બસ. પૈસા ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે એની એમને સમજણ પણ નથી અને આવડત પણ નથી. એમને ફક્ત ખર્ચ કરતાં આવડે છે, વળી સહુને પૈસા ઓછા પડે છે. દિવસમાં કેવળ એક વખત, સાંજનું વાળું કરવા ડાઈનિંગ ટેબલ પર સહુ ભેગાં થાય છે. એ સમયે સહુ એકબીજાને જમવાનો આગ્રહ કરીને પોતપોતાની ફરજ પૂરી કરે છે.

મહાનગરમાં રૂપિઆની આસપાસ ફેરફુદરડી મારતાં ભદ્રવર્ગના નગરજનો પર એક વ્યંગ.

૨. ઈચ્છાઓ

ફેન્ટેસી વાર્તા. અભાવગ્રસ્ત જીવન જીવતાં એક માણસની તરંગલીલા.

એક ફેકટરીની ઓફિસમાં સામાન્ય ક્લાર્કની નોકરી કરતો વિષાદ ગુજરીમાંથી એક એવી મેના ખરીદી લાવે છે જે માણસની જેમ બોલી શકે છે. આખો દિવસ અને આખી સાંજ વિષાદ મેના સાથે વાતો કર્યા કરે છે. વિષાદને એમ હતું કે રાતે મેના ઊંઘી જશે પણ રાતે તો મેના નવી જ વાત માંડે છે. એ વિષાદને ‘સાહેબ’ કહીને સંબોધન કરે છે. વિષાદ ચોખવટ કરે છે કે પોતે સામાન્ય કારકુનની નોકરી કરે છે. મેના કહે છે કે આવતી કાલે તમે કારકુન નહીં રહો, ફેકટરીના માલિક બની જશો, રીતી જોડે તમારું લગ્ન થશે. રીતી એટલે વિષાદ જ્યાં કામ કરતો હતો એ ફેકટરીના માલિક રાહુલભાઈની દીકરી. વિષાદ મીઠા સ્વપ્નો જોતો ઊંઘી જાય છે. સવારે એ જાગે છે ને જુએ છે કે પાંજરું ઉઘાડું છે અને મેના તો ઊડી ગઈ છે. એ ફેકટરીની ઓફિસે પહોંચે છે જ્યાં એ મામૂલી કારકુન છે. રીતી બંગલામાંથી બહાર નીકળે છે પણ વિષાદ તરફ એક નજર પણ નાખતી નથી. વિષાદને ભ્રમણા થાય છે કે કોઈએ એને ‘સાહેબ’ કહીને બોલાવ્યો. પણ ત્યાં તો કોઈ જ ન હતું. વિષાદ વાસ્તવિકતાની ધરતી પર પાછો પટકાય છે.     

૩. તપ

અહીં વાર્તાના બંને મુખ્ય પાત્રો તપ કરે છે. નાયિકા તપ કરે છે સત્તર વર્ષના જેલવાસ પછી બહાર આવનારા પતિની રાહ જોવાનું અને નાયક તપ કરે છે  સત્તર વર્ષ સુધી સ્ત્રીસંગ કરવાની રાહ જોવાનું. કોનું તપ સફળ થાય છે?

તાજી જ પરણીને આવેલી કોડભરી લાખુ દાંપત્યજીવનનો આનંદ હજી માણે ના માણે એટલામાં એનો પતિ મોહન એક ધીંગાણામાં સપડાય છે અને આઠ-દસ જણામાંથી એ એકલો માનવહત્યાનો ગુનેગાર ઠરે છે ને એને જનમટીપની સજા થાય છે. લાખુ-મોહન એવા સમાજના હતાં જ્યાં આવા સંજોગોમાં લાખુ બીજું ઘર કરી ગઈ હોત તો સ્વાભાવિક ગણાયું હોત. પણ લાખુ વિકટ રસ્તો પકડે છે, એ મોહનની રાહ જુએ છે. ઘરમાં ઘરડી સાસુની એ સેવા કરે છે. સાસુ મૃત્યુ પામે એ પછી વૃદ્ધ પિતાને પોતાને ઘેર રાખીને એમની સેવા કરે છે. ભાઈની મદદથી ઘણે દૂરના સ્થળે જેલવાસ ભોગવતા મોહનને મળવા લાખુ સમયાંતરે જાય છે.

સત્તર વર્ષે મોહન બહાર આવે છે. ત્રણ-ચાર મહિના એ લાખુને કેવળ જોયા કરે છે, બીડી પીતાં પીતાં એનું નિરીક્ષણ કર્યા કરે છે. સત્તર વર્ષમાં લાખુની જુવાની ઓગળી ગઈ છે. મોહન લાખુને ફારગતી આપી દે છે અને અઢાર વર્ષની એક કુંવારી કન્યાને પરણી જાય છે.

પુરુષપ્રધાન સંસ્કૃતિનું આ એક વરવું લક્ષણ છે કે ગુનાહિત ઈતિહાસ ધરવાતા મોહનને જેલમાંથી બહાર આવ્યા બાદ બીજા લગ્ન કરવા માટે અઢાર વર્ષની જુવાન અને કુંવારી કન્યા મળી રહે છે, આ સ્થિતિમાં મૂકાયેલી સ્ત્રીને કોઈ પસંદગી જેવું રહે છે ખરું?

સત્તર વર્ષની તપસ્યા લાખુએ એકલીએ નથી કરી, રજૂઆતની કમાલ એ છે કે લાખુની આ વીસ વર્ષની તપસ્યામાં ભાવક પણ એની જોડે જોડાઈ જાય છે, સત્તર વર્ષના અંતે મોહન જે આઘાત આપે છે તેની અસર એકલી લાખુ પર નથી પડતી પણ ભાવક પર પણ પડે છે, ભાવકની પણ હાર થાય છે.

વાર્તા સંઘેડાઉતાર બની છે. મુખ્ય પાત્રો સિવાયના અન્ય ગૌણ પાત્રો પાસેથી પણ વાર્તાકારે સરસ કામ લીધું છે. ગામડાગામનું વાતાવરણ સરસ ઝીલાયું છે. લાખુની એકેએક હરકતનું પોસ્ટમોર્ટમ ગામના માણસો કર્યા કરતાં રહે છે. સહુને એમ છે કે લાખુ હારી જશે, પણ લાખુ સહુને હરાવી દે છે, છેવટે લોકોનો રસ લાખુમાંથી ઊડી જાય છે. એમની ચર્ચા બંધ પડી જાય છે. લાખુની સાસુને આશા નથી કે લાખુ વધુ દિવસ એનાં ઘેર રહેશે, પણ લાખુ એને ખોટી પાડે છે. લાખુના પિતા ઉંમરના કારણે કંઈ જ કરી શકતા નથી. લાખુના ભાઈને બહેનની સ્થિતિ જોઇને ઘણું ખરાબ લાગે છે. એ બહેનને બીજું ઘર કરવા સમજાવે છે પણ લાખુ એને દાદ આપતી નથી.  દરમિયાન ગામમાં નાનુ નામનો માણસ અકસ્માતમાં મૃત્યુ પામે છે. એની પત્ની છ મહિનામાં જ બે બાળકો સહિત બીજે ઘર કરીને જતી રહે છે, પણ લાખુ અવિચળ રહે છે.

સત્તર વર્ષ જે મોહનની લાખુએ રાહ જોઈ એ મોહન લાખુને ફારગતી આપે છે એનો આઘાત, વાર્તાનો આવો અંત ભાવકને હ્રદયવિદારક ચોટ આપે છે.

અંતમાં વાર્તાકાર વ્યંગ કરે છે, “મોહન જેલમાં સત્તર વર્ષનું તપ કરીને આવ્યો હતો, અઢાર વર્ષની તેજુ જોડે લગ્ન કરીને, પાકું ટાબોરા જેવું ફળ મળ્યું હોય એમ હરખાતો હતો.”

--કિશોર પટેલ, 27-04-23; 11:03            

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Monday 24 April 2023

બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ એપ્રિલ ૨૦૨૩




 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ એપ્રિલ ૨૦૨૩

(૯૯૬ શબ્દો)

બાલભારતી, કાંદિવલી પશ્ચિમ, મુંબઈ ખાતે શનિવાર તા.  ૨૨ એપ્રિલ ૨૦૨૩ ની સાંજ સમર્પિત થઈ હતી ગઈ સદીના જાણીતા બ્રિટીશ વાર્તાકારના નામે.

નોર્વેથી ઇંગ્લેન્ડ હિજરત કરી આવેલા એક ધનાઢ્ય કુટુંબમાં રોઆલ્ડ ડાહ્લનો જન્મ ૧૩ સપ્ટેમ્બર ૧૯૧૬ ના દિવસે થયો હતો. બાળપણમાં તેઓ ખૂબ તોફાની હતા અને સ્કુલમાં એમનાં શિક્ષકોનો ઘણો માર એમણે ખાધો હતો. એ સમયે બાળકો માટે શારીરિક શિક્ષા વિષે ખાસ નિયમો કે કાયદાઓ બન્યા ન હતાં, નિશાળમાં સિનીયર વિદ્યાર્થીઓને જુનિયર વિદ્યાર્થીઓને માર મારવાની છૂટ અપાતી હતી.

રોઆલ્ડ ડાહલે બીજા વિશ્વયુધ્ધમાં મિત્રદેશો તરફથી ફાઈટર પાયલોટ તરીકે કામગીરી બજાવી હતી. પછીથી તેમણે ઈન્ટેલીજન્સ ઓફિસર અને વિંગ કમાન્ડર તરીકે બઢતી પણ મેળવી હતી. ૧૯૪૦ ના દાયકામાં બાળવાર્તાઓના લેખક તરીકે અને પુખ્ત વયના વાચકો માટે ટૂંકી વાર્તાઓના લેખક તરીકે જાણીતા થયા હતા. વિશ્વમાં આજ સુધીમાં એમનાં પુસ્તકોની ૩૦૦ મિલિયન એટલે કે ૩૦ કરોડથી વધુ નકલો વેચાઈ છે. વિશ્વસાહિત્યના અભ્યાસીઓ એમની ગણના વીસમી સદીના મહાન વાર્તાકારોમાંના એક તરીકે કરે છે. એમનું અવસાન ૨૩ નવેમ્બર ૧૯૯૦ ના રોજ થયું હતું.

#

૧. સૌ પ્રથમ પઠન કર્યું ભાઈશ્રી વાર્તાવંતના મુખિયા ભાઈશ્રી હેમંત કારિયાએ રોઆલ્ડ ડાહ્લ લિખિત વાર્તા “પોઈઝન”નું. અનુવાદમાં આ વાર્તાનું શીર્ષક “પોઈઝન” એમણે યથાવત રાખ્યું હતું.

એક રાત્રે કથક પોતાને ઘેર પહોંચે છે ત્યારે પલંગમાં સૂતેલો એનો રૂમપાર્ટનર હેરી ઈશારાથી ચેતવણી આપે છે કે અવાજ કરતો નહીં, એક ઝેરી સાપ એના પેટ પર બેઠેલો છે. કથક જુએ છે કે હેરીએ ચાદર ઓઢેલી છે, હેરી કહે છે કે એ ચાર નીચે કાળોતરો છે અને જો એને છંછેડીશું તો એ મને કરડશે. માટે કંઈક ઉપાય કર. કથક ફોન કરીને એક ડોક્ટરને બોલાવે છે, દરમિયાન એક લાકડી, એક ચાકુ વગેરે સાધનોથી સજ્જ થઈને બેસે છે. ડોક્ટર આવે છે. વખતે સાપ કરડે તો સાવચેતી તરીકે હેરીને ઝેરની અસર ઓછી થાય એવું ઇન્જેક્શન પેલો ડોક્ટર હેરીને આપે છે.  કથક અને ડોક્ટર મળીને સાપનો બંદોબસ્ત કરવા ખૂબ પ્રયાસો કરે છે, જબરું ટેન્શન ઊભું થાય છે, ગમે ત્યારે કાળોતરો હેરીને ડંખ મારી શકે છે. અંતમાં શું થાય છે? શું એ સાપને પકડી પાડવામાં એ લોકો સફળ થાય છે ખરા? આશ્ચર્યજનક અંત સાથે વાર્તા પૂરી થાય છે.

૨. બીજી વાર્તાનું પઠન કર્યું આપના નમ્રસેવક એટલે કે આપણે પોતે ખુદ્દ નીચે સહી કરનાર કિશોર પટેલે.          

વાર્તાનું મૂળ શીર્ષક હતું: “સમવન લાઈક યુ” જેનો અનુવાદ મેં કર્યો: “કોઈક તમારા જેવું.”

યુદ્ધમાં ભાગ લીધો હોય એવા બે ફાઈટર પાયલોટ લાંબા સમય પછી મળે છે અને જૂનાં દિવસો યાદ કરે છે. આ બંને જણાના માનસ પર યુદ્ધની ગંભીર અસરો પડેલી દેખાય છે. આ લોકોએ ઉપરીના હુકમ પ્રમાણે ફાઈટર વિમાન ઉડાડીને નક્કી કરેલા પ્રદેશ પર બોમ્બવર્ષા કરવા જવાનું રહેતું હતું. એક કળ દબાવતાં નીચે સેંકડો લોકો માર્યા જતાં હતાં. નક્કી કરેલાં લક્ષ્યથી સહેજ હઠીને બોમ્બ ફેંકો તો જુદો જ માનવસમૂહ માર્યો જતો હતો. આમ લોકોની જિંદગી જોડે રમત કરીને કરીને ક્થકનો મિત્ર તો ગાંડા જેવી લવારી કરતો થઈ ગયેલો જણાય છે. કથક પોતે પણ વચ્ચે વચ્ચે અસંબદ્ધ વાતો કરતો રહે છે. ક્થકનો મિત્ર એક એવા પાયલોટની વાત કરે છે જે એના પાળેલા કૂતરાના ખોવાઈ જવાથી લગભગ ગાંડો થઈ ગયો હતો.  એક તરફ માણસોની જિંદગી જોડે રમત રમવી અને બીજી તરફ પ્રાણીઓ જોડે આપ્તજન જેવો વહેવાર કરવો! આમ આ વાર્તામાં યુદ્ધની ભયાનક અસરો વિશેની વાતો છે.

૩. કોફીબ્રેક પછી ત્રીજી વાર્તા “ધ મેન ફ્રોમ સાઉથ” નો અનુવાદ રજૂ કર્યો ભાઈશ્રી સતીશ વ્યાસે “શરત” શીર્ષકથી.

એક જાહેર સ્થળે બે અજાણ્યા માણસો વચ્ચે વાતવાતમાં શરત લાગે છે. એક જુવાનિયો છે જેને એની પાસે રહેલા લાઈટર વિષે અભિમાન છે કે એ કદી ફેઈલ થતું નથી. એક બટકો અને જાડિયો માણસ એને ચેલેન્જ કરે છે કે તું દસ વખત ઉપરાછાપરી તારું લાઈટર સળગાવીને બતાવ. જો તું એમ કરવામાં સફળ થાય તો મારી કેડીલેક કાર તારી. એ નજીકમાં જ પાર્ક કરેલી પોતાની વિન્ટેજ કાર પેલા જુવાનિયાને દેખાડે પણ છે. જો જુવાનિયો હારી જાય તો પેલો જાડિયો બટકો માણસ જુવાનિયાના ડાબા હાથની ટચલી આંગળી કાપી લેશે. જુવાનિયા જોડે રહેલી એની ગર્લફ્રેન્ડ એને આવી શરત લગાડવાની ના પાડે છે પણ એક વાર પેલી કાર જોયા પછી જુવાનિયો તૈયાર થઈ જાય છે. એનું કહેવું છે કે ડાબા હાથની ટચલી આંગળીનો એણે જીવનમાં ક્યારેય કોઈ ઉપયોગ કર્યો નથી. જાડિયો બટકો માણસ હોટલની એક રૂમમાં સહુને લઇ જાય છે જ્યાં એક ટેબલ પર જુવાનિયાના ડાબા હાથને બાંધવામાં આવે છે. આંગળી કાપવા માટે છરાની વ્યવસ્થા પણ થાય છે. જમણા હાથે એ જુવાનિયો લાઈટર સળગાવવા માંડે છે, એક, બે, ત્રણ...

આ વાર્તાનો અંત કંઈક જુદી જ રીતે આવે છે. તદ્દન અનપેક્ષિત અંત! મજાની વાર્તા.

૪. સૌથી છેલ્લે ચોથી વાર્તા lamb to the slaughter રજૂ કરી બાલભારતીના મુખિયા ભાઈશ્રી હેમાંગ તન્નાએ.

આ વાર્તામાં એક પ્રૌઢ દંપતીની વાત છે. ડીનરમાં શું બનાવવું જેવી વાતમાં પતિ કંઈ રસ લેતો નથી. એની પત્ની એને ખૂબ ભાવપૂર્વક પૂછે છે કે આ બનાવું કે પેલું? પણ પતિ એની વાતનો સરખો જવાબ આપતો નથી. વર્ષોથી પત્નીની ઉપેક્ષા કરતા આવેલા પતિની એવી નિસ્પૃહી વર્તણુંકથી પત્ની ખૂબ દુઃખી થયેલી છે. એક સાંજે એ ઘેટાનું માંસ રાંધવા ઈચ્છે છે, પતિને એ વિષે પૂછે છે પણ પતિ રાબેતા મુજબ એને જવાબ જ આપતો નથી. ક્રોધે ભરાયેલી એની પત્ની પતિને પેલા ઘેટાનો કાપી રાખેલો એક પગ છુટ્ટો મારે છે જેનો માર પતિના મર્મસ્થળે વાગતાં એનું તાત્કાલિક મૃત્યુ થઈ જાય છે.

સૌથી પહેલાં સ્ત્રી ઘેટાનો પગ રાંધવા માટે ચૂલા પર મૂકે છે અને પછી પોલીસને જાણ કરે છે કે એના પતિનું આકસ્મિક મૃત્યુ થયું છે. પોલીસ આવીને મૃતદેહનું નિરીક્ષણ કરે છે. દરમિયાન સ્ત્રી પોલીસને એમની તપાસમાં પૂર્ણ સહકાર આપે છે, એ પોલીસની આગતાસ્વાગતા કરે છે, એમને ચા-પાણી પણ કરાવે છે. મૃતદેહના માથા પાછળ પોલીસને એક જખમ દેખાય છે. એમને શંકા થાય છે કે એ માણસની હત્યા થઈ હોવી જોઈએ. તેઓ હથિયારની તપાસ કરે છે પણ હથિયાર મળતું નથી. સ્ત્રી એમને કહે છે કે તમે થાક્યા કંટાળ્યા હશો, મેં ઘેટાનું માંસ રાંધ્યું છે, તે તમે ખાશો તો મને આનંદ થશે. મારા પતિ જીવતા હોત તો એમણે ખૂબ આનંદથી આ માંસ ખાધું હોત. પોલીસ પાસે કરવા જેવું બીજું કોઈ કામ હતું નહીં એટલે તેઓ તે સ્ત્રીના ઘેર ડીનર કરે છે, ડીનરમાં તેઓ ખાય છે પેલા ઘેટાનું માંસ.          

#

દરેક વાર્તાની પહેલાં અને પછી કાર્યક્રમના યજમાન શ્રી હેમાંગભાઈ તન્નાસાહેબે રોઆલ્ડ ડાહ્લ વિષે અવનવી માહિતી પીરસી.  ટૂંકમાં સતીશભાઈ વ્યાસે કહ્યું એમ રોઆલ્ડ ડાહ્લ ઉપર લગભગ સેમીનાર થઈ ગયો.

--કિશોર પટેલ, 24-04-23; 13:52

(રોઆલ્ડ ડાહ્લની છબીસૌજન્ય: વીકીપીડીયા. રોઆલ્ડ ડાહ્લ વિશેની માહિતીસૌજન્ય: શ્રી હેમાંગ તન્ના અને વીકીપીડીયા.)   

###

   

 

Tuesday 18 April 2023

અખંડ આનંદ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 અખંડ આનંદ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૫૪ શબ્દો)

દ્વિધા (મનહર જે વૈષ્ણવ):

આશ્રમમાં રોજ સવારની પ્રાર્થનામાં ઉપસ્થિત ભાવિકો સમક્ષ સ્વામી ધર્માનંદ પ્રવચન કરતા. એ સમયે એમના શિષ્યા પદ્માજી પણ વ્યાસપીઠ પર સ્વામીજી જોડે બિરાજતા.  સ્વામીજી જોડે પદ્માજીને જોઇને કેટલાંક ભાવિકો એ બંનેને સાંકળીને અણછાજતી ટીકાટિપ્પણી કરતાં. આ વાત ધ્યાનમાં આવતાં પદ્માજીએ સ્વામીજી સમક્ષ અન્યત્ર જતાં રહેવાની ઈચ્છા પ્રગટ કરી પણ સ્વામીજીએ એવું કરવાની એમને મનાઈ ફરમાવી દીધી. આશ્રમની મુલાકાતે આવેલા એક વરિષ્ઠ સંન્યાસીનું ધ્યાન ભાવકોની આવી ટિપ્પણીઓ પર ગયું. વિદાય લેતી વખતે એમણે સ્વામી ધર્માનંદને સલાહ આપી કે તમે પદ્માજી જોડે વિવાહ કરી લો. સંન્યાસીની આવી સલાહથી સ્વામી ધર્માનંદને ભારે આધાત લાગ્યો. તેઓ રાતોરાત આશ્રમ છોડી ગયા. વાર્તાકાર પ્રશ્ન પૂછે છે કે કોણ શ્રેષ્ઠ? સંસારી સાધુ કે સાધુત્વ સાથેનો સંસાર?

રજૂઆતમાં સુધારાને અવકાશ છે. અમુક વાક્યમાં કર્તા ગેરહાજર છે. અમુક વાક્યમાં બિનજરૂરી શબ્દોની ભરમાર છે. અમુક વાક્યમાં શબ્દોની પસંદગી ચર્ચાસ્પદ છે.        

શિંગડા (જેસંગ જાદવ):

બે બળુકી ભેંસ બાઝી અને એમનાં શિંગડા એકબીજામાં એવા ભેરવાયા કે એકના શિંગડા કાપ્યે જ છૂટકો થાય. બેઉ ભેંસના માલિકો રેવો અને પૂંજો અડી ગયા. બેમાંનું કોઈ પોતાની ભેંસના શિંગડા કપાવવા તૈયાર નથી. બંને ભેંસની સ્થિતિ અત્યંત ગંભીર છે. બેમાંથી નમતું કોણ આપે અને શા માટે?

પાળેલા પ્રાણીઓ જોડે ઊભી થતી વિષમ પરિસ્થિતિની શ્વાસ અધ્ધર કરી દે એવી રોમાંચક વાર્તા. વેગળો વિષય અને રહસ્યસભર સરસ રજૂઆત! ક્યા બાત!      

વાર્તાકારે તળપદી બોલીભાષાનાં વિશિષ્ટ શબ્દોના અર્થ આપવા જોઈતાં હતાં. ૧. “ભેંસે કંથેરમાં હાથ નાખ્યો હતો” ૨. “ભેંસને સોંઢારવા લઈ જવું” ૩. “ઝોંઝો”  ૪.  “એને કોઈ ન માંડે.” જેવા શબ્દપ્રયોગોનાં અર્થ સમજાતાં નથી.          

મંગળસૂત્ર (ભૂપેન્દ્ર ત્રિવેદી, ‘સ્વયંભૂ’):

ચોરીનું ખોટું આળ માથે આવતાં પેઢીનો એક કર્મચારી ઘરબાર છોડી પત્ની-પુત્રને રઝળતાં મૂકીને ભાગી ગયો. તેની પત્ની અનસુયાબેને પુત્રનો યથાયોગ્ય ઉછેર કર્યો. પતિની કોઈ ભાળ મળતી ન હતી છતાં પોતે સૌભાગ્યવતી છે એવું માનીને તેઓ સધવાનું જીવન જીવ્યા. ત્રીસ વર્ષે એમને સ્વપ્નું આવ્યું કે એમના પતિ હયાત છે અને હિમાલયમાં ક્યાંક છે એટલે એમણે જીવ છોડી દેવાનું નક્કી કર્યું! અન્નજળનો ત્યાગ કરીને એમણે એક મહિનામાં દેહ છોડી દીધો!   

પ્રસ્તુત રચના સંઘર્ષ વિનાની વાર્તા એટલે કે અવાર્તા છે. વળી વાર્તાકારે શું કહેવું છે તે પણ સ્પષ્ટ થતું નથી. કદાચ નાયિકાનું રેખાચિત્ર રજૂ કરવાનો હેતુ હોઈ શકે, પણ આ પ્રકારનું પાત્ર કોઈને શું પ્રેરણા આપી શકે?

પુનર્જાગરણ (યશવન્ત મહેતા):

સાયન્સ ફિક્શન. વૈજ્ઞાનિક કાલ્પનિક કથા. પચાસ વર્ષ પછીના વિશ્વની કલ્પના થઈ છે. અનેક નવી શોધખોળ થઈ ગઈ હશે. ઈ.સ.૨૦૫૦ માં એક પ્રયોગ હેઠળ ૨૩ વર્ષ જેટલાં લાંબા સમય માટે સુષુપ્તાવસ્થામાં રાખવામાં આવેલા ડો. રવિ આચાર્યને ઈ.સ.૨૦૭૩ માં જાગૃત કરવામાં આવે છે. સંશોધન માટે દૂરના ગ્રહો પર જતાં વૈજ્ઞાનિકોને મદદ મળે એવા હેતુથી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. રોમાંચક વાર્તા.   

--કિશોર પટેલ, 19-04-23; 11:27

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

   

 

  

Sunday 16 April 2023

પરબ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

પરબ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૬૬ શબ્દો)

ડેથ ક્લીનિંગ (વર્ષા અડાલજા):

વરિષ્ઠ નાગરિકની વાત. નાયિકા એકલી પડી ગઈ છે. પતિનું અવસાન થઈ ચૂક્યું છે, દીકરો આજીવિકા માટે બીજા શહેરમાં ગયો, ત્યાંની જ કન્યા જોડે પરણીને ત્યાં જ સ્થિર થઈ ગયો, દીકરી પોતાની મરજીથી ક્યાંક જતી રહી છે.  આળસભરી દિનચર્યા દરમિયાન નાયિકા છાપાંમાં એક લેખ વાંચે છે: ડેથ ક્લીનિંગ. એમાં કોઈ વિશાખાની મુલાકાત આવી છે, એ વિશાખાનું કહેવું છે કે આપણે કેટલી બધી વસ્તુઓ સંઘરીને રાખીએ છીએ! જીવનસંધ્યાએ બિનજરૂરી ચીજવસ્તુઓનો મોહ ઓછો કરવો જોઈએ. નાયિકાના મગજમાં આ વાત ઉતરી જાય છે. એ ઘરમાંની ઘણીબધી વસ્તુઓનો નિકાલ કરવા માંડે છે. ઘર અડધું ખાલી થઈ ગયા પછી નાયિકા રાહત અનુભવે છે. ઘર બંધ કરીને હવા ખાવાના એક સ્થળે બે મહિના માટે એ જતી રહે છે. 

યોગશાસ્ત્રમાં દસ યમનિયમની વાત થઈ છે, એમાંનો એક યમ છે: અપરિગ્રહ. બસ, આ અપરિગ્રહની વાત અહીં અધોરેખિત થઈ છે. બાકી વાર્તામાં સમસ્યા કે સંઘર્ષ જેવું કંઈ છે નહીં. એક વિચાર અને એનું વિસ્તૃતિકરણ છે.

નેડો (કલ્પેશ પટેલ):

એક અલગ ફલેવરની પ્રેમકહાણી. સ્નેહનું નેહ અને પછી અપભ્રંશ થઈ ગયું “નેડો”.

શિક્ષકની નોકરીમાં નાનકડા ગામની નિશાળમાં શરદની બદલી થઈ ત્યારે નવી નિશાળમાં એનું મન લાગતું નથી. બીજે ક્યાંક બદલી કરાવવાના પ્રયાસોમાં એ લાગી જાય છે. દરમિયાન એક વિદ્યાર્થી જિગરના પિતા જોડે બોલાચાલી થઈ જાય છે, જિગરની માતા રમીલા પોતાના પતિ વતી માફી માંગવા આવે છે, રમીલા જોડેનો આ અલ્પ પરિચય ફોન/મેસેજ/મિસકોલ રૂપે વિકસવા પ્રયાસ કરે છે પણ શરદના શરમાળ સ્વભાવના કારણે એમાં પ્રગતિ થતી નથી. પણ સૂક્ષ્મરૂપે બંને પક્ષે એ સંબંધ ખાસો વિકસે છે. બનવાકાળ રમીલાનો પતિ મૃત્યુ પામે છે. રમીલાના પતિના મૃત્યુ પછી તરત જ રમીલા પાસે પ્રસ્તાવ મૂકવાની ઉતાવળ પણ એ કરી શકે એમ નથી. છેવટે સ્થિતિ એવી ઊભી થાય છે કે મંઝિલ વચ્ચે કોઈ અવરોધ પણ રહ્યો નથી, હવે શરદને બદલીની ઈચ્છા પણ રહી નથી ત્યારે જ એની બદલીનો હુકમ આવી જાય છે! આમ એક પ્રેમકહાણી અધૂરી રહી જાય છે.

આ પ્રેમકથામાં સ્પષ્ટ કશું કહ્યા વિના જ બંને પક્ષે પ્રેમનો એકરાર પણ થઈ જાય છે એમાં વાર્તાકારની કમાલ છે. વાચનક્ષમ અને સારી વાર્તા.  

--કિશોર પટેલ, 17-04-23; 11:28

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

Friday 14 April 2023

મમતા જાન્યુ ફેબ્રુ ૨૦૨૩ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે નોંધ


મમતા જાન્યુ ફેબ્રુ ૨૦૨૩ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે નોંધ

(૯૦૭ શબ્દો)                                                                                                                

આ તહેવાર વિશેષાંકનાં નિમંત્રિત સંપાદક છે: ગીની માલવિયા.

અંકમાં કુલ દસ વાર્તાઓ છે જેમાંથી ત્રણ વાર્તાઓમાં વિદેશમાં ઉજવાતા “હેલોવીન” અને “ડે ઓફ ડેથ” જેવા  તહેવારોની વાત છે. અન્ય વાર્તાઓમાં દિવાળી, નવું વરસ અને નાગપાંચમની વાત થઈ છે. ચારેક વાર્તાઓમાં કોઈ પણ તહેવારનો દૂર કે નજીકનો સંબંધ નથી.

ચિઠ્ઠી (નીલેશ રાણા):

શ્રીમંત પરિણીત સ્ત્રી અને એનાં નોકર વચ્ચેના પ્રેમસંબંધની વાત. અંતમાં ચમત્કૃતિ છે. વાર્તાના છેલ્લા વાક્યમાં રહસ્ય ખૂલે છે. પ્રેમિકાને ભગાડી જવામાં છેલ્લી ઘડીએ પાછી પાની કરતા નોકરને સાણસામાં લેવા સ્ત્રી એને એવી ધમકી આપે છે કે એની પાસે અપહરણ કરવા સિવાય કોઈ પર્યાય રહેતો નથી. રસપ્રદ અને અનપેક્ષિત અંત.

ભગવાનનું કામ (નરેન્દ્રસિંહ રાણા):

ગરીબ હોવું અને ગરીબીનો સ્વીકાર કરવો બે જુદી બાબત છે. આ વાર્તામાં છોકરાને એના પિતા આ સત્યનો સ્વીકાર કરવાનું શીખવે છે. સારી વાર્તા. 

જીવનોત્સ્વ (સુષ્મા શેઠ):

વિદેશી સંસ્કૃતિમાં હેલોવીન ઉત્સવની ઉજવણીની વાત. પતિના મૃત્યુ બાદ નાયિકા વિરહવેદના અનુભવે છે. જે તહેવારની ઊજવણી નિમિત્તે વર્ષો પહેલાં એમની પહેલી મુલાકાત થયેલી એ જ હેલોવીનની ઉજવણીના અવસરે  નાયિકાને ભ્રમણા થાય છે કે મૃત પતિનો આત્મા એને મળવા આવ્યો છે. નાયિકા માટે આ પ્રસંગ ભય કે દહેશત અનુભવવાનો નહીં પણ લગ્નજીવનની મીઠી સ્મૃતિઓ વાગોળવાનો બની રહે છે. ફિલગુડ વાર્તા. 

નવ વરેહજી ધજ ધજ વધાઈયું (બલવીરસિંહ જાડેજા):

ચોમાસું બેસે અને હમીરસર તળાવ છલકાય જાય એ જોવા આખું ગામ ભેગું થાય અને ઉત્સવનું વાતાવરણ જામે. એ દિવસે રાજ્ય દ્વારા રજા જાહેર થાય. વાલબાઈએ હમીરસર તળાવમાં પતિ અને પુત્ર બંનેને ગુમાવ્યા છે પણ તળાવ પ્રતિ એમનાં પ્રેમ કે ભક્તિમાં ઓટ આવી નથી. વિધવા વહુ મંજુલાના સુખ ખાતર વાલબાઈ મૃત્યુને વ્હાલું કરે છે એ વાત ભાવનાત્મક છે. આ વાર્તા નિમિત્તે કચ્છના એ પ્રદેશની બોલી, કહેવતો અને રૂઢીપ્રયોગોનું સુંદર દસ્તાવેજીકરણ આ વાર્તામાં થયું છે એની નોંધ લેવી રહી.  

ઈંતેજારી... ધ ડે ઓફ ડેથની! (પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે):

વિદેશની સંસ્કૃતિની વાર્તા. મૃત્યુ જેવા દુઃખના પ્રસંગને આપણા દેશ સહિત સર્વત્ર વિવિધ રીતે ઉજવવામાં આવે છે. અહીં વાત થઈ છે મેક્સિકોનાં એક કુટુંબમાં ડે ઓફ ડેથની ઊજવણીનો. નાયિકાના પતિના મૃત્યુને ઉજવવાની વાત છે.

આ વાર્તાની છપામણીમાં પાર વિનાની ભૂલો છે. અરાજકતાના ઉત્તમ નમૂના તરીકે આ વાર્તા યાદ રહેશે. વાક્યો અધવચ્ચે કપાઈ ગયાં છે, આખાને આખા ફકરા બબ્બે વાર છપાયાં છે. વાર્તા સળંગ વાંચવી કે સમજવી દુષ્કર થઈ પડે એટલી બધી ભૂલો થઈ છે. પ્રિન્ટર, પ્રૂફરીડર અને તંત્રી: આ સહુની નજર ચૂકવવામાં મુદ્રારાક્ષસ સફળ થયો છે.   

દૂધનો ઘરાક (અર્જુનસિંહ રાઉલજી):

નાગપાંચમના તહેવારની વાત. મિત્રમંડળીમાં “નાગિન” તરીકે ઓળખાતા મિત્રની મથરાવટી મેલી છે. એની સામે નાયિકાનો વિરોધ છે છતાં એનો પતિ એવાની જોડે મૈત્રીસંબંધ શા માટે રાખે છે એ વિષે ખુલાસો મળતો નથી. શું નાયિકાના પતિનું ચરિત્ર પણ એના મિત્ર નાગિન જેવું શંકાસ્પદ છે?

આ વાર્તામાં પણ મુદ્રારાક્ષસ એની મેલી રમતમાં સફળ થયો છે, એક આખો ફકરો પુનઃ મુદ્રિત થયો છે.

સુગંધ કપૂરની (સ્વાતિ મહેતા):

દિવાળીના તહેવારની વાર્તા. આવા પ્રસંગે વડીલોનાં આશીર્વાદ લેવાનાં હોય એટલે જે તે પાત્રને પોતાનાં માવતરની યાદ આવવી સ્વાભાવિક છે. પોતાના માતા-પિતા જોડેના સંબંધો વણસેલા હોવાના કારણે વાર્તાની નાયિકા સીમા દુઃખી છે. એણે પિતાની ઈચ્છા વિરુદ્ધ જુદી જ્ઞાતિના યુવક જોડે પ્રેમલગ્ન કર્યા હતાં.

વાર્તાનો અંત અસ્પષ્ટ છે. સીમાના પિતાને પક્ષાઘાતનો હુમલો આવ્યો છે એવા સમાચાર મળતાં પિતાએ ભેટમાં આપેલી પાંચસોની નોટ હાથમાં પકડીને સીમા રડવા લાગે છે. એ જોઇને સીમાનો પતિ વિરાજ કહે છે કે પાંચસોની એ નોટ તો હવે રદ્દ થઈ ગઈ.

વિરાજ શું કહેવા માંગે છે? સીમાના પિતાનો પ્રેમ રદ્દ હવે થઈ ગયો?     

મધુ!... માલતી (અલકા ત્રિવેદી):

શ્રીમંતોની જીવનશૈલી વિરુદ્ધ મધ્યમ વર્ગની જીવનશૈલીની વાર્તા. કથકની સખી માલતીની  જીવનશૈલી આધુનિક અને ફેશનેબલ છે. નાયિકાની  કરકસરયુક્ત જીવનશૈલીની એ ટીકાકાર છે. કથકના ગળામાંની ચેનમાં સેફટી પીન લટકાવેલી જોઇને એ એની મજાક કરે છે. પણ જયારે રસ્તામાં માલતીની સેન્ડલ તૂટી જાય છે ત્યારે રસ્તા પરની ફૂલવાળીના ગળામાંની ચેનમાં રહેલી સેફટી પીન વડે જ એની ઈજ્જત બચે છે.

રજૂઆતની વાત કરીએ તો માલતીની ફેશનેબલ જીવનશૈલીનું વર્ણન અતિ વિસ્તારથી થયું છે. નાનકડી વાતને ખૂબ બઢાવીચઢાવીને કહેવાઈ છે. એકંદરે વાર્તામાં “ચાર આને કી મુરઘી બારા આને કા મસાલા” જેવો ઘાટ થયો છે.  કાપકૂપ કરીને ચોટદાર લઘુકથા બનાવી શકાય.     

દેવદૂત (નિમિષા મજમુદાર):

હેલોવીન તહેવારની ઊજવણી પ્રસંગે એક અક્ષમ બાળકનું અપહરણ થઈ જાય છે. કોણે અને શા માટે એનું અપહરણ કર્યું હશે? આ ઘટનાનો રહસ્યસ્ફોટ હ્રદયસ્પર્શી છે. મઝાની વાર્તા. 

બુલડોઝર: બે દ્રશ્યો  (અનિલ જોશી):

એક પછી બીજી એમ બે દુર્ઘટનાના દ્રશ્યો રજૂ કરીને વાર્તાકારે કુદરતના કવિન્યાયનું ઉદાહરણ આપ્યું છે. પહેલી દુર્ઘટના ખરેખર દુર્ઘટના નથી, માનવસર્જિત દુર્ઘટનાની ચેતવણી છે. જમીનદારે એક શ્રમજીવીને ધમકી આપી છે કે એનું ઘર કાયદાની રુએ ધ્વસ્ત કરવામાં આવશે. પણ એવું થઈ શકે એ પહેલાં ધરતીકંપની કુદરતી દુર્ઘટનામાં ધમકી આપનાર જમીનદાર પોતે અન્ય સેંકડો લોકો જોડે દટાઈ મરે છે.

આ રચનાને પણ ટૂંકી વાર્તા નહીં પણ લઘુકથા કહેવી યોગ્ય રહેશે.  

એક ઓર હેમિંગ્વે (રવિન્દર રવિ; પંજાબી વાર્તા રજૂઆત: સંજય છેલ):

ચિંતન-મનનની વાર્તા. કથાનાયક એક શિક્ષક છે જે અઠવાડિયાના પાંચ દિવસ નિશાળમાં બાળકોને ભણાવે છે અને શનિ-રવિની રજાઓમાં જંગલમાં જઈને નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરે છે. એનું માનવું છે કે આવું કરીને એ સત્યની શોધ કરે છે. એના પર વિશ્વપ્રસિદ્ધ લેખક હેમિંગ્વેના લખાણોની ઘેરી અસર છે. હેમિંગ્વેએ આત્મહત્યા કરેલી એ જ રીતે એ પોતે પણ આત્મહત્યા કરવાની અણી પણ છે. કંઈ બને એ પહેલાં વાર્તાનો અંત આવે છે.

સામગ્રીમાં બૌધિક ચર્ચાનો ભારે ડોઝ હોવાના કારણે વાર્તા જોડે કેટલાં ભાવકો સમરસ થઈ શકશે એ એક કોયડો છે.  

થ્રી ઈઝ એ લકી નંબર (માર્જરી એલિંગહામ; અનુવાદ: યામિની પટેલ):

રસપ્રદ અપરાધકથા. અનુવાદ એટલો પ્રવાહી થયો છે કે અનુવાદ જેવું લાગતું નથી.

વિનમ્ર વિજ્ઞાની (વાદિમ શેફ્નર, અનુ: યશવંત મહેતા):

સાયફાય (વિજ્ઞાન કલ્પનાકથા).  સમયનાં ઊંધા પગલાં!  મઝાની વાર્તા!

--કિશોર પટેલ, 15-04-23; 09:16

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###