Monday 17 August 2020

જલારામદીપ ઓગસ્ટ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 

જલારામદીપ ઓગસ્ટ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે :

(૪૨૨ શબ્દો)

આ અંકની શ્રેષ્ઠ વાર્તા આપણી ભાષાની નથી પણ તેલુગુ ભાષાની છે. બાકીની આઠ વાર્તાઓમાંથી ત્રણ સારી, એક સારી બની શકી હોત એવી અને ચાર સામાન્ય વાર્તાઓ છે. આ ઉપરાંત આ અંકમાં બે અ-વાર્તાઓ પણ છે.

સહુ પ્રથમ અંકની શ્રેષ્ઠ વાર્તાની વાત

અયોનિ (પોપુરી લલિતાકુમારી ‘વોલ્ગા’ની મૂળ તેલુગુ વાર્તા; અનુ:સ્વાતિ મેઢ) : ઘણી જ સરસ વાર્તા. એક નિર્દોષ બાળકીની નજરે વિશ્વના સૌથી જૂના વ્યવસાયની દુનિયાનું ચિત્ર રજૂ થયું છે. એક સમયે પરીકથાઓમાં રાચતી બાળકીને હવે પોતાના જ દેહ પ્રત્યે નફરત થઇ ગઇ છે. હૈયું હચમચાવી દે એવી કરુણાંતિકા.  રજૂઆત આ વાર્તાને પૈસા વસૂલ વાર્તા બનાવે છે. 

ત્રણ સારી વાર્તાઓ

છીંકાયણ (બકુલેશ દેસાઇ) : હળવી શૈલીમાં છીંક અંગેની મજેદાર વાર્તા કહેતાં કહેતાં એક સ્ત્રીની આખી જિંદગીની ખાનાખરાબીની વાત પણ લેખકે કહી દીધી. એક પંથ દો કાજ! સારી વાર્તા.

સન્માન (જિતેન્દ્ર પટેલ) : થોડુંક જે વર્ણન છે તેની જો ચોક્કસ વ્યવસ્થા થાય તો એક શુદ્ધ સંવાદકથા બની શકે. દલિતો માટે પ્રત્યે સમાજમાં હજી પણ દેખાતી અસ્પૃશ્યતા અંગે વિધાન કરતી વાર્તા. ચોટદાર અંત. સરસ રજૂઆત.

ધમકી (દુર્ગેશ ઓઝા) : કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં સલામત અંતર વિશેની એક સારી વાર્તા. 

સારી બની શકી હોત એવી એક વાર્તા

સ્વાગત (યશવંત ઠક્કર) : બીજા પુરુષ એકવચન કથનશૈલીમાં ઓછી વાર્તાઓ લખાય છે માટે આ કથનશૈલીમાં રજૂઆત થઇ એ પ્લસ પોઈન્ટ. વાર્તા છેક જ સીધી સરળ રીતે કહેવાઇ ગઇ એ માઈનસ પોઈન્ટ. ગામડાના માણસોની નિર્મળતા વિરુદ્ધ શહેરી માણસોનો વ્યવહારુ અભિગમ જેવો વિષય-વસ્તુ નવો નથી. આ વાર્તાને થોડીક રમાડીને, થોડીક મલાવીને કહી હોત તો સરસ બની શકી હોત.   

ચાર સામાન્ય વાર્તાઓ

શેઢો (ડો.એન એચ કોરિન્ગા ‘કોનાહ’) : સીધીસાદી સરળ રજૂઆત ; બાળપણની ભૂતકાળની પીડાદાયી સ્મૃતિ વર્તમાનને પણ દુ:ખદ બનાવી દે છે.  ભૂંસાઇ જતાં લિસોટા (કિરણકુમાર વી.મહેતા) : રજૂઆત સારી પણ વિષય-વસ્તુની દ્ર્રષ્ટિએ કાળબાહ્ય વાર્તા. એક સમય હતો જયારે ટ્રેડ યુનિયનનાં આગેવાનો સભ્યો જોડે દાદાગીરી કરતાં; હવે યુનિયનનો અભિગમ ઘણો વ્યવસાયિક બન્યો છે, સામ-દામ-દંડ-ભેદ બધી જ પદ્ધતિઓ અપનાવે છે. સાચી કે ખોટી હડતાળને ટકાવી રાખવા જરૂરિયાતમંદ સભ્યોને રોકડ રકમ તેમ જ કાચું સીધુંની મદદ કરે છે. શીર્ષક અગમ્ય છે. સિસિફસનો પડછાયો (નંદકુમાર વૈષ્ણવ) : રુટિન જિંદગીથી કંટાળેલી એક સ્ત્રી પતિ સમક્ષ એક નવો વિચાર રજૂ કરે છે. પતિના પ્રતિભાવ રજૂ થતાં નથી.  આ રચનાને વાર્તા કહેવી મુશ્કેલ છે. માઇનસ પોઈન્ટ: “ડોરબેલની રિંગ” એટલે શું? ડોરબેલ એટલે જ દરવાજાની ઘંટડી. અલગથી વધારાનો શબ્દ “રિંગ” લખવાનું શું કારણ? યુઝ એન્ડ થ્રો (નટવર હેડાઉ): વ્યાપારીકરણની વાત. કટાક્ષિકા.

બે અ-વાર્તાઓ

ઈશ્વર હોવાની સાબિતી (યોગેશ પંડ્યા) : ગામડાગામમાં કથાકારો અભણ ગામડિયાઓને કહે એવી ચમત્કારિક પરચાની કથા. એકસોએક ટકા અ-વાર્તા. ભાઇ હો તો... (અર્જુનસિંહ રાઉલજી) :  મનમોહન દેસાઈની ફિલ્મોની વાર્તા જેવી લોસ્ટ એન્ડ ફાઉન્ડ ફોર્મ્યુલાની વાર્તા. ટૂંકમાં, આ અંકની શ્રેષ્ઠ અ-વાર્તા.

--કિશોર પટેલ, મંગળવાર, 18 ઑગસ્ટ 2020; 6:22 પૂર્વ મધ્યાહ્ન

###  


Friday 14 August 2020

મમતા ઓગસ્ટ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 



મમતા ઓગસ્ટ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે :

(૪૦૦ શબ્દો)

આ અંકમાં એક જાણીતા લેખકની વાર્તા;  મમતા વાર્તાસ્પર્ધા ૨૦૧૯ની થોડીક વાર્તાઓ; અમેરિકામાં થયેલી શિબિરની બે વાર્તાઓ અને અન્ય ભાષાઓની દેશી-વિદેશી વાર્તાઓ છે.

સહુ પ્રથમ જાણીતા લેખકની વાર્તા

છેલ્લી રાત (કેશુભાઈ દેસાઇ) : કસાયેલી કલમે નાયકનો મનોવ્યાપાર સરસ રજૂ થયો છે. અંત સમયે નાયકને પોતાનાં સારાં-નરસાં કર્મો યાદ આવે છે. સારી વાર્તા.

મમતા વાર્તાસ્પર્ધા ૨૦૧૯ ની વાર્તાઓ. સ્પર્ધાની એક શરત પ્રમાણે પહેલા અને છેલ્લા ફકરામાં હોવા જોઇતાં વાક્યો એક પણ વાર્તામાં સ્વાભાવિક જણાતાં નથી.

પહેલાં સ્પર્ધાની સારી વાર્તા:

બે કટિંગ (કનુભાઈ આચાર્ય) : હળવી શૈલીની મઝાની સંવાદક્થા. બે પાત્રો છે, બંનેને જુદાં જુદાં કારણોસર મરી જવું છે. સરસ વાર્તા. સ્પર્ધામાં ટોચની તેરમાં વાર્તાઓમાં હક્કથી સ્થાન મેળવી શકે એવી વાર્તા.

સ્પર્ધાની સામાન્ય વાર્તાઓ:  

એક અપરિચિત પ્રતિબિંબ (નીલમ દોશી) : જીવનસાથીની ખોટ અનુભવતાં એક વૃદ્ધની વાત. ચરિત્ર (રોશની પટેલ) : માણસને પારખવામાં નાયિકા ભૂલ કરે છે ને પછી પેટ ભરીને પસ્તાય છે. અંત નાટકીય, રચનારીતિ સામાન્ય. એ હળવું સ્મિત (હાર્દિક જોશી) : આપઘાત કરવા ઉત્સુક આદમીને કોઈ તેમ કરતાં અટકાવે છે. કોણ? નાનકડી સરળ બોધવાર્તા. લીલુડીનાં લગ્ન (વિષ્ણુ પ્રજાપતિ) : ગ્રામ્ય બોલીનો પ્રયોગ. ગામડાગામમાં ન્યાય કરવા બેઠેલી પંચ એક સમસ્યાનો ક્રાંતિકારી ન્યાય તોળે છે. પણ બધું જ સમજાવીને કહેવાની લ્હાયમાં લેખક વાચકને પોતાનું મગજ વાપરવાની તક આપતાં નથી એટલે વાર્તા બનતી નથી. મમતા (ભાવના ભટ્ટ) : સુખ પામવા અનૈતિક રસ્તે જતાં પાત્રોની એક સરળ વાર્તા. આ વાર્તાના લેખક પણ વાચકને વાર્તા ઘડવાની તક આપતાં નથી. ગ્રામ્ય બોલીનો પ્રયોગ. ‘તું’ (સંકેત શાહ) : એક અફસાના જો અંજામ તક જા ન સકા. પ્રેમીઓ વચ્ચે ઉંમરભેદ છે, બેમાંથી એક પરિણીત છે, સંબંધને બીજા તબક્કામાં એક જણ લઇ જવા માંગે છે બીજો ના પાડે છે, આટલી સમસ્યાઓ ઓછી હોય એમ એક ભીષણ અકસ્માત! નાટકીય આરંભ, નાટકીય અંત! બે પ્રેમીઓ ઉપરાંત એક હમદર્દ હમરાઝ મિત્ર! એક વાર્તામાં પાંચ-સાત એપિસોડનો સારાંશ!  ટોટલ ફિલ્મી! ટોટલ લોસ!

અમેરિકામાં થયેલી શિબિરની વાર્તાઓ

શોખ (પ્રાથના જહા) : કરુણાંતિકા. મૂંગો દીકરો વાંસળી વગાડવાનું શીખે તે જ દિવસે ક્ષણે પિતા શ્રવણેન્દ્રિય ગુમાવી દે. એક ઓલ્ટરનેટ સૂર (ગિની માલવિયા) : સ્વપ્નભંગ વિશેની લઘુકથા.

અન્ય ભાષાઓની દેશી-વિદેશી મજેદાર વાર્તાઓ

જળો (અદીબ અખ્તરની મૂળ કન્નડ વાર્તા; રજૂઆત : સંજય છેલ) : એવા માણસો પણ હોય છે આ દુનિયામાં જે કુટુંબીજનના મૃત્યુની કામના કરતાં હોય! સત્ય હંમેશા કલ્પના કરતાં વિચિત્ર હોય છે એનું સરસ ઉદાહરણ. ઝાઝા રસોઈયા (અમેરિકન લેખક ડોનાલ્ડ વેસ્ટલેઈકની મૂળ અંગ્રેજી વાર્તા; રજૂઆત : દિલીપ ગણાત્રા) :  બેન્કલૂંટની મજેદાર રહસ્યકથા. “એ”ની શોધયાત્રા (ઓસ્ટ્રેલિયન લેખક જ્યોફ્રે મેલોનની મૂળ અંગ્રેજી વાર્તા; રજૂઆત : યશવંત મહેતા) :  એક ભયપ્રેરક વિજ્ઞાનકથા.

--કિશોર પટેલ; શુક્રવાર, 14 ઑગસ્ટ 2020; 12:46 ઉત્તર મધ્યાહ્ન

###

 

 


Wednesday 5 August 2020

નવનીત સમર્પણ ઓગસ્ટ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:


નવનીત સમર્પણ ઓગસ્ટ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૪૮૬ શબ્દો)  

આ અંકમાં એક વાર્તા એવી છે જે સંપૂર્ણપણે વ્યંજનામાં ચાલે છે. એક સારી વાર્તા છે, એક લબ્ધપ્રતિષ્ઠ વાર્તાકાર નિરાશ કરે છે અને એક સરેરાશ વાર્તા છે. 

સૌ પ્રથમ વ્યંજનામાં ચાલતી વાર્તા:

ડાબા પગનો મોક્ષ (અમૃત બારોટ) : સંપૂર્ણ વાર્તા વ્યંજનામાં ચાલે છે. સ્વાભાવિક છે કે ડાબા પગ અને જમણા પગનું સ્વતંત્ર વ્યક્તિત્વ આપણે સ્વીકારી શકતા નથી એટલે અભિધામાં એનો કોઈ અર્થ કાઢી શકાય નહીં. પણ વ્યંજનામાં આ વાર્તાને અનેક રીતે જોઇ શકાય.  પતિ-પત્ની, બે મિત્રો, ધંધા-વ્યવસાયમાં બે પાર્ટનર, કચેરીમાં બે સહકર્મચારીઓ, રાજકીય પક્ષના બે કાર્યકર્તાઓ કે પ્રમુખ અને મંત્રી એવા ઉચ્ચ હોદ્દેદારો કંઇ પણ. વિચારભેદ, સંસ્કારભેદ, હેતુભેદ અનેક રીતે બંને વચ્ચે ઘર્ષણ થઇ શકે. એક ક્ષણે વાર્તા આધ્યાત્મિક માર્ગે ચઢી ગઇ. જ્ઞાનપ્રાપ્તિ પછી મનને શાંતિ થવી જોઇતી હતી, અહીં વિપરીત થાય છે. એટલે અંત અનપેક્ષિત હતો એમ કહેવું પડશે. મઝેદાર વાર્તા. સરસ વાર્તાનુભવ.    

એક સારી વાર્તા:

પડછાયાના ટુકડા (અજય સોની) : આ વાર્તા એક વક્ર્તાની વાત કરે છે. અન્યોનું ભાવિ સુરક્ષિત કરવાનું કામ કરતાં વાર્તાના નાયક  વીમા-એજન્ટ મધુકાંતને પોતાનું ભવિષ્ય અસુરક્ષિત દેખાય છે. કસમયે એમને પડછાયાના ટુકડાઓ દેખાય છે એટલું જ નહીં પણ એ ટુકડાઓ એમને ઘેરી વળે છે, એમની પર હુમલો કરે છે. આ પડછાયાઓ અજાણ્યા ભયના પ્રતિક છે. અપરિણીત કે નિ:સંતાન વ્યક્તિને જોવાના સમાજના નજરિયા પર આ વાર્તા કટાક્ષ કરે છે. “તમારું કોણ ખાશે?” “તમારે વળી કેવી ઉતાવળ? ઘેર ક્યાં કોઈ રાહ જુએ છે?” આવા સહજપણે બોલાતાં વાક્યો અંદરખાને કોઈને કેટલી ચોટ પહોંચાડી શકે એ આપણે વિચારતાં નથી.  સારી વાર્તા.    

એક લબ્ધપ્રતિષ્ઠ વાર્તાકારની વાર્તા:

નિ:સ્તબ્ધ (વીનેશ અંતાણી) : મૃત વ્યક્તિની સ્મૃતિ એવા જૂના જાણીતા વિષયની વાર્તા વાંચ્યા પછી પહેલી વાર આ લેખક પાસેથી કંઇ નવું ન મળ્યાની નિરાશા થઇ. પ્રારંભ સાથે જ વાર્તા પ્રેડીકટેબલ બની ગઇ. જો કે એ નોંધવું રહ્યું કે આ સશક્ત વાર્તાકારની રજૂઆત પણ એટલી જ સશક્ત છે. ઠેકઠેકાણે હ્રદયસ્પર્શી અભિવ્યક્તિ મળી આવે છે. કેટલાંક ઉદાહરણો:  કોઇનું મૃત્યુ થવું, એની યાદ આવવી એટલે શું તે ત્રણ ચાર વર્ષનું બાળક સમજી શકતું નથી. ભૂલી જવું એને સમજાય છે. એ કહે છે // “મારો ફૂટબોલ ખોવાઇ ગયો છે પણ હું એને ભૂલી ગયો છું.” // નાયક મનોમન કહે છે,  એટલું આસાન નથી હોતું, મારા દીકરા. // સુષમાના શરીર પરથી એક ફૂલ નીચે પડ્યું હતું. તે વખતે ઉપાડી શકાયું ન હતું. હવે ઉપાડી શકાય? શ્યામ જમીન પર હાથ ફેરવે છે. // આવું વિશાળ ખુલ્લું મેદાન ઝૂંટવાઈ જાય તે કેમ ચાલે. ક્યારે શું ઝૂંટવાઈ જાય એની ક્યા ખબર પડે છે. // ઘરમાં એના સિવાય કોઈ ન હતું. છતાં એ એકલો ન હતો. //     

ચલો એક બાર ફિરસે (નયના પટેલ) : પ્રેમ, ત્યાગ, બલિદાન...જૂનો વિષય. મુદ્દા પર આવતાં પહેલાં ઘણું ફૂટેજ વેડફાયું. લાગણીભીની રજૂઆત. સરેરાશ વાર્તા.

ગમી ગયેલી વાર્તા (શરીફા વીજળીવાળા) :  સ્ટેફાન ત્સ્વાઈક (વિયેના, ઓસ્ટ્રિયામાં જન્મેલા ) એમના સમયના સફળ વાર્તાકાર હતા. એમની એક વાર્તા fear નો પરિચય શરીફાબેને કરાવ્યો છે. સરસ વાર્તા છે. આ લેખકની લગભગ બધી જ વાર્તાઓ પરથી ફિલ્મો બની છે. આપણે ત્યાં ગુમરાહ (મુખ્ય અભિનેતાઓ: અશોક કુમાર, સુનીલ દત્ત, માલાસિંહા અને શશીકલા) નામની હિન્દી ફિલ્મ આ જ વાર્તા પરથી બની હતી.

--કિશોર પટેલ; શનિવાર, 01 ઑગસ્ટ 2020; 8:55 ઉત્તર મધ્યાહ્ન.

###

 


Tuesday 4 August 2020

એતદ જૂન ૨૦૨૦ (ઉત્તરાર્ધ) અંકની વાર્તાઓ વિષે


એતદ જૂન ૨૦૨૦ (ઉત્તરાર્ધ) અંકની વાર્તાઓ વિષે


(૫૪૧ શબ્દો)

આ અંકમાં ચાર વાર્તાઓમાંથી બે સારી વાર્તા છે, એક સામાન્ય વાર્તા છે અને એક અ-વાર્તા એટલે કે સ્મરણકથા છે. આ ઉપરાંત વિદેશી ભાષાની એક સરસ અનુવાદિત વાર્તા પણ છે. 

સહુ પ્રથમ બે સારી વાર્તાની વાત.

ઊધઈ (બિપીન પટેલ) : કોરોનાગ્રસ્ત દેશ અને દુનિયાની હાલની સ્થિતિ પર કટાક્ષ કરતી સરસ વાર્તા. આ વાર્તા બે સ્તર પર ચાલે છે. અભિધાના સ્તરે દિવાળીના તહેવાર નિમિત્તે કુટુંબના વડીલે ઘરમાં વંદા, ગરોળી અને ઊધઈની સાફસફાઇનું કરવાનું ફરમાન છોડ્યું છે. છોકરાઓ સફાઈ અભિયાનમાં મંડી પડે છે. દિવસમાં કેટલી ગરોળી અને કેટલાં વંદાને પાકા રંગે રંગ્યા એના આંકડાઓ જાહેર થાય છે. વ્યંજનાના સ્તરે જોઇએ તો હાલમાં ચાલુ રહેલા કોરોના વાયરસના ઉપદ્રવની વાત છે. દેશના અને રાજ્યના નેતાઓ આ મહામારી સામે લડવા અવનવા ફરમાન છોડે છે. સમાચાર માધ્યમોમાં રોજે રોજ સંક્રમિત થયેલાં દર્દીઓનાં આંકડા જાહેર થાય છે. કેન્દ્ર સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વિશ્વના દેશોને દર્દી દીઠ પૂરી પડાતી રોકડ મદદની જેમ ઘરના વડીલ સફાઈકામ કરતાં છોકરાઓને વિવિધ રીતે મદદ પૂરી પાડે છે. સરસ વાર્તા.

તૂટેલો અરીસો (જયંત રાઠોડ) : જાતીય સુખથી વંચિત રહેલી સ્ત્રી જંગલમાં મોર અને ઢેલની રતિક્રીડા સહન કરી શકતી નથી. ઈર્ષા અને આક્રોશની મારી એ મોરની હત્યા કરી બેસે છે. પણ આ કેવળ મોરની હત્યાની વાત નથી. “અંતે નરનો ફફડાટ શાંત થઇ ગયો.” વાક્ય સૂચક છે. સ્ત્રીએ કદાચ આક્રોશમાં  પોતાના નરની હત્યા કરી હોય એવો સંકેત લેખકે અહીં આપ્યો છે.

બસના પ્રવાસમાં કુદરતી હાજત દબાવી રાખવી પડે એ સૂચવે છે કે નાયિકાને જીવનમાં નૈસર્ગિક અભિવ્યક્તિ કરવા મળી નથી. રહેઠાણ પર એના પુરુષે પોતાને મન થાય ત્યારે એની પાસે આવવું બતાવે છે કે એ કેટલો સ્વાર્થી છે. સ્થિતિ એવી થઇ જાય છે કે સ્ત્રી પોતાની જાતને તેતરની કક્ષાને ઉતરી ગયેલી જુએ છે.   

જેલવાસમાંથી મુક્ત થઈને સ્ત્રી પોતાને ઘેર પહોંચે એટલા પ્રવાસની આ વાર્તા છે. દરમિયાન ફ્લેશબેક પદ્ધતિથી આખી વાર્તા ભાવક સમક્ષ રજૂ થાય છે. આમ રચનારીતિની દ્રષ્ટિએ સરસ વાર્તા.        

નાસ્તિક (સતીશ વૈષ્ણવ) : એક નાસ્તિક માણસની આસ્તિક બનવાની સ્થૂળ યાત્રાની વાત. આ યાત્રા સૂક્ષ્મ સ્તરે ચાલી હોત તો વાર્તા સારી બની હોત.  અજયના બાળપણના કિસ્સાથી શરૂઆત કરી છે તે ભૂલ છે. વાર્તા નિરંજનના લંડનપ્રવાસના આરંભથી અંત સુધીની જ હોવી જોઇતી હતી. ભૂતકાળના જરૂરી પ્રસંગો યોગ્ય સ્થળે ફ્લેશબેક તરીકે મૂકી શકાયા હોત.

આ એક વાક્ય વાંચો: // ઘોંઘાટ શમાવવા જતાં વધી પડેલા ઘોંઘાટથી દૂર જતા રહેવામાં જ શાણપણ છે એવું સમજીને નિરંજન બીજા બેડરૂમમાં જઈને ઝટપટ ઓફિસનાં વસ્ત્રો પહેરીને બહાર આવ્યો ત્યારે રસોડામાં લલિતાના ખભે હાથ મૂકીને અજય કંઇ કહી રહ્યો હતો. // આટલું બધું એક વાક્યમાં! બે-ત્રણ ટુકડાં કરીને કહ્યું હોત તો ના ચાલત?

એક અ-વાર્તા      

વેરવિખેર સ્મરણ (દલપત ચૌહાણ) : આ વાર્તા નથી. શીર્ષકમાં જ સૂચવાયું છે એમ એક આદમીની વીતેલાં દિવસોની સ્મૃતિનોંધ છે.  મુખ્યત્વે ઇ.સ.૨૦૦૧ ની ૨૬મી જાન્યુઆરીના દિવસે કચ્છ-ગુજરાત-મહારાષ્ટ્રમાં આવેલા ગોઝારા ધરતીકંપની યાદો. એક સરસ અનુવાદિત વાર્તા

વિન્ડ કેવ (હારુકી મુરાકામીની મૂળ જાપાની નવલકથાના એક અંશનો અંગ્રેજી અનુવાદ: ફિલિપ ગેબ્રિયલ;  અનુ: વીનેશ અંતાણી) : નાયકની ત્રણ વર્ષ નાની બહેન હ્રદયના વાલ્વની તકલીફના કારણે મૃત્યુ પામી છે. મૃત બહેનની સ્મૃતિ નાયક તીવ્રપણે અનુભવે છે. એની બહેનને સાંકડા કોફિનમાં મૂકીને દફનાવવામાં આવી હતી.  એ પછી નાયકને નાનકડી અને સાંકડી જગ્યાનો ફોબિયા થઇ જાય છે. પ્રસ્તુત વાર્તામાં પોતાના મામા જોડે એ બંને ભાઈબહેન એક ગુફા જોવા ગયેલાં એ પ્રસંગનું વર્ણન છે. ત્યાં એની બહેન એને એક વિચિત્ર વાત કહે છે: “એલિસ ઇન વન્ડરલેન્ડ વાર્તાની નાયિકા એલિસ  અને  અન્ય પાત્રો સાચે જ જીવે છે.” સુંદર વાર્તા.

--કિશોર પટેલ; ગુરુવાર, 30 જુલાઈ 2020; 8:57 ઉત્તર મધ્યાહ્ન        

###

--કિશોર પટેલ; ગુરુવાર, 30 જુલાઈ 2020; 8:57 ઉત્તર મધ્યાહ્ન