Saturday 10 June 2023

મમતા મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

મમતા મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૨૭ શબ્દો)

અલમારી (પ્રતીક ગોસ્વામી):

સંબંધવિચ્છેદની વાર્તા. તપન-નીના મળ્યાં, છૂટાં પડયાં. એકબીજાથી દૂર રહીને બંને સંબંધને વધુ સ્પષ્ટ રીતે જુએ છે. હવે બેમાંથી એક જણ સંબંધમાં ફરી જોડાવા ઈચ્છે છે, જયારે બીજું મનાઈ કરે છે.

કથનમાં હિન્દી શબ્દોની ભરમાર છે, થોડાંક શબ્દો નોંધ્યા છે: બૂ, માહોલ, ચુપ્પી, જાનલેવા, ઘૂસપેઠ, કરીબ, અક્સ. આ સર્વે શબ્દો માટે ગુજરાતી શબ્દો સરળતાથી ઉપલબ્ધ છે, પાત્રોની બોલચાલની ભાષામાં હિન્દી કે અંગ્રેજી શબ્દો આવી જાય એ સ્વીકાર્ય , પણ સર્વજ્ઞ કથનશૈલીમાં આટલાં બધાં હિન્દી શબ્દો ખૂંચે છે.    

અછૂત (શ્યામ તરંગી):                                                                                     

કોરોનાગ્રસ્ત દર્દીને થયેલા અસ્પૃશ્યતાના અનુભવની વાત. આ બીમારી દરમિયાન સ્વજનોએ દાખવેલી આભડછેટથી નાયકની લાગણી દુભાઈ છે. આ વિષય પર ઘણી વાર્તાઓ આવી ગઈ, અહીં કોઈ વિશેષ વાત નથી, સામગ્રી અને રજૂઆત બંને સાધારણ.    

અધૂરો પ્રશ્ન (ઉમા પરમાર):

પ્રેમસંબંધમાં ગૂંચ. અજાણતાંમાં જેનાં પ્રેમની ઉપેક્ષા કરેલી એ મિત્ર ઓફિસમાં ઉપરી તરીકે આવતાં સંભવિત સંઘર્ષ ટાળવા નાયક બદલી માંગે છે. પણ થાય છે શું? વિષય-વસ્તુ અને રજૂઆતમાં નાવીન્ય નથી.    

આઠમી રાણી (અશોક નાયક):

વાર્તાકારે બે વિરોધાભાસી ઘટનાઓ સામસામે મૂકી આપી છે. જૂનાં સમયમાં મહેન્દ્રપ્રતાપસિંહ નામના રાજાની અઠવાડિયાના દરેક વારની એક એક અલગ રાણી હતી. આજના સમયમાં મહેન્દ્ર ઉર્ફે મહીલા નામના ઓફિસમાં ચપરાસી જેવાં સામાન્ય માણસને પરણવા માટે એક પણ કન્યા મળી નથી. આ મહેન્દ્રને પ્રસ્તાવ પણ કેવો આવે છે? કોઈકે દુષ્કર્મ કરવાથી ગર્ભવતી થયેલી કન્યાની ઈજ્જત સાચવી લેવા એની જોડે લગ્ન કરવાનો!

કશુંક અલગ લખવાનો પ્રયાસ, પ્રવાહી રજૂઆત.

નામનો પહેલો અક્ષર (યશવંત ઠક્કર):

પ્રેમની શોધમાં નાયિકાને સતત નિષ્ફળતા મળતી રહે છે છતાં દરેક વખતે કમર કસીને એ પ્રયત્નો ચાલુ રાખે છે. દરેક નવા પ્રેમીના નામનો પહેલો અક્ષર હથેળીમાં લખીને પ્રેમીને પામવાનો સંઘર્ષ કરતી રહે છે.

સાધારણ પ્રયાસ. વાર્તામાં નાયિકાનો જેટલી વાર ઉલ્લેખ થાય તેટલી વાર નામની જોડે અટકનો પણ ઉલ્લેખ કરવો શું જરૂરી હતો? વાર્તામાં સતત “તરલા પ્રવાસી”, “તરલા પ્રવાસી” વાંચવાનું કષ્ટદાયી છે. આવું લખવાથી સાધ્ય શું થાય છે? સામયિકની કિમતી જગ્યાનો બગાડ!

પોટલું (કિરણ બૂચ):

સાસુ-વહુ વચ્ચે વર્ચસ્વની સ્પર્ધાનો કરુણ અંજામ. જમાનો આજે કેટલો બદલાઈ ગયો છે એની કદાચ આપણા ગામડાઓમાં ખબર પડી નથી. વર્ણનાત્મક શૈલીમાં રજૂઆત. ગ્રામ્ય વાતાવરણ સરસ ઊભું થયું છે.

દક્ષિણ આફ્રિકાનો જમાઈ (જ્યોતિર્લતા ગિરિજાની મૂળ તમિળ વાર્તા, અનુ: સંજય છેલ):

તામિલનાડુ રાજ્યમાં ગામડે રહેતી એક કન્યાના વિવાહની વાત દક્ષિણ આફ્રિકાની કોઈ કંપનીમાં કામ કરતા દક્ષિણ ભારતીય યુવાન સાથે ચાલે છે. આ યુવાને દક્ષિણ આફ્રિકામાં શ્યામવર્ણીઓ જોડે ગોરા અંગ્રેજો દ્વારા થતાં અન્યાય વિષે ત્યાંના છાપામાં એક લેખ લખેલો જે વાંચીને કન્યાના મનમાં એ યુવક માટે માન ઉપજે છે. પણ આ જ યુવાન રૂબરૂમાં કન્યાને જોયા પછી એ શ્યામ વર્ણની છે એવું કહીને ના પાડી દે છે! આમ એ યુવાનના આચાર-વિચારમાં અસંગતિ છે. માણસોના બેવડાં ધોરણ વિષે એક વિધાન.

રોમાંચનું મૃત્યુ (એંથોની એબોટ અને રૂપર્ટ હ્યુજીસ લિખિત મૂળ અંગ્રેજી વાર્તા, અનુ: યામિની પટેલ):

હેન્રી ડોકિન્સને જીવનમાં રોમાંચ જોઈતો હતો, રોમાંચ માટે એ એક જુગાર રમ્યો, એ જુગાર એટલો ખતરનાક હતો કે છેવટે એણે રોમાંચથી છેડો ફાડવો પડ્યો! એ જુગાર એટલે અસલમાં શું હતું? નાનકડી પણ સરસ રીતે કહેવાયેલી અદ્ભુત રોમાંચક વાર્તા. 

સુષુપ્ત (કેનેડિયન લેખક એ.ઈ. વાનવોગ્ટની મૂળ અંગ્રેજી વિજ્ઞાનકથા, અનુ: યશવંત મહેતા):

પ્રચંડ વિનાશ કરતાં યંત્રની રોમહર્ષક કથા.

--કિશોર પટેલ, 11-06-23; 10:28

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

   

Wednesday 7 June 2023

અખંડ આનંદ મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

અખંડ આનંદ મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૮૬૩ શબ્દો)

આ અંકની પાંચ વાર્તાઓમાં બહુધા સામાજિક સુધારણાનો કાર્યક્રમ ચાલતો હોય અને દેશના કે રાજ્યના વડા નેતાના આદેશ પ્રમાણે હકારાત્મક વિચારોનું પ્રસારણ કરવાનું હોય એવી વાર્તાઓ છે. ફક્ત એક વાર્તા એવી છે જેમાં વ્યવસ્થિત વિચાર છે, વ્યવસ્થિત કથામાળખું છે અને વ્યવસ્થિત માવજત છે. એ વાર્તા કઈ એ તો મિત્રો તમે જ ઓળખી કાઢજો.  

રેડીમેડ દીકરી (ચંદ્રિકા લોડાયા):

આ વાર્તા સારપથી પીડાય છે. વાર્તામાંનાં ચાર મુખ્ય પાત્રો એકમેકને ખૂબ ચાહે છે, કટોકટીની સ્થિતિમાં પણ કોઈ જ પાત્ર પોતાનું માનસિક સમતોલન ગુમાવતું નથી, પાત્રોનાં એકબીજા પ્રત્યેના સ્નેહમાં સહેજ પણ ઓટ આવતી નથી. ટૂંકમાં, “એકબીજાને ચાહો” એવો કોઈ સામાજિક સુધારણાનો કાર્યક્રમ થાય તો એમાં ઉલ્લેખનીય ઉદાહરણરૂપ ઘટના ગણી શકાય. વાર્તામાં એક ગંભીર-કરુણ પ્રસંગના સમાવેશ પછી પણ સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો આ રચના “અવાર્તા” છે.

મહારાષ્ટ્રના પૂના શહેરનો પ્રીત અને મુંબઈની હેત્વી એકબીજાને જોઈ, મળી, પરિચય કેળવ્યા પછી વડીલોની સંમતિથી પરણે છે. પ્રીત અને તેના માતાપિતા સુનીલા-સંજય એમ ત્રણ જણાનાં નાનકડા સુખી કુટુંબમાં હેત્વી દૂધમાં સાકર ભળે એમ ભળી જાય છે. ચારે જણા એકબીજાનું સન્માન કરે છે અને સ્નેહ્ભાવના રાખે છે. હેત્વીને સારાં દિવસો રહ્યાં હોય એવા લક્ષણો દેખાય છે, પણ અસલમાં હેત્વી માંદી પડે છે, એને અંડાશયનું કેન્સર થયું હોવાનું નિદાન થાય છે, આગળ ઉપર હેત્વીના બંને અંડાશય કાઢી નાખવા પડે છે. પ્રીત-હેત્વીને હવે કોઈ સંતાન નહીં થાય એ નક્કી છે. આમ છતાં, પરિવારના આ ચારે જણા વચ્ચે સ્નેહ્ભાવના કાયમ રહે છે. સહુ એકબીજાનો આદર કરવામાં, એકબીજાને ચાહવામાં જાણે સ્પર્ધા કરતાં હોય એવું ચિત્ર ઊભું થાય છે. આટલું ઓછું હોય એમ મુંબઈ રહેતાં હેત્વીના માતાપિતા પણ આ પ્રેમસરઘસમાં જોડાઈ જાય છે.

લંબાણભરી રચના. વર્તમાનપત્રોની પારિવારિક પૂરવણીઓમાં જોવામાં આવે એવી રચના.        

ભાગ્યરેખા (દીના પંડયા):

હકારાત્મક વિચારોની જીવન પર થતી શુભ અસરની વાત.  

ઘર-હવેલી-સ્વજનો ગુમાવીને તદ્દન રસ્તા પર આવી ગયેલા સનતને જીવનમાંથી રસ ઊડી ગયો હતો. એનાં આત્મહત્યાના પ્રયાસો પણ નિષ્ફળ જવાથી એ જેમતેમ જીવન વેંઢારતો હતો એવામાં એક જ્યોતિષી આવી ચડે. દક્ષિણાની લાલચે એ સનત ખુશ થાય એવું ભવિષ્ય ભાખે છે કે “એનાં ભાગ્યમાં તો લક્ષ્મી સેલ્લારા મારે છે.” સનતને થાય છે કે આ કદાચ સાચું પણ પડે. જીવન પ્રતિ એનો અભિગમ બદલાઈ જાય છે. એ મહેનત કરવા માંડે છે. મહેનત, લગન અને હોશિયારીને પરિણામે એ ધંધામાં સફળ થાય છે અને લક્ષ્મી એનાં પર રીઝે છે. એને સુયોગ્ય કન્યા પણ મળી રહે છે જેની જોડે લગ્ન કરીને એ સ્થિર થાય છે. રસ્તે રઝળતા એક માનસિક અસ્વસ્થ વૃદ્ધને એ ઓળખી જાય છે, એનું ઉજ્જવળ ભવિષ્ય ભાખનારો જોશી કાળક્રમે એવી સ્થિતિમાં આવી ગયો હતો. એનું ઋણ ચૂકવવા સનત એને વિધિસર દત્તક લઈને પોતાને ઘેર લઈ જાય છે.

આમ જુઓ તો તાલમેલ બેસાડેલી નાટયાત્મક વાર્તા છે. હકારાત્મક વિચારોની અસર સારી થાય છે એવું અહીં પ્રતિપાદિત થાય છે.  રજૂઆત પારંપારિક.        

ગુસ્સો ઓગળી ગયો (અર્જુનસિંહ રાઉલજી):

દુર્જનની સામે દુર્જન થવાથી આપણી જ પ્રતિષ્ઠા ઓછી થાય છે એવો સંદેશ આપતી વાર્તા.

વકીલ અવનીરાયની ખ્યાતિ એવી છે કે પોતાની ફી કમાવા માટે તેઓ ક્યારેય અસીલોને ઊંધા રવાડે ના ચડાવતા.  કૃતઘ્ની નાના ભાઈ વિરુદ્ધ કોર્ટકેસ કરવા ઈચ્છતા એક મોટાભાઈને વકીલ આ અટકાવે છે અને ઉપદેશ આપે છે કે જેવા સાથે તેવા ના થવાય. આટલો ઉપદેશ સાંભળીને પેલો માની જાય છે અને કેસ કરવાનું માંડી વાળે છે.

મોટો ભાઈ નાના ભાઈ વિરુદ્ધ કેસ કરવા માંગતો હતો કારણ કે નાના ભાઈએ ઉપકારનો બદલો અપકારથી આપ્યો હતો. અહીં અવનીરાય સામેથી આવેલા અસીલને કોર્ટ કેસ ના કરવા સમજાવે છે એ વાત ગળે ના ઉતરે એવી છે. જો વકીલ અવનીરાય ખરેખર સામાજિક કાર્ય કરવા ઈચ્છતા હોય તો એમણે બંને ભાઈઓને સામસામાં બેસાડીને એમની વચ્ચેના ટંટાનો નિકાલ લાવવો જોઈતો હતો.

બાળવાર્તા પ્રકારની રચના, સાધારણ રજૂઆત. 

A.T.C2.M. (અરવિંદ ધીરજલાલ પંડયા):

અપરાધકથા.

ફેન્ટેસીથી શરુ થયેલી આ વાર્તા અપરાધકથામાં પરિવર્તિત થઈ જાય છે. ફેન્ટેસી એવી થઈ છે કે એક એવું મશીન શોધાયું છે જે કોઈ પણ વ્યક્તિના જીવનનો સંપૂર્ણ આલેખ ત્રણ કલાકમાં આપી દે છે અને જે તે વ્યક્તિનું હ્રદયપરિવર્તન કરવા પણ સક્ષમ છે. ખરાબને સારા અને સારાને વધુ સારા બનાવી શકે છે.

આ મશીનના પ્રયોગના પહેલા દિવસે પ્રયોગ માટે આન્દ્રે નામનો એક ખૂંખાર અપરાધી સ્વેચ્છાએ તૈયાર થાય છે. ત્રણ કલાકમાં એનો જે જીવનઆલેખ મશીને આપ્યો એના માટે આન્દ્રેએ એવું કહ્યું કે હા, આ મશીને મારો જે ઈતિહાસ કહ્યો તે સો ટકા સાચો છે. વળી આન્દ્રેનું એવું હ્રદયપરિવર્તન થઈ ગયું કે એણે પોતાની લખલૂટ સંપત્તિ દાન કરી દીધી!

બીજા અને ત્રીજા દિવસે અનુક્રમે એક ધર્મગુરુ અને એક રાજકારણી નેતા આ પ્રયોગ માટે મશીન સમક્ષ હાજર થવાના હતા. પણ આન્દ્રેની પ્રતિક્રિયા જાણ્યા પછી કોઈ અજાણ્યા માણસે અથવા માણસોએ પેલા મશીનને નેસ્તનાબૂદ કરી નાખ્યું, અને મશીન બનાવનારા સર્વ વૈજ્ઞાનિકોની હત્યા કરી નાખી! કદાચ ધર્મગુરુ અને નેતાજી પાસે છુપાવવાનું ઘણું બધું હતું! આમ એક ફેન્ટેસી અપરાધકથામાં ફેરવાઈ જાય છે.

ટચુકડી વાર્તાની સરળ રજૂઆત.

શુભ સંધ્યા (રેણુકા દવે):

વરિષ્ઠ નાગરિકોની સમસ્યા.

મેઘાવી એક અખબારમાં પત્રકારની નોકરી કરે છે. એક લેખ નિમિત્તે થોડાંક દિવસ માટે એનું વૃધ્ધાશ્રમમાં રહેવાનું થાય છે. આ નિમિત્તે એ વરિષ્ઠ નાગરિકોની એકલતાથી માહિતગાર થાય છે. એ જુએ છે કે મોટા ભાગનાં વૃધ્ધોને પરિવાર દ્વારા તરછોડી દેવાયેલાં હતાં. ત્યાં રસોડામાં કામ કરતી એક રસોયણબાઈ એને એક ઘણી મોટી વાત કરે છે. એ કહે છે: “છોકરાંઓ શું માબાપને જોડે રાખતાં હશે? અરે, માબાપ જ છોકરાંને પોતાની જોડે રાખતાં હોય છે!” મેઘાવી પોતે પોતાની સાસુને આવા કોઈ વૃધ્ધાશ્રમમાં મૂકવાનું વિચારતી હતી. પણ વૃધ્ધાશ્રમની આ મુલાકાતથી એની આંખો ખૂલી જાય છે. એ નક્કી કરે છે કે સાસુને પોતાની જોડે પોતાને ઘેર જ રાખશે અને બને એટલી એમની સેવા કરશે.     

સરસ વાર્તા, નાયિકાના મનોવ્યાપારનું સરસ આલેખન.

--કિશોર પટેલ, 08-06-23; 11:14

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

Sunday 4 June 2023

પરબ મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

પરબ મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૧૯ શબ્દો)

ભૂલ (પન્ના ત્રિવેદી):

બાળઉછેર એક મહત્વની કામગીરી છે. નિશાળે ભણતાં બાળકો પર વાલીઓનો કેવો અને કેટલો અંકુશ હોવો જોઈએ? બાળકોને કેટલી સ્વતંત્રતા આપી શકાય? એમને ક્યાં છૂટ આપવી અને ક્યાં અંકુશ મૂકવાં? આ અને આવા અનેક પ્રશ્નોની ચર્ચા આ વાર્તા નિમિત્તે થઈ શકે. શહેરમાં અને પાડોશમાં બનતી ઘટનાઓથી આરોહી ચિંતિત છે. નાની બાળકીઓ સાથે દુષ્કર્મ બનવાની ઘટના છાપાં સુધી સીમિત ના રહેતાં પાડોશમાં બનતાં આરોહી હચમચી ગઈ છે. ના, આરોહી કોઈ નાનકડી અબૂધ બાળકીની માતા નથી પણ આવું છમકલું કરી શકે એ ઉંમરના દીકરાની માતા જરૂર છે. એક જવાબદાર માતા તરીકે એણે શિક્ષિત હોવા છતાં નોકરી ના કરતાં બાળકોના સારા ઉછેર ખાતર પૂર્ણ સમયની ગૃહિણી બની રહેવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું છે. એનો પતિ સુકેશ તક મળ્યે એની મજાક પણ કરતો રહે છે: “...પરફેક્ટ મધર.” એક બપોરે સ્કૂલે ભણતાં બંને પુત્રોના ઓરડામાંથી આરોહીને વાંધાજનક સામગ્રી મળી આવે છે. આરોહી છળી ઊઠે છે પણ સુકેશ હજી શાંત છે. છેવટે આરોહીને છોકરાંની સ્કુલમાંથી મળવા આવવાનું પ્રિન્સીપાલનું આમંત્રણ મળે છે. એ જાણે છે કે નાનો છોકરો તોફાની છે, એને શંકા છે કે એણે જ કંઇક કર્યું હશે. પણ પ્રિન્સીપાલની ફરિયાદ સાંભળી એનાં પગ નીચેની ધરતી ખસી જાય છે કારણ કે ફરિયાદ તો મોટા દીકરા અંગેની છે.  

બાળઉછેર અને તરુણોની સમસ્યા વિષે નીવડેલા વાર્તાકાર પાસેથી મળેલી સરસ વાર્તા. પ્રવાહી રજૂઆત.        

રમત શૂન્ય ભાગાકારની (પી. એમ. લુણાગરિયા):

દલિતો સાથે અન્યાય. અમદાવાદ જેવા શહેરમાં કહેવાતી નીચલી કોમના માણસોને સારા લત્તામાં મોંમાંગ્યું ભાડું આપવા છતાં ઘર ભાડે મળતું નથી.

સોલંકી અટકધારી કથાનાયક જીપીએસસી પરીક્ષામાં પાસ થયા છે, અમદાવાદ શહેરમાં સીટી મામલતદાર તરીકે એમની નિમણુંક થઈ છે પણ એમણે સર્કિટહાઉસમાં રહેવું પડે છે કારણ કે શહેરમાં કોઈ સારા લત્તામાં એમને ઘર ભાડે મળતું નથી! એમનું નામ સાંભળ્યા પછી ગુજરાતના રહીશોના કાનમાં ચેતવણીની સાયરન બજે છે: “આ તો અમુક જ્ઞાતિનો! એને ના અપાય ઘર!” પરિચિત અને નિવૃત્ત શિક્ષક ભટ્ટસાહેબ કહેવા ખાતર જાતિભેદમાં ના માનનારા પણ અંદરખાને હાડોહાડ જાતિવાદી છે. એમને કહેવાતી નીચલી કોમનો માણસ પાડોશી તરીકે એમને ખપતો નથી, ભલેને એક સમયે એ એમનો પ્રિય વિદ્યાર્થી રહ્યો હોય!

આ હકીકત છે, મુંબઈમાં બેંક અને અન્ય સરકારી નોકરીઓમાં બઢતી પછી જો ગુજરાતમાં પોસ્ટીંગ મળે તો કહેવાતી પછાત કોમના ગુજરાતી ઉમેદવારો બઢતી નકારી દેતાં હોય એવા કિસ્સાઓ આજે પણ બન્યાં કરે છે. સાંપ્રત સમસ્યા. સરળ અને ભાવવાહી રજૂઆત.

લઘુકથા

નજર (પ્રભુદાસ પટેલ): ચારિત્ર્યશિથિલતાની વાત.  “એક દિવસ સહુએ માટીમાં ભળી જવાનું છે માટે માણસે અભિમાન કરવું જોઈએ નહીં.” આવા અર્થનું ભજન ગાનાર દલજી ભગત ભજન સાંભળવા ભેગાં થયેલાં ગ્રામજનોમાં ઉપસ્થિત ગંગા સાથે નજર મેળવી શકતો નથી. કારણ? એણે ગંગા જોડે એવું શું કર્યું હતું? ચોટદાર લઘુકથા.       

પોંખણું (નગીન દવે): શું એક સ્ત્રીનું માન બીજી સ્ત્રી સાચવી શકે છે? છૂટાછેડા પછી વર્ષો બાદ પતિ પાસે જ મોટા થયેલા પુત્રના લગ્નપ્રસંગે નાયિકા બુરખામાં મોંઢું સંતાડીને વરઘોડિયાંને જોવા જાય છે પણ પતિની બીજી પત્ની એને ઓળખી જાય છે. પણ પછી શું એ એનું માન સાચવી શકે છે? શું વરમાતા તરીકે આગળની વિધિ એ પોતે ઉકેલે છે કે પહેલી પત્નીને સોંપી દે છે? પરસ્પર સ્નેહ અને આદરભાવની વાત. સરસ લઘુકથા.

--કિશોર પટેલ, 05-06-23; 09:45

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###