Monday 13 September 2021

બુદ્ધિપ્રકાશ ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તા વિષે નોંધ

 

બુદ્ધિપ્રકાશ ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તા વિષે નોંધ  

(૨૨૦ શબ્દો)

ઉત્તર (દીવાન ઠાકોર):

દર્શનની વાત.

વાર્તામાં પ્રસ્તુત થયેલું દર્શન: માણસને પ્રશ્ન થાય છે એટલે એ જીવે છે. માણસને પ્રશ્નો થવાનું બંધ થાય એટલે મૃત્યુ પામે છે.

જીવનસંધ્યાએ પહોંચેલા કરસનદાસને અનેક પ્રશ્નો મૂંઝવતા હતાં. જીવન કેમ અર્થહીન છે? માણસો સ્વાર્થી કેમ થતાં જાય છે?

પત્ની હયાત હતી ત્યારે એ કરસનદાસને પ્રશ્નો પૂછ્યા કરતી. એમની પાસે ઉત્તરો ન હતાં.  

નાનપણમાં બાળસહજ કુતૂહલથી થતાં પ્રશ્નોના ઉત્તરો એમણે ક્યારેક મળતાં, ક્યારેક ના મળતાં. એની મોટી ઉંમરે ઈશ્વર એની સામે પ્રગટ થઇને પૂછે છે, તને શું જોઇએ છે? કરસનદાસ કહે છે: મને પ્રશ્ન જ ના થાય એવું આપો. બસ, એ પછી કરસનદાસ એક તારો બની આકાશમાં સ્થિર થઇ ગયા.

મંદિરમાંથી બહાર આવેલી છોકરી કરસનદાસને ચોકલેટ આપે છે. આ એક રૂપક છે. ચોકલેટ ખોરાક નથી, એક છલના છે, એક ભ્રમણા છે. ચોકલેટ મળતાં જ ઉત્પાતિયું બાળક શાંત થઇ જાય છે. ચોકલેટ હાથમાં આવતાં કરસનદાસનાં પ્રશ્નો બંધ થઇ જાય છે.

મિત્ર જીવણલાલના પુત્રને પિતાએ લઇ આપેલો ટુ બીએચકે ફ્લેટ નાનો પડે છે. આ પણ એક રૂપક છે. માણસના લોભને થોભ નથી.

નોકરીના દિવસો દરમિયાન ઓફિસમાં મિસિસ પટેલના એક સ્મિતથી કરસનદાસના દિવસની સંપૂર્ણ વિચારપ્રક્રિયા બદલાઇ જાય છે. આ પણ એક રૂપક છે. માનવપ્રજાતિમાં અને બહોળા અર્થમાં પ્રાણીમાત્રમાં  વિજાતીય આકર્ષણની ઉપસ્થિતિ પ્રકૃતિદત્ત હોય છે.    

વાર્તામાં ઘટના જેવું કંઇ છે નહીં. અહીં દર્શનશાસ્ત્રની વાત છે, સામાન્ય વાચકને કદાચ રસ ના પણ પડે.  

--કિશોર પટેલ, 13-09-21; 06:15

###  


પરબ ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તા વિષે

 

પરબ ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તા વિષે

(૨૪૮ શબ્દો)

ડેથ રો (વર્ષા અડાલજા):

જેલમાં સબડતાં ફાંસીની સજા પામેલા કેદીઓની કરુણ વાસ્તવિકતા પર પ્રકાશ પાડતી વાર્તા.

પછાત ગામડાનો અને દલિત કોમનો જયપ્રકાશ નામનો એક યુવક સંઘર્ષપૂર્ણ સ્થિતિમાં પત્રકારત્વનું શિક્ષણ મેળવીને મુંબઇ જેવા મહાનગરમાં આવ્યો છે. પોતાની અને પરિવારના સભ્યોની જિંદગી બદલી નાખવાનું એનું સ્વપ્નું છે. પત્રકારની નોકરીમાં ફિલ્મઉદ્યોગના અહેવાલો લખવામાં એને રસ પડતો નથી. એને એક નવું કામ મળે છે: ફાંસીની સજા પામેલા પણ લાંબા વખતથી જેલમાં સબડતા કેદીઓ અને એમનાં પરિવારની મુલાકાતો લેવાનું. રાષ્ટ્રીય કક્ષાએ રિપોર્ટ બનાવવાનું આ મહત્વનું કામ છે. આ કામ દરમિયાન એને ખ્યાલ આવે છે કે અન્યાયી સમાજવ્યવસ્થા તેમ જ રાજકારણીઓ અને સ્થાપિત હિતો વચ્ચેની સાંઠગાંઠને લીધે આ ઉપેક્ષિત પ્રજાને કેટલો અન્યાય થાય છે. કેદીઓની અને એમનાં પરિવારોની કરુણ કહાણીઓ સાંભળીને નાયક હચમચી જાય છે.

ફ્રિલાન્સ પત્રકાર યુવતી કામ્યાનું પાત્રાલેખન રસ પડે એવું થયું છે. બીજા શહેરોમાંથી આવેલાં અને અપરિણીત જુવાનિયાઓની જીવનશૈલીની એક ઝલક આ વાર્તામાં મળે છે. મુંબઈ શહેરમાં રહેઠાણની સમસ્યા કેવી ગંભીર છે એના વિષે પણ વાર્તામાં ઈશારો થયો છે.

દલિત કોમમાંથી ઉપર આવેલા યુવાનની ફરજ હતી કે પોતાના જેવા હાંસિયામાં જીવતાં સમાજના લોકોની સમસ્યાને એ વાચા આપે. નાયકની પાર્શ્વભૂમિની લેખકે કરેલી પસંદગી યથાયોગ્ય જ છે. પણ એક વિચાર એવો આવે છે કે વાર્તામાં દલિત કોમના નાયકને બદલે દોમદોમ સાહ્યબીમાં ઉછરેલો શ્રીમંત કુટુંબનો નબીરો વાર્તાનો નાયક હોત તો? જેણે ગરીબી શું છે એ કદી જોયું-જાણ્યું નથી એવા યુવાને દેશની પછાત વસ્તીની કરુણ વાસ્તવિકતા જોઇને કેવો આઘાત અને સંઘર્ષ અનુભવ્યો હોત? એની જિંદગીમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું હોત કે નહીં? એક જુદી જ વાર્તા બની હોત કે નહીં?    

--કિશોર પટેલ, 11-09-21; 21:13

 ###  


Thursday 9 September 2021

કુમાર ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

 

કુમાર ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૪૫૦ શબ્દો)

આ અંકની બંને વાર્તાઓ નારીચેતના વિષયની છે.

જેલ પોતપોતાની (ઈલા આરબ મહેતા):

પુરુષપ્રધાન સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન હંમેશા દુય્યમ રહ્યું છે. આપણા દેશમાં મોટી સંખ્યામાં પરિણીત સ્ત્રીઓ આજે પણ ઘરેલુ હિંસાનો શિકાર બનતી રહી છે.

પ્રસ્તુત વાર્તામાં પતિનો એક જ લાફો ગાલ પર પડતાં પત્ની પોલીસમાં ફરિયાદ નોંધાવે છે. પતિ  લોકઅપના સળિયા પાછળ બંધ થઇ જાય છે. ચાર કલાક સળિયા પાછળ વીતાવીને સંજયમાં રહેલો પુરુષ આકાશમાંથી ધરતી પર પટકાય છે. એનો અહમ ઘવાયો છે. અપમાનબોધથી એ ભારે અસ્વસ્થ થઇ ગયો છે. આવું થઇ શકે છે એવું એણે સ્વપ્ને પણ ધાર્યું ન હતું.

નયના માત્ર ઈશારો કરવા માંગતી હતી કે એ શું કરી શકે છે. મુદ્દો સાબિત થઇ ગયો એટલે પતિ વિરુદ્ધની ફરિયાદ એ પાછી ખેંચી લે છે. સંજયને ખરેખર બોધપાઠ મળી જાય છે. એટલે જ તો એ પત્નીને કહે છે કે “તારે જવું હોય તો જા. નહીંતર પાછું...” મહિલામંડળ દ્વારા આયોજિત પિકનિક પર જવાની નયનાની જિદ પરથી બધી બબાલ થઇ હતી.

પતિ-પત્ની બંનેનું પાત્રાલેખન સારું. પુરુષો દ્વારા સ્ત્રીઓ પ્રત્યે થતી હિંસા સંજય નાનપણથી જોતો આવ્યો હતો. પરિવારની કોઇ સ્ત્રીએ ક્યારેય વિરોધ કર્યો ન હતો. આમ એને સંસ્કાર જ એવા મળ્યા હતા કે આવું તો ચાલે. સામે પક્ષે નયના મહિલામંડળમાં આવજા કરે છે, પુરુષો દ્વારા થતાં અન્યાયો પ્રતિ  મહિલાઓમાં હવે જાગૃતિ ફેલાઇ રહી છે. હાથ ઉપાડનાર પતિ વિરુદ્ધ વિદ્રોહ કરવાની હિંમત નયનાએ ત્યાંથી જ મેળવી છે.

વરિષ્ઠ અને નીવડેલા આ વાર્તાકારની આ કૃતિના આલેખનમાં રહી ગયેલી ક્ષતિઓ પ્રતિ અંગુલીનિર્દેશ કરવો આવશ્યક છે. ૧. સંજયની માતા માટે શું સંબોધન કરવું એ વિષે કથક ચોક્કસ નથી. ભારતીમમ્મી, મમ્મી અને ભારતી આમ ત્રણ ત્રણ સંબોધન ક્થકે વાપર્યા છે. ૨. લાફો મારવાની ઘટનાની પહેલાંના અને પછીના પતિ-પત્ની વચ્ચેના સંવાદો એકસાથે લખાયાં છે એટલે એનો સંદર્ભ સ્પષ્ટ થતો નથી. પરિણામે વાચકને ગૂંચવણ થાય છે.         

એકંદરે સરસ વાચનક્ષમ વાર્તા.

ગુડ બાય (ધીરેન્દ્ર મહેતા):

મિત્સુ પોતાની જિંદગી પોતાની શરતોએ જીવી છે. બાકીની જિંદગી પણ એ જ ખુમારીથી જીવવા ઈચ્છે છે. આ અંગે એ કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. ઉચ્ચ અભ્યાસ કરવા માંગતી મિત્સુને ઘરનાં લોકો પરણાવી દેવા માંગતા હતા. નમતું ના આપતાં એ ગૃહત્યાગ કરી ગઇ હતી. પુરુ જોડેની સગાઇ તૂટી ગઇ એનો એને રંજ નથી.

વર્ષો પછી માંદા પડેલા પિતાની ખબર કાઢવા મિત્સુ એ જ શહેરમાં પાછી આવી છે જ્યાં એનો ઉછેર થયો છે. હોસ્પિટલમાં પિતાની સ્થિતિ જાણી લીધાં પછી પ્રશ્ન ઊભો થાય છે રાત રોકાવાનો. કોરોના મહામારીના કારણે શહેરમાં સર્વત્ર જાકારાનું વાતાવરણ છે. મિત્સુના કાકાનો પ્રતિસાદ ઠંડો છે. જેની સાથેની સગાઇ તૂટી ગયેલી એ પુરુ શહેરમાં મિત્સુની વ્યવસ્થા કરવા સામે ચાલીને આવ્યો છે. વાતવાતમાં મિત્સુ અને એના પરિવાર પ્રતિ પુરુના મનમાં રહેલી કડવાશ પ્રગટ થઇ જાય છે. પરિણામે મિત્સુ એની જોડે જતી નથી. એટલી રાત્રે ક્યાં જવું કે ક્યાં રોકાવું એવા વિચારોથી વિચલિત થઇને મિત્સુ સમાધાન કરતી નથી.        

નાયિકાનું પાત્રાલેખન સશક્ત. મહામારીની પાર્શ્વભૂમિમાં હોસ્પિટલના વાતાવરણનું આલેખન વિગતવાર અને અધિકૃત.

સરસ વાર્તા.   

--કિશોર પટેલ, 09-09-21 18:02

###


Tuesday 7 September 2021

મમતા ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

 

મમતા ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૮૪૮ શબ્દો)

નારીવાદી વાર્તાવિશેષાંક ભાગ ૨ અતિથી સંપાદક: ખેવના દેસાઇ

કાળી સ્ત્રી (પારુલ પ્રેયસ મહેતા):

અહીં કાળી સ્ત્રી એક સ્વતંત્ર સ્ત્રીનું પ્રતિક બનીને આવે છે. અનન્યા એના ઘરમાં કામ કરવા  આવતી બાઇની સતત ઈર્ષા કર્યા કરે છે કારણ કે એની ત્વચા ભલે કાળી હોય પણ સ્નિગ્ધ છે. અકારણ જ એ પોતાની તુલના એની જોડે કર્યા કરે છે. અહીં વાત ફક્ત આર્થિક સ્વાતંત્ર્યની નથી પણ આત્મસન્માનની પણ છે જે કામવાળી બાઇ પાસે છે અને અનન્યા પાસે નથી. જયારે નાયિકાને પોતાને દિશા સાંપડે છે ત્યારે જ એનું મન શાંત થાય છે.

અન્ય ગૌણ પાત્રોની બાદબાકી કરીને, ફક્ત નાયિકા અને કાળી સ્ત્રી એમ બે જ પાત્રો પર ફોકસ રાખીને, બંને વચ્ચે એકાદ નાટ્યપૂર્ણ પ્રસંગયોજના કરીને ફાંકડી વાર્તા બનાવી શકાઇ હોત. એકંદરે સારી વાર્તા.  

એ તો જીવી ગઇ છે! (નિર્ઝરી મહેતા):

સ્ત્રીના જીવનની વ્યથા-કથા જેવો જૂનો વિષય, માવજત સારી પણ પરિણામ નિરાશાજનક.

વર્ષો પહેલાં છૂટાં પડી ગયેલાં માતા-પિતાને ભેગાં કરવાની યોજના નાયિકાએ છેલ્લી ઘડીને પડતી મૂકવી પડે છે.

આ વાર્તાની રચનારીતિ રસ પડે એવી છે. એક સવારે નાયિકાએ વોશિંગ મશીનમાં કપડાં ધોવાં નાખ્યાં અને એ કપડાં ધોવાઇ રહે એટલા સમયમાં વાર્તા પૂરી થઇ જાય છે.  સંપૂર્ણ વાર્તા નાયિકા સુતપા અને તેના પતિ પરિતોષ વચ્ચે થયેલાં સંવાદમાં કહેવાઇ છે. આવશ્યકતા અનુસાર સુતપાના મનોવ્યાપારનું આલેખન થયું છે તેમ જ જરૂરી વિગતો ફ્લેશબેકની પધ્ધતિથી વચ્ચે વચ્ચે અપાઇ છે પણ ક્યાંક રસભંગ થતો નથી. આ થયું વાર્તાનું જમા પાસું.

ઉધાર પાસું જોઇએ તો વાર્તામાં status quo એટલે કે જૈસે થે બની રહે છે.  કંઇક રસપૂર્ણ બની શક્યું હોત જો પરિતોષે સુતપાને અટકાવી ના હોત. જો સુતપાના માતાપિતા વચ્ચે ખરેખર મુલાકાત થઇ હોત તો જરૂર કંઇક નાટ્યપૂર્ણ બન્યું હોત.

નાયિકાનું “સુતપા” નામ અસામાન્ય છે. અધૂરામાં પૂરું એનું ટૂંકું રૂપ “સુપી” વળી ઔર વિચિત્ર લાગે છે. 

સામાજિક પ્રાણી (છાયા ઉપાધ્યાય):

ચૌદ, પંદર કે સોળ વર્ષની કન્યાના લગ્ન એટલે નિર્વિવાદપણે બાળલગ્ન જ કહેવાય. આવાં એક લગ્નમાંથી પીડિતાને ઉગારવા પ્રવૃત્ત થયેલી નાયિકાએ છેવટની ક્ષણે હથિયાર હેઠાં મૂકી દેવા પડે છે. હાંસિયામાં જીવતા સમાજની વાસ્તવિકતા સામે કાયદાની કલમો ક્યારેક નિરર્થક થઇ જતી હોય છે. કન્યાઓનાં હિત માટે કામ કરતી સંસ્થાઓએ પણ લગ્ન માટેની વયમર્યાદા ઉપરાંત અન્ય પરિબળો માટે સજાગ રહેવું જોઇએ એવી ચેતવણી આ વાર્તા આપે છે.  

હટ કે કથા-વસ્તુ અને પ્રભાવી તેમ જ પ્રવાહી રજૂઆત. વાર્તામાં આવશ્યક સંઘર્ષ છે. ‘હવે શું થશે?’ની ઉત્કંઠા એકાદ થ્રિલર વાર્તાની જેમ ક્ષણે ક્ષણે વધતી રહે છે.  ધારણાઓ કરતાં વિપરીત ઘટતું રહે છે એમાં વાર્તાની સફળતા છે. તળપદી બોલીનો પ્રયોગ થયો છે. સાદ્યંત સ-રસ વાર્તા.

વાર્તાની રચનારીતિ જુઓ: નાયિકાએ શાળાના એક ખાલી ઓરડામાં એક વિદ્યાર્થીની જોડે અનૌપચારિક મિટિંગ ગોઠવી છે. માંડ અડધો કલાક ચાલેલી એ મિટિંગની સાથે વાર્તા પણ સમાપ્ત થઇ જાય છે. આનુષંગિક વિગતો ભાવકને સમયે સમયે મળ્યા કરે છે પણ ક્યાંય રસભંગ થતો નથી.  

શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે તુંકારાનો સંબંધ એક ચોંકાવનારું નાવીન્ય છે. નોંધનીય છે શિક્ષકનો તંદુરસ્ત અભિગમ. ઉંમર કે અભ્યાસ બાદ કરતાં બીજી અનેક રીતે વિદ્યાર્થી બરોબરિયો કે ચડિયાતો હોઇ શકે એવું માનવાનો શિક્ષક અભિગમ સરાહનીય છે. વિદ્યાર્થી દ્વારા શિક્ષક માટે થતું તુંકારાનું સંબોધન વાર્તામાં ક્યાંય અખરતું નથી.   

નોંધનીય અભિવ્યક્તિ: ૧. એક સ્ત્રીપાત્રના ચહેરાનું વર્ણન: “...સપનાના ચહેરા પર પૂર્વોત્તર ગુજરાતની ભૂગોળ છપાયેલી હતી...’ ૨.  એક નવો શબ્દ: પોતાના જીવનનો નિર્ણય લેતી કન્યા માટે વપરાયેલું વિશેષણ: “પાવરપોટલી.”

કુહૂ... કુહૂ... કુહૂ...! (જયશ્રી વિનુ મર્ચન્ટ): 

આજની સ્ત્રી કહે છે: આત્મસન્માનના ભોગે કશું જ નહીં. પોતાના પેટના દીકરાને પણ નકારી કાઢતાં લખીબા આ વાર્તામાં આજની વિદ્રોહી નારીની પ્રતિનિધિ બનીને આવે છે.

કેવળ અંતમાં આઘાત આપવા માટે ખેતર વેચવાની જે વાત છેક સુધી લેખકે બચાવી રાખી છે તે કૃત્રિમ લાગે છે. જો ખેતર વેચવાની વાતનો ઉલ્લેખ વાર્તામાં અગાઉ સહજપણે આવી ગયો હોત તો અંતમાં સોનાની થાળીમાં લોઢાનો જે સ્વાદ આવે છે તે નિવારી શકાયો હોત. આ સિવાય વાર્તામાં વિષય-વસ્તુનો વિકાસ સરસ થયો છે. કોયલ સાથેના લખીબાના ઝઘડા મીઠા લાગે છે. અંતમાં જમીનના ગ્રાહકો જોડે લખીબા કડકડાટ અંગ્રેજી બોલે છે એ દ્રશ્ય નાટ્યાત્મક રજૂ થયું છે. શીર્ષક બીજું કશુંક સારું વિચારી શકાયું હોત.         

થોર (નરેન્દ્રસિંહ રાણા): નાના શહેરની બે સ્ત્રીઓના જીવનનું તુલનાત્મક ચિત્રણ થયું છે. ધની કદાચ ત્યકતા છે જયારે કનકનો ધણી કદાચ જેલમાં છે. કદાચ કનક માટે થઇને ધનીના પતિએ ધનીને રઝળતી મૂકી દીધી હતી.  ધનીએ કદાચ પતિ વિરુદ્ધ કોર્ટકેસ કર્યો હોય અને કાયદાની દ્રષ્ટિએ ધનીનો પતિ દોષિત સાબિત થયો હોઇ જેલના સળિયા પાછળ હોય એવું બને. સમગ્ર કાંડમાં ધનીના જેઠ (જેનો ઉલ્લેખ હવે કનકના જેઠ તરીકે થાય છે)ની પણ મહત્વની ભૂમિકા હોઇ શકે.  એ ઘરના સહુ પુરુષોનો ઈતિહાસ જેલના સળિયા સાથે સંકળાયેલો હતો એવો સંકેત વાર્તામાંથી મળે છે.

આ બધી ધારણાઓ છે જે કદાચ ભૂલભરેલી પણ હોઇ શકે કારણ કે વાર્તા ઘણી જ સંદિગ્ધ છે. સમાજમાં સ્ત્રીની અવદશા અંગે લેખક નિવેદન કરવા ઈચ્છે છે એટલું સમજાય છે.   

દ્વિધા (ગિરિમા ઘારેખાન):

Indecent proposal નામની ફિલ્મના જેવા બહુ જાણીતા વિષય-વસ્તુની વાર્તા.

નાયિકાની સ્થિતિ એવી થઇ છે કે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઇ. જવું તો કઇ દિશામાં? ભારે દ્વિધાજનક પરિસ્થતિમાં એ મૂકાઇ ગઇ છે. નાયિકાના મનોવ્યાપારનું સરસ આલેખન. તોફાની કબૂતરનાં રૂપકનો સરસ ઉપયોગ. વાચનક્ષમ સરસ વાર્તા.       

###

નારીચેતનાના બંને વિશેષાંકોમાં અતિથીસંપાદક ખેવના દેસાઈની મહેનત ઊડીને આંખે વળગે છે. આપણી ભાષાની મૌલિક વાર્તાઓ ઉપરાંત ભગિની ભાષાઓની વાર્તાના અનુવાદો તેમ જ દેશ-વિદેશની લેખિકાઓ જેમણે પોતાના સાહિત્યમાં સ્ત્રીઓની સમસ્યાને વાચા આપી એમની છબીઓ અને સંક્ષિપ્ત પરિચય ઇત્યાદિનો રસથાળ ભારે જહેમતપૂર્વક એકઠો કરીને વાચકો સમક્ષ એમણે મૂકી આપ્યો છે. બંને અંકો collecter’s item બન્યા છે. અતિથીસંપાદક અને મમતામંડળી સહુનો આભાર અને સંપૂર્ણ ટીમને અભિનંદન.

--કિશોર પટેલ, 17-08-21 12:22

###    


શબ્દસૃષ્ટિ ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

 

શબ્દસૃષ્ટિ ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૩૪૫ શબ્દો)

પ્રવાસ (રાઘવજી માધડ):

પોતાને ગામ જવાના લાંબા બસપ્રવાસમાં મનપસંદ કન્યા દેખાતાં સોમો એની નિકટ પહોંચીને બેસવાની અથવા કમસેકમ ઊભા રહેવાની જગ્યા મેળવવાનો પ્રયાસ કરે છે. બે-અઢી કલાકના સંઘર્ષ પછી પણ એ ઈચ્છિત સ્થળે પહોંચી શકતો નથી.

સોમાનો આ બસપ્રવાસ એટલે આજના સામાન્ય માણસનો જીવનપ્રવાસ. દૈનંદિન જીવનસંઘર્ષમાં સામાન્ય માણસની ઈચ્છાઓ અધૂરી જ રહે છે. બસડ્રાઈવર જગુને આંકડાના જુગારનો વ્યસની નિરુપીને વાર્તાકારે સૃષ્ટિના ચાલક વિષે વ્યંગ કર્યો છે. રસ્તાની અધવચ્ચે જટાધારી ગંધાતા બાવાને લિફ્ટ આપી જગુ પોતાની અડધી સીટ પર બેસાડે છે. આ બાવાના આગમનના કારણે સંપૂર્ણ બસમાં દુર્ગંધ ફેલાઇ જાય છે. જગુની આ હરકત સૂચવે છે કે માણસના જીવનમાં ઈશ્વર કેવી કેવી સમસ્યાઓ ઉભી કરે છે.    

વ્યંજનાસભર સારી વાર્તા.     

નીરવનું સંગીત (બકુલ દવે):

સંદેશપ્રધાન વાર્તા. જીવનસંધ્યાના આરે ઊભેલો વાર્તાનો નાયક સ્વપ્નમાં ઈશ્વર જોડે સંવાદ કરે છે. પોતાની અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા માટે આ જન્મની સ્મૃતિસહ એ બીજો જન્મ માંગે છે. બીજા જન્મમાં પણ એની એ જ ગત રહે છે. જે ક્ષણે એને સમજાય છે કે જેને આપણે પ્રેમ કરીએ છીએ તેને મેળવીને પ્રેમ નથી મળતો પણ પોતાને ચાહનારનો સ્વીકાર કરવાથી પ્રેમ મળે છે એ ક્ષણે એ નિદ્રામાંથી જાગે છે.

સામાન (શ્રધ્ધા ભટ્ટ):

એક સામાન્ય ઘટનામાંથી વાર્તાકારે આ વાર્તાની રચના કરી છે. વાર્તાના નાયકને રીક્ષામાંથી એક નધણિયાતું પાકીટ મળે છે. પાકીટમાં એના માલિકની દીકરીની એક ચિઠ્ઠી છે. મૂળ માલિકને પાકીટ પરત કર્યા બાદ ઘેર પાછા ફરીને નાયક એવી બધી ચીજ-વસ્તુઓમાં રમમાણ થઇ જાય છે જેની જોડે એની પોતાની દીકરીની સ્મૃતિઓ સંકળાયેલી છે. દીકરી પિતાની ઈચ્છા વિરુદ્ધ પ્રેમલગ્ન કરીને જતી રહી હતી.

વાર્તાના અંત સાથે ભાવકના મનમાં નવી વાર્તા શરુ થાય એને ચોક્કસપણે સારી વાર્તા કહી શકાય. પણ અહીં એવું કહી શકાતું નથી. દાખલા તરીકે નાયકના પાત્રને ઊંડાણ આપી શકાયું હોત. એને ઝઘડાળુ બતાવી શકાયો હોત. ઝગડો કરવા એના માટે રિક્ષાવાળાનું પાત્ર હાથવગું હતું. વાંચન દરમિયાન વાચક વિચાર્યા કરે કે આ ભાઈના જીવનમાં એવું તે શું બન્યું હશે કે એક સમયનો આનંદી માણસ આજે કેમ આવો અનાડી બની ગયો હશે? અથવા નાયકને પત્ની પર શંકા કર્યા કરતો બતાવી શકાયો હોત કે જરૂર આણે મારી વ્હાલી દીકરીને છૂપો સાથ આપીને બહેકાવી હશે. આમ જૂના વિષયની આ વાર્તાની માવજત સપાટી પર રહી જાય છે.  

--કિશોર પટેલ, 08-09-21; 06:48

###