Sunday 27 February 2022

બાલભારતીમાં વાર્તાપઠન ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨

 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨

(૩૩૩ શબ્દો)

આ વખતે નવીનતા એ હતી કે ગાંધીયુગ અને આધુનિક યુગની વાર્તાઓ રજૂ થઇ. ૧૯૫૦ થી ૧૯૭૦ ની વચ્ચે લખાયેલી આ વાર્તાઓનું પઠન કરવા  હાજર થઇ હતી પ્રો. શ્રી. કવિત પંડ્યાની આગેવાનીમાં એસએનડીટીની મંડળી અને એમને સહયોગ સાંપડ્યો નાટ્યકર્મી હુસેની દવાવાલાનો.

પહેલી રજૂઆત થઇ ગાંધીયુગના જાણીતા વાર્તાકાર ચુનીલાલ મડિયાની વાર્તા “ઉપાન અને ઊર્મિકાવ્ય” ની. સાહિત્યના એક સામયિકને જાહેરખબરો આપીને ટેકો આપનાર પગરખાંનો એક વેપારી કઈ રીતે પોતે કવિતાઓ લખવાના રવાડે ચડી જઈને દેવાળિયો બની જાય છે એનું આલેખન આ વાર્તામાં હળવી શૈલીમાં થયું છે.  જો કે આ પઠનકર્તા કલાકાર હુસેની દવાવાલા કદાચ પૂરતી તૈયારી સાથે આવ્યા ન હતા.

બીજી રજૂઆત થઇ ગાંધીયુગના જ અન્ય એક જાણીતા હાસ્યલેખક નટવરલાલ બૂચ લિખિત વાર્તા “માસ્તરડો રે માસ્તરડો!” ની. મધ્યમવર્ગની એક ગૃહિણી આર્થિક વિટંબણાઓથી ત્રાસીને બીજો જન્મ ધનિક કુટુંબમાં લેવા માટે કાશી જઈને કરવત મૂકાવવાનું વિચારે છે. પણ છેવટે એને સમજાય છે કે સાચું સુખ શ્રીમંત હોવામાં નહીં પણ સમજદાર અને પ્રેમાળ પતિ મળે એમાં છે. છેલ્લી ઘડીએ એ વિચાર બદલીને પોતાના માસ્તર પતિના જ નામની કરવત મૂકાવે છે. આ વાર્તાની રજૂઆત કરનાર દિશા ઉપાધ્યાય પણ કમનસીબે પૂરતી તૈયારી સાથે આવ્યા ન હતાં.

કોફીબ્રેક પછી ત્રીજી રજૂઆત થઇ આધુનિક યુગના મશાલચી સુરેશ જોશીની વાર્તા “પદમા તને...”ની. પ્રેમિકાને ઉદ્દેશીને નાયક પોતાના મનોભાવોનું બયાન કરે છે એવી એકોક્તિની નિકિતા પોરિયાએ અત્યંત ભાવવાહી રજૂઆત કરી.  

ચોથી રજૂઆત થઇ આધુનિક યુગના અન્ય એક મહત્વના વાર્તાકાર મધુ રાયની વાર્તા “ધારો કે” ની. કેશવલાલ નામનો એક સામાન્ય માણસ કલકત્તા જેવા મહાનગરમાં એક દુકાનમાં નામું લખીને પેટિયું રળી ખાય છે. ટૂંકી આવકના કારણે એ ઢંગથી પોતાનો જન્મદિવસ ઉજવી શકતો નથી એની કરુણ કહાણી આ વાર્તામાં રમતિયાળ શૈલીમાં કહેવાઇ છે. રજૂઆતકર્તા કવિત પંડ્યાએ આ વાર્તાને કંઇક નાટકીય બનાવી દીધી.

કાર્યક્રમનું સંચાલન કરતાં શ્રી કવિત પંડ્યાએ ગુજરાતી ટૂંકી વાર્તાની શરૂઆત મલયાનિલની વાર્તા “ગોવાલણી” થી થઇ એ પછી કઈ રીતે એનો પ્રવાસ આજ સુધી થયો એની રસપ્રદ માહિતી વાર્તાઓની વચ્ચે વચ્ચે ટુકડે ટુકડે આપી.

કાર્યક્રમના આયોજક હેમંત કારિયાએ બેઠકની શરૂઆતમાં પ્રસ્તાવના કરતાં કહ્યું હતું કે આજે આપણે વાર્તાસાહિત્યના ભૂતકાળમાં લટાર મારીએ. હા, ભૂતકાળની આ સફરે મિશ્ર લાગણીઓ જન્માવી એટલું ચોક્કસ.

--કિશોર પટેલ, 28-02-22 12:07

 

             

 

 

       


Monday 21 February 2022

બે વાર્તાઓ વચ્ચે આશ્ચર્યજનક સામ્ય ભાગ ૨

 

બે વાર્તાઓ વચ્ચે આશ્ચર્યજનક સામ્ય ભાગ

(૭૯૮ શબ્દો)

 



થોડાક સમય પહેલાં આપણી ભાષાની બે વાર્તાઓ વચ્ચે જણાયેલા આશ્ચર્યજનક સામ્ય વિષે વાત કરી હતી. હાલમાં આવો જ બીજો એક કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. 

મિત્રો, આપ સહુ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી હાલમાં આપણાં અગ્રણી સામયિકોમાં પ્રસિદ્ધ થતી ટૂંકી વાર્તાઓ વિષે આ લખનાર નિયમિતપણે નોંધ લખતા આવ્યા છે. “નવનીત સમર્પણ”ના  ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધમાં ગિરિમા ઘારેખાનની વાર્તા “બાપુજી મને...” વિશેની ટિપ્પણી વાંચ્યા બાદ એક ભાવકમિત્રએ આ લખનારને અનિલ વ્યાસની વાર્તા “તરાપો” વાંચવા માટે મોકલી. આ વાર્તા ભરત નાયક સંપાદિત “ગદ્યપર્વ”  માં ૧૯૯૬ માં પ્રગટ થઇ હતી જેનો પછીથી લેખકના વાર્તાસંગ્રહ “સવ્ય અપસવ્ય” માં સમાવેશ થયેલો છે. વાર્તા “તરાપો” વાંચતા જ આ લખનારને બે વાર્તાઓ વચ્ચે સામ્ય છે તેનો ખ્યાલ આવ્યો.     

 

અનિલ વ્યાસની “તરાપો” અને ગિરિમા ઘારેખાનની “બાપુજી મને...” વચ્ચેનું સામ્ય:

૧. બંને વાર્તાઓનો વિષય છે પિતા-પુત્રના વણસેલા સંબંધ.

૨. બંને વાર્તાઓમાં પિતાનું મૃત્યુ થાય છે.

૩. બંને વાર્તાઓમાં ભારે વરસાદના પરિણામે પૂર આવે છે.

૪. બંને વાર્તાઓમાં નાયક શહેરમાંથી વતનના ગામડે આવે છે.

૫. બંને વાર્તાઓમાં નાયક અનિચ્છાએ વતનના ગામડે આવે છે.

૬. બંને વાર્તાઓમાં પિતાના મૃતદેહને નિહાળ્યા બાદ નાયકના મનમાં પિતા માટે રહેલો અભાવ ઓગળવા માંડે છે.

૭. બંને વાર્તાઓમાં પિતાના મૃતદેહને વરસાદના પૂરમાં તણાતો અટકાવવા નાયક મરણિયો પ્રયાસ કરે છે.

૮. બંને વાર્તાઓમાં નાયકે પોતાની જાતને તોફાની વરસાદના પૂરમાં તણાઈ જતાં બચાવવા માટે મનેકમને પિતાના મૃતદેહનો સહારો લેવો પડે છે.

બંને વાર્તાઓ વચ્ચે રહેલો તફાવત:

૧. પિતા પ્રત્યે નાયકના મનમાં અભાવનું કારણ વાર્તા “તરાપો” માં પિતાએ માતા જોડે કરેલો દુર્વ્યવહાર જયારે વાર્તા “બાપુજી મને...” નાયકને એવી લાગણી છે કે એની પ્રગતિના માર્ગમાં પિતા કાયમ વિઘ્ન બન્યા છે. 

૨. વાર્તા “તરાપો” માં નાયક પિતાની છેલ્લી ઘડીઓ ગણાય છે એવા ખબર મળતાં ગામડે આવે છે જયારે  વાર્તા “બાપુજી મને...” માં પિતાના મૃત્યુની ખબર મળ્યા પછી નાયક ગામડે આવે છે.

૩. વાર્તા “તરાપો” માં  નાયક પોતાની પત્ની અને બે નાનાં છોકરાંને શહેરમાં મૂકીને ગામડે આવ્યો છે જયારે વાર્તા “બાપુજી મને...” માં નાયક પત્ની જોડે આવ્યો છે.

૪. વાર્તા “તરાપો” માં  નાયકની માતા હયાત છે જયારે વાર્તા “બાપુજી મને...” માં નાયકે પોતાના જન્મ પછી ટૂંક સમયમાં જ માતાને ગુમાવી દીધી છે.

૫. વાર્તા “તરાપો” માં રજૂઆતમાં નાયકની માતા અને ગામના અન્ય લોકો જે તે પ્રદેશની તળપદી બોલીનો પ્રયોગ કરે છે જયારે વાર્તા “બાપુજી મને...” માં આવો કોઈ પ્રયોગ થયો નથી.

આમ જોઈ શકાશે કે બે વાર્તાઓમાં જે કોઈ તફાવત છે એ રજૂઆતમાં છે પણ બંને વાર્તાઓના કેન્દ્રિય વિચાર અને એકંદર આલેખનમાં ભારોભાર સામ્ય છે.

આ વિષે ગિરિમાબેનનું શું કહેવું છે એ જાણવા આ લખનારે અનિલ વ્યાસની તરાપો વાર્તા એમને વાંચવા માટે મોકલી.

વાર્તા વાંચ્યા બાદ ગિરિમાબેને કહ્યું કે હાલમાં અઠવાડિયા પહેલાં જ એક મિત્ર તરફથી આ વાર્તા વિષે એમને જાણવા મળ્યું છે, એ પહેલાં એમણે  અનિલભાઈની આ કે બીજી કોઈ પણ વાર્તા એમણે ક્યારેય વાંચી નથી. એમણે જણાવ્યું  કે એમના પતિના નોકરી-વ્યવસાયના કારણે પોતે લાંબા સમયથી દેશની બહાર હતાં. છેક ૨૦૧૫ માં સ્વદેશ પાછાં ફર્યા બાદ ગુજરાતી સાહિત્યના વાંચન-લેખનની ઘણાં સમયથી અટકી ગયેલી પ્રવૃત્તિ ફરીથી શરુ થઇ છે.

ગિરિમાબેને કહ્યું કે બંને વાર્તાઓમાં સામ્ય જરૂર છે પણ સાથે સાથે તફાવત પણ ઘણો છે. એમણે કહ્યું કે સમાચારના દ્રશ્યમાધ્યમોમાં પૂરહોનારતનાં દ્રશ્યો જોયા બાદ આ વાર્તા લખવાની પ્રેરણા એમને મળી હતી. વાતચીતમાં એમણે તુલસીદાસના જીવનના એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો. પત્ની પિયર ગઈ એ પછી એમના વિરહમાં વ્યાકુળ થઇ ગયેલા તુલસીદાસ તોફાની વરસાદની પરવા કર્યા વિના સાસરે પહોંચી ગયા હતા. ત્યારે એમની પત્નીએ એમને ઠપકો આપતાં કહ્યું હતું કે  આટલી લગની તમને ઈશ્વર માટે હોત તો તમને સાક્ષાત ઈશ્વર મળી ગયા હોત. એ સમયે તુલસીદાસને ધ્યાનમાં આવે છે કે પોતે જેને દોરડું સમજીને ઝાલીને ઘરનાં ઉપરના માળે પહોંચી ગયા હતા એ તો સાપ હતો. એમને એ પણ ખ્યાલ આવે છે કે તોફાની નદી પાર કરવા જે વસ્તુનો પોતે તરાપો તરીકે ઉપયોગ કર્યો હતો એ તો કોઈકનું મડદું હતું. આ પ્રસંગનો હવાલો આપીને ગિરિમાબેને કહ્યું કે “બાપુજી મને...” વાર્તાના અંતમાં પૂરમાં તણાઈ જતાં બચવા નાયકને પિતાના મૃતદેહનો સહારો લેતો બતાવ્યો છે.

આમ જુઓ તો પિતા-પુત્ર વચ્ચે મતભેદ અને મનભેદ યુગોયુગોથી ચાલ્યો આવતો સનાતન વિષય છે. આ વિષય પર લખાયેલી આ સિવાય પણ બીજી પણ અનેક વાર્તાઓ મળી આવશે. ભવિષ્યમાં પણ આ વિષય પર વાર્તાઓ લખાતી રહેશે. દેશવિદેશમાં પણ આ વિષય પર વાર્તાઓ-નવલકથાઓ લખાતી રહી છે, ફિલ્મો-નાટકો બનતાં રહ્યાં છે. શેક્સપિયરના એક નાટકમાં તો મામલો પિતા-પુત્રમાંથી એકની હત્યા સુધી પહોંચી જાય છે. હમણાં મરાઠીમાંથી અનુવાદ કરવા આ લખનારે લીધેલી એક વાર્તામાં પણ પિતા-પુત્ર વચ્ચે પડી ગયેલા અંતરની વાત છે. અરે! આ લખનારની પોતાની ચાલીસ વર્ષ જૂની વાર્તા “પ્રસૂતિ” માં પણ પિતા-પુત્ર વચ્ચે પડેલી ખાઈનો જ વિષય હતો.

આ સંજોગોમાં ગિરિમાબેને આપેલો ખુલાસો આપણે સ્વીકારી લેવો રહ્યો. વર્ષ ૨૦૧૯ પછી અગ્રણી સામયિકોમાં ગિરિમાબેનની પ્રસિદ્ધ થયેલી કુલ ૧૩ (૨૦૧૯ માં ૧, ૨૦૨૦ માં ૬, ૨૦૨૧ માં ૬) વાર્તાઓમાંથી પસાર થતાં જણાય છે કે તેઓ અવનવા વિષયને હાથમાં લઇ આગળીવેગળી રજૂઆત કરવા પ્રયત્નશીલ રહ્યાં છે.  આ વાત અહીં મૂકવાનો ઉદ્દેશ કેવળ આ બે વાર્તાઓમાં રહેલાં આશ્ચર્યજનક સામ્ય અંગે ધ્યાન દોરવાનો છે.

--કિશોર પટેલ, 22-02-22; 10:12

તા.ક. પોસ્ટ સાથે બંને વાર્તાઓની ફોટો કોપી મૂકી છે.

###         

            

Monday 14 February 2022

વારેવા ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

વારેવા ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

પેટા શીર્ષક: મારા રમકડું” માં મારી છબી!

(૧૩૩૭ શબ્દો)

દેહાંતર (ફરીદ તડગામવાલા):

વૈજ્ઞાનિક કપોળકલ્પિત કથા+અપરાધકથા (સાયન્સ ફિક્શન+ક્રાઈમ સ્ટોરી). ચાલીસ વર્ષ પછીના એટલે કે ઈ.સ.૨૦૬૦ ભવિષ્યના સમયની કલ્પના કરીને લખાયેલી કથા. દેહની અદલાબદલીનો પ્રયોગ. અવશેષ શાહ નામનો ૬૨ વર્ષની ઉંમરનો એક ધનાઢ્ય આદમી યુવાન દેહ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. વૈજ્ઞાનિક ડોક્ટર સાહિલને પોતાની બીમાર માતાના મોંઘા ઓપરેશન માટે એક કરોડ રૂપિયાની જરૂર છે. ૨૮ વર્ષનો યુવાન સાહિલ પોતાના દેહનો સોદો રૂપિયા એક અબજમાં નક્કી કરે છે. દેહાંતરના આ ઓપરેશન માટે સબમરીનને દરિયાના પેટાળમાં ઓછા દબાણે લઇ જવાના જોખમી સાહસમાં એની પ્રેયસી ડોક્ટર ડાયેના સાથ આપવા તૈયાર થાય છે.

આ પ્રયોગમાં અનેક વિઘ્નો છે. સહાયક નિષ્ણાતો ઢચુપચુ છે, દરિયાઈ વિશ્વના જે સ્થળે આ ઓપરેશન કરવાનું છે ત્યાં અમેરિકન નૌકાદળની ચોકી છે, એમની સબમરીનને રૂટિન ચેકિંગ માટે રોકવામાં પણ આવે છે, આ બધાં જ વિઘ્નો સાહિલ વાક્ચાતુરીના જોરે વટાવે છે. સાહિલના બેન્ક ખાતામાં રૂપિયા સો કરોડ જમા થઇ જાય પછી સાહિલ જે કરે છે તે કલ્પનાતીત છે.

વાર્તામાં એક સમસ્યા છે, અંતમાં સાહિલ જે ભયાનક અપરાધ કરે છે તે એવું કરી શકે અથવા એવું કરવા માટે એની પાસે કોઇ ચોક્કસ કારણ હોય એવો એક પણ સંકેત વાર્તામાં કે એના પાત્રાલેખનમાં ઈંગિત થયો નથી. વાર્તામાં ચમત્કૃતિ હોવી એક વિશેષતા ગણાય છે પણ કુશળ વાર્તાકાર વાર્તામાં ક્યાંક સંકેત મૂકતો હોય છે. ખેર, વાર્તામાં એક અજબગજબ કલ્પના થઇ છે એ એક મોટું જમા પાસું.           

રોગચાળો (નીલેશ રૂપાપરા):

અતિવાસ્તવવાદી સૃષ્ટિની એક ઝલક આ વાર્તામાં જોવા મળે છે. એક નવોદિત ગાયિકા પ્રતિષ્ઠિત સંગીતકાર માટે પોતાના પહેલા જ ગીતનું રેકોર્ડિંગ કરવા નીકળી છે. આવી તક મળ્યા બદલ એ આનંદમાં છે. પણ સ્ટુડિયોમાં પહોંચતાં પહેલાં એને કલ્પનાતીત અનુભવો થાય છે. જાહેર રસ્તા પર જંગલી જાનવરો આતંક મચાવે છે. લોહીની ઊલટીઓ, મારકાપ, જીવતાં મનુષ્યોને ક્ષણમાત્રમાં લાશમાં પરિવર્તિત થતાં જોઇને નાયિકા હેબતાઈ જાય છે. છેવટે જ્યારે એની ઉપર એક ખૂંખાર પ્રાણી હુમલો કરવા આવતું દેખાય ત્યારે એ ભાગવા માંડે છે. સ્ટુડિયોના પરિચિત વાતાવરણમાં પહોંચ્યા બાદ બધું શાંત થાય છે. પણ એટલામાં ટીવીના પરદા પર સમાચારની ચેનલ પર ચાલતી ઉગ્ર ચર્ચા જોઇને એને ફરીથી પેલાં ભયાવહ દ્રશ્યો યાદ આવે છે.

આજકાલ ન્યુઝ ચેનલો પર સંચાલકના ચઢામણીથી વિવિધ રાજકીય પક્ષો વચ્ચે થતી ઉગ્ર ચર્ચાઓને અને પરિણામે દૂષિત થતાં આપણા જાહેર જીવનને પેલાં દહેશતભર્યા લોહિયાળ દ્રશ્યો સરખાવીને વાર્તાકારે મીડિયા વિષે એક અગત્યનું વિધાન કર્યું છે. કોઇ પણ સંવેદનશીલ વ્યક્તિ માટે આપણા સહુનું વિશ્વ હદ બહારનું દૂષિત થઇ ગયું છે.  સરસ વાર્તા.          

અજંપો (મીનાક્ષી દીક્ષિત):

નાનકડી ભૂલ પણ કોઇ સંવેદનશીલ સ્ત્રીને કેટલી અજંપ બનાવી મૂકે એની રસપ્રદ વાર્તા. ઉપવાસ હોવાથી ગૃહિણીએ ચાખ્યા વિના પતિને રસોઈ પીરસી. પતિને રસોઈ ભાવી નહીં એટલે બચેલી ખીચડી-કઢી ગૃહિણીએ એક ભિખારીને આપી દીધી. સાંજે ખબર પડી કે કઢીમાં નાખેલા ચણાના લોટમાંથી ડામરની ગોળીની વાસ આવતી હતી જે ગૃહિણીને શરદી થઇ હોવાથી પકડાઈ ન હતી. ગભરાઈ ગયેલી નાયિકા પેલા ભિખારીના ક્ષેમકુશળ જાણવા બેબાકળી બને છે. પેલો ક્યાંય જડતો નથી એટલે નાયિકાનો અજંપો વધતો જ જાય છે. નાયિકાની દોષભાવનાનું સરસ આલેખન. વરિષ્ઠ વાર્તાકારની અગાઉ પ્રગટ થઇ ચૂકેલી આ વાર્તા રસપ્રદ રજૂઆતને કારણે આજે પણ હજી એટલી જ વાચનક્ષમ છે.          

વેરાવળ-ઢસા (નિખિલ વસાણી):

હળવી શૈલીમાં રજૂ થયેલી આ વાર્તામાં કાઠીયાવાડ તરફની તળપદી બોલીનો પ્રયોગ થયો છે.  ટ્રેનની લાંબા અંતરની મુસાફરીમાં નાયકને મળેલો એક વાતોડિયો સહપ્રવાસી બોલતો રહે છે અને રસ્તો કપાઈ જાય છે. અંતમાં વક્તાને જાણ થાય કે શ્રોતા તો ક્યારનો નિદ્રાધીન થઇ ગયેલો ને પોતે એકલો જ બબડાટ કરતો હતો. વક્તાના તકિયાકલામનો ઉપયોગ કરીને કહી શકાય કે “આવું તો એના માટે આવું કાયમનું થયું.” હળવી શૈલીમાં કહેવાયેલી વાર્તા.

અનુવાદિત વાર્તાઓ:

૧. મા, મને ટાગોર બનાવી દે! (મૂળ પંજાબી વાર્તા, લેખક: મોહન ભંડારી, અંગ્રેજી અનુવાદ: નિરૂપમા દત્ત, ગુજરાતી અનુવાદ: નરેન્દ્રસિંહ રાણા): ગરીબીના કારણે આપણા દેશમાં કેટલીય પ્રતિભાઓ ઊગતાં પહેલાં જ આથમી જતી હશે! આ વાર્તાનો નાયક એક તરુણ કિશોર છે જેની કાવ્યપ્રતિભા ગરીબીને કારણે વિકસી શકી નથી.     

૨. રાક્ષસ અને પોપટ (મૂળ મરાઠી વાર્તા, લેખક: શ્રીકાંત બોજેવાર, ગુજરાતી અનુવાદ: કિશોર પટેલ): મહારાષ્ટ્રના એક અંતરિયાળ ગામડા ખાતે નાયિકા લાંબા સમયથી સતત દુર્વ્યવહાર કરતા પતિનો પ્રતિકાર કઇ રીતે કરે છે એની ચુસ્ત પ્લોટવાળી રસપ્રદ વાર્તા.     

૩. શ્રેયા ઘોષાલ (મૂળ અંગ્રેજી વાર્તા: ટેલર સ્વિફ્ટ, લેખક: હ્યુજ સ્ટેઇનબર્ગ, અનુવાદ: વારેવા ટોળી): નાનકડી મઝાની ફેન્ટેસી વાર્તા. એવા ભવિષ્યની કલ્પના થઇ છે જયારે જીવતાજાગતા માણસોનું ક્લોનિંગ પણ સહજ થઇ ગયું હશે.

૪. ઓનલાઈન (મૂળ અંગ્રેજી વાર્તા: A Skype call, ઈન્ટરનેટ પરથી, અનુવાદ: વારેવા ટોળી): એક વધુ ફેન્ટસી વાર્તા. કોઈને અજબગજબ અનુભવ થાય એ હજી સમજી શકાય, પણ લેખકની કલ્પના જુઓ: ચાર વર્ષથી જેની શ્રવણશક્તિ લુપ્ત થઇ ગઈ છે તેને અજાણ્યા માણસો વિનાકારણ સ્મિત આપવા માંડે, એની સાથે સૌજન્યપૂર્ણ વાતો કરવા માંડે! ફક્ત એવે સમયે તેને સાંભળવા માંડે, અન્યથા નહીં! કમાલની કલ્પના!

૫. છોકરી (મૂળ અંગ્રેજી વાર્તા: ગર્લ, લેખક: જમૈકા એન્ટીગુઈયન, અનુવાદ: વારેવા ટોળી): સ્ત્રીઓની માનસિકતા કુંઠિત કરી દેવાની પ્રવૃત્તિ ઘરમાંથી જ શરુ થાય છે એ વિશેની સરસ મઝાની નાનકડી કટાક્ષકથા.   

સ્થાયી સ્તંભ:

૧. મુકામ પોસ્ટ વાર્તા વિભાગમાં રાજુ પટેલ કેટલીક સત્યઘટનાઓ વર્ણવે છે જેના પરથી સાબિત થાય છે કે Fact is stranger than fiction.

૨. રસાસ્વાદ: (ક)  કથાકારિકા વિભાગમાં કિશોર પટેલ જગદીપ ઉપાધ્યાયની સાંપ્રત વાર્તા “જોગી” અને એનો રસાસ્વાદ રજૂ કરે છે. વાર્તામાં એક પુરુષના સંયમ અને ડહાપણની વાત થઇ છે જેને માટે વિશેષણ “જોગી” સર્વથા યોગ્ય છે. (ખ) લઘુકોણ વિભાગમાં રાજુલ ભાનુશાલી વરિષ્ઠ સાહિત્યકાર રતિલાલ બોરીસાગરની એક લઘુકથા “આલંબન” અને તેનો રસાસ્વાદ રજૂ કરે છે. એક સ્ત્રીને જયારે મૃત પતિના મનપસંદ પુસ્તકો ઘરમાંથી બહાર કાઢી નાખવાની ફરજ પડે છે ત્યારે એને એવી લાગણી થાય છે કે એણે સાચા અર્થમાં પોતાના પતિને વળાવી દીધો. (ગ) જશ્ન-એ-વાર્તા વિભાગમાં સમીરા પત્રાવાલા હીરાલાલ ફોફળીયાની એક ક્લાસિક વાર્તા “અમને શી ખબર?” અને તેનો રસાસ્વાદ રજૂ કરે છે. આખી જિંદગી અન્યોના અંતિમસંસ્કારની વ્યવસ્થા જેણે કરી એના પોતાના અંતિમસંસ્કારમાં કેવો છબરડો થાય છે એની વાત કરુણાની છાંટ સાથે હળવી શૈલીમાં રજૂ થઇ છે.          

૩. નવોદિત લેખકો માટે માર્ગદર્શન વિભાગમાં “ટૂંકી વાર્તા: પ્રાથમિક પરિચય” લેખમાળામાં રમેશ ર. દવે આ પ્રકરણમાં વાર્તામાં પાત્રસૃષ્ટિ અંગે મહત્વની વાત કરે છે.

વારેવામાં મીમ

વારેવા સામયિકે એક નવી પ્રથા શરુ કરી છે, મીમ (meme) આપવાની. અંગ્રેજી શબ્દકોશમાં મીમની વ્યાખ્યા આ પ્રમાણે છે: એક વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિને અપાતો રસપ્રદ, સાંસ્કૃતિક, હળવો, વિનોદી સંદેશો કે અફવા. મીમનો જન્મ અને પ્રસાર સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટને કારણે થયો છે.

પોતાની વાત કહેવા ચિત્ર, છબી કે વિડીયો ક્લિપને સ્વતંત્રપણે તૈયાર કરવાને બદલે ઉપલબ્ધ લોકપ્રિય ચિત્ર, છબી કે ઓડિયો વિડીયો ક્લિપનો ઉપયોગ કરવો. પછી ભલે એ મૂળ ચિત્ર, છબી કે ક્લિપનો ઉદ્દેશ કંઇક જૂદો હોય!  (મીમ વિશેની પૂરક માહિતી સૌજન્ય: રાજુ પટેલ)     

વારેવામાં પ્રથમ અંકથી ગુજરાતી વાર્તા, સાહિત્ય અને ભાષાને લગતી બાબતોના મીમ પ્રકાશિત થાય છે જે અન્ય કોઈ ગુજરાતી સાહિત્યિક કે બિનસાહિત્યિક સામયિકમાં હજી સુધી જોવામાં આવ્યું નથી. કદાચ કોઈ પણ ભારતીય ભાષામાં મીમને એક રજૂઆતના માધ્યમનો દરજ્જો હજી મળ્યો નથી. એ રીતે જોઈએ તો વારેવાએ આ પહેલ કરી છે.

છેક ત્રીજા અંકની નોંધમાં આ પહેલનો ઉલ્લેખ? વારેવાએ વાર્તા સંબંધિત વ્યંગચિત્રો અને મીમની શરૂઆત કરી છે એ વિષે પહેલાં અંકની નોંધમાં લખવાનું સરતચૂકથી રહી ગયેલું. બીજા અંકની નોંધમાં મીમનો ઉલ્લેખ હેતુપૂર્વક ટાળ્યો હતો. આવી નોંધને વાચકો કેટલી ગંભીરતાથી વાંચે છે એ ચકાસવું હતું. કોઈ આ વિષે ટકોર કરે છે કે કેમ મીમ વિષે ઉલ્લેખ કર્યો નથી?   

અફસોસ, ના તો પહેલા અંકની નોંધ વાંચ્યા બાદ કોઈએ વ્યંગચિત્રો કે મીમનો ઉલ્લેખ ન  કરવા બદલ ટકોર કરી કે ના બીજા અંકની નોંધ વાંચ્યા પછી કોઈએ મીમ વિષે ના લખ્યું એ બદલ ટીકા કરી.

લાગે છે કે સાહિત્યક્ષેત્રે ઓળખ ઊભી કરવા માટે વ્યંગચિત્રો અને મીમે હજી ઘણી મહેનત કરવી પડશે. 

વારેવા પોતાની રીતે પ્રયોગો કરે છે પણ આખરે તો આ પ્રયોગો વાચકો માટે છે. વાચકો! સચેત રહો!

અગત્યની વાત છેલ્લે:

મારા “રમકડું” માં મારી છબી!

વારેવાની વાર્તાઓ વિષે નોંધ લખવા માટે આ લખનાર અનુચિત વ્યક્તિ છે કારણ કે એ સ્વયં વારેવા સામયિકનો જવાબદાર સભ્ય છે. આ તો એવું થયું જાણે મારા “રમકડું”માં મારી છબી!

આપણા સામયિકોમાં હાલમાં લખાતી વાર્તાઓ વિષે અન્ય કોઇ જ લખતું નથી એટલે એણે પોતે લખવું પડે છે. એ નહીં લખે તો અન્ય સામયિકોની જેમ આ સામયિક પણ છેવટે સમયના પ્રવાહમાં વહી જવાનું છે. કોઇ ક્યારે જાગે અને ક્યારે નોંધ લે એ કોઇ જાણતું નથી. જે દિવસે અન્ય કોઇ વ્યક્તિ આ સામયિકની વાર્તાઓ વિષે નોંધ લેવાનું શરુ કરશે એ જ દિવસે આ લખનાર વારેવાની વાર્તાઓ વિષે લખવાનું અટકાવી દેશે.    

--કિશોર પટેલ, 15-02-22; 08:57   

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)

### આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

 

Saturday 12 February 2022

મમતા નવેમ્બર ડિસેમ્બર ૨૦૨૧ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે નોંધ

 

મમતા નવેમ્બર ડિસેમ્બર ૨૦૨૧ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે નોંધ

(૭૫૯ શબ્દો)

મમતા વાર્તામાસિકે દસ વર્ષમાં આપેલાં અગણિત વિશેષાંકોમાં આ વિશેષાંક સહુથી આગળોવેગળો છે.

સામયિકના અગિયારમા વર્ષના આ પહેલા અંકમાં વીતેલા દસ વર્ષોમાં મમતામાં પ્રસિદ્ધ થયેલી ૭૦૦-૮૦૦ વાર્તાઓમાંથી નિમંત્રિત સંપાદકશ્રી સંજય ઉપાધ્યાયની ચૂંટેલી અગિયાર વાર્તાઓ પ્રસ્તુત થઇ છે. સંપાદકની નોંધ છે કે આ સમયગાળામાં પ્રતિષ્ઠિત અને સ્થાપિત લેખકોની મમતામાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓ હેતુપૂર્વક ટાળીને સરખામણીએ અજાણ્યા લેખકોની “વાંચવામાં મઝા પડી” હોય એવી વાર્તાઓ અહીં પસંદ થઇ છે.

આ અગિયાર વાર્તાઓ વિષય અને રજૂઆતમાં એકમેકથી જુદી પડે છે. વૈવિધ્યસભર રસથાળ પ્રસ્તુત કરવામાં મમતા અને નિમંત્રિત સંપાદક સફળ થયા છે.   

અંધારું અજવાળું (રમેશ રોશિયા):

કિશોરવયમાંથી તરુણાવસ્થામાં પ્રવેશતો એક વિદ્યાર્થી અને યુવાન શિક્ષિકા. એક તરફ યૌવનસહજ આકર્ષણ અને બીજી તરફ નિર્મળ સ્નેહ. ના સમજાય એવા આકર્ષણ સામે “બહેન” સંબોધન સાથે જ પ્રગટ થતાં પ્રતિબંધો વાર્તાનાયકને મૂંઝવી નાખે છે.  વાર્તાક્ષણ ઘણી સરસ પકડાઇ છે.        

ફાંસ (ભારતી કટુઆ):

દાંપત્યજીવનમાં બેમાંથી એક સાથીને ભાવના વ્યક્ત કરતાં આવડતું ના હોય ત્યારે જીવન વિસંવાદી બનવાની શક્યતા વધી જાય છે. પ્રાણલાલે નાનપણમાં માતા ગુમાવી દીધી એ પછી સાવકી માતા પાસેથી એને વાત્સલ્ય મળ્યું નથી. પત્ની તરીકે હંસા પ્રેમાળ છે પણ પતિ લાગણીઓ વ્યક્ત કરતો નથી એટલે એ મૂંઝાયા કરે છે. સરસ પાત્રાલેખન, સરસ રજૂઆત.     

છૂટકો (શક્તિસિંહ પરમાર):

અછૂતો વિષય! અજબ આલેખન! ગામડેથી પહેલી વાર શહેરમાં ગયેલા નટુકાકાએ ઈંગ્લીશ ટોયલેટ કદી જોયેલુંજાણેલું નહીં! કાકાની કફોડી સ્થિતિનું હળવી શૈલીમાં સરસ આલેખન થયું છે. ત્રીજા પુરુષમાં કથકની તળપદી બોલીનો રસપ્રદ પ્રયોગ થયો છે. આપણી ગુજરાતી વાર્તાઓમાં વિરલ કહેવાય એવી ટોયલેટ હ્યુમર અહીં જોવા મળે છે. સાદ્યંત પઠનીય વાર્તા.

થડકાર (રામ મોરી):

ઉંમરલાયક કન્યાના ચહેરા પર ડાઘાં ઉમટ્યાં એટલે પરિવારના સભ્યોનું વર્તન બદલાવા માંડ્યું. પ્રાણપ્રશ્ન એક જ: આનું લગ્ન કેમ કરીને ગોઠવાશે? નાયિકાના મનોભાવોનું સરસ આલેખન. બાહ્ય દેખાવ પરથી નિર્ણયો લેવાની આપણી માનસિકતા વિષે વિધાન.

રેવા અથવા બીજું કોઇ નામ (ચિંતન શેલત):

જુવાનીમાં ભાતભાતના આદર્શો સેવતા લોકો સમયની રફતારમાં ઘાણીના બળદની જેમ જિંદગી ખેંચી કાઢે છે. વિષય તો અનોખો છે જ એ ઉપરાંત કથનમાં બોલચાલની હળવી ભાષાનો પ્રયોગ કરીને લેખકે અનોખી વાર્તા આપી છે. 

હું વિનીત નથી (સુનીલ મેવાડા):

ઉર્વીના પ્રેમમાં વિનીતથી પરાજિત થયેલા અને પત્ની જોડે સંવાદિતા કેળવી ના શકેલા નાયકની હતાશાનું આલેખન. રજૂઆતમાં ચમકીલા-ભડકીલા વાક્યપ્રયોગો ધ્યાનાકર્ષક બન્યાં છે જે આ લેખકની ખાસિયત છે. ઘટના વિનાની વાર્તામાં એક સ્થિરચિત્રનું આલેખન થયું છે. વિષયમાં નહીં પણ રજૂઆતમાં આગળીવેગળી વાર્તા કહી શકાય.

નોંધનીય અભિવ્યક્તિ: ઘડિયાળમાં નાના કાંટાની રાહ જોતા મોટા કાંટાનેય આગળ તો વધતા જ રહેવું પડે છે. નાનો કાંટો ન હોય તો પણ.

અસ્તિત્વ (ધર્મેશ ગાંધી):

પ્રયોગાત્મક વાર્તા. વાસ્તવિકતા અને ફેન્ટેસીનું સરસ મિશ્રણ. લેખક અને પાત્રોના સંબંધ વિષે એક નજરિયો. ચોરી કરીને ભાગતા ચોરનો પીછો પોલીસ કરતી હોય એવી સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિ ઊભી થવાથી વાર્તારસ સાદ્યંત જળવાઈ રહે છે.   

પડળ (સુરેશ કટકિયા):

ભ્રમનિરસન. દસ વર્ષ પછી દ્રષ્ટિ પાછી મળતાં હરખો પત્નીનું ઝાંખું પડેલું રૂપ સ્વીકારી શકતો નથી. અભણ માણસની બાહ્ય દેખાવ પર જ અટકી જવાની સીમિત દ્રષ્ટિ પર એક વિધાન. ગ્રામ્ય પરિવેશનું સરસ આલેખન.    

ત્રણ શરત (નરેન્દ્રસિંહ રાણા):

ફેન્ટેસી. પરીકથા. ગામના એક અનાથ અને ગરીબ યુવાનને એક સુંદર પરી ત્રણ અજીબોગરીબ શરતોમાં બાંધીને પોતાના પરીલોકમાં લઇ જાય છે. પછી જે કંઇ થાય છે તે સઘળું કલ્પનાતીત છે.

ઉઝરડા (પારુલ ખખ્ખર):

સોશિયલ મીડિયા પરનો વિજાતીય મિત્ર પૂર્વસૂચના વિના ઘેર આવી પહોંચે અને નાયિકાને જબરદસ્તી ચુંબન કરે છે. આ દુર્ઘટનાના પરિણામે નાયિકાના મનને લાગેલા આઘાતનું આલેખન સરસ થયું છે. ઉઝરડા શીર્ષક સાર્થક થાય છે. બગીચામાં તોફાન મચાવતા વાછરડાના રુપકની યોજના સરસ થઇ છે. બગીચામાં ગુલાબના એ ઘવાયેલાં છોડવાંની માવજત સાથે જ વાર્તાનો અંત આવી જવો જોઈતો હતો. કારણ કે એ પછી જે માહિતી અપાય છે તે બિનજરૂરી છે.

અનસંગ હીરો (આરાધના ભટ્ટ):

સામાન્ય રીતે ગૃહિણીની કદર વિશ્વમાં સર્વત્ર ઓછી અથવા નહીંવત થાય છે. કલ્યાણીનું પૂર્ણ આયુષ્ય ઘર સંભાળવામાં ગયું. દીકરી-દીકરો માન આપે છે, વિવેકથી વર્તે છે પણ પેલી કદર નહીં થયાની લાગણી કલ્યાણીને સતત પીડતી રહે છે. અંતમાં ચમત્કૃતિ જબરી છે. આ વાર્તા વિદેશની સંસ્કૃતિમાં આકાર લે છે. વૃધ્ધાશ્રમ જેવી સંસ્થાને આપણે ત્યાં યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવતી નથી. વાર્તામાં બધું સમજાવીને કહેવાનું ના હોય. ભાવકને બીટવીન ધ લાઈન્સ વાંચવાની તક મળવી જોઈએ.

પાણીમાંથી પોરાં: કઇ વાર્તા વર્ષના ક્યા અંકમાં પ્રગટ થઇ હતી એની માહિતી આપવી જોઈતી હતી. 

આ સિવાય અન્ય અગિયાર વાર્તાઓને સંપાદકે ઉલ્લેખનીય ગણાવી છે તેની યાદી આ પ્રમાણે: રાણકૂકડી (પન્ના ત્રિવેદી), વેદિયો (નીતા જોશી), પરસેપ્શન (દેવાંગી ભટ્ટ), ચાંદરણું (ધર્મેન્દ્ર ત્રિવેદી), હું, આશુ અને કુણાલ (કલ્પેશ પટેલ), ભરોસો (રાજુલ ભાનુશાળી), અંકલ (અર્જુનસિંહ રાઉલજી), હિંડોળ (મીનાક્ષી ચંદારાણા), લોટો (સંજય પટેલ), હોવું એટલે (રાજુ પટેલ) અને સંશય (કિશોર પટેલ).

આ સંકલન ચોક્કસપણે અનન્ય થયું છે. આ અગિયાર વાર્તાઓ અથવા કુલ બાવીસ વાર્તાઓનું પુસ્તકરૂપે સંપાદન થાય તો ગુજરાતી વાર્તાસાહિત્યમાં એક દસ્તાવેજ/સીમાચિહ્ન બની રહેશે.

--કિશોર પટેલ, 13-02-22 10:29

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

 

###  


Thursday 10 February 2022

કુમાર ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

કુમાર ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૮૬ શબ્દો)

આ અંકની બંને વાર્તાઓ વાચનક્ષમ છે. 

સ્વજન (ગિરીશ ભટ્ટ):

સ્વજન કોને કહીશું? લોહીના સંબંધથી જોડાયેલાં માણસોને? પાડોશીઓ અને સહકર્મચારીઓને?

ત્રીજા પુરુષ એકવચનમાં કહેવાતી આ વાર્તા સ્તવન નામના યુવાનના દ્રષ્ટિકોણથી કહેવાઈ છે. અઠવાડિયા પછી નિવૃત્ત થનારા પાડોશી વડીલ અભિજિત દવે અચાનક માંદા પડી જાય છે. હોસ્પિટલના ડોક્ટરની સૂચના પ્રમાણે એમના નજીકના સંબંધીઓને સ્તવન જાણ કરે છે. પત્ની, દીકરી અને અન્ય સગાંને. વિશ્વના ખૂણેખાંચરે ફેલાઈ ગયેલાં દરેકને અભિજિત પાસે પહોંચવામાં કંઈને કંઇ અડચણ છે. સહેલાઈથી દોડી આવી શકે એવી પત્ની ઠંડો પ્રતિસાદ આપે છે, દીકરી પણ કંઇક મોળો જવાબ આપે છે.  

દરમિયાન અભિજિતની દેખભાળ કરે છે પાડોશી સ્તવન અને ઓફિસના સહકર્મચારીઓ. અરે, ઓફિસના વોચમેન સુજાનભાઈ,  જે અભણ છે, ગરીબ છે એ પણ કહે છે કે સાહેબ સારા ના થાય ત્યાં સુધી પોતે ત્યાંથી નહીં ખસે!

છેવટે આવી પહોંચે છે કેવળ એક જણ, જેને અભિજીતે ક્યારેય પોતાનો માન્યો નથી એવો પરધર્મી, વિદેશી જમાઇ. સહેલાઈથી આવી શકે એવું કોઇ સગું આવ્યું નથી ત્યારે આ જમાઇ અનેક પ્રકારની થકવી નાખે એવી લાંબી મુસાફરી કરીને આવી પહોંચ્યો છે.

માનવીય સંબંધો વિષે નવેસરથી વિચારવા મજબૂર કરે એવી વાર્તા. અસંખ્ય પાત્રોના વૈવિધ્યપૂર્ણ નામોની યાદી વાર્તામાં છે પણ કોઇ ગોટાળા થતાં નથી. પ્રવાહી અને પ્રભાવી રજૂઆત.                 

ઇન્ફેકશન (જિતેન્દ્ર પટેલ):

કોરોના મહામારીના કારણે ભલભલાં લોકોનાં મુખવટા ઊતરી ગયાં છે. શહેરમાં ઉછરેલા રજનીને ગામડાની સૂગ છે. પારિવારિક પ્રસંગે પણ જે માણસ ગામ તરફ ફરકતો નથી એ શહેરમાં ચેપી રોગનો પ્રકોપ વધી ગયો હોવાથી ગામડે આવીને પિતરાઈ દેવરાજને ઘેર રહેવા માંગે છે. આવા મતલબી માણસને આવતો રોકવા દેવરાજ શું ઉપાય કરે છે? સારી વાર્તા. 

--કિશોર પટેલ, 11-02-22; 09:24

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)