Saturday 31 December 2022

નવનીત સમર્પણ ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૨૭ શબ્દો)

ગૂંચ (હિમાંશી શેલત):

અતિ શ્રીમંત કહી શકાય એવા એક કુટુંબની અહીં વાત થઈ છે. આ વર્ગના લોકોની વાત ઘણી બધી રીતે જુદી હોય છે. એમની વચ્ચે મતભેદ કે વિચારભેદ હોય છે પણ એમની વચ્ચે મોટા અવાજે ઝઘડા નથી થતાં, ધીમા અવાજે ચર્ચાઓ થાય છે. અહીં કોઈ જાહેરમાં રડતું નથી, રડવાનું એકાંતમાં, વોશરૂમમાં, ટીસ્યુપેપરમાં. ભીતરમાં દાવાનળ સળગતો હોય ત્યારે પણ ચહેરા પર સ્મિત ફરકાવતા રહેવાનું હોય છે.

પ્રસ્તુત વાર્તામાં દસમા ધોરણમાં અભ્યાસ કરતા પલાશને અચાનક કહેવાય છે કે આગળનો અભ્યાસ કરવા એણે અમેરિકા જઈને મામામામી જોડે રહેવાનું છે. દીકરાના અચાનક અવસાન પછી એકલાં પડી ગયેલાં મામા-મામીને સધિયારો આપવા એમની જોડે રહેવાનું છે. પલાશ જાણતો નથી કે એના માતા-પિતાના લગ્નજીવનમાં સમસ્યા ઊભી થઈ છે, તેઓ છૂટા પડી રહ્યાં છે.      

વાર્તાની રજૂઆતમાં બે હિસ્સા છે, પહેલા હિસ્સામાં કથન પહેલા પુરુષમાં પલાશ પોતે કરે છે અને બીજા હિસ્સામાં કથન ત્રીજા પુરુષમાં સર્વજ્ઞ કરે છે. પહેલા ભાગમાં પલાશની ભાષામાં અંગ્રેજી શબ્દો ભારોભાર છે જે પલાશના પાત્રાલેખનને અનુરૂપ છે એટલે એનું મિશ્ર ભાષામાં થયેલું કથન સ્વાભાવિક લાગે છે. એની દ્રષ્ટિએ એમના સમાજનું જે નિરીક્ષણ થયું છે તે રસ પડે એવું છે. 

અતિ શ્રીમંત વર્ગ જેવા ઓછા ખેડાયેલા પરિવેશની વાર્તા.       

દાંપત્ય (નવનીત જાની):

આપણી પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં પુરુષ બહાર જઈને આવક રળી લાવે છે અને સ્ત્રી ઘર સાચવે છે. પણ જ્યારે આનાથી વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે સમસ્યાઓ પેદા થતી હોય છે.  આ વાર્તામાં ઉચ્ચ શિક્ષિત પતિ બેકાર છે અને પીટીસી થયેલી પત્ની એક છેવાડાના ગામડાની નિશાળમાં શિક્ષિકા તરીકે કામ કરે છે અને એ ઘરસંસાર ચલાવે છે. બેઉ પાત્રો વચ્ચેના પ્રસંગો, બેઉની માનસિકતા, બેઉના આંતરદ્વંદ્વનું સરસ આલેખન થયું છે. સરસ વાર્તા!

પિત્ઝા (ગીતા માણેક):

હાંસિયામાં રહેતા માણસની આ કેવી વિડમ્બના!  મનગમતા ખોરાક માટે એણે એક કૂતરા જોડે સ્પર્ધા કરવી પડે!

ગરીબી માણસ પાસે કેવા કેવા અપરાધ કરાવે છે! શ્રીમંતોના ઘેર કામ કરતી કામવાળી છાયા માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે. શેઠના ઘેર હંમેશા જે વધ્યુંઘટયું ખાવાનું મળતું હતું તે હવે નવો આવેલો પાળીતો કૂતરો હજમ કરી જાય છે. છાયા પોતાની ટૂંકી આવકમાંથી નાના દીકરા માટે પિત્ઝા ખરીદી શકતી નથી. એને થાય છે કે જો આ કૂતરાનું પત્તું કટ કરી શકાય તો શેઠના ઘરનું વધેલુંઘટેલું સારું સારું ખાવાનું પહેલાંની જેમ ઘેર લઈ જવાશે. પરિણામે છાયાને હાથે એક ગુનો થાય છે.

અભાવગ્રસ્ત અકિંચન સ્ત્રીના મનોવ્યાપારનું સરસ આલેખન.      

પૂરણપોળી (મોના જોશી):

જીવનમાં પૈસા માટે રાતદિવસ દોડધામ કરવા કરતાં જરૂર પૂરતું કમાઈને બાકીના સમયમાં આનંદ  કરવો જોઈએ એવો બોધ આપતી વાર્તા.

--કિશોર પટેલ, 01-01-23; 11:42

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Sunday 25 December 2022

બાલભારતીમાં વાર્તાપઠન ૨૪ ડિસેમ્બર ૨૦૨૨


 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૪ ડિસેમ્બર ૨૦૨૨ 

(૨૦૨ શબ્દો)

શનિવાર તા. ૨૪ ડિસેમ્બર ૨૦૨૨ ની સાંજે એટલે કે નાતાલની પૂર્વસંધ્યાએ બાલભારતી, કાંદીવલી પશ્ચિમ, મુંબઈ ખાતે વાર્તાવંતના ઉપક્રમે વાર્તાપઠન થયું. આ વખતે નવો ઉપક્રમ હતો, મૂળ વાર્તાકારોને બદલે ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મના કલાકારોએ પોતાની પસંદગીની વાર્તાઓ રજૂ કરી.

સૌ પ્રથમ વાર્તા રજૂ કરી ફેમીલી બિઝનેસ એડવાઇઝર અને મેનેજમેન્ટ વિષયના નિષ્ણાત તેમ જ વ્યાખ્યાતા મિતા દીક્ષિતે જાણીતા હાસ્યલેખક હરનિશ જાની લિખિત વાર્તા “ઓપન હાઉસ”. આ વાર્તામાં રજૂ થયો અમેરિકામાં ચાલાક એસ્ટેટ એજન્ટને પણ ભૂ પીવડાવી દે એવી ચાલાકી કરનારા એક સ્ત્રી ગ્રાહકનો મજેદાર કિસ્સો.  હાસ્યપ્રધાન રચના.    

હિન્દી ફિલ્મ “રીઝવાન” ફેઈમ અભિનેત્રી કેયુરી શાહે રજૂ કરી સતીશ વ્યાસ લિખિત ટૂંકી વાર્તા “મેડી”. આ વાર્તામાં એક સ્ત્રીના લગ્ન પછી મધુરજની જેવા નાજુક પ્રસંગનું અત્યંત શિષ્ટ અને માર્મિક આલેખન થયું છે. ભાવવાહી પઠન.    

કોફીબ્રેક પછી જાણીતા નાટયઅભિનેતા દર્શન મહાજને રજૂ કર્યો હિમાંશુ જોશી લિખિત મૂળ હિન્દી વાર્તા “સાયે” નો ગુજરાતી અનુવાદ “પડછાયા”. એક મિત્ર પોતાના ભાગીદારના અચાનક મૃત્યુ પછી ગુપ્તપણે તેના પરિવારની સારસંભાળ રાખે છે તેની હ્રદયસ્પર્શી વાર્તા રજૂ થઈ.    

જાણીતા નાટયલેખક અને દિગ્દર્શક વિમલ ઉપાધ્યાએ રજૂ કરી ઉમાશંકર જોશી લિખિત “મારી ચંપાનો વર.”  ઉ.જો.ની આ ક્લાસિક વાર્તામાં કઈ રીતે એક માતા પોતાની જ દીકરીના લગ્નજીવનનું અપહરણ કરે છે એની વાત થઈ છે. સરસ નાટયાત્મક રજૂઆત.

--કિશોર પટેલ, 26-12-22; 12:33          

   

Wednesday 14 December 2022

મમતા ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૨ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે


 

મમતા ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૨ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે

(૬૯૧ શબ્દો)

મમતા આ અંક જોડે બારમા વર્ષમાં પ્રવેશ કરે છે. મમતા વાર્તામાસિકને અભિનંદન અને શુભેચ્છાઓ!

મોડે મોડે (કેશુભાઈ દેસાઈ):

અનાથ સોફિયાને યુવાનીમાં પગ મૂકતાંવેંત ચર્ચના પાદરી તરફથી કડવો અનુભવ થયો છે. એ જુદા ધર્મની છે એવું કહીને પહેલા પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી. યુવાનીમાં પગ મૂકતા પોતાના વિદ્યાર્થી બટુકને ઘડી બે ઘડીના સંગ માટે એ સહેલાઈથી લલચાવે છે પણ છેવટે બટુક તો કામચલાઉ ઉપાય કહેવાય. મોડે મોડે સોફિયા લગ્નવિષયક જાહેરખબરોમાં પોતાને લાયક ઉમેદવારની શોધ આદરે છે.

ગુજરાતી વાર્તાઓમાં શૃંગારદ્રશ્યનું વિરલ કહેવાય એવું આલેખન અહીં આ વાર્તાના પ્રારંભમાં જ થયું છે.          

કઠપૂતળી (છાયા ઉપાધ્યાય):

આ વાર્તામાં સ્વરૂપ સાથે પ્રયોગ થયો છે. એક કરતાં વધુ અર્થમાં આ વાર્તા જોઈ શકાય. એક સંભવિત અર્થ આવો હોઈ શકે:

“હા”, “પણ” અને “હવે” એમ ત્રણ શબ્દોને વિવિધ પ્રકારે જોઈ/તપાસી/ચકાસીને રચાયેલી વાર્તા. મુશ્કેલ સ્થિતિમાંથી રસ્તો કાઢવા માટે સમાધાન કરતાં કરતાં નાયિકાની સહનશીલતા ખૂટી ગઈ છે, એનો “હું” માથું ઊંચકી બેઠો થયો છે, એનું આત્મસન્માન હવે જાગૃત થયું છે. બહુ થયું, હવે વધુ સમાધાન નહીં, હવે કોઈ “જો” અને “તો” વાળી શરત પણ નહીં. નાયિકા પોતાની શરતે જીવવા સજ્જ થઈ ગઈ છે.

આંસુ મૂકી ગયું એક સપનું (કિરણ વી. મહેતા):

કરુણાંતિકા. એક દાનવીરના અવિચારી નિર્ણયના પગલે ઘટતી એક દુર્ઘટના.

એક શ્રીમંત આદમી ભાવુક બનીને ભિખારણને રોકડ રકમને બદલે સોનાની વીંટી આપી દે છે. સોનાનો દાગીનો એ ભિખારણ ક્યાં અને કેવી રીતે વટાવશે એ વિષે વિચાર્યા વિના શ્રીમંત દ્વારા ભાવાવેશમાં લેવાયેલો એ નિર્ણય ભિખારણ માટે મોંઘો નીવડે છે. વીંટી હાથમાં આવતાં દોડાદોડ કરી મૂકતી ભિખારણને જોઇને પોલીસ એની પૂછપરછ કરે છે. સોનાની વીંટી કોઈ ભીખમાં આપે ખરું? ચોરીનો આરોપ આવતાં ડોસી આઘાતમાં મૃત્યુ પામે છે.     

સાલ્લા (નીતા જોશી):

નાનાંમોટાં સહુની મશ્કરીનું પાત્ર બનેલો એક ઠીંગુજી કંટાળીને ગામની બહાર સ્મશાનભૂમિ પાસે એકલો પડી રહે છે. થોડોક સમય એક શ્રમજીવીના પરિવારની એને મદદ મળે છે પણ એકંદરે એની જીવનયાત્રા કષ્ટદાયક બની રહે છે. સામાન્ય લોકોથી જુદા પડતા માણસની વ્યથાકથા.       

હેટ સ્ટોરી (કિશોર પટેલ):

ફેન્ટેસી. વાર્તાના નાયકને અનાયાસ એક એવી હેટ મળે છે જે પહેરવાથી અન્યોના મનમાં ચાલતાં વિચારો જાણી શકાય છે. આવી જાદુઈ હેટ એના જીવનમાં કેવો ઝંઝાવાત લાવે છે એની કથા. આ વાર્તા વિષે વધુ ટિપ્પણી કરવી અનુચિત ગણાશે કારણ કે વાર્તા આ લખનારની જ છે.

હાશકારો (ઉમા પરમાર):

યુવાન દીકરીની જીવનશૈલી જોઇને નાયિકાને પોતાની એ ઉંમરની સ્મૃતિઓ જાગૃત થાય છે. જેની સાથે પ્રેમ હતો એ તો કંઈ કહ્યાકારવ્યા વિના એના રસ્તે પડી ગયો અને નાયિકાએ માતાપિતાએ ચીંધેલા ઉમેદવાર જોડે લગ્ન કરવા પડયા. આજની તારીખમાં પોતે પોતાના પતિ જોડે સુખી છે કે નહીં એની એને ખાતરી નથી. આટલાં વર્ષે પૂર્વ પ્રેમીની યાદ તીવ્રપણે સતાવવા લાગી એટલે નાયિકા એને સોશિયલ મીડિયા પર શોધવા લાગી. શાંત અને સ્થિર જીવન ખળભળી ઊઠે એવું કંઈ કરવાનો વિચાર છેલ્લી ઘડીએ નાયિકા ફેરવી તોળે છે.

નાયિકાના મનોભાવોનું આલેખન સરસ.   

બાપુજી (એકતા નીરવ દોશી):

સંબંધોની બદલાતી વ્યાખ્યાઓ. પતિ એટલે પત્ની/સ્ત્રીનો માલિક નહીં પણ સાથીદાર એ અર્થ હવે રૂઢ થઈ રહ્યો છે. સમાજજીવનની બદલાતી દિશા અને દશાની વાર્તા. આજના સમયની વાર્તા.

મૂળ હિન્દી પાંચ લઘુકથાઓ, લેખક: ઉદય પ્રકાશ, અનુ: સંજય છેલ:

હાલના રાજકીય અને સામાજિક વાતાવરણ અંગે માર્મિક ટિપ્પણીઓ કરતી પાંચ ચોટદાર લઘુકથાઓ.

વિડીયો (મૂળ અંગ્રેજી વાર્તા, લેખક: મીરાં નાયર અનુ: સુચી વ્યાસ):

સંયુક્ત કુટુંબમાં અંગત ક્ષણો સહેલાઈથી ઉપલબ્ધ થતી નથી. એમાંય પરિવારમાં સહુથી મોટા પુત્ર અને મોટી વહુને અનેક જવાબદારીઓ હોય. એક મિત્રને ત્યાં નસિર કોઈક ભળતોસળતો વિડીયો જોઇને રોમાંચિત થઈ જાય છે. ઘેર આવીને ઈચ્છે છે કે વિડીયોમાં જોયું એવું જ બધું એની પત્ની રશિદા એની જોડે કરે. એના આવા આગ્રહનો રશિદા શું પ્રતિભાવ આપે છે અને ઘરમાં કેવી રમૂજી સ્થિતિ ઊભી થાય છે એની મજેદાર કહાણી.  

સમતા યુગે (મૂળ અંગ્રેજી વાર્તા, લેખક: કર્ટ વોનેગુટ જુનિયર, અનુ: યશવંત મહેતા): 

સાયન્સ ફેન્ટેસી. અંદાજે પચાસ વર્ષ પછીની સ્થિતિની કલ્પના કરવામાં આવી છે કે કોઈને અંગત ક્ષણો જેવું નહીં હોય. જે કંઈ વિચારો કે આચરણ કરો એની માહિતી સરકારને મળ્યા કરે. એવા સાધનો વિકસિત થયાં હશે કે જેનાં વડે સરકાર દરેકે દરેક નાગરિકની હિલચાલની ખબર રાખી શકે. એક કુટુંબનો કિશોર વયનો પુત્ર સરકારના ગુનેગાર તરીકે બંદીવાન સ્થિતિમાં છે એમ છતાં એ એવું છમકલું કરે છે કે સહુ ગંભીર સ્થિતિમાં મૂકાઈ જાય છે.

--કિશોર પટેલ, 15-12-22; 09:19

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

Sunday 11 December 2022

અખંડ આનંદ ઓક્ટોબર નવેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

અખંડ આનંદ ઓક્ટોબર નવેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૯૮૨ શબ્દો)

બસ, એ જ અને એટલું જ (ડો. દિનકર જોશી): સામાન્ય માણસોની ઈચ્છાઓ પણ સામાન્ય હોય છે. આમ છતાં એવી ઇચ્છાઓ પણ પૂરી ના થાય ત્યારે અફસોસ કરવા સિવાય કોઈ પર્યાય રહેતો નથી. શિક્ષિકાની નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જતી વિદુરા ભારે સંઘર્ષ બાદ ઈચ્છિત સ્થળે પહોંચે છે પણ ટ્રસ્ટીના અવસાનના કારણે ઇન્ટરવ્યુ મુલતવી રખાયા છે. આમ વિદુરાની મહેનત એળે જાય છે. સામાન્ય માણસની અસહાયતાનું ચિત્રણ.   

સપ્તરંગી મેઘધનુષ (વર્ષા અડાલજા): પતિ-પુત્રની સગવડો સાચવવાની રોજિંદી ઘટમાળમાં અરુંધતીને થાય છે કે જીવનમાં શું મેળવ્યું? એવામાં એક દિવસ એનો પતિ નિશીથ પત્ની અને પુત્ર જોડે મીની વેકેશન માટે રિસોર્ટમાં જવાનું આયોજન કરે છે. યુવાન પુત્ર માતાપિતાને બદલે મિત્રો સાથે ફરવા જાય છે પણ પછીથી અચાનક રિસોર્ટમાં માતાપિતાને મળવા આવીને ચોંકાવી  દે છે. અરુંધતીને આનંદ થાય છે કે એનો નાનકડો પરિવાર એકબીજાની લાગણીઓની કદર કરે છે.    

મજામાં...(રજનીકુમાર પંડયા): નાનીમોટી વાતમાં પતિના હાથનો માર ખાધા બાદ પણ પાડોશીઓ સામે હસતું મોં રાખીને જિંદગી વેંઢારતી એક સ્ત્રીની વાત. હજી આજે પણ આપણા સમાજમાં સ્ત્રીઓ ઘરેલુ હિંસાનો શિકાર બને છે.

કોળિયો (કેશુભાઈ દેસાઇ): સમાજના મોભી ગણાય એવા નિ:સંતાન ચીમનલાલના પત્ની મૃત્યુ પામ્યા ત્યારે એમના પિતરાઈ ભાઈને થયું કે ત્રણમાંથી એકાદ દીકરાને ચીમનલાલની સેવા કરવાના બહાને એમના બંગલે ગોઠવી દેવાશે. ગામડેથી ભત્રીજો અને વહુ ચીમનલાલના બંગલે આવે છે પણ ખરા પરંતુ ચીમનલાલે વર્ષોથી પોતાના બંગલે કામ કરતી હંસાને પોતાની સંભાળ લેવા માટે સહકુટુંબ બંગલે રહેવા આવવાનું જણાવી ભત્રીજા અને વહુને ગામડે પાછા જવાનો ઈશારો કરી દીધો.   

તથાસ્તુ (ડો. ચંદ્રકાંત મહેતા): પ્રેમકથા. વધુ અભ્યાસ માટે વિદેશ ગયેલો ડોક્ટર તત્વાર્થ સ્વદેશમાં રાહ જોતી પ્રિયતમા સંગીનીને ભૂલતો નથી. વિદેશમાં સ્થાયી થવાનાં પ્રલોભનો ઠુકરાવી એ સ્વદેશ પાછો ફરીને પોતાની પ્રેમિકા જોડે લગ્ન કરે છે. આ લેખક સામાજિક મૂલ્યોની પ્રતિષ્ઠા થાય એવું સાહિત્યસર્જન કરવા માટે અને પાત્રોનાં આધુનિક નામ પાડવા માટે જાણીતા છે.

સવલીને ગાંઠિયા બહુ ભાવે છે (યશવંત મહેતા): સવિતા જોડે ત્રણચાર પેઢી અગાઉની સગાઇના કારણે કાનો એને પરણી શક્યો નહીં. સવિતા જ્યાં પરણી ત્યાં દુઃખી થઈ અને છેવટે એણે કૂવો પૂર્યો. સવિતાની જુદાઈ અને એના અપમૃત્યુના બેવડા આઘાતની કાના પર માનસિક અસર થઈ. સવિતા જ્યાં મૃત્યુ પામી એ જ  કૂવામાં ગાંઠિયા નાખી જાણે સવિતાને ખવડાવતો હોય એવું એ બોલ્યા કરે છે.      

ઊપજ (રાઘવજી માધડ): માતાપિતા ગમે એટલાં નિર્ધન હોય પણ દીકરી માટે કયારેય દિલચોરી ના કરે. પિયર આવેલી દીકરીને વળાવતી વેળા એને આપવા જેવું કશું જ ન હોવાથી પિતા એને મોંઘા ભાવનું બિયારણનું પોટલું આપે છે. સામે પક્ષે દીકરી પણ એટલી જ સમજદાર છે. એ જાણે છે કે ગરીબ પિતાએ પોતાની જમીન માટે રાખેલું બિયારણ આપી દીધું છે એટલે એ છેલ્લી ઘડીએ બિયારણનું પોટલું જાણીજોઇને પિયરમાં જ ભૂલી જાય છે અને સ્ટેશન પર ભાઈને કહે છે કે હું સાસરિયાંને કહી દઈશ કે બિયારણ નહીં પણ ઉપજ લઈને મારો ભાઈ આવશે. આમ માતાપિતા અને દીકરી બંને એકબીજાની ઈજ્જત સાચવી લેવા તત્પર છે. હ્રદયસ્પર્શી વાર્તા.     

અલખનો અજંપો (પ્રવીણ ગઢવી): થરાદના રાજવી કુટુંબમાં રાજા માનસિંહને નાનપણથી જ સંસારમાં રસ ન હતો. સંત રવિદાસની વાણી સાંભળ્યા પછી એમનું મન ઈશ્વરભક્તિમાં લાગ્યું. આ જોઇને રાજમાતાએ દીકરાના લગ્નની તૈયારી કરી પણ માનસિંહે માતાને કહ્યું કે તેનું મન સંસારમાં નથી. રાજમાતા છેવટે એને સંત રવિદાસની શરણમાં જવાની રાજા આપી દે છે.   

અણધાર્યો લાભ (કલ્પના જિતેન્દ્ર): ભાવનાત્મક સંબંધોમાં છેતરપીંડી. ઓફિસમાં સહકર્મચારી નીતિનના સૌજન્યપૂર્ણ વ્યવહારથી પ્રભાવિત થઈ કોશા એની તરફ આકર્ષિત થાય છે. પણ જ્યારે એને ખબર પડી જાય છે કે નીતિન માટે તો પોતે ફક્ત સમય પસાર કરવાનું રમકડું હતી ત્યારે એને આઘાત લાગે છે.  

ઋણ (ગિરિમા ઘારેખાન): પિતાના મૃત્યુ પછી આકાશને સત્ય જાણવા મળે છે કે એનો પોતાનો જન્મ માતાના લગ્ન પૂર્વેના પ્રેમી થકી થયો હતો. વિધવા બન્યા પછી આકાશની માતા આજ સુધી અપરિણીત રહેલા એ પૂર્વપ્રેમી જોડે પુનર્લગ્ન કરવા ઈચ્છે છે. આકાશ માતાની ઈચ્છાની આડે તો નથી આવતો પણ સાથે સાથે એના અસલી પિતાનો એ સ્વીકાર પણ કરી શકતો નથી. પોતે જેને પિતા માનતો આવ્યો હતો એમની પ્રતિમા ખંડિત થાય એવું એ ઈચ્છતો નથી. આકાશે નોંધ્યું હતું કે એના પિતા હંમેશા એની માતાને ખુશ રાખવાનો પ્રયાસ કરતા પણ માતા ક્યારેય ખુશ જણાતી નહીં. ચારે મુખ્ય પાત્રોનું પાત્રાલેખન વિશિષ્ઠ થયું છે. વાર્તાની રજૂઆત પ્રવાહી થઈ છે.  

સંબંધનું નહીં નામ (સુષ્મા શેઠ): સોશિયલ મીડિયા પર પરિચય થયા પછી પ્રત્યક્ષ મુલાકાત વેળાએ જેસલ નામના યુવકને જોઈ સુજાતાને આઘાત લાગે છે. જેસલે એને કહ્યું ન હતું કે એ સ્ત્રેણ છે. ગુસ્સે થઈને સુજાતા ત્યાંથી નીકળી જાય છે પણ પછી એને ખ્યાલ આવે છે કે એણે પોતે પણ પોતાની પંગુતા જેસલથી છુપાવી છે. પોતાની ભૂલ સમજાતાં એ પાછી વળે છે. બંને દુખિયારાં એકબીજાને મળીને આનંદ અનુભવે છે. નાયિકાના મનોભાવોનું આલેખન સારું થયું છે.  

તમાચો (નીલમ હરીશ દોશી): ઉજાસ પોતે ઓફિસની સહકર્મચારી ખુશી જોડે કોફી પીવા જવાની સ્વતંત્રતા ભોગવે છે પણ એ જ રીતે જયારે એની પત્ની પોતાના સહકર્મચારી આર્યન જોડે કોફી પીવા જાય ત્યારે એ પત્ની પર શંકા કરે છે. આમ ભેદભાવભરી પુરુષપ્રધાન માનસિકતા અંગે વાર્તામાં વિધાન થયું છે.     

એ જિંદગી...ગલે સે...(નીલેશ રાણા): સાફસફાઈનું કામ કરતાં કરતાં ઘરમાંથી નાનીમોટી વસ્તુઓની ચોરી કરતા ચોરને આશ્ચર્ય થાય છે કે ઘરનાં માલિકોને કેમ કંઈ ખબર પડતી નથી કે ઘરમાંથી વસ્તુઓ ગાયબ થઈ રહી છે. એક દિવસ તેને જાણવા મળે છે કે એમને તો બધી જ ખબર હતી! એ એનું પોતાનું જ ઘર હતું! નાનપણમાં કોઈક કારણથી એ માતાપિતાથી વિખૂટો પડી ગયો હતો. જીવનની વિચિત્રતાની વાત.   

દેશપ્રેમ (ડો. પિનાકિન દવે): રોગચાળો ફેલાવી દેશની વસ્તી પર નિયંત્રણ લાવવાના હેતુથી ડો. રાવ એક ખતરનાક વાયરસ બનાવે છે. પણ ડો. રાવ એમના ઈરાદામાં સફળ થાય એ પહેલાં એમની દીકરી મયૂરી પોલીસને ખબર કરી દે છે. દેશની સુરક્ષા ખાતર પોતાના પિતાની ધરપકડ કરાવતી દીકરીની વાત. 

સુખની વ્યાખ્યા (મોના જોશી): સાચું સુખ ધનદૌલતમાં નથી પણ પરિવારમાં એકબીજાની લાગણીઓ સાચવવામાં છે એવો બોધ આપતી વાર્તા.

એક કટિંગ ‘ઈગો’ ચા (સંજય થોરાત): મૈત્રીસંબંધની વાત. ગેરસમજના કારણે બે મિત્રો વચ્ચેની મૈત્રી તૂટી ગઈ, જીવનભર એક બીજા સાથે અબોલા પાળ્યા પણ બંને સતત એકબીજાને યાદ કરતા રહ્યા.  

લઘુકથા

રાજગોર (હરિવદન જોશી): મૈત્રીસંબંધની વાત. મિત્રને નીકળતા લેણાંની યાદ ના આવે એવું વિચારીને એની છેલ્લી ઘડીઓમાં પણ નાયક એને મળવા જતો નથી. 

--કિશોર પટેલ, 12-12-22; 09:48

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Friday 9 December 2022

નવચેતન ઓક્ટોબર નવેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવચેતન ઓક્ટોબર નવેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૪૨ શબ્દો)

દાવેદાર (વિશ્વમિત્ર):

વિધવા દેરાણી જોડે પતિના આડા સંબંધને ઉદાર ચિત્તે માફ કરવા ઉપરાંત પતિ દ્વારા દેરાણીને થયેલા પુત્રને વારસાહક્ક આપવાની ભલામણ કરતી સ્ત્રીની વાત. એક સ્ત્રીની ઉદારતા અને મનની મોટાઈની વાત.

વાર્તામાં વિગતોની ભરમાર છે. રજૂઆત અહેવાલાત્મક થઈ છે.  

અભિષેક (રવજીભાઈ કાચા):

ગરમ મિજાજની તૃપ્તિ માતાપિતાનું કહ્યું સાંભળતી નથી. લગ્ન પછી સાસરિયાંએ પણ એની તોછડાઈ સહન કરી લીધી. સાસુ-સસરાનું મૌન જોઇને તૃપ્તિની સાન ઠેકાણે આવે છે. વડીલોની ક્ષમા માંગી લઈ એ વાત વાળી લે છે.

માતા-પિતા તો ઠીક પણ સાસુ-સસરા પણ આટલાં ધીરજવાન! માનવામાં ના આવે એવી વાત. ક્રોધના ગેરફાયદા સમજાવતી બોધકથા.    

રી-યુનિયન (રેણુકા દવે):

અંજનાને પોતાના રૂપ અને સામાજિક મોભાનું અભિમાન છે. સ્થૂળ શરીર અને શ્યામ વર્ણની વિશાખાને પોતાનાથી ઉતરતી ગણીને કોલેજમાં એ કાયમ તેની મશ્કરી કરતી હતી. નાનકડી વાતમાં આશુતોષ અંગે ગેરસમજ કરીને એની જોડે અંજનાએ છેડો ફાડી નાખ્યો. પણ એ પછી અંજનાનું ક્યાંય ઠેકાણું પડતું નથી, એ એકલી જ રહી જાય છે. છેક પચીસ વર્ષે રીયુનિયન વખતે એને ખબર પડે છે કે આશુતોષ અને વિશાખા એકબીજાના જીવનસાથી બની ગયા હતા.

મિથ્યાભિમાનના કારણે માણસ હાથમાં આવેલી તક ગુમાવી બેસે છે અને દુઃખી થાય છે એવો બોધ આપતી વાર્તા.       

લઘુકથાઓ 

ડિલીટ (મનસુખ સલ્લા): અન્યોનાં સારાં ગુણ જોઇને ખુશ થવાને બદલે ઈર્ષા કરીને દુઃખી થતા માણસની વાત.

મીઠાશ (દીના પંડયા): બે દીકરાઓને ત્યાં વહેંચાઈને રહેતાં વૃદ્ધ પતિ-પત્ની અઠવાડિયે એક વાર બગીચામાં મળીને સુખદુઃખની વાતો કરી લે છે.

વચન (પ્રકાશ કુબાવત): બંગલાની બહાર નોકરને માટે હોય એવી નાનકડી ઓરડીમાં માતાપિતાને રાખતા કળિયુગના દીકરાની વાત.

પરખ (ધર્મેન્દ્રસિંહ રાઠોડ):  શ્રીમંત ઘરનું માંગુ નાયિકા નકારી કાઢે છે કારણ કે એ ઘરમાં એક પણ પુસ્તક નથી. 

કાગડા, વાનર અને...(ઝકરિયા પટેલ): કાગડા અને વાનરો એમના સમાજના સભ્યના અકસ્માત મૃત્યુ સમયે ભેગાં થઈને શોક મનાવે છે પણ એક માણસ બીજા માણસના અકસ્માત મૃત્યુ ટાણે એના દુઃખમાં સહભાગી થતો નથી. પ્રશ્ન એ થાય છે કે ખરેખર સુસંસ્કૃત કોણ છે, માણસ કે પશુપક્ષી? 

--કિશોર પટેલ, 10-12-22 09:02

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Tuesday 6 December 2022

પરબ નવેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

પરબ નવેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

લોન્ડ્રી રૂમ (અભિમન્યુ આચાર્ય):

(૩૭૪ શબ્દો)

વિદેશી સંસ્કૃતિની વાર્તા.

કેનેડામાં લોકો કપડાં પોતપોતાના ઘરમાં ધોતાં નથી પણ આખા બિલ્ડીંગ માટે ભોંયતળિયે એક અલાયદો લોન્ડ્રી રૂમ હોય છે ત્યાં બિલ્ડીંગના રહેવાસીઓ વારાફરતી પોતાનાં કપડાં ધોતાં હોય છે. એક રીતે આ લોન્ડ્રી રૂમ બિલ્ડીંગનાં રહેવાસીઓ વચ્ચેનું હળવામળવાનું મિલનસ્થળ બની રહે છે.

માણસમાત્રને એક જ ઘરેડમાં જીવવાનું મુશ્કેલ લાગતું હોય છે. જુદાં જુદાં લોકો જુદી જુદી રીતે એ ઘરેડને તોડવાનો પ્રયાસ કરતાં હોય છે. કેનેડામાં વસતું નાયર દંપતી પોતાના જીવનમાં નાવીન્ય લાવવા તો ઈચ્છે છે પણ એ કેવી રીતે લાવવું એ વિષે બંને વચ્ચે મતભેદ છે. જાતીય જીવનમાં ત્રીજી વ્યક્તિને સામેલ કરવાના શ્રીમાન નાયરના પ્રસ્તાવને શ્રીમતી નાયર ઠુકરાવી દે છે. એનું સાટું ભરપાઈ કરવા શ્રીમતી નાયર ત્રીજી વ્યક્તિની હાજરીનો પ્રબંધ થોડીક જુદી રીતે કરે છે. લોન્ડ્રી રૂમમાં તક મળતાં શ્રીમતી નાયર પાડોશમાં રહેવા આવેલી એક જુવાન છોકરીનું અંતર્વસ્ત્ર ચોરીને પોતાને ઘેર લઈ જાય છે. આમ આ દંપતીના જાતીય જીવનમાં પ્રતિકાત્મક રીતે ત્રીજી વ્યક્તિ દાખલ થવાથી એમના શુષ્ક થઈ ગયેલા જીવનમાં નવા પ્રાણનો સંચાર થાય છે. કામચલાઉ રહેવા આવેલી પેલી છોકરી જતી રહે એ સાથે જ નાયર દંપતીનું જીવન ફરીથી શુષ્ક બની જાય છે.

શ્રીમાન નાયર, શ્રીમતી નાયર અને પાડોશની છોકરી અંજલિ ત્રણેનું પાત્રાલેખન રસપ્રદ થયું છે. નાયર દંપતીના એકબીજા જોડેના યાંત્રિક થઈ ગયેલાં સંબંધો, અંજલિ જોડે પરિચય કેળવવાના શ્રીમતી નાયરના પ્રયાસો, એ વિષે અંજલિની ઉદાસીનતા વગેરેનું આલેખન રસ પડે એવું થયું છે.

એક આગળાવેગળા વિષયની સરસ રજૂઆત.          

માણકી (ડો.ભરત સિંહ એચ. બારડ):

પિતાના દારૂના વ્યસનના કારણે માતાને જીવનભર હેરાન થયેલી જોઇને માણકી નક્કી કરે છે કે દારૂનો વપરાશ થતો હોય એવા ઘરમાં ના પરણવું. પિતા પહેલાં જ મૃત્યુ પામ્યા હતા અને માતાનું પણ સર્પદંશના કારણે મૃત્યુ થઈ જતાં માણકીને માથે છત્ર રહેતું નથી. બીજે ગામ પરણેલી મોટીબહેન ઝાઝી તપાસ કર્યા વિના જ્યાં માંગું આવે ત્યાં માણકીને પરણાવી દે છે. કમનસીબે માણકીનો પતિ દારૂડિયો નીકળે છે. કાયમ મારઝૂડ કરતાં પતિથી ત્રાસીને માણકી ઘર છોડીને પૂર્વપ્રેમી જોડે પલાયન કરીને મુક્તિનો શ્વાસ લે છે. વાર્તામાંથી ગ્રામ્યજીવનની સારી ઝલક મળે છે.

જો કે આ વાર્તા હજી હાલમાં જ શબ્દસૃષ્ટિ, ઓક્ટોબર ૨૦૨૨ માં પ્રસિદ્ધ થઈ ચૂકી છે.

--કિશોર પટેલ, 07-12-22; 08:57

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Saturday 3 December 2022

નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૮૮૦ શબ્દો)

આ દીપોત્સવી નિસબત વિશેષાંક છે.                                                                                                              

કોઈનું કંઈ ખોવાય છે? (પ્રવીણસિંહ ચાવડા):

મૈત્રીસંબંધની વાત. પચાસ વર્ષ પહેલાં, યુવાનીમાં, કોલેજમાં ભણતા એ સમયના મિત્ર જોડે ફોન પર વાતચીત થાય અને નાયકને પોતાના ભૂતકાળ યાદો સજીવન થાય. આ લેખકની હંમેશની ઢબ મુજબ, ટૂંકા વાક્યોમાં, જીવનદર્શનના નાનાં નાનાં ડોઝ સાથેની રજૂઆત.

વણનોંધાયેલી ઘટના  (હિમાંશી શેલત):

સાંપ્રત સમસ્યાની વાત. બહુચર્ચિત સત્યઘટના પર આધારિત મર્મભેદી વાર્તા. ઈ.સ. ૨૦૦૪ માં ગુજરાતમાં ગર્ભવતી બિલ્કીશબાનુ અને એના પરિવાર જોડે બળાત્કાર અને હત્યાઓ જેવા જઘન્ય અપરાધના ગુનેગારોને સંસ્કારી ગણાવીને ગુજરાત સરકારે જેલમાંથી તાજેતરમાં છોડી મૂક્યા એ ઘટના પર રચાયેલી વાર્તા. બિલ્કીશબાનુના પોઈન્ટ ઓફ વ્યુથી આ વાર્તા કહેવાઈ છે.

કોઈક કામે જવા નીકળેલી નાયિકા બસની લાઈનમાં એક આદમીનો હાથ જોતાવેંત એને ઓળખી જાય છે. સત્તર વર્ષ પહેલાં અનુભવેલી દહેશત ફરી જીવંત થાય છે. ડરની મારી કામ પડતું મૂકીને એ ઘેર આવતી રહે છે. એનો પતિ કહે છે, “એમાં શું? એ તો હવે ફરી ફરી દેખાવાનો!”  નાયિકાને થાય છે કે એ તો જેને વીતે એને જ ખબર પડે કે શું થાય છે.

તદ્દન તાજી ઘટના પર આધારિત વાર્તા. નાયિકાની પીડાનું સરસ આલેખન, વાચનક્ષમ વાર્તા! 

નોલો કોન્તેન્દેરે (મધુ રાય):

શીર્ષક જે શબ્દોનું બન્યું છે એ અમેરિકાની અદાલતોમાં બોલાતો એક શબ્દપ્રયોગ છે જેનો અર્થ થાય છે: “નો કોન્ટેસ્ટ.” અદાલતમાં આરોપીને જયારે પૂછવામાં આવે કે એના પર મૂકાયેલા આરોપ એને માન્ય છે કે નહીં. જો આ વિષે આરોપીએ સ્પષ્ટતા કરવી ના હોય તો એ ઉપરોક્ત શબ્દો બોલે છે. અન્યો પર ખોટા કેસ કરીને કાયદેસર જોગવાઈ પ્રમાણે વળતર લેવાની તરકીબો દેશ અને દુનિયામાં ઘણાં માણસો અજમાવતાં હોય છે.

આ વાર્તાની મઝા રજૂઆતમાં છે. આરોપીને આપવામાં આવેલા દુભાષિયાને કેસની સાચી વિગતોની ખબર નથી. એ અવનવી ધારણાઓ કર્યા કરતો રહે છે. અધૂરામાં પૂરું આધેડ વયના આરોપીની જુવાન પત્નીને જોઇને એ મનમાં ને મનમાં ઘોડા દોડાવ્યા કરે છે પણ સાથે સાથે અમેરિકાના કાયદા-કાનૂનો એ જાણતો હોય છે એટલે વળી પોતાની કલ્પનાઓ પર લગામ પણ લગાવતો રહે છે.

શબ્દોના જાદુગર તરીકે જાણીતા આ વાર્તાકાર પાસેથી લાંબા સમય બાદ મળેલી રસપ્રદ વાર્તા.       

એ રાતે (બાદલ પંચાલ):

કરુણાંત પ્રેમકથા. કથકના પ્રસ્તાવનો નાયિકા સ્વીકાર કરે પછી કથકનું જીવન પાટે ચડે છે એટલામાં બીજી જ સવારે ખબર મળે છે કે અકસ્માતમાં નાયિકા મૃત્યુ પામી છે.    

વાર્તામાં નોંધનીય છે ભાષા અને રજૂઆત. બંને પાસાં કાવ્યાત્મક બન્યાં છે. 

બાકીનું શરીર (વીનેશ અંતાણી):

માનવીય સંબંધોની અને એમાંય દાંપત્યજીવનની વાર્તાઓમાં એકથી એક ચઢિયાતી વાર્તાઓ આપનારા લેખકની વધુ એક સરસ વાર્તા. 

શ્યામ અને માધવી. બંને શિક્ષિત અને નોકરી કરતાં સ્વસ્થ પતિ-પત્ની. પુત્ર અને તેનો પરિવાર વિદેશમાં સ્થાયી થયાં છે. આર્થિક-સામાજિક રીતે વ્યવસ્થિત સુખી પરિવાર. શ્યામને પક્ષાઘાતનો હુમલો આવે એ પછી આ દંપતીનું જીવનવહેણ બદલાઈ જાય છે. પહેલાં તો અડધું અંગ અપંગ હતું, અવિચારીપણે શ્યામ જાતે હલનચલન કરવાનો પ્રયત્ન કરે એમાં આખું શરીર અસરગ્રસ્ત થાય. પહેલેથી જ પ્રેમ-સ્નેહના નામે પત્નીનું ભાવનાત્મક શોષણ કરનારા શ્યામને રોકનારું હવે કોઈ નથી. શ્યામની સેવામાં માધવી પૂર્ણપણે ઓગળી જાય છે. શ્યામ સ્વસ્થ હતો ત્યારે પણ ક્યારેય એણે માધવીની અગવડ-સગવડની ખેવના રાખ્યા વિના એનું સૂક્ષ્મ શોષણ જ કર્યું છે. 

વાર્તાનું સ્વરૂપ રસપ્રદ છે. શ્યામના મૃત્યુ પછી ઊભી થયેલી સ્થિતિમાં માધવીની મન:સ્થિતિનું ઉત્તમ આલેખન થયું છે. દર્પણમાં માધવી પોતાનું પ્રતિબિંબ જુએ છે ત્યારે પોતાની જાતને એ ઓળખી શકતી નથી!  પતિની સેવામાં માધવીએ પોતાની જાતને જ ભૂલાવી દીધી છે! માધવી એટલે આપણા સમાજની હજારો સ્ત્રીઓનું પ્રતિનિધિ પાત્ર.

હ્રદયસ્પર્શી વાર્તા.                                                                                                    

રામાયણીબાબા (વર્ષા અડાલજા):

આપણા દેશમાં પોલીસ ખાતાનાં નાનાં હોદ્દે સેવારત કર્મચારીઓ બે નંબરની નાનીમોટી કમાણી કરી લેવા માટે કુખ્યાત છે. પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંતને ગળથૂથીમાંથી પ્રામાણિકતાના પાઠ મળ્યા છે. એના સ્વર્ગસ્થ પિતા ઈમાનદાર પોલીસકર્મી હતા, ગામડે રામકથા કહેતા રામભક્ત સસરા સાપ્તાહિક પ્રવચનોમાં ગ્રામજનોને નીતિના રસ્તે ચાલવાનો ઉપદેશ કરતા રહે છે, ઘેર સાદાઈથી જીવતી સંસ્કારી પત્ની છે. ચંદ્રકાંત પોતે પણ સીધી લાઈનનો જ માણસ છે પણ એક કાળચોઘડિયે સંગતની અસરમાં એની દાનત બગડે છે. સામેથી ચાલીને આવેલી બે નંબરી આવક એ સ્વીકારી લે છે. દીકરીના લગ્ન રંગેચંગે ઉકેલી લેવાય એટલી કમાણી એ ધીમે ધીમે અંકે કરી લે છે. પણ દરમિયાન એનો આત્મા એને સતત ડંખતો રહે છે. એની પરાકાષ્ઠા આવે છે ગામડે એક ઉત્સવ દરમિયાન.

એક સીધાસાદા ભલા માણસની માનસિક સ્થિતિ દોષભાવનાને લીધે કેટલી ડામાડોળ થઈ જાય એનું ચિત્રણ સરસ થયું છે. પાત્રોની પૃષ્ઠભૂમિ મહારાષ્ટના ગામડાની છે એટલે સંવાદોમાં મરાઠી ભાષાના શબ્દોનો અને વાક્યોનો પ્રયોગ અનેક જગ્યાએ થયો છે. આમ આલેખનમાં વાસ્તવિકતાનો સ્પર્શ જણાય છે. ગુજરાતી વાર્તાઓમાં આ એક નાવીન્ય છે, કંઇક જૂદું અને સારું લાગે છે.     

રડવું એટલે (કિરીટ દૂધાત):

લાંબા સમય પછી આ નીવડેલા વાર્તાકારની વાર્તા રજૂ થઈ છે.

કેટલાંક માણસોની નિયતિ એવી હોય છે કે પૂરતો પરિશ્રમ કર્યા પછી પણ એમને એમના કર્મનું ફળ મળતું નથી. ઈરાદાઓ નેક હોય, સાચી લગનથી કામ કર્યું હોય એમ છતાં કેટલાંક પરિબળો એવા હોય છે કે એની સામે માણસે હથિયાર હેઠાં મૂકી દેવા પડતાં હોય છે. અહીં અચ્યુત જીવાણી નામના એક યુવાનની કથા રજૂ થઈ છે જેનાં વ્યાવસાયિક સાહસો એક પછી એક નિષ્ફળ જાય છે. વાર્તાની રજૂઆત એવી સરસ થઈ છે કે નાયકની સાથે કથક અને ભાવકને પણ ઉદાસીનતાનો ભાવ ઘેરી વળે છે.

“રડવું” એટલે કેવળ અક્ષરસ: રડવું એમ નહીં, બીજા અનેક પ્રકારે પણ રડવું વ્યક્ત થતું હોય છે.   

સમરસ (બિપીન પટેલ):

ઓફિસમાં “નિ.ના.” નામના એક એવા માણસની કારકિર્દીનો છેલ્લો દિવસ છે જે સહુ સહકર્મચારીઓ જોડે કાયમ અતડો રહ્યો છે. ઓફિસના વાતાવરણનું હળવી શૈલીમાં નિરૂપણ.

આ સામયિકની દીપોત્સવી અંકો માટેની વાર્તાકારોની ટીમ લગભગ ફિક્સ હોય છે, અપવાદ ખાતર એકાદ-બે નામ આમતેમ થતાં હોય છે.

--કિશોર પટેલ,  04-12-22; 10:16  

 ###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###