Sunday 23 July 2023

બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ જુલાઈ ૨૦૨૩










 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ જુલાઈ ૨૦૨૩

(૭૬૫ શબ્દો)

શનિવાર તા. ૨૨ જુલાઈ ૨૦૨૩ ની સાંજે મુંબઈવાસીઓ વરસાદમાં ભીંજાવાની મઝા માણી રહ્યાં હતાં ત્યારે કેટલાંક કળારસિકો વાર્તારસ માણવા બાલભારતીના માંડવે ભેગાં થયાં હતાં. એમની સંખ્યા ઓછી હતી પણ વાર્તારસ માણવાની એમની તડપ કોઈ યંત્રથી નક્કી કરી ના શકાય એવી અમાપ હતી.

કાર્યક્રમનાં સંચાલનની લગામ હાથમાં લેતાં આકાશવાણીનાં કાર્યક્રમોનાં નિર્માતા અને ગુજરાતી રંગભૂમિનાં કલાકાર વૈશાલી ત્રિવેદીએ વિશ્વપ્રસિઘ્ઘ વાર્તાકાર એન્ટોન ચેખોવની એક વાર્તા “સ્લાઈસ ઓફ લાઈફ” ને યાદ કરતાં કહ્યું કે જીવનની એક ચીરી કાપીને તેનો અર્ક, સ્વાદ અને સુગંધ વાચકો સમક્ષ પીરરતાં લેખકને આનંદ થાય છે. વિશ્વમાં સર્વત્ર વાર્તાઓ કેમ સતત લખાયા કરે છે? સામયિકો કેમ અવિરત પ્રગટ થયાં કરે છે? કળાનાં અન્ય માધ્યમો દ્વારા પણ વાર્તાઓ કેમ કહેવાયા કરે છે? ચેખોવ કહે છે એમ લેખક અને વાચક દ્વારા વાર્તાઓના માધ્યમથી જીવનને પામવાનો પ્રયાસ થતો રહે છે.

સૌ પ્રથમ વાર્તા રજૂ કરી કલ્પનાબેન દવેએઃ લવ યોરસેલ્ફ લવ યોર લાઈફ

પ્રોઢ વયની નાયિકા સ્નેહાને કેન્સર થયું છે. એને સમયસર સારવાર મળી છે પણ છતાં એ લગભગ મૃત્યુના દ્વારે પહોંચી ગઈ છે. એને ભૂતકાળની ઘટનાઓ યાદ આવે છે. મેટ્રિક પછી સ્નેહાને વઘુ અભ્યાસ કરવો હતો પણ એના પિતા એને મંજૂરી આપતા નથી. એક યુવાન જોડે મનમેળ થતાં સ્નેહા પિતા વિરુઘ્ઘ બંડ કરીને પ્રેમલગ્ન કરી પિતૃગૃહનો ત્યાગ કરે છે. કાળક્રમે એણે એક સંતાનને ગુમાવવાનો આઘાત પણ  સહન કરવો પડે છે. મૃત્યુ સામે ઊભું હોય ત્યારે પોતાના પિતાને દુઃખી કર્યાનો એને પશ્ચાતાપ થાય છે. એ ક્ષણોમાં કોઈ અદ્રશય શક્તિનો એને સાક્ષાત્કાર થતાં એ અપાર શાંતિનો અનુભવ કરે છે અને એ મૃત્યુમુખેથી પાછી ફરે છે.

બીજી વાર્તા રજૂ કરી નીરજ કંસારાઘૂમકેતૂ લિખિતઃ માછીમારનું ગીત

ગુજરાતી ટૂંકી વાર્તાના ઈતિહાસમાં જેમનું નામ કાયમ આદરથી લેવાશે એવા ગાંઘીયુગના વાર્તાકાર ધૂમકેતુની આ એક આગળીવેગળી કથા છે. આ એક એવા માછીમારની કથા છે જેનું સંપૂર્ણ જીવન દરિયાના ખોળે વીત્યું હતું. દરિયામાં એ જેટલો સહજ અને સ્વાભાવિક હતો એટલો જ એ જમીન પર અસહજ અને અસ્વાભાવિક હતો. એ પોતાની પત્નીને ખૂબ ચાહતો હતો. નવા નવા લગ્ન પછી એક વાર એ પત્નીને હોડીમાં બેસાડી દરિયાની સહેલ કરાવવા લઈ જાય છે. ત્યાં માછીમારની વહુ એને એક અદભૂત પ્રણયગીત સંભળાવે છે. એ ગીતમાં આશા, ઉલ્લાસ, ઉત્સાહ, આનંદ, પ્રેરણા, પ્રેમ વગેરે અનેક ભાવો સામેલ હતાં. માછીમારને એ ગીત ઘણું ગમી જાય છે. અહીં માછીમારની વહુ  એને તાકીદ કરે છે કે આ ગીત કયારેય કોઈને સંભળાવતો નહીં. માછીમાર પાસે એક સુંદર મોતી છે, એ મોતી એને દરિયામાંથી અનાયાસ મળી આવ્યું હતું. એ મોતી એણે કોઈને કયારેય વેચ્યું નહોતું. જેટલું જતન એ મોતીનું કરતો એટલું જતન હવે એ પેલા ગીતનું પણ કરવા માંડ્યો. કાળક્રમે માછીમાર વૃઘ્ઘ થાય છે. એની પત્ની હવે રહી નથી. એક વાર એના સાથીઓ એની પાસે પેલું ગીત સાંભળવાની જીદ કરે છે. માછીમાર સૌથી યુવાન સાથીને પોતાની હોડીમાં બેસાડીને દરિયામાં લઈ જાય છે. એને પેલું અમૂલ્ય મોતી આપીને એ પેલા ગીતની વાત ભૂલાવી દે છે. જ્યારે અન્ય સાથીઓને એની ચાલાકીની ખબર પડે છે ત્યારે સહુ એને શોઘવા નીકળી પડે છે. માછીમાર દરિયામાં પોતાની નાવ સાથે રખડતો એકલો એકલો પેલું ગીત ગાતો હોય છે. યુવાન સાથી એની તરફ મોતી પાછું ફેંકીને ગીત સંભળાવવા વિનંતી કરે છે પણ માછીમાર એના ગીત અને અમૂલ્ય મોતી સાથે દરિયામાં ગરક થઈ જાય છે.

નોંઘવાલાયક વાત એ કે સંપૂર્ણ વાર્તામાં ક્યાંય ગીતના ચોક્કસ શબ્દો શું હતાં એનો ઉલ્લેખ થતો જ નથી!     

કોફીબ્રેક પછી ત્રીજી વાર્તા રજૂ કરી જિતેન્દ્ર દવેએઃ રજિસ્ટર્ડ મેરેજ

સાંપ્રત સમસ્યાની વાર્તા. પ્રેમમાં પડેલું એક યુગલ રજિસ્ટર્ડ મેરેજ કરવા રજિસ્ટ્રારની ઓફિસે જાય છે. ત્યાં કાર્યવાહી દરમિયાન અધવચ્ચે જ યુવક પોતાની સાચી ઓળખ જાહેર કરે છે, નામ પરથી હિંદુઘર્મી જણાતો એ યુવક હકીકતમાં મુસ્લિમ હતો. હિન્દુ ધર્મની યુવતીઓને છેતરીને પ્રેમલગ્ન કરીને પછી એમનું ઘર્માંતર કરાવવાનો સિલસિલો કેટલાક ઘર્મઝનૂનીઓ આજકાલ કરવા લાગ્યા છે. સમાચાર માધ્યમોએ એને “લવજેહાદ” નામ આપ્યું છે. સાંપ્રત સમસ્યા પર પ્રકાશ પાડતી વાર્તા.

અંતમાં ચોથી અને છેલ્લી વાર્તા રજૂ કરી કાર્યક્રમનાં સંચાલક વૈશાલી ત્રિવેદીએઃ ઘડિયાળ

આ વાર્તાનું સ્વરુપ આકર્ષક છે. પ્રૌઢ વયના નાયકને ઘડિયાળમાં ટકોરા વાગે એની સાથે સમયના જુદા જુદા  આંકડા પ્રમાણે ભૂતકાળની જુદી જુદી સ્મૃતિ જીવંત થાય છે. એ રીતે કટકે કટકે એના જીવનની વ્યથાકથા રજૂ થાય છે. નાયક મનોરંજનના વ્યવસાયમાં પ્રવૃત્ત હતો પણ હવે વઘતી ઉંમર અને સ્પર્ધાના કારણે એને કામ મળવાનું ઓછું થઈ ગયું છે. દુઃખી થઈને એ આત્મહત્યાના વિચાર સાથે ઘસમધતી ટ્રેનની નીચે ઝંપલાવવા જાય છે પણ ત્યાં એક યુવાનને પણ આત્મહત્યા કરવા આવેલો જોઈ પોતાનું દુઃખદર્દ ભૂલીને પેલાને બચાવે છે. વાતચીત દરમિયાન જાણ થાય કે એ યુવાન ફિલ્મોમાં નસીબ અજમાવવા આવેલો પણ કામ ના મળતાં નિરાશ થઈ ગયો હતો. નાયકને થાય છે કે આની પાસે તો આખું જીવન પડેલું છે, એને કામ મળવું જોઈએ. એ મનોમન પોતાને મળેલું ડબિંગનું કામ એને અપાવવાનું નક્કી કરીને એને સાંજે સ્ટુડિયો પર કામ મેળવી આપવાનું વચન આપે છે. 

વૈશાલીબેનની રજૂઆત નાટ્યાત્મક રહી. વાર્તાના દ્રશ્યો નજર સામે  જીવંતપણે ભજવાતાં હોય એવી અનુભૂતિ સહુ શ્રોતાઓને થઈ.

એકંદરે વાર્તારસથી તરબોળ સાંજ!  

--કિશોર પટેલ, 24-07-23 09:06

###

      

 

Tuesday 18 July 2023

મમતા જૂન ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



મમતા જૂન ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૯૫૮ શબ્દો)

શાંતિનિકેતનની બેબી (હસમુખ કે. રાવલ):

બાળઉછેરની સમસ્યા અંગે અંગુલિનિર્દેશ કરતી વાર્તા હળવી શૈલીમાં.

શહેરોમાં મધ્યમવર્ગીય પરિવારોમાં બહુધા પતિ-પત્ની બંને કામ-ધંધા પર જતાં હોય છે. વળી શહેરોમાં સંયુક્ત કુટુંબો હવે નામશેષ થઈ રહ્યાં છે. પરિવારમાં જો નાનું બાળક હોય તો એને સાચવે કોણ એ પ્રશ્ન ઊભો થતો હોય છે. આ કારણથી બેબીસીટીંગ નામનો વ્યવસાય ફૂલ્યોફાલ્યો છે. બાળકને સાચવતી આયા બાળકનું કેવું અને કેટલું ધ્યાન રાખે એ વળી એક અલગ સમસ્યા છે. પ્રસ્તુત વાર્તામાં એક બેબીની આયા બેબીને સાથે રાખીને પ્રેમી જોડે ફિલ્મ જોવા જાય છે. ચાલુ ફિલ્મે પ્રેમી જોડે અંગત ક્ષણો માણવામાં આયાનું બેબી પ્રતિ સ્વાભાવિકપણે દુર્લક્ષ થાય છે અને તકનો લાભ લઈને કોઈ બદમાશ બેબીનું અપહરણ કરે છે. સદભાગ્યે સમયસર બૂમાબૂમ થતાં બેબી બચી જાય છે પણ કશુંક ના બનવાનું બની જાય એવી પૂરેપૂરી શક્યતા હતી.

એક ગંભીર સમસ્યાની હળવી રજૂઆત. અહીં ઘોડિયું, બાથરુમનો દરવાજો, નળના પાણીની ધારા, શેમ્પુ, રુછાંદાર રુમાલ, દાંતિયો જેવી ચીજ-વસ્તુઓમાં સજીવારોપણ થયું છે તે રસપ્રદ છે. નાનાં બાળકને શરીર પર કપડાંની ટેવ હજી પડી ના હોય ત્યારે વસ્ત્રો એમને કરડતાં હોય એ વાત અહીં સરસ રીતે રજૂ થઈ છે. એક છોકરી છે તો એક છોકરો હોવો જોઈએ એવી સામાજિક માન્યતા અંગે વિઘાન થયું છે.

વાર્તા સાંપત્ર સમસ્યાની છે અને વળી માણવાલાયક બની છે. વર્ષની નોંઘનીય વાર્તઓમાંની એક ચોક્કસપણે ગણી શકાય.

મારો દોસ્તાર (નીલેશ મુરાણી):

વ્હેમનું ઓસડ નથી. વ્યંજનામાં કહેવાયેલી વાર્તા.

નાયક વ્હેમીલો છે. જેની માનસિકતા વ્હેમભરી હોય એ તાર્કિક રીતે વિચારી શકતો નથી. સારું અને ખરાબ વચ્ચે એ ભેદ કરી શકતો નથી. આ બિમારીની કોઈ દવા પણ નથી.

પાત્રોનાં નામો વ્હેમ, ઉન્નતિ, સંયમ જેવા પ્રતિકાત્મક છે. આવા નામોના કારણે વાર્તા પ્રારંભથી જ ખૂલી જાય છે. આવા નામોને બદલે સામાન્ય નામો રખાયાં હોય તો વાર્તાનો અર્થ શું નીકળે એ વાર્તાકારે વિચારવું રહ્યું.     

એક ચૂંથીચવાયેલી વાર્તા (સુનીલ મેવાડા):

સંબંઘવિચ્છેદની પીડા.

નાયકે ઉષાને દિલ ફાડીને પ્રેમ કર્યો છે, બંને થોડોક સમય જોડે રહ્યાં છે, પણ એ સંબંઘ ઝાઝો ટક્યો નથી.  નાયક ઉષાને ફેરવિચાર કરવાની અરજ કરે છે પણ ઉષા એ સાંભળવાના મૂડમાં નથી.   

માઘ્યમ તરીકે ભાષા જોડે પ્રયોગ કરવાનો વાર્તાકારનો પ્રયાસ જોઈ શકાય છે.  આ પ્રયાસ આટલો દેખીતો ના હોત તો વાર્તા જરુર સારી બની હોત.

ધાનની ધૂળ અને અમરતનો રેલો (નીલેશ ગોહિલ):

મનની ગરીબી વિરુઘ્ઘ અમીરી.

સુખાને પરણાવ્યા બાદ તરત જ એના પિતાએ એને ઘરમાંથી જુદો કરી નાખે છે, એટલું જ નહીં, રળી ખાવા માટે જમીનનો એક બિનફળદ્રુપ ટુકડો કાઢી આપે છે. આટલું ઓછું હોય એમ સુખાની માતા નવી વહુને પોતે પહેરાવેલાં દાગીના પણ ઉતરાવી લે છે. સુખાને અને નવી નવી આવેલી વહુ મંજુને ઘણું વસમું લાગે છે.

આઘાત જેમતેમ પચાવીને સુખો અને મંજુ બાવળ કાપી ઝૂંપડું બાંઘે છે. સુખાને જમીનમાં શેરડી કરવી છે પણ રોકડા નાણાં સિવાય બિયારણ આપવાની સુખાના પિતા ના પાડી દે છે. મંજુ પોતાને માવતરે પહેરાવેલી કાનની એક બુટ્ટી સુખાને આપે છે. એ બુટ્ટી ગીરવે મૂકીને સુખો શેરડી વાવે છે. એની મહેનત રંગ લાવે છે, ઊગી નીકળેલી શેરડીનો રસ કાઢવા જોઈતાં સાધનો લાવવા મંજુ બીજી બુટટી પણ ગીરવે મૂકવા આપે છે.

એક તરફ સુખાના માતાપિતા એમના મનની દરિદ્રતા બતાવે છે અને બીજી તરફ રસ્તે આવતાંજતાં અજાણ્યા માણસોને પણ શેરડીનો રસ પીવડાવીને સુખો એના મનની શ્રીમંતાઈ બતાવે છે.

પેટનાં જણ્યા સાથે પણ જુદાઈ રાખનારાં માણસો સંસારમાં હોય છે. બીજી તરફ ઊપર આભ ને નીચે ઘરતી જેવી સ્થિતિમાં પણ હ્યદયની વિશાળતા જાળવી રાખનારાં માણસો પણ હોય છે.

તળપદી બોલીનો સરસ પ્રયોગ. સુખા અને મંજુ વચ્ચેની સમજણ હ્યદયસ્પર્શી.  સારી વાર્તા.

(દક્ષિણ ગુજરાતમાં એક અનુસૂચિત જનજાતિ કોમમાં લગ્ન પછી પુત્ર તરત જ જૂદું સ્વતંત્ર ઘર વસાવે એવો ઘારો જોવામાં આવ્યો છે. આમ કરવું એમની કોમમાં સહજ અને સ્વીકાર્ય છે.)   

ઓઝતને કાંઠે (તતિક્ષા રાવલિયા):

પૂરનાં પાણીમાં ફસાયેલા એક ગ્રામવાસી કિશોરની સંઘર્ષકથા.

રજૂઆત નાટ્યાત્મક છે.  ફિલ્મ જોતાં હોઈએ એવું રચનાત્મક વર્ણન. જો કે આ રચના વાર્તા નથી, એક પ્રસંગકથા છે.

મિસ કેરેલાઈનના કુજુર (રવિ પટનાયકની મૂળ ઉડિયા ભાષાની વાર્તા, અનુઃ સંજય છેલ):

શહેરથી દૂર ગ્રામ્ય વિસ્તારમાં કથકની કાર ખોટકાય છે.  મદદ મેળવવા ડ્રાયવર કોઈ વાહનમાં લિફ્ટ લઈને શહેર તરફ જાય છે. એની રાહ જોતાં કથકને એક વિચિત્ર અનુભવ થાય છે.

એક વૃધ્ધ સ્ત્રી એને પોતાને ઘેર લઈ જઈ ચાપાણી કરાવે છે. આ સ્ત્રી નિવૃત્ત વેશ્યા છે. પુરુષોએ એની સાથે કરેલા દુર્વ્યવહારની વ્યથાકથા એ કથકને સંભળાવે છે. એ સ્ત્રીની કથની સાંભળી કથકને ભારે આઘાત લાગે છે. એ ત્યાંથી ભાગી છૂટે છે.

આ સ્ત્રી ખ્રિસ્તી ધર્મની છે. એની સાથે દુર્વ્યવહાર પુરુષોએ કર્યો અને ચર્ચના પાદરી એ સ્ત્રીને જ પ્રાયશ્ચિત કરવાનું કહે છે!  ઘર્મના ઠેકેદારોની ચાલાકી વિશે વાર્તાકાર અહીં એક મહત્વનું વિઘાન કરે છે.   

હોટલ આત્મહત્યા (આન્દ્રે મોરેયની મૂળ વાર્તા “સ્યુસાઈડ હોટેલ”, અનુ યામિની પટેલ):

જીન મોનીઅરને શેરબજારમાં મોટું આર્થિક નુકસાન થાય છે. ખૂબ હતાશ થઈ ગયેલા જીનને ન્યુ મેકસિકોથી યમરાજ પેલેસ હોટલના મેનેજરનો પત્ર મળે છે.  ફક્ત ત્રણસો ડોલરમાં જીવનથી છૂટકારો મેળવવાની એમની પાસે સ્કીમ છે એવું એમાં લખ્યું છે. જીન મોનીઅરને રસ પડે છે. એ સ્થળે જઈને પોતાની બચેલા ડોલર ત્યાં જમા કરાવીને એ લોકોની સ્કીમમાં દાખલ થાય છે.

એ હોટલમાં એની જેમ જ મૃત્યુ વહાલું કરવા આવેલી કર્બી શો નામની એક સુંદર મહિલા જોડે એનો પરિચય થાય છે. હવે એને જીવન જીવવા જેવું લાગવા માંડે છે.

શું એ આત્મહત્યાની સ્કીમમાંથી બહાર નીકળી શકે છે? પેલી રુપાળી કર્બી હકીકતમાં કોણ હતી? અંતની ચમત્કૃતિ વાર્તાને મજેદાર બનાવે છે.  

ચીતરેલી વહુ (રે બ્રેડબરીની મૂળ અંગ્રેજી વાર્તા “ઘી ઈલેસ્ટ્રેટેડ વુમન”, અનુઃ યશવંત મહેતા):

ચારસો રતલ વજનની એક સ્થૂળકાય મહિલા સાયકેટ્રિસ્ટ પાસે જાય છે. એને ડર છે કે એનો પતિ જે છૂંદણાનો કળાકાર છે તે એને છોડીને બીજાં લગ્ન કરશે કેમ કે હવે એના શરીર પર નવા  છૂંદણા છૂંદાવવાની જગ્યા જ બચી નથી. 

ડોકટર જુએ છે કે એના શરીર પર એક પણ છૂંદણુ નથી. સ્થૂળ મહિલાને લાગે છે કે ડોકટરે છૂંદણા હટાવી દઈને એનું લગ્નજીવન બચાવી લીધું છે. એના પતિને પણ લાગે છે કે ડોકટરે જાદુ કર્યો છે.

પતિ-પત્ની બેમાંથી કોને વ્હેમ છે? રહસ્યમયી અજબગજબ વાર્તા.

--કિશોર પટેલ, 19-07-23 08:57

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

   

Thursday 13 July 2023

પરબ જૂન ૨૦૨૩ અંકની વાર્તા વિષે નોંધ


પરબ જૂન ૨૦૨૩ અંકની વાર્તા વિષે નોંધ

(૨૪૪ શબ્દો)

કેમ્પ (ગિરિમા ઘારેખાન):

યુદ્ધની ગંભીર અસરો અંગેની વાર્તા.

રશિયા-યુક્રેન વચ્ચેના હાલ ખેલાતા યુદ્ધની પૃષ્ઠભૂમિ પર લખાયેલી વાર્તા. પાડોશના દેશોમાં શરણાર્થી કેમ્પમાં રહેતાં યુક્રેનના ગ્રામજનોને સૂચના મળે છે કે યુદ્ધ હવે સમાપ્ત થઇ ગયું છે અને સહુ યુક્રેનવાસીઓ પોતપોતાને ગામડે પાછા ફરી શકે છે, પણ હા, પહેલાં સરહદ પરના કેમ્પમાં થોડોક સમય સહુએ રોકાવું પડશે

શરણાર્થીઓ બસમાં બેસી પોતાના વતનની વાટ પકડે છે. રસ્તે બસની બારીમાંથી એમને યુધ્ધમાં થયેલી ખાનાખરાબીના ભીષણ દ્રશ્યો જોવા મળે છે. એક પરિવારની સ્ત્રી દ્રશ્યો જોઇને રડી પડે છે. એનો દીકરો પૂછે છે, “મા, તું કેમ રડે છે? તેં તો કહ્યું ને કે લડાઈ તો પૂરી થઈ ગઈ છે!”

માતા કહે છે, “લડાઈ ભલે પૂરી થઈ ગઈ, આપણું યુદ્ધ તો હવે ચાલુ થશે!”

કરુણાંતિકા છે કે જે સ્ત્રીઓના પતિઓ-પુત્રો લડાઈમાં ખપી ગયાં હોય એમનાં માટે તો યુદ્ધ ચાલુ રહેવાનું છે!

રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ જો કે હજી સમાપ્ત થયું નથી પણ વાર્તાકારે કલ્પના કરી છે કે યુદ્ધ સમાપ્ત થઈ ગયા પછી અસરગ્રસ્ત કુટુંબોની સ્થિતિ શું હશે.    

વાર્તામાં શરણાર્થીઓની શિબિરનું વાતાવરણ તેમ જ ત્યાં રહેતાં બાળકો અને સ્ત્રીઓની માનસિક સ્થિતિનું સરસ આલેખન થયું છે. વિદેશની ભૂમિ પર ખેલાતાં યુદ્ધની સ્થિતિનું આલેખન આપણી ભાષાની વાર્તામાં થયું છે એક મહત્વની ઘટના ગણાવી જોઈએ.

--કિશોર પટેલ, 14-07-23 08:51

###

Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###