Thursday 30 June 2022

નવનીત સમર્પણ જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૧૦ શબ્દો)

હિસાબનું છેલ્લું પાનું (પ્રવીણસિંહ ચાવડા):

સિધ્ધાંતવાદી અને પ્રમાણિક માણસો જયારે કશુંક અઘટિત બને ત્યારે સૌથી પહેલાં પોતાની ભૂલ ક્યાં થઈ છે તેની તપાસ કરતાં હોય છે. પોતાની ભૂલ થઈ છે એવું જણાય ત્યારે સંબંધિત પક્ષની માફી માંગીને પોતાની ભૂલ સુધારી લેતાં હોય છે. વાર્તાનો નાયક એક નિવૃત્ત શિક્ષક છે. સીધે રસ્તે ચાલવું અને કોઈનું કશું બાકી રાખવું નહીં એવા ટેકીલા માણસ છે.

હરિભાઈ નામના એક મિત્રએ બેન્કમાંથી ધંધા માટે લોન લીધી ત્યારે નાયક એના ગેરેન્ટર રહેલા. મિત્રએ લોનના હપ્તા સમયસર ભર્યા નહીં હોય એટલે બેન્કના મેનેજર અને વકીલ નાયક પાસે તકાદો કરવા આવે છે. ગેરેન્ટર તરીકે નાયક પોતાની જવાબદારી સમજે છે. એ બેન્કવાળાને ખાતરી આપે છે કે જરૂર પડયે પોતે ઘરબાર વેચીને પણ બેન્કનું દેવું ચૂકવી આપશે.

બેન્કનું દેવું ચૂકતે કરીને હરિભાઈ બેન્કનું પ્રકરણ તો સમાપ્ત કરે છે પણ છતાં નાયક બેચેન છે. એને થાય છે કે હિસાબ ક્યાંક બાકી રહી ગયો છે. બેન્કવાળા પૂછપરછ માટે ઘેર આવેલા ત્યારે એમની જોડે પોતે કડક વર્તન કરેલું તે યાદ કરીને નાયક અસ્વસ્થ થાય છે. જૂતાં પહેરીને ઘરમાં આવી ગયેલા એક જણને અને ગલોફામાં તંબાકુવાળું પાન ભરીને ઘરમાં આવેલા બીજા માણસને નાયકે ત્યારે જ ખખડાવેલા અને તેમની પાસે ભૂલ સુધારાવેલી. એમની જોડે આવેલી વકીલની કોલેજ-કન્યા બહેને એમને પૂછયા વિના એમના પુસ્તકોના કબાટમાંથી પુસ્તક જોવા લીધેલું એટલે પોતે એને ઠપકો આપેલો તે વાત નાયકને યાદ આવે છે. છેવટે નાયકને ખ્યાલ આવે આવે છે કે હિસાબ અહીંયા જ બાકી રહી ગયો છે. એ યુવતી તો નિર્દોષ હતી, જિજ્ઞાસુ વાચક હતી. તરત જ નાયક પેલું પુસ્તક એ વિદ્યાર્થીનીને પહોંચાડવાની તજવીજ કરે છે. વાર્તાનું શીર્ષક યથાર્થ છે. હિસાબનું છેલ્લું પાનું એટલે, હિસાબ બરાબર કરવો, કોઈનું કશું બાકી રાખવું નહીં.

આ વાર્તાકારની વાર્તાઓમાં કથકની શૈલી હંમેશા એક સમાન હોય છે, ટૂંકા વાક્યો, બહુધા કર્તા વિનાનાં, વચ્ચે વચ્ચે જીવનદર્શન, ચિંતનમનન, માનવસ્વભાવના સૂક્ષ્મ નિરીક્ષણો ઈત્યાદી.       

હશે તો ખરાં જ એ ક્યાંક (હિમાંશી શેલત):

આ કૃતિ વાર્તા ઓછી અને નિબંધ વધુ જણાય છે. સમય સાથે માણસની બદલાયેલી સંવેદનશીલતાની વાત થઈ છે. મૃત પામેલાં પરિચિતનાં સ્વજનો પાસે જઈને ખરખરો કરી શકાય છે, મૃત નદીનો ખરખરો એના કાંઠે ઊભેલાં અસહાય વૃક્ષો પાસે કરી શકાય છે પણ મૃત શહેરનો ખરખરો ક્યાં જઈને કરવો? ક્યાં હશે એ મૃત શહેરના સ્વજનો? ક્થકને એવી લાગણી થાય છે કે હશે તો ખરાં જ એ ક્યાંક. 

બાઈમા’ણા (રાઘવજી માધડ):

આપણા ગામડાંઓમાં પંચાયતની ચૂંટણીઓમાં સરપંચની બેઠક હમણાં હમણાં સ્ત્રીઓ માટે અનામત રાખવાની પ્રથા શરુ થઈ છે. આની પાછળ સ્ત્રીઓ પ્રગતિ કરે, જાહેર જીવનમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ વધે, સ્ત્રીઓની સમસ્યા પ્રત્યે સમાજ જાગૃત થાય, સ્ત્રીઓ સમાજમાં પોતાનું યોગદાન આપી શકે એવો ઉદ્દાત હેતુ રહેલો છે. પણ વાસ્તવમાં જોવામાં આવ્યું છે કે સરપંચના હોદ્દા પર સ્ત્રી ભલે હોય, સર્વ કારભાર તો પત્નીના નામથી એનો પતિ જ કરતો હોય છે. ઘણું કરીને ભૂતપૂર્વ પુરુષ સરપંચ પોતાની પત્નીને ઉમેદવાર બનાવીને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભી કરે છે અને પત્ની સરપંચ બને પછી પોતે જ કારભાર ચલાવે છે.

પ્રસ્તુત વાર્તામાં અસલ આ જ સિનારિયો છે. પાર્વતી સરપંચ છે પણ એનો પતિ ગોરધન બધો કારભાર કરે છે. એ પત્નીનું માન જાળવતો નથી. પાર્વતી કશુંક પૂછે કે જાણવા માંગે ત્યારે એનો અહમ ઘવાય છે. પત્ની પાસે મારે ખુલાસો કરવાનો?

સરપંચ બન્યા પછી, ગોરધાનના અન્યાયી વર્તનથી પાર્વતીનું આત્મસન્માન ઘવાયું છે, આળસ મરડીને બેઠું થયું છે, જાગૃત થયું છે. વાર્તાનો અંત સૂચક છે. ગોરધનને કશુંક પૂછવાને બદલે પાર્વતી એને જાણ કરે છે: “હું પંચાયત ઓફિસે જાઉં છું.”  અર્થાત, સરપંચ હું છું અને મારા હોદ્દાના હક્કો ભોગવવા, એ હોદ્દાની ફરજો બજાવવા, એ હોદ્દાની ગરિમા જાળવી રાખવા હું કટિબદ્ધ છું.

સરસ વાર્તા.

--કિશોર પટેલ, 01-07-22; 08:45

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

      

Sunday 26 June 2022

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ જૂન ૨૦૨૨


 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ જૂન ૨૦૨૨

(૫૨૧ શબ્દો)

બાલભારતી વાર્તાવંત આયોજિત છેલ્લું વાર્તાપઠન બાલભારતી ખાતે એપ્રિલ ૨૦૨૨ માં થયું હતું. એ પછીના એટલે કે મે ૨૦૨૨ મહિનાના છેલ્લા શનિ-રવિમાં રાજુ પટેલ સંચાલિત વાર્તાશિબિરનું આયોજન થયું હતું એ પછી એટલે કે બે મહિને ફરી એક વાર વાર્તાપઠનનો રંગારંગ કાર્યક્રમ પરમ દિવસે એટલે કે શનિવાર તા.૨૫ જૂન ૨૦૨૨ ની  સાંજે અહીં  થઈ ગયો.

આ વખતે કાર્યક્રમનું સંચાલન કર્યું યુવા વાર્તાકાર સેજલ શાહે. કાર્યક્રમની ભૂમિકા બાંધતાં એમણે કહ્યું કે ટૂંકી વાર્તામાં ગદ્ય તો છે જ અને છતાં પદ્ય પણ છે. ટૂંકી વાર્તા આત્મકથા પણ છે અને નથી. એમણે કહ્યું કે આપણે ત્યાં ટૂંકી વાર્તાક્ષેત્રે સતત પ્રયોગો થતાં આવ્યાં છે. એમણે જયંત ખત્રી, મધુ રાય અને લાભશંકર ઠાકર જેવા પ્રયોગશીલ લેખકોને યાદ કર્યા.

સહુ પ્રથમ વાર્તા રજૂ કરી જાણીતા ફિલ્મપત્રકાર શ્રીકાંત ગૌતમે. વાર્તાનું શીર્ષક હતું: “અનન્યા અને શેક્સપિયર”

વાર્તાની નાયિકાનું વ્યક્તિત્વ એના નામ પ્રમાણે અનન્ય છે. શેક્સપિયરની જાણીતી ઉક્તિ “નામમાં શું છે?” ને ખોટી સાબિત કરવા એ બધી જ બાબતોમાં પોતાનું અનન્યપણું સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહે છે. એક દિવસ એ શેક્સપિયરને આહવાન આપે છે કે નામમાં ઘણું બધું છે, આ વાત હું મારું નામ બદલીને મારા પોતાનામાં પરિવર્તન લાવીને સાબિત કરી આપીશ.

આ વાર્તાની રજૂઆતમાં નાવીન્ય એ કે અજરામર નાટયલેખક શેક્સપિયર એક પાત્ર તરીકે સદેહે હાજર થાય છે! રોમાંચક કલ્પના! સરસ રજૂઆત.

બીજી વાર્તા રજૂ કરી લેખિની સંસ્થાના અગ્રણી વાર્તાકાર મીનાક્ષી વખારિયાએ. વાર્તાનું શીર્ષક હતું: “ઈચ લીબે ડીચ”

જર્મન ભાષાની આ ઉક્તિનો અર્થ થાય છે: આઈ લવ યુ.

ઈચ લીબે ડીચ શીર્ષકની આ વાર્તા એટલે જર્મનીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગલા પડયા ત્યારે ફાટી નીકળેલા યુદ્ધની પાર્શ્વભૂમિમાં પાંગરેલી એક માસૂમ પ્રણયકથા. ધીરગંભીર રજૂઆત.

આ વાર્તામાં નાવીન્ય એ કે આમાં તદ્દન જુદા પરિવેશની વાત થઇ છે. બાલભારતીમાં નવેક મહિનાથી શરુ થયેલા આ ઉપક્રમમાં યુદ્ધની પાર્શ્વભૂમિકા હોય એવી આ પહેલી જ વાર્તા આવી.  

કોફીબ્રેક પછી ત્રીજી વાર્તા રજૂ કરી જાણીતા પત્રકાર દીપક સોલિયાએ. વાર્તાનું શીર્ષક હતું: “મમ્મીઓ અને સ્કુટરો”

વાર્તામાં બે પાત્રો છે: પતિ અને પત્ની. આ દંપતી વચ્ચે મીઠો પ્રણયકલહ જામ્યો છે. પત્ની પતિ પર આરોપ મૂકે છે કે એ સહેજ પણ સંવેદનશીલ નથી. પત્નીની માતાના મૃત્યુ જેવા કરુણ પ્રસંગે પણ એની આંખમાંથી એકાદ આંસુ પણ ટપકતું નથી. પતિ પોતાના બચાવમાં એક પ્રસંગનું વર્ણન કરે છે જે દરમિયાન જાહેર સ્થળમાં એ રડી પડયો હતો. છાપામાં આવેલી એક જાહેરાત “બજાજ સ્કૂટરનું પ્રોડક્શન હવે બંધ થશે” વાંચીને એ રડયો હતો. ભાઈ દીપક સોલિયાએ નાયકના રડવાના કરુણ પ્રસંગને રમતિયાળ શૈલીમાં રજૂ કરીને શ્રોતાઓને ખૂબ હસાવ્યા.

ચોથી વાર્તા રજૂ કરી સભાના સંચાલક સેજલ શાહે પોતે. વાર્તાનું શીર્ષક હતું: મોબાઈલ.

એક ઓફિસમાં વાર્તાનો નાયક ભેટમાં મળેલા નવા મોબાઈલના માધ્યમથી ઓફિસમાં કોઈને ભાવ ના આપતી સ્ત્રી કર્મચારીને ભાવ આપે છે, એટલે કે એને પટાવવાનો પ્રયાસ કરે છે. વાર્તામાં એક પરિણીત પુરુષના હવાતિયાં પ્રતિ કટાક્ષ થયો છે. પ્રવાહી અને પ્રભાવી રજૂઆત.

નવોદિતોની વાર્તાઓનું વિવેચન કરવાની પરંપરાનું આ વખતે ખંડન થયું કારણ કે ચાર વાર્તાકારોમાં એક પણ વાર્તાકાર નવોદિત ન હતા! આમ જોઈએ તો વિવેચન તો જાણીતા અને સિદ્ધ વાર્તાકારોની વાર્તાઓનું પણ થવું જોઈએ. જો કે એ અલગ ચર્ચાનો વિષય છે.

કાર્યક્રમના આરંભમાં બાલભારતીના ટ્રસ્ટી અને વાર્તાવંતના મોભી ભાઈશ્રી હેમાંગ તન્નાએ બાલભારતીના અન્ય ઉપક્રમ બાલભારતી નાટયશાળા વિષે જાણકારી આપતાં કહ્યું કે અઢીત્રણ વર્ષ પહેલાં શરુ થયેલી આ નાટયશાળા બહુ જલ્દી નાટયપ્રયોગોમાં સોનો આંકડો પાર કરશે.  બાલભારતી નાટયશાળાને શુભેચ્છાઓ!

કિશોર પટેલ, 27-06-22; 09:45

###

 

Saturday 25 June 2022

ના પાડતા શીખો


 

ના પાડતા શીખો

સબ-ટાઇટલ: તેરી નાની મરી તો મૈ ક્યા કરું?  

છાપાં /સામયિકોનું આર્થિક ગણિત શું હોય છે?

આઠ/દસ/બાર પાનાંનું છાપું અને ચાલીસ/ચુમ્માલીસ પાનાના સામયિકના દરેક પાનાનું એક મૂલ્ય હોય છે. એમાં પ્રગટ થતી જાહેરખબરનું વ્યાવસાયિક મૂલ્ય હોય છે જે વિજ્ઞાપન કર્તા તરફથી વસૂલ કરવામાં આવે છે. કારણ કે છાપું/ સામયિક પ્રકાશિત કરવામાં ખર્ચ થયો હોય છે. છાપખાનાનો ખર્ચ મુખ્ય છે. એ પછી છાપું/સામયિક ગ્રાહક/વાચક સુધી પહોંચાડનાર ટપાલ/કુરિયરનો ખર્ચ.

પરંતુ આ પહેલાં છાપામાં/સામયિકમાં જે સામગ્રી પૂરી પાડે છે એ પત્રકાર/લેખકના મહેનતાણાનું શું? છાપામાં નોકરી કરતા પત્રકારોને બાંધેલો પગાર મળતો હોય છે પણ છૂટક લેખો/ કવિતા/વાર્તાઓ લખી આપનારા લેખકોનું શું? એમને પુરસ્કાર મળે છે ખરો?   

“તમારી કૃતિ પ્રગટ કરી એને જ અમારા તરફથી પુરસ્કાર સમજો.” એવું કેટલાંક છાપાંઓ / સામયિકો કહે છે.

કેટલાંક છાપાં / સામયિક કહે છે કે અમારું નામ જુઓ, અમારો ઈતિહાસ જુઓ. અમારી પરંપરા જુઓ. તમારી કૃતિ અમે પ્રગટ કરી એ શું નાની વાત છે? 

મિત્રો, એટલું સમજો કે ઈતિહાસ, પરંપરા, પ્રતિષ્ઠા અને સાંસ્કૃતિક વારસાના નામે તમારું શોષણ થઈ રહ્યું છે. આ લોકોને ના પાડતાં શીખો. એવા ઐતિહાસિક કે ભવ્ય પરંપરા ધરાવતાં છાપાં / સામયિકમાં તમારી કૃતિ પ્રગટ ના થાય તો તમારે કશું જ ગુમાવવાનું નથી સિવાય કે તમારું ભોળપણ. 

કેટલાંક સામયિકો આર્થિક સંકડામણનું કારણ આપીને કવિ/લેખકના પુરસ્કાર આપતાં નથી. આ મને સમજાતું નથી. લેખક પાસે દાનધર્મની અપેક્ષા કોઈએ શા માટે રાખવી જોઈએ?

દાનધર્મની વિચારધારા જ મૂળમાં શંકાસ્પદ છે. કોઈએ સ્વનિર્ભર બનતાં શીખવવાને બદલે આશ્રિત બનાવી રાખવાની પેરવી છે. સમાજના એક વર્ગને કાયમ ભિક્ષુક બનાવી રાખવાનું ષડ્યંત્ર છે.

દાનધર્મથી દૂર રહો. એવું સામયિક જીવે કે મરે, કોઈને ફરક પડવાનો નથી. દુનિયામાં નથી ધરતીકંપ આવવાનો કે નથી કે નથી દાવાનળ સળગી ઊઠવાનો. 

જે લોકો એક સામયિક શરુ કરે છે અથવા બંધ પડેલું સામયિક પુનર્જીવિત કરે છે  તેમણે સૌપ્રથમ ખર્ચનું અંદાજપત્ર બનાવવું જોઈએ. અંદાજપત્રમાં કવિ/વાર્તાકારના પુરસ્કાર ને એ લોકો અવગણે છે એનો અર્થ એવો જ થાય છે કે એ લોકો કવિ/વાર્તાકારને તુચ્છ, નિર્બળ, લાચાર, ક્ષુદ્ર સમજે છે, એને જંતુ સમજે છે. જે કવિ/લેખક રાતના ઉજાગરા કરીને, લોહી-પાણી એક કરીને સર્જન કરે છે એને એ લોકો ગરીબની જોરુ સમજે છે.

વારુ, ગુજરાતી છાપાં/સામયિકોમાં પુરસ્કાર કેટલોક અપાય છે? વાર્તાઓનો પુરસ્કાર શું હોય છે? આજે સ્થિતિ એવી છે કે એ પુરસ્કારમાંથી વાર્તાકાર પોતાની ફેમિલીને સારી હોટલમાં ડીનર માટે પણ લઇ જઈ શકતો નથી!

માન્યું કે પુરસ્કારમાંથી કોઈ પોતાનું ઘર ચલાવવાની અપેક્ષા રાખી ના શકે. પણ કંઇક વ્યાજબી રકમ તો મળવી જોઈએ કે નહીં?

છાપાંઓ સારો પુરસ્કાર આપી શકે છે પણ તેઓ એવો પુરસ્કાર આપતાં નથી. એમની દાનત ખોરી હોય છે. પુસ્તક છાપ્યાં ને વેચ્યાં પછી કોઈ પ્રકાશક પણ ક્યારેય હિસાબ આપતો નથી.  કવિ/વાર્તાકારોને અપાતો પુરસ્કાર જે તે સામયિક કેવો વ્યવસાય કરે છે, કેટલી કમાણી કરે છે એની પર આધાર રાખે છે. ચિત્રલેખા કે અભિયાન જેવા ન્યુઝમેગેઝિનમાં વાર્તા પ્રગટ થાય તો “સારો” પુરસ્કાર મળે છે. સાહિત્યિક સામયિકો “સામાન્ય”  પુરસ્કાર આપે છે. ભલે ચણા-મમરા જેવો કહેવાય, પણ આપે છે ખરા. એનું કારણ એ છે કે આ સાહિત્યિક સામયિકો ધંધાની રીતરસમથી સામયિક ચાલતાં નથી. એક સામાન્ય નિયમ એવો છે કે કોઈ છાપું કે સામયિક ગ્રાહકોના લવાજમની આવકથી ચાલતું નથી, છાપું/સામયિક ચાલે છે જાહેરખબરોની આવકથી.

છાપાંમાં જાહેરખબરો પુષ્કળ મળતી હોય છે પણ એમાં સાહિત્યને એટલું સ્થાન જ મળતું નથી. જે કંઈ સાહિત્ય છપાય એને પુરસ્કાર ભાગ્યે જ અપાય છે. “છાપ્યું એ જ મોટી વાત છે!” એવો એમનો રુવાબ હોય છે. મોટાં નામોની વાત જુદી છે, આપણે સામાન્ય લેખકોની વાત કરીએ છીએ.

સાહિત્યિક સામયિકો વ્યવસાયિકો અને જાહેરખબરદાતાઓને આકર્ષી શકતાં નથી કારણ કે એમના સર્ક્યુલેશનના આંકડા કહેવા જેવા હોતાં નથી. આપણે ત્યાં કેટલાંક સામયિકોને સરકારી ગ્રાન્ટ મળે છે, એમને જાહેરખબર છાપવાની જરૂર નથી. જે સામયિકો ટ્રસ્ટના છે તેઓ પણ જાહેરખબરો અંગે ઉદાસીન જણાય છે.

આવક-જાવકના છેડા મળતાં ના હોય તો પહેલો કાપ પુરસ્કાર પર પડે છે.

આ અટકવું જોઈએ. કવિ/વાર્તાકારને પુરસ્કાર મળવો જોઈએ. જે સામયિકના અંદાજપત્રમાં સર્જકોના પુરસ્કારનો પ્રબંધ નથી તે સામયિક કાલે બંધ પડવાનું હોય તો ભલે આજે જ બંધ પડી જાય.

સર્જકને પુરસ્કાર મળવો જ જોઈએ. એમાં બાંધછોડને અવકાશ નથી.

કોઈ લેખક ચેક પાછો વાળે કે સ્વેચ્છાએ પુરસ્કાર સ્વીકારવાની ના પાડે ત્યારે એક સામયિકના તંત્રી/સંપાદક મહાશય તો તંત્રીલેખમાં પેલા લેખકનું ગૌરવ કરે છે. એ તંત્રીશ્રીને ખબર નથી પડતી કે પેલો લેખકડો એમનું અપમાન કરે છે, ‘મને પુરસ્કાર આપવાની તમારામાં ઔકાત નથી.” એવું કહીને એ તંત્રીને ઉતારી પાડે છે.

આ વિષચક્રનો ઉપાય શું છે?

કળાને ઉત્તેજન અને પ્રોત્સાહન આપવાની જવાબદારી રાજ્યની છે. પહેલાંના સમયમાં રાજા-મહારાજાઓ કલાકારોને પોષતાં, આજે આ જવાબદારી શ્રેષ્ઠીઓની છે, મોટા બિઝનેસ હાઉસની છે, કોર્પોરેટ કંપનીઓની છે. સાહિત્યિક સામયિકોએ એમની પાસે જવું જોઈએ, એમની સામે ખોળો પાથરવો જોઈએ.   

કવિ / વાર્તાકાર મિત્રો,

જાગૃત થાઓ, લેખનકળામાં જેટલી બુદ્ધિ વાપરો છો એટલી જ બુદ્ધિ વ્યવહારમાં પણ વાપરો. વ્યવહારમાં ભાવનાબેન કે  લાગણીકુમારીને કોરાણે મૂકો.

કવિ/વાર્તાકાર મિત્રોને મારી વિનંતી છે કે જે છાપું/સામયિક પુરસ્કાર આપવાની ના પાડે છે એમને કોઈએ પોતાની કૃતિ આપવી નહીં.

વાર્તાના સ્વીકાર-અસ્વીકારનો ઉત્તર આપતાં પહેલાં જ પુરસ્કાર આપવાની અસમર્થતા સખેદ જાહેર કરનાર એક સામયિકને ગઈ કાલે જ મેં મારી વાર્તા પ્રસિદ્ધ કરવાની સવિનય ના પાડી છે.

સિમ્પલ, તેરી નાની મરી તો મૈ ક્યા કરું?

કિશોર પટેલ, શનિવાર, 25 જૂન 2022; 10:53

###

(છબી સૌજન્ય: ગુગલ ઈમેજીસ)

Sunday 19 June 2022

વારેવા એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

વારેવા એપ્રિલ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૭૩૬ શબ્દો)

મીન્ની (જયંત રાઠોડ):

સંબંધોમાં મહત્તા ઘટી જાય ત્યારે જે તે વ્યક્તિને આઘાત લાગતો હોય છે. પ્રથમ સ્ત્રી એકવચનમાં કહેવાયેલી આ વાર્તામાં નાયિકા બબ્બે મોરચે આઘાત અનુભવે છે. ઘેર માતા જોડેના સંબંધમાં એની જગ્યા બિલાડીના એક બચ્ચાએ લઈ લીધી છે. આ ઉપરાંત અંગત મિત્રવર્તુળમાં ફેની, અગ્નેશ અને ફિરદોશ એમ ત્રણમાંથી પણ એણે કોઈ એક જણના હાથે એણે પરાજયનો સ્વાદ ચાખ્યો છે. વધારામાં દુઃખની વાત એ છે કે આના પ્રતિભાવમાં નાયિકા કશું કરી શકતી નથી. ઘરના મોરચે એ બિલાડીના બચ્ચાને ઘરમાંથી બહાર ફેંકી શકતી નથી અને મિત્રવર્તુળમાં તો એનો કદાચ સંપૂર્ણ પરાભવ થયો હોય એવું જણાય છે. અસરકારક રજૂઆત.    

આગંતુક (કલ્પેશ પટેલ):

સમય અને સંજોગો પ્રમાણે માણસ પોતાની યોજના બદલતો હોય છે. નિવૃત્તિના આરે ઊભેલા નાયકની ઈચ્છા છે કે નિવૃત્તિ પછી વતનના ગામડે રહેવું. નિવૃત્તિના બેએક મહિના પહેલાં ગામની ઔપચારિક મુલાકાતમાં ગામલોકો અને સ્વજનો એને એક આગંતુક એટલે કે મહેમાનની જેમ જુએ છે. પરિણામે નાયક  પોતાની યોજના બદલી નાખે છે. પ્રવાહી રજૂઆત.

હું કંઇક તો ભૂલું છું (બાદલ પંચાલ):

વ્યંજનાપૂર્ણ વાર્તા.

કશુંક ભૂલી ગયાનું વળગણ ધરાવતા માણસની વાત. આપણે ત્યાં માનસિક અસ્વસ્થતા વિષે જોઈએ એટલી જાગૃતિ નથી. માનસિક સારવારની જરૂર હોય એવા અસંખ્ય દર્દીઓ સમાજમાં વિના રોકટોક હરતાંફરતાં હોય છે. આપણી કુટુંબવ્યવસ્થામાં અને સમાજવ્યવસ્થામાં એવા અનેક દરદીઓ સચવાઈ જતાં હોય છે.

વાર્તામાંનો નાયક મરી ગયો હતો અર્થાત, એ જીવવાનું જ ભૂલી ગયો હતો! આ વાર્તાની વ્યંજના સમજવા જેવી છે. આપણામાંના કેટલાં બધાં લોકો જીવન જીવવાનું, માણવાનું જ ભૂલી જાય છે અને યાંત્રિક રીતે જીવ્યે જાય છે! વાર્તામાંના નાયકની જેમ પોતાની કૌટુંબિક અને સામાજિક ફરજો પૂરી કરવા દિવસભર હડિયાપાટી કરીને માણસ રાત્રે બેહોશ થઈને ઊંઘી જાય છે, સવારે ઊઠીને યાંત્રિક રીતે ફરીથી દોડાદોડ કરવા લાગી જાય છે, બધું કરે છે પણ એ જીવતો નથી!

સરસ વાર્તા, સરસ રજૂઆત!   

પ્રેમને ખાતર (સ્વાતિ જસ્મા ઠાકોર):

એક અસામાન્ય પ્રેમકથા. કોલેજમાં અબીલા નામની એક અસામાન્ય જણાતી સહાધ્યાયી તરફ નાયક આકર્ષાય છે પણ અબીલા એને દાદ આપતી નથી. બંનેના રસ્તાઓ જુદા છે. આગળ ચાલીને નાયક રાજકીય દ્રષ્ટિએ ચોક્કસ વિચારસરણી ધરાવતો થાય છે ત્યારે  અબીલા એને ફરીથી મળે છે. હવે બંનેના રસ્તા એક થયાં છે પણ અબીલાનું માનવું છે કે પ્રેમ તો કેવળ સ્વતંત્ર દેશમાં જ થઈ શકે. એના અભિપ્રાય પ્રમાણે ભારત દેશ હજી સ્વતંત્ર થયો નથી. નાયક એની વાત સમજે છે. દેશ સ્વતંત્ર થાય ત્યાં એ અબીલાની સુધી રાહ જોવા તૈયાર છે.

આ વાર્તા એક અસામાન્ય પ્રેમકથા છે કારણ કે અહીં પ્રેમીઓ એકમેકના બાહ્ય દેખાવથી નહીં પણ આંતરિક સૌંદર્યથી એકબીજા પ્રત્યે આકર્ષાયાં છે. એમ છતાં નાયિકાની પોતાની જાત સાથેની સ્પષ્ટતા જુઓ, એ કહે છે કે “આપણે પ્રેમમાં સમય વેડફી નહીં શકીએ, આપણો દેશ હજી આઝાદ થયો નથી.”

સ્વતંત્ર રાજકીય વિચારધારા ધરાવતી એક નાયિકાનું પાત્રાલેખન વાર્તાને રસપૂર્ણ બનાવે છે. વાર્તામાં અગત્યનું સામાજિક-રાજકીય વિધાન થયું છે. ચળવળકર્તાઓ આ વાર્તામાંથી મઝાનું શેરી નાટક (સ્ટ્રીટ પ્લે) બનાવી શકે.

સરસ વાર્તા, સરસ રજૂઆત!

અનુવાદિત વાર્તાઓ

લિપસ્ટિક (હિન્દી વાર્તા: નીલા પ્રસાદ, અનુવાદ: નેહા રાવલ) શહેરમાં કામ કરતી સ્ત્રીઓની માનસિકતાની વાત. બાહ્ય દેખાવ પરથી માણસનું મૂલ્યાંકન કરવાની એક માનસિકતા દરેક શહેરના લોકોમાં કામ કરતી હોય છે. બિહારથી દિલ્હીમાં બદલી થઈને આવેલી નાયિકાનું નિરીક્ષણ છે કે દિલ્હીમાં દરેક સ્ત્રી સૌંદર્યપ્રસાધનમાં ઓછામાં ઓછું લિપસ્ટિક તો લગાવે જ છે. નાયિકાને પોતાને હોઠો પર લિપસ્ટિક લગાવવી પસંદ નથી. સહુ એને જુદી જ નજરે જુએ છે. નાયિકાને પ્રશ્ન મૂંઝવે છે: અન્યો જેવા દેખાઈને ટોળામાં ભળી જવું કે જુદાં પડીને સ્વતંત્ર ઓળખ બનાવવી?   

સરસ વિષય, સરસ રજૂઆત.   

મારું ઘર ક્યાં? (મૂળ તેલુગુ વાર્તા, લેખક: મુકુંદ રામારાવ, અંગ્રેજી અનુવાદ: ડી.એસ. રાઓ, ગુજરાતી અનુવાદ: રાકેશ પટેલ): પોતાને તેમ જ કુટુંબના અન્ય સભ્યોને મુસીબતમાં મૂકી દેતાં નબળી યાદશક્તિની બીમારીથી પીડાતા એક વૃદ્ધની વાત.

ઓટણ (મૂળ પોલીશ વાર્તા, લેખક: ઓલ્ગા તોકરઝૂક, અંગ્રેજી  અનુવાદ: જેનીફર ક્રોફટ, ગુજરાતી અનુવાદ: વારેવા ટોળી): પત્નીના મૃત્યુ પછી એકલા પડી ગયેલા એક વયસ્ક આદમીની અસ્વસ્થ માનસિક સ્થિતિનું આલેખન. 

દિલગીરી (ખલીલ જિબ્રાન; ગુજરાતી અનુવાદ: વારેવા ટોળી): સોથી પણ ઓછા શબ્દોની ૩ માઈક્રોફિક્શન વાર્તાઓ.

નિયમિત સ્તંભ:

ટૂંકી વાર્તાના પ્રાથમિક પરિચય લેખશ્રેણીમાં રમેશ ર. દવે આ અંકના લેખમાં ટૂંકી વાર્તામાં સંવાદનું મહત્વ સમજાવે છે.

મુકામ પોસ્ટ વારતા (રાજુ પટેલ): વાર્તામાં ઘટનાના મહત્વ વિષે રસપ્રદ લેખ.

કથાકારિકા (કિશોર પટેલ), કનુ આચાર્યની વાર્તા “ઠુંઠું”; કોરોના મહામારીમાં સર્વત્ર સંચારબંધીનું વાતાવરણ હતું. બીડીના બંધાણીને જ્યારે બીડી મળતી નથી ત્યારે થતી એની કફોડી હાલતનું રમૂજી આલેખન કરતી વાર્તા અને એ વાર્તાનો રસાસ્વાદ.   

લઘુકોણ (રાજુલ ભાનુશાલી): પંચર (કાસમ બલોચ) અને ભાડૂત (કમલ ચોપડા)+બંને લઘુકથાઓનો રસાસ્વાદ: આ બંને લઘુકથાઓમાં જુદાઈ દાખવતાં સંતાનોથી આઘાત પામતાં પિતાની વાત થઈ છે.

--કિશોર પટેલ, 20-06-22; 09:59

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

         

Thursday 16 June 2022

શબ્દસર મે ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ


 

શબ્દસર મે ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ

(૧૭૦ શબ્દો)

ગતિ-અવગતિ (હસમુખ અબોટી ‘ચંદન’):

 લેખક સાગરકથાઓ લખવા માટે જાણીતા છે. પ્રસ્તુત રચના પણ સાગરકથા જ છે. લાંબા સમયથી વપરાશમાં ના હોય એવું વહાણ લઈને કેશો માલમ ગણતરીના સાથીઓ જોડે દરિયો ખેડવા નીકળ્યો છે. એની પત્નીના પોઈન્ટ ઓફ વ્યુથી વાર્તા કહેવાઈ છે જેને એ પાછળ મૂકી ગયો છે. કેશાના વહાણને દરિયામાં તોફાન નડયું છે. કદાચ એ જ તોફાનની અસર દરિયાકિનારે દરિયાખેડુઓની વસ્તીને પણ થઈ છે. બંને તરફ ભારે નુકસાન થયું છે. થોડાંક દિવસે દરિયામાં તોફાન શાંત થાય છે. નાના બાળકને કાંખમાં લઈને ભટકતી કેશાની પત્નીને પણ વસાહતનું ટોળું નજરે પડે છે.  

દરિયાના બગડેલા મિજાજનું વર્ણન સરસ.

પરિવેશવિશેષની વાર્તા માટે થમ્બ્સ અપ.

જુદા જુદા પરિવેશ અને જુદા જુદા વ્યવસાયની વાર્તાઓ આપણે ત્યાં જેટલી લખાવી જોઈએ એટલી નથી લખાતી. એ સ્થિતિમાં આ વાર્તાનું સ્વાગત છે.       

--કિશોર પટેલ, 17-06-22; 10:06

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Monday 13 June 2022

બુદ્ધિપ્રકાશ મે ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ

 

બુદ્ધિપ્રકાશ મે ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ 

(૧૧૬ શબ્દો)

છાપાં ફાડતો માણસ (હસમુખ કે. રાવલ):

જીવનને હકારાત્મકતા દ્રષ્ટિએ જોવાનો સંદેશ આપતી વાર્તા.

નાનપણમાં માતા જોડે બનેલી એક દુર્ઘટનાની નાયક પર ઘેરી અસર પડી છે. એને જીવનમાં સર્વત્ર દુષ્ટતા નજરે પડે છે. છાપાંમાં કેવળ દુર્ઘટનાઓના સમાચારો જ એને દેખાય છે. એટલે જ એ છાપાં ફાડયા કરતો હોય છે. આવી સ્થિતિમાંથી એને બહાર લાવે છે એની પત્ની. નાયકની પત્નીને સારાં દિવસો જાય છે. બાળકના આગમનની ખબર નાયકને હકારાત્મકતા બનાવે છે.   

--કિશોર પટેલ, 14-06-22; 09:00

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 


Friday 10 June 2022

કુમાર મે ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ


 

કુમાર મે ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ

(૨૧૦ શબ્દો)

ભુલભુલામણી (અભિમન્યુ આચાર્ય):

ખાનગી કંપનીમાં કર્મચારીઓ વચ્ચે સ્પર્ધા હોય એમાં નવાઈ નથી. પણ કોઈ જયારે ગંદી રમત રમીને સ્પર્ધા જીતી જાય ત્યારે ગરબડ થતી હોય છે. ઓફિસમાં મહેશનું પરફોર્મન્સ સોમેશની સરખામણીએ કાયમ નબળું રહેતું. મોબાઈલ પરની એક નવી ગેમમાંથી પ્રેરણા લઈને મહેશ એવી ચાલાકી કરે છે કે ઓફિસમાંથી સોમેશનું પત્તું કપાઈ જાય છે અને મહેશની સ્થિતિ સુધરી જાય છે. જો કે એ પછી મહેશને પોતાના કૃત્યનો અપરાધભાવ કોરી ખાય છે.   

મોબાઈલ પર રમાતી ગેઈમના સ્વરૂપમાં આ વાર્તાની રજૂઆત થઈ છે. એક રીતે આ વાર્તા મોબાઈલ પર રમાતી ગેઈમના દુષ્પરિણામની કહી શકાય. મોબાઈલ પર મહેશ જે નવી રમત રમે છે એની વિશેષતા એ છે કે એ “વન વે” છે. એક વાર એ ગેઈમ મોબાઈલમાં ઇન્સ્ટોલ કર્યા પછી એને અનઇન્સ્ટોલ કરી શકાતી નથી. માણસે ફરજિયાત એ ગેઈમ રમવી જ પડે. મોબાઈલની આ ગેઈમ એક રીતે માણસના જીવનનું રૂપક થયું. જાણીતાં અને જૂનાં એક ફિલ્મી ગીત “દુનિયા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા...” જેવી વાત થઈ. એ રીતે આ વાર્તા ચિંતન-મનન-દર્શનની પણ કહી શકાય.

--કિશોર પટેલ, 11-06-22; 09:49

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

Wednesday 8 June 2022

મમતા મે ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

મમતા મે ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૦૪ શબ્દો)

સલામતી (નીલેશ રાણા): વાર્તાનો પરિવેશ વિદેશનો છે પણ વાત માનવીય લાગણીઓની છે. વાર્તામાં જબરો સંઘર્ષ અને જબરું નાટ્યતત્વ છે. એક યુવાનને એક પ્રૌઢ આદમીમાં વર્ષોથી વિખૂટા પડી ગયેલા પિતાની ઝલક દેખાય છે ને એ પ્રૌઢને પોતાનો પીછો કરતા યુવાનમાં તાલિબાની જાસૂસની ઝલક દેખાય છે. પોતાની અને પરિવારની સલામતી માટે એ પ્રૌઢ પેલા યુવાનના દેહમાં સિફતપૂર્વક ચાકુ ઊતારી દે છે. કારુણ્યની ચરમસીમા!     

પેચીદો મામલો (વલીભાઈ મુસા): આ રચનાને વાર્તા કહેવી મુશ્કેલ છે. અહીં કાઉન્સેલિંગનું એક ઉદાહરણ રજૂ થયું છે. મોટા સમૂહમાં તોફાની અથવા ગુનેગારને એની ઓળખ જાહેર કર્યા વિના ઓળખી કાઢવાની ગાણિતિક પ્રક્રિયાના ડેમોન્સ્ટ્રેશનનું વર્ણન થયું છે.     

ધારાવાર (કિશનસિંહ પરમાર): ગ્રામસંવેદનની વાર્તા. ગામડામાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે કોઈ પણ સમયે આગળપાછળનો હિસાબ ચૂકવવાનો બાકી રહેતો હોય છે. કોઈક જાહેર પ્રસંગે અમુક લોકો એવો હિસાબ પૂરો કરવા તત્પર રહેતાં હોય છે. એવી જ એક ઘટનાનું બયાન.     

મોજ (ઈંદુ જોશી): ઘરની અને કુટુંબની ફરજો ઉપરાંત નોકરી કરતી સ્ત્રી પોતાના માટે જીવવાનું જ ભૂલી જતી હોય છે. રજાના એક દિવસે નાયિકા વહેલી સવારે રખડવા નીકળી પડે છે ને અઠવાડિયાનો પ્રાણવાયુ એકઠો કરીને લાવે છે. નારીચેતનાની વાર્તા.

મા (અન્નપૂર્ણા મેકવાન): ગર્ભસ્થ શિશુનું લિંગપરીક્ષણ ગેરકાયદેસર હોવા છતાં પણ આપણા સમાજમાં થતું આવ્યું છે, એટલું જ નહીં, ગર્ભમાં છોકરી જણાય તો ભ્રૂણહત્યા કરી નાખતાં પણ લોકો અચકાતાં નથી. નાયિકા જોડે એના પતિ દ્વારા એક વાર એવું થયું છે. બીજી વાર એવું ના થાય એ માટે નાયિકા કટિબદ્ધ છે. પ્રારંભમાં શિશુ અને માતાનો સંબંધ બતાવવા તેતર અને એનાં બચ્ચાંની એક દીર્ઘ વાર્તા રજૂ થઇ. મુદ્દો સાંપ્રત, રજૂઆત બોલકી, સરળ અને સામાન્ય.  

ફળશ્રુતિ (દીપ્તિ કોરેશ વછરાજાની): આ કૃતિ વાર્તા નથી. મા-દીકરી વચ્ચે જીવનદર્શન અંગેનો સંવાદ છે.

--કિશોર પટેલ, 09-06-22; 09:16

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###