Wednesday 30 August 2023

બાલભારતીમાં વાર્તાપઠન ૨૬ ઓગસ્ટ ૨૦૨૩





બાલભારતીમાં વાર્તાપઠન ૨૬ ઓગસ્ટ ૨૦૨૩

(585 શબ્દો)

It was out & out all ladies show!

શનિવાર તા. ૨૬ ઓગસ્ટ ૨૦૨૩ ની સાંજે મુંબઈનાં પશ્ચિમ પરાંમાં કાંદિવલી ખાતે બાલભારતીમાં વાર્તાવંત કાર્યક્રમોમાં ચારેચાર વાર્તોનું પઠન મહિલાઓ દ્વારા થયું.

સૌપ્રથમ રજૂઆત હતી સ્મિતા શુક્લની. એમણે પઠન કર્યુ  સ્વ. સાહિત્યકાર પવનકુમાર જૈન લિખિત એક વાર્તા તરસ્યા કાગડાની વાર્તા”નું.

વિક્રમ-વેતાળની કથાના સ્વરુપમાં લખાયેલી આ વાર્તા સરસ બોધકથા છે. મૂળ વાર્તા તો ખૂબ જાણીતી છે. ઘડાના તળિયે રહેલા પાણી સુધી તરસ્યા કાગડાની ચાંચ પહોંચે એમ હતું નહીં. કાગડો શાણો હતો. એણે આસપાસ પડેલાં કાંકરા ચાંચ વડે ઉંચકીને એક પછી એક ઘડામાં નાખ્યા એટલે પાણીની સપાટી ઉપર આવી  અને પછી એણે પોતાની તરસ છીપાવી. આજના સમયમાં કાગડા સામે અવનવી અણધારી કસોટીઓ ઊભી થાય છે. બોધ એવો છે કે માણસે હિંમત હારવી નહીં અને યથાશક્તિ ઉપાય શોધવા રહ્યા.

સ્મિતા શુક્લ સારાં ગાયિકા છે. એમના કંઠેથી અનેક વેળા ગીતો સાંભળ્યા છે, વાર્તાની એમણે ભાવવાહી રજૂઆત કરી.

બીજી રજૂઆત હતી કિરણ બૂચની. એમણે પઠન કર્યું સ્વલિખિત વાર્તા  “પોટલું” ની.

ગોરધન પટેલના દીકરા જોડે  પરણતાં પહેલાં વહુએ જોયું કે ખાતુંપીતું ખોરડું છે ને વળી સાસુ-સસરા ઘરડાં અને અશક્ત છે એટલે સાસરે તો પોતાનું રાજ ચાલશે. પરણીને સાસરે આવ્યાં પછી સાસુની કડવી વાણી સાંભળી સાસરે રાજ કરવાનું સ્વપ્નું રોળાઈ જતું લાગ્યું. એનું જીવવું મુશ્કેલ થઈ પડ્યું. એક વરસાદી રાત્રે સાસુને ચાદરમાં બાંધી પોટલું બનાવીને એ કૂવે પધરાવી દે છે.  વર્ણનાત્મક શૈલીની વાર્તાની લેખક દ્વારા નાટ્યાત્મક રજૂઆત થઈ.

ગયા મહિને બોરીવલી પશ્ચિમ ખાતે પ્રબોધનકાર નાટ્યગૃહમાં એક એકાંકીમાં કિરણ બૂચને અભિનય કરતાં નિહાળ્યાં હતાં. તેઓ મુંબઈની એક ઈન્ટરનેશનલ સ્કૂલનાં નિવૃત આચાર્યા છે.

ઈન્ટરવલમાં બાલભારતીની સિગ્નેચર સમાન અફલાતૂન સ્વાદસભર કોફીને સહુ રસિક શ્રોતાજનોએ ન્યાય આપ્યા પછી સમીરા પત્રાવાળાએ પઠન કર્યું સ્વલિખિત વાર્તા “વરસતા વરસાદમાં ટ્રેન.”

મુંબઈની લોકલ ટ્રેનમાં એક મોટી ઉંમરનો આદમી લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ચઢી જાય છે. આમ લેડીઝ ડબ્બામાં પુરુષ પ્રવેશે તો સામાન્ય રીતે ડબ્બામાંની સ્ત્રીઓ હોહા કરી મૂકે પણ એ દિવસે એવું થયું નહીં. રસપ્રદ વાર્તા અને એટલી જ સરસ રજૂઆત.

સમીરા પત્રાવાળાની વાર્તાઓ નવનીત સમર્પણ અને એતદ જેવાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થઈ છે. હાલમાં તેઓ ગુજરાતી મિડ-ડે માં નિયમિતપણે વિવિધ વિષયો પર લેખ લખે છે. આ ઉપરાંત તેઓ સારાં ચિત્રકાર પણ છે.

છેલ્લે કાર્યક્રમનાં સંચાલિકા જાગૃતિ ફડિયાએ રજૂ કરી સ્વલિખિત વાર્તા “રાતનો ચહેરો.

તરુણ વયનાં પ્રિયા અને આયુષ નામનાં બે જોડિયા ભાઈબહેનને પાડોશમાં રહેતી એમની જ ઉંમરની ત્રિશા અને પોતાના પપ્પાનાં મૈત્રીપૂર્ણ સંબંધ જોઈને આશ્ચર્ય થાય છે. એમાં વળી એક વાર “પોતે મિટિંગમાં વ્યસ્ત છે.” એવું ફોન પર કહેનારા પોતાના પપ્પાને હકીકતમાં એ જ વખતે ત્રિશા જોડે એક રેસ્ટોરાંમાં બેઠેલાં જોઈને બંને ભાઈબહેન આઘાત અનુભવે છે. ત્રિશાનો નાકનકશો પિતા જોડે મળતો આવતો હોવાથી એમને શંકા જાય છે કે શું ત્રિશાની મમ્મી જોડે પિતાના લગ્નબાહ્ય સંબંધ હશે? આ અંગે મમ્મી કેમ મૌન રહે છે એ પણ એમને સમજાતું નથી. આ વાતનો ફેંસલો લાવવા એક ફેમિલી પિકનિક પર તેઓ પિતાને કોર્નર કરે છે.

માનવીય સંબંધની સરસ વાર્તા, એટલી જ સરસ ભાવપૂર્ણ રજૂઆત.  

પ્રસ્તુત વાર્તાપઠનનું સંચાલન કરતાં કરતાં જાગૃતિ ફડિયાએ વચ્ચે વચ્ચે સાહિત્યજગતનાં મઝાનાં સંસ્મરણો શેર કર્યાં. તેઓ લેખિની સંસ્થાનાં સક્રિય સભ્ય છે અને નિયમિતપણે સાહિત્યસર્જન કરતાં રહે છે.

બેઠકનું સમાપન કરતાં વાર્તાવંતના મુખિયા હેમંતભાઈ કારિયાએ આગામી કાર્યક્રમની જાણકારી આપી. એમણે કહ્યું કે સપ્ટેમ્બર મહિનાનો કાર્યક્રમ પચીસમો એટલે કે બાલભારતી વાર્તાવંતનો રજતજયંતિ કાર્યક્રમ છે. એમાં દ્વિભાષી વાર્તાપઠન થશે. મરાઠી ભાષાની બે નીવડેલી વાર્તાઓનાં ગુજરાતી અનુવાદ તેમ જ મૂળ મરાઠી વાર્તાઓ પણ રજૂ થશે. આ વાર્તાઓનું પઠન મુંબઈની ગુજરાતી અને મરાઠી રંગભૂમિનાં કલાકારો દ્વારા થશે. વધુમાં એમણે એમ પણ કહ્યું કે વાર્તાનાં મૂળ મરાઠી લેખકો પણ ઉપસ્થિત રહેશે.

મિત્રો! આ રંગારંગ કાર્યક્રમ ચૂકશો નહીં કારણ કે બાલભારતીનાં વાર્તાપઠનના કાર્યક્રમોનું ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ ક્યારેય થતું નથી.

--કિશોર પટેલ, 29-08-23 15:03

* * *

     

 

 

 

Sunday 20 August 2023

મમતા જુલાઈ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

મમતા જુલાઈ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૯૦૩ શબ્દો)

પ્રસ્તુત અંક બાળવાર્તા વિશેષાંક છે, એનાં નિમંત્રિત સંપાદક છેઃ સતીશ વ્યાસ.

બાળવાર્તાઓ કેટલાંક ખાસ સામયિકોમાં અને વર્તમાનપત્રોની સાપ્તાહિક પૂર્તિઓમાં પ્રગટ થતી હોય છે. આ બાળવાર્તાઓને મુખ્ય ધારાના એક નિયમિત અને સ્થાપિત વાર્તામાસિકમાં સ્થાન આપવા બદલ મમતા વાર્તામાસિકને અભિનંદન. આવી કલ્પનાને અમલમાં મૂકવા બદલ સામયિકનાં માલિકો અને તંત્રી/સંપાદક સહિત સંપૂર્ણ ટીમનો વિશેષ આભાર!

આ સંપુટમાં કુલ અગિયાર વાર્તાઓ રજૂ થઈ છે.  લગભગ દરેક વાર્તા આઠથી દસ-બારની વયના બાળકોને ધ્યાનમાં રાખીને લખાઈ છે. વાર્તાઓની રજૂઆત સીધી, સરળ છે, શૈલી રમતિયાળ છે. લગભગ દરેક રચનામાં અવનવી કલ્પનાઓ રજૂ થઈ છે.  એકંદરે બધી જ વાર્તાઓ સરસ, સુપાચ્ય અને મનોરંજક છે.

ગિરિમા ઘારેખાન અને હસમુખ કે. રાવલ જેવા જાણીતા અને અનુભવી વાર્તાકારો બાળવાર્તાઓની રચના કરે એ નોંધનીય ઘટના કહેવાય. આ ઉપરાંત હેમંત કારિયા પણ બાળસાહિત્યનાં જાણીતા સર્જક છે. આવા પ્રથિતયશ સર્જકો પાસેથી બાળવાર્તાઓ મેળવવા બદલ સતીશભાઈને અભિનંદન!

BTW, અંકમાં રજૂ થયેલી નિમંત્રિત સંપાદકની પ્રસ્તાવના મુદ્દાસરની છે. બાળવાર્તા કોને કહેવાય એ વિશે એમણે ઓછાં શબ્દોમાં સરસ વ્યાખ્યા કરી છે.

વાર્તાઓ વિશેઃ   

૧. આને કહેવાય દોસ્તી (સેજલ નિખિલ ચેવલી)

ખિસકોલીનાં બચ્ચાંઓની સાહસકથા. ઘરમાં ઘૂસી આવેલાં ઠગલૂંટારાઓના હુમલા સામે આ ખિસકોલીનાં બચ્ચાંઓ  મીત નામનાં એમના નાનકડા મિત્રનું રક્ષણ કરે છે.

૨. વાંસળી (મીતા મેવાડા ગોર)

નાનકડી મેઘનાએ પરીના ઘર જેવા કમળને તોડ્યું નહીં એટલે પરીએ એને જાદુઈ વાંસળી આપી. આ વાંસળીની  મદદથી એણે રાજાના દુશ્મનોને હરાવી દીધાં એટલે એનાં લગ્ન રાજકુમાર જોડે થયાં.

૩. ટીનુભાઈ (વર્ષા તન્ના)

હોમવર્ક ના કરતા અને ફક્ત વિડીયો ગેમ રમ્યા કરતા ટીનુભાઈને એકે ગ્રહ પર પ્રવેશ મળતો નથી. બોધપાઠ મળી જતાં ટીનુભાઈ ડાહ્યાડમરા બની જાય છે,

૪.  મોટી જગ્યાની શોધમાં (ગિરિમા ઘારેખાન)

એકલાં એકલાં ફરવા નીકળેલાં ત્રણ નાનાં ગલુડિયાં ખૂબ હેરાન થયાં. એમનાં સદનસીબે એમના રખેવાળ રોહનનો ભેટો થઈ ગયો એટલે સહુ સુખરૂપ ઘેર પાછાં આવ્યાં.

૫. મેઘધનુષ (પ્રીતિ જરીવાલા)

સ્કુલમાં રજા પડતાં રોહન ગામડે દાદાજી પાસે જાય છે. દાદાજી એને મઝાની વાર્તાઓ કહે છે.

૬. રોબોટભાઈની સ્કૂલ (ધાર્મિક પરમાર)

ભોલુકાકાની રમકડાંની દુકાન છે, અહીં ભાતભાતનાં રમકડાં છે. ભોલુકાકાની દીકરી ચીકુ બધાં રમકડાંનું સારું ધ્યાન રાખે છે.

૭. પહાડે ગાયાં ગીત (ભારતીબેન ગોહિલ) 

બાળકોની વાતો સાંભળી બરફના પહાડને થાય છે કે પોતે પાણી બનીને વહેવા માંડશે ત્યારે જ એ સહુને ગમવા માંડશે. ધરા અને ચાંદામામા એની મદદ કરી શકતા નથી. સૂરજદાદા બરફના પહાડને પીગળાવી દે છે ને એને નદી બનાવી વહેતો કરી દે છે. પહાડ ખુશ થઈને ગીતો ગાવા માંડે છે. 

૮. સાત પૂછડિયો ઉંદર (હસમુખ કે. રાવલ)

એક ઉંદરરાજના રાજ્યમાં ઉંદરો વચ્ચે થયેલાં મલ્લયુધ્ધની વાત. 

૯. મેટ્રો ટ્રેન (મીનાક્ષી વખારિયા)

જંગલનો વાંદરો અકસ્માતપણે એક ટ્રકમાં ઉંઘી જતાં છેક મુંબઈ આવી જાય. મુંબઈમાં એ મેટ્રો ટ્રેનમાં નાચકૂદ કરે. ત્યાંથી ભાગીને દરિયાકિનારે જઈ ખૂબ ધમાલ-મસ્તી કરે, યુવાનો જોડે સેલ્ફી પડાવે.

૧૦. અનુનું સ્વપ્નું (હેમંત કારિયા)

ઊંચે આકાશમાં એક દુનિયામાં રાતદિવસ નાનાંમોટાં સપનાં બન્યા કરે. રાજાનો હુકમ થાય ત્યાં સપનાએ જવું પડે. કોમળ નામના એક નવા સપનાને અનુ નામની છોકરીની આંખોમાં જવાનો હુકમ મળ્યો.  કોમળને ખૂબ ડર લાગતો હતો. કઠોર નામના એક મોટા સપનાએ એની મદદ કરી અને એ અનુની આંખોમાં પહોંચી ગયું, પછી તો એને અનુ જોડે ફાવી જતાં એ બંનેએ ખૂબ આનંદ કર્યો.

૧૧. ધરતી પર જવાય? (મોનિકા મેધા)

ચંદ્ર પર અભ્યાસ માટે આવતાંજતાં પૃથ્વીવાસીઓની વાતો સાભળી ચંદ્રની ધરતી પર જન્મેલી અને ઉછરેલી લુનાને પૃથ્વી પર જવાનું મન થાય છે, એકાદ રોકેટમાં છૂપાઈને એ પૃથ્વી પર જવા ઈચ્છે છે પણ રોવર નામનો એક રોબોટ લુનાને મિત્રભાવે સમજાવે છે કે એણે શા માટે પૃથ્વી પર જવું ના જોઈએ.  લુના સમજદાર છે, એને ખ્યાલ આવે છે કે પૃથ્વી પર જવામાં જોખમ છે.

* * *

વીરાસ્વામી કૌશિક (બી.એસ.રામૈયા લિખિત મૂળ તમિળ વાર્તા, ગુજરાતી પ્રસ્તુતિઃ  સંજય છેલ)

વીરાસ્વામી નામના એક તમિળ યુવાને એક અજાણ્યા દેશવાસીને અંગ્રેજ સિપાહીઓના હાથે મરતો બચાવવા પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. આ તમિળ યુવાનની નવી નવી સાસરે આવેલી દસ વર્ષની વયની પરણેતરે એક અપશુકનિયાળ વિધવા તરીકે આખા ગામનાં મહેણાં સાંભળી સાંભળીને આખું આયુષ્ય કાઢી નાખ્યું. છેક એની છેલ્લી ઘડીઓ ગણાતી હતી ત્યારે એને એના પતિએ આપેલાં બલિદાનની વાત જાણવા મળે છે.

જેના સાથી તરીકે વીરાસ્વામી બનારસ ગયો હતો એ દંપતી એના સગામાં લાગતાં ના હતાં. જે દેશી સિપાહીને અંગ્રેજ સિપાહોના તાબામાંથી ભગાડ્યો એ પણ એનો સગો નહોતો થતો. છેક ૮૫ વર્ષે એના વિશે સાચી માહિતી જે માણસ એનાં સ્વજનો સુધી લાવી આપે છે એ પણ એનો કોઈ સગો નથી! આ બધી યોગાનુયોગની વાતો છે!

શિકાર તો શોધવો પડે (અમેરિકન લેખક હેન્રી સ્લેસર અથવા સ્લેચર લિખિત મૂળ અંગ્રેજી વાર્તા, અનુવાદઃ યામિની પટેલ)

દાંપત્યજીવનની કડવી-મીઠી વાતો.

એક દંપતીમાં પતિ પાસે પોતાની પત્ની વિરુધ્ધ ડઝનબંધ ફરિયાદો છે. એણે તો એની એક યાદી પણ બનાવી છે. પત્નીથી કાયમનો છૂટકારો મેળવવા માટે એણે એક રિવોલ્વર પણ ખરીદીને રાખી છે. જ્યારે એની સહનશક્તિ ખૂટી પડે છે ત્યારે એ રિવોલ્વર શોધે છે, સમસ્યા એ થાય છે કે એનું બોક્સ એનાથી ખૂલતું નથી. બોક્સ ખોલવા એ કંઈક અણીદાર વસ્તુ શોધતાં એને એની પત્નીએ લખેલી ચિઠ્ઠી હાથ લાગે છે કે જેનાથી આખી વાર્તા ૩૬૦ અંશે ફરી જાય છે. અંતની આ ચમત્કૃતિ જબરી છે. મઝાની વાર્તા.    

નવસો દાદીમાઓ (આર. એ. લેફર્ટી લિખિત  મૂળ અંગ્રેજી વાર્તા, અનુવાદઃ યશવંત મહેતા)

સાયન્સ ફિક્શન. પ્રોટા નામના એક એવા ગ્રહની વાત અહીં થઈ છે જ્યાં કોઈ મરતું નથી! પૃથ્વી પરથી સંશોધન માટે ગયેલી ટુકડીના સેરાન નામના એક  ઉત્સાહી યુવાનને અમરત્વનું રહસ્ય જાણવું છે. એને જાણવા મળે છે કે જેમ ઉંમર વધે એમ ત્યાંના લોકોની ઊંઘ વધતી જાય છે પણ એમનું કદ ઘટતું જાય છે. એ બધાં વયસ્કો ઘરના ભોંયતળિયે રહે છે. આ વાર્તાના અંતમાં પણ જબરી ચમત્કૃતિ છે. સરસ વાર્તા.

--કિશોર પટેલ, 21-08-23 09:06

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

Monday 7 August 2023

પરબ જુલાઈ ૨૦૨૩ ની વાર્તાઓ વિશે નોંઘ



 પરબ જુલાઈ ૨૦૨૩ ની વાર્તાઓ વિશે નોંઘ

(૨૫૪ શબ્દો)

છીંકાયણ (બકુલેશ દેસાઈ)

હાસ્યવાર્તાનાં મહોરાં પાછળ એક કન્યાની કરુણ કથા રજૂ થઈ છે.

બિંદુનાં બા જૂનાં વિચારનાં છે, શુકન-અપશુકનમાં માને છે. બા ઘરની બહાર નીકળતાં હતાં એ વખતે બિંદુને છીંક આવી એટલે બાને અપશુકન થયાં. બા દિવસભર નાનીમોટી વાત માટે બિંદુને સતત ટોકતાં રહે છે.

પોતાના સ્વાર્થ માટે બાએ બિંદુને એક નહીં બબ્બે વાર અન્યાય કર્યો છે. બિંદુને ભણવું હતું, એના ભણતરનો ખર્ચ મામા ઉપાડવાના હતા પણ બિંદુના વધુ ભણવા સામે બાને વિરોધ હતો એટલે એ ભણી ના શકી. પોતે એકલી પડી જાય તેમ જ દીકરીનાં ઘેર ના રહેવાય એવા જૂનાં વિચારોને લીધે તેઓ બિંદુના લગ્ન પણ થવા દેતાં નથી. બાકી પાડોશી દેવુકાકાનો દીકરો અને બિંદુ બંને એકબીજાને પસંદ કરતાં હતાં.

વાર્તાની રજૂઆત હળવી શૈલીમાં થઈ છે પણ આલેખનની કમાલ એ છે કે બિંદુની પીડા અછાની રહેતી નથી. વરિષ્ઠ વાર્તાકાર પાસેથી મળેલી સારી વાર્તા.     

શિંગડા (જેસંગ જાદવ)

બે બળુકી ભેંસ બાઝી અને એમનાં શિંગડા એકબીજામાં એવા ભેરવાયા કે એકના શિંગડા કાપ્યે છૂટકો થાય. ભેંસના માલિકો રેવો અને પૂંજો બંનેમાંથી એકે પોતાની ભેંસના શિંગડા કપાવવા તૈયાર નથી. બંને ભેંસની સ્થિતિ અત્યંત ગંભીર છે.

પાળેલા પ્રાણીઓ જોડે ઊભી થતી વિષમ પરિસ્થિતિની શ્વાસ અધ્ધર કરી દેતી રોમાંચક વાર્તા. વેગળો વિષય અને રહસ્યસભર સરસ રજૂઆત.

(નોંધઃ આ વાર્તા આ અગાઉ અખંડ આનંદના માર્ચ ૨૦૨૩ અંકમાં પણ પ્રગટ થઈ ચૂકી છે.)

--કિશોર પટેલ, 08-08-23 09:02

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 


Saturday 5 August 2023

શબ્દસૃષ્ટિ જુલાઈ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ


શબ્દસૃષ્ટિ જુલાઈ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૩૫૯ શબ્દો)

આમાં આવું આવે (ગોરધન ભેસાણિયા)

સંવાદકથા.

જુગારીઓના ગામની વાત.

આ રચનામાં બે પાત્રો વચ્ચે વાતો થાય છે. બે પાત્રોમાંથી એક કથક અને બીજો શ્રોતા છે. કથક પરગામનો છે. એનાં ગામનાં લોકો જુગાર રમવાનાં રસિયા છે અને એમાં ઘણાં બરબાદ થઈ ગયાં છે. એ બધાં શુકનવંતા આંકડો જાણવા પરોપજીવી રખડુ બાવાઓની સેવા કરે છે.  કથકે જે બાવાની સેવા કરી એણે કોઈ ટીપ તો ના આપી ને ઉપરથી એને ગાળો દીધી એવો અનુભવ એ કહી જણાવે છે.

“આમાં એવું આવે.” કથકનો તકિયાકલામ છે.

વાર્તાની રજૂઆત હાસ્યપ્રધાન શૈલીમાં થઈ છે. આ વાર્તાકાર પાસેથી ગ્રામ્ય પરિવેશની સારી વાર્તાઓ સાતત્યપણે મળતી રહે છે.    

બે રેખાઓ (કિરણ વી. મહેતા)

ઘવાયેલી લાગણીઓની વાત.

વર્ષો પછી ગામ આવેલા દિનુભાઈ ખાલી પડેલું બાપીકુ ઘર વેચી નાખવા ઈચ્છે છે પણ ઘર જોડે સંકળાયેલી એક મીઠી સ્મૃતિને લીધે એમનો વિચાર બદલાય છે. દિનુભાઈને ગમતી ગૌરીના લગ્ન અન્યત્ર થઈ જાય છે. ગૌરીએ સાસરિયાંના ત્રાસને કારણે આત્મહત્યા કરવી પડેલી એવી જાણ થતાં જ દિનુભાઈ ઘર વેચીને કાયમ માટે ગામથી દૂર જવાનું નક્કી કરે છે. ટૂંકમાં, બે રેખાઓ ક્યારેય મળતી નથી. 

વાર્તામાં કથાનાયકની પીડાનું અને એના મનોભાવોનું આલેખન થયું છે.

સણકો (ડો. રમણ માધવ)

અપરાધભાવ.

માસ્તરથી કશુંક અણછાજતું કામ થઈ ગયું છે. એમને એક નાની કન્યા ધનીનો ડર લાગે છે. આ ધની કયાંક એમની પોલ ખોલી ના નાખે એ વાતે માસ્તર ડરી ગયા છે. તેઓ અચાનક જ જમીન પર ગબડી પડ્યા છે. નાનકડી ધની અને એનાથી ઉમંરમાં સ્હેજ મોટી પુષ્પા એમ બંને બાળાઓ માસ્તરને મદદ કરવા ઈચ્છે છે પણ માસ્તર છેક જ સંકોચાઈને કોચલામાં પૂરાઈ ગયા છે. તેઓ પોતાના મનની વાત કોઈને કહી શકતા નથી. પતિની ભોળા સ્વભાવની પત્ની કાન્તા પણ મૂઝાઈ ગઈ છે.

માસ્તર પોતાના હાથે થઈ ગયેલા છબરડાને સુધારવાના અનેક પ્રયાસો કરે છે પણ એમને સફળતા મળતી નથી. એમનાથી ચોક્કસ શું ભૂલ થઈ છે તેનું રહસ્ય છેક સુધી અકબંધ રાખવામાં વાર્તાકાર સફળ થયા છે. અંતની ચમત્કૃતિ અણધારી છે.

નાયકનાં મનમાં રહેલી ભીતિ, ડર અને દોષભાવનાનું સરસ આલેખન.   

ટ્વીસ્ટ અને ટર્નવાળી સરસ અને વાચનક્ષમ વાર્તા.

--કિશોર પટેલ, 06-08-23, 09:35

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###