Friday 3 May 2024

નવનીત સમર્પણ એપ્રિલ ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ







 

નવનીત સમર્પણ એપ્રિલ ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૩૪૧ શબ્દો)

પિંડદાન (પન્ના ત્રિવેદી)

સાંપ્રત સમસ્યા. બાળકો ભણીગણીને મોટાં થાય ને અભ્યાસ/નોકરીધંધા માટે વિદેશ ગયાં જાય પછી પાછાં આવતાં નથી. માતાપિતાનું અવસાન થઈ જાય એવા સંજાગોમાં પણ ઘણાં સંતાનોને સ્વદેશ આવવાની ફુરસદ રહેતી નથી. એવે સમયે કેટલાંક વડીલોની અંતિમ ક્રિયા લાવારિસ ગણીને થતી હોય છે. સુકેશીના ભાગ્યમાં એવું મૃત્યુ લખાયેલું હતું. બહેનપણીનું જોઈને કથક પણ પોતાના મૃત્યુ પછી પોતાની પાછળ પિંડદાનની આગોતરા વ્યવસ્થા કરી લે છે.

સંતાનોને મોટાં કરી સંસારમાં રમતાં મૂક્યાં પછી પોતાનાં અંતિમ દિવસોમાં હિજરાતાં સ્વજનોની પીડાનું સરસ આલેખન થયું છે.

બ્રેવ ગર્લ (એકતા નીરવ દોશી)

હસતાં રમતાં અચાનક ખબર પડે કે તમને કેન્સર થયું છે તો શું હાલત થાય? રિયા નામની એક યુવાન સ્ત્રીના જીવનમાં કેન્સરનું વાવાઝોડું ધસી આવે છે. પરિણામે બદલાતી રિયાની જિંદગીનો કાર્ડિયોગ્રામ આ વાર્તામાં રજૂ થયો છે. નાયિકાના મનોભાવોનું અચ્છું આલેખન.

સર્વસ્વ (ગિરિમા ઘારેખાન)

નિવૃત્તિ પછી અકસ્માતપણે ઘરમાં જ પડી ગયાં પછી હેમાબેન આત્મવિશ્વાસ ગુમાવી બેઠાં છે. નાનીમોટી દરેક વાત માટે દીકરી નંદિની પર આધાર રાખતાં થઈ ગયાં છે. એ જ નંદિની એક વાર ઘરમાં પડી જાય છે અને હેમાબેનની મદદે જઈ શકતી નથી ત્યારે જ હેમાબેનને નંદિનીની સાચી પરિસ્થિતિ સમજાય છે. માનવમનની નબળાઈ વિશેની વાત.  

શ્યામળી શેઠાણી (ઈ કુમાર લિખિત મૂળ મલયાલમ અજ્ઞાત ભાષાની વાર્તા, અનુવાદ હસમુખ રાવલ)

ગરીબોનું ભયાનક શોષણ.

ભારતદેશમાં ગરીબી કેવી કારમી હોઈ શકે આપણે કલ્પના કરી શકતા નથી. રુપિયા બે હજાર માટે તામી પોતાની પત્નીને જમીનદાર પાસે  ગીરવે મૂકે છે પણ પછી ક્યારેય એને છોડાવી શકતો નથી.  ગરીબોનું હર એક સંભવ પ્રકારે શોષણ કરતા જાલીમ જમીનદારોની રીતરસમ પર પ્રકાશ. પોતાની માતાથી વિખૂટી પડી ગયેલી દીકરીને પોતાની માતાનો ચહેરો પણ યાદ આવતો નથી! આ તે કેવી કરૂણતા!  

અસૂયા (પારુલ બારોટ)

સંસારનું સાચું સુખ શેમાં છે? નાયિકા પોતાની બહાર ચોતરફ સુખની શોધમાં ભટકે છે ને એક સોનેરી ક્ષણે એને ખ્યાલ આવે છે કે સુખ તો પોતાની ભીતરમાં જ છે! સરસ વાર્તા. નાયિકાના મનોવ્યાપારનું સુંદર ચિત્રણ.

--કિશોર પટેલ, 04-05-24 11:10

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

 

Saturday 20 April 2024

રેસમાં ડી. ગુકેશ એકલો સૌથી આગળ!



 

રેસમાં ડી. ગુકેશ એકલો સૌથી આગળ!

કેન્ડિડેટ ચેસની સ્પર્ધા (૨૦૨૪) માં તેરમા રાઉન્ડના અંતે કેન્ડિડેટ બનવાની હરીફાઈમાં ભારતનો ડી. ગુકેશ સૌથી આગળ નીકળી ગયો છે!

બારમા રાઉન્ડના અંતે ૭.૫ ગુણ સાથે ઈયાન નેપોમ્નિયાશી, હિકારુ નાકામુરા અને ડી. ગુકેશ એમ ત્રણ ખેલાડીઓ રેસમાં હતા. એમાંથી નેપોમ્નિયાશી અને નાકામુરા બંનેની તેરમા રાઉન્ડની બાજી ડ્રો થઈ એટલે એ બંને ૮ ગુણ પર પહોંચ્યા જ્યારે અલીરેઝા ફિરૌઝાને હરાવીને ગુકેશ  આખો પોઈન્ટ મેળવી સાડાઆઠ પોઈન્ટ પર પહોંચી રેસમાં સૌથી આગળ નીકળી ગયો છે! હવે ફક્ત એક રાઉન્ડ બાકી છે. ગુકેશને આ સ્પર્ધા જીતવાની સુવર્ણતક છે! જો આમ થશે તો વિશ્વનાથ આનંદ પછી કેન્ડિડેટ બનનાર એ બીજો ભારતીય શેતરંજવીર બનશે!

ચૌદમો રાઉન્ડ આવતી કાલે (ભારતીય સમય પ્રમાણે આજે મોડી રાતે) રમાશે.

કેન્ડિડેટ બનવું એટલે વર્તમાન ચેમ્પિયનને લલકારવાનો હક્ક મેળવવો. જો ગુકેશ આ સ્પર્ધા જીતી જાય તો વર્તમાન ચેમ્પિયન ડિંગ લિરેન જોડે વર્લ્ડ ચેમ્પિયનશીપની મેચ રમશે!

ગુકેશને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

--કિશોર પટેલ, 21-04-24 08:23

* * *

(સંલગ્ન છબીસૌજન્યઃ Google Images.)

Monday 15 April 2024

ગુજરાતી ટૂંકી વાર્તાઓ મરાઠી ભાષામાં



 

ગુજરાતી ટૂંકી વાર્તાઓ મરાઠી ભાષામાં

 

(૨૧૦ શબ્દો)

 

ના, ના, લખવામાં અમારી કે વાંચવામાં તમારી ભૂલ નથી થઈ.  બરાબર જ લખ્યું છે, બ્રેકિંગ ન્યુઝ એ છે કે ગુજરાતી ટૂંકી વાર્તાઓ મરાઠી ભાષામા અનુવાદ થઈને પુસ્તકરુપે પ્રગટ થઈ છે.

એ તો જાણતી વાત છે કે મુંબઈસ્થિત મહારાષ્ટ્રૂ રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી વર્પ દરમિયાન મુંબઈ અને આસપાસનાં પરાંઓમાં જાતજાતના અને ભાતભાતના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે. એમાં આ એક નવું છોગું. ચૂંટેલી ગુજરાતી ટૂંકી વાર્તાઓનો મરાઠી ભાષામાં અનુવાદ કરાવીને તેનું એક સંકલન પુસ્તકરુપે આ સંસ્થાએ હાલમાં જ પ્રગટ કર્યું છે.

પુસ્તકનું નામ છેઃ “કથાસેતુ”. સંપાદક છે જાણીતા કવિશ્રી સંજય પંડ્યા અને વાર્તાઓના અનુવાદક છે સુશ્રી સુષ્મા શાલિગ્રામ.   

આ સંપાદન ધ્યાનાકર્ષક બન્યું છે. ગાંધીયુગ પછીના આધુનિક વાર્તાકારોથી માંડીને આજના સમયના આશાસ્પદ વાર્તાકારોની કુલ ૨૧ વાર્તાઓનો સમાવેશ અહીં થયો છે.

પુસ્તકમાં સમાવિષ્ટ વાર્તાઓના લેખકોના નામની યાદીઃ

સર્વશ્રી ગુલાબદાસ બ્રોકર, વિઠ્ઠલ પંડ્યા, ચંદ્કાંત બક્ષી, આબિદ સુરતી, હરીશ નાગ્રેચા, તારિણીબેન દેસાઈ, દિનકર જોશી, ઈલા આરબ મહેતા, વર્ષા અડાલજા, ઘમશ્યામ દેસાઈ, ઉત્પલ ભાયાણી, કિશોર પટેલ, સતીશ વ્યાસ, સંદીપ ભાટિયા, હેમંત કારિયા, અશ્વિની બાપટ, સંજય પંડ્યા, રાજુ પટેલ, નીલેશ રુપાપરા, સમીરા પત્રાવાલા અને બાદલ પંચાલ.

આપણી વાર્તાઓ અન્ય ભારતીય ભાષામાં જાય અને વિશાળ વાચકવર્ગ સુધી પહોંચે એથી રુડું શું હોઈ શકે? આભાર મહારાષ્ટ્રૂ રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો અને પુસ્તકના સંપાદકશ્રી સંજય પંડ્યાનો!

--કિશોર પટેલ, 15-04-24 17:24

* * *

Thursday 11 April 2024

મમતા માર્ચ ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

મમતા માર્ચ ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૪૫૫ શબ્દો)

જાદુ (કિરણ વી. મહેતા)

પ્રકૃતિની લીલાનું ઝીણવટભર્યું નિરુપણ આ વાર્તામાં થયું છે. આ રચના વાર્તા ઓછી અને નિબંધ વધુ જણાય છે.

એબ ઈનિશ્યો રોંગ (નીલેશ મુરાણી)

ઉમેદવારો દ્વારા સરકારી નોકરી મેળવવાની અને એમાં કાયમી થવાના સંઘર્ષની વાત. ગરદીથી ભરચક ટ્રેનમાં કોઈક રીતે ઘૂસી ગયા પછી પગ પહોળા કરવાની અમુક લોકોની માનસિકતાનું નિરુપણ થયું છે. કારકૂની રીતરસમ અને ઓફિસના પરિવેશનું વિગતવાર આલેખન.

છાબડીનાં ફૂલ (રેણુકા દવે)

શ્રીમંત સ્થિતિનાં જયશ્રીબેનને એમ હતું કે મધ્યમ વર્ગના કુટુંબમાં પરણેલી એની નાની બેન સોનલ જીવનમાં સંઘર્ષ કરતી હશે. અકસ્માતપણે થોડાંક દિવસો સોનલ જોડે એના ઘેર રહેવાનું થયું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે જિંદગી તો સોનલ અને એના કુટુંબીઓ સારી રીતે માણે છે અને પોતે સુખસગવડવાળી પણ ખોખલી જિંદગી જીવે છે. છાબડીનાં ફૂલ અહીં જીવનની ખુશીનાં પ્રતિક બન્યાં છે. 

તંતુ (જિગીષા પાઠક)

લાંબા સમય પછી વતનમાં પાછા આવેલા હરિભાઈને ગામમાં આવેલું પરિવર્તન જોઈને નવાઈ લાગે છે. પાડોશની સોનલમાં એ જે ભાવનો પડઘો પડતો જોવા ઈચ્છતા હતા એ ના દેખાતાં તેઓ હતાશ થાય છે. ગ્રામ્યબોલીનો પ્રયોગ સારો થયો છે. 

વીતેલા સમયનો માણસ (દીના પંડ્યા)

મિત્રોને અને સ્નેહીઓને પત્રો લખતાં રહીને ભૂતકાળમાં જીવતા એક માણસની વાત.

સિધ્ધાર્થ (દશરથ પટેલ)

બસમાં જોડે પ્રવાસ કરતા એક ગરીબ પણ આત્મવિશ્વાસસભર બાળકને જોઈને કથકને પોતાના વિખૂટા પડી ગયેલા (કદાચ મૃત્યુ પામેલા) પુત્રની સ્મૃતિ તાજી થાય છે. ગ્રામ્ય પ્રદેશના વાતાવરણનું સરસ ચિત્રણ.

અંતિમ યાત્રા (સ્વાતિ નાઈક)

શબવાહિની ચલાવવાનું કામ કરતા રાઘવને એની એક સમયની પ્રિયતમા રાધાના શબને શબવાહિનીમાં લઈ જવાનો વખત આવે છે. એ સાથે જ એના માનસપટ પર રાધાની સ્મૃતિઓ સજીવન થાય છે. સમાજના અમુક લોકોની પછાત માનસિકતાનું આલેખન.

અંતિમ પત્ર (ઈન્દિરા પાર્થસારથી લિખિત મૂળ તમિલ વાર્તા, અનુ. સંજય છેલ)

જાહેર જીવનમાં જવાબદાર અધિકારીઓથી થતી ભૂલો પ્રતિ અંગુલિનિર્દેશ કરતાં ખુલ્લાં પત્રો લખવાનો શોખ ધરાવતા નાયકની દીકરી ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ પામે છે. એવી કરૂણ ક્ષણોમાં પણ નાયક ડોક્ટર વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરવાના બદલે તેની વિરુધ્ધ જાહેર પત્ર લખવાનું વિચારે છે.    

કિયારોસની આત્મહત્યા (એલ. ફ્રાન્ક લિખિત મૂળ કોઈ વિદેશી ભાષાની ગુજરાતી રજૂઆતઃ યામિની પટેલ)

ધીરધારનો ધંધો કરતા એક વ્યવસાયીની યોજનાપૂર્વક હત્યા થાય છે. લાશ પાસેથી એ આત્મહત્યા કરતો હોય એવી ચીઠ્ઠી પણ મળી આવે છે. સફાઈદાર વાર્તા.

રોગાણુની લૂંટ (એચ.જી.વેલ્સ લિખિત મૂળ અંગ્રેજી વાર્તા, અનુ.યશવંત મહેતા)

એક જંતુશાસ્ત્રીએ મહામારી ફેલાવી શકે એવા જીવાણુઓ પોતાની પ્રયોગશાળામાં બનાવ્યા છે. દુષ્ટ બુધ્ધિનો એક આદમી વિશ્વમાં મહામારી ફેલાવવાના ઉદ્દેશથી એ જીવાણુઓ ભરેલી શીશી ચોરી જાય છે. જંતુશાસ્ત્રીને ચોરીની ખબર પડતાં જ પેલા ચોરને પકડી પાડવા દોડ લગાવે છે. પણ જ્યારે એની પત્ની એને અધવચ્ચે જ રોકે છે ત્યારે જંતુશાસ્ત્રી હસી પડે છે અને પેલાને પકડવાનું માંડી વાળે છે. શું પેલી શીશીમાં ખરેખર શું હતું? રસપ્રદ વાર્તા.

--કિશોર પટેલ, 12-04-24 10:55

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

   

Saturday 6 April 2024

ઝરુખોમાં રાજુલ દિવાન અને જયેશ મહેતા ૬ એપ્રિલ ૨૦૨૪






 

ઝરુખોમાં રાજુલ દિવાન અને જયેશ મહેતા ૬ એપ્રિલ ૨૦૨૪

(૮૨૪ શબ્દો)

બોરીવલી પશ્ચિમના સાંઈબાબા મંદિરમાં સાંઈબાબા મંદિર વેલ્ફેર કમિટી દ્વારા આયોજિત સાહિત્યિક કાર્યક્રમ “ઝરુખો”માં શનિવાર તા. ૬ એપ્રિલ ૨૦૨૪ ની સાંજે ગુજરાતી રંગભૂમિના બે અગ્રણી કલાકારો પધાર્યાઃ   અભિનેતા-દિગ્દર્શકશ્રી રાજુલ દિવાન અને નાટકો, સિરિયલો,  તેમ જ ઓટીટી શ્રેણીઓના જાણીતા લેખકશ્રી જયેશ મહેતા.

કાર્યક્રમના સંચાલક કવિશ્રી સંજય પંડ્યા દ્વારા બંને કલાકારોને વારાફરતી પ્રશ્નો પૂછાતાં ગયા અને રસિક શ્રોતાઓ આ બંને કલાકારોની નાટ્યસફરથી પરિચિત થતાં ગયાં.

રાજુલ દિવાન

સ્કુલ-કોલેજના અભ્યાસ દરમિયાન નાટકોનો પરિચય થતાં નાટકોમાં કામ કરવાની લગની લાગેલી પણ ઘરમાંથી સહુ પ્રથમ અભ્યાસ પૂરો કરવાની તાકીદ થયેલી. અભ્યાસ પૂરો થતાં જ ભાઈ રાજુલ એમની ન્યાતના જ એક જાણીતા રંગકર્મી કમલેશ દરુને મળ્યા અને એમને નાટકોમાં કામ અપાવવાની વિનંતી કરી. કમલેશ દરુએ એમને નાટ્યસંપદાના કર્તાહર્તા કાંતિ મડિયા સમક્ષ ઊભા કર્યા. કાંતિ મડિયાએ સૂચવ્યું કે પ્રથમ બેકસ્ટેજમાં કામ કરો, પછી જોઈશું. રાજુલે બેકસ્ટેજમાં કામ કર્યું. બેકસ્ટેજમાં હેલ્પરનું કામ કરતાં કરતાં રાજુલ દિવાને રંગભૂમિને નજીક જોઈ અને જાણી. બેકસ્ટેજમાં કામ કરતાં ક્યારેક તુમાખીભર્યા કલાકારો દ્વારા હડધૂત પણ થતા પરંતુ નાટકનો કીડો રાજુલભાઈને એવો કરડી ગયેલો કે નાટ્યકળાની આરાધના કરવા માટે નાનાંમોટાં અપમાન એમણે સહન કરી લીધાં. છેવટે એની તપસ્યા ફળી અને નાનીમોટી ભૂમિકાઓમાં અભિનય કરવાની તક એમને મળતી થઈ. પરિણામે એમની કળાપ્રતિભાનો પોતાને તેમ જ અન્યોને પણ પરિચય થયો. સોમવારથી શનિવાર ગોરેગામ ખાતે નિર્લોન કંપનીમાં એકાઉન્ટન્ટના હોદ્દે જવાબદારીભરી નોકરી કરવાણી, સાંજે રિહર્સલ્સ કરવાનાં અને રવિવારે નાટ્યપ્રયોગોની ભજવણી કરવાની. એ રીતે લાંબો સમય સુધી એમણે એકસાથે બે નાવમાં સવારી કરી. મુંબઈમાં જ પ્રયોગો હોય ત્યારે બહુ વાંધો ના આવતો પણ બહારગામના શો હોય ત્યારે મુશ્કેલી થતી. કારણ કે પ્રાઈવેટ કંપનીમાં જોઈએ ત્યારે રજાઓ મળતી નહીં. સુરત ખાતે પ્રયોગો દરમિયાન રાજુલ દિવાને દિવસના ગોરેગામ ખાતે ઓફિસ, સાંજે બહારગામની ટ્રેનમાં બોરીવલીથી સુરતનો પ્રવાસ, રાત્રે સુરતમાં નાટ્યપ્રયોગ અને અડધી રાતે મુંબઈ પાછા ફરવા સુરતથી મુંબઈ સુધીની ટ્રેનની સફર. સવારે ફરીથી ગોરેગામની ઓફિસમાં હાજર. એ રીતે તંગ દોરડા પર ચાલવાની કસરત લાગલગાટ આઠ આઠ દિવસ સુધી એમણે એકથી વધુ વખત સફળતાપૂર્વક કરી છે.

ખરજનો અવાજ ધરાવતા રાજુલ દિવાને વોઈસઓવર આર્ટિસ્ટ તરીકે ગુજરાતી ઉપરાંત હિન્દી. મરાઠી, અંગ્રેજી અને અરેબિક ભાષામાં પુષ્કળ કામ કર્યું છે.

જયેશ મહેતા

પોતાને લેખક તરીકે ઘડવામાં મોટો ફાળો મલાડમાં સોમવારી બજાર વિસ્તારમાંના વિચિત્ર પાડોશીઓએ અને સ્કોટર્સ કોલોનીના weird (વિચિત્ર, ભેજાગેપ) મિત્રોએ આપ્યો છે એવો દાવો જયેશ મહેતા કરે છે.

વળી પ્રેમિકાને પ્રેમપત્રો લખી આપવા માટે એમની પાસે મિત્રોની લાંબી લાઈન લાગતી. જયેશ મહેતા શેરોશાયરીના શોખીન હતા અને પ્રેમપત્રોમાં એ શાયરીઓ બહુ કામ આવતી એવું એમણે કહ્યું. પછીથી કોલેજકાળમાં સમાનરસવાળા મિત્રોની સોબતમાં તેઓ કવિતાઓ/વાર્તાઓ લખતા થયા. ઘરમાં દાદીમા પાસે ઘણા લોકગીતો સાંભળ્યા હતાં જે પછીથી નાટકોમાં પણ કામે લાગ્યાં. વાતવાતમાં એક ત્યકતાની જીવનસંઘર્ષની કથાવસ્તુ જયેશ મહેતાએ નાટ્યદિગ્દર્શક વિપુલ મહેતાને કહી સંભળાવી ત્યારે વિપુલ મહેતાને એમાં  “મસાલામામી” નાટક દેખાયું.  એ નાટકનો કન્સેપ્ટ સરિતાબેનને સંભળાવાયો ત્યારે સરિતાબેને શરત કરી કે નાટકનો ઓપનિંગ સીન લખી લાવો. એ મને પસંદ પડશે તો હું નાટક કરીશ. જયેશ મહેતાએ એક અઠવાડિયામાં દ્રશ્ય લખ્યું પણ વિપુલ મહેતાએ એ દ્રશ્ય નાપાસ કર્યું. જયેશભાઈએ બીજા બે દિવસની મહેતલ માંગી. બે દિવસ પછી લખાયેલા દ્રશ્ય જોડે લેખક-દિગ્દર્શક ફરીથી સરિતાબેનને મળ્યા. સીન સાંભળીને સરિતાબેને કહ્યું, “નાટકનું મુહુર્ત જોવડાવો.” જયેશભાઈનો વ્યવસાય છે ગ્રાહકોને વિવિધ પ્રકારના ફાયનાન્સ મેળવી આપવાનો. એક ક્લાયન્ટ જોડે હાઉસિંગ લોન માટે થયેલી માથાકૂટની વાત જ્યારે જયેશ મહેતાએ  નાટ્યદિગ્દર્શક  ઉમેશ શુક્લને અમસ્તાં જ કરી ત્યારે ઉમેશ શુક્લએ કહ્યું કે ભાઈ, આમાંથી તો એક આખું નાટક થાય.  અને એમ તૈયાર થયું નાટક “એક રુમ રસોડુ”.

હળવી ક્ષણો

નાટકમાં થતાં “ભગા” સંબંધે થયેલા પ્રશ્નના ઉત્તરમાં રાજુલભાઈએ ચર્ની રોડ રેર્લ્વે સ્ટેશન નજીકના હિન્દુજા થિયેટરમાં એક પ્રયોગ દરમિયાન થયેલા ગોસમોટાળાને યાદ કર્યો હતો. એક દ્રશ્યમાં ઈન્સપેક્ટરની ભૂમિકામાં રાજુલભાઈ કોઈની પૂછપરછ કરે છે અને “ક્યાં છે પેલો “અબક”?  કેમ એ  દેખાતો નથી?” એસંવાદના પ્રતિસાદમાં પેલા “અબક”એ પ્રવેશ કરવાનો હોય પણ એ આવે જ નહીં!   પેલો પ્રવેશ કરે નહીં અને દ્રશ્ય આગળ વધે નહીં! એટલે છેવટે રાજુલભાઈ બોલ્યા કે “વારુ, હું જ એને પકડી લાવું છું!” એવું બોલી એ બહાર નીકળવા ગયા તો બારણું ખૂલે જ નહીં! વાત એમ હતી કે ગ્રીન રુમનો  દરવાજો ત્યાંથી સાવ નજીક હોવાથી ત્યાંની ગતિવિધિને કારણે નાટકમાં વિક્ષેપ પડતો હોવાથી સેટના એ દરવાજો બહારથી રબર બેન્ડ વડે બંધ રખાતો. પ્રવેશ કરનાર કલાકારે જાતે જ એ દરવાજો ખોલીને આવવાનું રહેતું, સ્ટેજ પરથી એ દરવાજો ખોલી શકાતો નહીં!

છેવટે “ક્યાં છે, ક્યાં છે પેલો હરામખોર!” એવા રાજુલભાઈના બૂમબરાડા પછી પેલા “અબક” ભાઈ હોશમાં આવ્યા, એમણે પ્રવેશ કર્યો અને નાટક આગળ વધ્યું!

પછીથી જાણવા મળ્યું કે એ “અબક” ભાઈને બીડી ફૂંકવાની તલબ લાગેલી એમાંથી એ ભગો થયેલો!     

જયેશભાઈના મિત્રો કેટલા weird હતા એનું એક ઉદાહરણ એટલે નઝર “નંગો”. આ નઝરે સોળ-સત્તર વર્ષની વય સુધી ક્યારેય કમર નીચે એક પણ વસ્ત્ર પહેર્યું નહોતું! લાંબા કુર્તા કે પિતાના/દાદાના ખમીસથી એનું કામ ચાલી જતું! એ દિવસોમાં ટેલિવિઝન સેટ એટલે લક્ઝરી વસ્તુ ગણાતી. કોઈને ઘેર સહુ મિત્રો સાથે નઝર પણ ક્રિકેટ મેચ જોવા કોઈકના ઘેર ગયેલો. ઘરમાલિકને ધીમે રહીને નઝર અંગે શંકા આવી. એમણે નઝરને ઊભો કર્યો. નઝરની પોલ પકડાઈ ગઈ એટલે એને તાત્કાલિક ઘર બહાર તગેડી મૂકવામાં આવેલો.

કાર્યક્રમના અંતમાં શ્રોતાઓની વિનંતીને માન આપીને રાજુલ દિવાને ઝવેરચંદ મેઘાણી રચિત “ચારણકન્યા” ની રજૂઆત કરી. એમની પ્રસ્તુતિ એટલી “જોસ્સાભરી” હતી કે આ લખનાર સહિત અનેક મિત્રોનાં રુંવાડા ઊભાં થઈ ગયાં!

ટૂંકમાં, ઝરુખોની એક યાદગાર સાંજ!

--કિશોર પટેલ, 07-04-24 11:55

* * *

Thursday 4 April 2024

પરબ જાન્યુ-ફેબ્રુ-માર્ચ ૨૦૨૪ ના અંકોની વાર્તા વિશે નોંધ

 







પરબ જાન્યુ-ફેબ્રુ-માર્ચ ૨૦૨૪ ના  અંકોની વાર્તા વિશે નોંધ

(૫૯૧  શબ્દો)

ટિકિટ ધર્મેન્દ્ર (ત્રિવેદી)

ખાલી પેટ અને ખાલી ખિસ્સે ઘરથી માઈલો દૂર ધોમધખતા તડકાતાપમાં એક કિશોરના સંઘર્ષની વાત. બીજે ગામ રહીને નોકરી કરતા પિતાને એક અગત્યનો સંદેશો પહોંચાડવા ગયેલા છોકરાની ભૂલ એટલી જ થઈ કે એ સાદી બસને બદલે એક્સપ્રેસ બસમાં બેઠો. ચાર રુપિયાને બદલે છ રુપિયાની ટિકિટ લેવી પડી ને એનું બજેટ ખોરવાઈ ગયું. પિતા કોઈ કામસર એમના ખાતાની હેડ ઓફિસ ગયેલા હોવાથી મળ્યા નહીં અને જે તે શહેરમાં અન્ય કોઈ જોડે પરિચય નહીં. પિતાની પાડોશણ બાઈએ પાણી પીવડાવ્યું એટલું ખરું પણ વિના ઓળખાણે કોઈ એને શા માટે જમાડે? લારી પરનાં ભજિયા ખાવાનું બજેટ પણ છોકરા પાસે નથી. માતાએ ગણતરીના પૈસા આપેલા. એ પણ બિચારી વધારે ક્યાંથી આપે?

મધ્યમ વર્ગના સંસ્કારી કિશોરના મનોવ્યાપારનું સરસ આલેખન. કોઈની પાસે હાથ ના લંબાવવાની વાત શિખામણની નહીં પણ સંસ્કારની છે. માતાપિતાને કરકસરથી પણ સ્વમાનભેર જીવતાં જોયા હોય એવા બાળકને કશું કહેવું પડતું નથી, એવી ખુમારી આપોઆપ લોહીમાં જ પ્રગટતી હોય છે.

વાર્તાનાયક  ચેખોવ અને ગોર્કીના પાત્રો જોડે સમાનુભૂતિ અનુભવે એમાં એનાં વાચનશોખની ઝલક મળે છે.

શહેરનું તેમ જ બસઅડ્ડાનું વર્ણન પરિવેશને જીવંત બનાવે છે અને વાર્તાકારની સૂક્ષ્મ નિરિક્ષણશક્તિનો પરિચય પણ આપે છે. સરસ વાર્તા.  (જાન્યુઆરી ૨૦૨૪)

રાણકદેવીના ગાલ પરનું લાખું (રાહુલ શુક્લ)

વાર્તા વર્ષ ૧૯૬૮ માં શરુ થાય છે.  શહેરમાં ઉછરેલી રેણુકા લગ્નપ્રસંગે વઢવાણ જાય ત્યારે જાનીવાસમાં સગવડો અપૂરતી હોવાના કારણે નજીકમાં સુરેન્દ્રનગરમાં એક પરિચિતના બંગલે રોકાય છે. અહીં એ સિધ્ધાર્થ નામના યુવાનના સંપર્કમાં આવે છે.  બે યુવાન હૈયાં એકમેકના પ્રેમમાં પડે. વિખૂટાં પડ્યા પછી સિધ્ધાર્થને અમેરિકામાં સ્થિર થયેલી કન્યાનું માગું આવે એટલે એ તો રેણુકાને ભૂલીને લગ્ન કરીને અમેરિકા જતો રહે છે. આ તરફ રેણુકાને સિધ્ધાર્થથી ગર્ભ રહી ગયો છે. સિધ્ધાર્થ તો ગ્રીન કાર્ડધારક કન્યાને પરણીને અમેરિકા જતો રહ્યો છે એવું જાણ્યા પછી રેણુકા ગર્ભપાત કરાવે છે પણ કાયમી ખોડ રહી જવાથી એ અપરિણિત રહે છે. વર્ષો પછી બેઉ મળે ત્યારે રેણુકા સિધ્ધાર્થનો તિરસ્કાર કરે છે. રજૂઆત પ્રવાહી છે.

વાત તદ્દન ફિલ્મી છે પણ આ વાર્તા ખાસ બને છે જ્યારે રેણુકા આખી વાતને ઐતિહાસિક સંદર્ભો સાથે જોડે છે. આ વાત જો કે હવામાંથી નથી આવી, એનું બીજ વાર્તામાં પહેલેથી છે. પહેલી મુલાકાતમાં જ સિધ્ધાર્થે જ સિધ્ધરાજ જયસિંહ અને રાણકદેવીનો ઈતિહાસ કહ્યો હોય. સિધ્ધરાજે રાણકદેવીને મેળવવા રાખેંગારની અને એમનાં બે બાળકોની કતલ કરી હોય. રાણકદેવી સિધ્ધરાજને વશ ના થતાં ચિતાએ ચડી ગઈ હોય વગેરે. રેણુકા આ ઈતિહાસ જોડે પોતાની જાતને  જોડે છે. સિધ્ધાર્થના દગાને કારણે એણે ગર્ભપાત કરાવવો પડ્યો હતો. પાત્રોનાં નામ જુઓઃ સિધ્ધાર્થ-સિધ્ધરાજ જયસિંહ, રેણુકા-રાણકદેવી.  (ફેબ્રુઆરી ૨૦૨૪)

વિશ્વકર્મા શિરીષ (પંચાલ)

મનુભાઈને પિતાની સંપત્તિમાં રસ નથી.  પિતા જોડે એમનો સંબંધ છેક જ ઔપચારિક રહે છે. ઘરની સ્ત્રીઓ દ્વારા પિતા-પુત્રનો સંબંધ સુધારવાનો પ્રયાસ નિષ્ફળ જાય છે. શું કનુભાઈના દિલમાં રામ વસે છે? રસપ્રદ અને પ્રવાહી રજૂઆત. (માર્ચ ૨૦૨૪)

લઘુકથા

નીલકંઠ (કાલિન્દી પરીખ)

શિવાલયમાં ગુરુજીના મુખે શિવપુરાણ સાંભળ્યા પછી ભગો ભગવાન શંકર જોડે સમાનુભૂતિ અનુભવે છે, એણે પોતે પણ કેટકેટલું ઝેર પચાવ્યું છે સંસારમાં!  (ફેબ્રુઆરી ૨૦૨૪)

અનુવાદ

અજ્ઞાત (મૂળ લેખક રેખા બૈજલ, અનુવાદઃ વિજય સેવક)

આશ્રમમાં મેઘન નામનો  એક અજાણ્યો યુવક આવે છે. જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છાથી આવેલા મેઘનને આશ્રમમાં પ્રવેશ મળી જાય છે. આશ્રમના ગુરુજી એનામાં રહેલી પ્રતિભા ઓળખી જાય છે.  મેઘનને સતત પ્રશ્નો થયાં કરે છે. કેટલીક વાર તો ગુરુજી પણ તેની પૃચ્છા સંતોષી શકતા નથી. તેનામાં રહેલી જ્ઞાનપ્રાપ્તિની ભૂખ આશ્રમના આચાર્યને બરાબર સમજાય છે.  વધુ અભ્યાસ માટે તેઓ એને મુક્ત કરી દે છે.

આ રચના વાર્તા ઓછી અને પ્રશ્નોત્તરી વધુ લાગે છે. (ફેબ્રુઆરી ૨૦૨૪) 

(આ વાર્તા મૂળ કઈ ભાષાની છે તેની માહિતી વાર્તા જોડે અંકમાં આપવામાં આવી નથી.)

--કિશોર પટેલ, 05-04-24 11:59

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###