Wednesday 27 May 2020

જલારામદીપ મે ૨૦૨૦ અંકની વાતાઓ વિષે


જલારામદીપ મે  ૨૦૨૦ અંકની વાતાઓ વિષે:

(૬૯૩ શબ્દો)

આ અંકમાં એક પ્રયોગાત્મક વાર્તા છે અને એક વિવાદાસ્પદ વાર્તા છે. પ્રયોગાત્મક વાર્તાથી શરૂઆત કરીએ.

શયનેષુ રંભા (વિનોદ ગાંધી) :

જાહેર બગીચામાં બાંકડા પર બેઠેલા વાચક જોડે કથક સંવાદ શરુ કરે છે. ઔપચારિક વાતો પછી કથક વાચક પર આરોપ મૂકે છે કે મારી પત્નીને તું ભગાડી ગયો તેને મારી પાસે પાછી મોકલી દે. આ લાંબુ ચાલે છે. પછી તો એક દિવસ કથક જેનો દાવો કરે છે એ વાચકની પત્ની બગીચામાં આવે છે. હવે કથકને એનામાં રસ નથી. એને બીજી સ્ત્રીમાં રસ છે. અજબગજબ સમીકરણો રચાય છે.    

માણસ માત્ર પ્રકૃતિએ બહુગામી (polygamous) હોય છે એ સિધ્ધાંત પર રચાયેલી એક હળવી શૈલીની સરસ પ્રયોગાત્મક વાર્તા.   

આ રીતે અવાય? (દશરથ પરમાર ) : શહેરી રીતભાતથી અજાણ અને ભોળા સ્વભાવનો ગામડિયો ભૂરો અને એના એકપક્ષી પ્રેમનું કેન્દ્ર બાળપણની ભેરુ શોભના. શોભના પરણીને સારા ઘરમાં સ્થિર થઇ છે જયારે ભૂરો જીવનમાં બધાં મોરચે નિષ્ફળ થઇને પાયમાલ થયેલો છે. આમ છતાં કોણ જાણે કેમ ભૂરો શોભના પાસે પ્રેમનો એકરાર કરવા બેબાકળો બન્યો છે. બે વાર એ શોભનાના ઘરની મુલાકાત લે છે, પહેલી વાર તો એ શોભનાના હાથની ચા પામે છે પણ એના હૈયાની વાત હોઠે આવતી નથી અને બીજી વાર એ હિંમત કરે છે ત્યારે શોભના સુધી તો પહોંચતો નથી પણ ઉલટાનું સોસાયટીના પુરુષોનો માર ખાવાનો વારો આવે છે. કશું જ ના જાણતી શોભનાને પ્રશ્ન થાય છે: આ રીતે અવાય? કટાક્ષમય ભાષામાં સારી રજૂઆત.      

માતા અને પુત્રના સ્નેહસંબંધની બે વાર્તાઓ છે. “મરદ માણસ” અને “માનું હૈયું”.

મરદ માણસ (અર્જુનસિંહ રાઉલજી) : જયારે એક ન્યાયાધીશ પોતાને જ આરોપીના પિંજરામાં ઊભેલો જુએ. સારી વાર્તા. ચમત્કૃતિભર્યો અંત.

માનું હૈયું (ડો. વિરંચિ ત્રિવેદી) : બોધકથા. એક માતાની સંતાન પ્રત્યેની લાગણી વૈશ્વિક હોય છે એને દેશની, ધર્મની કે ભાષાની સરહદ નડતી નથી. 

સમજ (સતીશ વૈષ્ણવ) : એક વહેમી સ્વભાવની સ્ત્રીની ઘટનાપ્રચુર દીર્ઘ કરુણાંતિકા. થંભી ગયેલો સમય (પ્રજ્ઞા પટેલ) : વિજાતીય મૈત્રીસંબંધને સમાજ કાયમ શંકાની નજરે જોતો આવ્યો છે. લોકોપવાદના ડરથી આવા એક સંબંધ પર નાયિકા પૂર્ણવિરામ મૂકી દે છે. નાયિકાના આ પગલાં સાથે વાર્તામાં કોઇ શક્યતા બાકી રહેતી નથી. અંત વિષે અન્ય સંભાવનાઓ તપાસવાની જરૂર હતી.  સંગાથ (ધરમાભાઇ શ્રીમાળી) : સમસ્યાથી ઘેરાયેલો માણસ ક્યાંક ઉકેલ મળશે એવું દેખાય તો ડૂબતાંને તણખલાનો સહારો એ રીતે પાછળ પડી જાય.  કર્કશા પત્નીથી કંટાળેલા એક આદમીની વાત. રસપ્રદ રજૂઆત. ગ્રામ્ય બોલીનો સારો પ્રયોગ. ડચૂરો (કનુ આચાર્ય) : મૂંગી અને માનસિક અસ્થિર છોકરી અને એની માતાના સ્નેહસંબંધની વાત. ઈશ્વર પેટલીકરની બહુખ્યાત વાર્તા ‘લોહીની સગાઈ’ ની યાદ અપાવે એવાં જ પાત્રો, ઘટનાક્રમ અને અંત.  
“સમયનાં તાણાવાણા” એક વિવાદાસ્પદ વાર્તા છે.

સમયનાં તાણાવાણા (ડો. કુમાર જૈમીની શાસ્ત્રી) : આ વાર્તામાં લેખક શું કહેવા માંગે છે? લાગણી કરતાં પૈસા મહત્વનાં છે? આ વાર્તાનો સૂર તો કંઇક એવો જ નીકળે છે.

પિતાની ઈચ્છા વિરુદ્ધ સુષ્માએ મનગમતા યુવક જોડે લગ્ન કર્યા. પિતાએ દીકરી જોડેના સંબંધ સમાપ્ત કરી દીધાં.  સુષ્મા પોતાના પતિ સાથે માઈલો દૂર બીજા શહેરમાં ઘર વસાવે છે, સ્વતંત્ર કારકિર્દી બનાવે છે. આ પચીસ વર્ષમાં દીકરી કે  પિતા બેમાંથી કોઈએ એકબીજાની ખબર લીધી નથી. પચીસ વર્ષે સુષ્માને મરણપથારીએ પડેલા પિતાનો એક પત્ર મળે છે.

પત્ર વાંચ્યા પછી:  ૧. પચીસ વર્ષો સુધી નાયિકાએ ચણેલા અહમનો પહાડ પૂરેપૂરો ધોવાઇ જાય છે. ૨.  શોકના પ્રસંગે શ્વેત વસ્ત્રો ધારણ કરવા એટલે દંભ કરવો પહેરવાં એવું માનતી નાયિકા પિતાના મૃત્યુની જાણ થતાં શ્વેત વસ્ત્રો ધારણ કરે છે. ૩. સુષ્માના પિતાનો પત્ર વાંચીને સુષ્માનો પતિ સુહાસ રડી પડે છે.   એ બોલે છે: “ડેડી ઈઝ યુનિક!”

પત્રમાં એવું શું લખ્યું હતું સુષ્માના પિતાએ?

સુષ્માના પિતાએ માફી નથી માંગી. એણે તો દીકરીને સ્પષ્ટ જણાવ્યું હતું કે આપણા અબોલા કાયમ છે. એમ પણ કહે છે કે એ જીવે ત્યાં સુધી એણે પિતૃગૃહે પગ નહીં મૂકવો.

તો પછી દીકરી-જમાઈનો સુષ્માના પિતા માટેનો  અભિપ્રાય કેમ બદલાઈ જાય છે?

સુષમાના દાદાએ સુષ્મા માટે અમુક રકમ બેન્કમાં ફિક્સ ડિપોઝીટમાં મૂકી ગયેલા જે વ્યાજ સાથે વધીને પચીસ લાખ થઇ. પત્ર સાથે એ રૂપિયા પચીસ લાખનો ચેક બીડેલો હતો!

પિતાએ દીકરીની ઈચ્છાને માન આપ્યું નથી, પોતે દીકરી પ્રત્યે કરેલાં અન્યાયની માફી નથી માંગી; કેવળ સુષ્માના દાદાએ પૌત્રી માટે મૂકેલી મૂડી વ્યાજ સાથે સુપરત કરી છે.

આમાં એ માણસે શું કમાલ કરી? એ પૈસા તો એ ના ઈચ્છતા હોય તો પણ કાયદેસર દીકરીને જ મળવાના હતા! અને ધારો કે પોતાની સંપત્તિમાંથી એમણે પચીસ લાખ આપ્યાં હોય તો પણ શું?

શું માનવીય મૂલ્યો વિષે લેખક એક નવી વિચારધારા રજૂ કરે છે? શું માનવીય લાગણી કરતાં રૂપિયો-પૈસો વધુ અગત્યનાં છે? વિવાદાસ્પદ વાર્તા.

###   

કિશોર પટેલ; મંગળવાર, 26 મે 2020; 7:49 ઉત્તર મધ્યાહ્ન

  


Monday 25 May 2020

પરબ એપ્રિલ મે ૨૦૨૦ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે


પરબ એપ્રિલ મે ૨૦૨૦ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે :

(૨૬૩ શબ્દો)

માવઠું (કિશનસિંહ પરમાર) :

સ્ત્રીસશક્તિકરણની વાત. એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? સઘળાં સંજોગો વિરુદ્ધમાં હોવા છતાં નાયિકા હામ હારતી નથી. “કોઇ તારી સાથે ના આવે તો એકલો જાને રે...” કાવ્યપંક્તિમાંથી પ્રેરણા લેતી હોય એમ નાયિકા એકલે હાથે કૂવો ગાળવાનું ભગીરથ કામ હાથમાં લે છે. અકસ્માતે ઘાયલ થતાં ખાટલે પડે છે છતાં સંજોગોને શરણે જતી નથી. કહે છે કે માણસ પ્રબળપણે કોઇ ઈચ્છા કરે તો સંપૂર્ણ બ્રહ્માંડ એની મદદે દોડી આવે છે. એક તરફ એને ત્યજી દેનારો પતિ દેખા દે છે અને બીજી તરફ રૂઠેલો વરસાદ પણ વરસે છે.

વાર્તામાં ગ્રામ્ય વાતાવરણ સારું ઝીલાયું છે. ગામડાંના ખેડૂતોની વ્યાવહારિક સમસ્યાઓ, આર્થિક મૂંઝવણો અને ગામડાંનાં માણસોની માનસિકતા પર આ વાર્તામાં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. નાયિકા દીવાનું પાત્રાલેખન સશક્ત થયું છે. અન્ય સર્વે ગૌણ પાત્રોનું આલેખન યથાયોગ્ય. સારી વાર્તા.

પૂંજી, અમરા, રૂપલો અને બાદર જેવાં નામ તો આ લખનારે સાંભળ્યા છે પણ સ્ત્રી માટે “દીવા” તેમ જ પુરુષ માટે “માલા” અને “રૂમાલ” જેવાં નામો પહેલી વાર જાણવામાં આવ્યાં.           

લોકશક્તિ ૨૨૯૨૮ (ગિરિમા ઘારેખાન) :  

લાંબા પ્રવાસની એક ટ્રેનમાં પહેલી વાર સાસરે જતી એક નવપરિણીતા સહુથી છાની રડ્યા કરે છે.  ટ્રેનના સહુ પ્રવાસીઓ જંપી જાય પછી પેલી ચૂપચાપ ડબ્બાની બહાર જાય ત્યારે કથકના પેટમાં ફાળ પડે: રખે ને એ ટ્રેનમાંથી કૂદી પડે! ગભરુ બાલિકાનો જીવ બચાવવા કથક દોડી જાય. પણ ત્યાં એ શું જુએ છે?   
સરસ વાર્તા. રહસ્ય સાદ્યંત જળવાયું. અંતની ચમત્કૃતિ જબરી.

ફરિયાદ કેવળ શીર્ષક માટે છે. આનાથી વધુ સારું શીર્ષક આપી શકાયું હોત.

લોકડાઉનના આ કપરાં સમયગાળામાં “પરબ”નો આ એપ્રિલ-મે ૨૦૨૦ સંયુક્ત અંક ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરી આપવા બદલ ગુજરાતી સાહિત્ય પરિષદનો આભાર.

-કિશોર પટેલ; સોમવાર, 25 મે 2020; 12:05 ઉત્તર મધ્યાહ્ન

###    


Friday 22 May 2020

જલારામદીપ એપ્રિલ ૨૦૨૦ ડિજિટલ અંકની વાર્તાઓ વિષે:


જલારામદીપ એપ્રિલ ૨૦૨૦ ડિજિટલ અંકની વાર્તાઓ વિષે:
(૬૮૩ શબ્દો)

સ્માર્ટ પપ્પાની સ્માર્ટ દીકરી (દક્ષા બી. સંઘવી) :

સરસ વાર્તા. માનસિક અક્ષમ યુવતીની વાત. લગ્ન માટે એને જોવા આવેલાં ઉમેદવાર સમક્ષ માતાપિતાએ સત્ય છુપાવીને દીકરીને વળાવી દીધી. સાસરે સત્ય પ્રગટ થયું પછી રચાયું એક કાવતરું. “ગોઠવાયેલાં” અકસ્માતમાંથી પોતાની વાત કહેવા બચી ગયેલી નાયિકાની દર્દભરી દાસ્તાન.
નાયિકાને જ કથક બનાવીને પ્રથમ પ્રુરુષ એકવચન કથનશૈલીમાં વાર્તાની રજૂઆત કરીને લેખકે મેદાન મારી લીધું. ક્થકનું બયાન સમતોલ અને સચોટ છે. એની માનસિકતાનું આલેખન સરસ થયું છે. માતાની લુચ્ચાઇ, પિતાનો સ્નેહ, સાસરિયાંની મેલી રમત સઘળું વ્યવસ્થિતપણે સાકાર થાય છે.
આ વાર્તા દ્વારા લેખક એક મોટું સામાજિક સ્ટેટમેન્ટ કરે છે. આપણે શા માટે સત્યનો સ્વીકાર કરતાં નથી? બે સંતાનોમાંથી સરખામણીએ એક ઓછું હોંશિયાર હોઇ શકે છે, એ “ઢ” હોય શકે છે, આપણે શા માટે એનો સ્વીકાર કરતાં નથી? આવી માનસિક અક્ષમ દીકરીની યોગ્ય સારવાર થવી જોઈએ. યેનકેન પ્રકારે એનાં પણ લગ્ન કરી દઈને, વળાવી દઈને હાથ ઊંચા કરી દેવાનાં? સાસરિયાંએ પણ સત્યની જાણ થયાં પછી શું કર્યું? વેવાઈ જોડે મિટિંગ કરીને એમને પૂછી શકાય કે એમણે કેમ એવી છેતરામણી કરી? એ લોકો છૂટાછેડા આપી શક્યા હોત, અહીં તો આ લોકોએ એની હત્યાનો પ્રયાસ કરે છે! માબાપ અને સાસરિયાં સહુ એકસરખાં અપરાધી છે. અંકની શિરમોર વાર્તા.

અંધારા (ડો. પ્રભુદાસ પટેલ) : ગ્રામ્યસમાજની એક કરુણાંતિકા. વ્યસન અને વ્યાધિએ બાબુનું કેવળ શરીર જ નહીં, મન પણ કોતરી ખાધું છે. એક જણના પાપે આખું કુટુંબ આપદા ભોગવે છે. આ વાર્તામાં “અંધારા” એટલે જ્ઞાનનો અને સમજણનો અભાવ. શીર્ષકને સાર્થક કરતી વાર્તા.    

પડથારો (ગોરધન ભેસાણિયા) : ગામડાંના ખેતીકારણની વાત. જગાબાપાની જમીનમાં ભાગે ખેતી કરતા ખેડૂત જીવાની લાલચ વધતી જાય છે ને હાથમાં આવેલું પણ એ ખોઈ બેસે છે. મહેનતુ પણ બુદ્ધિમાં નાના માણસની નબળાઇ એને પોતાને જ નડે છે. જીવાના મનોભાવોનું આલેખન સારું. 

આન્ટી (કલ્પેશ પટેલ) : પિતાની પરિચિત પુખ્ત વયની સ્ત્રીના સંપર્કમાં આવતાં બદલાતું એક તરુણનું ભાવજગત. વિષય હટ કે, ઓછો ખેડાયેલો, પણ રજૂઆત સામાન્ય. તરુણની માનસિકતા જોડે હજી સારું રમી શકાયું હોત.  આન્ટીનું પાત્રાલેખન ઉપરછલ્લું થયું છે.   

વાસંતી વાયરા (કીર્તિકાન્ત પુરોહિત) : સામાન્ય રીતે પુરુષો ઈચ્છતા હોય છે કે પોતાની પ્રેમિકા/પત્ની સુડોળ હોય તેમ આજની સ્ત્રી પણ ઈચ્છે છે કે પોતાનો પ્રેમી/પતિ દેખાવડો હોય, સપ્રમાણ દેહયષ્ટિ ધરાવતો હોય. આ વાતને અધોરેખિત કરે છે આ વાર્તા. 
સી.એ. થયેલો અને આયાત નિકાસનો વ્યવસાય કરતો ચિરંતન અને વકીલાત કરતી માનસી બંને નાટકના લાગલગાટ ત્રણ વર્ષ સુધી પ્રયોગો પણ કરે અને સાથે સાથે પોતપોતાના વ્યવસાય પણ કરે એવું વાસ્તવિક જીવનમાં શક્ય નથી. આજે નાટક પૂર્ણ સમયનો વ્યવસાય છે.
વાર્તામાં એક ઠેકાણે માનસી વિષે એવું કહેવાય છે કે “...માનસી પોતે તેના પિતા માફક દેખાવ-સૌંદર્ય અને કાયાની કમનીયતા માટે સતત સજાગ હતી...” પિતાની જેમ કે માતાની જેમ?   
સામાન્ય વાર્તા. સામાન્ય કથાવસ્તુની સામાન્ય રજૂઆત.       

ફલાદેશ (ચતુર પટેલ) : જુલીનું લગ્નજીવન સફળ રહ્યું છે. ત્રણે સંતાનો પરણીને પોતપોતાના સંસારમાં સુખી છે. મૂળમાં આ રંગેરૂપે કદરૂપી જુલીને એક દેખાવડા યુવકે લગ્ન માટે પસંદ કરી એની પાછળનું ખરું કારણ છેક પચીસ-ત્રીસ વર્ષે જાણ થાય તેથી શું? ના થાય તો પણ શું? વાર્તાનો મૂળ વિચાર અત્યંત પાતળો છે. વળી રજૂઆત પણ અવાસ્તવિક છે. આજના જમાનામાં કોઈ શહેરી અને શિક્ષિત સ્ત્રી પોતાના ઘરમાં અજાણી વ્યક્તિને આવકાર આપે નહીં અને આખો દિવસ આગતા-સ્વાગતા કરે નહીં. બીજી વાત કે આખો દિવસ જોડે ગાળ્યા પછી પણ કોઈ સ્ત્રી પોતાની એક માત્ર ઘનિષ્ઠ સખીને ઓળખી ના શકે એ વાતમાં માલ નથી.  તર્કહીન વાર્તા.

સમાધાન (જિતેન્દ્ર પટેલ) : પતિ-પત્ની વચ્ચે રુચિભેદ. પત્ની પ્રત્યે પતિને પરવા ન હોય અને પત્ની કાચા કાનની હોય ત્યારે સંસારમાં કલહ ના થાય તો જ નવાઈ.  અહીં કલહ પણ માનસિક સ્તરે જ રહી જાય છે. સામાન્ય કથાવસ્તુ, સામાન્ય રજૂઆત.      

ઈચ્છામોક્ષ (જયશ્રી ચૌધરી) : હવે વાર્તામાં પણ “એક પર એક ફ્રી” યોજના લાગુ થઇ છે. પ્રસ્તુત વાર્તામાં એક નહીં બે વિષય છે: જ્ઞાતિ બહાર લગ્ન અને વરિષ્ઠ નાગરિક જોડે પોતાના જ ઘરમાં થતું ગેરવર્તન. બે વત્તા બે બરાબર ચાર એટલા સહેલા દાખલા જેવી સામાન્ય વાર્તા.  પૂર્ણ-અપૂર્ણ (યોગેશ પંડ્યા) : અભણ પણ મોટા મનના માનવીની વાત. ગામડાંના માણસોની માનસિકતા ચિત્રિત થઇ છે. સીધી લીટીની સરળ વાર્તા. પિયાનો (ડો. નવીન વિભાકર) : આ રચના વાર્તા નથી, એક આદમીની મૃત માતાનું સ્મૃતિચિત્ર છે. સત્ય ઘટના હોય તો પણ શું? બાળપણાની પ્રીત (પ્રવીણ ગઢવી) : આ વાર્તા નથી. એક આદમીના બાળપણનું સ્મૃતિચિત્ર છે, ગામડાઓમાં રૂઢ થઇ ગયેલાં જ્ઞાતિભેદનું આલેખન છે, એકની એક વાતોનું હદ બહારનું પુનરાવર્તન છે, પણ વાર્તા તો--નથી જ.

-કિશોર પટેલ; શનિવાર, 23 મે 2020; 11:49 પૂર્વ મધ્યાહ્ન   

###


Tuesday 5 May 2020

એતદ જાન્યુ-માર્ચ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે


એતદ જાન્યુ-માર્ચ ૨૦૨૦  અંકની વાર્તાઓ વિષે:
(૮૯૫ શબ્દો)

શકરોબાજ (પ્રભુદાસ પટેલ) :

ઊંચા આકાશમાં ઊડતાં અને દૂર દૂરનું જોઈ શકતાં પંખીની જયારે અવદશા બેસે ત્યારે? ગામડાની ભોળી પ્રજાને નાનીમોટી તકલીફમાં ધાગા-દોરા કરી આપીને મૂર્ખ બનાવતાં ભગતનો પગ પરગામની એક સ્ત્રીના કુંડાળામાં પડી જાય છે.  માતાજીની ભક્તિનો જાદુ ઓસરી જાય છે અને અણીના સમયે સરપંચ પણ ગામમાંથી પલાયન કરી જાય છે. ભગતની નબળી પડેલી માનસિક સ્થિતિનું સારું ચિત્રણ. આ નિમિત્તે ગામડાંની અભણ દલિત કોમમાં વ્યાપેલી અંધશ્રદ્ધાનું વાસ્તવિક આલેખન. ગ્રામ્યબોલીનો અસરકારક પ્રયોગ.

નજરે પડેલી ક્ષતિ: નાયકનું નામ મેઘલો છે પણ એક-બે ઠેકાણે રઘલો પણ લખાયું છે. 

નંબર ૭૦૩ (પ્રિયંકા જોશી ‘પ્રેમપ્રિયા’) :

નવજાત શિશુઓનો વેપાર જેવી ગુનાહિત પ્રવૃત્તિ પર આ વાર્તા પ્રકાશ પાડે છે. પોતાનો પતિ લોહીના વેપારમાં સામેલ હોય એની ખબર નાયિકાને છેક ચાર સંતાનો છીનવાઈ જાય પછી ખબર પડે એ ગળે ઉતારવું મુશ્કેલ છે. આવો માણસ સંવેદનશૂન્ય હોય, ગમે એટલો સારો અભિનેતા હોય તો પણ પત્નીને જાણ થતાં આટલી વાર લાગવી જોઈએ નહીં. નાયિકાની માતા સમાન “આઈ” પાસે પુરુષોને નફરત કરવાનું ચોક્કસ કારણ હોવું જોઈએ. “આઈ”નું પાત્ર ત્રિપરિમાણીય બને તો વાર્તા વધુ ખીલે.

નોંધનીય અભિવ્યક્તિ: “...પથારીમાં પડેલી બરફની પાટ જેવા મારા શરીરથી હવે રમેશ દાઝી ઊઠતો નહીં.”       
વાસ (માવજી મહેશ્વરી) :

સંબંધવિચ્છેદની વેદનાની વાત.

આ વાર્તા રચનારીતિની દ્રષ્ટિએ મહત્વની બની છે. લેખકે નારણની એકલતાનું દુઃખ ગાઢું બનાવવા તેના દુઃખી જીવનની સમાંતરે સહપાઠી કરમણના સુખી સંસારનું ચિત્ર વિગતે દોર્યું છે. કરમણને પહેલેથી ખેતીકામની સૂગ છે, એના બે ભાઈઓ છે એટલે એના માથે જમીનની-ખેતીની-જવાબદારી આવી નથી, એ ભણીગણીને માસ્તર થયો છે, ભાગે પડતી જમીન વેચીને દીકરાને શહેરમાં દુકાન કરી આપી છે, દીકરો મોટરમાં ફરે છે ને માવતરને પણ ફેરવે છે. સામે પક્ષે નારણની સમસ્યાઓનો અંત નથી. અતિવૃષ્ટિના કારણે મગફળીના પાકમાં નુકસાન થયું છે. સંસારમાં નારણ દુઃખી છે. વધુ ભણેલી પત્ની જયાને ખેતીકામ આવડતું નથી, કરવું નથી ને વળી ખેતીકામમાં ખરડાયેલાં પતિના શરીરમાંથી આવતી વાસ એનાથી સહન થતી નથી. જયા પતિગૃહને ત્યજીને પિયર જતી રહે છે. માનાં અને પોતાના સરળ સ્વભાવના કારણે નારણ પત્નીને ફારગતી આપતો નથી અને બીજી સ્ત્રી પણ લાવતો નથી. અંત સૂચક છે, નફરત કરવા યોગ્ય પાત્ર મૃત્યુ પામ્યું પછી જીવવું શેને માટે?

આટલી સરસ વાર્તામાં શરૂઆત થોડી ખૂંચે છે. “સોનાની થાળીમાં લોઢાનો મેખ” કહેવત અમસ્તી નથી પડી.  વાર્તાનો પ્રારંભ ગેરમાર્ગે દોરે છે:   

“...પંખીઓના માળા વિખેરાઈ ગયાં હતાં. પંખીડા ઊડી ગયાં હતાં. એ પંખીના બચ્ચાં પણ મોટા થઇ ગયાં હશે. આ સીમમાં જ કોઈ ઝાડ પર બેઠાં હશે. એ માબાપને ઓળખતાં નહીં હોય. પંખી તો ઊડી જાય, માણસ ઊડીને ક્યાં જાય? નારણને એવું થયું...”

એવું લાગ્યું  કે સંતાનવિરહ કે સંતાનવિચ્છેદની વાર્તા હશે પણ વિષય તો આપણે જોયું એમ અલગ જ છે.  

ગાંધીજી કહે છે (મહેશ શાહ) :

સરસ કટાક્ષકથા. આજકાલ આપણા દેશમાં કોની લાગણી ક્યારે દુભાઇ જશે એનું કંઇ ઠેકાણું નથી. ત્રણ છોકરાઓ રમત રમતમાં એક પાર્કમાં બરફના ચોસલાંમાંથી ગાંધીજીનું પૂતળું બનાવે છે. મહોલ્લાનાં ત્રણ જુદાં જુદાં માણસોને, દરેકને એવું  લાગે છે છોકરાઓએ એની જ મશ્કરી કરી છે. તેઓ વારાફરતી છોકરાંના પિતા પાસે ફરિયાદ લઈને આવે છે.

ઓળખ (મનોજ સોલંકી) :

સરસ વાર્તા. લઘુતાગ્રંથિ એવી સમસ્યા છે જેનો કોઈ ઈલાજ નથી. વાર્તાની નાયિકા મીરાં ગૃહિણી છે, એ ભણેલી છે પણ નોકરી કરતી નથી એટલે એનો પતિ મંયક લઘુતાગ્રંથિ અનુભવે છે. પ્રયત્નોના અંતે મીરાંને સરકારી નોકરી મળે છે, પણ હવે મંયકને નવેસરથી  લઘુતાગ્રંથિ વળગે છે. અંતની ચમત્કૃતિ સરસ.

વાર્તા ત્રીજા પુરુષ એકવચનમાં કહેવાઈ છે પણ મીરાંના કેન્દ્રબિંદુથી કહેવાઇ છે. મીરાનું ભાવજગત સારું ઝીલાયું છે. મંયકનું પાત્રાલેખન સારું, ઝીણવટભર્યું. એના મૂડ વિષે જે કંઇ વર્ણનો થયાં છે એમાં લેખકનાં નકશીકામની ઝલક મળે છે. વાર્તામાં આ દંપતીને મિત્રોમાં કે સ્નેહીજનો વચ્ચે હળેમળે છે એવું ના બતાવતાં પાર્ટીમાં ફરતાંફરતાં બતાવાયાં છે. આ આજના ઉચ્ચ મધ્યમ વર્ગની બદલાયેલી રહેણીકરણીની ઝલક છે.

જો વાર્તા મીરાંના મુખે પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાઇ હોત તો...ખેર, જે રજૂઆત આપણી સામે આવી છે એ પણ ઓછી પ્રતીતિજનક તો નથી જ.

એનિવર્સરી (દીપક રાવલ) :

વિદેશમાં, ખાસ કરીને પશ્ચિમ ગોળાર્ધમાં વસતાં ભારતીય સમાજનું ચિત્રણ. વરસો સુધી ત્યાં રહ્યાં પછી ત્યાંની સંસ્કૃતિનો રંગ લાગવો સહજ છે. પરણવું, છૂટાં પડવું, લીવ-ઇનમાં રહેવું-છૂટાં પડ્યાં પછી પણ મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવા, સ્ત્રીઓનું શરાબસેવન  ઇત્યાદિનું  સરસ આલેખન.

વિદેશમાં આપણા ભારતીય પુરુષો કઈ રીતે મહત્વાકાંક્ષા, કોઠાસૂઝ, અને પરિશ્રમના બળે પ્રગતિ કરે છે તેનાં બે પ્રતિનિધિ પાત્રો એટલે  રાજુ અને પંચમ; આ બે પુરુષપાત્રો.

ભારતીય સ્ત્રીઓ બાહ્ય સ્વરૂપે કેટલી આધુનિક કેમ ના બની હોય, પોતાની વિલક્ષણ અને સ્ત્રીસહજ લાગણીઓ અકબંધ રાખે છે. પંચમથી છૂટાં પડ્યા બાદ લાંબા સમય પછી પંચમનું ઘર જુએ છે. એ નોંધે છે કે પંચમની નવી પત્ની શ્રદ્ધાએ પોતે વસાવેલા ઘરમાં કેટલાં બધાં ફેરફાર કર્યા છે. એ ફરિયાદ નથી કરતી, ઝગડતી પણ નથી, કેવળ નોંધે છે. અહીં એનામાં રહેલી ઈર્ષા જાગૃત થાય છે.  

વર્ષાનો નવો જીવનસાથી રાજુ જયારે પીધેલો થઈને પત્ની વિષે એલફેલ બોલે છે ત્યારે વર્ષા સહજ રહે છે. માનસિક રીતે વર્ષા કેટલી મજબૂત છે એ બતાવ્યું છે.           

એક વાત સમજાતી નથી: વર્ષા પંચમથી છૂટી કેમ પડી? આ બંને વચ્ચે ક્યાંય મતભેદ, ખટરાગ, કોઈ સમસ્યાનો ઉલ્લેખ થયો નથી. આ બે જણનું છૂટાં  પડવાનું કારણ શું?

સ્કેચ (અર્જુનસિંહ રાઉલજી) :

એક પીડિતાની વ્યથા-કથા.

ગરીબ પરિવારની એક કન્યાનો ભાવિ પતિ એક સાંજે એને મળવા આવે છે. નાનકડા ઘરમાં એકાંત તો મળે નહીં, એટલે વાતો કરવા ઘરથી દૂર નિર્જન વિસ્તારમાં બંને જાય. ત્યાં તેઓ બે મવાલીઓ ધાકધમકી આપી નાયિકા જોડે બળાત્કાર કરીને ખરાબ સ્થિતિમાં પડતી મૂકીને ભાગી જાય છે. નાયિકા પોલીસ ફરિયાદ કરે અને પછી શું બને છે એ આ વાર્તાનો વિષય છે.

પોલીસ, પોલીસના ઉપરી અધિકારીઓ, હોસ્પિટલના ડોકટરો, તપાસકર્તાઓ, સમાજસેવકો વગેરે દ્વારા થતી પૂછપરછ દરમિયાન નાયિકા બીજી વાર બળાત્કારની પીડા અનુભવે છે. એક ચિત્રકાર વર્ણનના આધારે ગુનેગારોનો સંભવિત સ્કેચ બનાવે છે. નાયિકા કહે છે: એના કરતાં મારો જ સ્કેચ બનાવવો હતો, કેટલાં બધાં લોકો ઉમટી પડ્યાં હોત!

કરુણ વાર્તા.

-કિશોર પટેલ; મંગળવાર, 05 મે 2020;5:50 ઉત્તર મધ્યાહ્ન                   

###

નવનીત સમર્પણ મે ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે




નવનીત સમર્પણ મે ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:
(૧૯૨ શબ્દો)

ખરેડી (પારુલ ખખ્ખર)  :
જુદી જુદી પરિસ્થિતિમાં મૂકાયેલી ત્રણ સ્ત્રીઓનાં ગળામાં ખરેડી બાઝી જાય છે.  નાયિકા, નાયિકાની સાસુ અને નાયિકાની માતા. બંને વડીલ સ્ત્રીઓ તો ગળું ખોંખારીને પોતાની સમસ્યા જણાવીને પોતે જ ઉકેલ શોધીને મુક્ત થઇ જાય છે. પણ વાર્તાની નાયિકા ના તો ગળું ખોંખારીને બોલી શકે છે, ના સમસ્યા કોઈને કહી શકે છે, ઉકેલ શોધવાની વાત હજી દૂર છે. વરિષ્ઠ નાગરિકોની આજના સમયની સમસ્યા.  એક સ્ત્રીને એકલાં રહેવું છે, બીજીથી એકલાં રહેવાતું નથી.  માનવમન એટલું સંકુલ છે કે જે પરિસ્થિતિ એક સ્ત્રી માટે સમસ્યા છે એ જ પરિસ્થિતિ બીજી સ્ત્રી માટે ઉકેલ છે. સારી, પઠનીય વાર્તા. (ખરેડી એટલે ગળું સૂકાઈ જવું તે; ખરેટી; સ્ત્રોત: ભગવદગોમંડળ.)

પેન્શન કેસ (પૂજન જાની) :
પિતા-પુત્રના સંબંધની વાત. નાયક સરકારી કચેરીમાં પેન્શન વિભાગનો અધિકારી છે. સંયોગવશાત મંજૂરી માટે એની પાસે આવેલી એક ફાઈલ એના પિતાની છે. આ નિમિત્તે પુત્ર-પિતાના સંબંધ પરની બાઝેલી ધૂળ હઠે છે. શા કારણે એમનો સંબંધ વણસી ગયો? ભૂલ કોની હતી? શા માટે પિતાએ પોતાના વારસદાર તરીકેના નામોની યાદીમાંથી પુત્રનું નામ ઓછું કરાવ્યું? શું નાયક પિતાની પેન્શનની ફાઈલ મંજૂર કરે છે? કે કોઈ ક્વેરી કાઢે છે? શું ડાંગે માર્યા પાણી જુદાં થઇ શકે? સરસ વાર્તા.

-કિશોર પટેલ; શુક્રવાર, 01 મે 20206:29 પૂર્વ મધ્યાહ્ન
###