Wednesday 24 June 2020

મમતા જૂન ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે





મમતા જૂન ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે :

(૫૯૮ શબ્દો)

આ અંકમાં મમતા વાર્તાસ્પર્ધા ૨૦૧૯ની પુરસ્કૃત વાર્તાઓ પ્રસિદ્ધ થઇ છે. 
સ્પર્ધામાં પ્રથમ ત્રણ સ્થાને આવેલી વાર્તાઓ વિષય-વસ્તુ કે રજૂઆતની દ્રષ્ટિએ વિશિષ્ઠ નથી, પણ સારી છે.

૧. ખારાં આંસુ (વિષ્ણુભાઇ ભાલિયા) : એક માતાની લાગણીઓની વાત. દૂધના દાઝેલાં છાસ ફૂંકીને પીએ એમ મોટા દીકરાને દરિયો ગળી ગયો છે એટલે એક માતા નાના દીકરાને દરિયો ખેડવાની રજા આપતી નથી. દુનિયા માટે રોજની સામાન્ય ઘટના કોઈકને માટે કેટલી મહત્વની બની જતી હોય છે! ખારવા કોમની બોલીનો સારો પ્રયોગ.    

૨. સંપર્કસૂત્ર (સુષ્મા શેઠ) :  એક રોંગ નંબરના કારણે યંત્રવત જીવન જીવતી એક સ્ત્રીના જીવનમાં વસંત ખીલે છે. સુંદર કલ્પના, સરસ રજૂઆત. પઠનીય વાર્તા. જો કે ખુલાસાવાળી વાત વિગતવાર કહેવાની જરૂર ન હતી. સામેવાળાને ખબર પડી જાય કે રોંગ નંબર જોડે વાત થાય છે એટલે એ વાત વાળી લે અને પછી ફોન કરવાનું બંધ કરી દે તે એવું બતાવવું વધુ યોગ્ય રહેશે. કારણ કે પ્રત્યક્ષ મુલાકાત ના થાય તો પણ થોડાંક દિવસોની વાતચીત નાયિકાના જીવનમાં પરિવર્તન લાવવા માટે પૂરતી છે. 
નોંધનીય અભિવ્યક્તિ: “...ચશ્માનો નંબર બરાબર છે, જોવાની દ્રષ્ટિ બદલાઇ છે.”  જો કે આ વાક્ય આ રીતે લખાય તો વધુ અસરકારક લાગશે:  “...ચશ્માનો નંબર નથી બદલાયો, જોવાની દ્રષ્ટિ બદલાઇ છે.”

૩. ઉંબરો (નરેન્દ્રસિંહ રાણા) : મુગ્ધાવસ્થામાંથી યુવાનીમાં સંક્રમિત થતી એક કન્યાની સરસ વાર્તા. શીર્ષક ઉંબરો યથાર્થ. અંતમાં આવતું ઉંબરાનું રૂપક સૂચક.
નોંધનીય અભિવ્યક્તિ: “...જીન્સ પહેરેલું હતું જે શરીરના વળાંકો પર જાણે બીજી ચામડી હોય એમ...”  પહેરેલું વસ્ત્ર ત્વચાને ચપોચપ હતું એમ કહેવાને બદલે જરા શબ્દાળુ પણ જુદી રીતની અભિવ્યક્તિ.   

આ ઉપરાંત સ્પર્ધામાં કેટલીક સન્માનિત નીવડેલી વાર્તાઓ પણ છે, જેમાંની કેટલીક સામાન્ય છે તો કેટલીક નબળી છે.  

સામાન્ય વાર્તાઓ:

૧. સીધી હથેળી, વાંકી રેખા (સ્વાતિ નાયક) :  આ ફેન્ટેસી વાર્તામાં ઉલ્લેખનીય છે ભવિષ્યના માણસો અંગેની કલ્પના. લેખકે કલ્પના કરી છે કે ભવિષ્યની પેઢી પોતાનાં માતાપિતાને “નાહકનો બોજ” સમજતાં હશે.  રોબોટ અંગેની મોટા ભાગની વાર્તાઓમાં અંતે થાય છે એમ અહીં પણ રોબોટ માણસની જગ્યા લઇ લે છે. જો કે આ વાર્તા કરુણાંત છે. મમતા વાર્તાસ્પર્ધા-૨૦૧૯ ની એક શરત પ્રમાણે અંતમાં આવતું “ઉલાલા” આ વાર્તામાં બંધબેસતું નથી. 

૨. ઇરોટિક ઉલાલા (નીતિન ત્રિવેદી) : જાદુઇ તળાવમાં સ્નાન કરવાથી થઇ જતાં લિંગપરિવર્તન અંગેની એક પૌરાણિક કથાની યાદ અપાવે એવી રોમાંચક ફેન્ટેસી વાર્તા.   

૩. સાંભળવું તે (કલ્પના જિતેન્દ્ર) : વાર્તાનો મુખ્ય ધ્વનિ છે પુત્ર દ્વારા પિતાની ઉપેક્ષા. છેક જ જૂનો વિષય. ઓછું સાંભળતા વૃદ્ધ નાયકને  સાંભળવાનું મશીન મળ્યા પછી વાસ્તવિકતા જણાતાં મશીનમાં રસ રહેતો નથી. સામાન્ય વાર્તા.

૪. મનષા (મેઘા અંતાણી) : સેવાના નામે મેવા ખાવાની ઈચ્છા રાખતાં લોભિયા માણસની હળવી શૈલીમાં રજૂઆત.

૫. સુખપુર (રીતા ત્રિવેદી) : એકલવાયા વૃદ્ધોની વાત. 

નબળી વાર્તાઓ:

૧. ઉછીના પૈસા (વીરેન પંડ્યા) : તાલમેલિયો અકસ્માત કરાવીને કરુણાંત વાર્તા બનાવી. ચાની દુકાન કેવા સંજોગોમાં ઊભી થઇ એનો ઈતિહાસ કહેવાની જરૂર ન હતી. ૨. માણસથખારા (મેઘા ત્રિવેદી) : આ વાર્તાની સૌ પ્રથમ વિશેષતા એ છે કે એના બે શીર્ષક છે. અનુક્રમણિકામાં “માણસથખારા” અને વાર્તામાં “માણસ”. વાર્તાની કથનશૈલીમાં ગરબડ છે. શરૂઆતમાં વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં નાયકની માતા કહે છે. અધવચ્ચે જ વાર્તા ત્રીજા પુરુષમાં કહેવાતી થાય છે. આ વાર્તામાંથી અર્થ કાઢવો મુશ્કેલ છે. હા, એવું કહી શકાય કે આમાં માણસની આદિમ પ્રકૃતિની વાત થઇ છે. રજૂઆતમાં બીભત્સ રસ પ્રધાન છે. આલેખન છેક જ નબળું છે.       

અ-વાર્તા:

ક્રોસિંગ (બકુલેશ દેસાઈ) : આ વાર્તા નથી, સ્મરણકથા છે.

એક ખાસ વાત: આ વાર્તામાસિકના કેલેન્ડરમાં ઇ.સ.૨૦૨૦ માં માર્ચ-એપ્રિલ-મે મહિનાઓ નથી!

આ અંકની પહેલાં પ્રસિદ્ધ થયેલો છેલ્લો અંક હતો ફેબ્રુઆરી ૨૦૨૦ અંક; સળંગ અંક ક્રમાંક ૯૩. એ પછી છેક આ જૂન ૨૦૨૦ ના અંકનો સળંગ અંક ક્રમાંક છે ૯૪. યાદ રહે, આ અંક માર્ચ-એપ્રિલ-મે-જૂન ૨૦૨૦ નો સંયુક્ત અંક નથી, કેવળ જૂન ૨૦૨૦ નો અંક છે. વચ્ચેના ત્રણ મહિનાનાં અંકો કેમ નથી નીકળ્યા એની ચોખવટ આખા અંકમાં ક્યાંય નથી. તાત્પર્ય: આ વાર્તામાસિકના કેલેન્ડરમાંથી વર્ષ ૨૦૨૦ માં માર્ચ-એપ્રિલ-મે નામના ત્રણ મહિનાઓ અદ્રશ્ય થઇ ગયાં છે.

--કિશોર પટેલ; મંગળવાર, 23 જૂન 2020; 1:54 ઉત્તર મધ્યાહ્ન

 ###
  

Tuesday 23 June 2020

મમતા ફેબ્રુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે





મમતા ફેબ્રુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૬૫૬ શબ્દો)

૧. આ અંકમાં કેશુભાઈ દેસાઈ અને દિલીપ ગણાત્રા જેવા બે વરિષ્ઠ વાર્તાકારો અને નવી પેઢીનાં વાર્તાકાર પારુલ ખખ્ખરની એક એમ કુળ ત્રણ વાચનક્ષમ વાર્તાઓ છે. 

ઓમલેટ (કેશુભાઈ દેસાઈ) : મોટી ઉંમરના એક વિધુર શિક્ષક અને એમની એક યુવાન ત્યકતા વિદ્યાર્થીની વચ્ચેના પ્રેમસંબંધની વાત. વિશ્વ કેટલું પણ આગળ વધી ગયું હોય, આપણો સમાજ આવા સંબંધોને હજી તંદુરસ્ત નજરે જોતો નથી. પોતપોતાની વિવિધ જવાબદારીઓ વચ્ચેથી મહિને-બે મહિને આ બંને જણા માંડ નજીક આવતાં હોય ત્યારે ભાતભાતના વિઘ્નો એમને નડે છે. વિશિષ્ઠ વિષયવસ્તુ અને હળવી શૈલીમાં રજૂઆતના કારણે વાર્તા નોંધનીય બની છે. (એક જાણકારી: આ વાર્તા અન્ય એક જાણીતા વાર્તામાસિક   ‘જલારામદીપ’ ના  ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૦ ના સંયુક્ત અંકમાં પણ પછીથી પ્રસિદ્ધ થઇ છે.)

મંગળ મૂળજી (દિલીપ ગણાત્રા) : સ્ત્રીને માલિકીની વસ્તુ સમજતા પુરુષને એની પત્ની ત્યજી જાય ત્યારે? મુખ્ય પાત્રોનું અર્થપૂર્ણ પાત્રાલેખન + ઘટનાની રસપૂર્ણ માંડણી + ચમત્કૃતિભર્યો અંત + કસાયેલી કલમ= સરસ વાર્તાનુભવ.

ઉઝરડા (પારુલ ખખ્ખર) : સોશિયલ મીડિયા પર બનેલો વિજાતીય મિત્ર પૂર્વસૂચના વિના ઘેર આવી પહોંચે અને નાયિકાની ઈચ્છા વિરુદ્ધ એના હોઠો પરથી ચુંબન ચોરી લે તો? આ દુર્ઘટનાના પરિણામે નાયિકાના મનને થયેલા ઉઝરડાનું આલેખન સરસ થયું છે. બગીચામાં વાછરડો તોફાન મચાવે એવું બોલકું રૂપક યોજાયું છે. બગીચામાં ગુલાબના એ ઘવાયેલાં છોડવાંની માવજત સાથે જ વાર્તાનો અંત આવી જવો જોઈતો હતો. કારણ કે એ પછી તો કેવળ માહિતી અપાય છે જેની જરૂર જ નથી. એકંદરે સરસ અને  પઠનીય વાર્તા.    

૨. બે વાર્તાઓ બોધપ્રધાન છે: ફટકડી અને સંવેદના.  

ફટકડી (નીલેશ મુરાણી) : છરી એટલે ગૃહિણીને શાક સમારવા માટેનું એક ઉપયોગી સાધન. પણ એ જ છરીનો ઉપયોગ એક ગુનેગાર કોઈની કતલ કરવા માટે વાપરી શકે. ભાવાર્થ એવો કે બુરાઈ વસ્તુમાં નહીં, એના વપરાશકર્તામાં હોય છે. આ વાર્તામાં પાણીને શુદ્ધ કરવા વપરાતી ફટકડીનો ઉપયોગ કથક દૂધને બગાડવા માટે કરે છે. વાર્તાનો બીજો એક સૂર છે વગોવાઇ ગયેલાં માણસો માટે સમાજમાં ભળવું મુશ્કેલ હોય છે.     

સંવેદના (મહેબુબ સોનાલિયા) : જેનાં પર વીતી હોય એ બીજાનું દુઃખ સમજી શકે. આ દુનિયામાં એવાં માણસો છે જે પોતાના અંધ ભાઇને અર્ધે રસ્તે મૂકીને પલાયન થઇ જાય છે. એના સામે છેડે એવાં પણ માણસો છે જે અજાણ્યાઓને માણસને નિ:સ્વાર્થભાવે મદદ કરતાં હોય છે. “કર ભલા તો હો ભલા” એવો સંદેશો આપતી બોધપ્રધાન વાર્તા. 

માઈનસ પોઈન્ટ: આ વાક્ય વાંચો:  “...ભાઇ, મારી પાસે દેવા માટે પૈસા નથી, મારે નથી જમવું...સૂરદાસ ખુદ્દારીની લાગણી અનુભવતાં બોલ્યો..” હવે જે માણસ ખુદ્દાર હોય એ એવું બોલે ખરો કે મારી પાસે પૈસા નથી? એ તો એટલું જ કહેશે: “મને ભૂખ નથી.” અથવા “મારે નથી જમવું!”

૩. વાર્તા નહીં, શબ્દચિત્ર: ભાદરિયું ગામ

ભાદરિયું ગામ (અનિલ જોશી) :   આ વાર્તા નથી, એક ગામનું શબ્દચિત્ર છે. આ રચનામાં દસ-પંદર ચીલાચાલુ વાર્તાઓના કથાબીજ વેરાયેલાં પડ્યાં છે. જેટલાં પાત્રો એટલી વાર્તા. આ બધાં પાત્રો કોઈ પણ ગામડાંમાં મળી આવે એવાં જ બીબાંઢાળ પાત્રો છે. ખબર આવે છે કે બંધ બંધાવાનો છે એટલે ગામ ડૂબમાં જવાનું છે ને ગામ ખાલી કરવાનું છે. જાણે બોમ્બ ફાટવાનો હોય એવી આ ખબરના પરિણામે દોડાદોડ.  
૪. અંકમાં ત્રણ નબળી વાર્તાઓ છે: ને તે મધરાતે, બારણે તોરણ એક જાતનું, બેકલોગ 

ને તે મધરાતે ( સંગીતા દયાળ) : કારમી ગરીબી+ મખ્ખીચૂસ શેઠ+બે મૃત્યુ+શેઠના દીકરાની મેલી મુરાદ= કંટાળાજનક પ્રલાપ. બારણે તોરણ એક જાતનું (નટવર પટેલ) : મૈત્રી ખાતર એક મિત્રનાં સંયમ+બલિદાન. એક પ્રશ્ન: વાત ખાનગી રાખવામાં જોખમ હતું કે નહીં? પ્રેમિકાનું લગ્ન થઇ ગયું છે એવું સાંભળીને નાયકે અમેરિકામાં જ કોઇ ગોરી છોકરી જોડે લગ્ન કરી લીધાં હોત તો? બેકલોગ (મનીષા રાઠોડ) : અભ્યાસમાં સારો દેખાવ કરવાનું દબાણ અને ઘરમાં હોંશિયાર ભાઇ કે બહેન જોડે થતી સરખામણી વિદ્યાર્થીને આત્મહત્યા કરવા પ્રવૃત્ત કરતી હોય છે. નિસર્ગના રૂમમેટ નૈષધને ખબર પડે છે કે નિસર્ગ એક વિષયમાં નાપાસ થયો છે પણ એ વાતે એ કોઈ પ્રતિક્રિયા આપતો નથી. નિસર્ગની ચિંતામાં નૈષધ વેકેશનની અધવચ્ચે જ પાછો ફરે છે. વેકેશન હજી પૂરું થયું નથી, નવું સત્ર હજી શરુ થયું નથી તો પણ નિસર્ગની આત્મહત્યાના પગલે કેમ્પસમાં તેમ જ હોસ્પિટલની બહાર વિદ્યાર્થીઓના ટોળેટોળા આવ્યાં કેવી રીતે? દરેક પાત્રના સંવાદ પછી પાત્રના મનમાં ચાલતાં ભાવ પણ લખાયાં છે. સંવાદ પરથી પાત્રના મનના ભાવ વાચકને સમજાતાં હોય છે, પુનરાવર્તન શીદ કરવું? આવી રીતે વાર્તામાં બિનજરૂરી લંબાણ ઘણું છે. આવું નવા નિશાળિયા લખે.      

--કિશોર પટેલ, શુક્રવાર, 19 જૂન 2020; 6:49 ઉત્તર મધ્યાહ્ન.

##########

Friday 19 June 2020

મમતા જાન્યુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે



મમતા જાન્યુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૨૬૨ શબ્દો)

આ અંકમાં ઉલ્લેખનીય છે બે વાર્તાઓ: એક પરીકથા “ત્રણ શરત”  અને સમાજના એક ઉપેક્ષિત વર્ગ અંગેની વાર્તા “ભૂરિયો”.

ત્રણ શરત (નરેન્દ્રસિંહ રાણા) : ફેન્ટેસી. પરીકથા. ગામના એક અનાથ અને ગરીબ યુવાનને એક સુંદર પરી ત્રણ અજીબોગરીબ શરતોમાં બાંધીને પોતાના પરીલોકમાં લઇ જાય છે. પછી જે કંઇ થાય છે તે સઘળું કલ્પનાતીત અને વિચિત્ર છે. સરસ, આસ્વાદ્ય વાર્તા.   

ભૂરિયો (મદનકુમાર અંજારિયા) : પ્રવાસમાં સામાન ઊંચકવા જોડે લવાયેલો ભૂરિયો પ્રવાસીઓની ઠઠ્ઠામશ્કરીનું સાધન બને છે. એને વાસી અને બગડેલો ખોરાક આપીને એની જોડે અમાનવીય વર્તન થાય છે. રસ્તામાં અધવચ્ચે એ ખોવાઇ જાય છે પણ એની તપાસ કરવાનું કે પોલીસમાં ફરિયાદ આપવાનું કોઈને સૂઝતું નથી.  ગરીબ વર્ગ પ્રત્યે શ્રીમંત વર્ગના આવા અભિગમ અંગે લેખકે એક સોશિયલ સ્ટેટમેન્ટ કર્યું છે. કથકને સમાજના આ અન્યાયી વલણના મૂક સાક્ષી બનાવીને લેખકે સંયમ રાખ્યો છે. આ વાર્તા પ્રથમ પુરુષ એકવચનના બદલે ત્રીજા પુરુષ એકવચનમાં હોત તો વધુ અસરકારક બની શકી હોત.  

પ્રિયદર્શીની (અર્જુનસિંહ રાઉલજી) : સાયન્સ ફિકશનમાં પુનર્જન્મની ભેળસેળ. યમરાજા વરદાન આપે છે પણ શરતો લાગુ. એવી શરતોની ભવિષ્યની એ દુનિયાના આ લોકો હસતાંરમતાં ઐસીતૈસી કરી શકે છે! આટલી મહાશક્તિ હોવા છતાં પણ બે પ્રેમીઓ એક તો થતાં જ નથી! બોસ, કહેના ક્યા ચાહતે હો? ટૂંકમાં, અતાર્કિક વાર્તા.     

છૂટકારો (પ્રજ્ઞા પટેલ) : કટારલેખકની નિયમિત લેખન કરવાની સમસ્યા જેવા અસામાન્ય વિષયની સામાન્ય રજૂઆત. છોકરમત (રમણ મેકવાન) : બાળકોને યોગ્ય સંસ્કાર આપવા અંગેની બોધકથા. તાળો (જગદીશચંદ્ર ત્રિવેદી) : આ વાર્તા નથી, નાનપણમાં માતા ગુમાવનાર એક આદમીનું રેખાચિત્ર છે. નાપાક હાજી (દીનુ ભદ્રેસરિયા) : કોમી રમખાણનું આલેખન સારું. અંત અકારણ આઘાતજનક. વફાદારી (અકીલ કાગડા) : લગ્નેતર સંબંધની ચર્ચા. આલેખન સામાન્ય. અંતમાં ચમત્કૃતિ અને ચતુરાઈ બંને.

--કિશોર પટેલ; શુક્રવાર, 19 જૂન 2020; 4:54 ઉત્તર મધ્યાહ્ન

#####     

Thursday 18 June 2020

જલારામદીપ જૂન ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:



જલારામદીપ જૂન ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:
(૪૮૧ શબ્દો)

આ અંકમાં ત્રણ ઉલ્લેખનીય વાર્તાઓ છે: એક બદનામ વ્યવસાયની સ્ત્રીઓ વિશેની વાર્તા, પક્ષીઓ માણસ જોડે સંવાદ કરતાં હોય એવી પ્રયોગાત્મક વાર્તા અને ગાંધીયુગના એક પ્રતિષ્ઠિત લેખક સુન્દરમની “માને ખોળે” વાર્તાનું અનુસંધાન કરતી વાર્તા.

પાડોશી (ગિરિમા ઘારેખાન) : નોકરી નિમિત્તે વાર્તાની નાયિકા ગુજરાતના એક નાનકડા શહેરમાંથી મહાનગર મુંબઈમાં જાય છે. શેરીંગમાં એ જ્યાં  રહેવા જાય છે ત્યાં પાડોશના ફ્લેટમાં બારમાં ડાન્સ કરતી છોકરીઓ રહે છે. જેમનાં નામથી જ ઘૃણા ઉપજે એવી છોકરીઓની પાડોશમાં કેવી રીતે રહેવું એવી સંઘર્ષપૂર્ણ સ્થિતિમાં નાયિકા મૂકાય છે. સમાજના એક ઉપેક્ષિત વર્ગની સમસ્યાઓને અહીં વાચા મળી છે. સામગ્રી નવી તો નહીં પણ ઓછી ચર્ચાયેલી છે. રજૂઆત પારંપારિક પરંતુ પ્રવાહી અને પ્રભાવી. નોંધનીય અભિવ્યક્તિ: “...રોજ રાત્રે અંધારું ટેન્શન થઈને રન્નાને વીંટળાઇ રહેતું.” સરસ વાર્તા.    

ચકો ચકી ઉડે (નટવર હેડાઉ) : પ્રયોગાત્મક વાર્તા. ચકા-ચકીના રૂપક દ્વારા પુરુષ અને સ્ત્રી વચ્ચે એકમેકની ઉપર વર્ચસ્વ જમાવવાની આદિકાળથી ચાલી આવતી લડાઇની વાત. અંતમાં નાટ્યાત્મક રીતે કથક વાર્તામાં પ્રવેશ કરે છે અને પુરુષના ઘવાયેલા અહમનો એકરાર કરે છે.   

વન્ડરફુલ ડ્રગ (કાલિન્દી પરીખ) : પુરુષપ્રધાન સંસ્કૃતિમાં સ્ત્રી સાથે કેવો અને કેટલો અન્યાય થાય છે એનું ચિત્રણ. અસામાન્ય બીમારીથી ગ્રસ્ત બાળકના પુનર્વસન માટે પિતા પાસે સમય નથી. નાયિકા પોતે કેન્સર જેવા દર્દ સામે લડત આપી રહી છે. એમ છતાં નાયિકા જીવન પ્રત્યે હકારાત્મક વલણ રાખે છે. પારંપારિક સ્વરૂપની વાર્તા.  

તેરી આંખો કે સિવા (સુષ્મા કે. શેઠ) : લાગણીઓના લાવારસથી લથપથ વાર્તા. પતિના મૃત્યુથી દુઃખી થયેલી નાયિકા આત્મહત્યા કરવા પ્રવુત્ત થાય અને છેલ્લી ઘડીએ કંઇક એવું બને કે એનો વિચાર બદલાઇ જાય. વાર્તાની રજૂઆત અલંકારિક છે. ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને જીવનદર્શનની ઉક્તિઓ ઠેર ઠેર ભભરાવેલી છે. વાર્તાની ભાષા સહજ નથી.  

કેટલેક ઠેકાણે વાક્યરચનાઓ કઢંગી છે. બે ઉદાહરણો :

૧. “...સામેથી આવી રહેલા દીપકની હાજરીથી બેખબર રત્નાને તે જાણીજોઈને અથડાયેલો.” એવું લાગે કે ત્રણ જણાની વાત છે. દીપક, રત્ના અને “તે” (અથડાનારો). હકીકત એ છે કે દીપક જ રત્ના જોડે અથડાય છે. આ વાક્ય આમ હોઇ શકે: “બેખબર રત્ના જોડે દીપક જાણીજોઈને અથડાયેલો.”

૨. “...જો કે દીપક, તેણે લીધેલો નિર્ણય રત્નાને જણાવતાં અત્યંત ખુશ હતો.” કોણે નિર્ણય લીધો? દીપકે. તો “દીપક” એવું લખ્યા પછી સર્વનામ “તેણે” શા માટે? વળી વિશેષણ “અત્યંત”ની શું જરૂર છે? આ વાક્ય આમ હોઇ શકે: : “પોતે લીધેલો નિર્ણય રત્નાને જણાવતાં દીપક ખુશ હતો.” 

સ્ટેજ થ્રી (ધર્મેશ ગાંધી) : ગ્લાસ અર્ધો ભરેલો છે તે ના જોતાં ગ્લાસ અર્ધો ખાલી છે એવી ફરિયાદ કરતાં એક વૃદ્ધની વાત. રજૂઆત ઠીક પણ હેતુ નકારાત્મક.  હેતે ધર્યું, હેઠે ઠર્યું (સતીશ વૈષ્ણવ) : વીતેલાં જમાનામાં શિક્ષિત યુવાનો-યુવતીઓ  ચાંપલી અને સાહિત્યિક ભાષા બોલતાં એવી ભાષામાં રજૂઆત. પલિતો (જિતેન્દ્ર પટેલ) : ગામના લોકોને આપસમાં લડાવી મારતાં પોતાના રાજકારણી માલિકથી વાર્તાનો નાયક દુઃખી છે. અહેવાલાત્મક સામાન્ય વાર્તા. સાધન (મૂળ અમેરિકન વાર્તા: ફ્રેડરિક મેક્સ અનુ:કિશોર પંડ્યા) : આ સાયન્સ ફેન્ટેસી વાર્તામાં એક એવા યંત્રની કલ્પના થઇ છે જે માણસોના મોટા સમૂહને એકસાથે સંમોહિત કરી શકે છે.

બાપની છોડી (કિશોર પટેલ) : સુન્દરમની જાણીતી વાર્તા “માને ખોળે” નું અનુસંધાન કરતી આ લખનારની છે માટે અન્ય કોઇ વાચક-ભાવક એ વિષે કંઇ કહે એ વધુ ઉચિત યોગ્ય ગણાશે.

--કિશોર પટેલ, શુક્રવાર, 19 જૂન 2020; 5:49 પૂર્વ મધ્યાહ્ન

###    

Wednesday 3 June 2020

પરબ જુન ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:


પરબ જુન ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૩૫૨ શબ્દો)

જડાઉ પીન (મૂળ લેખક: આઇજેક બાશોવિસ સિંગર ; ભાવાનુવાદ: બકુલ દવે) :

આપણે વાંચ્યું છે કે રોબિનહુડ શ્રીમંતોને લૂંટીને ગરીબોને મદદ કરતો. આપણી લોકકથાઓમાં પણ એવા બહારવટિયાઓની વાર્તાઓ છે જે શ્રીમંતોને લૂંટીને ગરીબોની મદદ કરતાં હતાં.
આ વાર્તામાંનો ચોર રોબિનહુડ જેવો ગરીબોનો બેલી નથી. પોતાના પરિવારને ચાહતો એક મામૂલી ચોર છે. એવા નાના માણસના પોતાના જીવનમૂલ્યો કઈ રીતે એને મોટો બનાવી દે છે એની આ વાત છે.
જે ગામમાં એ રહે છે ત્યાં એક પણ ઘરમાં એણે ચોરી કરી નથી. બીજા ચોરોની જેમ એ સ્વબચાવ માટે પિસ્તોલ કે ચાકુ રાખતો નથી. ક્યારેક એવી વસ્તુનો ઉપયોગ થઇ જાય તો મોટો ગુનો થઇ જાય! પોલીસના કે અદાલતના કે જેલના અધિકારીઓ જોડે એ કદી વાદવિવાદ જે જીભાજોડી  કરતો નથી. એની ગેરહાજરીમાં એની પત્નીને ઘરવપરાશની ચીજવસ્તુઓ ઉધાર આપતાં દુકાનદારો જોડે નહીં ઝગડવાની એણે પત્નીને તાકીદ કરી છે. એવા દુકાનદારોના બિલ એ લાંબા ગાળા પછી જયારે ગામમાં પાછો ફરે ત્યારે કોઇ મગજમારી કર્યા વિના ચૂકવી દે છે. એ ઈચ્છે છે અને પ્રયત્ન કરે છે કે ગામમાં એની પત્ની અને બાળકો ઈજ્જતથી જીવે.
આવા સીધાસાદા માણસને જ્યારે એની પત્નીના એક ગુપ્ત રહસ્યની જાણ થાય છે ત્યારે એનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. સત્ય હકીકત જાણ્યા પછી એ જીવન બદલાઇ જાય એવો નિર્ણય લે છે.       
સરસ, પઠનીય વાર્તા.  પારંપારિક સ્વરૂપમાં સુંદર વાર્તા. અચ્છો અનુવાદ.   

ઓઠું (રવીન્દ્ર પારેખ) :

રસ્તા પર અંગકસરતના ખેલ કરી પેટિયું રળતી એક યુવાન કન્યાને એક આદમી બક્ષિસ આપવાના બહાને એકાંતમાં બોલાવે છે. પણ મેલીઘેલી કન્યાના શરીરમાંથી આવતી દુર્ગંધ એનું સુરક્ષાકવચ બની રહે છે. પેલો બદમાશ પોતાનો બદઈરાદો પડતો મૂકે છે. આ નિમિત્તે બજાણિયાનો ખેલ કરી જીવનનિર્વાહ કરતાં ભટકતી જાતિના માણસોનાં જીવનમાં, એમની રોજની જિંદગીના સંઘર્ષમાં આ વાર્તા ડોકિયું કરાવે છે.      

બસ, એટલું જ (દેવયાની દવે) :

બોધપ્રધાન વાર્તા. ઘરના સભ્યો પાસેથી કડક શિસ્તપાલનના આગ્રહી વિષ્ણુપ્રસાદ રેવાશંકર પંચોળી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયાં પછી એકલા પડી ગયા છે. છોકરો-વહુ નોકરીમાં સારી તક મળતાં બીજા શહેરમાં વસી ગયાં અને પત્ની ગુરુનો આદેશ માથે ચઢાવીને પુટુપાર્થીમાં મંદિર ખાતે દેવસેવા કરવા માટે કાયમની રહી જાય છે. અન્યોનું મન અને માન સાચવી ના શકેલા આદમી સાથે કોઇ રહેવા તૈયાર નથી.

#

પરબનો જુન ૨૦૨૦ અંક વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો:
www.gujaratisahityaparishad.org

--કિશોર પટેલ; બુધવાર, 03 જૂન 2020; 5:46 ઉત્તર મધ્યાહ્ન

###



Tuesday 2 June 2020

નવનીત સમર્પણ જુન ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:





નવનીત સમર્પણ જુન ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:
(૩૦૭ શબ્દો)
આ અંકમાં ગમી ગયેલી વાર્તા કટારમાં શરીફાબેન વીજળીવાળાએ એક સરસ પ્રયોગાત્મક વાર્તાનો રસાસ્વાદ કરાવ્યો છે. વિલિયમ સેન્સમની વાર્તા Through the quinquina glass ની રજૂઆતમાં નવીનતા છે. વાર્તાલેખનમાં રસ ધરાવતાં મિત્રોએ આ વાર્તા ક્યાંકથી મેળવીને અવશ્ય વાંચવી જોઈએ.
કથક અને એનો મિત્ર જોડે કાફેમાં બેસીને ગપ્પાં મારતાં કવિનકવિના નામનું પીણું પી રહ્યા છે. કાફેમાં એક ચાલીસેક વર્ષનો કાળો કોટ પહેરેલો આદમી પ્રવેશે છે. ક્થકને પીણાંના લીલા રંગના કાચની આરપાર એ આદમીની વાત દેખાવા માંડે છે. કથક મિત્રને એની વાર્તા કહેવા માંડે છે.
એ માણસને જાણ થાય છે કે એની પત્નીએ એની જોડે બેવફાઇ કરી છે. એ પોતાની પત્ની પર પોતાનું વર્ચસ્વ ફરી એક વાર સ્થાપિત કરવા ઈચ્છે છે પણ કોઈ પણ ઉપાયે એ પત્ની વિરુદ્ધ પુરાવો શોધી શકતો નથી. એ પોતાની પત્નીને એના કથિત પ્રેમી જોડે રંગે હાથ પકડી શકતો નથી. પછી જાણ થાય છે કે પેલો કહેવતો પ્રેમી તો મૃત્યુ પામ્યો છે. આ ઝમેલામાં નાયક કામધંધા વિનાનો થઇ ગયો છે. હવે એની પાસે જીવનનો કોઈ ઉદ્દેશ બચ્યો નથી. આગળ શું થશે એ વિષે કથક અને મિત્ર મૂંઝાયા છે. આવી ઉટપટાંગ વાર્તાને સત્ય ઠેરવતો હોય એમ ત્યાં  જ અચાનક પેલો આદમી ઊભો થઈને બંદુકમાંથી પોતાને જ ગોળી મારી દે છે.
શરીફાબેન નોંધે છે કે “...માત્ર હકીકતનું ‘સત્ય’ નહીં, વાર્તાના ઘટકોની સંવાદિતાનું સત્ય પણ વાર્તાની કલાત્મકતા માટે જરૂરી છે.”           
(આ વાર્તાનો અનુવાદ નવનીત સમર્પણના મે ૧૯૯૩ ના અંકમાં પ્રસિદ્ધ થયો હતો.)
આ અંકમાં બે વાર્તાઓ પ્રસિદ્ધ થઇ છે: જોડિયો ભાઇ (કુન્દનિકા કાપડિયા) : સુખ અને દુઃખ જીવનના અભિન્ન ભાગ છે એવું ચિંતન અધોરેખિત કરતી વાર્તા. બિલાડીનો ભય (સતીશ વૈષ્ણવ) : આ વાર્તાનો વિષય છે માણસની સંતાનપ્રાપ્તિની અને વંશનું નામ જીવંત રાખવાની ઝંખના. આ નિમિત્તે આ વાર્તામાં સિંગલ પેરેન્ટિંગ અને સરોગેસી જેવા મુદ્દાઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. પાળેલાં પ્રાણીના એક નિષ્ણાતનું કહેવું છે કે પેટને પાળવું એટલે વાસ્તવમાં એક બાળકની જોડે રહેવા જેવું છે. આ બંને વાર્તાઓ પરંપરાગત સ્વરૂપમાં રજૂ થઇ છે.  
-કિશોર પટેલ; મંગળવાર, 02 જૂન 2020; 9:46 પૂર્વ મધ્યાહ્ન
###