Wednesday 21 October 2020

જલારામદીપ ઓકટોબર ૨૦૨૦ અંક (દિવાળી અંક ભાગ પહેલો) ની વાર્તાઓ વિષે :

 

જલારામદીપ ઓકટોબર ૨૦૨૦ અંક (દિવાળી અંક ભાગ પહેલો) ની વાર્તાઓ વિષે :

(૧૬૮૬ શબ્દો)

દિવાળી અંકના આ પહેલા ભાગમાં રજૂ થયેલી કુલ ૨૪ વાર્તાઓમાંથી આઠ વાર્તાઓ સારી છે, પાંચ વાર્તાઓના વિષય જૂનાં છે પણ માવજત સારી થઇ છે, પાંચ સરેરાશ વાર્તાઓ છે, બે સામાન્ય વાર્તાઓ છે અને એક નબળી વાર્તા છે. આ સિવાય એક રચના અસ્પષ્ટ છે અને બે રચનાઓ તો અ-વાર્તાઓ છે.

સહુ પ્રથમ આઠ સારી વાર્તાઓ વિષે:

નાની-મોટી (રાજેશ પટેલ) : ફેન્ટેસી વાર્તા. લેણદારના જીવલેણ તગાદાંથી ત્રાસીને વાર્તાના નાયક બંકિમે પેસ્ટકંટ્રોલનું ઝેરી પ્રવાહી પી લીધું પણ મરવાના બદલે એ વહેંતિયો બની ગયો. એ પહોંચી જાય છે લઘુપુરમ નામની વહેંતિયાઓની દુનિયામાં! ગુલીવર્સ ટ્રાવેલની યાદ અપાવે એવી વહેંતિયાઓની આ અજબગજબ દુનિયામાં પ્રયોગશાળા છે, વાહનવ્યવસ્થા છે. વૈજ્ઞાનિક છે એમ ચોર-લૂંટારાઓ પણ અહીં છે. આ દુનિયાની પોતાની આર્થિક વ્યવસ્થા પણ છે! આ દુનિયાના નૈતિક મૂલ્યો પણ આગવાં છે! સમાંતર દુનિયાની સરસ કલ્પના. નાયક આ દુનિયામાં સેટ થાય ના થાય એટલામાં શરુ થાય છે એક રસપૂર્ણ પ્રેમકહાણી! સરસ વાર્તા! (ખાસ નોંધ: આ રાજેશ પટેલ એટલે “વારતા  રે વારતા” ગ્રુપના સ્થાપક સભ્ય રાજુ પટેલ)      

વાર્તા બનતી નથી (પન્ના ત્રિવેદી) : રચનારીતિના અભ્યાસ માટે આ વાર્તા મહત્વની છે. સંયુક્ત કુટુંબમાં ઘરના મોભીનો નિર્ણય આખરી ગણાય છે. પિતૃસત્તાક સમાજવ્યવસ્થામાં પુરુષો દ્વારા લેવાયેલા નિર્ણયો મહદ અંશે સ્ત્રીઓ માટે અન્યાયકર્તા હોય છે. એવા એક અન્યાયી નિર્ણય સામે ઘરનો એક પુરુષ પોતાની પત્નીનું રક્ષણ કરી શકતો નથી. આવા જૂના વિષયને લેખક અહીં નવી રીતે રજૂ કરે છે. નાયિકાને ઘરની સાફસફાઈ કરતાં કરતાં પોતાના અભ્યાસકાળની એક નોટબુક હાથ લાગે છે અને ગુજરાતી સાહિત્યમાં “ટૂંકી વાર્તાનું સ્વરૂપ” એ મુદ્દા પર શિક્ષક દ્વારા અપાયેલી સમજૂતી પ્રમાણે વાર્તા વાચકની સમક્ષ ઉઘડતી જાય છે. આમ આ વાર્તામાં રચનારીતિ મહત્વની બને છે. સરસ વાર્તા.   

ઇન્વેસ્ટીગેશન (દશરથ પરમાર) : વીમા કંપની પાસે આવેલા ડેથ કલેઈમની ખરાઈ કરતી વેળા કંપનીનો અધિકારી નાટ્યાત્મક પરિસ્થિતિમાં મૂકાય છે. એક શિક્ષકના મૃત્યુ પછી એના વારસે દાખલ કરેલો કલેઈમ તાંત્રિક ખામીના કારણે ખોટો ઠરે એમ છે પણ નાયકને યાદ આવે છે કે પોતાના નાનપણમાં અણીના સમયે એ શિક્ષકે એની મદદ કરેલી. ગામડાનું વર્ણન પરિવેશ માટે જરૂરી પણ ઓફિસના વાતાવરણનું વર્ણન બિનજરૂરી. એકંદરે સારી વાર્તા.      

ભૂખ (ગિરીશ ભટ્ટ) : આ વાર્તા એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે. અગત્યનું શું છે? જીવન કે કળા? નાના શહેરમાં દિવસના સમયે ચાર રસ્તા પર ચાલતી ગતિવિધિઓનું આલેખન થયું છે. કોઈને પેટની ભૂખ છે તો કોઈને સ્ત્રીના અનાવૃત દેહને નીરખવાની ભૂખ છે. તો એક છબીકારને આવા લોકોને એક ફેમમાં તસ્વીરરૂપે કેદ કરી લઇને છબીકલાની સ્પર્ધા જીતવાની ભૂખ છે. સરસ વાર્તા.

૧૩ (ગુણવંત વ્યાસ) : માનવમન ઘણું સંકુલ છે. કોને કઇ વાતથી સમસ્યા થઇ શકે એનું કોઇ ચોક્કસ ગણિત નથી. આ વાર્તાના નાયકને તેરના આંકડા સાથે છત્રીસનો આંકડો છે. તેર વર્ષની વયે એને ટાઇફોઇડ થયેલો, બીજાં તેર વર્ષ પછી એની માતા મૃત્યુ પામેલી, એ પછી તેર વર્ષે પોતાના છૂટાછેડા થઇ ગયેલાં! આમ તેરના આંકડો એના જીવનમાં દુઃખ જ લાવ્યો છે. તેરના આંકડા જોડે બંધાઇ ગયેલી આ ગ્રંથિ એને સ્વસ્થ બેસવા દેતી નથી. તેરનો જાણે ખાત્મો બોલાવવો હોય એમ એ ઘડિયાળવાળા ટાવર પર હુમલો કરે છે. વાર્તાનો આ અંત સૂચક છે. વિશાળ અર્થમાં જોઈએ તો તેરનો આંકડો એટલે અણગમતી વાતોનું પ્રતિક. સારી વાર્તા.      

અજ્ઞાતવાસ ઉર્ફે સંસર્ગનિષેધ ઉર્ફે સ્થગિત સમય (હસમુખ કે. રાવલ) : પાંડવોના વનવાસનું તેરમું વર્ષ એટલે કે અજ્ઞાતવાસ અને કોરોના વાયરસના પગલે ક્વોરોન્ટાઇનનું સંમિશ્રણ કરીને રચાયેલી વાર્તા. હળવી શૈલીમાં મજેદાર રજૂઆત. સારી વાર્તા.

પેકેટ (રાઘવજી માઘડ) : કોરોના મહામારીની પૃષ્ઠભૂમિમાં રચાયેલી વાર્તા. ફટેહાલ જિંદગીનું સરસ ચિત્રણ. જરૂરતથી વધુ મદદનો અસ્વીકાર કરીને નાયિકા સાબિત કરે છે કે છેક જ અકિંચન સ્ત્રીનું જીવનમૂલ્ય ઊંચું હોઇ શકે છે. સમાજમાં ચોમેર જયારે નીતિમત્તાનું ધોવાણ થઇ રહ્યું હોય ત્યારે આવું ઉદાહરણ પ્રેરણાદાયી કહી શકાય.  નાનકડી સારી વાર્તા.

જ્વેલથીફ (ડો.પ્રફુલ્લ દેસાઇ) : આપણે ત્યાં થ્રીલર વાર્તાઓ ઓછી લખાય છે એ જોતાં આ વાર્તા મહત્વની છે. આ વાર્તાના પ્રારંભ પર થોડું કામ થાય તો સરસ થ્રીલર બની શકે એવી વાર્તા. ટ્રેનની લાંબી મુસાફરી દરમિયાન કથક પાસે જોખમ છે અને ટ્રેનના વિશ્વમાં દરેક સહ્પ્રવાસીને એ શંકાથી જુએ છે એવું એકદમ શરૂઆતથી સ્થાપિત થઇ જવું જોઇએ. આ વાર્તાના પ્રારંભમાં ખાસો સમય કથકની સામાજિક-કૌટુંબિક-આર્થિક સ્થિતિ સ્થાપિત કરવામાં વેડફાયો છે.  યુવતી અને યુવાન સહપ્રવાસીનું સમીકરણ આખા દાખલાને ગૂંચવવામાં ઉપકારક. એકંદરે સારી વાર્તા.

વિષય જૂનાં પણ માવજત સારી:

છેલ્લું ટાણું (અજય સોની) : પરિવારના તૂટતા સંબંધોની વાત. લેખકે પ્રારંભમાં જ સ્પષ્ટ કરી દીધું છે કે  પિતાનું જડ રૂઢિવાદી વલણ અને ધર્મભેદ પુત્ર જોડેના સંબંધમાં અંતરાય બને છે. એટલે પછી વાર્તા કઇ રીતે વિકાસ પામે છે એ જોવાનું રહ્યું. વાર્તાના નાયકે પરધર્મી કન્યા જોડે લગ્ન કર્યા એટલે પિતાએ પુત્રને ઘર બહાર કાઢ્યો. અંતની ચમત્કૃતિ ભાવકને વધુ ઉદાસ કરી મૂકે એવી છે. નાયકની વિનંતી છતાં મોટા ભાઈએ નાના ભાઇની રાહ જોઈ નહીં અને પિતાને અગ્નિદાહ આપી દીધો! નાયકની સાથે ભાવક પણ ક્ષુબ્ધ થઇ જાય છે. આ આખરી ચોટ કારમી છે: પિતા ઉપરાંત ઘરના અન્ય સભ્યોએ પણ એને રદબાતલ કરી દીધો છે!

વિષય નવો નથી પણ માવજત વાર્તાને લક્ષણીય બનાવે છે.       

વહેમ (જયશ્રી ચૌધરી) : જીવનસાથીના શંકાશીલ સ્વભાવને લીધે ક્યારેક પતિ-પત્ની વચ્ચે અંતર પડી જતું હોય છે. સગાઈના એક પ્રસંગને અનુરૂપ ગવાતા ગીતની ફક્ત એક પંક્તિ લેખકે મૂકી છે. કમસેકમ ગીતનું મુખડું તો આખું લખ્યું હોત! આ લેખક પાસે આદિવાસી ભાષાબોલીમાં સંવાદો મૂકવાની તક હતી. આ વાર્તાનો પરિવેશ ગ્રામ્ય છે એટલે એવું સહજપણે થઇ શક્યું હોત. ગુજરાતની આદિવાસી ભાષા બોલીનું દસ્તાવેજીકરણ થવું જરૂરી છે. આ પ્રદેશના લેખકોએ આવી તક ગુમાવવી જોઇએ નહીં.  એકંદરે સારી વાર્તા.   

ઉધ્ધડ (કલ્પેશ પટેલ) : નાનપણમાં ભાઈબંધ જેવા ભાઈઓ મોટા થતાં જુદા પડે અને પછી એક યા બીજા કારણથી જુદાઇ આવતી જાય એની નવાઇ નથી. પ્રસ્તુત વાર્તામાં વિષય આ જ છે, ખેતીની જમીન વાવવા ભાઇને આપો તો પૈસેટકે ઘસાવું પડે, બહારના ને આપો તો રોકડા રૂપિયા મળે એ સ્વાભાવિક  ગણાય. આ અને આવા કારણોસર કુટુંબો તૂટતાં આવ્યાં છે. વાર્તામાં લેખક અંતમાં મઝાની ચમત્કૃતિ લાવ્યા છે. સારું આલેખન વાર્તાને વાચનક્ષમ બનાવે છે.  

ડીયર અનુભૂતિ (ધર્મેશ ગાંધી) : ડાયરીના સ્વરૂપમાં વાર્તા. એક મુગ્ધ કન્યાના મનોભાવોનું આલેખન આ વાર્તામાં થયું છે. કન્યાની મુગ્ધ વય સંબંધવિચ્છેદની પીડા ભૂલાવી દે છે અને કન્યા નવા સંબંધમાં સમરસ થવા તૈયાર છે પણ ત્યાં જે એને એક આઘાત લાગે છે. ટ્વીસ્ટ એન્ડ ટર્નવાળી સારી વાર્તા.   

દરિયું...દરિયું તે વળી કેવડું (પારુલ ખખ્ખર) : આ રચના વાર્તા નથી પણ રેખાચિત્ર છે એક નહીં, બે નહીં, ત્રણ ત્રણ પાત્રોનાં રેખાચિત્રો આ રચના વડે રજૂ થાય છે. આ ત્રણે બહેનપણીઓ એક રિસોર્ટમાં મળે છે ત્યારે વયમાં નાની એવી તોરલ અને આરોહી તો પોતાના જીવનનાં કડવા અનુભવો રજૂ કરી દે છે પણ ઉંમરમાં વડીલ કહેવાય એવી મોટીવેશનલ સ્પીકર ખુશાલી પોતાનાથી વયમાં નાની કન્યાઓ સામે કઇ રીતે પોતાના જીવનની કરુણતા  કહે? એ કહે છે, પણ પાંજરામાં પૂરાયેલા પોપટના રૂપક દ્વારા. વરસેક પછી ખુશાલીની આત્મહત્યાના સમાચાર આવે ત્યારે આરોહી અને તોરલ માટે ભલે એ આંચકાદાયક હોય પણ વાચક-ભાવક માટે તો અપેક્ષિત કહેવાય.  એકંદરે રજૂઆત સારી.  આ રચનાનું ઉલ્લેખનીય પાસું: લોકલાડીલા કવિ-ગીતકાર રમેશ પારેખની કવિતાઓનો સારો વિનિયોગ.    

સરેરાશ વાર્તાઓ:   

ગંધર્પ વિનાનું ખોખું (કનુ આચાર્ય) : પોતાની અતૃપ્ત ઈચ્છાઓને સમજી ના શકતા એક ભોળિયા આદમીની વાત.  તળપદી ભાષાનો સારો પ્રયોગ. સરેરાશ વાર્તા. કોચિંગ ક્લાસ (મેઘા ત્રિવેદી) : હળવી શૈલીમાં કમ્પ્યુટર શીખવાના ક્લાસનો અનુભવ. સરેરાશ રચના. એક મોટો પ્રશ્ન (સંધ્યા ભટ્ટ) : પિતૃસત્તાક સમાજવ્યવસ્થા, દહેજનું દૂષણ, નવવધુ પર સત્તર પ્રકારનો પ્રતિબંધ જેવા વિષય પર ઘણી વાર્તાઓ આવી ગઇ. આ વાર્તામાં કથક સમસ્યાથી અળગા રહીને પોતાની જવાબદારી અંગે સભાન થાય છે એટલો એક પ્લસ પોઈન્ટ છે. સ્વપ્ન ખલન (બાદલ પંચાલ) : માણસ માત્રનું સ્વપ્નું હોય છે કે જે જીવન એ જીવી રહ્યો છે એનાથી બહેતર જીવન એ જીવે. કોઈના પ્રયાસો સફળ થાય છે, કોઈના નિષ્ફળ.  આ વાર્તા શ્રમજીવીઓની દુનિયામાં ડોકિયું કરાવે છે.  સરેરાશ રચના. અંતર (સુષ્મા કે. શેઠ) : સાંસારિક જીવનમાં નૈતિકતા વિષય પરની વાર્તા. શું અમુક પ્રકારના વસ્ત્રો પહેરવા-ઓઢવાથી કોઇ નૈતિક કે અનૈતિક બની જાય? વાર્તાનો અંત સૂચક છે. નાયિકાના મગજ પર પિતાના જૂનવાણી વિચારોની અસર થઇ હોય એવું સૂચવાય છે.     

“મીનીસ્કર્ટ પહેરેલા પગ” અને “યુવાન કાન” જેવી અભિવ્યક્તિ ચબરાકીભરી છે પણ એકંદરે અયોગ્ય છે. પગ કે શરીર સ્વયં કોઇ વસ્ત્ર પહેરતું નથી. જે વ્યક્તિનું શરીર હોય તે કર્તા વસ્ત્ર પહેરતું હોય છે. એ જ રીતે એકલા કાન યુવાન હોતાં નથી, આખું શરીર યુવાન હોય છે. હકીકતમાં લેખકનો હેતુ આવી અભિવ્યક્તિ દ્વારા અમુક માહિતી આપવાનો છે. આ કામ માટે વાતને સરળ બનાવવી જોઈએ. વાક્ય કંઇક આવું હોઇ શકે: “અનન્યાએ મીનીસ્કર્ટ પહેર્યું હતું. તે સોફામાં પગ લંબાવીને આડી પડી હતી.”  

સામાન્ય વાર્તાઓ:

અજબ ખેલ (યોસેફ મેકવાન) : સંયુક્ત કુટુંબ, સાસુ-વહુ, બે પેઢી વચ્ચે વિચારભેદ-રુચિ ભેદ, પાત્રોને ભાવનાત્મક રીતે નજીક લાવવા ફિલ્મી અકસ્માત ગોઠવવો; આ બધું હવે જૂનું થઇ ગયું. સામાન્ય વાર્તા. પવલાનું ભૂત (ધરમાભાઇ શ્રીમાળી) : સ્ત્રી પર હાથ ઉપાડી તેને પિયરથી પૈસા લાવવા મજબૂર કરવી એમાં જ બહાદુરી  સમજતા એક પુરુષની વાત. પછી હ્રદયપરિવર્તન. બોધકથા. આલેખન પ્રવાહી પણ આ વિષય જૂનો થઇ ગયો એટલે વાર્તા સામાન્ય લાગે.       

નબળી, અસ્પષ્ટ અને -વાર્તાઓ :

શ્રીનું સ્વપ્ન (હાસ્યદા પંડ્યા)  : ગામડામાં ખેતીના વ્યવસાય પર નભતાં એક સંયુક્ત કુટુંબમાં સ્ત્રીનું સ્થાન એકાદ મજૂર જેવું હોય એવી વાત. સિત્તેર-એંસી વર્ષ જૂનાં સમયની વાત. વાર્તાના અંતમાં વળી કવિતા મૂકીને લેખકે હજી પાછળ જઈને વાર્તા છેક સોએક વર્ષ પહેલાંના સમયમાં મૂકી દીધી. નબળી રચના.  એપા. નં. સી-૪૦૧ (કુમાર જૈમિની શાસ્ત્રી) : આ વાર્તાની પૂર્વધારણા અસ્પષ્ટ છે. કથકનું સ્થાન અને એની ભૂમિકા વાર્તામાં અધવચ્ચે જ બદલાઇ જાય છે. વાર્તામાં બે ભાગ પડી ગયા છે. પહેલા ભાગમાં કથક એપાર્ટમેન્ટ નં. સી-૪૦૧ ને બહારથી જુએ છે અને એનું વર્ણન કરે છે; ખાસ કરીને એની બાલ્કનીમાં ચાલતી ગતિવિધિનું. દરમિયાન કથક વિશ્વ વિષે ગંભીર ચિંતનકણિકાઓ વાચક જોડે વહેંચ્યા કરે છે.  એ ચિંતનનો પ્રસ્તુત વાર્તા સાથે કેવી રીતે મેળ બેસાડવો એ એક અઘરો વ્યાયામ છે. પછી અચાનક કથકનું સ્થાન બદલાઇ જાય છે. હવે કથક એપાર્ટમેન્ટ નં. સી-૪૦૧ ની અંદર એક પલંગમાં દર્દી બની જાય છે. અહીં કોઇ રીતિ નામની રહસ્યમય સ્ત્રીનું રાજ્ય ચાલે છે. વાર્તાના અંતમાં કથકની મૃત્યુ જોડે મુલાકાત થતાં થતાં રહી જાય છે. અસ્પષ્ટ વાર્તા. ટાઢક (નીતા જોશી) : કોરોના વાયરસને કારણે ફેલાયેલી મહામારીના વાતાવરણમાં નાયક ગૂંગળામણ અનુભવે છે અને ગામમાંથી બહાર નીકળી જંગલના કુદરતી વાતાવરણમાં હળવાશ અનુભવે છે. આ લેખકને વાર્તાની રચના કરવા માટે કોઇ ઘટના નહીં પણ સામાન્ય ઘરેડથી જુદાં પડતાં નિર્દોષ અને નિર્મળ પાત્રો વધુ આકર્ષે છે. આ અગાઉની જલારામદીપના જુલાઈ ૨૦૨૦ અંકની વાર્તા “એ માણસ” અને મમતા વાર્તામાસિકના ઓક્ટોબર અંકની વાર્તા “વેદિયો” એમ બંને વાર્તાઓમાં આ જ પ્રકારના પાત્રોનું નિરૂપણ થયું છે.  એ બંને વાર્તાઓમાં પણ કોઇ ઘટનાવિશેષનું મહત્વ નથી. વિકલ્પ (સતીશ વૈષ્ણવ) : આ વાર્તા નથી, અજાણ્યા સ્થળે ચોવીસ કલાક વીતાવવાના ધ્યેય સાથે નીકળી પડેલા એક આદમીની અનુભવયાત્રા છે. એણે જોયેલું સ્થળ નહીં પૂરું ગામડું કે નહીં પૂરું શહેર જેવું છે. દિવસના છેડે એ રૂપબજારમાં જઇ ચડે છે. રચનાના આ હિસ્સામાં લેખક અચાનક એક મુગ્ધ યુવાનની વાર્તા માંડે છે. એ યુવાન બીજું કોઇ નહીં, વાર્તાના નાયકનો જ ઓલ્ટર ઇગો છે. હેતુવિહીન સામાન્ય રચના.  આવી રચના નિબંધ તરીકે શોભે, વાર્તા તરીકે ના ચાલે.    

--કિશોર પટેલ; બુધવાર, 21 ઑક્ટોબર 2020; 12:25.

### 


Monday 12 October 2020

મમતા ઓક્ટોબર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 

મમતા ઓક્ટોબર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે :

(૬૦૭ શબ્દો)

આ અંકની કુલ આઠ વાર્તાઓમાંથી પાંચ વાર્તાઓ મમતાવાર્તા સ્પર્ધા-૨૦૧૯ની ટોચની ૬૦ વાર્તાઓમાંની છે.

સ્પર્ધાની પાંચ વાર્તાઓમાં સારી અને નબળી બંને પ્રકારની વાર્તાઓ છે.

 

૧. ઝીણા ફોરે વરસાદ (કિરણ વી.મહેતા) :  સારી વાર્તા. નાયિકાનું મનોજગત સરસ પકડાયું છે. કોઇને નફરત કરતાં રહેવા માટે પણ એ વ્યક્તિને સતત યાદ કરવી પડે. ને એમ જ ક્યારે નફરત પ્રેમમાં બદલાય જાય એની કોઇકને ખબર ના પણ પડે! અંતની ચમત્કૃતિ સારી.

૨. વેદિયો (નીતા જોશી) : પ્રવાહી શૈલી. પરણીને સંયુક્ત કુટુંબમાં ગયેલી એક સ્ત્રીની નજરે સાસુ-સસરાનું ચિત્ર. વાર્તામાં કહેવાયું છે કે માણસ બહારથી અલગ દેખાય છે અને અંદરથી અલગ. સંયુક્ત કુટંબ હવે ઈતિહાસજમા થઇ રહ્યાં છે ત્યારે આવી વાર્તા હવે પ્રાસંગિક લાગતી નથી.   

૩. એંઠવાડ (દીના રાયચુરા) : નાયિકાને લઘુતાગ્રંથિ છે. એની પાસે પૈસો છે પણ રૂપ નથી, સંતાન નથી, પતિનો પ્રેમ નથી. નોકરબાઇનું સૌંદર્ય જોઇને એને ઈર્ષાભાવ જાગે છે.  અંતની ચમત્કૃતિ નાયિકા માટે પડ્યા પર પાટુ સમાન છે. સારી વાર્તા.

 ૪. મંગળા (ગોપાલકુમાર જયંતિલાલ ધકાણ) : એક કિન્નર અને એક નાના બાળકની મૈત્રીની વાત. નવો વિષય. બધું સમજાવીને કહેવાની લ્હાયમાં વાર્તાની રજૂઆત સામાન્ય બની ગઇ. યોગ્ય સંકલન થાય તો વાર્તા નિખરી ઊઠે એવી છે.   

નોંધનીય અભિવ્યક્તિ: // આજે પહેલી વાર તેને રુંવેરુંવે જાણે સ્ત્રીત્વ ઊભરાવા લાગ્યું. તડફડ બોલી નાખતી જીભમાં કાળુનાં શબ્દોએ જાણે ઝાંઝર પહેરાવ્યું હોય તેવો રણકાર નીકળવા લાગ્યો. //

૫. વાત એક વલ્લભની (પરીક્ષિત જોશી) : દક્ષિણ દિશામાંથી આવેલા કોઇ બાપુ અને એની કૃપાદ્રષ્ટિ પામવા હવાતિયાં મારતો એક ગણતરીબાજ વલ્લભ. આ બે પાત્રોના માનસિક યુદ્ધની વાર્તા.  વાર્તા કહેવાય છે ગામના જ એક આદમીના મુખે જે વરસો પહેલાં ગામ છોડી ગયો છે ને એ જયારે પાછો આવે ત્યારે એને બધું યાદ આવે. 

આ વાર્તામાં સમસ્યા ૧: પહેલા પુરુષ એકવચનમાં કહેવાતી વાર્તામાં વલ્લભ નામના પાત્રના મનમાં શું ચાલે છે એ કથક કેવી રીતે કહી શકે? સમસ્યા ૨: વાર્તાની શરૂઆતમાં જ મૃત્યુ પામેલા શેઠિયા માટે “સોનાની ચમચી સાથે જન્મેલા” એવું કહ્યું પછી “ગર્ભશ્રીમંત” એવું કહેવાની શું જરૂર હતી? 

સ્પર્ધા સિવાયની ત્રણ વાર્તાઓમાંથી એક કરુણાંત છે, બીજી સરેરાશ છે અને ત્રીજી નબળી છે.

 

૧. આંબો (ગુણવંત ઠાકોર) : ખેતરમાંના આંબા જોડે લાગણીઓ જોડાયેલી હોવાથી નાયકને એ  આંબો વહાલો છે. અતિવૃષ્ટિમાં એ આંબો ધરાશાયી થઇ જાય છે. કરુણાંત વાર્તા. તળપદી બોલીનો સરસ પ્રયોગ.

૨. બેસણું (પ્રવીણ ગઢવી) : જ્ઞાતિભેદની વાત. કહેવાતી ઊંચી વર્ણની કન્યાએ કહેવાતી દલિત કોમના છોકરા જોડે લગ્ન કર્યા એટલે કન્યાના પિતાએ દીકરી મૃત્યુ પામી છે એવું જાહેર કરી એનું બેસણું રાખ્યું. સરેરાશ વાર્તા. 

વાર્તામાં દેખીતી ભૂલો: ૧. // ઇન્દુભાઇ ક્રોધથી કાંપતા હતા.//  એવું વાર્તાની શરૂઆતમાં બે વખત આવે છે. શા માટે આવું પુનરાવર્તન? ૨. // ઇન્દુભાઇને છોકરીઓ કોલેજમાં જવાના બહાને હોટલો, થિયેટરો અને બગીચાઓમાં રખડતી ફરે તે સામે નફરત હતી. //  આવું સર્વસામાન્ય વિધાન કથક કેવી રીતે કરી શકે? શું વિશ્વની બધી છોકરીઓ કોલેજના બહાને રખડતી હોય છે? ૩. // મીનાબહેને ડબાડુબલી ફેંદી ખારી બિસ્કીટ શોધી કાઢ્યાં અને એક ડીશમાં મૂક્યાં. // કેમ ડબાડુબલી ફેંદવા પડ્યા? મીનાબહેનનું પોતાનું ઘર હતું, એક ગૃહિણીને ખબર ના હોય કે ખારી બિસ્કીટ ક્યા ડબામાં મૂક્યાં છે?

૩. લિવ ઇન રિલેશનશિપ (નટવર હેડાઉ) : નબળી વાર્તા.  વીણા નામની એક નવોઢાને લગ્ન પછી ખબર પડે છે કે તેનો પતિ રવિ એક રૂબી નામની સ્ત્રી જોડે પહેલેથી જ લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. વીણાને લાગેલા આઘાતની વાર્તા.

વીણા-રવિનું હનીમૂન પર જાય એ ઘટના અને ત્યાંનું વર્ણન બિનજરૂરી. આ યુગ્મ બેંગ્લોર પહોંચે ત્યાંથી જ વાર્તા શરુ થવી જોઇએ. જરૂરી માહિતી ફ્લેશબેકમાં ટૂંકમાં આપી શકાય. વાર્તામાં રવિનું પાત્રાલેખન નબળું થયું છે. જો રવિ પહેલેથી જ કોઈ સ્ત્રી જોડે લિવ ઇનમાં રહેતો હતો તો એણે લગ્ન શા માટે કર્યા એ સ્પષ્ટ થતું નથી. જયારે રૂબી રવિને છોડીને જતી રહે ત્યારે રવિને આઘાત શા માટે લાગવો જોઈએ? લિવ ઇન રિલેશનશિપની વ્યાખ્યા પણ એ સમજતો ન હતો? વાર્તા કોની છે? વીણાની છે કે રવિની? આ વાર્તા જલારામદીપના જાન્યુઆરી ૨૦૨૦ અંકમાં પ્રસિદ્ધ થઇ ચૂકી છે.

--કિશોર પટેલ, સોમવાર, 12 ઑક્ટોબર 2020; 21:40

###

 


Monday 5 October 2020

પરબ ઓક્ટોબર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે


 

પરબ ઓક્ટોબર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે :

(૧૯૭ શબ્દો)

યોગાનુયોગ એવો થયો છે કે આ અંકની બંને વાર્તાઓનો વિષય એક જ છે. બંને વાર્તાઓમાં સંતાનોનાં પિતા જોડેના સંબંધોનું ઓડિટ થયું છે. એક વાર્તામાં એક દીકરી અને બીજી વાર્તામાં એક દીકરો પોતપોતાના પિતાની સ્મૃતિ તાજી કરે છે. બંને વાર્તાઓ હ્રદયસ્પર્શી અને પઠનીય બની છે.

પપ્પાનું ઘર (સ્વાતિ મહેતા) : પિતાના મૃત્યુના ત્રણ વર્ષ બાદ દીકરીને મૃત પિતાના ઘરની ચાવી સોંપવામાં આવે છે.  એ ઘરની મુલાકાતના નિમિત્તે નાયિકા પોતાના મૃત પિતાની સ્મૃતિઓમાંથી પસાર થાય છે. નાયિકાની માતા સાથે વિખવાદ થવાથી નાયિકાના ઋજુ સ્વભાવના કળાકાર પિતા પત્ની-દીકરીથી જુદાં થઇ ગયા હતા. ભાવનાત્મક અને પ્રવાહી શૈલીમાં સારી રજૂઆત.

પિંડ (પૂજન જાની) : તેરમાની વિધિ દરમિયાન બ્રાહ્મણ મૃતાત્માને પ્રેત સ્વરૂપમાંથી પિતૃ સ્વરૂપમાં લાવવાના પ્રયાસો કરતો હોય એની સમાંતરે નાયકના મનમાં પિતાના જીવનની છેલ્લી ક્ષણો જીવંત થાય છે. સરસ વાર્તા.     

નોંધનીય અભિવ્યક્તિ:  // જયારે અમે ખરા બપોરે બહાર હોઈએ ત્યારે પપ્પા મને એમના પડછાયામાં ઊભો રાખતા અને તુરંત જ બીજી ક્ષણે ઠંડો પવન મને સ્પર્શી જતો. //

 અત્રે એ નોંધવું રહ્યું કે આ લેખકની નવનીત સમર્પણના મે ૨૦૨૦ અંકમાં પ્રસિદ્ધ થયેલી વાર્તા “પેન્શન” માં પણ આ જ વિષય હતો; પિતા-પુત્ર સંબંધ. જો કે એમાં સમસ્યા જુદી હતી; પિતા-પુત્રના સંબંધમાં અંતર પડી ગયું હતું.

--કિશોર પટેલ; સોમવાર, 05 ઑક્ટોબર 2020; 21:57

###

Friday 2 October 2020

નવનીત સમર્પણ ઓક્ટોબર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:


 

નવનીત સમર્પણ ઓક્ટોબર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૨૮૮ શબ્દો)

આ અંકમાં બે નીવડેલા અને પ્રતિષ્ઠિત વાર્તાકારોની ઉપસ્થિતિમાં એક ઓછા જાણીતા વાર્તાકારની વાર્તા વિષય અને રજૂઆત બંને મોરચે ધ્યાનાકર્ષક બની છે. સૌથી પહેલાં એ વાર્તા વિષે:

ડોગબેલ્ટ (રાધિકા પટેલ) : પતિ પત્ની અને વો ના ત્રિકોણમાંથી અહીં પત્ની અને વો વચ્ચે રસાકસીભર્યો મુકાબલો ખેલાય છે. વો ના ઘેર પત્નીનું જોડે ડોગીને લઇ આવવું કંઇક વિચિત્ર લાગે છે, પણ હશે, શ્રીમંતોની વાત જરા જુદી હોય શકે, જોવામાં આવ્યું છે કે શોખીન શ્રીમંતો ફરવા જાય ત્યારે જોડે સ્વજનો હોય કે નહીં, પાળેલું પ્રાણી જરૂર હોય છે! અહીં છેલ્લો ઘા રાણાનો એ ન્યાયે “વો” જે છેલ્લો મરણતોલ ઘા પત્ની ઉપર કરે છે એને માટે ડોગીનું ઉપસ્થિત હોવું જરૂરી બને છે. બંને હરીફ પાત્રોનું પાત્રાલેખન સરસ થયું છે. “પત્ની” આક્રમક છે. “વો” શાંત રહીને મક્કમતાથી એનો સામનો કરે છે.   નાટ્યપૂર્ણ પ્રસ્તુતિ, રસપૂર્ણ અને વાચનક્ષમ વાર્તા.   

બંને પ્રતિષ્ઠિત વાર્તાકારોની વાર્તાઓની રજૂઆત એમની પ્રતિષ્ઠાને અનુરૂપ છે, જયારે એમની વાર્તાના વિષયો જૂનાં અને પરંપરાગત છે.  

ગુલમહોર (વર્ષા અડાલજા) : પુરુષપ્રધાન સંસ્કૃતિમાં ગૃહિણીની થતી અવહેલના જેવો જૂનો વિષય. આ નીવડેલા લેખકની કલમે રજૂઆત અપેક્ષા પ્રમાણે સારી અને પ્રવાહી. સવારમાં બારીમાંથી દેખાતું ગુલમહોર અને એનો વૈભવ એટલે એ ગૃહિણીના જીવનનો પ્રાણવાયુ.  ઓછા શબ્દોમાં સરેરાશ પતિનું અને નાની ઉંમરમાં પુખ્ત સમજ ધરાવતા પુત્રનું સારું પાત્રાલેખન.  

જવાબી સવાલ (રજનીકુમાર પંડ્યા) : બે વયસ્કો પોતપોતાની વીતેલી જિંદગીના લેખાંજોખાં માંડે છે એની હળવી શૈલીમાં મજેદાર રજૂઆત.

ગમી ગયેલી વાર્તા (શરીફા વીજળીવાળા ) : ત્સ્વાઈકની “અમોક” વાર્તાનું રસદર્શન શરીફાબેને કરાવ્યું છે. અહીં વચનપાલન માટે ભૂરાયા થયેલા એક ડોક્ટરની વાત છે.  આ ડોક્ટર સૌથી પહેલાં તો એક પરિણીત અને મુશ્કેલીમાં મૂકાયેલી એક સ્ત્રીના પ્રેમમાં ભૂરાયો થયો અને પછી એ સ્ત્રીના મૃત્યુ સમયે એને આપેલું વચન પાળવા ભૂરાયો થયો! જબરી વાર્તા, જબરું વિશ્લેષણ! વધારાની માહિતી: આ વાર્તા પરથી હોલીવુડમાં ત્રણ વખત ફિલ્મ બની છે.

--કિશોર પટેલ, શુક્રવાર, 02 ઑક્ટોબર 2020; 21:25

###