Sunday 29 January 2023

બાલભારતીમાં વાર્તાપઠન ૨૮ જાન્યુઆરી ૨૦૨૩


 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૮ જાન્યુઆરી ૨૦૨૩

(૫૦૪ શબ્દો)

વીતેલા મહિનામાં ઠંડીનો આહલાદક અનુભવ કર્યા પછી શનિવાર તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ બાલભારતી કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ ખાતે વાર્તાપઠનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયેલાં શ્રોતામિત્રોને જોઈ આયોજકોને ગરમાટો આવી ગયો. સૂત્રધાર હેમંતભાઈ કારિયાએ કાર્યક્રમની પ્રસ્તાવના કરતાં જાણકારી આપી કે વાર્તાવંતનો આ સત્તરમો  કાર્યક્રમ છે અને આજ સુધીમાં આપણે સહુએ આ ઉપક્રમમાં પચાસથી વધુ વાર્તાઓ સાંભળી છે.  

કાર્યક્રમનું સંચાલન વિકાસ ઘનશ્યામ નાયકે સાંભળ્યું. સભાગૃહમાં બાળકોની હાજરી જોઇને વિકાસભાઈએ આનંદની લાગણી વ્યક્ત કરી. એમણે કહ્યું કે આજે ભલે આપણાં બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય, એમના વાલીઓ તરીકે આપણી ફરજ છે કે આપણે એમને આપણી માતૃભાષા ગુજરાતીથી પરિચિત કરાવીએ. વિકાસ નાયક IT ક્ષેત્રમાં સેવારત છે અને મુંબઈના અગ્રણી વર્તમાનપત્ર જન્મભૂમિના જાણીતા કટારલેખક છે.

આ વાર્તાપઠનમાં એક નવો પ્રયોગ થયો. નિકિતા પોરિયા અને વિકાસ નાયક એમ બે રજૂઆતકર્તાઓએ અન્ય પ્રતિષ્ઠિત વાર્તાકારોની ચૂંટેલી વાર્તાઓ રજૂ કરી જયારે  મીતા મેવાડા અને નીલેશ રૂપાપરા એમ બે વાર્તાકારોએ સ્વરચિત વાર્તાઓ રજૂ કરી.   

દસમાંથી દસ (મીતા મેવાડા):

વાર્તાનો નાયક કોલેજમાં અધ્યાપક છે. પત્ની અલ્પશિક્ષિત હોવાથી વિષે એના વિષે નાયકનો અભિપ્રાય બહુ સારો નથી. એમના એક મિત્ર અધ્યાપકને જયારે નાયકની પત્નીનો પરિચય થાય છે ત્યારે એ નાયકને જણાવે છે કે તમારી પત્ની તો મારી ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે અને એમનામાં સાહિત્યની ઊંડી સમજ છે.  પત્નીનું આ રહસ્ય જાણ્યા પછી પત્ની પ્રત્યેનું નાયકનું વલણ બદલાય છે.  ફિલગુડ વાર્તા.

નિકિતા પોરિયા: બાપાની પિંપર (કિરીટ દૂધાત)

નિશાળે ભણતા કાળુના પોઈન્ટ ઓફ વ્યુથી વાર્તા કહેવાઈ છે. કાળુ અને એના મિત્ર જેંતી વચ્ચેની વાતચીતમાં વાર્તા આકાર લે છે. કથક ઓછી ઉંમરનો વિદ્યાર્થી હોવાથી વાર્તાની સૂક્ષ્મ કારીગરી સંકેતો અને પ્રતિકો દ્વારા કહેવાઈ છે.  

જેંતી ગામનો એક માત્ર બ્રાહ્મણ છે, નાનાંમોટાં પ્રસંગે વિધિવિધાન કરીને એ આજીવિકા રળી ખાય છે. ગામમાં નવા આવેલા પરભુ ગોરે જેંતીની રોજીરોટીમાં ભાગ પડાવ્યો છે એટલે જેંતીને સ્વાભાવિકપણે એની પર ખુન્નસ છે. મોટી ઉંમરે નાગજીબાપા એક જુવાન સ્ત્રીને પરણીને ઘેર લાવ્યા છે. પરભુ ગોરની મેલી નજર નાગજીબાપાની જુવાન પરણેતર પર પડી છે.        

ઘરની બહાર આંગણામાં છાંયડો રહે એવા વિચારે નાગજીબાપા પિંપરનું વૃક્ષ વાવે છે. વૃક્ષની સલામતી માટે એની આસપાસ બાવળના ઝાંખરાની વાડ બનાવે છે પણ ભારે વરસાદમાં પિંપરનું વૃક્ષ ધરાશાયી થઈ જાય છે.    

અહીં પિંપરનું વૃક્ષ નાયકની જીવનસાથીનું પ્રતિક બન્યું છે. ભારે વરસાદમાં પિંપરનું પડી જવું એટલે પરભુ ગોરનું નાગજી બાપાની ઈજ્જત પર હાથ નાખવો.

“બાપાની પિંપર” શીર્ષકથી જ પ્રગટ થયેલા વાર્તાસંગ્રહની વાર્તાઓ દ્વારા કિરીટ દૂધાત અનુઆધુનિક ટૂંકી વાર્તાઓમાં પોતાની અનન્ય છાપ ઉપસાવવામાં સફળ રહે છે.     

કોફીબ્રેક પછીની વાર્તાઓ:

વિકાસ નાયક: ભેજ (નસીર ઈસમાઈલી)

બીજા પુરુષ બહુવચન કથનશૈલીમાં વાર્તાઓનું સર્જન કરવા માટે જાણીતા બનેલા આ વાર્તાકારની પ્રસ્તુત વાર્તા જો કે અપવાદાત્મ્ક રીતે ત્રીજા પુરુષમાં લખાયેલી છે. બે કોમ વચ્ચેના લોહિયાળ સંઘર્ષના ભોગ બનેલા એક પરિવારની આ કરુણ કથા છે.

કપટકથા (નીલેશ રૂપાપરા):

આ વાર્તામાં એક માણસની અંદર રહેલા ગુણ-અવગુણની વાત હતી. આ વાર્તામાં લેખકે સ્વરૂપ સાથે આકર્ષક પ્રયોગ કર્યો છે. જાણે કોઈ ફિલ્મની પટકથા હોય એ રીતની રજૂઆત હતી. દરેક દ્રશ્યની રચના પ્રભાવી હતી, પાત્રોની વેશભૂષા અને સાજસજ્જા વિષે વિગતવાર વર્ણન હતું તેથી ભાવકો દરેક દ્રશ્યને જાણે સાક્ષાત જોતાં હોય એવી લાગણી થઇ હતી. સરસ, અસરદાર રજૂઆત.

સંચાલન દરમિયાન વિકાસ નાયકે ટૂંકી વાર્તાની પ્રતિષ્ઠિત લેખકો દ્વારા કરાયેલી વ્યાખ્યાઓ રજૂ કરી.

વૈવિધ્યપૂર્ણ વિષયોની વાર્તાઓની પ્રસ્તુતિથી મુંબઈ શહેરની એક સાંજ યાદગાર બની રહી.

--કિશોર પટેલ, 30-01-23; 09:21

###

            

Monday 16 January 2023

અખંડ આનંદ ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

અખંડ આનંદ ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૭૬ શબ્દો)

સૂર્યાસ્ત પછીનું અજવાળું (અનુરાધા દેરાસરી):

ઉચ્ચ શિક્ષણ મેળવવા અમેરિકા ગયેલા સૂરજનું ફક્ત દોઢ વર્ષમાં જ આકસ્મિક મૃત્યુ થાય છે. ત્યાં એનો અંતિમવિધિ કરવા ગયેલા એના માતાપિતા જુએ છે કે વિયેતનામ-અમેરિકા યુધ્ધના પરિણામે સર્વસ્વ ગુમાવી બેઠેલી એક સ્ત્રીએ એક અનાથ બાળકીનો ઉછેરી કરીને પોતાના જીવનને હકારાત્મક દિશા આપી છે. પોતે પણ દેશમાં જઈને અનાથ બાળકોનાં કલ્યાણ માટે કામ કરશે એવું નક્કી કરીને તેઓ સ્વદેશ પાછા ફરે છે.  

પોતાનું દુઃખ ભૂલીને અન્યોનું ભલું કરવું જોઈએ એવો બોધ આપતી કથા.

પ્રશ્ન એ છે કે વધુ ભણવા માટે અમેરિકા ગયેલા યુવાને ફક્ત દોઢ વર્ષમાં ત્યાં મિલકત કેવી રીતે વસાવી? એણે છેલ્લા પત્રમાં માબાપને ઉદ્દેશીને લખ્યું છે: “ભણવાનું પૂરું થાય એટલે સારા પગારની નોકરી મેળવી લઈશ અને તમને અહીં બોલાવી લઈશ.” એનું ભણવાનું ક્યારે પત્યું અને એ નોકરીએ ક્યારે લાગ્યો? કંપની એના પીએફની રકમ વારસદાર તરીકે એના માબાપને ચૂકવે છે એ ઠીક, પણ અમેરિકા જેવા દેશમાં ભણવા ગયેલા યુવાને ફ્લેટ ક્યારે અને કેવી રીતે લીધો?

બારી જીવતરની (પ્રફુલ્લ આર. શાહ):

પત્નીના મૃત્યુ પશ્ચાત એક વરિષ્ઠ નાગરિકના સ્વભાવમાં ધરમૂળથી પરિવર્તન આવી જાય છે. તામસી સ્વભાવનો માણસ રાતોરાત સમજુ અને ડાહ્યો થઈ જાય છે. બાળવાર્તા જેવી બોધકથા.

અતાર્કિક વાર્તા. આમ અચાનક કોઈ માણસને ડહાપણ આવી ના જાય. અન્ય કોઈનું જોઇને પોતાને સુધારવાની પ્રેરણા મળે એ હજી સમજાય, પણ રાતોરાત કોઈ ડાહ્યું બની જાય? કે પછી ચમત્કારો આજે પણ બને છે, એવું કંઇક?

પાંજરાપોળ (રામ જાસપુરા):

આજના સમયની કરુણાંતિકા. ખેતીમાં કામ કરીને આખા ઘરની રોજીરોટી મેળવી આપનાર બળદ ઘરડો થાય ત્યારે એનો માલિક એને પાંજરાપોળમાં ના મૂકતાં ઘેર એની સેવા કરે છે. આ જ ખેડૂતને એના ઘડપણમાં એનો દીકરો એને વૃધ્ધાશ્રમમાં મૂકી દે છે.      

માસી (વસંતભાઈ રાજ્યગુરુ):

ગામડાનું ઘર પડતર ના રહે એ માટે વિધવા માસીને રહેવા માટે આપેલું. સમય જતાં એ ગામમાં જમીનના ભાવ ઉંચકાયા એટલે માલિકના દીકરાએ ઘર વેચવાનો સોદો કર્યો. પણ ઘર વેચાતાં માસી નિરાધાર થઈ જશે એવું વિચારી મૂળ માલિકે સોદો રદ કર્યો. કેટલાંક માણસોમાં ખાનદાની હજી આજે પણ સાબૂત છે.  

ઋણાનુબંધ (અલકા ત્રિવેદી):

એક ડોક્ટર અને એના એક દર્દીના અનોખા સ્નેહસંબંધની વાત.

હથેળીમાં (કિરણ વી. મહેતા):

જે ઘરમાં નાયકનું બાળપણ વીત્યું એ ઘર પ્રત્યેની માયા વિષેની વાત.  

લઘુકથાઓ

જિજીવિષા (ગિરા પિનાકિન ભટ્ટ): પ્રતિષ્ઠિત સ્ત્રીલેખકના દીર્ઘ આયુષ્યથી નહીં પણ એમનાં લખાણોથી ત્રાસેલી એમની પુત્રવધુ ઈચ્છે છે કે સાસુ હવે લખતી બંધ થાય.  એવું તે વાંધાજનક એ શું લખતી હતી એના વિષે કોઈ ઈશારો લઘુકથામાં નથી. 

સંચિત કર્મો (નવીન જોશી): અનીતિના માર્ગે ચાલનારને મૃત્યુ પછી નરક ભોગવવું પડે છે એવો સંદેશ આપતી લઘુકથા. 

ડંખ (નસીમ મહુવાકર): પગમાં પહેરવાના જોડા નવા હોય ત્યારે ડંખે પણ ખરા. સમયાંતરે પગ અને જોડા બંને એકબીજાને અનુકૂળ થઈ જતાં હોય છે. આ વાતનો મર્મ સમજી લઈને નાયિકા પોતાના પતિ વિષેની પિતાને ફરિયાદ કરવાનું માંડી વાળે છે. ચોટદાર લઘુકથા.    

--કિશોર પટેલ, 17-01-23; 09:53

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Saturday 14 January 2023

એન એમ કોલેજનો ગૌરવવંતા ગુજરાતી મહોત્સવ


એન એમ કોલેજનો ગૌરવવંતા ગુજરાતી મહોત્સવ  

ઇ.સ. ૨૦૨૩ ના પ્રારંભમાં એન. એમ. કોલેજ, વિલેપાર્લે મુંબઈ ખાતે ગૌરવવંતા ગુજરાતી મહોત્સવમાં ભાગ લેવાનું બન્યું.  નરસી મોનજી કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળે મહાવિદ્યાલયના વિધાર્થીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મળીને કુલ તેર પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. એમાંથી ટૂંકી વાર્તાસ્પર્ધાના નિર્ણાયક તરીકે કામગીરી બજાવવાનો અવસર મને મળ્યો. મારી જોડે સહનિર્ણાયક તરીકે સાથ નિભાવ્યો કવિ-ચિત્રકાર-છબીકાર-વાર્તાકાર શ્રી સંદીપ ભાટિયાએ.

આ તમામ સ્પર્ધાઓ કોલેજના એક ફેકલ્ટી શ્રી જીમિત મલના માર્ગદર્શનમાં સુપેરે પાર પડી. કોલેજના પ્રિન્સીપાલશ્રી પરાગ આજ્ગાવકરે વિદ્યાર્થીઓને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. સ્પર્ધાઓનું સફળ આયોજન કર્યું ગુજરાતી મંડળના અધ્યક્ષ દ્રષ્ટિ ભીમાણી અને એમના સાથીઓએ.  

પાંચમી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ કોલેજના સભાગૃહમાં યોજાયેલા ઇનામવિતરણમાં મુખ્ય મહેમાન હતા ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના ખ્યાતનામ કલાકાર શ્રી દીપક ઘીવાલા.     

--કિશોર પટેલ, રવિવાર, 15 જાન્યુઆરી 2023;10:35.

###

સંલગ્ન છબીઓ: મુમ્બૈયા ગુજરાતી ડિજિટલ વર્તમાનપત્ર, ૧૪ જાન્યુઆરી ૨૦૨૩, પૃષ્ઠ ૧૩ અને ૧૪ 

 

Monday 9 January 2023

રંગભૂમિના સંસ્મરણો: પ્રકરણ ૨


 

રંગભૂમિના સંસ્મરણો: પ્રકરણ ૨   

(૭૦૦ શબ્દો)

સોહરાબ મોદી જોડે કોન્ટ્રાક્ટ પર નાનકડું એક કામ મેં કર્યું હતું.

૧૯૭૧-૭૨ અથવા ૭૨-૭૩ ની આ વાત છે.

સોહરાબ મોદીની ઉંમર ખાસી થઈ ગયેલી. શરીર ભારેખમ થઈ ગયેલું. જૂની ઓસ્ટીન ગાડી પોતે ડ્રાઈવ કરતા પણ ગાડીમાં બેસવા માટે કે બેઠા હોયને બહાર નીકળવું હોય તો બે માણસોની જરૂર પડતી. એક માણસ કાયમ ગાડીમાં જોડે જ પાછળ બેઠેલો રહેતો. જ્યાં અને જ્યારે પણ બીજા માણસની જરૂર પડે ત્યારે પહેલો માણસ એને શોધી લાવતો. મોદીસાહેબની આંખો નબળી પડી ગયેલી. ગાડી ડ્રાઈવ કરવામાં વાંધો ના આવતો પણ વાંચવામાં તકલીફ થતી. ફિલ્મ કે નાટકની સ્ક્રીપ્ટ વાંચવા માટે ચશ્માં નહીં વાપરવાની હઠ એમણે પકડી રાખેલી. એક હિન્દી નાટકની સ્ક્રીપ્ટની નકલ એમને માટે ખાસ મોટા અક્ષરોમાં કરી આપવાનું કામ મને મળ્યું હતું. એક ફૂલસ્કેપ પેપરમાં આઠ કે દસ લાઈન લખાય એવડી સાઈઝનાં અક્ષરોમાં લખવાનું હતું. પાના દીઠ ત્રણ કે સાડા ત્રણ રૂપિયાનું કોટેશન મેં આપેલું જે એમના મેનેજરે એપ્રુવ કરેલું. એમની ઓફિસમાં ઇઝરાયેલ નામનો એક ચપરાસી હતો. એને સહુ “આરબ કે દુશ્મન!” કહીને બોલાવતા. 

ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ એકાંકીકાર પ્રબોધ જોશી સોહરાબ મોદી માટે એમનાં જ એક નાટકનું હિન્દી રૂપાંતર કરતા હતા. એ દિવસોમાં ગુજરાતી-મરાઠી નાટયકર્મીઓનો અડડો શેરબજારની બાજુની ગલીમાં કોફીહાઉસ ખાતે હતો. પ્રબોધભાઈ એ કોફીહાઉસ પર બેસતા. આસપાસની બેન્કોમાં નોકરી કરતાં નાટ્યકલાકારો બપોરે બે-અઢી-ત્રણ વાગ્યા પછી અહીં આવવા માંડતા. અહીં પ્રવીણ જોશી પણ આવતા અને કાંતિ મડિયા પણ. કલાકારોની આવનજાવન ચાલુ રહેતી. નાટકનું કાસ્ટિંગ અહીંયા થતું. વિના એપોઇન્ટમેન્ટ કોઈને મળવું હોય તો અહીં ફિલ્ડીંગ ભરવાથી મળી શકાતું. સાંજે છની આસપાસ સહુ વિખેરાઈ જતાં, દરેકે પોતપોતાનાં નાટકના રિહર્સલ માટે જુદી જુદી જગ્યાએ જવાનું રહેતું. આ કોફીહાઉસના અડધા માળે (મેઝેનાઈન ફ્લોર) પર પ્રબોધભાઈ માટે એક ટેબલ રિઝર્વ રહેતું. તેઓ ત્યાં જ બેસીને ચા પીતાં પીતાં / ચારમિનાર સિગારેટ ફૂંકતા ફૂંકતા લખતાં, નિર્માતાઓ-દિગ્દર્શકો તેમ જ એકાંકી- સ્પર્ધાઓમાં એકાંકી કરવા ઈચ્છુક કોલેજિયન વિદ્યાર્થીઓ પણ એમને મળવા ત્યાં જ આવતા. કોઈ એમને ડીસ્ટર્બ કરતું નહીં. એમને મળવા ઈચ્છુક હોય એણે ઉપર જઈને દાદરાના ટોચના પગથિયે ઊભા રહીને રાહ જોવાની. પ્રબોધભાઈનું ધ્યાન જાય એટલે સામેથી બોલાવતા.    

મારે ત્યાં જઈને એમની પાસેથી એમણે જેટલાં પાનાં લખ્યાં હોય એ લેવાનાં અને ઘેર જઈને ફૂલસ્કેપ પેપર પર મોટા ટાઈપમાં નકલ કરવાની અને કામ પતે એટલે સોહરાબ મોદીની ઓફિસે સુપ્રત કરવાનાં. એમની ઓફિસ વીટી પાસે ન્યુ એક્સેલસિયરની સામે એક મકાનમાં હતી. વળતાં કોફીહાઉસ પર જઈને પ્રબોધભાઈએ લખેલાં બાકીનાં ફ્રેશ પાનાં લેવાનાં અને ઘેર જઈને મોટા અક્ષરે નકલ કરવાની. એ રીતે કામ લાબું ચાલ્યું. કુલ સિત્તેર કે એંસી પાનાંનું લખાણ થયેલું એટલું યાદ છે. જેટલી વાર મોદીસાહેબ પાસે ગયો એટલી વાર દરેક વખતે મારે મારો પોતાનો intro આપવો પડતો. નામ કહ્યા પછી જ એમને જે તે માણસની લિંક લાગતી. પ્રબોધભાઈ અવ્યવસ્થિત માણસ હતા. ગમે તે કાગળ પર લખતા. બસની ટિકિટની પાછળ પણ લખતા. એક વાર તો કહે છે કે કોફી હાઉસની બિલબુકની પાછળ આખું એકાંકી લખેલું!       

કામ પત્યા પછી મોદીસાહેબે મને બિલ બનાવવાનું કહ્યું.  મેં વચ્ચે કોઈ ઉપાડ કર્યો ન હતો. પાનાં દીઠ ત્રણ કે સાડાત્રણના દરથી લગભગ કંઇક અઢીસો-ત્રણસો રૂપિયા કુલ ટોટલ થયું હતું.

બિલનો આંકડો જોઇને મોદીસાહેબ હસ્યા. “ડીકરા, સું રેટ લગાયવો ચ?”

મેં ધીમેથી કહ્યું, “એક પાનાંના રૂપિયા સાડા ત્રણ.”

મોદી સાહેબે ટેબલ પરથી પેન ઊંચકીને મારા બનાવેલા બિલ પર ચોકડી મારી. પોતે નવું બિલ બનાવ્યું. પેલા ઇઝરાયેલને કહ્યું કે મેનેજર પાસેથી બિલના પૈસા લઈ આવે. મેનેજરે મારી પાસે આવી બિલની પાછળ મારી સહી લીધી અને મારા હાથમાં રૂપિયા સોની આઠ નોટ મૂકી. આઠસો રૂપિયા! ગણતાં ગણતાં હું ગભરાઈ ગયો. મોદીસાહેબ મને જોયા કરતા હતા. મેં કહ્યું, “કંઇક ભૂલ થઈ છે, આટલાં બધાં રૂપિયા?”      

“તારા જ છે, એક પાનાંનો રેટ રૂપિયા દસ લગાયવો ચ.”

ક્યાં સાડા ત્રણ અને ક્યા દસ? માંગ્યા એનાથી ત્રણગણા મળ્યાં!

એ દિવસોમાં નાટક ઓપન થવાનાં દિવસોમાં રિહર્સલ કરતાં કરતાં છેલ્લી ટ્રેન પણ ક્યારેક ચૂકાઈ જતી. એ દિવસોમાં ટેક્સીનું મીટર એંસી પૈસે શરુ થતું. ચોપાટી પર ભારતીય વિદ્યાભવનથી ગોરેગામ સુધીનું ટેક્સી ભાડું થતું લગભગ સાડાનવ કે દસ રૂપિયા. નાટકમાં બેકસ્ટેજ કરવાના શો દીઠ રૂપિયા પંદરનું કવર મને મળતું. ૧૯૭૩ માં મારી ક્લાર્ક તરીકેની સરકારી નોકરીમાં પહેલો પગાર હતો ૨૬૦ રૂપિયા. એટલે રૂપિયા ૮૦૦ ની કિંમત કેટલી થાય એ ગણી લો. 

સોહરાબ મોદી એટલે મારા જીવનમાં મળેલા સૌથી પહેલાં ગુડ પે માસ્ટર. એ પછી બીજા પણ બે ગુડ પે માસ્ટર મળ્યા છે, એ વિષે ફરી ક્યારેક. 

--કિશોર પટેલ, 09-01-23; 16:32

તા.ક. ભાઈ બીરેન કોઠારીની એક પોસ્ટ પર સોહરાબ મોદી વિશે આજે વાત થઈ એના સંદર્ભમાં એમની જોડેના એન્કાઉન્ટર વિષેનો સ્મૃતિલેખ. 

### 

(છબી સૌજન્ય: Google images & Wikipedia)

 

        

Friday 6 January 2023

મમતા ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

મમતા ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૮૦ શબ્દો)

જાળમાં ફસાયેલી માછલી (અર્જુનસિંહ રાઉલજી):

એકની એક પરિણીત દીકરી પતિ જોડે પિયરમાં જ સુખસુવિધાઓથી સજ્જ વિશાળ બંગલામાં રહે છે પણ બીમાર પિતાની કાળજી લેતી નથી. પિતા જાણે મફતિયો ભાડૂત હોય એવું વર્તન દીકરી એની જોડે કરે છે. પિતાને મળવા આવેલા મિત્ર પાસે વાર્તાના અંતમાં એ ખુલાસો કરે છે કે એની માતા જોડે પિતાએ આવું જ વર્તન કરેલું.

આવા અંતને ચમત્કૃતિ ના કહેવાય, અણઘડ રીતે અપાયેલો આઘાતજનક અંત કહેવાય. ક્થકનો મિત્ર પોતાની પત્ની જોડે અમાનવીય વર્તન કરતો હતો તો એ અંગે વાર્તામાં ક્યાંક તો ઈંગિત મૂકવું જોઈતું હતું. આ રીતે કોથળામાંથી બિલાડું કાઢો તે ના ચાલે. વળી માતાનો બદલો લેવા દીકરી પિતા જોડે ગેરવર્તાવ કરતી હોય એ વાત કોઈ પણ રીતે તાર્કિક કે ન્યાયી ઠરતી નથી. હા, પિતાએ ભૂતકાળમાં દીકરી જોડે એવું અમાનવીય વર્તન કર્યું હોય તો હજી કંઇક સમજી શકાય.       

છેલ્લી ઘડી (કલ્પના દેસાઈ):

મૃત્યુ થાય ત્યારે જે તે વ્યક્તિના મનોભાવો શું હોઈ શકે? આ પ્રશ્નનો ઉત્તર શોધવાની કવાયત આ વાર્તામાં થઈ છે. રસ પડે એવી વાત. 

ટાઢું પાણી (નીલેશ મુરાણી):

ભૂતકાળની સ્મૃતિઓ અને વર્તમાનના પડકારો વચ્ચે અટવાતી નાયિકાની અવ્વલ મંઝિલ પ્રતિ સફરનું આલેખન.     

દીપાલી નહીં, હિમાલી! (સુનીલ મેવાડા):

ચિત્રવિચિત્ર શરતો લગાડવાના શોખીન એવા ત્રણ મિત્રો વચ્ચે નામાંતે “લી” હોય એવી કન્યા જોડે પરણવાની શરત લાગે છે. કોઈ જીતતું નથી, કોઈ હારતું નથી. વર્ષો પછી સહુ એક પ્રસંગે ભેગાં થાય ત્યારે ત્રણે મિત્રો પત્નીના નામ જાહેર કરે છે અંતમાં “લી” લગાડીને, અર્થાત ત્રણે ખોટું બોલતા હોય છે.

રજૂઆતની વાત કરીએ તો વાર્તાકારે “પસ્તાવોયજ્ઞ” જેવો એક નવો શબ્દ બનાવ્યો છે. 

ચંદ્ર, વાદળ અને ક્રોસ (મુક્દદર હમીદની મૂળ ઉર્દુ વાર્તા, ભાવાનુવાદ: સંજય છેલ):

ભવિષ્યનાં સોનેરી સ્વપ્નાંના સહારે અભાવગ્રસ્ત જિંદગી જીવતાં સામાન્ય માણસોની વાત.    

મહાયુદ્ધ વિજેતા મશીન (આઈઝાક આસીમોવની મૂળ અંગ્રેજી વાર્તા, અનુવાદ: યશવંત મહેતા):

સાયન્સ ફિક્શન વાર્તા. બ્રહ્માંડમાં ડેનેલ નામના એક ગ્રહ વિરુદ્ધ લડાયેલા યુદ્ધમાં પૃથ્વીવાસીઓનો વિજય થાય છે. સહુ વિજયની ઊજવણી કરતાં હોય છે ત્યારે વિજયના શિલ્પકાર એવા ત્રણ આગેવાનોની એક ગુપ્ત મિટિંગ થાય છે.  આ મિટીંગમાં રહસ્યસ્ફોટ થાય છે કે જીતનો યશ મલ્ટીવેક નામના સુપર કોપ્મ્યુટરને ભલે અપાતો, ખરેખર તો સેનાપતિએ એ કોમ્પ્યુટરની ગણતરીઓ અને દિશાસૂચન પર બિલકુલ આધાર રાખ્યો જ ન હતો.

--કિશોર પટેલ, 07-01-23; 09:40

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

        

Wednesday 4 January 2023

પરબ ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

પરબ ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૬૭ શબ્દો)

કલિકા, હું અને સ્વામી પ્રવણાનંદજી (શિરીષ પંચાલ):

એક વેશ્યાના હૈયામાં રહેલી માતૃત્વની ભાવનાની વાત.

આ વાતની રજૂઆત કરવા માટે વાર્તાકારે ખાસો મોટો પ્રપંચ રચવો પડયો છે. પચીસેક વર્ષની વયની કલિકા નામની એક વેશ્યા, એક વરિષ્ઠ સ્વામી પ્રણવાનંદ, એમનાથી જુનિયર સ્વામી આદિત્યનાથ, એક વરિષ્ઠ દંપતી, એમનો આઠ-નવ મહિનાનો એક દોહિત્ર, અને એક સ્વામીભક્ત ભાવનાશાળી કથક: આમ અડધા ડઝનથી વધુ નાનાંમોટાં પાત્રોની યોજના થઈ છે.

કથકનું એક પરિચિત વરિષ્ઠ દંપતી દોહિત્ર જોડે મુંબઈથી ગુજરાતના એક શહેરમાં ફરવા આવ્યું છે. અનેક જણાનાં વિરોધ પછી પણ શહેરની એક કહેવાતી કુખ્યાત હોટલમાં રાખેલો ઉતારો તેઓ બદલતાં નથી. કથક જુએ છે કે એમનાં પરિચિતના ઓરડાની બાજુનાં ઓરડામાં એક યુવાન વેશ્યા કલિકા રહે છે. કથક એ પણ જુએ છે કે કલિકા અને મહેમાનના દોહિત્ર જોડે સ્નેહસંબંધ બંધાઈ ગયો છે. એક વાર બાટલીના દૂધથી પોતાનાં સ્તનો ભીંજાવીને કલિકા બાળકને સ્તનપાન કરાવવાનો પ્રયાસ કરતી હોય એવું લાગણીસભર દ્રશ્ય જોઇને ભાવુક થઈ ગયેલો કથક કલિકાની આધ્યાત્મિક ઉન્નતિ હેતુસર તેને સ્વામી પ્રણવાનંદ પાસે લઈ જાય છે. સ્વામી પ્રણવાનંદ તો કલિકાને આશીર્વાદ આપે જ છે અને વળી અન્ય સ્વામી આદિત્યનાથને પણ ભલામણ કરે છે કે તે પણ કલિકાને આશીર્વાદ આપે. આ સ્વામી આદિત્યનાથને તો વળી કલિકાની કાયાની આસપાસ આભાનું એક વર્તુળ દેખાય છે.

ખેર, ટૂંકમાં, એક કહેવાતી પતિતાના હૈયામાં વહેતાં વાત્સલ્યના પવિત્ર ઝરણાની વાત આ વાર્તામાં થઈ છે.      

હિન્દુસ્તાન મધ્યેનું એક ખાલી ઝૂંપડું (જગદીશ):

હ્યુમર વત્તા હોરર.

ચૂંટણી દરમિયાન એક ગામડામાં મતદાનકેન્દ્ર પર કથકની નિયુક્તિ થાય છે. એનો ઓર્ડર રિઝર્વમાં હતો અને એને વચ્ચેથી મદદ માટે મોકલાયો હતો એટલે મતદાનનો સમય પૂરો થતાં જ એટલે કે સાંજે પાંચ વાગે જ એની ફરજ પૂરી થઈ જાય છે. ઉપરી અધિકારી એને ઘેર જવાની રજા આપે છે.    

થાય છે એવું કે કથક આખી રાત ઘેર પહોંચતો નથી.  આખો દિવસ એને મતદાન પ્રક્રિયા દરમિયાન ગામડાના રાજકારણના રમૂજી અનુભવો થયાં અને ઘેર પાછાં ફરતાં રસ્તો ભૂલી જવાના કારણે આખી રાત એને રુંવાડા ઊભાં થઈ જાય એવા ભયજનક અનુભવો થયાં.

લઘુકથા

સિંગલિયું (પરીક્ષિત જોશી):

કટાક્ષિકા. છાપાંનો તંત્રી એક પત્રકારને સમાચાર અને જાહેરખબર વચ્ચે રહેલો મૂળભૂત તફાવત સમજાવે છે.

--કિશોર પટેલ, 05-01-23; 10:08

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

   

Monday 2 January 2023

નવચેતન ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

નવચેતન ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૦૩ શબ્દો)

જીવનનો નવો અધ્યાય (ડો. ચંદ્રકાન્ત મહેતા):

સંયુક્ત કુટુંબમાં ચાર ભાઈઓમાંથી મોટા ત્રણે ભાઈઓ પિતા સાથે ઘરનાં વ્યવસાયમાં જોડાયેલા છે.  સહુથી નાના ભાઈ પંચમ અને તેની પત્ની બંનેની ઘરના અન્ય સહુ સભ્યો દ્વારા અવગણના થાય છે.  અભ્યાસ પૂરો કર્યા બાદ પંચમ નોકરી મેળવી જૂદું મકાન ભાડે રાખી સપત્ની માતાપિતાથી સ્વતંત્ર થઈ જાય છે, જીવનનો નવો અધ્યાય શરુ કરે છે. વાર્તાની રજૂઆત અહેવાલાત્મક પધ્ધતિએ થઈ છે. 

મૈત્રી (ડો. એમ.પી.નાણાવટી):

નાનપણની સખી માધવી મુશ્કેલીમાં મૂકાઈ ગઈ એટલે મયુરીએ એની મદદ કરી. એને નર્સિંગનો કોર્સ કરાવી હોસ્પિટલમાં કામે લગાડી. માધવીએ બહેનપણી મયૂરીના પતિ ડોક્ટર મધુકર પર જ નજર બગાડી. સંયમી મધુકરે માધવીને અન્ય હોસ્પિટલમાં નોકરીએ કામે લગાડી પોતાનો સંસાર બચાવી લીધો. આ વાર્તાની રજૂઆત પણ અહેવાલાત્મક થઈ છે.      

બાઉજી આ રહે હૈ! (મૂળ મરાઠી વાર્તા, લેખક રાજરત્ન ભોજને, અનુવાદ: કિશોર પટેલ):

એક શ્રમજીવી મુંબઈ શહેરમાં મજૂરી કરી આજીવિકા રળે છે. ઉત્તર પ્રદેશના એના ગામડે એના પુત્રએ સમજણા થયા પછી પોતાના પિતાને ક્યારેય જોયા જ નથી. એને ખબર મળે છે કે કોરોના મહામારીને કારણે ટ્રેન બંધ હોવાથી એના પિતા પગપાળા ગામડે આવી રહ્યા છે. નાનકડો બાળક પિતાને મળવાની વાતથી ખૂબ ઉત્તેજિત થયો છે. શું પિતા-પુત્રની મુલાકાત થાય છે ખરી?

આ અંકમાં કુલ છ લઘુકથાઓ રજૂ થઈ છે. 

૧. બે કોડીનું કોણ? (જસ્મીન દેસાઈ ‘દર્પણ’): અનીતિની કમાણીની ટીકા. ૨. હવે બરાબર (નસીમ મહુવાકર): મા-દીકરીના સ્નેહસંબંધની વાત. ૩. વ્હીલચેર (દીના પંડયા): નિર્દોષ બાળકીની વાત. ૪. કરન્ટ (મણિલાલ ન. પટેલ ‘જગતમિત્ર): પતિ પર ચાંપતી નજર રાખતી પત્નીની વાત. ૫. ગાંધારી (ગિરિમા ઘારેખાન): કુમાર્ગે વળી ગયેલા પતિને પાછો વાળવા ચીમકી આપતી પત્નીની વાત. ૬. કોરોનાની ભાઈબંધી (યશવન્ત મહેતા): કોરોનાના ચેપ લાગવાના ભયથી ભાગતા ચોરની વાત.

--કિશોર પટેલ, 03-01-23; 09:01

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###