Friday 9 April 2021

મમતા માર્ચ ૨૦૨૧ અંકની વાતાઓ વિષે નોંધ:

મમતા માર્ચ ૨૦૨૧ અંકની વાતાઓ વિષે નોંધ:

(૭૮૨ શબ્દો)

આ દલિત વાર્તા વિશેષાંકના અતિથી સંપાદકો છે: હરીશ મંગલમ અને અરવિંગ વેગડા.  અંકમાં કુલ ૭ દલિત વાર્તાઓનો સમાવેશ થયો છે. અસ્પૃશ્યતા, વર્ણભેદ, દલિતો પ્રતિ સવર્ણોની માનસિકતા વગેરે મુદ્દાઓ આ વાર્તાઓમાં ચર્ચાયા છે.  

કંડ બનામ રામરાજ (જોસેફ મેકવાન): દલિત સાહિત્યમાં જોસેફ મેકવાન પહેલી હરોળના સાહિત્યકાર ગણાય છે. પ્રસ્તુત વાર્તામાં દલિત ચેતનાનું પ્રભાવી આલેખન થયું છે.

વાર્તાનો વિષય છે: અન્યાય વિરુદ્ધ વિદ્રોહ. નાયક હાલ છેલ્લી અવસ્થામાં છે પણ એનું આત્મસન્માન એવું જ કાયમ છે જેવું જુવાનીમાં હતું. ભૂતકાળમાં પણ એણે અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવેલો અને પાછલી અવસ્થામાં પણ એની અંદરનો અગ્નિ શાંત થયો નથી. એને પોતાના દીકરાઓમાં તો એ અગ્નિ દેખાતો નથી પણ પૌત્રમાં એ તિખારો જુએ છે. એ તિખારામાં પલિતો ચાંપવામાં નાયક સફળ રહે છે. પૌત્ર જયારે અન્યાય વિરુદ્ધ રણભેરી ફૂંકે છે ત્યારે નાયકને શાંતિ થાય છે કે કોઈક તો વારસો જાળવશે.

દલિત સાહિત્યમાં જોસેફ મેકવાનનું પ્રદાન અનન્ય છે. આમ છતાં જે વાત ખૂંચી છે એ કહેવી પડશે. તળપદી ભાષા પાત્રના મોંએ બોલાય એ બરાબર પણ કથનમાં ખૂંચે છે. ત્રીજા પુરુષ એકવચન કથનમાં ભાષા શુદ્ધ હોવી ઘટે. અંકની બધી જ વાર્તાઓમાં તળપદી ભાષાનો પ્રયોગ થયો છે પણ આવી ભૂલ કોઇ વાર્તામાં થઇ નથી. 

દાદરો (ચંદ્રાબેન શ્રીમાળી): સમાજનો એક અંશ અનેક વિટંબણાઓ સહન કર્યા પછી પણ કચડાયેલો જ રહે છે. શહેરની એક ચાલીમાં વસેલાં આ સમાજનું ઘેરું વાસ્તવદર્શી ચિત્ર લેખકે વાર્તામાં આલેખ્યું છે. બિલ્ડીંગના જર્જરિત દાદરાનું સમારકામ તાત્કાલિક થવું ઘટે એવી રજૂઆત કર્યા પછી પણ ઊંચી વરણના મકાનમાલિકના પેટનું પાણી હાલતું નથી. દાદરા પરથી પડી જવાના કારણે એક સ્ત્રીની કસુવાવડ થઇ જાય છે પણ દાદરાનું સમારકામ થતું નથી.

ચંદન અને અંબા બંને સ્ત્રીઓ ચાલીના લોકોમાં જાગૃતિ લાવે છે. ચાલીમાં જાતજાતના સુધારા લાવે છે. દર્દીને જોવા આવેલો ડોક્ટર દાદરા પરથી પડતાં પડતાં બચી જાય એ ઘટનાને ચંદન અને અંબાની જોડીએ ટેક ઓફ પોઈન્ટ બનાવીને દાદરાના સમારકામ માટે લડત શરુ કરવી જોઈતી હતી. પણ લેખકને તો ચંદનની કસુવાવડ કરાવીને વાર્તાને કરુણતાની ઊંચાઈએ લઇ જવી હતી.

સૂર્યકાંતના ઘરની, ચંદન જોડેના એના વિવાહની, લગ્ન અને આણાંની, સાંસારિક જીવનની વાતો એટલી બધી વિગતવાર થઇ છે કે એવું લાગે કે જાણે પચાસ-સાઠ પ્રકરણની નવલકથાનું મંડાણ થયું છે. શું આ બધી વિગતોની જરૂર હતી?  બિનજરૂરી લખાણ રદ્દ કરી નાખવામાં આવે તો વાર્તા ધારદાર અને મુદ્દાસરની બને એવી છે.     

લાખું (મધુકાન્ત કલ્પિત): દલિતનો સ્પર્શ થતાં ઊંચી વરણના લોક અભડાઇ જાય, પણ એમની સ્ત્રીઓની શારીરિક છેડછાડ કરવામાં આભડછેટ ના લાગે? આ પ્રશ્ન પૂછે છે આ વાર્તાની નાયિકા કાળી. આ  પ્રશ્ન પૂછીને કાળી અટકતી નથી, એ ધારિયું લઇને છેડતી કરનારનો વધ કરવા નીકળે છે! વાર્તા દ્વારા લેખકે એક સોશિયલ સ્ટેટમેન્ટ કર્યું છે કે સવર્ણો દ્વારા અત્યાચાર બહુ થયો, દલિતો હવે વધુ સમય અન્યાય સાંખી લેવા તૈયાર નથી!     

તેજોવધ (પથિક પરમાર): ગુજરાતના ગામડાંમાં દલિતો સાથે થઇ શકે એટલાં સર્વ પ્રકારના અન્યાય આ વાર્તાના નાયક તેજા જોડે થયાં છે. શિક્ષક તરીકે પરગામમાં રહેવા માટે એને સારું મકાન  ભાડે મળતું નથી, શાળામાં એના માટે પીવાના પાણીનું માટલું અલગ રખાય છે, નાનકડા વિદ્યાર્થીને પણ માત્ર નામથી નહીં પણ નામની સાથે “સિંહ” જોડીને બોલાવવો પડે છે કારણ કે એ છોકરો એક ચોક્કસ કોમનો છે. દરબારને ફરજિયાત “બાપુ” અથવા “ભા” નું સંબોધન કરવું પડે છે. ગામની કન્યાની ઈજ્જત પર કોઇ દરબાર હાથ નાખે એ જોયા પછી પણ “નથી જોયું” કહેવું પડે છે.

આ વાર્તા દ્વારા આજના ગુજરાતના ગામડાંમાં દલિતોની સ્થિતિ વિષે લેખકે એક સ્ટેટમેન્ટ કર્યું છે.

મૂછ (પ્રવીણ ગઢવી): દલિતો મૂછો રાખે અને ઘોડેસવારી કરે એ સવર્ણોથી સહન થતું નથી. એમને એવું લાગે કે જાણે એમના એકાધિકાર પર જોખમ છે. તેઓ દલિતો પર બળપ્રયોગ કરીને એમને રોકે છે. ગુજરાતમાં આવા અનેક બનાવો બન્યાં છે. મૂછ અંગેની એવી ઘટનાને કેન્દ્રમાં રાખીને આ વાર્તાની રચના થઇ છે. આમ આ વાર્તા પણ એક સામાજિક સ્ટેટમેન્ટ કરે છે.

બોટેલાં બોર (દિનુ ભદ્રેસરિયા): લગ્નબાહ્ય સંબંધ અને આભડછેટ એમ બે મુદ્દાઓ આ વાર્તામાં ચર્ચાયા છે. પરિણીત કાન્તા પોતાના પતિ પથુથી અસંતુષ્ટ છે. પરિવારનો સાથી ખેડૂત ગલજી યુવાન અને અપરિણીત છે. કાન્તાની સંગત માણવાનો મોકો એ શોધ્યા કરે છે પણ કાન્તા એને દાદ આપતી નથી. શરીરના આવેગો અસહ્ય બનવાથી એક વાર એ ગલજીને સામેથી સહશયન કરવાનું આમંત્રણ આપે છે પણ હવે ગલજી “બોટેલાં બોર અમારી નાતમાં કોઇ ખાતું નથી.” એવું કહીને કાન્તાનું ઈજન ઠુકરાવી દે છે.

અહીં વાત ફક્ત સ્ત્રી-પુરુષની નથી. અહીં આભડછેટનો કોણ પણ સંકળાયેલો છે. સવર્ણ કોમની કાન્તાએ એકથી વધુ વખત દલિત કોમના ગલજીને “મર્યાદામાં રહેવા અંગે” ટપાર્યો છે. હલકી જાતનો કહીને એનું અપમાન કરેલું છે. એટલે તક મળતાં જ ગલજી કાન્તાને “બોટેલું બોર” કહીને બદલો વાળે છે.

સંપૂર્ણ વાર્તા કાન્તાના પોઈન્ટ ઓફ વ્યુથી કહેવાઇ છે. અંતમાં જયારે ગલજી કાન્તાનું ઈજન ઠુકરાવે છે ત્યારે કાન્તાની જોડે ભાવકની પણ હાર થાય છે.     

આખરે બાધા ફળી (રતિલાલ રોહિત): સવર્ણોની બેવડી માનસિકતા વિષે વ્યંગ. દલિત કોમના એક સભ્યના ઘેર નવો નવો ટેલિફોન આવ્યો છે. એમના સવર્ણ પાડોશીઓએ ગામ-પરગામ રહેતાં સ્નેહીજનોને નંબર આપી રાખ્યાં છે. એમનાં ફોન આવે ત્યારે તેમની જોડે વાત કરવાની સગવડ પણ જોઈએ છે અને વાત કરતાં કરતાં દલિતના ઘરમાં ક્યાંય અડકી જઇને અભડાવું પણ નથી!

-કિશોર પટેલ; 09-04-21; 09:03

###

   

    

 

Thursday 8 April 2021

એક અભ્યાસલેખ દલિત સાહિત્ય / કિશોર પટેલ


 

એક અભ્યાસલેખ

દલિત સાહિત્ય / કિશોર પટેલ

દલિત સાહિત્યનો અણસાર સૌ પ્રથમ મરાઠી ભાષામાં દેખાયો. ત્યાર બાદ ગુજરાતી ભાષામાં પણ દલિત સાહિત્ય પ્રગટ થયું. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન પછી એ ચળવળમાં વેગ આવ્યો. દલિત સાહિત્યની સામાન્ય વ્યાખ્યા આપણે એવી કરી શકીએ કે દલિતો વિશેનું સાહિત્ય. જરૂરી નથી કે દલિતો એટલે કે વંચિતો વિશેનું સાહિત્ય કોઈ દલિત/વંચિત જ કરે કે કરી શકે. પણ જો એ સમાજમાંથી જ કોઈ લેખક આગળ આવતો હોય તો વધુ પ્રતિબદ્ધ સાહિત્ય મળવાની શક્યતા વધી જાય છે. એંસીના દાયકામાં મરાઠી ભાષામાં ગ્રંથાલી પ્રકાશને લીધેલી આગેવાની મહત્વની છે. ગ્રંથાલીના પ્રકાશક દિનકર ગાંગલ મહારાષ્ટ્રના વંચિત સમાજના આગેવાન કવિ-લેખકોને રૂબરૂ મળ્યા અને એમની પાસેથી આત્મકથનો લખાવ્યાં જેને પરિણામે લક્ષ્મણ માને, દયા પવાર, નામદેવ ઢસાળ જેવા કવિ/લેખકો પ્રકાશમાં આવ્યા. આરંભના એ ગાળામાં દલિતોની વ્યથા-કથા અને સવર્ણો દ્વારા થતાં અન્યાય સામે આક્રોશ એવો સૂર મુખ્ય હતો.

દલિત સાહિત્યની વ્યાખ્યા

દલિત લેખકો વડે દલિત ચેતના અને સંવેદનાને વ્યક્ત કરે તે દલિત સાહિત્ય. એના સ્વરૂપનું વૈશિષ્ટય એની અંદર જ રહેલ દલિતતામાં વણાયેલું રહ્યું છે.  એના સર્જનનો ઉદ્દેશ એક જ છે, સ્પષ્ટ છે, દલિત સમાજને એની ગુલામીથી પરિચિત કરી, હિંદુ સમાજના ઉપલા વર્ણ-વર્ગના લોકોની સમક્ષ દુ:ખસંતાપ વર્ણવવા.

દલિત સાહિત્યના એક જાણીતા કવિ-વાર્તાકાર ડોક્ટર પથિક પરમારે દલિત સાહિત્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે સાહિત્ય એ માનવને કેન્દ્રમાં રાખીને સતત વિકસતી રહેલી અભિવ્યક્તિની કળા છે, તેમાં દલિત સાહિત્ય એ જ્વાળામુખીની ટોચ ઉપર જીવતા શોષિત અને પીડિત સમાજના આંતરિક સંચલનોને વાચા આપતું સાહિત્ય છે. દલિત સાહિત્યના સર્જકો પોતાના જીવાતા જીવનના રોજિંદા અનુભવોનું ભાથું લઈને આવે છે, એમની વાર્તાઓમાં એમના સામાજિક અને કૌટુંબિક તેમ જ આર્થિક અને વ્યાવસાયિક જીવનના આગવાં અને નિજી સંવેદનો બળકટ રીતે દેખાં દે છે. (સંદર્ભ: “સાંપ્રત દલિત સાહિત્ય પ્રવાહ” સંપાદન ડો.પથિક પરમાર)

આ વિષે ડો. મોહન પરમાર લખે છે:

“ગુજરાતી સાહિત્યમાં દલિત સાહિત્યનો ઉદ્ભવ ૧૯૭૫ની આસપાસ થયો. પ્રારંભિક વર્ષોમાં કવિતા લખવાનું પ્રમાણ વિશેષ રહ્યું. ૧૯૮૦ પછી ગુજરાતી વાર્તાની જે રુખ પલટાઈ એમાં દલિત વાર્તાને પણ અગત્યનું પરિબળ ગણવામાં આવે છે. 

૧૯૮૦ પછી આધુનિક વાર્તાના પૂર ઓસરવા માંડ્યા અને અનુઆધુનિક વાર્તાનો જન્મ થયો.  અનુઆધુનિક વાર્તામાં પરિષ્કૃત (અર્થ: પરિષ્કાર પામેલું, સંશોધિત કે અલંકૃત –સાર્થ ગુજરાતી જોડણીકોશ) અને દલિત ચેતના ઉપરાંત ગ્રામચેતના, નારીચેતના, દરિયા કાંઠાના માનવજીવનની સમસ્યાઓ, નગર જીવનના અંધારિયા ખૂણાની વિવિધ સમસ્યાઓ વગેરે વિષયો લેખે લઈને વાર્તા રચવાના પ્રયાસો થયા. આવા વિષયવસ્તુને સ્પર્શક્ષમ બનાવવા માટે વાર્તાકારોનો સબળ સર્જનાત્મક સધિયારો મળતાં આ ગાળાની વાર્તાઓએ સારું એવું આકર્ષણ ઊભું કર્યું. અનુઆધુનિક વાર્તાની આ વિવિધ ધારાઓમાં દલિત ચેતનાની વાર્તાઓએ તેની નિજી સર્વાંગીણ સમસ્યાઓને કારણે જુદી જ ભાત પાડી છે. દલિતોના રીતરિવાજ, આકાંક્ષા-અરમાનો, પીડા-વેદના વગેરે આજ સુધી સાહિત્યમાં અસ્પૃશ્ય રહેલાં વિવિધ વિષયો સાહિત્યમાં ઠોસપૂર્વક પ્રવેશ્યા. એમાંય વાર્તાઓમાં આવા વિષયોના રહસ્યો એવી રીતે ઘૂંટ્યા કે ટૂંકી વાર્તામાં દલિત વાર્તા એવી આગવી ઓળખ સાથે અનિવાર્ય બનીને જ જંપી.” (સંદર્ભ: ‘ગુજરાતી દલિત સાહિત્ય: સ્વાધ્યાય અને સમીક્ષા’ , પ્રકાશન વર્ષ: ૨૦૦૧; સંપાદકો મોહન પરમાર અને હરીશ મંગલમ) 

જાણીતા વાર્તાકાર અને વિવેચક માય ડિયર જયુ નોંધે છે:

“ગાંધીયુગનો સુધારક દલિતને અસ્પૃશ્યતા, દરિદ્રતા, અજ્ઞાનતા જેવાં પડળોથી વીંટળાયેલો જોતો હતો, ને એમાંથી ઉધ્ધારવાની અનુકંપા રાખતો હતો. દલિત ચેતના આવા દયાભાવ પર ઊભી નથી, સમત્વના અધિકાર પર ઊભી છે એ દર્શાવવા માટે આક્રોશ, ઉકળાટ અને વ્યથાપીડાના બૂમબરાડા જ માત્ર ચાલે નહીં, સમગ્ર સમાજના સર્વાંગીણ ચિત્રો મળવા જોઈએ, દલિત પણ માનવ છે, માનવીય ગુણલક્ષણોથી ભર્યો ભર્યો છે, દલિતના જીવનમાંય પ્રેમ, પરોપકાર, દયા, ઉદારતા જેવાં સારાં અને અહંકાર, વેર, ક્રોધ, લોભ જેવાં નરસાં માનવભાવો  ભારોભાર ભર્યા છે એ દર્શાવવું જોઈએ તો જ સમભાવની ભૂમિકા રચાય નહીં તો રસિકલાલ છો. પરીખની જેમ ઘણાંને પ્રશ્ન થાય. એમણે “ખેમી” વાર્તાને ઉત્તમ કહીને એમ પૂછ્યું છે કે ઘણા વાંચકો દ્વિરેફને પૂછશે કે ભલા, પ્રેમની કથા લખવા તમારે ઢેઢવાડે કેમ જવું પડ્યું? શું ગુજરાતની બીજી કોમોમાં તમને બધું હસવા જેવું લાગે છે ને ઢેઢવાડામાં જ પ્રેમ દેખાયો કે ઠેઠ ત્યાં જવું પડ્યું? (રા.વિ.પાઠક પરિશીલન ગ્રંથ, પૃષ્ઠ ૫૯૧) આ અવમાનનામાંથી નીકળવા માટે સાક્ષાત વાસ્તવના દરેક ખૂણા અજવાળવા આવશ્યક છે. આ દલિત વાર્તાઓ દલિત પાત્રોની ઉદાત્તતા અને બીજા પ્રકારના ચિત્રો ઉપસાવે છે, જે સમત્વની ગરવી ભૂમિકા રચે છે. એટલું જ નહીં, સમત્વની ભૂમિકા માટે દલિત સમાજનો સર્વાંગીણ પરિચય પ્રાપ્ત થવો આવશ્યક છે, કોઈ પણ પ્રજાની ઓળખ એના ચૈતસિક વ્યાપારોથી થતી હોય છે. (મોહન પરમારની વાર્તાકળા, ઉદ્દેશ, નવેમ્બર ૨૦૦૫)

કંકાવટીમાં “દલિત ગુજરાતી વાર્તા” (૧૯૯૫) નું અવલોકન કરતાં શરીફા વીજળીવાળા લખે છે કે:

“દલિત સાહિત્યકારે એની સામાજિક પ્રતિબધ્ધતા છોડી દેવાની નથી.  એણે તો પ્રતિબધ્ધતાને જ કળાકૃતિ બનવા સુધી લઇ જવાની છે. જરાય બોલકા બન્યા વિના વાર્તાને બોલવા દેવાની છે. મંગળ રાઠોડ, મોહન પરમાર, હરીશ મંગલમ જેવા દલિત સર્જક-વિવેચક આ વાત સાથે પૂરા સંમત છે જ. નીવડેલી કૃતિના આધારે જ દલિત સાહિત્યનું મૂલ્યાંકન થવું ઘટે એવી સંપાદક અજીત ઠાકોરની વાત સાથે સૌ કોઈ સંમત હોય જ.  

દલિત સાહિત્યનુ પ્રયોજન

દલિત સાહિત્ય એના પ્રયોજન અને કાર્યની દ્રષ્ટિએ લલિત સાહિત્યથી અહીં જૂદું પડે છે. લલિત સાહિત્યનુ મુખ્ય પ્રયોજન અને કાર્યો છે: રસાનુભૂતિ અને  સૌંદર્યાનુભવ કરાવવાનાં; જ્યારે દલિત સાહિત્યનું મુખ્ય પ્રયોજન છે: રસ-સૌંદર્ય નિષ્પત્તિને બદલે સામાજિક પરિપ્રેક્ષથી સામાજિક મૂલ્યો ઉજાગર કરવાનું. આ કારણે સાહિત્યનું પરંપરાગત સૌંદર્યશાસ્ત્ર  (aesthetics) છે તેને સ્વીકારવાને બદલે પોતાના સાહિત્યની પણ સમાજ વિચારણા કરી શકે એવા નવા અને વિશિષ્ટ સૌંદર્યશાસ્ત્ર વિકસાવવાની વાત તેઓ કરે છે.

અગાઉ આ વર્ગની વેદના-સંવેદના અને સમસ્યાઓનું નિરૂપણ સવર્ણ લોકના લેખકો કરતા. એમાં સહાનુભૂતિ અને હમદર્દી હતી પણ જાતઅનુભવ નહોતો. એને બદલે આ દલિત-પીડિત, પછાત અને અત્યંજ વર્ગમાંથી જ લેખકો આગળ આવીને પોતાના જીવનના ખરેખરા અનુભવોનું ઢાંકપિછોડા વિનાનું નરદમ અને નગ્ન ચિત્ર આલેખવા લાગ્યા એ આ દલિત સાહિત્યને વિશિષ્ટ સ્વરૂપ આપવામાં નિમિત્તરૂપ બન્યા. તેથી દલિત સાહિત્ય એ આ વર્ગના દુ:ખદર્દ અને તાપસંતાપની અદ્દલ અનુભૂતિ કરાવતું સાહિત્ય છે. એમાં મુખ્ય વિષયો તરીકે ગરીબાઈ, ગુલામી, અપમાન, અવહેલના, તિરસ્કાર, શોષણ અને પરિતાપની સંવેદનાઓ અને સમસ્યાઓ નિરુપાય છે.

દલિત સાહિત્ય પ્રતિબદ્ધ (committed) છે, એમની પ્રતિબધ્ધતા છે પોતાની જાતિ અને તેમના દુ:ખ દર્દને વાચા આપી સૌને જાગૃત કરી સમાજને યોગ્ય રીતે વર્તન કરતો બતાવવો.

આ કારણે દલિત સાહિત્યની ભાષા અલગ પ્રકારની છે. લલિત સાહિત્ય સમાજની સર્વમાન્ય ભાષામાં અભિવ્યક્તિ સાધે છે જયારે આ સાહિત્ય આ નીચલા થરના લોકોની રોજબરોજની લોકબોલીમાં રચાતું સાહિત્ય છે, એમની જે પ્રાણાન્તિક મર્મભેદી અનુભૂતિઓ છે તેને નિતાંત યથાર્થ ભૂમિકાએ અદ્લોઅદ્દ્લ પ્રગટ કરવી હોય તો આ સિવાયની ભાષા કામ ના લાગે. એમાં તળપદા શબ્દો, લોકોક્તિઓ, કહેવતો, અપશબ્દો, ઓઠાંઓ વગેરેનો સીધો ઉપયોગ હોય છે. 

દલિત વાર્તા કેવી રીતે ઓળખીશું?  

આ વિષે ડો. મોહન પરમાર કહે છે:

૧. દલિત વાર્તાનો પરિવેશ રચાયો છે કે કેમ?

૨. વિષય દલિત-પીડિત સમાજને સ્પર્શે છે કે કેમ?

૩. પાત્રોના વાણીવર્તનમાં દલિતોની અસલ ઓળખ પરખાઈ આવે એ પણ મહત્વનું છે.

શું અદલિત સર્જક દલિતકૃતિ રચી ના શકે?

અદલિત સર્જકના હાથે દલિત કૃતિ ન જ રચાઈ શકે એવી  માન્યતાઓ સામે “દલિત ગુજરાતી વાર્તા” (૧૯૯૫) ના સંપાદક અજીત ઠાકોર પોતાના સંપાદકીય લેખમાં સ્પષ્ટપણે ઉચ્ચારે છે કે:

૧. દલિતજનની ઓળખની સ્પષ્ટ મુદ્રા જે કૃતિમાંથી પ્રગટ  થતી હોય તે દલિત સાહિત્ય જ છે.

૨. કળાનિર્મિતિના ભોગે સમાજ તરફની પ્રતિબધ્ધતા દલિત સાહિત્ય માટે મોટું ભયસ્થાન છે.

૩. દલિત સાહિત્યકારે પ્રચારાત્મક લપસણી ભૂમિકાથી ચેતવા જેવું છે.

૪. સાહિત્યમાં રૂપાંતર પામ્યા વિના દલિત ચેતના “દલિત સાહિત્ય” નામને પાત્ર નથી.

આ વિષે ડો. ભરત મહેતા કહે છે:

“ગાંધીયુગની ‘ખેમી’ (રા.વિ.પાઠક), ‘કાનિયો ઝાંપડો’, ‘ભાઈ’, ‘ચમારના બોલે’ (મેઘાણી), ‘માજા વેલાનું મૃત્યુ’ ‘ગોપી’ (સુંદરમ) જેવી વાર્તાઓમાં દલિત ચેતનાની જરાય ઓછી ખેવના નથી. એમાંય ‘હીરો ખૂંટ’ (જયંત ખત્રી) કે ‘નેશનલ સેવિંગ’ (પન્નાલાલ પટેલ) જેવી રચનાઓ કળાના ધોરણો સિદ્ધ કરીને અડીખમ ઊભી છે. દલિતેતર વાર્તાકારોએ આ રીતે ગાંધીયુગમાં જ ગુજરાતી દલિત વાર્તાઓનો પ્રારંભ કરી આપ્યો ગણાય.” (ડો.ભરત મહેતા, ‘ગુજરાતી દલિત વાર્તા’ પુસ્તક: ‘ગુજરાતી દલિત સાહિત્યના લેખાં-જોખા’ સંપાદક: ડો.નાથાલાલ ગોહિલ)

આ વિષે જાણીતા વાર્તાકાર રાઘવજી માધડ કહે છે:

“સાહિત્યના કેન્દ્રમાં માણસ છે. તેમાં સાવ છેવાડાનો દલિતપીડિત જણ પણ આવી જાય છે. ગુજરાતી સાહિત્યમાં આ છેવાડાના શોષિત માણસની વેદના-સંવેદના, સમસ્યા, વિટંબણાઓ ઝીલાઈ છે. ટૂંકી વાર્તામાં ધૂમકેતુ, રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશી, સુંદરમ, સુરેશ જોશી, જયંત ખત્રી આદિ સર્જકોએ દલિતોની વ્યથા-કથાને વાર્તાકળામાં ઢાળી છે. આ બધાં બિનદલિત સર્જકો હતા. તેમનો ઉદ્દેશ વાર્તા રચવાનો હતો. ભલે સંપૂર્ણપણે પ્રતિબધ્ધતા દાખવી દલિતો માટેના સાહિત્યનુ સર્જન થયું નહોતું; વાર્તામાં પાત્રો, વિષયવસ્તુ કે ઘટના આદિ તરીકે આવ્યું હતું. પણ તેમના યશસ્વી યત્નોની નોંધ લેવી રહી.

હા, આ વાર્તાઓ દલિત વાર્તા લેખી શકાય. પણ તે વખતે દલિત સાહિત્ય અજન્મા હતું. અથવા તો તેના ‘નામસંસ્કાર’ થયા નહોતા. ગુજરાતી દલિત સાહિત્યની ખરી શરૂઆત ૧૯૮૧ અને ૧૯૮૫ના બે અનામતવિરોધી આંદોલનો પછી થઇ ગણાય એવો દલિત સર્જકો-વિવેચકોનું મંતવ્ય છે.” (રાઘવજી માધડ, ‘વાર્તાના વધામણા’ લેખમાંથી, પુસ્તક: ‘ગુજરાતી દલિત સાહિત્યના લેખાં-જોખા’ સંપાદક: ડો.નાથાલાલ ગોહિલ)

દલિત સાહિત્યના મહત્વના વાર્તાકારો

જોસેફ મેકવાનના ચાર વાર્તાસંગ્રહો: ‘સાધનાની આરાધના’ (૧૯૮૭), ‘આગળો’ (૧૯૯૧), ‘પન્નાભાભી’ (૧૯૯૨) અને ‘ફરી આંબા મહોરે’. મોહન પરમારના ચાર વાર્તાસંગ્રહો: ‘કોલાહલ’ (૧૯૮૦), ‘નકલંક’ (૧૯૯૧), ‘કુંભી’ (૧૯૯૬), ‘પોઠ’ (૨૦૦૧). પ્રવીણ ગઢવીના ચાર વાર્તાસંગ્રહો : ‘સૂરજપંખી’ (૧૯૭૭), ‘પ્રતીક્ષા’ (૧૯૯૫), ‘અંતરવ્યથા’ (૧૯૯૬), ‘મલાકા’(૨૦૦૧). બી. કેશરશિવમના પાંચ વાર્તાસંગ્રહો: ‘રાતી રાયણની રતાશ’, ‘જન્મોત્સવ’, ‘માણકી’ વગેરે.  રાઘવજી માધડ : ત્રણ વાર્તાસંગ્રહો: ‘સંબંધ’, ‘ઝાલર’, અને ‘અષાઢ’.  ધરમાભાઈ શ્રીમાળી: ‘સાંકળ’, ‘નરક’. દલપત ચૌહાણ : ‘મૂંઝારો’. હરીશ મંગલમ: તલપ (૨૦૦૧), ભી.ન.વણકર :વિલોપન (૨૦૦૧), માવજી મહેશ્વરી: અદ્રશ્ય દીવાલો (૨૦૦૦), ચંદ્રાબેન શ્રીમાળી: ચણીબોર, ચકુનો વર. દશરથ પરમાર: પારખું (૨૦૦૧),  અનિલ વાઘેલા: નિલમણી, વિઠ્ઠલરાય શ્રીમાળી: સાબરની સાક્ષીએ, હરિભાઈ પારના વાર્તાસંગ્રહમાં વલસાડની આજુબાજુના પ્રદેશની બોલી વિશિષ્ટતાથી પ્રયોજાઈ છે. ‘સોમલી’ તેમની ઉત્કૃષ્ટ વાર્તા છે.

જેમના વાર્તાસંગ્રહ નથી આવ્યા પણ આશાસ્પદ વાર્તાકાર તરીકે જાણીતા થયા છે એવાં કેટલાક નામ: મધુકાન્ત કલ્પિત, યશવંત વાઘેલા, પથિક પરમાર, અરવિદ વેગડા, રમણ વાઘેલા, સંજય ચૌહાણ.      

દલિત સાહિત્ય જરૂરી છે?

આ સાહિત્ય પ્રચારાત્મક (propagandist) છે, એમાં સ્થગિતતા અને એકતાનતા (monotony) છે; એમાં વ્યક્તિગત સંવેદનાનો અભાવ છે. એમાં જેટલો રોષ, ચીડ, આક્રોશ છે એટલી રસાત્મ્કતા અને કળાત્મકતા નથી, આવા અલગ ચોકાની જરૂરત શી? વગેરે જેવા આક્ષેપો-વિધાનો-વિરોધ આ સાહિત્ય સામે થઇ રહ્યા છે, પણ એની અંદરનું ડહોળામણ હવે ચોક્ખું થઇ રહ્યું છે અને એમાં પણ સર્વશ્લેષી, સર્વાતોહારી રસસૌંદર્ય પ્રગટ થવા લાગ્યાં છે. (ડો.નરેશ વેદ, પ્રોફેસર, ગુજરાતી વિભાગ, સ.પ. યુનિવર્સિટી, વ.વિ.નગર. દલિત સાહિત્ય: અભ્યાસ અને અવલોકન-સંપાદક: ગુણવંત વ્યાસ.)

###

સંદર્ભ: ૧. ગુજરાતી દલિત સાહિત્ય: સ્વાધ્યાય અને સમીક્ષા સંપાદકો: મોહન પરમાર અને હરીશ મંગલમ, પ્રકાશક: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬; પ્રથમ આવૃત્તિ:૨૦૦૧.

૨. દલિત સાહિત્ય: અભ્યાસ અને અવલોકન, સંપાદક: ગુણવંત વ્યાસ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ:૨૦૦૮,

૩. ગુજરાતી દલિત સાહિત્યના લેખાં-જોખાં, સંપાદક: ડો.નાથાલાલ ગોહિલ, પ્રકાશક: ગુજરાતી સાહિત્ય અકાદમી, પ્રથમ આવૃત્તિ: ૨૦૧૩

૪. સાંપ્રત દલિત સાહિત્ય પ્રવાહ, ડો. પથિક પરમાર, પ્રકાશક: ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, પ્રથમ આવૃત્તિ: ૨૦૦૪  

(સૌજન્ય: ફાર્બસ ગુજરાતી સભા પુસ્તકાલય, મુંબઇ.)

###

(૧૫૮૫ શબ્દો; લખ્યા તા.શુક્રવાર, 26 ઑક્ટોબર 2018;11:57 પૂર્વ મધ્યાહ્ન)

Tuesday 6 April 2021

શબ્દસૃષ્ટિ માર્ચ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ:

 

શબ્દસૃષ્ટિ માર્ચ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ:

(૩૩૦ શબ્દો)

બસ, આટલી એક વાત (ધીરેન્દ્ર મહેતા):

ભારે સંઘર્ષમય સ્થિતિ ઊભી થઇ છે નાયિકાના જીવનમાં. મનના કોઇ અગોચર ખૂણે ભંડારી દીધેલો ભૂતકાળનો ભોરિંગ આળસ મરડીને બેઠો થયો છે. જીવનમાં કોઇ માણસ કરી કરીને કેટલું સમાધાન કરે?

એક યા બીજા કારણથી સૂર્યાના બીજલ જોડે નિર્ધારિત લગ્ન ઠેલાતાં ગયા. ત્યાં સુધી કે શંકા આવે કે બીજલ માટે ખરેખર શું મહત્વનું છે: લગ્ન કે પારિવારિક સંબંધો? સૂર્યાનું મન ઊઠી ગયું. લગ્નની વાતનો જ વીંટો વળી ગયો. છેવટે મન્મથ જોડે લગ્ન થયાં. દીકરી નંદા મોટી થઇ ગઇ. નંદા એક છોકરા જોડે હરીફરી રહી છે. એનું મન છે એની જોડે આગળ વધવાનું. પણ એ છોકરાનો પિતા એટલે બીજું કોઇ નહીં પણ સૂર્યાનો પૂર્વાશ્રમનો પ્રેમી બીજલ. લેખકે એ છોકરાના પિતાનું નામ તો આપ્યું નથી પણ વાર્તામાં પૂરતાં સંકેતો આપ્યાં છે. આમ નાયિકા માટે ભારે કટોકટીભરી સ્થિતિ નિર્માણ થઇ છે. નાયિકાના મનોવ્યાપારનું સુંદર આલેખન.

કેટલીક સુંદર અભિવ્યક્તિ: ૧. // વીજળીની દીપમાલા હોય છે ને, સપરમા દહાડે આપણે જેનું તોરણ બાંધીએ છીએ...એનો એક દીવો ઓલવાય કે આખી દીપમાલા અલોપ! // ૨. // ચહેરાની તાજગી અને સ્નિગ્ધતાને ભૂંસતા ભૂંસતા જ આ બધાં ચિહ્નો ચહેરા પર સ્થાયી થઇ ગયાં હતાં. //         

તારાથી રડાય નહીં (ગિરિમા ઘારેખાન):

આપણા સમાજે સ્ત્રી-પુરુષ બંને માટે જાહેરમાં વર્તન કરવા માટેના નિયમો બનાવી કાઢ્યાં છે. યોગ્ય- અયોગ્યની વિભાવનાઓ નક્કી કરી દીધી છે. સ્ત્રીએ કેવા વસ્ત્રો પહેરવાં અને કેવા નહીં એ સ્ત્રી નહીં પણ આપણો સમાજ નક્કી કરે છે! પુરુષો માટે પણ સમાજ એટલો જ અવિચારી અને અન્યાયી છે. એક માન્યતા એવી છે કે પુરુષથી રડાય નહીં!

આ વાર્તામાં સુમંતરાયને નાનપણથી જ રૂદન જેવી નૈસર્ગિક અભિવ્યક્તિ કરતાં સમાજે રોક્યો છે. છોકરો થઇને રડે છે? મોટો ભાઇ થઇને રડે છે? ઘરનો મુખ્ય માણસ થઇને રડે છે? પિતાના મૃત્યુપ્રસંગે તેમ જ દીકરીની વિદાયવેળાએ સુમંતરાય રડી શકતા નથી. ચરમસીમા તો ત્યાં આવે છે જ્યારે પત્નીના મૃત્યુપ્રસંગે પણ એમને રડતાં રોકવામાં આવે છે!

મનોવિજ્ઞાન તો એવું કહે છે કે નૈસર્ગિક અભિવ્યક્તિને માણસ રોકે તેની તંદુરસ્તી પર માઠાં પરિણામ આવી શકે છે. આમ  આ વાર્તામાં માણસોના જાહેરમાં વર્તાવ અંગે એક અગત્યનું સ્ટેટમેન્ટ થયું છે.    

--કિશોર પટેલ; 06-04-21; 05:13


Sunday 4 April 2021

પરબ માર્ચ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

પરબ માર્ચ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૫૩ શબ્દો)

આ અંકની બંને વાર્તાઓ નાયિકાપ્રધાન છે.

ચૂડીકર્મ (ઈલા આરબ મહેતા):

પતિ મૃત્યુ પામે એટલી પત્ની પોતાની બંગડીઓ ભાંગી નાખે એવી એક રૂઢિ આપણા સમાજમાં હતી, કદાચ હજી પણ હશે. પુરુષ મૃત્યુ પામે એટલે જાણે એની સ્ત્રીનું સૌભાગ્ય નંદવાઈ ગયું, હવે એણે સાજ-શૃંગાર કરવાનો નહીં, જીવનરસ માણવાનો નહીં, કુટુંબ માટે જિંદગી ખર્ચી નાખવાની. પુરુષપ્રધાન સંસ્કૃતિનું આ એક વરવું લક્ષણ. આ વાર્તામાં નાયિકા પતિના મૃત્યુ પછી ચૂડીઓ ભાંગતી નથી. એ ચૂડીઓને સહારે રાહ ભટકી ગયેલાં પુત્રને સાચા રાહ પર લાવવા નાયિકા કટિબદ્ધ થાય છે.

આપણા સમાજમાં વંચિતોનો મોટો ભાગ તનમનથી માલિકોની સેવામાં આયખું ખર્ચી કાઢે છે. બદલામાં એમને ક્યારેક થોડુંક ધન કે થોડીક જમીન મળે છે. એવા એક કુટુંબને ફાળે રહેવા માટે નાનકડી ઓરડી મળી છે અને વારસદારને સ્કુલમાં-કોલેજમાં ફી-માફી મળી છે. સમાજના એવા એક હિસ્સાના રોજીંદા જીવનનાં સંઘર્ષ પર લેખકે વાર્તામાં પ્રકાશ પાડ્યો છે.

આજની પેઢી પાસે આવેલાં મોબાઈલ જેવાં ગેઝેટ એક તરફ ઉપયોગી પણ છે અને બીજી તરફ કોઇની પ્રતાડના કરવાનું હથિયાર પણ બની શકે છે એ  અંગે લેખકે વાર્તામાં સ્ટેટમેન્ટ કર્યું છે.  

ઈમરજન્સી એમઆરઆઇ (ભારતી રાણે):

એક સ્ત્રી બાથરૂમમાં પડી ગઇ, માથામાં વાગ્યું છે, સ્થિતિ ગંભીર છે, શરીરની અંદર કેટલું અને કેવું નુકસાન થયું છે એ જાણવા તાત્કાલિક એમઆરઆઈ માટે લઇ જવાય છે. એટલું કામ થાય એટલે સ્ત્રીને બહાર લવાય છે. બસ, આટલી જ ઘટના દરમિયાન સંપૂર્ણ વાર્તા રજૂ થઇ છે.

સ્ત્રીના શરીરને નહીં પણ તેની જિંદગીને કેવું અને કેટલું નુકસાન થયું છે તેનો એમઆરઆઈ ભાવકને આ નાનકડી  વાર્તામાંથી મળી રહે છે. લેખકે ક્યાંક સ્પષ્ટ  કહ્યું નથી પણ વાર્તામાં મળતાં સંકેતો પરથી અનુમાન લગાવી શકાય છે કે એ સ્ત્રી અકસ્માતપણે નહીં પણ હેતુપૂર્વક આચરાયેલી ઘરેલુ હિંસાનો શિકાર બની છે, એ બાથરૂમમાં પડી નથી ગઇ, એને નિર્દયતાથી પીટવામાં આવી છે. પતિની પૂછપરછ થાય છે ત્યારે એણે આપેલાં જવાબો પરથી ખબર પડે છે કે પતિ સત્ય છુપાવે છે. અને એટલે જ એમઆરઆઈ થયા પછી પતિ પૂછે છે રિપોર્ટમાં શું આવ્યું? એને ડર છે કે રિપોર્ટમાં કંઈ પકડાઈ ગયું તો?

પિતૃસત્તાક વ્યવસ્થામાં લગ્ન કર્યા પછી સ્ત્રી માટે કેવી રીતે બધી દિશાઓ બંધ થતી જાય છે એનું ઓછા શબ્દોમાં અહીં આલેખન થયું છે. નાયિકાના અભિપ્રાયનું કોઇ મૂલ્ય નથી. દિવસ-રાત મહેણાં સાંભળવાના, એણે નોકરી કરવાની નહીં, ક્યાંક એ આર્થિક રીતે સ્વતંત્ર થઇ ગઇ તો! પુરુષ કેટલી અસુરક્ષિતતા અનુભવે છે તે જુઓ!

સારી વાર્તામાં કંઈ જ બિનજરૂરી હોતું નથી. ભૂતકાળની યાદોમાં એક પ્રસંગ છે મંદિરમાં સાધુઓ દ્વારા એકતારા જોડે એક ગીતનો. “મંદિર મેં દીપ્તિ જલે, શ્યામ તેરે મંદિર મેં દીપ્તિ જલે.” નાની બાળકી પિતાને પૂછે છે: “એકની એક લીટી એકસરખી હલકથી, એકસરખા સૂરમાં કેટલો વખત સાધુઓ ગાઈ શકે?”  પિતા જવાબ આપે છે: “મનની લગન લાગી જાય પછી બીજું બધું નકામું બની જાય.”   આ વાત નાયિકા પોતાના જીવનમાં અનુભવે છે, જીવનમાં કેવી એકસરખી લગનથી એણે સંસાર નિભાવ્યો હતો! પોતાનાં સ્વપ્નો, ઈચ્છાઓ વગેરે વિસારે પાડીને!    

રચનારીતિની દ્રષ્ટિએ અભ્યાસ કરવાલાયક વાર્તા.

-કિશોર પટેલ; 04-04-21; 20:13

###