Monday 27 February 2023

એપ્રિલ ફુલ બનાયા





 

એપ્રિલ ફુલ બનાયા

(૭૧૦ શબ્દો)

મહારાષ્ટ્ર રાજ્યના સાંસ્કૃતિક કાર્ય સંચાલનાલય આયોજિત ૬૧ મી મહારાષ્ટ્ર રાજ્ય હિન્દી નાટયસ્પર્ધા ૨૦૨૨-૨૩ ના અંતિમ ચરણના અંતિમ દિવસે શુક્રવાર તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ ની સાંજે સાહિત્ય સંઘ નાટ્યગૃહ, ગિરગાંવ, મુંબઈ ખાતે સ્પર્ધાનાં અંતિમ નાટક “એપ્રિલ ફૂલ બનાયા” નો પ્રયોગ જોયો.

ભારતી આર્ટ અકાદમી પ્રસ્તુત હિન્દી નાટક:

એપ્રિલ ફુલ બનાયા

લેખક-દિગ્દર્શક: પ્રદીપ કબરે.

પ્રદીપ કબરે મરાઠી રંગભૂમિના જાણીતા કલાકાર છે, અનેક નાટકોમાં એમણે અભિનય કર્યો છે અને કંઈકેટલાં નાટકોનું દિગ્દર્શન પણ એમણે કર્યું છે.

અજય, વિજય, મોન્ટુ અને પીન્ટુ એમ ચાર કોલેજિયન મિત્રો હોસ્ટેલમાં રહીને કોલેજમાં અભ્યાસ કરે છે. એક સવારે અજય નહાવા માટે બાથરૂમમાં ગયો હોય ત્યારે બાકીના ત્રણે મિત્રો સંતલસ કરીને અજયને એપ્રિલ ફુલ બનાવવાની યોજના ઘડી કાઢે છે.

અજય બાથરૂમમાં નહાતો હોય ત્યારે બહાર ઊભા રહેલા આ ત્રણે મિત્રોનું નાટક શરુ થઈ જાય છે. જાણે ગામડેથી અજયના પિતા (અણણા) અજયને મળવા આવ્યા હોય એમને આવકાર આપ્યા બાદ એમની જોડે વાતચીત કરતા હોય એવો ઢોંગ આ ત્રણે શરુ કરી દે છે. અજય સ્નાન પતાવીને બહાર આવે એ પછી પણ આ ત્રણે અદ્રશ્ય અણણા જોડે સંવાદ ચાલુ રાખે છે. અણણા ઓરડામાં હરફર કરતા હોય એ પ્રમાણે આ ત્રણે પણ એમની તરફ મોઢું ફેરવીને વાતો કરવાનું નાટક ચાલુ રાખે છે.

હવે નાટકમાં વળાંક એ આવે છે કે સ્નાન કરીને બહાર આવેલો અજય મિત્રોનો વર્તાવ જોયા પછી પોતે પણ જાણે પોતાના પિતા સાચેસાચ આવ્યા હોય એવું વર્તન શરુ કરી દે છે. જો કે એ પોતાના પિતાની સમક્ષ હાજર થતો નથી. એ મિત્રો સમક્ષ પોતાના પિતાની વિરુદ્ધ ફરિયાદ કરવા લાગે છે. ભૂતકાળના પ્રસંગો યાદ કરીને કેવી રીતે એને, એની માતાને અને બહેનને એના પિતા ત્રાસ આપતા હતા એની કરુણ ઘટનાઓ એ રજૂ કરે છે. આ બધાં દ્રશ્યો ફ્લેશબેક પધ્ધતિએ દ્રશ્યો રજૂ થાય છે.

પ્રેક્ષકોને એટલી ખબર પડે છે કે અજયના પિતા એક હ્રદયહીન અને નિષ્ઠુર આદમી હતા અને બાળકોના નિર્દોષ મસ્તીતોફાન માટે પણ આકરી સજા કરતા હતા, નાનીનાની વાતોમાં બાળકોની માતાને હડધૂત કરીને માર મારતા હતા. ટૂંકમાં, અજયનું બાળપણ ભારે દુઃખી હતું, એ અને એની બહેન અને માતા સહુ એના પિતાના કારણે અત્યંત દુઃખી હતાં એટલો ખ્યાલ આવે છે.

અજયના પિતાના ખરેખર પ્રવેશ સાથે નાટકનો મધ્યાંતર થાય છે.

મધ્યાંતર પછી—

અજયના પિતા હકીકતમાં આવી ગયા બાદ સહુ છોકરાઓ સાવધ થઈ જાય છે. અજય અને એના પિતા વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઊભી ના થાય તેનું ધ્યાન સહુ રાખે છે. મોન્ટુ અને પીન્ટુ સતત અણણાની જોડે રહે છે અને વિજય સતત અજયની જોડે રહીને એનું ધ્યાન રાખે છે. અજય કે વિજય ક્યારેય અણણાની સામે આવતાં નથી.

અંતમાં રહસ્યસ્ફોટ એવો થાય છે કે અણણા અજયના નહીં પણ વિજયના પિતા હતા!

આવો વળાંક અનપેક્ષિત હતો. આવેલ વડીલ અજયના નહીં પણ વિજયના પિતા હોઈ શકે એવું એક પણ ઈંગિત નાટકમાં અપાયું નથી. હકીકતમાં નાટકમાં ક્યારેય વિજય પણ ફોકસ રહ્યું જ નથી. એક પણ સંકેત આપ્યા વિના ભળતી જ રીતે આ રીતે રહસ્યસ્ફોટ કરવો પ્રેક્ષકો જોડે એક રીતે છેતરપીંડી થયેલી કહેવાય. પ્રથમ અંકનાં અંતમાં જે અપેક્ષાઓ ઊભી થઈ તેની સરખામણીએ બીજો અંક છેક જ નિરાશ કરે છે. એવું લાગતું હતું કે અજય અને તેના પિતા વચ્ચેના સંબંધોની આંટીઘૂંટીનું વિશ્લેષણ થશે અથવા એ બે વચ્ચેના બગડેલા સંબંધનું કંઇક નિરાકરણ આવશે. અણણા અજયના નહીં પણ વિજયના પિતા હોવાનો જે વળાંક આવ્યો એનાથી તો એવી લાગણી થઈ કે જાણે લેખક-દિગ્દર્શકે કોથળામાંથી બિલાડું કાઢ્યું!

પ્રેક્ષક તરીકે પોતે જ એપ્રિલ ફુલ બન્યા હોવાની લાગણી થઈ.

અજય માટે કહેવાય છે કે એ નાનપણમાં જ બગડી ગયો હતો. એના બગડી ગયાનું લક્ષણ તરીકે કહેવાય છે કે એ બીડી-સિગારેટ ફૂંકતો થઈ ગયો હતો. બીડી-સિગારેટ ફૂંકવી એટલે છોકરો બગડી ગયો એવું કહેવું જરા વધુ પડતું કહેવાય. હા, છોકરો ઉદ્ધત બની ગયો હોય, ગમે તેની જોડે ગાળાગાળી કે મારામારી કરતો હોય, ચોરી-લૂંટફાટ કરતો હોય એને બગડી ગયેલો કહી શકાય. કોઈ છોકરો કેવળ બીડી-સિગારેટ ફૂંકે એટલે એને બગડી ગયેલો કહેવો અયોગ્ય છે. 

સંનિવેશની વાત કરીએ તો હોસ્ટેલનો સેટ સરસ. એક ભાગમાં ઓરડો અને બીજા ભાગમાં કોમન વરંડો એવી રચના થઈ છે જે નાટક માટે ઉપર્યુક્ત છે. પ્રકાશરચનાની સહાયથી ફ્લેશબેકના દ્રશ્યોનું આલેખન થયું છે. અજયના ભૂતકાળના દ્રશ્યો નાટકમાં કરુણ રસ ઉત્પન્ન કરવામાં સફળ રહે છે. અજયની ભૂમિકા કરતા અભિનેતાનો અવાજ પ્રભાવી. દુઃખી બાળપણના પરિણામે એ જે વ્યથામાંથી પસાર થયો હશે તે એના અભિનયમાં સરસ પ્રગટ થાય છે. મોન્ટુ અને પીન્ટુ બંનેની દેહભાષા પાત્રોને અનુરૂપ. અજયના પિતાની ભૂમિકા ભજવતા અભિનેતા તેમ જ તેની માતા અને બહેનની ભૂમિકા ભજવતી સ્ત્રીકલાકારો ત્રણે કલાકારો પાત્રોચિત અભિનય કરે છે.  

સારાંશ: પ્રથમ અંક અદભુત. કેવળ પ્રથમ અંક સ્વયંસંપૂર્ણ એકાંકી નાટક છે. બીજો અંક તદ્દન મામૂલી અને અર્થહીન. ઇતિ વાર્તા: 

--કિશોર પટેલ, 28-02-23; 09:12

###          

 

 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩






 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩

(૫૮૬ શબ્દો)

શનિવાર,૨૫ ફેબ્રુઆરી  ૨૦૨૩ ની સાંજે બાલભારતી, કાંદિવલી પશ્ચિમ, મુંબઈ ખાતે  બાલભારતી વાર્તાવંતના ઉપક્રમે ચાર વાર્તાકારોએ પોતપોતાની વાર્તાઓનું પઠન કર્યું.

રસીલાબેન રસોઈવાળા (દિલીપ રાવલ):

નારીચેતનાની વાર્તા.

આ વાર્તામાં બે-ત્રણ વાતો છે. એક તો એ કે સંયુક્ત કુટુંબવ્યવસ્થા તૂટવા માંડી છે જે વાત જૂની થઈ ગઈ છે. જેમ નવી આવેલી વહુ સ્વતંત્ર રહેવા ઈચ્છે છે એમ વરિષ્ઠ નાગરિકો પણ સંતાનોના આશરે ના રહેતાં સ્વતંત્ર રહેવા ઈચ્છે છે. બીજી વાત આજીવિકાની શોધમાં ગામડેથી શહેર સ્થળાંતર કરવું એ વાત પણ હવે જૂની થઈ ગઈ છે. હવે યુવાનો ભણીગણીને વિદેશમાં જઈને અથવા વિદેશમાં ભણીને ત્યાં જ કારકિર્દી બનાવી રહ્યાં છે.  ત્રીજી વાત એ છે કે વિદેશમાં ઘરેલુ કામ માટેની મજૂરીના દરો ખૂબ ઊંચા છે. સારું કમાતાં સ્ત્રી-પુરુષો ઘરમાં કપડાં વાસણ ઝાડુંપોતું જાતે જ કરે છે.

આ વાર્તામાં રસીલાબેનના પુત્રએ એમને વિદેશ આવીને જોડે રહેવાનું આમંત્રણ આપ્યું ત્યારે તેઓ હરખાઈને ગયાં ખરાં પણ એમને ખ્યાલ આવી ગયો કે એમને તો વહુને આવનાર બાળક નિમિત્તે બેબીસીટીંગ અને રસોઈ ઈત્યાદી ઘરેલુ કામ કરવા માટે બોલાવાયા છે. જિંદગી આખી સ્વતંત્ર રહેલાં રસીલાબેન એવી સ્થિતિ કઈ રીતે ચલાવી લે? ભ્રમ ભાંગી ગયા પછી તેઓ સ્વદેશ પાછાં ફરી જાય છે.

વાર્તામાં એક વાત પ્રકર્ષપણે અનુભવાય છે કે ક્યારેક પોતાનાં પારકાં જેવું વર્તે છે અને પારકાં પોતાનાં જેવું વર્તે છે. ભાઈ દિલીપ રાવલ મનોરંજન ઉદ્યોગના કલાકાર છે, એમની રજૂઆત ભાવવાહી રહી. સારી વાર્તા.

કવિતાઓના રસ્તે (અશ્વિની બાપટ):

પિતા-પુત્રી સંબંધની વાત. નાયિકાને પિતા સાથે વાંધો પડ્યો છે. કોઈ કારણથી પિતાની જીવનશૈલી બદલાઈ ગઈ અને એમનો પત્ની-પુત્રી જોડે સંબંધ બગડ્યો. નાયિકાને સાચી કે ખોટી એવી લાગણી થઇ ગઈ છે કે પિતા એને ક્યાંય સ્થિર થવા દેતા નથી. પણ અમુક સંબંધો સહેલાઈથી તૂટતાં નથી. નાયિકાના હ્રદયમાં પિતા માટે લાગણીનો ઝરો જીવંત રહ્યો છે. હ્રદયસ્પર્શી વાર્તા.

કેસરભીનાં હૈયા (માના વ્યાસ):

સમાજના રહિત વર્ગ માટે સહિત વર્ગના એક સભ્યની સંવેદના જાગૃત થાય છે. આ વાર્તામાં કુટુંબની વડીલ સ્ત્રી જેનો ઉલ્લેખ ભાભી તરીકે થાય છે તે કશુંક માણસાઈનું કામ કરી બતાવે છે. એ નોકરાણીના બીમાર બાળકને જોવા જાય છે, એટલું જ નહીં, નોકરાણીની દીકરી ચંપાની વિનંતી પ્રમાણે બાળકના કપાળે ઘસવા મોંઘામાંનું થોડુંક કેસર પણ આપે છે અને ડોક્ટરની વ્યવસ્થા પણ કરે છે.

આ વાર્તાનું કદ અત્યંત નાનું છે, આ રચનાને વાર્તાને બદલે લઘુકથા કહેવું ઉચિત રહેશે. શીર્ષક સાર્થક થાય છે, કુટુંબની વડીલ સ્ત્રીનું હૈયું ખરેખર, કેસરભીનું સાબિત થાય છે.      

ટુ સર, વિથ લવ (સતીશ વ્યાસ):

એક શિક્ષક દ્વારા એના વિદ્યાર્થીના થતાં ભાવનાત્મક શોષણની વાત. વિદ્યાર્થી પોતાના શિક્ષક પ્રતિ ભક્તિભાવ ધરાવે છે અને શિક્ષક એની ભાવનાઓનો ગેરલાભ લઈને નાનાં મોટાં અંગત કામો માટે એનું શોષણ કરે છે.

વાર્તાની રજૂઆત આકર્ષક રહી. વિદ્યાર્થીને જયારે શિક્ષકની આખી રમત ધ્યાનમાં આવે છે ત્યારે એનો અપેક્ષાભંગ થાય છે, દુઃખી અને વ્યથિત હ્રદયે એ શિક્ષકને ઉદ્દેશીને અંતિમ પત્ર લખે છે. સરસ વાર્તા.

કાર્યક્રમનું સંચાલન જાણીતા વાર્તાકાર, પ્રકાશક અને નાટયકાર શ્રી સતીશ વ્યાસે કર્યું. એમનાં સંચાલનની વિશેષતા એ કે કાર્યક્રમની વાર્તાઓની વચ્ચેના બ્રેકમાં એમણે વાર્તાજગતના એક અણમોલ હીરા ચેખોવની કેટલીક વાર્તાઓનો પરિચય કરાવ્યો.

એમાંની જે વાર્તાઓ મને યાદ રહી છે તેનો સારસંક્ષેપ  આ પ્રમાણે છે:  

૧. એક ઘોડાગાડીવાળો  પોતાના જીવનમાં બનેલી કરુણ ઘટના કોઈકની જોડે વહેંચીને હ્રદય હળવું કરવા ઈચ્છે છે પણ કોઈની પાસે સમય નથી. છેવટે ગાડીવાન પોતાના ઘોડાને એ વાત કહે છે.

૨. એક શ્રીમંત આદમી યુવાનીમાં પ્રવેશતા પોતાના પુત્રને કંઇક ભેટ આપવા ઈચ્છે છે. એ પોતાના પુત્રને રૂપબજારમાં લઈ જાય છે. ફૂટપાથ પર ઊભી રહી ગ્રાહકોને આકર્ષીને ધંધો કરતી એક વેશ્યાને આ શ્રીમંત પુરુષ વિનંતી કરે છે કે યુવાનીમાં પ્રવેશેલા એના પુત્રને એ પ્રેમ વિષે સાચી સમજણ આપે. વેશ્યા આવી વિનંતી સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. એ કહે છે, “સાહેબ, તમારા જેવા પિતા મને મળ્યા હોત તો હું આજે આ સ્થિતિમાં ના હોત!”

એકંદરે મજેદાર વાર્તાવંત સાંજ!          

--કિશોર પટેલ, 27-02-23; 13:51

###

Thursday 23 February 2023

પગલા ઘોડા

 



પગલા ઘોડા

(૬૩૫ શબ્દો)

મહારાષ્ટ્ર રાજ્યના સાંસ્કૃતિક કાર્ય સંચનાલય આયોજિત ૬૧ મી મહારાષ્ટ્ર રાજ્ય હિન્દી નાટયસ્પર્ધા ૨૦૨૨-૨૩ ના અંતિમ ચરણમાં દામોદર નાટ્યગૃહ, પરેલ, મુંબઈ ખાતે બુધવાર, તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ની સાંજે “પગલા ઘોડા” નો પ્રયોગ જોયો.

બાદલ સરકાર દ્વારા મૂળ બંગાળી ભાષામાં લખાયેલા આ નાટકનો હિન્દી અનુવાદ પ્રતિભા અગ્રવાલે કર્યો છે. દિગ્દર્શન: સચીન બેલીડગે. રજૂઆત: બેસ્ટ કલા અને ક્રીડા વિભાગ, મુંબઈ.

મોડી રાત્રે સ્મશાનઘાટનું દ્રશ્ય. આત્મહત્યા કરીને મૃત્યુ પામેલી એક યુવતીના મૃતદેહને અગ્નિ અપાયો છે. રાતના આછા પ્રકાશમાં ચિતાનો ધુમાડો પ્રસરતો રહે છે અને ડાઘુઓ તરીકે આવેલા ચાર પુરુષો સમય પસાર કરવા ગપ્પાં મારતાં બેઠા છે.

એક ઠેકેદાર છે, બીજો કાર્તિક કમ્પાઉન્ડર છે, ત્રીજો શિક્ષક છે, ચોથો પોસ્ટમાસ્તર છે. ગામના એક શ્રીમંત મલિકબાબુએ આ લોકો માટે વિદેશી શરાબની બોટલ મોકલાવી છે.   

પહેલાં તો આ ચારે જણા શરાબ પીતાં, પત્તાં રમતાં અને ફાલતુ ગપ્પાં મારતાં સમય પસાર કરે છે. દરમિયાન અચાનક સફેદ વસ્ત્રોમાં એક સ્ત્રી મંચ પર ધસી આવે છે અને આ ચારમાંથી એક જણને કંઇક પૂછે છે. જેને પ્રશ્ન પૂછાયો છે તે એ સ્ત્રી તરફ ધ્યાન આપતો નથી. બાકીના ત્રણેમાંથી પણ કોઈ કશું જોતું કે સાંભળતું નથી. જાણે એ સ્ત્રી ત્યાં હોય જ નહીં!

એ પેલી મૃત્યુ પામેલી સ્ત્રીનો આત્મા છે. આ ઘટના પછી ચારેની વાતોમાં વળાંક આવે છે. પેલી સ્ત્રીનો આત્મા વારંવાર આવ-જા કરે છે. દરેકની સાથે એ સવાલજવાબ કરે છે.

આ ચારે પુરુષોની જુદી જુદી કહાણી છે. બધી કહાણીઓનો સાર એક જ છે, ચારેએ પોતપોતાના જીવનમાં આવેલી સ્ત્રી જોડે વિશ્વાસઘાત કર્યો છે. ચારે સ્ત્રીઓ આત્મહત્યા કરીને મૃત્યુ પામી છે. જે ચિતા સળગી રહી છે એ ચોથી સ્ત્રીની છે. એક રીતે આ ચારે પુરુષો હત્યારા છે.

નાટકનો ધ્વનિ એ છે કે  પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં સ્ત્રીને હંમેશા અન્યાય થતો આવ્યો છે. આર્થિક કે શૈક્ષણિક રીતે પુરુષ કોઈ પણ વર્ગનો હોય, માનસિકતા એની એ જ રહે છે. સ્ત્રી, પ્રેમ અને ઉન્માદ,  બધી જ બાબતોમાં પુરુષ હંમેશા બેદરકાર અને અણઘડ રહ્યો છે.      

નાટકમાં એક બાળગીત વારંવાર સંભળાય છે:

આમ કા પત્તા જોડા જોડા

આમ કા પત્તા જોડા જોડા

મારા ચાબુક દૌડા ઘોડા

જોર રાસ્તે ખડી હૈ બિલ્લી

આતા હૈ યેહ પગલા ઘોડા

આતા હૈ યેહ પગલા ઘોડા

પટનાસ્થિત નાટયકર્મી અને નાટયવિવેચક સુનીતા ભારતીના અર્થઘટન મુજબ આ નાટકમાં ઘોડો સ્ત્રીના પુરુષ પ્રતિ પ્રેમનું પ્રતિક છે જેની લગામ સ્ત્રીના હાથમાં નહીં પણ પુરુષના હાથમાં છે.  નાટકમાં આ ગીત ફરી ફરી સંભળાય છે, સ્ત્રીને વારંવાર ચેતવણી અપાય છે કે પાગલ ઘોડાના માર્ગમાં એ ના આવે.

નાટકમાં સ્ત્રી છેવટે કહે છે: મુઝે જીના હૈ! મૈ જીના ચાહતી હું!

ઉપસંહાર કરતાં સુનીતા ભારતી કહે છે કે સ્ત્રીએ જીવતા રહેવાનું છે, સમય જતાં બધી સમસ્યાઓ ઉકેલી શકાય છે. પ્રેમ જો પાગલ ઘોડો છે તો એની લગામ કોઈ એક જણના હાથમાં નહીં પણ જોડીમાંના બંને જણાનાં હાથમાં હોવી જોઈએ.

(સુનીતા ભારતીએ ૨૦૨૦ માં પટનામાં થયેલી એક ભજવણીમાં સક્રિય ભાગ લીધો હતો.એમની યુ ટ્યુબ પરની વિડીયો ક્લિપ પહેલી કમેન્ટમાં આપેલી લિંક પર ક્લિક કરવાથી જોઈ શકાશે.)

#

બેસ્ટ કલા અને ક્રીડા વિભાગ, મુંબઈની આ પ્રસ્તુતિમાં સ્મશાનઘાટનો સંનિવેશ વાસ્તવિક બન્યો હતો. પ્રકાશઆયોજન અદભુત રહ્યું. મૃતાત્માના પ્રવેશ, ફ્લેશબેકના પ્રસંગો બધું પ્રકાશરચનાના કારણે સ્પષ્ટ થતું હતું અને કશો ગૂંચવાડો થતો ન હતો.  સર્વે કલાકારોનો અભિનય પાત્રોચિત રહ્યો. સરસ નાટયાનુભૂતિ.

બાદલ સરકાર ભારતીય રંગભૂમિનું એક મોટું નામ છે. હિન્દી રંગભૂમિ પર સત્યદેવ દુબેએ આ નાટકની પ્રસ્તુતિ કરી છે. વર્ષો પહેલાં મરાઠી રંગભૂમિ પર અમોલ પાલેકરે આ નાટકના પ્રયોગો કર્યાનું યાદ આવે છે.  ૧૯૮૬ ની આસપાસ IPCL, વડોદરા કંપનીએ જાણીતા નાટયકાર વિહંગ મહેતાના દિગ્દર્શનમાં ઓલ ઇન્ડિયા પબ્લિક સેક્ટર ડ્રામા કોમ્પીટીશનમાં આ નાટકની રજૂઆત હિન્દી ભાષામાં કરી હતી અને અભિનય-દિગ્દર્શનનાં એકથી વધુ ઇનામો મેળવ્યાં હતાં.  જાણવા મળે છે કે એ પછી બે-ત્રણ સ્પર્ધાઓમાં આ નાટકની ગુજરાતી ભાષામાં પણ ભજવણી થઈ હતી. અન્ય ભાષાઓમાં પણ આ નાટક જરૂર ભજવાયું હશે.

--કિશોર પટેલ, 24-02-23; 09:14 

(છબીસૌજન્ય: Google Images. સંલગ્ન છબી નાટક “પગલા ઘોડા” ના એક દ્રશ્યની છે પણ આ ભજવણીની નથી, ભૂતકાળમાં અન્ય કોઈક જૂથ દ્વારા થયેલા પ્રયોગની છે જેને નેટ પરથી લેવામાં આવી છે.)     

###  

 ૨૦૨૦ માં પટનામાં થયેલી એક ભજવણીમાં જેમણે સક્રિય ભાગ લીધો હતો એવા નાટય કલાકાર અને નાટય વિવેચક સુનીતા ભારતીની યુ ટ્યુબ પરની વિડીયો જોવા માટેની લિંક:

https://www.youtube.com/watch?v=CfNL3taDtPc...

 

###


    

    


જિસ લાહોર નઈ દેખ્યા વો જમ્યાઈ નઈ




 

જિસ લાહોર નઈ દેખ્યા વો જમ્યાઈ નઈ

(૫૯૭ શબ્દો)

દિલ્હીસ્થિત નાટયકાર શ્રી અસગર વજાહત લિખિત આ બહુખ્યાત નાટકનો પ્રયોગ જોયો ભારતીય વિદ્યાભવન આયોજિત નવ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ  Unity in Diversity ના પહેલા દિવસે એટલે કે શનિવાર તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ સાંજે ભારતીય વિદ્યાભવન, ચોપાટી ખાતે.

વિભાજન પછી એક કુટુંબ લખનૌથી લાહોર જાય છે. મધ્યમ વયનાં પતિ-પત્ની અને એક તરુણ વયના પુત્ર-પુત્રી. ઇસ્લામ ધર્મ પાળતું ચાર જણાનું આ કુટુંબ થોડાંક દિવસ શરણાર્થી શિબિરમાં રહે છે પછી સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા એમને એક મોટી હવેલી ફાળવવામાં આવે છે. ત્યાં જઈને હજી ઠરીઠામ થાય ત્યાં એમને ખ્યાલ આવે છે કે હવેલી ખાલી નથી, એમાં તો કોઈ હિંદુ વૃધ્ધા રહે છે!

નવા માલિક વૃદ્ધાને સમજાવે છે કે એ હવેલી સરકારે એમને ફાળવી છે માટે વૃધ્ધાએ ત્યાંથી નીકળી જવું જોઈએ. પણ વૃધ્ધા એમની કોઈ વાત સાંભળવા તૈયાર નથી. એ કહે છે કે હું જીવતી છું, મારો દીકરો રતનલાલ કોઈ પણ ઘડીએ પાછો આવશે, આ મારું ઘર છે, હું ખાલી નહીં કરું!

પોલીસ તો નહીં પણ સ્થાનિક ગુંડાઓ આ મામલામાં રસ લે છે પણ કોઈનું કંઈ ઉપજતું નથી. વૃધ્ધા પોતાના ઘરનો કબજો જાળવી રાખવા બદલ કૃતનિશ્ચયી છે. દરમિયાન લાહોરસ્થિત હિંદુ વૃધ્ધા અને લખનૌથી આવેલ મુસ્લિમ કુટુંબ વચ્ચે એક લાગણીસભર સંબંધ આકાર લે છે. કટ્ટરવાદી ગુંડાઓ વૃદ્ધાને ધમકાવવા અને ઘર ખાલી કરાવવા આવે છે ત્યારે મુસ્લિમધર્મીય કુટુંબ એ વૃદ્ધાને છુપાવે છે, એનો બચાવ કરે છે.

રજૂઆતની વાત કરીએ તો સરસ નાટ્યાનુભાવ થયો. હવેલીના પ્રાંગણનો સેટ અસરકારક. માતૃભૂમિ સાથે વળગી રહેવાની વૃધ્ધાની જીદ કરુણરસ ઉપજાવે છે. લખનૌથી આવેલું કુટુંબ કેવી મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાય તેનો વાસ્તવિક અભિનય આખી મંડળીએ કર્યો. કુટુંબની દીકરી વૃદ્ધાને “દાદી” કહીને સંબોધે એટલી વાતમાં હિંદુ દાદી અને મુસ્લિમ કન્યા વચ્ચે અનોખો સ્નેહસંબંધ આકાર લે છે.  એક શાયરનું પાત્ર છે જે હિંમતભેર આ કટ્ટરવાદીઓને એમની અસલિયત દાખવે છે. કુટુંબનો મોભી દ્વિધાભરી સ્થિતિમાં મૂકાય છે. કટ્ટરવાદી ગુંડાનું પાત્ર ભજવતો અભિનેતા  દહેશત જન્માવવામાં સફળ રહે છે. એક મૌલવીનું પાત્ર છે જે વિવિધ ધર્મોમાં રહેલી માનવતાનો ઉપદેશ કરે છે.      

અંતે આ વૃધ્ધા જયારે મૃત્યુ પામે છે ત્યારે એના મૃતદેહનો અંતિમવિધિ ત્યાંનો મુસ્લિમ સમાજ હિંદુ શાસ્ત્રોક્ત પદ્ધતિએ કરે છે.

નાટકનો ધ્વનિ એ છે કે અંતિમ વિજય માનવતાનો થાય છે. દરેક ધર્મમાં સમભાવની વાત થઈ છે, ભેદભાવની નહીં.

#

પચીસ–ત્રીસ વર્ષ પહેલાં આ નાટકનો સૌ પ્રથમ પ્રયોગ ભોપાલસ્થિત જાણીતા નાટયકર્મી  હબીબ તનવરે કર્યો હતો. એ પછી આ નાટકના સેંકડો પ્રયોગો થયાં છે. આ નાટકનાં અનેક ઠેકાણે પ્રયોગો થયાં છે. પાકિસ્તાનસ્થિત નાટયકર્મી ખાલીદ એહમદે આ નાટકનાં પ્રયોગો કરાચી શહેરમાં કર્યા છે. હાલમાં પાકિસ્તાનમાં આ નાટક પર પ્રતિબંધ છે. 

નાટકની પ્રસ્તુતિના વીસ વર્ષ પૂરાં થયાં ત્યારે લંડનના નેહરુ સેન્ટર ખાતે નાટયલેખક અસગર વજાહતની ઉપસ્થિતિમાં એક પ્રયોગ થયો હતો. ભવનના Unity in Diversity  કાર્યક્રમમાં શુભારંભના દિવસે પણ આ નાટકના પ્રયોગમાં લેખક અસગર વજાહત હાજર રહ્યા હતા. એમણે કહ્યું કે નાટકમાં સંદેશ એ છે કે અંતિમ વિજય માનવતાનો છે.

અંકના મુખિયા દિનેશ ઠાકુરે આ નાટકનાં અનેક પ્રયોગો કર્યા છે, ઘણી જલ્દી આ નાટકનો ૪૦૦ મો પ્રયોગ થવાનો છે. આજની તારીખમાં એમના જીવનસંગીની પ્રીતા માથુર એમનું કામ આગળ ધપાવી રહ્યાં છે. નાટકમાં હિંદુ વૃધ્ધાની ભૂમિકા પ્રીતા માથુરે પોતે નિભાવી છે. 

--કિશોર પટેલ, 23-02-23; 14:06

### 

તા.ક. થોડી વધુ દસ્તાવેજી માહિતી મળી છે. ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ નાટયકર્મી શ્રી નિરંજનભાઈ મહેતાએ આપેલી માહિતી મુજબ મૂળ હિન્દી ભાષામાં લખાયેલા આ નાટકનો સર્વપ્રથમ પ્રયોગ હિન્દીમાં નહીં પણ મરાઠી ભાષામાં થયો હતો.  મરાઠી રંગભૂમિના જાણીતા નાટયદિગ્દર્શક વામન કેન્દ્રેને જયારે ખબર પડી કે વિભાજનના વિષય પર અસગર વજાહતે નાટક લખ્યું છે ત્યારે એમણે એ નાટકનું મરાઠી ભાષામાં રૂપાંતર કરાવીને મુંબઈમાં સચિવાલય નજીક ચવાણ ઓડીટોરીયમ ખાતે મરાઠી કલાકારો સાથે પહેલો પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગમાં વામન કેન્દ્રેના આમંત્રણથી નિરંજનભાઈ પોતે હાજર રહ્યા હતા. આ વાત આજથી પચીસેક વર્ષ પહેલાંની છે. હિન્દી રંગભૂમિ ઉપર તો છેક પાંચ-સાત વર્ષ પછી એની ભજવણી થઈ હતી. આભાર, નિરંજનભાઈ! (23-02-23; 21:53)

###

 

Tuesday 21 February 2023

ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા (૨૦૨૩) વિષે નોંધ (ભાગ ૯)






 

ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા (૨૦૨૩) વિષે નોંધ (ભાગ ૯)

(૩૨૧ શબ્દો)

સ્પર્ધા ૨૦૨૩ ના અંતિમ ચરણનું આ છેલ્લું નાટક:

ગુરુવાર ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ ની સાંજે પંચમ વેદ એન્ટરટેઈનમેન્ટ, વડોદરા પ્રસ્તુત

હાઉસફૂલ

લેખક-દિગ્દર્શક: કિરણ પાટીલ                                                              

મનોરમાબેન અને અરવિંદભાઈની દીકરી એકતા પ્રેમલગ્ન કરીને પતિ સાથે અમેરિકામાં વસી ગઈ છે. ત્યાંની એની એક સખી મેઘના દેસાઈ સામાજિક સંબંધોમાં સંશોધન કરવા ભારત આવે છે ત્યારે એકતાના માતા-પિતાને ઘેર ઊતરે છે.

દીકરીએ પોતાની મરજીથી જીવનસાથી શોધી લીધો એ વાતથી અરવિંદભાઈને આઘાત લાગ્યો છે જેને પરિણામે દીકરી જોડે એમણે અબોલા લઈ લીધા છે, એટલું જ નહીં પણ મનોરમાબેનને પણ દીકરી જોડે સંબંધ રાખતાં તેઓ અટકાવે છે. અરવિંદભાઈ પુરુષપ્રધાન માનસિકતા અને ઘરના કર્તાપુરુષ હોવાનું અભિમાન સેવે છે. મનોરમાબેન પોતે મહેનત કરીને ગ્રેજ્યુએટ થયાં એ વાતને અવગણીને તેઓ અભિમાન લે છે કે પોતે પોતાની પત્નીને બીએ કરાવ્યું!

બાલ્કનીમાં આવીને બેસતાં કબૂતરો અને પાડોશની બાળકી મનાલી ઉપર વહાલ ઢોળીને આ દંપતી દીકરીની ઊણપ ભરપાઈ કરવાનો પ્રયાસ કરે છે. બહારથી ઘરમાં આવતી વખતે અરવિંદભાઈ પાડોશીઓ જોડે ઝઘડતા આવે છે એમાં એક તરફ હાસ્ય ઉત્પન્ન થાય છે અને બીજી તરફ એ પાત્રના ચીડિયા સ્વભાવનો પરિચય મળે છે.

મેઘનાએ આપેલી હિંમત પછી મનોરમાબેનનું સ્વાભિમાન જાગ્રત થતાં તેઓ પતિ સામે અસહકારનું વલણ અપનાવે છે. અરવિંદભાઈને પણ પોતાની ભૂલ સમજાય છે. દીકરી જોડે તેઓ સુલેહનો વાવટો ફરકાવે છે.

મનોરમા ત્રિવેદીની ભૂમિકામાં રૂબી ઠક્કર પ્રારંભમાં લાચારી અને પછીથી નારીશક્તિનો પરચો દાખવવામાં સફળ રહે છે. મેઘના દેસાઈની ભૂમિકામાં પૂર્બી ભટ્ટ વિદેશથી આવેલી ભારતીય યુવતી તરીકે ઉલ્લેખનીય અભિનય કરે છે. ઝઘડાળુ સ્વભાવના જૈફ ઉંમરના અરવિંદભાઈની ભૂમિકા કિરણ પાટીલ સફળતાપૂર્વક સાકાર કરે છે. પાડોશની બાળકી મનાલીની ભૂમિકામાં મધુરા ખાંડેકર અને કુરિયરવાળા જયેશની ભૂમિકામાં પ્રશાંત સાળુંખે બંને પાત્રોચિત અભિનય કરે છે. કડિયા નાનુની નાનકડી ભૂમિકામાં રાજેશ પરમાર તળપદી બોલી અને કુદરતી અભિનય દ્વારા સારી છાપ છોડી જાય છે.

નિર્માતા: પંકજ ભટ્ટ, સંગીત: કિરણ પટેલ.

જૂનવાણી વિચારોથી “હાઉસફુલ” થઈ ગયેલાં મગજમાંથી ફાલતુ કચરો કાઢીને આધુનિક વિચારો અપનાવો એવો સંદેશ આ નાટક આપે છે.    

--કિશોર પટેલ, 22-02-23; 09:04

તા.ક. સ્પર્ધા વિષે એક summing up લેખ ટૂંક સમયમાં રજૂ કરીશ.

###

ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા (૨૦૨૩) વિષે નોંધ (ભાગ ૮)

 



ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા (૨૦૨૩) વિષે નોંધ (ભાગ ૮)  

(૨૮૦ શબ્દો) 

બુધવાર ૧૫  ફેબ્રુઆરી ૨૦૨૩ ની સાંજે એન.વી. પ્રોડક્શન, સુરત પ્રસ્તુત

શકરબાજ

લેખક: પ્રવીણ સોલંકી, દિગ્દર્શક: પંકજ પાઠકજી

યુવાન વયની આરતી દેસાઈ હાલમાં જ વિધવા થઈ છે. મુંબઈથી થોડે દૂર કોઈ નદી-નાળામાં ડૂબી જવાથી એના પતિ અમર દેસાઈનું અકસ્માત મૃત્યુ થયું છે. વીમા કંપનીમાં દાવાના કાગળિયાં બાબત વીમા એજન્ટ ચીમન આરતીને મળવા આવે છે. અમર દેસાઈએ પોતાની જિંદગીનો વીમો ઉતરાવ્યો હતો પૂરા પાંચ કરોડનો.

અડધી રાતે આરતીના ઘરમાં ચોરીછૂપીથી આવેલું બીજું કોઈ નહીં, અમર દેસાઈ સ્વયં છે. હા, અમર દેસાઈએ પોતાનાં મુત્યુનું નાટક કર્યું હતું, પાંચ કરોડની કમાણી કરવા. એણે પોતાના જ કદ-વજનના રઝળુ ભિખારીને મોતને ઘાટ ઉતારીને પત્ની આરતી પાસે પતિના મૃત્યુની ફરિયાદ કરાવી હતી.

પણ અમર અને આરતીને પાંચ કરોડની રકમ એટલી સહેલાઈથી મળે એવું લાગતું નથી કારણ કે ક્રાઈમ બ્રાન્ચનો એક બાહોશ ઇન્સ્પેકટર વિક્રમ ઈનામદાર અમરના મૃત્યુની તપાસ કરવા માટે નિમાયો છે.

શું અમર દેસાઈનું તરકટ સફળ થાય છે? શું ઇન્સ્પેકટર વિક્રમ અમરનો ભાંડો ફોડી શકે છે? 

નાટકમાં સમયાંતરે ટર્ન અને ટ્વીસ્ટ આવ્યા કરે છે, શું થશેની ઉત્કંઠા નાટકમાં કાયમ રહે છે એમાં નાટકની સફળતા છે.

આરતી દેસાઈની ભૂમિકામાં માધવી પંડયા, વીમા એજન્ટ ચીમન ચિતલિયાની ભૂમિકામાં મિતુલ હરીશ લુહાર, ઇન્સ્પેક્ટર વિક્રમ ઈનામદારની ભૂમિકામાં પૌરવ શાહ અને અમર દેસાઈની ભૂમિકામાં વિતરાગ શાહ સહુ પાત્રોચિત અભિનય કરે છે.

નિર્માતા: મિતુલ હરીશ લુહાર, વેશભૂષા: શાંતા હરીશ લુહાર, સંનિવેશ: કેતન કારિયા, સંગીત: જીતેન્દ્ર જીસાહેબ, સંગીત સંચાલન: તેજસ ટેલર, પ્રકાશ યોજના: દેવાંગ જાગીરદાર, પ્રકાશ સંચાલન: મિતુલ હરીશ લુહાર, નિર્માણસહાય: હર્ષ શાહ, નિશાંત ભટ્ટ અને ઉત્સવ ભટ્ટ.

BTW, આ નાટક મુંબઈની રંગભૂમિ પર “કેસ નંબર ૯૯” શીર્ષકથી હાલમાં સફળતાપૂર્વક જાહેર પ્રયોગો કરી રહ્યું છે. અલબત્ત, નાટકની રજૂઆતકર્તા ટીમ જુદી છે, એમાં મુંબઈના સ્થાનિક કલાકારો કામ કરે છે.         

-કિશોર પટેલ, 21-02-23; 17:22

###