Saturday 25 November 2023




 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ નવેમ્બર ૨૦૨૩

(૧૭૭ શબ્દો)

મુંબઈમાં પશ્ચિમના પરાં કાંદિવલીમાં બાલભારતી ખાતે દર મહિને ચોથા શનિવારે યોજાતા વાર્તાપઠનના કાર્યક્રમમાં આ વખતે અનોખો પ્રયોગ થયો. આધુનિક ટૂંકી વાર્તાયુગના એક મહત્વના વાર્તાકાર જયંત ખત્રીની એક જ દીર્ઘ વાર્તાનું પઠન થયું એના વિશે નિરિક્ષણો રજૂ થયાં.

જયંત ખત્રીની એક ઓછી ચર્ચાયેલી પણ અગત્યની વાર્તા “ઈશ્વર છે?” નું ભાવવાહી પઠન કર્યું બાલભારતીના મુખિયાશ્રી હેમાંગ તન્નાએ અને કોફીબ્રેક પછી વાર્તાકાર ખત્રી અને એમની આ વાર્તા વિશેનાં ઝીણવટભર્યાં નકશીદાર નિરિક્ષણો રજૂ કર્યાં એસએનડીટીના પ્રાધ્યાપક અને લોકકલા ભવાઈના અભ્યાસી ભાઈશ્રી કવિત પંડ્યાએ.   

સોનાચાંદીના દાગીના પર નકશીકામ કરનારો કારીગર ઈશ્વર ખોવાઈ જાય છે અને એના શોધકર્તાઓને એ ક્યાંય મળતો નથી. મળે છે ત્યારે ના મળ્યા બરાબર. એની હયાતિમાં એની કલાની કદર થતી નથી અને જ્યારે એની કદર થાય છે ત્યારે એ હયાત રહેતો નથી.

ઈશ્વર છે? જેવો પ્રશ્ન એક તરફ એના પિતા ચારે તરફ પૂછી રહ્યા છે ને બીજી તરફ સમગ્ર માનવજાતને રહી રહીને આ પ્રશ્ન થયા કરે છે કે ખરેખર ઈશ્વર છે? ઓછા પણ મરમી વાર્તારસિક શ્રોતામિત્રોની ઉપસ્થિતિમાં વાર્તાકળાના કસબી જયંત ખત્રીની સંઘેડાઉતાર વાર્તાની વિસ્તૃત ચર્ચા થઈ. પૈસાવસૂલ સાંજ.

--કિશોર પટેલ, 26-11-23 10:30

***

Tuesday 21 November 2023

પરબ ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

પરબ ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૩૭૮ શબ્દો)

જીર્ણોધ્ધાર (ધર્મેશ ગાંધી)

અતિવૃષ્ટિના કારણે મંદિરને ખાસું નુકસાન થયું છે. ગ્રામજનો અને વહીવટી અમલદારો સહુ ઈચ્છે છે કે સલામત સ્થળે મંદિરનું સ્થળાંતર થાય. મંદિરના પૂજારી હઠ પકડીને બેઠા છે કે મંદિરનો પાયો મજબૂત છે, એ જ સ્થળે જીર્ણોધ્ધાર કરવો જોઈએ. સરકારી અમલદારની હેસિયતથી મીરાંએ જે તે સ્થળની જાતતપાસ કરીને નિર્ણય લેવાનો હતો કે મંદિરનાં સ્થળાંતરના હુકમ પર સહી કરવી કે નહીં.

એક તરફ મીરાં પૂજારી સાથે મંદિર તોડી પાડવાના મુદ્દે સંઘર્ષમાં ઉતરી છે અને સમાંતરે એના મનમાં સંઘર્ષ ચાલી રહ્યો છે કે મલ્હારે મોકલેલા છૂટાછેડાનાં કાગળિયાંમાં સહી કરવી કે નહીં.

બે સ્તરે ચાલતી સરસ વાર્તા. મીરાંના માનસિક સંઘર્ષનું સરસ આલેખન. આશાસ્પદ કલમ પાસેથી મળેલી સારી વાચનક્ષમ વાર્તા.  

થાપણ (નવીન દવે)

ગ્રામ્ય પરિવેશની વાત.

વેરશીએ મરતાં પહેલાં પોતાની ઘરવાળી બબુને થાપણ તરીકે મિત્ર ભોજાને સોંપી. ભોજાએ ન્યાતીલાઓ સામે સંઘર્ષ કરીને બબુનું રક્ષણ કર્યું હોત તો કંઈક વાત બની હોત. અહીં તો બબુ પોતે હિમંતપૂર્વક ન્યાતીલાઓના નિર્ણયના વિરોધ કરે છે. જો કે આ વાત વાર્તામાં હાઈલાઈટ થતી નથી. 

ઘણું બધું કહેવાની લ્હાયમાં વાર્તાકાર બિનજરુરી બેહિસાબ વિગતોમાં ઉતર્યા છે.

અતિવૃષ્ટિમાં નદીનાં પૂરમાં શ્રમિકોનાં ઝૂંપડા તણાઈ જવા = રૌદ્ર રસ, વરસાદમાં ભીંજાયેલી એક જુવાન દેખાવડી સ્ત્રીનાં દેહસૌંદર્યનું વર્ણન= શૃંગાર રસ, મેઘલી રાતે આવી મનમોહના સ્ત્રી હાથવગી હોવા છતાં સંયમ જાળવી રાખતો ભોજો= વીર રસ,   માર્ગઅકસ્માતમાં વેરશીનું મરણતોલ ઝખમી થવું= કરૂણ રસ, વેરશીના મૃત્યુ પછી એક જ મહિનામાં એની વિધવા બબુની ઈચ્છા જાણ્યા વિના જ એનું નાતરું કરાવી દેવાની ન્યાતીલાઓની ઉતાવળ= ન્યાતની જોહુકમી, બબુ જોડે પરણવા હોંશીલા યુવાનોની રસાકસી= હાસ્યરસ, સહુને બાજુએ હઠાવીને બબુ માટે ઉમેદવારી કરતા ખેંગારની  દાદાગીરી = ભયાનક રસ,  ખેંગારનું માંગુ નકારીને ભોજા માટે પસંદગી જાહેર કરતી બબુ = વીરરસ.

આમ નવલકથાનો વ્યાપ ધરાવતી વાર્તા. ગ્રામ્ય સંસ્કૃતિની એક ઝલક મળે છે એટલું એક જમા પાસું.

વાર્તાના પુનઃલેખન માટે એક સૂચનઃ

વિધવા થયેલી બબુના ભવિષ્યનો નિર્ણય લેવા ન્યાત બેઠી હોય ત્યાંથી વાર્તાનો ઉપાડ કરી શકાય. જરુરી વિગતો ફ્લેશબેકમાં ટૂંકમાં જણાવી શકાય. એમાં મુખ્ય પાત્રોનું પાત્રાલેખન થઈ જાય. ન્યાતના નિર્ણયને ફગાવી દઈ બબુ સહુની સામે ભોજાને પોતાની જોડે ઘર કરવાનો પ્રસ્તાવ આપે એવો અંત કરી શકાય.  ભોજાને વિધુર અથવા સિંગલ બતાવી શકાય. એઝ સિમ્પલ એઝ ધેટ.

કિશોર પટેલ, 22-11-23 08:31

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

       

Friday 17 November 2023

મમતા ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

મમતા ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૮૭૪ શબ્દો)

પ્રસ્તુત અંક સોશિયલ મિડીયા વિશેષાંક છે. અંકનાં નિમંત્રિત સંપાદક છે નીલમ દોશી.

કોમ્પ્યુટર-લેપટોપ અને મોબાઈલ ફોનના આગમન પછી સામાન્ય જનતાને અભિવ્યક્ત થવા માટે વિવિધ પ્લેટફોર્મ ઊભાં થયાં છે.  ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વગેરેને ટૂંકમાં સોશિયલ મિડીયા કહેવાય છે. આ સર્વે માધ્યમોની આપણાં સામાજિક જીવન પર ખાસી અસર પડી છે. આપણાં સાહિત્યમાં સ્વાભાવિકપણે સોશિયલ મિડીયાની હાજરી વર્તાવા માંડી છે. મમતા વાર્તામાસિકનો આ વિશેષાંક સમયસરનો છે. આ વિશેષાંકનું આયોજન કરવા બદલ સામયિકનો આભાર અને અભિનંદન.

અશ્મિ (ભારતીબેન ગોહિલ)

સોશિયલ મિડીયાની પહોંચ.

ભવાનકાકાના પૌત્રના અદ્રશ્ય થવાને લાંબા સમય બાદ પણ એની કોઈ ખબર મળતી નહોતી ત્યારે ગામના જ એક પત્રકારે સોશિયલ મિડીયાની મદદથી એને શોધી કાઢ્યો.

પુરુષ તરીકે જન્મેલા પૂરવમાં એક સ્ત્રી છુપાયેલી હતી. સંકોચવશ પૂરવ પોતાની ઓળખ જાહેર કરી ના શક્યો અને ઘર છોડી ગયો. એની મૂંઝવણનું વર્ણન વાર્તામાં સરસ થયું છે પણ એણે સ્ત્રીદેહ કેવી રીતે ધારણ કર્યો એની કોઈ વિગત વાર્તામાંથી મળતી નથી. શું એણે જાતિય પરિવર્તનની શસ્ત્રક્રિયા કરાવી? શું એ કોઈ કાઉન્સેલરને મળ્યો? નૃત્યના ઓનલાઈન ક્લાસ લેવાનાં શરુ કર્યા એટલે ગૃહત્યાગ કર્યા બાદ એ આર્થિક રીતે આત્મનિર્ભર થયો/થઈ એ બરાબર, પણ એની જાતીય ઓળખ કેવી રીતે બદલાઈ એની વિગત વાર્તામાં મળતી નથી. એકાદ વાક્યમાં પણ એ વાત સ્પષ્ટ કરી શકાઈ હોત. ફક્ત ઈચ્છા કરવાથી આવું પરિવર્તન શક્ય નથી.   

મદન બાવરા (યશવંત ઠક્કર)

ફેસબુક પર વાદ-વિવાદની વાત.

વાર્તા મહદ અંશે વર્ણનાત્મક અને અહેવાલાત્મક છે એટલે વાર્તારસ જેવું કંઈ અનુભવાતું નથી. એક કવિએ બનાવટી ઓળખ ધારણ કરીને પોતાનો જ ટીકાકાર ઊભો કર્યો એવી રસપ્રદ વાત છે પણ આલેખનની ત્રુટિના કારણે એક સરસ કલ્પના સારી વાર્તામાં આકાર લઈ શકી નથી.

રણનું ઝરણું (એકતા દોશી)

આભાસી સંબંધોની ખટ્ટીમીઠ્ઠી. દોસ્તી, એમાં વળી બ્રેકઅપ, લાંબો વિરામ, પુનર્મિલન. સેવન્ટી એમએમની સાડાચાર કલાકની ફિલ્મ જેવી વાર્તા પણ કંટાળાજનક નહીં, રસપૂર્ણ. વાચનક્ષમ.

નોંધનીય અભિવ્યક્તિઃ ////  ઓફિસ બહુ જલ્દી આવી ગઈ હતી. ////

સિલેબસની બહારની વાતઃ

કોઈ પણ વાર્તાકારે લેખક તરીકે એક ચોક્કસ ઓળખ જાળવી રાખવી જોઈએ. “એકતા નીરવ દોશી” અને “એકતા દોશી” બે જુદી જુદી વ્યક્તિ હોવાની શંકા કોઈને થઈ શકે કારણ કે બધાં સામયિકો વાર્તાની સાથે લેખકની છબી પ્રગટ કરતાં નથી.

કેલેન્ડરનું છેલ્લું પાનું (દીના પંડ્યા)

સોશિયલ મિડીયામાં બનાવટી ઓળખથી નવયુવતીઓ જોડે મૈત્રી વિકસાવી એમને લલચામણી ભૂમિ તરફ ખેંચી જતાં ફરેબી યુવકોની મોડસ ઓપરેન્ડીનો ચિતાર આપતી વાર્તા. અપેક્ષિત અંત પણ સિલસિલાબંધ ઘટનાઓના પ્રવાહી રજૂઆત. આજે જ્યારે અનેક કન્યાઓ ભોળપણમાં છેતરાતી આવી છે ત્યારે એમની આંખ ઉઘાડતી વાર્તા.

શબ્દપગલાં (મનહર ઓઝા)

વોટસ્એપ મંચ પર અજાણ્યા નંબર પરથી બ્રિજેશને આવેલા સંદેશાથી મીનુ જોડે પરિચય થયો અને બેઉની મૈત્રી થઈ. બંનેને સાહિત્યમાં રસ હતો એટલે કવિતાઓની આપલે થઈ. શરૂઆતથી જ બંને વચ્ચે અમુક શરતો થઈ હતી જેનું બંને પક્ષે પાલન થયું. પણ અચાનક સામે છેડેથી સંદેશા બંધ પડી જતાં  બ્રિજેશ મીનુને શોધવા નીકળી પડે છે. શું બ્રિજેશ અને મીનુની મુલાકાત થાય છે? બ્રિજેશ માટે શું સરપ્રાઈઝ હતું? અપેક્ષિત અંત છતાં વાંચનક્ષમ વાર્તા.  

ચોકડી (નિમિષા મજમુંદાર)

કોલેજની એક મધ્યમ વયની શિક્ષિકા મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે કારણ કે કોઈકે એના નામથી ફેસબુક આઈડી બનાવીને એકાઉન્ટ ખોલ્યું છે અને કોલેજનાં જ એક અપરિણિત યુવાન પ્રોફેસર જોડે પ્રેમાલાપ શરુ કર્યો છે. સંબંધિત યુવાન પ્રોફેસરની મદદથી એ જ્યારે અસલી ગુનેગાર સુધી પહોંચે છે ત્યારે એને આશ્ચર્યનો આઘાત લાગે છે.

આકર્ષક શરુઆત, રહસ્ય અકબંધ રહે એટલું જ નહીં પણ એ બેવડાતું જાય એવી રજૂઆત. ફુલ માર્કસ ફોર પ્રેઝેન્ટેશન. સારી વાર્તા સરસ રીતે કહેવાઈ છે.    

સેલ્ફી (દીવાન ઠાકોર)

અહીં પણ સ્ત્રી/પુરુષ બંને પક્ષે સોશિયલ મિડીયામાં બનાવટી ઓળખ ધારણ કરીને એકમેક સાથે ચેટિંગ કરવાની વાત છે. રમીલાને અનુભવી મંજુ માર્ગદર્શન આપે છે કે આમાં શું સાવધાની રાખવાની. એક પુરુષમિત્ર જોડે પ્રત્યક્ષ મુલાકાત ગોઠવાઈ જાય ત્યારે રમીલાને ગભરાટ થાય છે. એ મુલાકાત માટે જાય છે ખરી પણ જોડે મંજુને લઈ જાય છે. બંને જણી મુલાકાતના સ્થળે પેલા પુરુષમિત્રને ભૂલાવામાં નાખી એની છબી પાડી લે છે. છબીમાંના પુરૂષને ઓળખી જતાં રમીલાને આશ્ચર્ય થાય છે અને રમીલાને આઘાત લાગે છે. બની શકે કે એ રમીલાનો પતિ હોય. જો કે વાર્તામાં એવા પણ સંકેત અપાયાં છે કે  એ ખુદ રમીલાનો જ પતિ હોય.

આવા કિસ્સાઓમાં પોતાનાં જ પરિચિતો ભૂલભૂલમાં આભાસી મિત્રો બની જાય એવી શક્યતાઓ માત્ર વાર્તા/નવલકથા સુધી જ મર્યાદિત ના રહેતાં વાસ્તવિક પણ બની જતી હોય છે.

વાર્તાની વાત કરીએ તો રજૂઆત પ્રવાહી અને પ્રભાવી.

અનુવાદ

દુશ્મન એનાં હાથમાં (હર્નાન્ડો ટેલેઝ લિખિત મૂળ સ્પેનિશ વાર્તાના ડોનાલ્ડ યેટ્સ દ્વારા થયેલા અંગ્રેજી અનુ. પરથી ગુજરાતી અનુ. યામિની પટેલ)

રોમાંચક વાર્તા. વાચકને ખબર છે કે વાળંદના હાથમાં અસ્તરો છે અને એના હાથમાં દુશ્મનની ગરદન છે. એ ઈચ્છે ત્યારે દુશ્મનને વધેરી શકે છે. અહીં વાળંદના ચિત્તમાં સંઘર્ષ છે. વાળંદનો ધર્મ છે કે ઘરાકને ઈજા પહોંચાડ્યા વિના એની દાઢી કરવી. વાળંદના વેશમાં રહેલા સૈનિકનો ધર્મ છે કે એ શત્રુનો સફાયો કરે. વાળંદ શું કરે છે? પ્રતિભાવમાં શત્રુ શું કરે છે? રસપ્રદ વાર્તા. સફાઈદાર અનુવાદ.  

ટોલ્સટોયનાં ભોજવૃક્ષો (માસ્તિ વેંકટેશ અય્યંગર “શ્રીનિવાસ” લિખિત મૂળ કન્નડ વાર્તા, અનુ. સંજય છેલ)

પ્રસ્તુત લખાણ વાર્તા નહીં પણ અહેવાલ હોય એવું જણાય છે. વિશ્વવિખ્યાત લેખક ટોલ્સટોયને કેન્દ્રમાં લખાયેલી આ રચના કાલ્પનિક છે કે વાસ્તવિક એનો કશો ફોડ આ લખાણ જોડે નથી. આ લખાણ વિશે કોઈ નુક્તેચીની કરવી આ લખનાર માટે શક્ય નથી.

એટલાન્ટિકને આરપાર (મિશેલ વર્ન લિખિત મૂળ અંગ્રેજી વાર્તા, અનુ. યશવંત મહેતા)

દરિયાના તળિયે ટ્યુબની અંદર કલાકના ૧૮૦૦ કિલોમીટરની ઝડપે પ્રવાસ કરી શકનારી ટ્યુબ ટ્રેનના શોધકની જોડે કથક ટ્યુબ ટ્રેનનો રોમાંચક પ્રવાસ કરે છે. શું હતું એ રોમાંચક પ્રવાસનું સત્ય? મજેદાર વાર્તા. 

--કિશોર પટેલ, 18-11-23 09:06

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

 

Wednesday 15 November 2023

કુમાર ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ




 

કુમાર ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૮૨૨ શબ્દો)

પ્રસ્તુત અંક દીપોત્સવી વિશેષાંક છે.

થાપણ (દીના પંડ્યા)

દીર્ઘ નવલકથાનું બીજ ધરાવતી વાર્તા.

સુનાલી, સોમેશ અને તપન ત્રણ મુખ્ય પાત્રો. વિષયઃ પ્રેમની ખોજ અને માનવજીવનનો હેતુ, આધ્યાત્મિક ચિંતન.

સુનાલી અને તપન એકમેકના પ્રેમમાં હતા પણ ભારતીય પરંપરા મુજબ સંતાનોની પસંદગીને અવગણી માતાપિતાની પસંદ પ્રમાણે સુનાલીના લગ્ન ઉચ્ચશિક્ષિત અને સારા કુટંબના સોમેશ જોડે થાય છે. મહત્વાકાંક્ષી વૈજ્ઞાનિક સોમેશના જીવનમાં પત્ની માટે સમય કે સ્થાન નથી. એણે તો પોતાની માતાની ઈચ્છાપૂર્તિ કરવા લગ્ન કરેલાં. સોનાલીની ઈચ્છાઓને હસી કાઢે છે. સંસારસુખ અને સંતાનસુખથી અતૃપ્ત રહેલી સુનાલી પતિત્યાગ કર્યા બાદ માનસિક શાંતિ માટે માસી જોડે જાત્રાએ જાય છે. અહીં સાધુવેશમાં મળી ગયેલા પૂર્વપ્રેમી તપનની પણ એક કથા છે. તપને પણ લગ્ન કરેલાં પણ એક શારીરિક અને માનસિક બીમાર પુત્રને જન્મ આપી તપનની પત્ની મૃત્યુ પામી છે. અક્ષમ પુત્રને પોતાની થાપણ તરીકે સુનાલીને સોંપીને તપન આધ્યાત્મિક ઉન્નતિ કરવા સ્વતંત્ર બને છે. નવલકથાની વસ્તુને ચારે તરફથી દબાવીને વાર્તા તરીકે રજૂ કરવામાં આવી છે.  

ભરપૂર ઘટનાઓ અને અજબગજબ વળાંકો ધરાવતી વાર્તાની ભાષા સંસ્કૃતપ્રચૂર અને કૃત્રિમ જણાય છે.

રાહ જોજે (ચેતન શુક્લ, “ચેનમ”)

પ્રણયસંબંધમાં અમોલી છેતરાઈ છે. પ્રેમી જોડેના સંબંધથી એ ગર્ભવતી થઈ ગઈ છે ને પ્રેમી પલાયન થઈ ગયો છે. એ ચિઠ્ઠી લખતો ગયો છે કે “રાહ જોજે.” ધીરજ ગુમાવી બેઠેલી અમોલી આત્મહત્યાના ઈરાદે નદી પરના પુલ પર જાય છે. કંઈક એવી જ માનસિક સ્થિતિમાંથી પસાર થતો મલય પણ એ જ ક્ષણે આપઘાતના ઈરાદે પુલ તરફ જઈ રહ્યો હતો.

છેવટની ક્ષણે પુલ પર એક નાનકડા બાળકને હસતોરમતો જોઈને અમોલીનો નિર્ણય બદલાય છે. એ જિંદગી સાથે લડી લેવાનું નક્કી કરે છે ને પ્રેમીના પત્રને ફાડીને ફેંકી દે છે.  પત્રના ટુકડા મલયના હાથમાં આવે છે જેમાંનાં “રાહ જોજે” શબ્દો વાંચી મલયને નવું બળ મળે છે, એ પણ આત્મહત્યા કરવાનું માંડી વાળે છે.

એક જ વાતની જુદી જુદી અસરઃ જે બે શબ્દો વાંચી એક વ્યક્તિ આત્મહત્યા કરવા નીકળે એ જ બે શબ્દો વાંચીને બીજી વ્યક્તિ આત્મહત્યા કરવાનું માંડી વાળે છે.

અમોલીના મનોભાવોનું આલેખન સરસ. જે કહેવાનું છે તે સીધી રીતે ના કહેતાં અન્ય રીતે વાર્તાના આરંભના હિસ્સામાં કહેવાયું છે. આને જ કહેવાય વાર્તાની કળા.

એક નાનકડી ક્ષતિઃ

“...અમોલીએ પોતાની બે આંખો વિસ્ફારિત કરી.” આ વાક્યનો અર્થ શું થાય? “વિસ્ફારિત” એટલે પહોળું, ફાટેલું. (સંદર્ભઃ સાર્થ જોડણીકોશ) જે ઓલરેડી પહોળું થયેલું છે તેને કેવી રીતે પહોળું કરશો? પ્રસ્તુત વાક્યના સ્થાને “...એની આંખો પહોળી થઈ ગઈ.” અથવા “...એ વિસ્ફારિત આંખોથી જોઈ રહી.” જેવો પ્રયોગ ઠીક રહેશે.

નવી મોમ (ગિરીશ ભટ્ટ)

બાર-તેર વર્ષની નેત્રાએ માતા ગુમાવી દીધી એટલે પિતાએ એને દૂર હોસ્ટેલમાં મૂકી દીધી. મમતાળુ શિક્ષિકાઓ અને અન્ય સમવયસ્ક કન્યાઓ જોડે રહીને પણ નેત્રાને પોતાની માતાની ખોટ સાલ્યા કરે છે. પિતાના ક્રોધી સ્વભાવને કારણે માતાનું મૃત્યુ થઈ ગયું એવી ગ્રંથિ એને પિતા માટે થઈ જાય છે. એમાં વળી પિતા એક વિડીયોકોલ દ્વારા એને ખબર આપે છે કે પોતે બીજાં લગ્ન કર્યાં છે. નેત્રાનીનવી મોમનો પરિચય તેઓ વિડીયો ફોનમાં કરાવે છે. પુરુષો કેવા હ્રદયહીન અને સ્વાર્થી હોય છે જેવી ચર્ચા હોસ્ટેલમાં સખીઓ વચ્ચે થવા માંડે છે.

એવામાં એક દિવસ નેત્રા પર નવી મોમનો વિડીયો ફોન આવે છે. નવી મોમની વાત સાંભળી નેત્રા પર શું અસર થાય છે? એ વધુ દુઃખી થાય છે?   નવી મોમ વિશે એના પર કેવી છાપ પડે છે?

વરિષ્ઠ વાર્તાકાર પાસેથી મળેલી માનવીય સંબંધોની હ્રદયસ્પર્શી વાર્તા. આ લેખકે આ પ્રકારની એકથી એક ચડિયાતી વાર્તાઓ આપી છે એમાં એકનો ઉમેરો. હા, એક કિશોરીના પોઈંટ ઓફ વ્યુથી વાર્તા કહેવાઈ છે એ નાવીન્યની નોંધ લેવી રહી.

અકસ્માત (આર.કે. લક્ષ્મણ, અનુવાદઃ પરાગ ત્રિવેદી)

અંધારી આલમની એક ઝલક.

અપરાધની દુનિયામાં દાગા નામના ખૂંખાર માણસના સાથી તરીકે લાંબો સમય કામ કર્યા પછી કૈલાસ નક્કી કરે છે કે ક્રૂર દાગાથી દૂર ભાગી જવું. ભાગી છૂટેલા કૈલાસને એક દિવસ દાગા શોધી કાઢે છે. પછી કૈલાસનું શું થાય છે? રસપ્રદ રજૂઆત.

વિશ્વખ્યાત કાર્ટુનિસ્ટ આર.કે. લક્ષ્મણે ટૂંકી વાર્તાઓ પણ લખી હશે એવી જાણ નહોતી. ભાવકને અંધારી આલમમાં એક ડોકિયું કરવાની તક આ વાર્તા થકી મળે છે.

લઘુકથાઓ

અડવા હાથ (નગીન દવે)

શીલાના પતિની સરકારી નોકરીની આવક ટૂંકી છે પણ એ અન્યોની મદદ કરે છે. શીલાની સાસુ ગામડે રહે છે ને આત્મનિર્ભર છે. એ દીકરા-વહુની ઓશિયાળી નથી, ઉલ્ટાની પુત્રના સ્વભાવથી પરિચિત માતા પોતાનું રર્હ્યુસહ્યું ઘરેણું વેચીને એની જાત્રાએ જવાની વ્યવસ્થા કરી આપે છે. પતિના પરગજુ સ્વભાવને કારણે શીલા ઘરખર્ચમાં ખૂટતાં નાણાં પોતાની બંગડીઓ ગીરવે મૂકીને લાવે છે. કોઈ કંકાસ કરતું નથી, એકમેક જોડે એમણે સમભાવ કેળવી લીધો છે.

એકબીજાથી જુદાં પડતાં ત્રણ પાત્રોનો સરસ પરિચય તદ્દન ઓછાં શબ્દોમાં લેખકે કરાવ્યો છે. અસરકારક લઘુકથા.  

એકલી છું (પ્રફુલ્લ રાવલ)

ઓફિસરની રુએ રીતિએ વિનયનું ટેન્ડર ભલે નકારી કાઢ્યું હોય પણ એ નિમિત્તે એ વિનયની પુનઃ મુલાકાત ઈચ્છતી હતી, એને જાણ કરવા માગતી હતી કે પોતે હજી એની રાહ જુએ છે.

ગણતરીના શબ્દોમાં ચોટદાર લઘુકથા.

ધૈર્ય (ધર્મેન્દ્રસિંહ રાઠોડ)

અન્ય સ્ત્રી જોડે સંબંધ રાખી પોતાને અન્યાય કરતા પતિ જોડે સંઘર્ષમાં ઉતરવાને બદલે પતિત્યાગ કરી નાયિકા આત્મનિર્ભર બની આત્મસન્માન સાચવી લે છે.

પણ આટલી સરસ લઘુકથામાં કથનશૈલીનો લોચો? પ્રથમ વ્યક્તિ કેન્દ્રશૈલીમાંથી અચાનક સર્વજ્ઞ કથનશૈલી? ઈતની સી કહાનીમેં ઈતના બડા લોચા?

--કિશોર પટેલ, 16-11-23 09:07

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###