બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ જૂન ૨૦૨૪
“જીવનમાં ઘણું બધું છે.”
ગુજરાતી રંગભૂમિ જોડે જેમના પણ છેડા અડ્યા છે તેમને જાણ છે કે આ ઉક્તિના કોપીરાઈટસ કોની પાસે છે. રસ્તામાં આ ભાઈ તમને મળી જાય તો “હેલ્લો” અથવા “કેમ છો?” ના બદલે તેઓ બોલશેઃ “જીવનમાં ઘણું બધું છે.”
બાલભારતી વાર્તાવંતના ઉપક્રમે શનિવાર તા. ૨૨ જૂન ૨૦૨૪ ની સંધ્યાએ મહેમાન હતા ગુજરાતી રંગભૂમિના જાણીતા નાટયલેખક અને અભિનેતા જિતુ મહેતા. એમની એક લઘુનવલના મહત્વના અંશોનું પઠન એમણે કર્યું. આ પઠનમાં એમનો સાથ નિભાવ્યો એમના જીવનસાથી જિજ્ઞા દેસાઈએ. આ ઉપરાંત જિતુભાઈએ શ્રોતાઓ સાથે વહેંચ્યા એમની લેખનયાત્રાના મજેદાર કિસ્સાઓ.
રોજ સાંજે ઓફિસથી નીકળી ઘેર જવાને બદલે મયખાનાની રાહ પકડનારા કથાનાયકને એક સાંજે એક આકર્ષક અને રહસ્યમયી રમણી મળી જાય છે. એ સાંજ એના જીવનનો રાહ બદલી નાખનારી બની જાય છે. પણ કેવી રીતે? એક્ઝેટલી શું થાય છે એ સાંજે? એ જાણવા તો વાંચવી પડે જિતુ મહેતા લિખિત લઘુનવલઃ “સમજૂતી.” આ લઘુનવલ પાંચ હપ્તામાં ગુજરાતી મિડ-ડેમાં પ્રગટ થઈ હતી. ત્યાર બાદ પુસ્તકરુપે પણ એ પ્રસિધ્ધ થઈ છે.
ગયા દાયકામાં મુંબઈમાં વિલેપારલે કેળવણી મંડળની મીઠીબાઈ કોલેજ ખાતે શરુ થયેલી વિજય દત્ત નાટ્ય એકેડેમીના પહેલી જ બેચના વિધાર્થીઓમાં એક જિતુ મહેતા પણ હતા. ગુજરાતી રંગભૂમિના અગ્રણી કલાકારો એકેડેમીના શિક્ષકગણમાં સામેલ હતા. પીઢ અભિનેતા પ્રા. વિષ્ણુકુમાર વ્યાસ અને વરિષ્ઠ રંગકર્મી દિનકર જાની જેવા ખ્યાતનામ કલાકારો પાસેથી એમણે તાલીમ લીધી. મનોજ જોશી અભિનીત “ચાણક્ય” નાટકથી એમની નાટ્યયાત્રા શરુ થઈ. એ પછી અનેક નાટકોમાં નાનીમોટી ભૂમિકાઓ એમણે ભજવી છે. જરુર પડ્યે તેઓ સંવાદોનું પુનઃલેખન પણ કરે છે. એમણે સ્વતંત્રપણે કેટલાંક નાટકો પણ લખ્યાં છે. કામ કામને શીખવાડે એ રીતે કેટલીક ગુજરાતી ફિલ્મોના સંવાદ પણ એમણે લખ્યાં. ટીવીની અનેક ધારાવાહિક શ્રેણીઓમાં પણ એમણે લેખનકાર્ય કર્યું છે.
જિતુ મહેતાની નમ્રતા જુઓ. જાહેર મંચ પરથી એમણે કબૂલ કર્યુ કે શાળેય જીવન દરમિયાન વિધાર્થી તરીકે તેઓ ઠોઠ હતા. આપણે જોઈ શકીએ છીએ કે આજે એમણે અચ્છા અભિનેતા અને સફળ લેખક તરીકે પોતાની જાતને સાબિત કરી છે. કદાચ એમની આ નિખાલસતા અને પારદર્શિતાએ જ એમને એક જવાબદાર અને કર્મનિષ્ઠ કલાકાર બનાવ્યા છે.
અને હા, બ્રેકમાં બાલભારતીની લિજ્જતદાર કોફીની તો શું વાત કરવી? પેલું અંગ્રેજીમાં કહે છે તેમ આઈસિંગ ઓન ધ કેક!
–કિશોર પટેલ, સોમવાર તા. ૨૪ જૂન ૨૦૨૪.
* * *
No comments:
Post a Comment