Monday, 24 June 2024

એતદ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ


 એતદ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



હું… કોણ…?  (નીલેશ રાણા)


જાહેર સ્થળે કેટલાંક લોકો આસપાસનું નિરિક્ષણ કર્યાં કરતાં હોય છે. ટ્રેન પ્લેટફોર્મ પર આવતાં પહેલાં એક યુવતી પર નજર પડતાં કથક એનાથી આકર્ષાયો છે,  સામેના બાંકડા પર એની સીટ હોવાથી કથકને એ યુવતી પર નજર રાખવામાં સરળતા રહે છે. કથક જુએ છે કે એની બાજુમાં બેઠેલો યુવાન યેનકેનપ્રકારે યુવતી જોડે સંવાદ સાધવામાં સફળ થાય છે. કથકને થાય છે કે યુવાનનો ઈરાદો સારો નથી. એને યુવતીની ચિંતા થવા માંડે છે. તક મળતાં જ એકલી પડેલી યુવતીને એ યુવાનથી ચેતતા રહેવાની ભલામણ પણ કરે છે. 


શું થાય છે પછી? અંતિમ વાક્યમાં વાર્તા સંપૂર્ણપણે ફરી જાય છે. કોણે કોનાથી સાવચેત રહેવાનું હતું? જબરી ક્લાઈમેક્સ.  


માનસિક રમતના આટપાટા. સરસ વાર્તા.  


હજી તો કેટલુંય બાકી છે  (કંદર્પ દેસાઈ)


નારીચેતનાની વાર્તા.


ડીવાયએસપીના હોદ્દા પર રહેલી અદિતિને રાતદિવસ ગુનેગારો સાથે કામ પાડવાનું રહે છે. એમ છતાં  એનું મન કઠોર નથી થયું, ખાસ કરીને સ્ત્રીગુનેગારો પ્રતિ એનું વલણ સહાનુભૂતિભર્યું રહે છે. હત્યા જેવા ગુનામાં કોઈ સ્ત્રી સંડોવાય ત્યારે અદિતિને ખાતરી હોય છે કે જે તે સ્ત્રીની જોડે હદ્દ બહારનો અન્યાય થયો હશે. 


વાર્તામાં ત્રણ-ચાર એવા કિસ્સાઓનો ઉલ્લેખ થયો છે જેમાં પુરુષોએ સ્ત્રી જોડે ગેરવર્તાવ કર્યો હોય, એને ઉતરતી ગણીને એને અન્યાય કર્યો હોય. પરિણામે જે તે સ્ત્રીએ પુરુષ વિરુધ્ધ ગુનો આચર્યો હોય છે.. શા માટે અદિતિ એવી દરેક સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ અનુભવે છે?  એવા દરેક કિસ્સામાંથી અદિતિ શું પ્રેરણા મેળવે છે?  અદિતિના પોતાના સંસારનું ચિત્ર કેવું છે? 


રસપ્રદ વાર્તા.   


જીવવું (અશ્વિની બાપટ)


મનુષ્ય તેમ જ મનુષ્યેતર પ્રાણીઓને એમના શરીરની રચનાથી ઓળખી શકાય છે.  કોઈ માણસ અને એના શરીરના અવયવ એમ બંનેનું અલગ અલગ અસ્તિત્વ હોય ખરું? 


વાર્તાકારે અહીં પ્રયોગ કર્યો છે. નાયિકાના અંગોને એણે છૂટાં પાડીને જોયાં છે, એમની પાસે સ્વતંત્ર હલનચલન કરાવ્યું છે. 


વાત છે પિતા-પુત્રી સંબંધની. દીકરી પાંચ વર્ષની હશે એ સમયે કથક કોઈક કારણવશાત દીકરીથી દૂર થઈ ગયો હતો.  કદાચ કોઈ કારણથી કથકના છૂટાછેડા થયાં હોય.  એની પત્નીનું શું થયું એનો ઉલ્લેખ વાર્તામાં નથી કારણ કે એ વિષય નથી. વાત છે આ સંબંધવિચ્છેદના પરિણામની દીકરી પર થયેલી અસરની. કથકને ઘણે મોડેથી ખબર પડે છે દીકરી દુઃખી છે. એ જુએ છે કે દીકરી જીવે છે પણ જીવ વિના. એટલે કે એ જીવન વેંઢારી રહી છે. 


વાર્તાનો અંત અર્થપૂર્ણ છે. કથક પણ દીકરીની જેમ પોતાનું એક અંગ છૂટું પાડી દે છે. એ પોતાનું હ્રદય દીકરી પાસે મૂકી દે છે. કથક દીકરીની નાતમાં વટલાઈ જાય છે, ઉ.જો.ની વાર્તા “લોહીની સગાઈ”ના અંતમાં મંગુ એની દીકરીની નાતમાં વટલાઈ ગઈ હતી, ડિટ્ટો એમ જ.. 


સાદી સરળ વાતની વિલક્ષણ રજૂઆત. પ્રયોગાત્મક પણ સાધંત સુંદર નમૂનેદાર ટૂંકી વાર્તા. ક્યા બાત!  


વાંસળીનું સ્વપ્ન (મૂળ લેખકઃ હરમન હેસ અનુ.હસમુખ કે. રાવલ)


નોબેલ પ્રાઈઝ વિજેતા હરમન હેસની મૂળ જર્મન ભાષાની આ વાર્તામાં પુખ્ત થઈ ગયેલા એક યુવાનને એના પિતા વિદાય આપતાં કહે છે કે જીવનમાં સુંદર ગીતો ગાતો રહેજે. યુવાનને પ્રારંભમાં સારાં અનુભવો થાય છે. એ સરસ મઝાનાં ગીતો  ગાતો રહે છે. એક કન્યા જોડે પરિચય થાય છે. કન્યા જોડે મધુર ક્ષણો ગુજારી એનાથી છૂટો પડીને સફરમાં આગળ વધે છે. હવે એને એક વૃધ્ધ માણસ મળે છે. એ વૃધ્ધ એને જીવનની બીજી બાજુનો અનુભવ કરાવે છે. એને સમજાય છે કે જીવન આવું જ છે, સુખદુઃખ આવતાં જતાં રહે છે. 


એક રીતે આ આપણાં સહુની કથા છે.  સરસ વાર્તા. 


–કિશોર પટેલ, મંગળવાર, ૨૫ જૂન ૨૦૨૪.


###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 

 


No comments: