નવનીત સમર્પણ જૂન ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ
બીજો અધ્યાય (છાયા ઉપાધ્યાય)
આત્મજ્ઞાન થવું.
મંત્રીજીના દીકરાને ભણાવતા શિક્ષક સિંકદર-પોરસની વાર્તા અને સિકંદરના શિક્ષક એરિસ્ટોટલના વાતો કહ્યા પછી ઉપસંહારમાં કહે છે કે બધા રાજા કંઈ સિકંદર જેવા નથી હોતા અને બધા શિક્ષકો કંઈ એરિસ્ટોટલ નથી હોતા. આ વાત સાંભળીને મંત્રીજી પોતાના સેક્રેટરી મયૂરને પૂછે છે કે આ એરિસ્ટોટલ કોણ હતો? એરિસ્ટોટલ વિશે મયૂર પાસેથી જાણ્યા પછી મંત્રીજીને થાય છે શિક્ષકની નિમણુંકમાં ભૂલ થઈ નથી. તેઓ શિક્ષકના પગારમાં થોડોક વધારો કરી આપવાની સૂચના મયૂરને આપે છે.
મયૂર મંત્રીજીને કહે છે કે પોરસે સિકંદરને કહ્યું કે એક રાજા બીજા રાજા જોડે જેવો વ્યવહાર કરે તેવો મારી સાથે કરો એવું શીખવાડાય છે અને આપણે એટલું જ યાદ રાખીએ છીએ. હકીકત એ છે કે સિકંદરે પોરસને મોતની સજા ના આપતાં પોતાના રાજ્યનો એક સૂબો બનાવ્યો હતો. ટૂંકમાં, સિકંદરે પોરસને એના કદ પ્રમાણે વેતરી નાખ્યો હતો.
મયૂર પોતે ભણીગણીને ઊંચા શિખરો સર કરવા ઈચ્છતો હતો પણ એક મંત્રીનો પીએ બનીને એ અટકી ગયો હતો. એ પોતે પોરસ જોડે સમાનુભૂતિ અનુભવે છે. મયૂરને આત્મજ્ઞાન થાય છે. વાચનક્ષમ વાર્તા.
નંબર ૧૦૨ (ધર્મેન્દ્ર ત્રિવેદી)
ગાયનું નામ પડે એટલે દિનેશજી પિત્તો ગુમાવી બેસે છે. રસ્તા વચ્ચે ગાય આવી જવાથી મનિયાની બાઈકનો ભીષણ અકસ્માત થાય છે. મનિયાનું ભરજુવાનીમાં મૃત્યુ થઈ જાય છે. મનિયો એટલે દિનેશજીનો સાળો. એની જોડે એમને સરસ ફાવતું. હોસ્પિટલમાં મનિયાની ઓળખ એના નામથી નહીં પણ “ન. ૧૦૨” તરીકે થાય છે એની સામે પણ દિનેશજીને વાંધો પડે છે.
માણસના મગજની પિન ક્યાં અટકી જાય એનું કોઈ ચોક્કસ ગણિત નથી. માનવીના મનના આટાપાટા. પઠનીય અને સરસ વાર્તા.
ખાડો (મુહમ્મદ આરિફ)
હાજીસાહેબને બીજી શાદી કરવી છે. તેઓ એક પરિણીતાથી મોહિત થઈ ગયા છે. કુંવારી, ડિવોર્સી, ત્યક્તા કે વિધવા હોય તો માંગુ નાખી શકાય પણ પરિણીતા જોડે કેવી રીતે ગોઠવાય?
એની પાસે પ્રેમનો એકરાર પણ કેવી રીતે કરવો? એના પતિની સાથે સાથે એ સ્ત્રીને પણ ભેટ આપવી એવું વિચારીને એક વાર હાજીસાહેબ બંને માટે કપડાંની જોડ ખરીદીને બાઈક પર જતા હોય. રસ્તા વચ્ચે ખાડો દેખાતાં કોઈ એમને ચેતવણી આપીને અકસ્માત થતાં બચાવી લે છે. હાજીસાહેબને થાય છે કે આ તો અલ્લાએ જ બચાવ્યો! એક શાદીશુદા સ્ત્રી પાસે ભેટ લઈને જતાં ખુદાએ જ અટકાવ્યો!
ખોટું કામ કરતા હાજીસાહેબ સમયસર અટકી ગયા એના બદલામાં એમને ખુદા તરફથી બક્ષિસ મળે છે. કેવી રીતે? એ જાણવા તો વાર્તા વાંચવી પડે.
–કિશોર પટેલ, સોમવાર, ૧ જુલાઈ ૨૦૨૪
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###